Opinion Magazine
Number of visits: 9666155
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસાઇ એક સેક્યુલર મૂલ્ય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|26 November 2023

રમેશ ઓઝા

જેના પર ભરોસો મૂકી શકાય એવો શ્રદ્ધેય માણસ ધાર્મિક હોવો જરૂરી છે? શું માણસાઈ અને ધાર્મિકતા એકબીજાથી અલગ ન કરી શકાય એવાં અવિભાજ્ય છે અથવા એકના વિના બીજાનું અસ્તિત્વ સંભવી જ ન શકે એવાં અવિનાભવી છે? તમારો અનુભવ શું કહે છે? ઘડીભર માની લો કે તમે હિન્દુ કન્યાનાં હિન્દુ પિતા છો અને તેનાં હિન્દુ યુવક સાથે સગપણનો પ્રસ્તાવ આવ્યો છે. તમે એ યુવક હિન્દુ છે, દેખાવડો છે અને સુખી છે એટલું જોઈને પ્રસ્તાવ મંજૂર રાખશો કે પછી તે અને જે ઘરે દીકરી જવાની છે એ પરિવાર કેટલો સંસ્કારી છે એ પણ જોશો? આપણે દરેક સામેના પક્ષની માણસાઈની અલગથી ચકાસણી કરીએ છીએ. આને અર્થ એ થયો કે ધર્મ અને ધાર્મિકતા માણસાઈની ગેરંટી આપતાં નથી. આનો બીજો અર્થ એ થયો કે માણસાઈ એક ધર્મનિરપેક્ષ મૂલ્ય છે અર્થાત્ માણસાઇ એક સેક્યુલર મૂલ્ય છે. તેને ધાર્મિક હોવાપણા સાથે કે ન હોવાપણા સાથે કોઈ સંબંધ નથી. અને આ વાત દરેક ધર્મને લાગુ પડે છે, દરેક પ્રજાને લાગુ પડે છે અને ઇતિહાસના કોઈ પણ સમયખંડને લાગુ પડે છે.

માનવીય જીવનમાં જો માણસાઈ સૌથી મૂલ્યવાન જણસ હોય અને એ જો સેક્યુલર હોય એટલે કે ધર્મનિરપેક્ષ હોય તો પછી ધર્મનો શું ખપ? કોઈ ધર્મ પાપ કરવાનું શીખવતો નથી. દરેક ધર્મ સારાં કર્મો કરવાનું અને એ રીતે પુણ્ય કમાવાનું કહે છે. મોક્ષની, નિર્વાણની, મુક્તિની, કયામતના દિવસે રહેમની સીડી સારાં કર્મો દ્વારા જ ચડી શકાય છે. તો પછી દેખીતી રીતે માણસાઈ ધર્મજન્ય હોવી જોઈતી હતી, પણ અનુભવ એમ કહે છે કે માણસાઈ આપણે કોઈ વ્યક્તિના ધાર્મિક હોવાપણામાં નહીં, પણ ધર્મની બહાર જે તે વ્યક્તિના વહેવારમાં શોધીએ છીએ. ઊલટો એવો અનુભવ પણ થાય છે કે અતિ ધાર્મિક માણસ વહેવારમાં ખોટો હોય, સ્વાર્થી હોય અને કોઈને ય પણ છેતરવામાં લાજતો ન હોય.

ટૂંકમાં ધર્મ જો માણસાઈની ગેરંટી ન આપતો હોય અને માણસાઈ ધર્મનિરપેક્ષ સ્વતંત્ર ગુણ હોય તો પછી ધર્મનો શું ખપ? ધર્મિક માણસ મૂલ્યપરાયણ હોય એની કોઈ ખાતરી નથી. ધર્મપરાયણ માણસ અનિવાર્યપણે મૂલ્યપરાયણ ન હોવો જોઈએ? હોવો તો જોઈએ, પણ એવું બનતું નથી. કેમ? આ લાખ રૂપિયાનો સવાલ છે?

ધર્મનું એક આધ્યાત્મિક પાસું છે જે માળખાથી મુક્ત છે અને ધર્મનું એક અસ્મિતાકીય પાસું છે જે માળખાબદ્ધ છે. કોઈ સાચો હિંદુ સાચા હિંદુ બનવા માટેની યાત્રા શરૂ કરે તો એ સાચા માણસ બનવા સુધી પહોંચી જશે. એનું અસ્મિતાકીય હિંદુપણું ખરી જશે. અને જ્યાં સુધી માળખાબદ્ધ અસ્મિતાકીય હિંદુપણું ખરી ન જાય ત્યાં સુધી એ હિંદુ માણસ બની શકવાનો નથી. અને કોઈ પણ ધર્મનો કોઈ પણ સાધક જ્યાં સુધી શુદ્ધ માણસ ન બને ત્યાં સુધી એ મુક્તિનો અધિકારી બનવાનો નથી. આ વાત માત્ર હિન્દુ માટે સાચી નથી, દરેક વ્યક્તિ માટે સાચી છે પછી તે ગમે તે ધર્મનો હોય. એટલે તો સંતો અને સૂફીઓ એક મુકામે પહોંચી જાય છે. બન્નેનું મુકામ એક જ છે, અલગ અલગ નથી.

પણ ધર્મનું અસ્મિતાકીય માળખાબદ્ધ પાસું વધારે પ્રબળ છે અને વર્તમાન યુગમાં એ વધારે પ્રબળ બની રહ્યું છે. આનું મુખ્ય કારણ એ છે કે એ તમને ચોક્ક્સ ધર્મના અનુયાયી હોવાની અને એ અનુયાયીઓના સમૂહનો હિસ્સો હોવાની સુરક્ષા આપે છે. સમૂહનો હિસ્સો બનવાથી માણસ તરીકેની વ્યક્તિગત જવાબદારીઓ અને માનવીય ધર્મથી મુક્તિ મળી જાય છે. લોકોનાં આવાં પલાયનપારાયણ માનસનો રાજકારણીઓ, ધર્મગુરુઓ અને પુરોહિતો લાભ લે છે. ડરાવો અને વાડામાં પૂરી રાખો. રાજકારણીઓ વિધર્મીથી ડરાવે છે અને પુરોહિતો નર્કનો તેમ જ ૮૪ લાખ યોનિમાં પુનર્જન્મનાં ચકરવાથી ડરાવે છે. ધર્મનું રાજકારણ કરનારા રાજકારણીઓ સુરક્ષાની ગેરંટી આપે છે અને પુરોહિતો તેમ જ ધર્મગુરુઓ સદ્દગતિની ગેરંટી આપે છે. પણ આ બેમાંથી કોઈ માણસાઇની ગેરંટી આપતાં નથી.

ધર્મનું આધ્યાત્મિક પાસું માણસાઈની ખોજ કરનારું પાસું છે, માણસાઈને સમૃદ્ધ કરનારું પાસું છે, અસ્મિતામુક્ત કરનારું પાસું છે, ભયમુક્ત કરનારું પાસું છે, ઈશ્વર સાથે અને માણસ માણસની વચ્ચે એકત્વ સાધનારું પાસું છે. અસ્મિતાકીય માળખાબદ્ધ ધાર્મિકતાથી બિલકુલ સામેના છેડાનું છે. માટે દરેક ધર્મના કોમવાદીઓ (ફરીવાર કહું છું દરેક ધર્મના કોમવાદીઓ) પોતાના ધર્મના હાર્દને તમારી સમક્ષ રજૂ નહીં કરે. ઈશુનાં વચન, મહમ્મદનાં વચન, બુદ્ધનાં વચન, મહાવીરનાં વચન, વેદો તેમ જ ઋષિઓનાં વચન, સંતોનાં વચન, સૂફીઓનાં વચન, મરમીઓનાં વચન જે તે ધર્મના હાર્દરૂપ છે. પણ કોમવાદીઓ તેને તમારી સમક્ષ રજૂ નહીં કરે. એ તેમને માફક આવતાં નથી. એ વચનો માણસને અસ્મિતામુક્ત કરે છે, એ વચન માણસને ભયમુકત કરે છે, એ વચન માણસને માણસ સાથે જોડે છે, એ વચન દીવાલોને તોડે છે.

મારા વાચકમિત્ર, તારે ચાર કામ કરવાં જોઈએ. એક, તારા ધર્મનો હાર્દ શું છે અને શું કહે છે અથવા શીખવે છે એની તપાસ કર. જો તું તારા ધર્મ માટે ગૌરવ અનુભવે છે તો તેનાં અમૂલ્ય હાર્દ માટે અનુભવે છે કે બાહ્ય માળખાં માટે? બીજું, બીજાના ધર્મના હાર્દ પર (હાર્દ પર, બાહ્ય માળખા પર નહીં) પણ એક દૃષ્ટિ કરી જો. એના ધર્મના હાર્દ અને તારા ધર્મના હાર્દ વચ્ચે કેટલો તફાવત છે એ તું પોતે ચકાસી જો. ત્રીજું, તમારા ધર્મના અને એ સાથે વિધર્મીઓના ધર્મના કોમવાદીઓનાં કથન પર એક નજર કરી જો. તેમણે ક્યારે ય તેમના ધર્મના હાર્દની વાત કરી છે? કોમવાદનો લગભગ પોણા બસો વરસનો ઇતિહાસ છે અને એમાં તમને કોઈ ધર્મના કોઇ કોમવાદીનું પોતાનાં ધર્મના હાર્દને સ્પર્શતું હોય એવું એક પણ નિવેદન નહીં મળે. ગેરંટી. તમે પોતે ચકાસી જુઓ. ઘણું કરીને તેઓ એના વિષે જાણતા પણ નહીં હોય. કોમવાદી માનસ વિકસાવવા માટે તેની જરૂર પણ નથી, ઊલટું બાધારૂપ છે. અને ચોથું, માણસ તરીકેનો એક જ જન્મ મળ્યો છે તો માણસાઈની આરાધના કરવાની કે નીચતાની? વિચારી જો. તારું જીવન છે, તારે માર્ગ નક્કી કરવાનો છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 26 નવેમ્બર 2023

Loading

ડીપફેકનું અસલી-નકલી : શું નૈતિક, શું અનૈતિક?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|26 November 2023

રાજ ગોસ્વામી

તમને ‘મહાભારત’માં અશ્વસ્થામા નામનો હાથી મરાયો છે કે નર, તેના જવાબમાં ધર્મરાજ યુધિષ્ઠિરનો બહુચર્ચિત જવાબ ‘નરો વા કુંજરો વા” યાદ છે ને? ફેક-ન્યૂઝની આધુનિક દુનિયામાં કામ કરતા લોકો તર્ક આપે છે કે માણસનું મન પ્રાચીન સમયથી જ કાચી-પાકી માહિતીઓથી ભરમાતું રહ્યું છે (જેવું દ્રોણાચાર્ય સાથે થયું હતું), આજે ટેકનોલોજીએ એ ક્ષમતાને વધુ ધાર કાઢી આપી છે એટલું જ. ટેકનોલોજી કેવી ધાર કાઢે છે તેનો એક નવો અનુભવ પણ સામે આવ્યો છે.

હમણાં, દિવાળી પહેલાં ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક નકલી વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તેના ચહેરાને એક બ્રિટિશ-ભારતીય અભિનેત્રી ઝારા પટેલના વીડિયો પર ફિટ કરી દેવામાં આવ્યો હતો. એ પછી કેટરીના કૈફની આગામી ફિલ્મ “ટાઈગર-3ના શુટિંગનો એવો જ એક નકલી વીડિયો વાઈરલ થયો. એ સમજાવાની જરૂર નથી કે બંને વીડિયોમાં અભિનેત્રીઓનાં અંગ-ઉપાંગને નિશાન બનાવામાં આવ્યાં હતાં.

આને લઈને વિવાદ ઊભો થતાં, કેન્દ્ર સરકારે નિર્દેશ જારી કરીને સોશિયલ મીડિયાને 24 કલાકમાં બંને વીડિયો ઉતારી લેવાનું કહ્યું હતું. ઓકટોબર મહિનામાં હોલિવૂડના જાણીતા અભિનેતા ટોમ હેન્કસે તેના ચાહકોને જાગૃત કર્યા હતા કે દાંતની એક જાહેરખબરમાં, તેના જેવા જ દેખાતા એક પાત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હોલિવૂડમાંથી જ, અભિનેત્રી સ્કારલેટ જોહ્ન્સનના ચહેરાને એક એડલ્ટ વીડિયોમાં વાપરવામાં આવ્યો હતો.

આને ડીપફેક ટેકનોલોજી કહે છે. આર્ટીફીસિયલ ઈન્ટેલીજન્સ(એ.આઈ.)ની દુનિયાનો આ નવો આવિષ્કાર છે. તેમાં ડીપફેક ટેકનોલોજીની મદદથી એવી નકલી ઘટનાઓ ઊભી કરવામાં આવે છે, જે ક્યારે ય ઘટી ન હોય અને તેમાં વ્યક્તિના દેખાવને ડિજિટલી બદલવામાં આવે છે અને એક ભ્રામક  વીડિયો બનાવામાં આવે છે. એટલું જ નહીં, ડીપફેક ટેકનોલોજી અસલી લાગે તેવા ફોટો અને અવાજ પણ સર્જી શકે છે.

ડીપફેકનો વિચાર 2017માં પ્રચલિત થયો હતો, જ્યારે અમેરિકન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટના એક વપરાશકર્તાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં પોર્નોગ્રાફિક વીડિયોઝ પર સેલિબ્રિટીઓના ચહેરાઓ ચિપકાવામાં આવ્યા હતા. આનાથી દર્શકોને ચાલાકીથી છેતરવાની તકનીકી ક્ષમતા વિશે લોકોમાં ચિંતા જાગી હતી.

ત્યારથી, ડીપફેક ટેકનોલોજી વધુ અદ્યતન અને સુલભ બની છે. હવે એવી ઘણી એપ્લિકેશનો અને વેબસાઇટ્સ છે જે વપરાશકર્તાઓને ન્યૂનતમ પ્રયત્નો અથવા તકનીકી કુશળતા સાથે ડીપફેક વીડિયો બનાવી આપે છે.

ડીપફેક ટેકનોલોજી અત્યારે એટલા માટે બહુ ચર્ચામાં છે કારણ કે સામાન્ય માણસ તેને અસલી માની બેસી તેટલી તેની ચોકસાઈ હોય છે. જેમ જેમ તેની ટેકનોલોજીમાં સુધારો થશે, તેમ તેમ તેને પકડવાનું અઘરું બનતું જશે અને આપરાધિક પ્રવૃત્તિઓમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થવાની શંકા છે. એટલે પોલીસ અને અદાલતો માટે પણ મોટું સંકટ પેદા થવાનું છે.

ડીપફેક મુખ્યત્વે મનોરંજનની દુનિયાની ટેકનોલોજી છે, પરંતુ તેને લઈને સંભવિત ગુનાહિત ગેરઉપયોગની સાથે સાથે નૈતિકતાના પ્રશ્નો પણ ઊભા થયા છે. આપણે ત્યાં અને વિદેશમાં એવી ઘણી ફિલ્મો આવી છે, જેમાં અભિનેતાના પરફોર્મન્સને ડિજિટલ ટેકનોલોજીની મદદથી “સુધારવા”માં આવ્યું હોય. જેવી રીતે લોકો મોબાઈલ એપ્સની મદદથી તેમની સેલ્ફીને ફિલ્ટર કરે છે, તેવી રીતે ફિલ્મ સર્જકો વીડિયો એડિટિંગ કરે છે.

જાન્યુઆરી 2023માં, બ્રિટનના એક ટેલિવિઝન નેટવર્ક પર “ડીપફેક નેબર્સ વોર” (ડીપફેક પાડોશીઓની લડાઈ) નામની કોમેડી સિરીઝ રજૂ થઇ હતી. તેમાં જાણીતી સેલિબ્રિટીઓ એકબીજા સાથે ઝઘડતી હોય એવું બતાવાયું હતું. નામ પરથી જ સ્પષ્ટ છે તેમ, તે તમામ સેલિબ્રિટીઓ ડીપફેક ટેકનોલોજીથી બનાવામાં આવી હતી. પરંતુ ધારો કે એવો કોઈ ખુલાસો કર્યા વગર જ તમને આવું કશું જોવા માટે લલચાવામાં આવે તો તે યોગ્ય કહેવાય? ફિલ્મો કે ટેલિવિઝનની સિરિયલો કાલ્પનિક હોય છે તે સાચું, પણ તેમાં અસલી કલાકારોને બદલે ડિજિટલ કલાકારો હોય, તો પણ તે “અસલી મનોરંજન” કહેવાય?

ધારો કે, કોઈ ફિલ્મ કે લાઈવ વીડિયોમાં, તેમાં સંલગ્ન કલાકારોની જાણ બહાર (જેવી રીતે રશ્મિકા મંદાના કે કેટરીના કૈફના કિસ્સામાં બન્યું હતું) કોઈ એક ચીજમાં ફેરફાર થાય, તો અંગત રીતે તેમની પ્રાઈવસીનું ઉલ્લંઘન તો કહેવાય, પણ સાર્વજનિક દર્શક તરીકે આપણા માટે એ વીડિયો અસલી કહેવાય કે કપટ કહેવાય?

ડીપફેક ટેકનોલોજી આપણી સમક્ષ એક નૈતિક સંકટ ઊભું કરે છે : વાસ્તવિકતા ક્યાં પૂરી થાય છે અને કપટ ક્યાં શરૂ થાય છે? આર્ટીફીસિયલ ઈન્ટેલીજન્સના ઉદય સાથે આપણે એક એવી દુનિયામાં પ્રવેશી રહ્યા છીએ, જ્યાં નૈતિકતાવાદીઓ, કાયદા ઘડનારાઓ અને ડિજિટલ કન્ઝ્યુમર્સ સામે સતત એક પ્રશ્ન રહેશે કે તેઓ જે જોઈ રહ્યા છે તે અસલી છે કે નકલી?

ડીપફેકને સિન્થેટીક મીડિયા પણ કહે છે. તેમાં ફોટાઓ, વીડિયો અથવા ઓડિયો રેકોર્ડિંગ્સમાં શક્તિશાળી અલ્ગોરિધમ્સ અને ન્યુરલ નેટવર્ક્સ દ્વારા હાથચાલાકી (મેનિપ્યુલેશન્સ) કરવામાં આવે છે અને એવી ચીજો અથવા વ્યક્તિઓને બતાવવામાં આવે છે, જે મૂળ પ્રોડક્ટમાં ક્યારે ય હોય નહીં. બીજી રીતે કહીએ તો, તેમાં “નકલી વાસ્તવિકતા”નું નિર્માણ કરવામાં આવે છે.

આ “નકલી વાસ્તવિકતા” કાનૂનની દૃષ્ટિએ અને નૈતિકતાની દૃષ્ટિએ પડકારયુક્ત છે; તમે જે જુવો છો તે તમને વાસ્તવિક નજર આવે છે, પણ વાસ્તવમાં તે બનાવટી છે. આ ફેક-ન્યૂઝ જેવું છે. સોશિયલ મીડિયાના પ્રસારની સાથે છેલ્લા એક દાયકામાં વિશ્વમાં ફેક ન્યૂઝ અથવા પ્રોપેગેન્ડા અથવા મિસઇન્ફોર્મેશનનું ચલણ વધી ગયું છે, જેમાં મુખત્વે રાજકીય ફાયદાઓ માટે મતદારોને અમુક પ્રકારના સમાચારો, માહિતીઓથી ભ્રમિત કરવામાં આવે છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી જ ફેક-ન્યૂઝ પર રચાઈ હતી.

ડીપફેક ટેકનોલોજીની ચિંતા પણ એ જ છે કે રાજકીય મકસદ હાંસલ કરવા માટે જનતાને ફેક-વીડિયોથી ભ્રમિત કરવામાં આવશે. દુનિયાનો એક મોટો વર્ગ આજે પણ લખાયેલા શબ્દને બદલે આંખે દેખાતા દૃશ્યને વધુ સાચું માને છે. દાખલા તરીકે, તમે જે પક્ષના સમર્થક હો તેના વિરોધી પક્ષના નેતા કઢંગી હાલતમાં પકડાયા એવા તમે સમાચાર વોટ્સએપ પર ‘વાંચો’ અને તેનો વીડિયો ‘જુવો,’ તો બેમાંથી કોને વધુ અધિકૃત માનશો?

ડીપફેક ટેકનોલોજીની મદદથી રાજકારણીને બદનામ કરતો વીડિયો વાઈરલ કરી શકાય, કોઈને અપરાધમાં સંડોવી દેવા કે બચાવી લેવા માટે વીડિયો પેદા કરી શકાય કે પારિવારિક-સામાજિક અણબનાવમાં કોઈની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે પણ વીડિયો બનાવી શકાય. તમને 1971નો નગરવાલા કેસ યાદ છે, જેમાં રુસ્તમ સોહરાબ નગરવાલા નામના માણસે, દિલ્હીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કેશિયર વેદ પ્રકાશ મલ્હોત્રાને વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના અવાજમાં ફોન કરીએ 60 લાખ રોકડ કઢાવી લીધી હતી? આજે ડીપફેક ટેકનોલોજીની મદદથી કોઇપણ વ્યક્તિના અવાજની અદ્દલ નકલ કરી શકાય છે.

ટૂંકમાં, ડીપફેક ટેકનોલોજીની મદદથી તમે ધારો તેવી ‘વાસ્તવિકતા’ પેદા કરી શકો છો. એટલે એક નૈતિક પ્રશ્ન વાસ્વિકતાની અસલી પ્રકૃતિઓ પણ ઊભો થાય. શું નકલી છે અને શું અસલી છે? ‘મહાભારત’નું જ બીજું ઉદાહરણ છે કે વેદ વ્યાસનો શિષ્ય સંજય અંધ રાજા ધૃતરાષ્ટ્રને પાંડવો-કૌરવો વચ્ચેના યુદ્ધનો આંખે દેખ્યો અહેવાલ આપે છે. સંજયે એ અહેવાલ આપવામાં ઘાલમેલ કરી હોત, તો ધૃતરાષ્ટ્રને અસલિયતની ખબર પડત? આપણા કેસમાં આપણે ધૃતરાષ્ટ્ર છીએ અને ડીપફેક આધુનિક સંજય છે. ફરક એટલો જ છે કે ‘મહાભારત’નો સંજય પ્રામાણિક હતો, ડીપફેકનો સંજય ધૂર્ત છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 26 નવેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

નારીસંવેદનની હૃદયસ્પર્શી લઘુકથાઓ 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|26 November 2023

પુસ્તક પરિચય

ગુજરાતી કથા-સાહિત્યમાં અત્યારે નોંધપાત્ર કામ કરી રહેલાં ગિરીમા ઘારેખાનની લઘુકથાઓના બીજા સંગ્રહ ‘ક્ષણનો ટહુકો’ની સાઠ વાર્તાઓમાંથી અનેકમાં નારી સંવેદનની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ છે.

એમાંથી કેટલીક, પરિણીત સ્ત્રીના તન-મન પરના ઉઝરડા એવી રીતે બતાવે છે, જેનાથી જખમોનો અંદાજ આવી જાય. આવી માર્મિકતા લઘુકથાના સ્વરૂપની લેખિકાની પાકી સમજ બતાવે છે. વિભાએ શરીર પરના સોળ છતાં ‘લંપટ અને દારુડિયા’ મેહુલ સાથે ‘નિભાવવાનું જ હતું’. ‘રાક્ષસ’થી દૂર થઈને પિયર આવેલી પ્રતીમાની તેને પાછી ન મોકલવાની આજીજીઓ મા-બાપને અડતી નથી.

જ્યાં સગપણ જ કરવા જેવા ન હતા તેવા સાસરેથી એક મહિનામાં ‘રાયણમાંથી કોકડી થઈ’ ઘરે આવેલી શ્રાવણીની હાલતની માને પરવા નથી. પતિએ તરછોડેલી બે જીવસોતી વૈદેહી આપઘાત કરવા નીકળે છે.

મોટી વહુને કઠપૂતલીવાળાનો ખેલ એટલા માટે ખૂબ જ ગમે છે કે એ ચાલતો હોય એટલો વખત એ ખુદને દોરીસંચાર કરનારની જગ્યાએ જુએ છે, અને ઢીંગલીઓ તરીકે તેના વસ્તારી કુટુંબના માણસોને કલ્પે છે.

પુત્રવધૂની તકેદારીને લીધે પુષ્પાબહેન હાર્ટ એટેકના મોતમાંથી બચી જાય છે. તે પછી તેની પાસે માળા માંગતાં પળવાર માટે તેમના મોંમાંથી ‘ભૂમિ બેટા’ એવું નીકળી જાયછે. પણ તરત જ સ્પષ્ટતા આવે છે : ‘હા બેટા, હવે તો આ 108 જ મારી જીવાદોરી છે.’ ચકલીના બચ્ચાંની ચિંતામાં મેધાનું  ધાબે રોકાઈ રહેવું તેની સાસુને કઠે છે.

જો કે નણંદ-ભાભીના સંબંધો કૂણાં છે. સોનાભાભીને લગ્ન પછીના એક વર્ષમાં લાગેલી ઠેસ નણંદ મીતાના ધ્યાનમાં આવે છે. લગ્ન બાદ થોડા જ દિવસોમાં સ્વાતિના પગ ઢીલા પડતા હતા’ એનો  લોપાભાભીને ખ્યાલ આવ્યા વિના રહેતો નથી.

દેખીતી રીતે સુખી ઘરસંસારમાં પણ બધું સમુસૂથરું નથી હોતું. શ્રાવણની સવારે આંગણામાં ખીલેલાં ગુલાબ માલિની બતાવે છે, પણ પરેશ સમય જ નથી. પેલી ફૂલના ફોટાને વૉટસએપ પર મૂકે છે, પેલો તેમને ઑફિસમાં જઈને તરત ‘લાઇક’ કરી દે છે.

ભ્રષ્ટાચારમાં ઊતરતો જતો મોહિત ‘ઑફિસની બાબતમાં બૈરાંઓએ ગાંધારી જ થઈને રહેવાનું’ એમ અંજનાને સંભળાવતો હોય છે. એક હદ પછી એ પાટા અને પતિને છોડી દે છે.

દામ્પત્યના વધુ સંકુલ પાસાં પણ ઝીલાયાં છે. તમાચા સુધીના ઝગડા પછી તરતનો મનમેળ અહીં છે. ‘રિપોર્ટ’ વાર્તામાં ‘યંગ ડૉક્ટરની ટ્રીટમેન્ટ’થી પોતે પ્રેગ્નન્ટ થઈ હોવાના સમાચાર માતંગી તેના પતિને આપે છે એટલે અને ‘કૅન નેવર બી ફાદર’ એવો રિપોર્ટ પેલો ખીસામાં મૂકી રાખે છે.

અત્યાચાર પીડિતા માટેની સમાજની દૂષિત પૂર્વધારણા પણ જોવા મળે છે. ગરીબ ઘરની ગુમ થયેલી દીકરી ‘આશિક સાથે ભાગી ગઈ હશે’ એમ માનવામાં પોલીસ એ ‘પાંચ જ વર્ષની છે’ એ વિચારી જ શકતી નથી.

ઇન્સ્પેક્ટર ઝાલા માને છે કે છોકરીઓ ‘રાતવરત ગમે તેવાં કપડાં પહેરીને ભટક્યા કરે’ એટલે બળાત્કારો થાય છે. સંગ્રહની સહુથી વેધક અને ઉત્તમ વાર્તા ‘ટૅક્સ’ દેહવ્યવસાય કરતી રેવતી અને અંજુ વચ્ચે કુર્તાનું ગળું સરખું કરવા નિમિત્તે થયેલી વાતચીતથી રચાય છે.

માતાના અનેક રૂપો લેખિકાએ બતાવ્યાં છે. ‘બાવીસ વર્ષ પહેલાં’ મૃત્યુ પામેલા દીકરાનો ફોટો જોયા પછી જ સરલાબહેનનો અટકેલો જીવ નીકળે છે.

મમતા દીકરીને આગમાંથી બચાવે છે. ગોબરા લીંટાળા દીકરા શિવાને ફેરિયો ‘રૂપાળો’ કહે છે એટલે તરત જીવલી ફુગ્ગો ખરીદી લે છે. સવિતા સાવ વંઠેલ હિતીયા માટે ય બારણાને ક્યારે ય ‘સાંકળ ન દેતી’. સરહદ પરનું ગામ ખાલી કરાવવામાં આવ્યું હોય ત્યારે ય યુદ્ધમાં દીકરો ગુમાવી ગંગામાસી લડાઈ માટે ગામમાં થાણું નાખીને રહેતા સૈનિકોને ‘રોટલા ઘડીને’ ખવડાવવા ખાતર સલામત જગ્યાએ જતાં નથી.

અનાથાશ્રમમાં સમાજસેવા કરવામાં વ્યસ્ત તનુજાથી તેના દીકરાની ઉપેક્ષા થઈ જાય છે. મંજુબહેન કાનૂની લડતથી ઘર પરનો પોતાનો હક સાબિત કરીને ‘તમે માના ઘરમાં રહો છો’ એમ દીકરા અને વહુને બતાવી આપે છે. દીકરો કોલકાતા સ્થાયી થતાં નયનાબહેન ખૂબ  નારાજ રહે છે.

સંતાન માટે મા એ મા હોય છે. સુકેશિની મા કૅન્સરને કારણે વાળ ગુમાવી દે છે. પતિથી ફારકત પછી અનેક જવાબદારીઓના બોજ તળે દીકરાને ઉછેરતી મા ‘અકાળે વૃદ્ધ’ દેખાવા લાગે છે. પણ બંને વાર્તાઓમાં સંતાન માટે તે સુંદર તો ‘એવી ને એવી જ છે’.

બાળ માનસને લગતી અન્ય એક વાર્તા ચશ્માં આવવાને કારણે શાળાએ જવા ન માગતી છોકરીની છે. ‘છત્રી’ અને ‘બહાદુરી’ નાની ઉંમરના દીકરાઓને ન સમજનારા પિતા વિશે છે.

‘હૅંડ ને!’ અને ‘રેલા’ વાર્તાઓ કારમી ગરીબી નિરુપે છે. ‘પાંઉભાજી’ અને ‘સીયાની ભાવના’ વર્ગભેદ પરની ખૂબ સૂચક વાર્તાઓ છે. રમખાણોમાં ઘર ગુમાવનાર યુગલ અને કાર્ગોમાં શહીદ સાથીનો દેહ હોય તેવી ફ્લાઇટમાં જતા સૈનિકની વાર્તાઓ વ્યાપક અર્થમાં હકારાત્મક દૃષ્ટિકોણ બતાવે છે.

લઘુકથાના સ્વરૂપની ગિરિમાબહેનની સમજ મોટાભાગની વાર્તાઓમાં દેખાય છે. સંગ્રહ તેમણે  ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના આરંભકાર ‘હૃદયસ્થ મોહનભાઈ પટેલ’ને અર્પણ કર્યો છે.

‘હૅંડ ને કોરોના લઈ આપડેય ચોંકથી કોરોના લૈ આઇયે’, ‘એ કાર્ગોમાં સૂતા છે’, ‘એક નો એક’, ‘જેવો છે તેવો’ જેવા વાક્યો બરાબર નિશાન તાકે છે. દીકરી કે પુત્રવધૂ ધાબે ઊભી રહે, બાળક છત્રી વિના ભીંજાઈને શાળાએથી ઘરે આવે, પ્રૌઢા ખુદનું પ્રતિબિંબ નિહાળે જેવી રોજ બ રોજના પરિસ્થિતિઓ(situations)માંથી લેખિકાએ વાર્તાઓ સર્જી છે.

સરળ ભાષા અને સહજ અભિવ્યક્તિ, ઓછા શબ્દોમાં પણ અસરકારક વર્ણનો, સૌંદર્યસ્થાનોના અકૃત્રિમ લસરકા લેખિકાની શૈલીની ખાસિયતો છે. વધારે પડતી પ્રતીકાત્મક, અપ્રતીતિકારક, ધારણા મુજબની predictable અને અસ્પષ્ટ વાર્તાઓ પણ છે. બે વાર્તાઓ પ્રગતિશીલતાનો નિર્દેશ આપીને પરંપરામાં અટકી જાય છે.

જો કે સમગ્ર રીતે આ ‘ક્ષણના ટહુકા’ સંગ્રહ, ગયાં છએક  દાયકામાં ધીરે ધીરે સમૃદ્ધ થતાં જતાં ગુજરાતી લઘુકથા સાહિત્યમાં મહત્ત્વનું ઉમેરણ છે.

[આભાર : સુશ્રી તોરલબહેન પટેલ, ડૉ. શ્રદ્ધાબહેન ત્રિવેદી]

‌‌‌——————————–

ક્ષણના ટહુકા, ગૂર્જર પ્રકાશન, પાનાં 136, રૂ.200/-

 પ્રાપ્તિસ્થાન : 

 ગૂર્જર, સંપર્ક : 079-26934340, 22144663,22149660, મો. 9835368759

 ગ્રંથવિહાર : 079-26587949 , 9898762263

26 નવેમ્બર 2023
[800 શબ્દો]
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 26 નવેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...887888889890...900910920...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved