
રમેશ સવાણી
કોઈ પણ વ્યક્તિનું સન્માન થાય ત્યારે તેના ગામ / સમુદાય / દેશનું સન્માન થતું હોય છે. સન્માન માટે હંમેશાં અભૂતપૂર્વ કામગીરી / માનવ સમાજ માટે ઘસાઈને ઊજળા થવા માટે થતું હોય છે. સન્માન તો પરિશ્રમનો બદલો છે, મૂલ્યાંકન છે.
નોબેલ પારિતોષિક જુદા જુદા ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી માટે આપવામાં આવે છે. જેમને આ સન્માન મળે છે તે વિશ્વ કક્ષાએ સન્માન પામે છે. સ્વીકૃતિ પામે છે. મેગ્સેસે પુરસ્કાર પણ જુદા જુદા ક્ષેત્રોમાં નોંધનીય કામગીરી માટે અપાય છે. જે પત્રકારત્વ ક્ષેત્રમાં રવિશકુમારને મળેલ છે. જો કે મેગ્સેસે પુરસ્કાર યોગ્ય વ્યક્તિને જ મળે છે એવું નથી. સામાજિક નેતૃત્વમાં પાંડુરંગ શાસ્ત્રીને મેગ્સેસે પુરસ્કાર મળ્યો હતો તે ખોટી પ્રચાર ઝૂંબેશના કારણે મળેલ. જો કે મોટાભાગે આ પુરસ્કારો યોગ્ય વ્યક્તિઓને મળતા હોય છે.
દેશના વડા પ્રધાનને પણ બીજા દેશ તરફથી સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવે છે. આ પ્રકારના સન્માન / પુરસ્કાર કોઈ વિશિષ્ટ કામગીરી માટે નહીં પણ સન્માન મેળવનાર વડા પ્રધાનના હોદ્દા પર છે, એટલે આપવામાં આવે છે. આ એક પ્રોટોકોલ-રાજદ્વારી શિષ્ટાચાર છે. વડા પ્રધાન મોદીજીને જુલાઈ 2025 સુધીમાં 25 દેશોએ સર્વોચ્ચ નાગરિક સન્માન કે અન્ય સન્માનથી સન્માનિત કરેલ છે જેમાં Saudi Arabia / Afghanistan / Palestine / Maldives / United Arab Emirate s/ Bahrain / United States of America / Fiji / Papua New Guinea / Egypt / France / Greece / Bhutan / Russia / Nigeria / Dominica / Guyana / Kuwait / Barbados / Mauritius / Sri Lanka / Cyprus / Ghana / Trinidad-Tobagoનો સમાવેશ થાય છે. આ ઉપરાંત honorary doctorate degree આપવાનો પણ શિષ્ટાચાર છે. વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરનું કામ જ મોદીજી માટે પુરસ્કારની ભિક્ષા માંગવાનું હોય એવું લાગે છે !
2014માં, સધર્ન યુનિવર્સિટી તરફથી મોદીજીને માનદ્દ ડોક્ટરેટનું સન્માન આપવામાં આવેલ પણ તે સન્માન સ્વીકારવાનો તેમણે ઈન્કાર કર્યો હતો. 2016માં બનારસ હિન્દુ યુનિવર્સિટી તરફથી માનદ્દ ડોક્ટરેટ ઓફ લો સ્વીકારવાનો તેમણે ઇનકાર કર્યો હતો. ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ઘણી યુનિવર્સિટીઓએ માનદ્દ ડોક્ટરેટની પદવી આપવાનો નિર્ણય કરેલ પણ તેમણે આ સન્માન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કદાચ યુનિવર્સિટીના નામથી જ મોદીજી ભડકી જાય છે !
મોદીજી વડા પ્રધાન છે એટલે આ સન્માન મળે છે. તેઓ RSSના માત્ર પ્રચારક હોત આ સન્માનો મળ્યા ન હોત ! એટલે કે આ સન્માનો સત્તાથી ખરીદાયેલા છે, કોઈ વિશિષ્ટ કામગીરી માટેના નથી. એટલું જ નહીં, જ્યારે ભારતે પાકિસ્તાન સામે ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું ત્યારે આ 25 સર્વોચ્ચ નાગરિક સન્માન આપનાર દેશો ભારતની પડખે ઊભા રહ્યા ન હતાં ! મોદીજી વડા પ્રધાન બન્યા બાદ 89 દેશોના મહેમાન બન્યા. આ 89 દેશોમાંથી પણ કોઈ ભારતની પડખે રહ્યા નહીં ! ટૂંકમાં વિદેશ પ્રવાસનો અને સન્માનનો ભારતને કોઈ લાભ થયો નહીં ! આ આપણી વિદેશનીતિની ભયંકર નિષ્ફળતા હતી. ‘મોદીજીએ ભારતનો વિશ્વમાં ડંકો વગાડ્યો છે’ તે માત્ર અંધશ્રદ્ધા છે.
સન્માન મળે સારી બાબત છે, પરંતુ તે કામગીરીના આધારે મળે તો સોનામાં સુગંધ ભળે. મોદીજીએ 2014થી 2025 દરમિયાન દેશ માટે કોઈ ઉત્કૃષ્ટ કામગીરી કરી? માનવ સમાજ માટે ઘસાઈને ઊજળા થયા? તેમણે જે વચનો આપેલ તેમાંથી એકપણ વચનનો અમલ કર્યો? શું પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા? ડોલરના મુકાબલે રૂપિયો મજબૂત બન્યો? મોંઘવારી ઘટી? બેરોજગારી ઘટી? લોકશાહી મૂલ્યો મજબૂત થયાં? લોકોના હક્કો વિસ્તૃત બન્યા? શું ન્યાયતંત્ર / ચૂંટણીપંચ સ્વતંત્રપણે કામ કરી શકે છે? શું ભષ્ટ્રાચાર સહેજ પણ ઓછો થયો? શું યૌન શોષણની ફરિયાદ પોલીસ નોંધતી થઈ? શું વિપક્ષોનું ચરિત્રહનન ઓછું થયું? શું જૂઠાણાં ઓછા થયાં? શું ખેડૂતોની આવક બમણી થઈ? શું શ્રમિકોની સ્થિતિ સુધરી? શું સમાજમાં પ્રવર્તતા ઊંચનીચના ભેદભાવો ઓછા થયા? શું સમાજમાં પ્રગતિશીલ મૂલ્યો / વૈજ્ઞાનિક અભિગમની સ્થાપના થઈ? શું મીડિયા સ્વતંત્રપણે કામ કરી શકે છે? શું સરકારી ખર્ચે યોજાતી રેલી / સભામાં પક્ષનો પ્રચાર કરવાની અનૈતિકતા ઓછી થઈ? શું કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર કરનારને સજા થઈ? શું મહિલાઓની સુરક્ષા વધી? અનુસૂચિત જાતિ-જનજાતિ / નબળા વર્ગના લોકોની પ્રગતિ થઈ? જો આ બધાં પ્રશ્નોના જવાબ ‘ના’ હોય તો આ 25 સર્વોચ્ચ પુરસ્કાર શેના માટે અપાયા હશે?
નેતાનું સાચું માપ તેમની આંતરરાષ્ટ્રીય છબીમાં નથી, પરંતુ પોતાના રાષ્ટ્ર અને તેના લોકોના ઉત્થાનમાં રહેલું છે. વડા પ્રધાનને સત્તા મળે પણ લોકો માટે એનો ઉપયોગ ન થાય તો પુરસ્કારનો કોઈ અર્થ ખરો? રાજાનો વેશ ધારણ કરવાથી રાજા બની શકાતું નથી ! વડા પ્રધાનનો હોદ્દો મળે છતાં કોરાધાકોર રહી જવાય !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર