Opinion Magazine
Number of visits: 9457828
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વ્યારાના વિદ્યાવતીએ આલેખેલાં સમૃદ્ધ વ્યક્તિચિત્રોનો સંચય

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|13 August 2023

પુસ્તક પરિચય

દક્ષાબહેન વ્યાસ

‘પથપ્રદીપ’ વ્યારાના વિદુષી દક્ષાબહેને આલેખેલાં સત્તાવીસ વ્યક્તિચિત્રોનો સંચય છે. લેખિકા નિવેદનમાં જણાવે છે કે ‘મારા ઘડતર અને વિકાસમાં સીધી કે આડકતરી રીતે ભાગ ભજવનારા અને મને આપ્તજન ગણનારા કેટલાક ગુરુજનોની હૃદયસ્થ છવિઓ અહીં અંકિત કરવાનો પ્રયાસ કર્યો છે.’

અહીં દક્ષાબહેનનાં અધ્યાપકો, શાળાશિક્ષકો, માતપિતા અને વિદ્યાગુરુઓ છે. જાણીતા સાહિત્યકારો ઉપરાંત વ્યારાના જાહેરજીવનના સેવકોના વ્યક્તિચિત્રો પણ આલેખાયાં છે. દક્ષાબહેને પ્રાસાદિક શૈલીમાં વ્યક્ત કરેલા આદર અને કૃતજ્ઞતાભર્યા હૃદયભાવની સાચકલાઈ વાચકને પહોંચે છે. 

બ્યાશી વર્ષની વયે પણ સામાજિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સક્રિય વિવેચક-સંશોધક-અનુવાદક-સંપાદક દક્ષાબહેનના સદભિ: સંગના નિમિત્ત અનેક છે.

સૂરતની એમ.ટી.બી. કૉલેજના પ્રવેશ ટાણે ‘પરમ આદરણીય મનીષી’ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પહેલવહેલાં નિકટદર્શન થયાં, અને પછી આ મૂર્ધન્ય વિવેચકના માર્ગદર્શનનો લાભ દક્ષાબહેનને મળતો જ રહ્યો.

કૉલેજના આચાર્ય હતા ‘સદભાવ સભર મહેતા સાહેબ (કુંજવિહારી મહેતા)’. ‘એમની ધાક નહીં, પણ પ્રભાવ અને પ્રેમ’. આ કૉલેજના અધ્યાપક અને ગુજરાતીના જાણીતા કવિ જયંત પાઠક ‘વિદ્યાગુરુ પાઠક સાહેબ’ તે દક્ષાબહેનના સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા પરના પીએચ.ડી. સંશોધનના ગાઇડ.

થિસીસ પરથી પ્રસિદ્ધ થયેલું પુસ્તક ગુજરાતી વિવેચનમાં મહત્ત્વનું ગણાય છે. ગાઇડે થિસીસ પર ‘પાંચમા લખાણે સ્વીકૃતિની મહોર’ મારી. તે થિસીસ લખવામાં ‘વાત્સલ્યમૂર્તિ હીરાબહેન પાઠક’ના સતત ધક્કા અને માર્ગદર્શન મોટું પરિબળ હતાં. દક્ષાબહેને પીએચ.ડી. માટેના સંશોધનનો ઉલ્લેખ સાત વ્યક્તિચિત્રોમાં કર્યો છે.

પોરબંદરની કૉલેજમાં અધ્યાપન દરમિયાન એક વાર કાર્યક્રમના વક્તા ‘સૌહાર્દપૂર્ણ મહામના ગુલાબદાસ બ્રોકર’નો પરિચય દક્ષાબહેનને આપવાનો આવ્યો.

એ કૉલેજના આચાર્ય હતા ‘સૌજન્યમૂર્તિ રમણલાલ ઉમરવાડિયા’, સંસ્થાના આધારસ્તંભ હતા ‘વાત્સલ્યમૂર્તિ બાપુજી : શેઠશ્રી નાનજી કાળિદાસ મહેતા’ અને સંસ્કૃતના બહુશ્રુત અધ્યાપક ‘સાત્ત્વિકતાની અનોખી પ્રતિમા : શંકરદેવ વિદ્યાલંકાર’. આ ત્રણેય વ્યક્તિઓ અહીં છે.

દક્ષાબહેનને તેમની ‘સિસૃક્ષાને ઉજાગર કરનારા’ સંપાદકો મળ્યા – ‘ઋજુહૃદયી શાલીન ભગવતી કુમાર શર્મા’ અને ‘સ્નેહસભર પ્રબોધભાઈ રમણલાલ જોશી’.

‘શબ્દયાત્રાના સંગાથી : નવીન કા. મોદી’ સાથે શાળાકાળથી ‘જોગાનુજોગ મૈત્રીના તાણાવાણા બંધાયા’. નવીનભાઈએ દક્ષાબહેનનો પીએચ.ડી. થિસિસ કલાકો વીતાવીને ટાઇપ કરાવેલો.

લેખિકાની કલમે ‘નખશીખ સજ્જન જયંત પંડ્યા’ અને ‘સંસ્કૃતિપુરુષ દર્શક’ મળે છે. પ્રાસયુક્ત પદાવલીઓમાં તેઓ દર્શક વિશે લખે  છે : ‘સાંપ્રત સાથે સાતત્યપૂર્વક રહીને તેઓ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને ઉપાસતા રહ્યા અને પ્રશિષ્ટતાને પ્રતિબિબિંત કરતા રહ્યા.’

વ્યારાના લોકો માટે દક્ષાબહેને કરેલું યાદગાર કામ એટલે ‘અરધી-પોણી સદી પહેલાંના આ ધુળિયા ગામ’ના શ્રી શિવાજી સાર્વજનિક પુસ્તકાલયની કાયાપલટ. તેના પર તેમણે ‘યાત્રાપથ’ પુસ્તક પણ લખ્યું છે.

ગ્રંથાલય વિસ્તરણ પ્રવૃત્તિ લોકકેળવણી સુધી વિસ્તરી. દક્ષાબહેને ગામીત આદિવાસી સમુદાય પર પણ સંશોધન કર્યું છે. દક્ષાબહેનને અનાથ બાળકો, બાળમજૂરો, અપરાધમાં આવેલાં બાળકો અને  સેક્સ વર્કર્સના સંતાનો માટે પણ કામ કર્યું છે.

અખિલ હિંદ મહિલા પરિષદના ભગિની સમાજના વ્યારા એકમમાં તેમણે મહિલાઓને બૌદ્ધિક પ્રવૃત્તિ તરફ વાળવાના ઉપક્રમો ચલાવ્યાં અને મહિલાઓ માટે નિ:શુલ્ક કાનૂની સહાય કેન્દ્રમાં છ વર્ષમાં છસોથી વધુ કેઇસેસ પર કામ કર્યું.   

તેમના આ પાસા વિશે બારડોલીના અંગ્રેજીના અધ્યાપક અને સાહિત્યના અભ્યાસી સંધ્યા ભટ્ટે લીધેલી અને ઑક્ટોબર 2016ના ‘શબ્દસૃષ્ટિ’માં પ્રસિદ્ધ થયેલી તેમની મુલાકાતમાં જાણવા મળે છે.

‘વ્યારા મારું વતન એટલે એના કણ કણ માટે વહાલ જાગે. એના વિકાસ-રકાસથી આંદોલિત થવાય. આ વતનની લાગણીની માપણી ન થાય’, એમ કહેનાર દક્ષાબહેન વ્યારાના સાર્વજનિક જીવનનો આદરપાત્ર હિસ્સો હોય તે સ્વાભાવિક છે.

એટલે વ્યારાના ત્રણ સામાજિક કાર્યકરો પણ અહીં છે : ‘સૌના લાડકવાયા ડૉ. મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ’, ‘સારસ્વત ચંપકલાલ ડાહ્યાભાઈ વ્યાસ’ અને ડૉ. માર્કંડ નરેન્દ્ર ભટ્ટ.

‘ગુરુકૃપા હિ કેવલમ’માં શાળા અને કૉલેજમાં લેખિકાના સત્તરેક શિક્ષકોનો મિતાક્ષરી પરિચય છે. છેલ્લો લેખ માતાપિતા પરનો છે. તેમાં માતુશ્રી સરસ્વતીબહેનની મહત્તા ઉપરાંત તેમણે માંદગીઓ અને સારવારમાં વેઠેલી યાતનાઓનું  બયાન સ્પર્શી જાય છે.

પુસ્તકનાં પાત્રો એકંદરે ચીલે ચાલનારા અને સપાટ છે, પણ તેમની વચ્ચે નોખાં તરી આવે છે ઉપેક્ષિત વાર્તાકાર તેમ જ શિક્ષણસંશોધક પ્રફુલ્લ દવે ઉર્ફે ઇવા ડેવ, અને રૅશનાલિસ્ટ રમણ પાઠક. ‘વાગ્દેવીના વિરલ વાણોતર : મહેન્દ્ર મેઘાણી’નું અત્યંત ઉચિત ગૌરવ અહીં થયું છે.

તેમના નાના ભાઈ ગ્રંથવિદ અને પ્રકાશક ‘જયંત મેઘાણી : શીલ સુવાસિત વ્યક્તિત્વ’ આ સંચયનું સૌથી સુંદર શબ્દચિત્ર છે. તેની નજીક વ્યારાના અંગેજીના શિક્ષક વિનુભાઈ મજમુદાર છે.

લગભગ દરેક શબ્દચિત્રમાં નાયક/નાયિકાના કદકાઠી, વરણવેશ અને વાણી-વ્યવહાર-વર્તનનું વર્ણન છે. કેટલાકને પહેલવહેલા કેવી રીતે નજીકથી મળવાનું બન્યું તેની મુગ્ધતાભરી સાંભરણો છે.

તદુપરાંત વ્યક્તિઓની સાહિત્યિક કે બૌદ્ધિક ઊંચાઈ તેમ જ તેમની ઉમદા ક્ષણો લેખિકા અસરકારક રીતે નોંધે છે. ઇવા ડેવ કે ગાંડુભાઈ દેસાઈ જેવામાં ક્વચિત લોકાપવાદના ઇંગિતો પણ છે. દર્શક, વર્ષા અડાલજા અને ડૉ. મહેન્દ્રભાઈના સમગ્ર પ્રદાનનું અવલોકન છે.

વ્યક્તિચિત્રોમાંથી કેટલીક વિશિષ્ટ માહિતી મળી આવે છે. જેમ કે ર.વ. દેસાઈના ‘પૂર્ણિમા’ નાટકમાં વર્ષાબહેને રાજેશ્વરીનો અભિનય એટલી તન્મયતાથી કર્યો કે એમના પિતા ગુણવંતરાય આચાર્યને તેમની દીકરી સાચેસાચ નાચનારી બની છે એવી લાગણી થઈ અને હૃદયરોગનો હુમલો આવ્યો.

ડૉ. મહેન્દ્રભાઈ ‘લાંચ લેવી ફરજિયાત જેવી બની જતાં હોમિયોપાથિક કૉલેજ બંધ કરવાનો નિર્ણય કર્યો.’ વ્યારાની શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણ પ્રવાસ દરમિયાન આદિવાસીઓએ ગેરસમજથી કરેલા હુમલામાં એક વિદ્યાર્થી મૃત્યુ પામ્યો. તેનાથી આઘાત પામેલા બે શિક્ષકો ઇશ્વરભાઈ દેસાઈ અને પટેલ સાહેબ પોતે જ શાળા છોડીને ચાલ્યા ગયા.

સહવાસચિત્રો અને સંસ્મરણો ઉપરાંત ‘મૂલ્યવાન ખજાનાની પેઠે’ જાળવેલા પત્રો પુસ્તકની વાચનીયતામાં ઉમેરો કરે છે. લેખિકાએ ચરિત્રનાયકોના ટાંકેલા ભાવવાહી પત્રો તેમને ડૉક્ટરેટ માટે માર્ગદર્શન કે અભિનંદન આપતાં, થિસીસ માટે કે પુસ્તકની પ્રશંસા કરનારા અને તેમની નાજુક તબિયતની ચિંતા બતાવનારા છે. વર્ષાબહેનના જીવનકાર્ય પરના લેખનો ઘણો હિસ્સો પત્ર દ્વારા પ્રશ્નોત્તરીને આધારે લખાયો છે.

પત્રોની જેમ કેટલીક વ્યક્તિઓનો અંત પણ વ્યક્તિચિત્રોનો હૃદયસ્પર્શી હિસ્સો છે. હીરાબહેનની અને ઉમરવડિયાની કૅન્સરના છેલ્લા દિવસોમાં અસ્પતાલોમાં થયેલી મુલાકાતનાં ટૂંકા વર્ણનો છે. આખરી વર્ષોની લાચાર અવસ્થામાં રમણ પાઠકની તાકાત અને નવીનભાઈની ધીરજ લેખિકા નોંધે છે.

દર્શકના અવસાન પર એ લખે છે : ‘કેટકેટલું સંચિત એમની સાથે જ ચાલ્યું ગયું’. ‘જયંત મેઘાણીની શીલસુવાસિત હસ્તી કમ્પ્યૂટર પર કામ કરતાં કરતાં જ પરધામે પહોંચી ગઈ’. જયંત પાઠકે ક્યારેક લખેલી પંક્તિ શબ્દશ: સાચી પડી : ‘બસ, આમ જ હીંચકે ઝૂલતાં ઝૂલતાં જાય મીંચાઈ આંખ’.

અદકી, ઓળઘોળ, સવાદિયા જેવા શબ્દો મળે; તો બીજી બાજુ પટુકરણ, સુસ્વતા, વૈખરી, પદસંચાર, સિસૃક્ષા, અશેષપણું જેવા શબ્દો. શબ્દસમૂહો કે વાક્યો પણ કેવાં ?- ‘ચૂંધી એવી કે મસોતું પણ ઉજળું દૂધ’, ‘કાળે બહુ વહેલા અંગુઠે વાઢ મેલ્યો’, ‘મરવાનું મન થાય તેવી સ્મશાનભૂમિ’ ‘વિદ્યાર્થી પર હાથ ઉગામવાનું સપનું પણ એમને નહીં આવ્યું હોય’; બીજી બાજુ, ‘ગુરુમહિમા ગળથૂથીમાં ઊતરેલો’ અને ‘અનાહત નાદનો અનુભવ’.

પુસ્તકના મુખપૃષ્ઠ પર નાની પણ સ્વચ્છ છબિઓ કોલાજના કેન્દ્રમાં પુણ્યશ્લોક મહેન્દ્ર મેઘાણી છે. ઓછા સ્પેસિંગ અને ચુસ્ત કમ્પોઝીંગ છતાં 160 પાનાનું ‘પથપ્રદીપ’ પુસ્તક વાચનક્ષમ બન્યું છે. અલબત્ત, ઘડાયેલા વાચક-સંપાદકને કેટલીક મર્યાદાઓ નજરે ચડવાની.

સ્વામી આનંદના ‘ધરતીની આરતી’, વાડીલાલ ડગલીના ‘થોડા નોખા જીવ’ કે રઘુવીર ચૌધરી ‘સહરાની ભવ્યતા’ પુસ્તકોમાં આલેખાયેલાં વ્યક્તિચિત્રો/ચરિત્રલેખો પછીની હરોળમાં મૂકી શકાય તેવું આપણા સમયનું, વ્યક્તિચિત્રોનું આ એક નોંધપાત્ર પુસ્તક છે.

[પ્રકાશક :શબ્દલોક પ્રકાશન, 760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ 380001, પાનાં 160, રૂ.200/-]

[1000 શબ્દો]
[આજના ‘દિવ્ય ભાસ્કર’માં આવેલા મારા લેખની વિસ્તૃત વર્ઝન]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચાલો, હરારી પાસે – 14

સુમન શાહ|Opinion - Opinion|13 August 2023

સુમન શાહ

આજે, હરારીને આરામ આપું. કેમ કે આજે મારે આપણ સૌ માટે સીધી ઉપયોગી વાતો કરવી છે.

એક દિવસ મને પ્રશ્ન થયેલો કે આ ‘એ.આઈ.’ આટલું બધું જાણતલ અને બાહોશ છે પણ શું એને ગુજરાતી ભાષા આવડે છે ખરી, ગુજરાતી સાહિત્ય ભણ્યું છે ખરું, કે પછી રામ રામ?

મેં નિષ્ણાતોને પૂછ્યું તો કહે, ખાસ નહીં. મેં પૂછ્યું, ખાસ નહીં એટલે કેટલું નહીં? તો કહે, થોડુંક. મેં પૂછ્યું, કારણ શું? તો કહે, ‘એ.આઈ.’ પાસે ગુજરાતી ભાષા કે સાહિત્યને પૂરા પ્રમાણમાં રજૂ કરી શકે એવો કદમાં વિશાળ અને વૈવિધ્યસભર ડેટાસૅટ નથી, છે એથી કામ ચાલે છે, પણ એ પર્યાપ્ત નથી. ડેટાસૅટ પૂરોશૂરો હોય તો જ ‘એ.આઈ.’ ઝટ અને ઘણું શીખી શકે, અને તો જ આપણે માગેલાં કામ બજાવી શકે, નહિતર વાર લાગે.

બીજું એ કે ભાષા અટપટી હોય, સંકુલ, કૉમ્પલેક્સ, તો પણ વાર લાગે. ગુજરાતી ભાષા સંકુલ છે, તેનાં વ્યાકરણવિષયક કેટલાંક લક્ષણો બીજી ભાષાઓમાં જોવા ન મળે એવાં વિશિષ્ટ છે, આગવાં. એ કારણે પણ ડેટાસૅટ વિસ્તરી શક્યો નથી.

બીજાં ત્રણ કારણો પણ મને જાણવા મળ્યાં :

’એ.આઈ.’-પાવર્ડ ગુજરાતી ભાષાપરક સેવાઓ માટેની માંગ પણ આમાં નિર્ણાયક ભાગ ભજવે છે. માંગ ન હોય તો ‘એ.આઈ.’ વિકસી શકે નહીં. માંગ વધે તો ‘એ.આઈ.’-સંશોધનો અને એને તાલીમ આપનારી મૅથડ્સમાં સુધારાવધારા થાય, નાણાં રોકનારા પણ હૉંશથી આગળ આવે. પરિણામે, એની બુદ્ધિમાં વધારો થાય, એ વિકસે.

આ મને બિલકુલ સાચું લાગેલું, આપણામાંથી કેટલાને આ સેવાઓની જરૂર પડે છે? અરે, કેટલાયને કમ્પ્યૂટરની જ જરૂર નથી વરતાતી ! ‘મને એ નથી આવડતું’ એવું કાલુંકાલું બોલતા હોય છે ! આપણે ત્યાં કમ્પ્યૂટર-ઇલ્લિટ્રસી એક વધારાની અબુધતા છે. આપણા મોટિવેશન સ્પીકર્સ જીવનોપયોગી અનેક બાબતોમાં તેમ આ પરત્વે પણ પ્રેરણો પૂરાં પાડતાં હશે, એમ ધારું છું. આપણી પ્રજાને જાતભાતની બાબતો માટે સંકોરવી કે ઢંઢોળવી પડે એ એક કાયમી જરૂરિયાત છે.

બીજું, કમ્પ્યુટેશનલ રીસોર્સિસ ન હોય તો પણ વાર લાગે – એટલે કે કમ્પ્યૂટરમાં સંચિત સ્રોતો અને આધારોનો અભાવ કે તેની અછત. જેમ કે, વિવિધ જોડણીકોશો, વ્યાકરણગ્રન્થો એવા આધારો છે. મેં કહ્યું, એ તો છે અમારે ત્યાં. તો પૂછે, કમ્પ્યૂટરાઇઝ્ડ છે? ઑનલાઇન છે? હું તરત જવાબ ન આપી શક્યો. પણ મને સમજાયું કે એવું લગભગ નિરાધાર ‘એ.આઈ.’ મૉડેલ પ્ર-ગતિ ન જ કરી શકે. એને તાલીમ આપનારા આધારો – ડેટા – જ અપર્યાપ્ત હોય તો થઈ થઈને કેટલું થઈ શકે?

ત્રીજું એ કે ગુજરાતી ભાષાની વ્યાકરણગત વિશેષતાઓ પણ અડચણ બની શકે, જેમ કે આ : ગુજરાતી ભાષા ‘એ આઇ ’ બાબતમાં ‘હાઇલિ ઇન્ફૅક્ટેડ’ મનાય છે. ગુજરાતી વાક્યમાં શબ્દો એના કાર્યની – ફન્કશનની – જરૂરત મુજબ રૂપ બદલે છે. આનો આપણને રોજિન્દો અનુભવ છે. ‘છોકરો નિશાળે જાય છે’-માં ‘છોકરો’ સિન્ગ્યુલર નૉમિનેટિવ કેસમાં છે, પણ ‘છોકરાઓ નિશાળે જાય છે’-માં એ, ‘છોકરાઓ’ થઈ જાય છે – એકવચન બહુવચન થઈ જાય છે. ‘ઇન્ફ્લેક્શન’ એક મૉર્ફોલૉજિકલ ટર્મ છે – ભાષાનું રૂપતન્ત્રીય પદ. એ પણ ‘એ.આઈ.’-ની તાલીમમાં બાધા બનતું હોય છે.

અને, ’એ.આઈ.’-ને ભાષા આવડે તે પછી જ એ ટૅક્સ્ટ, અને તે પછી જ સાહિત્ય સરજી શકે. આ મુદ્દો તો મને એકદમ ગળે ઊતરી ગયેલો કેમ કે આપણા કેટલાક સાહિત્યકારપદવાંછુઓનું એમ સ્તો છે ! તો, ‘એ.આઈ.’ ગુજરાતીમાં કાવ્ય પણ લખી આપી શકે, જરૂરી એ કે એ માટે એને કેટલાક નિયમો શીખવાડાયા હોય – સૅટ ઑફ રુલ્સ. બીજા જુદા સૅટ ઑફ રુલ્સથી એ અનુવાદો પણ કરી આપી શકે, ત્રીજાથી એ ટૂંકીવાર્તા પણ લખી આપી શકે.

++

આ બધી શરતી વાતો છે તેમછતાં તાજેતરનાં વરસોમાં ‘એ.આઈ.’-ને ગુજરાતી ભાષા અને સાહિત્ય ઠીકઠીક આવડી ગયાં છે. સાંભળો : 

’એ.આઈ.’-પાવર્ડ ઑજારોની મદદ અને સેવાઓ વડે ગુજરાતી ટૅક્સ્ટ લખી શકાય છે, ગુજરાતી ઉક્તિનું – સ્પીચનું –  સંસૃજન થઈ શકે છે. ગુજરાતી ટૅક્સ્ટનો બીજી અનેક ભાષાઓમાં અનુવાદ થઈ શકે છે. ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશે પ્રશ્નોત્તરી કરી શકાય છે. સાહિત્યના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમ જ સંશોધકો એનો લાભ લઈ શકે છે.

એક ‘ધ ગૂગલ એ.આઈ. લૅન્ગવેજ ટીમ’ છે. એણે ગુજરાતી સ્પૅલચૅક, ગુજરાતી ગ્રામરચૅક તેમ જ ‘ગુજરાતી ટૅક્સ્ટ-ટુ-સ્પીચ ઍન્જિન’ જેવાં ‘એ.આઈ.’-પાવર્ડ ઑજારો વિકસાવ્યાં છે.

‘એ.આઈ.’-પાવર્ડ ‘ગુજરાતી સ્પીચ સિન્થેસિસ’ ગુજરાતી ઉક્તિનું સંસૃજન કરી શકે છે. એને ટૅક્સ્ટના ઑડિયો રૅકૉર્ડિન્ગ માટે પ્રયોજી શકાય છે. ‘સ્ક્રૅચ’ એક શક્તિશાળી ઑજાર છે. એથી પણ ગુજરાતી ઉક્તિનું સંસૃજન થતું હોય છે.

વળી, એ ઑજારો ઉક્તિને ટૅકસ્ટમાં તેમ જ ટૅક્સ્ટને ઉક્તિમાં બદલી આપી શકે છે. દાખલા તરીકે, ‘ઍમેઝોન પૉલિ સર્વિસ’ ગુજરાતી ઉક્તિનું ટૅક્સ્ટમાં સંસૃજન કરી શકે છે અને ‘ગૂગલ ક્લાઉડ ટૅક્સ્ટ-ટુ-સ્પીચ’ ગુજરાતી ઉક્તિનું ટૅક્સ્ટમાં સંસૃજન કરી શકે છે.

‘ગુજરાતી બાર્ડ’ એક ‘એ.આઈ.’-પાવર્ડ ઑજાર છે. એ ગુજરાતી ટૅક્સ્ટ લખી શકે છે, કાવ્યો, વાર્તાઓ કે લેખો જેવી અનેક ટૅક્સ્ટ્સનું સંસૃજન કરી શકે છે. ગૂગલ ‘એ.આઈ.’-નું ‘બાર્ડ’ મૉડેલ એવી ગુજરાતી ટૅક્સ્ટનું સંસૃજન કરે છે કે એને માણસે લખેલી ટૅક્સ્ટથી બિલકુલ જુદી પાડવાનું અશક્ય થઈ પડે.

આ ‘બાર્ડ’-ને ગુજરાતી ટૅક્સ્ટ તેમ જ પુસ્તકો, લેખો અને વેબસાઈટોના સાહિત્યથી તૈયાર કરવામાં આવેલા મહા કદના ડેટાસૅટથી તાલીમ અપાઇ છે. ‘બાર્ડ’ ૪૦ ભાષાઓમાં ૨૩૦ દેશોમાં ઉપલબ્ધ છે.

મોટું કામ અનુવાદોનું છે. ’ગૂગલ ટ્રાન્સલેટ’ વડે ગુજરાતી ટૅક્સ્ટનો ૧૦૦-થી પણ વધુ ભાષાઓમાં અનુવાદ થઈ શકે છે.

‘ગ્રામરલિ’ ‘એ.આઈ.’-પાવર્ડ ઑજાર છે. આમ તો એ અંગ્રેજી ભાષા માટે વધુ ઉપયોગી છે. પણ કોઈ ગુજરાતી લેખક કશુંક લેખન અંગ્રેજીમાં કરવા માગતો હોય, તો એ એક નૉંધપાત્ર મદદનીશ પુરવાર થશે. સારું કોઈપણ લેખન ભૂલો વિનાનું હોય છે, એમાં વ્યાકરણશુદ્ધિ, સમુચિત વિરામચિહ્નો તેમ જ શૈલી જેવી બાબતો સચવાઈ હોય છે. ‘ગ્રામરલિ’ એ અંગે મદદો કરતું હોય છે. અંગ્રેજીમાં લેખન કરનારો ગુજરાતી લેખક એ પરથી શુદ્ધ ગુજરાતી લેખન શીખી શકે. ‘પોલિરાઇટિન્ગએઇડ’ પણ સારા લેખન માટે ફીડબેક પૂરા પાડતું હોય છે, એ પરથી પણ શીખી શકાય.

‘વિકિપીડીઆ’ ‘એ.આઈ.’ ઑજાર નથી પણ ‘એ.આઈ.’-નો બહુશ: વિનિયોગ કરે છે. એથી સરવાળે તો ઍન્સાયક્લોપીડીઆ સમૃદ્ધ થઈ શકે છે. પોતાના અનેક ‘બોટ્સ’-થી એ વિકિના મૂળ લેખની જોડણી અને વ્યાકરણવિષયક ભૂલો બતાવી શકે છે, સુધારી શકે છે. તથ્યો વિશે પણ ભુલસુધાર કરે છે. ઉપરાન્ત, મૂળ લેખની સમરી આપી શકે છે. મૂળ લેખનું વિશ્લેષણ કરીને તેમાં ઉપકારક ઉમેરણ થાય એવા નવા લેખો પણ સૂચવી શકે છે.

ધ્યાનપાત્ર બાબત એ છે કે આજની તારીખ સુધીમાં વિકિ વિશ્વની ૩૨૯ ભાષાઓમાં ઉપલબ્ધ છે. પોતાના અનેક ‘બોટ્સ’-થી મૂળ વિકિ-લેખના એ સંખ્યાબંધ અનુવાદ ક્ષણમાં જ આપી શકે છે. દાખલા તરીકે, સુમન શાહ નામના લેખક વિશેનો વિકિ-લેખ ક્લિક્ વારમાં જગતની અનેક ભાષાઓમાં વાંચી શકાય, ભલે એને એની જ ભાષાના લેખકે જોયો સુદ્ધાં ન હોય !

જેમ જેમ ‘એ.આઈ.’-પરક સંશોધનોનો વિકાસ થશે તેમ તેમ આ સગવડો વધશે.

એ જાણી રાખવું જરૂરી છે કે હજી આ ઑજારો એક સુજ્ઞ અને સમજદાર ગુજરાતી માણસ જેટલાં સુજ્ઞ અને સમજદાર નથી. ભૂલો પણ કરે છે.

‘એ.આઈ.’ ઑજાર ઘણી વાર લિન્ગભેદ નથી પામી શકતું – ‘એ ગયા’-નું ‘એ ગઇ’ કરી નાખે !

એની કેટલીક મર્યાદાઓ પણ છે. એનાથી ક્યારેક તળના કે દેશ્ય શબ્દો નથી પકડાતા, જેમ કે, ‘ઢેફું’. ‘એ ઢ છે’ -નો એ શું અનુવાદ કરી શકે?

એને ‘ચાંદલો’ જેવા સંસ્કૃતિ સાથે જોડાયેલા શબ્દોની પતીજ પણ નથી પડતી, એટલે હું ધારું છું કે એ આવો તરજૂમો કરી આપશે – અ રેડ સ્પોટ ઇન ધ સૅન્ટર ઑફ ફોરહેડ. ભલે, એમાં ખોટું શું? તળના રક્ષણહારો ખુશ થાય …

= = =

(08/12/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

એર ઇન્ડિયાઃ આકાશમાં ઓળખ કેળવી, અંધારાના હેંગર પર લટકી ફરી નવી ઉડાન તરફ પહોંચલી એરલાઇન

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|13 August 2023

એર ઇન્ડિયા વિશ્વની એક માત્ર એવી એર લાઇન છે જેણે સિલ્વાડોર ડાલી જેવા આર્ટિસ્ટ પાસે ખાસ એશ્ટ્રેસઝ ડિઝાઇન કરાવી હતી અને તેના બદલામાં વળતર તરીકે હાથી મોકલી આપ્યો હતો

ભારતની સૌથી પહેલી એરલાઇન એર-ઇન્ડિયા ગુરુવાર સાંજથી ચર્ચામાં છે કારણ કે એર ઇન્ડિયાએ પોતાનું રિ-બ્રાન્ડિંગ કર્યું. એક કરતાં વધુ પેઢી માટે એર ઇન્ડિયાના વાંકડી મૂછોવાળા મહારાજા, તેમનો લાલ કોટ અને પીળી-લાલ પાઘડી ભારતની આધુનિકતાની ઉડાનની ઓળખાણ રહી છે. એરલાઇન્સે પોતાનો લોગો બદલ્યો ત્યારે લોકોએ મહારાજાનો એ મેસ્કોટ હવે ઇતિહાસ થઇ જશેનો વસવસો વ્યક્ત કર્યો, પણ બીજા દિવસે એમ નથી થવાનું તેની પણ ચોખવટ આવી. એર-ઇન્ડિયાના નામમાંથી વચ્ચેની પેલો હાઇફન પણ ક્યારનો ય કાઢી લેવાયો છે અને તેને એર ઇન્ડિયા જ કહેવાય છે. જેણે ભારતના ઉડ્ડયન ક્ષેત્રના ઇતિહાસની રચના કરી એવા એર ઇન્ડિયાને લગતી ઘણી એવી બાબતો છે જે સીમાચિહ્ન સમાન છે. જો કે જેમ દરેક ઇતિહાસના નાયકને ભરતી ઓટનો સામનો કરવો જ પડતો હોય છે એમ એર ઇન્ડિયા એરલાઇન્સ સાથે પણ થયું છે. આ એરલાઇન ભારતને વૈશ્વિક નકશા પર ઝળકાવવા માટે પણ જવાબદાર છે તો જંગી ખોટ ખાઇને સરકારના માથાનો દુખાવો પણ બની ચૂકી છે.

1932માં ભારતના ઉદ્યોગપતિ જે પોતે ભારતના સૌથી પહેલા લાઇસન્સ્ડ પાયલટ હતા, એવા જે.આર.ડી. તાતાએ એર-ઇન્ડિયાની સ્થાપના કરી. બહુ જલદી જ તેમણે તેને ભારતની સૌથી પહેલી કોમર્શિયલ એર લાઇન બનાવવાનો નિર્ણય લીધો અને તે સમયની ઇમ્પિરિયલ એરવેઝના રૂટ્સ પર હવાઈ મેઇલ સેવાની શરૂઆત થઇ. એરલાઇન્સે ભારત આખામાં મેઇલ સેવા માટેના ડેસ્ટિનેશન્સ વધાર્યા અને પછી ધીરે ધીરે મુસાફરોને લઇ જવાની શરૂઆત પણ થઇ. એરલાઇન શરૂ થયાના પહેલા વર્ષના અંત સુધીમાં કરિયરે 10.7 ટન મેલ્સ અને 155 મુસાફરોને બ્રિટિશ બનાવટના મોનોપ્લેન ડિ હેવિલેન્ડ પસ મૉથ એરોપ્લેન મારફતે અલગ અલગ સ્થળોએ પહોંચાડ્યા હતા.

જે.આર.ડી તાતા

1938માં એરલાઇનને તાતા એરલાઇન્સ નામ આપવામાં આવ્યું અને પહેલીવાર વિમાન આંતરરાષ્ટ્રીય આકાશ ભણી ઉડ્યું. ફ્લાઇંગ કેરિયરે શ્રીલંકાના કોલંબોને પણ પોતાના રૂટમાં ઉમેર્યું. તાતા એરલાઇન્સે એવું ઘણું કર્યું છે જે ઇતિહાસનો હિસ્સો છે. જેમ કે બીજા વિશ્વ યુદ્ધમાં તેના વિમાનોનો ઉપયોગ મિલિટરી માટે થયો હતો અને યુદ્ધમાં મદદ કરવા જે.આર.ડી. તાતાએ ગ્લાઇડર્સ પણ બનાવ્યા હતા. 1942 સુધીમાં તો દીર્ઘદૃષ્ટા તાતાએ યુદ્ધ પછીના ભવિષ્યને ગણતરીમાં લઇને પશ્ચિમી દેશોમાં હવાઈ સેવાઓ ચાલુ કરવાની દિશામાં વિચાર શરૂ કરી દીધા. 1947માં ભારતને આઝાદી મળી અને સરકારે એરલાઇનમાં 49 ટકા હિસ્સેદારી ખરીદી લીધી અને એર-ઇન્ડિયામાં વચ્ચેનો હાઇફન ખસી ગયો અને ત્યારથી એરલાઇન કહેવાઈ એર ઇન્ડિયા. એર ઇન્ડિયાની સૌથી પહેલી લાંબી ફ્લાઇટ ૧૯૪૮મા મુંબઈ અને લંડન હિથ્રો વચ્ચે હતી. જે.આર.ડી. તાતા આ ક્ષણની રાહ લાંબા સમયથી જોઇ રહ્યા હતા. જો કે પાંચ વર્ષમાં સરકારે એર ઇન્ડિયા અને અન્ય બીજા કેરિયર્સને રાષ્ટ્રીયકૃત કરી દીધા. એર ઇન્ડિયા પરથી તાતાનું પૂરેપૂરું નિયંત્રણ હવે સરકાર પાસે ચાલ્યું ગયું અને શરૂઆતમાં તો આ થવાથી જે.આર.ડી. તાતા ભારે રોષે ભરાયા હતા, પણ આખરે આ એરલાઇન એમણે શરૂ કરી હતી એટલે તે તેના ચેરમેન તરીકે સેવા આપવા ફરી એર ઇન્ડિયા સાથે જોડાયા.

1960ના દાયકામાં એર ઇન્ડિયાએ બોઇંગ 707-420 એરક્રાફ્ટ શરૂ થયા અને એર ઇન્ડિયાએ જેટ પ્લેન વાપરવાની શરૂઆત કરી અને બે વર્ષમાં તે વિશ્વની સૌથી મોટી એવી એરલાઇન બની જેના બધા જ વિમાનો જેટ પ્લેન્સ હતા. એર ઇન્ડિયા એક એવું નામ બન્યું જે ઘર ઘરમાં જાણીતું બન્યું એટલું જ નહીં પણ વિશ્વની સૌથી વિશ્વસનીય અને સર્વશ્રેષ્ઠ સેવા આપતી એરલાઇન તરીકે તેની ગણના થવા માંડી. અન્ય વૈશ્વિક સ્પર્ધક એરલાઇનની સામે તેનું કદ કદાચ નાનું હોય પણ વાસ્તવિકતા એ હતી કે તેની સેવાઓ એટલી સારી હતી કે આખી એવિએશન ઇન્ડસ્ટ્રીમાં તેની વાહવાહી થતી. વળી એર ઇન્ડિયાની સેવાઓ એટલી સારી ગણાતી કે યુરોપિયન અને અમેરિકન હવાઈ સેવાના મુસાફરો હવે ટ્રાન્સ એટલાન્ટિક ફ્લાઇટ્સ માટે એર ઇન્ડિયાની એરલાઇનનો ઉપયોગ કરવાનું પસંદ કરવા લાગ્યા. એર ઇન્ડિયાની જાહેરાતો અને તેના મજાના મેસ્કોટ મહારાજાની લોકપ્રિયતા પણ ઘણી હતી.બધું રંગેચંગે ચાલતું હતું પણ પછી એવિએશન માર્કેટ ઉઘડ્યું, નવા સ્પર્ધકો આવ્યા અને એર ઇન્ડિયા અહીં બીજી એરલાઇન સાથે પગલાં મેચ કરવામાં પાછી પડી. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં એર ઇન્ડિયાના સી.ઇ.ઓ. અને એમ.ડી. કેમ્બેલ વિલ્સને એમ પણ કહ્યું હતું કે દોઢ દાયકા સુધી એર લાઇનને સરખી રીતે ચલાવી શકે એવી ટેલેન્ટ્સની પણ ખામી હતી અને આઇ.ટી. સિસ્ટમ કે રેવન્યુ મેનેજમેન્ટમાં કોઇ રોકાણ ન થવાથી એ બધું પણ અસ્તવ્યસ્ત રીતે જ ચાલી રહ્યું હતું. એરલાઇનનું ટર્ન અરાઉન્ડ હજી નવી વાત છે પણ 2018માં તો એવી હાલત હતી કે ભારતે એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવાનો પ્રયાસ કર્યો. 76 ટકા હિસ્સો વેચવાનો પ્રયત્ન તો કર્યો પણ કોઇ પણ ખાનગી ખરીદદાર એવી એરલાઇનમાં પૈસા નાખવા નહોતો માગતો જેની માલિકી સરકાર સાથે વહેંચવાની હોય. 2020માં ભારત સરકારે એર ઇન્ડિયામાંથી મુક્તિ મેળવવા માટેના 100 ટકા ભાગીદારી જતી કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો. તાતા સન્સ જેણે એરલાઇન શરૂ કરી હતી તેણે સરકારી બની ચૂકેલી એરલાઇન માટેની હરાજીમાં ભાગ લીધો. આઠ દાયકા પછી અનેક ટર્મોઇલ અને ટર્બ્યુલન્સમાંથી પસાર થઇ ચૂકેલી આ એરલાઇન તાતા ગ્રૂપ પાસે પાછી ફરી. બે દાયકા પહેલા સરકારે ડિસઇનવેસ્ટમેન્ટની પ્રક્રિયા ચાલુ કરી હતી જ્યારે અટલ બિહારી બાજપાઈની સકારે 40 ટકા હિસ્સો વેચાવાની જાહેરાત કરી હતી ત્યારે તાતા ગ્રૂપ અને સિંગાપોર એરલાઇન્સ રસ દાખવ્યો હતો, પણ એ ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા પૂરી ન થઇ શકી. ત્યારથી માંડીને અત્યાર સુધી જે પણ સરકાર આવી તેણે એર ઇન્ડિયાને વેચવાની ભાંજગડ કરી પણ કંઇ વળ્યું નહીં. આખરે ઑક્ટોબર 2021માં બધું પાર પડ્યું. તાતા સન્સે સરકાર પાસેથી એરલાઇનનો કન્ટ્રોલ મેળવવા માટે 18,000 કરોડની બીડ જીતી હતી.

તાતા ગ્રૂપ પાસે એરલાઇનની માલિકી આવી. હવે એરલાઇનને ફરીથી ધમધમતી કરવા માટે જેટ્સથી માંડીને એરબસીઝ અને બોઇંગ માટેની રેકોર્ડ ડીલ્સ કરવામાં આવી.  એરલાઇન્સના વિસ્તરેલા ઑપરેશન્સની વેલ્યુ અંદાજે 6.40 લાખ કરોડ જેટલી હોવાની મનાય છે. એરલાઇનના સંચાલકોનું કહેવું છે કે નવા એરક્રાફ્ટ આ વર્ષના અંતમાં આવશે તો જેટ્સ 2025 સુધીમાં આવવાની શક્યતા છે. નવા લોગોની જાહેરાત સાથે એર ઇન્ડિયાએ બ્રાન્ડિંગ મેક-ઓવર કર્યું તો સાથે નવી ઉડાનો માટે તે પૂરી રીતે તૈયાર છે તેનો પણ સ્પષ્ટ સંકેત આપ્યો. એર ઇન્ડિયા ભારતની ઓળખાણ રહી છે અને તેની કામગીરીમાં કોઇ ટર્બ્યુલન્સ ન આવે એ માટે તાતા ગ્રૂપ પૂરી રીતે સજ્જ છે તેવું તેમની નવી જાહેરાતો પરથી લાગી રહ્યું છે.

બાય ધી વેઃ

એર ઇન્ડિયા માત્ર ફ્લાઇટ્સ અને સર્વિસિઝની વાત નથી, વિમાનમાં ઉડનારાઓ માટે એ મુસાફરી એક ‘શ્રેષ્ઠી’ હોવાનો અનુભવ કરાવે એ પણ અગત્યનું છે. આજે કદાય એવિએશન ઇન્ડસ્ટ્રીમાં આટલા બધી કંપનીઝ હોવાને કારણે વિમાનની આવન-જાવન પહેલાંની સરખામણીએ સામાન્ય બની છે, પણ સાંઇઠના દાયકામાં ફ્લાઇટ લેવી એ કોઇ લાઇફસ્ટાઇલ અને લક્ઝરીથી કમ નહોતું. પેસેન્જર્સ ફ્લાઇટમાં ક્યુબન હવાના સિગાર્સ પીતાં, કેવિએર ખાતાં અને શેમ્પેઇન માણતાં. હર્મિઝ અને ક્રિશ્ચન ડિઓરનાં કપડાં અને જ્વેલરી સ્ટુઅર્ડેસિઝ પહેરતી. એ હવાઇ યાત્રાનો સુવર્ણકાળ હતો અને તમે માનશો એર ઇન્ડિયા લક્ઝરીને મામલે નંબર વન હતી. એર ઇન્ડિયાએ એક સમયે આર્ટિસ્ટ સિલ્વાડોર ડાલી (1967માં) પાસે ડિઝાઇન કરાવેલી 500 એશ્ટ્રેઝ પોતાના ખાસ મુસાફરોને ભેટ આપી હતી અને ડાલીને વળતર ચૂકવવા માટે પૈસાને બદલે હાથી આપ્યો હતો – એ પણ બેંગલોરથી જીનિવા સુધી પ્લેનમાં મોકલવામાં આવ્યો હતો અને ત્યાંથી ટ્રકમાં ડાલીને ઘરે મોકલાયો હતો. વળી હાથી ભાઇનું આગમન થયું તો ત્યાંના મેયરે ત્રણ દિવસની રજા જાહેર કરીને શહેરના મુખ્ય હિસ્સામાં હાથીની પરેડનું આયોજન કર્યુ હતું. આ હતો એર ઇન્ડિયાનો ઠાઠ અને હવે તાતા જૂથે જે રીતે કમર કસી છે તે જોતાં લાગે છે હવાઇ યાત્રાનો સુવર્ણ યુગ પહેલાં જેવો તો નહીં, પણ એને મળતો આવે એટલો તો બહેતર થશે જ.  અને હા જતાં જતાં એક બીજું બાય ધી વે એ કે એર ઇન્ડિયાના મહારાજા કોઇ રાજા પરથી પ્રેરણા લઇને નહોતા બનાવાયા. ખાસ તો તેની મૂછોની પ્રેરણા એર ઇન્ડિયાના કોમર્શિયલ ડાયરેક્ટર બોબી કૂકાના એક પાકિસ્તાની ઉદ્યોગપતિ મિત્ર સૈયદ વાજીદની મૂછો પરથી લેવામાં આવી હતી. મહારાજાનો મેસ્કોટ એટલે એર ઇન્ડિયાની રાજવી ઠાઠની સેવાથી દરેક ગ્રાહક મહારાજા તેવું અનુભવી શકે તેવો સંદેશ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ઑગસ્ટ 2023

Loading

...102030...892893894895...900910920...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved