Opinion Magazine
Number of visits: 9666242
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આરબ-ઈઝરાયેલ યુદ્ધ, ઇસ્લામ અને ઉમ્મા

રમેશ ઓઝા|Opinion - Opinion|3 December 2023

રમેશ ઓઝા

ઇસ્લામમાં ‘ઉમ્મા’ (અરેબિક Ummaah) નામની એક કલ્પના છે જે મુસલમાનો માટે બેધારી તલવાર સાબિત થઈ રહી છે અને ક્વચિત શરમનો વિષય પણ બનતી આવી છે. ઉમ્મા એટલે અલ્લાહે પસંદ કરેલી અને અલ્લાહના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત વિશેષ કોમ જેણે અલ્લાહના આખરી અને ક્યારે ય અપ્રાસંગિક નહીં બનનારા નિત્યનૂતન પેગામ(સંદેશ)નો સ્વીકાર કર્યો છે. જે કોમે અલ્લાહનો અંતિમ અને નિત્યનૂતન પેગામ સ્વીકાર્યો હોય એ કોમ અલ્લાહને વિશેષ પ્યારી હોય એ તો સ્વાભાવિક છે. અહીં સુધી તો ઠીક છે પણ આગળ કહેવામાં આવ્યું છે કે કોઈ કોમની આનાથી વિશેષ ઓળખાણ કઈ હોઈ શકે અને આવી પરમ ઓળખ પ્રાપ્ત કર્યા પછી બીજી ઓળખોની જરૂર પણ શું છે?

આમાંથી વૈશ્વિક મુસ્લિમ બંધુત્વ (ઇસ્લામિક બ્રધરહુડ) અને વૈશ્વિક મુસ્લિમ સરોકાર(પેન ઇસ્લામિઝમ)ની કલ્પના વિકસી. તુર્કીના મુસલમાનની પીડા ભારતનાં અને જગતભરના મુસલમાને એટલા જ પ્રમાણમાં અનુભવવી જોઈએ જેટલી એ તુર્કીના મુસલમાન અનુભવે છે. તુર્કીમાં મુસલમાન જો રાજકીય, સામાજિક કે બીજા કોઈ પણ પ્રકારના સંકટમાં હોય તો ભારતનાં અને જગતભરના મુસલમાનોએ તેને પોતાનાં પરનું સંકટ સમજવું જોઈએ અને તેને પહોંચી વળવા જરૂરી પ્રયાસ કરવા જોઈએ. ટૂંકમાં મુસલમાનોની એક વૈશ્વિક બિરાદરી જેને ઇસ્લામ સિવાયની અન્ય કોઇ ઓળખ પ્રભાવી ન કરી શકે અને રાજ્યોની સીમાઓ અવરોધી ન શકે.

જગતમાં ઇસ્લામનો જે ઝડપથી પ્રસાર થયો એ એટલો તલવારના જોરે નથી થયો જેટલો મુસલમાન મુસલમાન વચ્ચે સમાનતા અને બંધુભાવને કારણે થયો છે. ઇસ્લામ જગતમાં પહેલો સંગઠિત ધર્મ હતો જેણે સમાનતા અને બંધુતાને માન્યતા આપી હતી અને ખુદા અને બંદા વચ્ચે કોઈ પુરોહિત કે પાદરીની આવશ્યકતા નકારી હતી. આ ઉપરાંત વૈશ્વિક મુસ્લિમ બિરાદરીની કલ્પના પણ રોમાંચક હતી. ઇસ્લામની આ માન્યતાને સામાજિક અને રાજકીય સ્વીકૃતિ મળી હતી. કોઇને પણ ઇસ્લામ માટે આકર્ષિત થવા માટે આ પૂરતું હતું. ઇસ્લામ માત્ર તલવારના જોરે જગતમાં પ્રસર્યો છે એમ કહેવું એ સંપૂર્ણ સત્ય નથી.

પણ હંમેશાં બનતું આવ્યું છે એમ ધર્મવચન એક જગ્યાએ અને વ્યવહારજગત એક જગ્યાએ. એમાં મુસ્લિમ હોવાની એક માત્ર ઓળખ શ્રેષ્ટ અને અંતિમ ઓળખ છે એ, મુસ્લિમ બંધુત્વ (ઇસ્લામિક બ્રધરહૂડ) અને વૈશ્વિક મુસ્લિમ સરોકાર(પેન ઇસ્લામિઝમ)એ ત્રણ રોમાંચક કલ્પના છે પણ એ વ્યવહારુ નથી. શરૂઆતનાં આકર્ષણ પછી મુસલમાનો જ્યાં રહેતા હતા ત્યાં સહિયારાપણાના અને સહઅસ્તિત્વના પ્રશ્નો પેદા થવા લાગ્યા. આને કારણે ઈસ્લામ આગ્રહી (ડિમાન્ડગ) ધર્મ તરીકે ઓળખાવા લાગ્યો.

પ્રત્યેક મુસલમાને પોતાની ઈસ્લામ સિવાયની બીજી ઓળખ ખંખેરી નાખવાની. ભૂલી જવાની. જે તે દેશમાં ઇસ્લામ પહેલાંના વારસાનો અસ્વીકાર થવા લાગ્યો અથવા અસ્વીકાર કરવો જોઈએ એવી માગણી થવા લાગી. પાકિસ્તાન તેની સ્થાપના પછી ૭૫ વરસે પણ નક્કી કરી શક્યું નથી કે પાકિસ્તાનના ઇતિહાસની શરૂઆત સિંધુ સભ્યતાથી સ્વીકારવી કે પાકિસ્તાનમાં ઇસ્લામનું આગમન થયું એ પછીથી. કેટલાક કટ્ટરપંથી મુસલમાનો પોતાને ભારતીય મુસલમાન તરીકે નથી ઓળખાવતા પણ મુસ્લીમ ભારતીય તરીકે ઓળખાવે છે. તે મુસ્લિમ છે અને ભારતનો વતની છે. મુસ્લિમ હોવું એ મુખ્ય ઓળખ છે, ભારતનો વતની હોવું એ ગૌણ છે. એક નિમિત્ત માત્ર છે. આને કારણે મુસલમાનોની વતનપરસ્તી અને રાષ્ટ્રભાવના વિષે શંકા કરવામાં આવે છે. મુસ્લિમ વિરોધીઓને આમાં ઇસ્લામને તેમ જ મુસલમાનોને બદનામ કરાવાનો મોકો મળે છે.

મુસલમાનોનું વૈશ્વીક બંધુત્વ વૈશ્વીક સરોકારમાં પરિણામે એ તો દેખીતું છે. ખિલાફત આંદોલન આનું ઉદાહરણ છે. પહેલાં વિશ્વયુદ્ધમાં વિજય મેળવ્યા પછી અંગ્રેજોએ વચનભંગ કરીને તુર્કીના ખલીફાનું રાજ અમાન્ય કર્યું તેની સામે ભારતનાં મુસલમાનોએ ખિલાફત બચાવવા આંદોલન કર્યું હતું. તુર્કીનો ખલીફા જગતભરના મુસલમાનોનો ખલીફા છે એમ મુસલમાનો માનતા હતા. ભારતીય મુસલમાનોની ભાવનાનો આદર કરીને જો હિંદુઓ મુસલમાનોને ટેકો આપે તો હિન્દુ અને મુસ્લિમો વચ્ચે એકતા સાધી શકાશે એમ માનીને ગાંધીજીએ ખિલાફતના આંદોલનને ટેકો આપ્યો હતો. મારી દૃષ્ટિએ ગાંધીજીની આ ભૂલ હતી.

આંદોલન નિષ્ફળ નીવડ્યું હતું. મુસ્તફા કમાલ આતાતુર્કના નેતૃત્વમાં તુર્કીના મુસલમાનોએ જ ખિલાફતનો વિરોધ કર્યો હતો અને ખલીફાને ભગાડી મૂક્યો હતો. તો પછી ભારતીય મુસલમાન તુર્કીના કયા મુસલમાનોની પીડામાં ભાગીદાર બન્યા હતા? વળી ખિલાફત બચાવવા માટે માત્ર ભારતનાં મુસલમાનોએ આંદોલન કર્યું હતું, જગતના બીજા મુસ્લિમ દેશોના મુસલમાનો ખલીફાની વહારે નહોતા આવ્યા.

ટૂંકમાં વૈશ્વિક મુસ્લિમ બંધુત્વ અને વૈશ્વિક મુસ્લિમ સરોકાર મુસલમાનો માટે જેટલાં રોમાંચક છે એટલાં પરિણામકારી નથી, ઊલટું નુકસાનકારક છે, પણ કોઈ ધાર્મિક મુસલમાન આ હકીકતનો સ્વીકાર નહીં કરે. કેટલાક લોકો મનોમન આનો સ્વીકાર કરશે પણ ખરા, પણ જાહેરમાં આ નહીં કબૂલે. પ્રત્યેક માણસ સમય અને સ્થળ નિર્મિત સંજોગો વચ્ચે જીવતો હોય છે. બે સ્થળ અને બે સમય એક સરખાં હોતાં નથી. સમય અને સ્થળની એક વિશિષ્ટ જરૂરિયાત હોય છે. આ સિવાય જે માટીમાં જન્મ થયો હોય એ માટીની હજારો વરસની સાંસ્કૃતિક સુગંધ હોય છે જે માણસને ઘડે છે. ભારતીય મુસલમાન અને તુર્કીના મુસલમાન વચ્ચે એટલું સામ્ય નહીં મળે જેટલું ભારતીય મુસલમાન અને ભારતીય હિંદુ વચ્ચે જોવા મળશે. આ હકીકત છે, પણ મુસલમાન આને કબૂલ કરતા નથી અને વિમાસણમાં મૂકાય છે. જેમ કે મુસ્લિમ હોવું એ પોતે જ એક અલગ રાષ્ટ્રીયતા છે અને તે ભારતીય રાષ્ટ્રીયતા કરતાં અલગ છે અને સર્વોપરી છે એમ કહીને ભારતના કેટલાક મુસલમાનોએ પાકિસ્તાનની માગણી કરી અને મેળવ્યું પણ ખરું. જો આ વાત સાચી હતી તો મોટી સંખ્યામાં મુસલમાનો ભારત છોડીને પાકિસ્તાન કેમ ન ગયા? જવું જોઈતું હતું. જો આ વાત સાચી હતી તો પાકિસ્તાનની સ્થાપના પછી માત્ર ૨૫ વરસમાં પૂર્વ પાકિસ્તાન (બંગલાદેશ) અલગ કેમ થઈ ગયું?

હવે અત્યારે જે બની રહ્યું છે એના તરફ એક નજર કરીએ. ઇઝરાયેલ પોંડીચેરીથી થોડોક જ મોટો એવો ખોબા જેવડો દેશ છે. તેની વસ્તી એક કરોડ પણ નથી. જગતમાં મુસલમાનોની વસ્તી એક અબજ ૮૦ કરોડની છે અને તે જગતની કુલ વસ્તીમાં ૨૪.૧ % નો હિસ્સો ધરાવે છે. આની સામે જગતમાં યહૂદીઓની કુલ વસ્તી એક કરોડ બાવન લાખ છે અને વૈશ્વિક વસ્તીમાં તેનો હિસ્સો માત્ર ૦.૨ ટકા છે. જગતમાં ૨૫ દેશોમાં મુસલમાનો બહુમતી ધરાવે છે અને બહોળી વસ્તી ધરાવતા હોય એવા દેશો ઉમેરીએ તો ૫૦ જેટલા દેશો છે. વૈશ્વિક વ્યાપારમાં મુસલમાનોનો હિસ્સો તેની વસ્તી જેટલો જ અંદાજે ૨૩ ટકા છે જ્યારે યહૂદીઓનો એક જ બચુકલો દેશ હોવાથી કોઈ ગણનાપાત્ર હિસ્સો નથી. આ ઉપરાંત કેટલાક આરબ દેશો પાસે ખનીજ તેલ છે. અને છતાં ય આપણે જોઈએ છીએ કે ૧૯૪૮થી આજ સુધી મુસ્લિમ દેશો ઇઝરાયેલને પરાજીત નથી કરી શકતા.

આ ‘ઉમા’ની કલ્પનાને અર્થાત્ વૈશ્વિક મુસ્લિમ બંધુત્વ તેમ જ વૈશ્વિક મુસ્લિમ સરોકારની વ્યવહારુતા સામે પ્રશ્ન ઉપસ્થિત કરે છે. એક વાત ગાંઠે બાંધી લો, કોઈ ધર્મે કહેલી દરેક વાત ચિરંતન હોતી નથી કે નિત્યનૂતન હોતી નથી. એને સ્થળ અને કાળની જરૂરિયાત પ્રભાવિત કરે જ છે. કોઈ ધર્મ આમાં અપવાદ નથી. એટલે નિત્યનૂતન ચિત્તાવસ્થા હોવી જોઈએ, ધર્મવચન નહીં. ચિત્ત સદૈવ જાગૃત રહે, ખુલ્લું રહે, નવું નવું ગ્રહણ કરતું રહે, વિકસતું રહે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 03 ડિસેમ્બર 2023

Loading

કાર્ટૂનકળા વિશે બીરેન કોઠારીનો અનોખો કાર્યક્રમ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|3 December 2023

‘કહત કાર્ટૂન…’ નામનો બિલકુલ અનોખો કાર્યક્રમ ‘સ્ક્રૅપયાર્ડ થિએટર’માં 01 ડિસેમ્બરના શુકવારે સાંજે યોજાયો હતો.

કાર્ટૂનની કળા અને કાર્ટૂનની દુનિયાનો સહજ ઢબે છતાં ઊંડાણથી પરિચય કરાવતો આ કાર્યક્રમ સ્લાઈડશોના માધ્યમથી યોજાયો હતો.

તેના માટેનું સંશોધન અને વિષય પસંદગી, તેની પરિકલ્પના અને રજૂઆત, એમ બધાં પાસાં બીરેન કોઠારીના હતા.

વડોદરાના બીરેનભાઈ પૂરા સમયના લેખક, જીવનચરિત્રકાર, સિનેમા તેમ જ સંગીતના અભ્યાસી, ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસલેખક, સંપાદક, ચિત્રકાર જેવી અનેક વિશિષ્ટ ક્ષમતાઓથી જાણીતા છે.

કાર્ટૂન પરના તેમના કાર્યક્રમ અને તેના માટેનો વ્યાસંગ ગુજરાતમાં ભાગ્યે જ બીજી કોઈ વ્યક્તિ ધરાવતી હશે એમ સલામત રીતે ધારી શકાય.

શુક્રવારનો કાર્યક્રમ આમ તો બીરેનભાઈની સૂચિત શ્રેણીનો બીજો ભાગ હતો. શ્રેણીનું આખું નામ છે कहत Cartoon : Stories from History, Politics and Society told through Cartoons’ અર્થાત ‘ઇતિહાસ, સમાજ અને રાજકારણની વાર્તા કાર્ટૂનની નજરે’.

આ શ્રેણીનો પહેલો ભાગ, નામે From British Raj to Swaraj સ્ક્રૅપયાર્ડમાં જ 27 ઑક્ટોબરે જોવા મળ્યો હતો. તેમાં બીરેનભાઈએ ભારતના ઇતિહાસમાં 1857ના જંગથી લઈને સોએક વર્ષ દરમિયાન થયેલાં નોંધપાત્ર કાર્ટૂન્સને તેના રાજકીય-સામાજિક સંદર્ભ સાથે સમજાવ્યાં હતા.

શુક્રવારનો અનેરો વિષય હતો ‘Metamorphosis’,એટલે કે ‘કાયાપલટની કમાલ’, જે પ્રક્ષકોમાંથી ઘણાં માટે અત્યાર સુધી તો કલ્પના બહારનો હતો. રૂપાંતર અથવા અંગ્રેજીમાં metamorphosis કાર્ટૂનિસ્ટ માટેની એક પ્રયુક્તિ છે.

બેથી આઠની સંખ્યામાં એકબીજાની બાજુ બાજુમાં દોરેલાં ચિત્રો દ્વારા કાર્ટૂનિસ્ટ એક વ્યક્તિને બીજી વ્યક્તિમાં, કે વસ્તુમાં રૂપાંતરિત થયેલી બતાવે છે.

દેખીતી રીતે અજૂગતી આ વાત બીરેનભાઈ પડદા પર કાર્ટૂન બતાવીને સમજાવે ત્યારે મગજમાં ઝબકારો થાય છે.

એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં કાયાપલટ Person to Person Metamorphosisના છ ઉદાહરણો બિરેનભાઈ બતાવે છે.

– તેમાંથી પહેલાં સંપુટના પહેલાં ચિત્રમાં ભારતના પૂર્વ વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહ ચોથા કાર્ટૂનમાં રાજીવ ગાંધી બની જાય છે. રાજિન્દર પુરી(1934 થી 2015)નું આ કાર્ટૂન કાશ્મીરને લગતી કલમ 371 અંગેના વલણની છે. 

– બીજા સંપુટના પહેલાં ચિત્રમાં, ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ છઠ્ઠા કાર્ટૂનમાં નરસિંહા રાવ બની જાય છે. સુધીર તેલંગ(1960 -2006)નું આ કાર્ટૂન જુલાઈ 2008માં મનમોહનની સરકારની સામે લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત વિશેનું છે. 

– ત્રીજામાં પણ મનમોહન-રાવ રૂપાંતર જ છે, જે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના અત્યારના ઉન્ની (1955-)ના કાર્ટૂનના ચોથા ચિત્રમાં બને છે. તેનો સંદર્ભ 1991 અને 1994માં રજૂ થયેલાં કેન્દ્રીય અંદાજપત્ર એટલે કે બજેટનો છે. 

– આ જ પ્રમાણે કેશવ કૉન્ગ્રેસના અર્જુનસિંહને દેવીલાલ બનાવે છે અને પી. નરસિંહા (1957-) મોદીને મનમોહન સિંગ બનાવે છે. આ બંને કાર્ટૂન્સનો અર્થાત રાજકીય સંદર્ભ છે જે કાર્ટૂનમાં શબ્દોમાં નિર્દેશિત છે, અને બીરેનભાઈ સમજાવે પણ છે. 

– હેમંત મોરપારિયાએ 2002માં દાઢીવાળા મોદીને ચોથા કાર્ટૂનમાં લાક્ષણિક મૂછ સાથેના હિટલર બનાવે છે. 

રૂપાંતરનો બીજો પ્રકાર from Person to object એટલે કે વ્યક્તિમાંથી વસ્તુ. અમેરિકા સ્થિત શ્રેયસ નવરે 2010ના વર્ષના આરંભના food inflationને લગતાં કાર્ટૂનમાં મનમોહનસિંહની પાઘડીને ચોથા કાર્ટૂનમાં ડુંગળી બનાવી દે છે. 

– શ્રેયસ ઉત્તર પ્રદેશની અરાજકતાના માહોલમાં મુલાયમસિંહ અને અખિલેશ યાદવને બે કેળાં બનાવે છે અને લખે છે banana republic. 

– ‘ગુજરાત સમાચાર’માં પણ જેમના કાર્ટૂન્સ જોવા મળે છે તે મંજુલ (1971-) ઉત્તર પ્રદેશની માર્ચ 2018ની ચૂંટણીને લગતાં કાર્ટૂનમાં યોગી આદિત્યનાથને શૂન્યમાં ફેરવે છે. 

– Alfredo નામના કલાકારના પહેલાં કાર્ટૂનની બુરખાધારી સ્ત્રી પાંચમા ચિત્રમાં રંગીન પતંગિયામાં ફેરવાય છે. કાર્ટૂનમાં એ મતલબનું એક વાક્ય છે કે આ revolution – ક્રાન્તિનો પ્રભાવ છે. 

વસ્તુથી વસ્તુ/વ્યક્તિ object to object/person રૂપાંતરનો દાખલો સુધીર નાથ(1971-)ના કાર્ટૂનમાં મળે છે કે જેમાં તેઓ કોન્ગ્રેસના ચિહ્ન એવા પંજાનું પાંચ તબક્કામાં ભારતીય જનતા પક્ષના કમળમાં રૂપાંતર બતાવે છે. શ્રેયસ નવરે કમળમાંથી ચોથા તબક્કે નરેન્દ્ર મોદી બનાવે છે. 

– શ્રેયસની એક ખૂબી સમજાવતા બીરેન કહે છે કે તે ચિત્રમાં એક ગધેડાને લાવે છે, જેનું નામ Zero છે. તે આર.કે. લક્ષ્મણના કૉમન મૅનની જેમ ઘણાં કાર્ટૂન્સમાં ડોકિયું કરે છે.

કૉમન મૅન બોલતો નથી, પણ આ Zero ‘દોઢડહપણ કરે છે’.

જેમ કે, ઉત્તર પ્રદેશની અરાજકતાવાળા કાર્ટુન્સમાં તે ‘’નિરુત્તર પ્રદેશ’ એમ બોલે છે, અને કમળમાંથી મોદીવાળા કાર્ટૂનમાં તે ‘ Lotus – What about a lot of us ?’ એ મતલબનો સવાલ કરે છે.

અજિત નિનનને બીરેનભાઈ ‘master of metamorphoses’ એટલે કે રૂપાંતરકળાના સ્વામી ગણાવે છે. તેમનું તાજેતરમાં 8 સપ્ટેમ્બરે 68 વર્ષની વયે અવસાન થયું.

નિનનના કસબના અનેક દાખલા બીરેનભાઈ બતાવે છે, જેમાંથી કેટલાક આ મુજબ છે : 

– વ્યક્તિથી પ્રાણી/પક્ષીમાં રૂપાંતર : કરુણાનિધિમાંથી કાચિંડો, બાળ ઠાકરેમાંથી બિલ્લી થઈ ગયેલો વાઘ, અર્જુનસિંહમાંથી સિંહની જેમ ત્રાડ નાખવા મથતું ગલુડિયું.

– પક્ષીમાંથી વ્યક્તિમાં રૂપાંતર : શાંતિદૂત વાજપેયીમાંથી ચાંચમાં ઑલિવની ડાળી પકડીને ઊડતું કબૂતર, અમરસિંહ જે પાર્ટીઓના માણસ હતા તે હાથમાં શરાબનો પ્યાલો પકડેલું ઘુવડ,

જયલલિતામાંથી એવી મરઘી કે જેની નીચે કેટલાંક બચ્ચાં દબાયેલાં હોય, કેજરીવાલ અને નીતિશકુમાર બંનેમાંથી શિયાળ

– વ્યક્તિમાંથી વસ્તુમાં રૂપાંતર : મુલાયમસિંહ યાદવમાંથી સાયકલ, નરેન્દ્ર મોદીમાંથી બુલડોઝર, લાલ કૃષ્ણ અડવાણીમાંથી છત્રી સાથેનો રથ, સંજય દત્તમાંથી એ.કે. 47, મનમોહન સિંહમાંથી મુંબઈ સ્ટૉક એક્સચેન્જનું બિલ્ડિંગ, માયાવતીમાંથી નાણાંકોથળી, મમતામાંથી ફેરવવા માટેની દોરી (જાળ) સાથેનો ભમરડો.

દરેક કાર્ટૂનની સૂક્ષ્મતા બીરેનભાઈ લાજવાબ રીતે બતાવે છે. મમતાનો ચહેરો ભમરડા જેવો અને ચોટલો જાળ જેવો, જે કેસરી રંગની હોય તેમ જ એને છેડે કમળની છાપ હોય. 

પહેલાં ચિત્રના અડવણીની ટાલમાંથી ચોથા ચિત્રમાં રથની છત્રી બનતી હોય. અનેક દાખલા આપી શકાય. જો કે કેટલીક વાર દુરાકૃષ્ટતા પણ લાગે, એટલે કે સામ્ય સહજ રીતે ન ધ્યાનમાં આવતું હોય, પણ સંદર્ભ અને સમજૂતીથી આકલન થતું હોય એમ પણ બને છે. 

વળી બીરેને તાકીદ પણ કરી : ‘કાર્ટૂનિસ્ટ આપણી સામે જુએ તો ચેતી જવું, એ આપણામાં કંઈ પણ જોતો હોય …’ બાય ધ વે, બિરેનભાઈ પોતે પણ કાર્ટૂન બનાવે છે. 

કાર્યક્રમનો અરધા જેવો હિસ્સો The Story of Pear King એવો હતો. તેમાં બિરેને ફ્રાન્સની હંમેશાં સમૃદ્ધ રહેલી કાર્ટૂનપ્રવૃત્તિનો એક ઐતિહાસિક તબક્કો સરસ રીતે સમજાવ્યો. આ તબક્કો તે રાજા લુઇ ફિલિપ Louis Philippe Iના 1830 to 1848ના શાસનકાળ દરમિયાનનો હતો. 

એ રાજાની રીતિનીતિ વિરુદ્ધ La Caricature અને Le Charivari નામના રાજકીય ઠઠ્ઠાચિત્રોનો જેનો વિશેષ હોય તેવા સાપ્તાહિકોએ કાર્ટૂન્સ થકી પાંચેક વર્ષ સુધી ઝુંબેશ ચલાવી. તેમાં તેમના ચિતારાઓએ રાજાને સતત pear એટલે કે જમરૂખ તરીકે દોર્યે રાખ્યો.

એટલું જ નહીં તેની આજુબાજુના માણસો અને માહોલમાં પણ તેમણે જમરૂખનાં કલ્પનો ફેલાવી દીધા. બીરેનભાઈએ આ આખો ય કિસ્સો તેના અનેક સંદર્ભો સાથે ખૂબ રોચક રીતે સમજાવ્યો. પૂરા કાર્યક્રમમાં સ્લાઇડ ઑપરેટ કરનાર બીરેનના જીવનસાથી કામિનીબહેન હતાં.

આ કાર્ટૂન કાર્યક્રમનો બૌદ્ધિક આનંદ અને તેની મહત્તા તેને પ્રત્યક્ષ જોઈને જ સમજી શકાય તેમ છે. બીરેનભાઈ પાસે કાર્ટૂનની કળા અને તેના ઇતિહાસ તેમ જ વર્તમાન અંગે બીજા કેટલાક વિષયો છે. તેમાંથી તેઓ જે વધુ હપ્તા પ્રસ્તુત કરવાના છે તેની પ્રતીક્ષા રહેવાની.

આ કાર્યક્રમથી ફરીથી એક વખત જોવા મળ્યું કે નાટ્યપ્રવૃત્તિ માટે સર્જાયેલું સ્ક્રૅપયાર્ડ થિએટર અમદાવાદમાં વૈકલ્પિક, બિનપરંપરાગત અભિવ્યક્તિ માટેની મહત્વની જગ્યા space બની રહ્યું છે. 

દેખીતી રીતે કોઈ પણ સરકારી કે સંસ્થાકીય ટેકા વિના ઠાકોર પરિવાર તેમ જ કબીર અને નેહા તેમના યુવા સાથીઓની મદદથી શહેરીજનોનું સંવેદન સંકોરવામાં તેમ જ તેમની આંતરસમૃદ્ધિને વધારવામાં નિ:સ્વાર્થ સહયોગ આપી રહ્યાં છે.

[તસવીર સૌજન્ય : સુજાત] 
02 ડિસેમ્બર 2023
[975 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

ભોપાલ ગેસ ટ્રેજેડીનો ગુમનામ નાયક : ‘રેલવેમેન’ ગુલામ દસ્તગીર

રાજ ગોસ્વામી|Opinion - Opinion|3 December 2023

રાજ ગોસ્વામી

1984માં, ભોપાલમાં ઘટેલી ગેસ ગળતરની ભયાનક દુર્ઘટના ઉપર, નેટફ્લિકસ પર આવેલી સિરીઝ “ધ રેલવેમેન” જોયા પછી ઘણા લોકોને પહેલીવાર રેલવે કર્મચારીઓની, અને ખાસ કરીને ભોપાલ રેલવે સ્ટેશનના ડેપ્યુટી રેલવે સુપરિન્ટેન્ડન્ટની, એ ટ્રેજેડીમાં આટલી મહત્ત્વની ભૂમિકા હતી તેની જાણ થઇ છે. વાસ્તવમાં પણ બહુ ઓછા લોકોને આ ખબર હતી.

ભોપાલ ગેસ દુર્ઘટનાની કમનસીબ રાત્રે ભોપાલ રેલવે સ્ટેશન પર જે સમયસૂચકતા વાપરવામાં આવી હતી, તેના સમાચાર મૂળ દુર્ઘટનાના સમાચારોમાં દબાઈ ગયા હતા. અને દબાઈ જ જાય ને! કારણ કે જીવતા રહી ગયેલાઓ કરતાં મરી ગયેલાઓની સંખ્યા અને યાતના બહુ મોટી હતી.

ગેસ ગળતરનું કારણ આજે મામૂલી પણ ચોંકાવાનારું લાગે; ભોપાલ શહેરને અડીને આવેલી અમેરિકન કંપની યુનિયન કાર્બાઈડની ફેક્ટરીમાં, મિથાઈલ આઈસોસાઈનેટ ગેસની ટેંકમાં પાણી ભળી ગયું. એમાં ટેંકમાં દબાણ વધી ગયું અને ગેસ હવામાં ફેલાઈ ગયો.

એ એક જ રાતમાં ભોપાલ શહેરના 3,000 લોકોએ જીવ ગુમાવ્યો હતો. એ પછીના દિવસો-મહિનાઓમાં 15થી 20 હાજર લોકોનાં મૃત્યુ થયાં હતાં અને પાંચ લાખથી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ, બીમારીઓ, અપંગતાઓનો સામનો કરવો પડ્યો હતો.

2-3 ડિસેમ્બર, 1984ની એ રાત ભોપાલ માટે કતલની રાત હતી. ત્યાંની હવામાં મિથાઈલ આઈસોસાઈનેટ ગેસનું ઝેર ફેલાઈ ગયું હતું. ફેક્ટરીની નજીક એક ઝૂંપડપટ્ટી હતી, જ્યાં દૂરના લોકો કામની શોધમાં રહેતા હતા. અહીં કેટલાક લોકો ઊંઘમાં જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે ગેસ ઘરોમાં પ્રવેશવા લાગ્યો, ત્યારે લોકો ગભરાઈને બહાર આવી ગયા, પરંતુ કોઈ રસ્તામાં જ મરી ગયા તો કોઈ હાંફીને મરી ગયા.

આ બધા વચ્ચે, ભોપાલ રેલવે જંકશન પર જે માહોલ હતો, એ તો સાવ જ જુદો હતો. બહારના લોકો ટ્રેનોમાં સવાર થઈને ભોપાલ આવવાના હતા અને ભોપાલના લોકો ટ્રેનોમાં સવાર થઈને બહાર જવાના હતા. સ્વાભાવિક રીતે જ, સ્ટેશનના ડેપ્યુટી રેલવે સુપરિન્ટેન્ડન્ટ ગુલામ દસ્તગીર એક અલગ જ પ્રકારના સંકટને ટાળવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા; આવતી-જતી ટ્રેનોના પ્રવાસીઓ ગેસની ઝપટમાં આવ્યા તો?

તેમનો એ રાતનો સંઘર્ષ બહુ મહિનાઓ સુધી બહાર આવ્યો ન હતો. તેમનું મૃત્યુ થયું તે પછી તેમણે એ રાતે ભજવેલી ભૂમિકાની વાતો ચર્ચામાં આવી. થોડીક વાતો તેમણે તેમના દીકરાને કહી હતી, થોડીક સ્ટેશન પર ફરજ પર તૈનાત કર્મચારીઓ તરફથી આવી હતી. પછી તો મીડિયાનું ધ્યાન પણ ગુલામ ગુલામ દસ્તગીરના પરાક્રમ તરફ ખેંચાયું. હવે તેમને ન્યાય આપતી સિરીઝ બની છે અને કદાચ ફિલ્મ પણ બની રહી છે.

અંગ્રેજીમાં એક શબ્દ છે; અનસંગ હીરો – જેણે સંકટના સમયે પરાક્રમી કૃત્ય કર્યું હોય પણ લોકોના ધ્યાનમાં આવ્યું ન હોય તેવો ગુમનામ નાયક. ગુલામ દસ્તગીર ઇતિહાસનો એવો એક ગુમનામ નાયક છે.

તે રાત્રે, ડેપ્યુટી સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ ગુલામ તેમની નાઈટ ડ્યુટીમાં ગોરખપુર મુંબઈ-એક્સપ્રેસના આગમનની તપાસ માટે બહાર નીકળ્યા તો, પ્લેટફોર્મ પર પગ મૂકતા જ તેમને ગળામાં ખંજવાળ અને આંખોમાં બળતરા થઇ. અચાનક ગૂંગળામણ અનુભવતા દસ્તગીરને ખબર પણ નહોતી તેમના બોસ, સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ હરીશ ધુર્વે સહિત 23 સાથીઓએ દમ તોડી દીધો છે. દસ્તગીરને કંઈ સમજાતું નહોતું, પરંતુ વ્યસ્ત રેલવે લાઈન પર વર્ષોની તાલીમ પરથી તેમને લાગ્યું કે કંઈક ખોટું થયું છે. તેમણે સમયસૂચકતા વાપરીને વિદિશા અને ઇટારસી જેવા નજીકના સ્ટેશન માસ્ટરને ભોપાલ તરફ આવતી તમામ ટ્રેનોને સ્થગિત કરવા ચેતવ્યા હતા.

જો કે, પ્રવાસીઓથી ભરચક ગોરખપુર-કાનપુર એક્સપ્રેસ પહેલેથી ભોપાલના પ્લેટફોર્મ પર ઊભી હતી અને તેના છૂટવાના સમયને હજુ 20 મિનિટની વાર હતી. દસ્તગીરે તાત્કાલિક ટ્રેનને રવાના કરવા આદેશ કર્યો. ટ્રેનને 20 મિનિટ વહેલી રવાના કરવા માટે મુખ્ય કાર્યાલય સહિત બહુ બધા સાહેબોને જાણ કરવી પડે, પણ દસ્તગીરે કહ્યું કે મારી પાસે એક પણ મિનિટ નથી અને પૂરી જવાબદારી હું લઉં છું.

એ વખતે દસ્તગીર ખુદ શ્વાસ લઇ શકે તેવી સ્થિતિમાં નહોતા અને તમામ નિયમોનો ભંગ કરીને, કોઈની પણ પરવાગી વગર ગોરખપુર-કાનપુર એકપ્રેસને તાબડતોબ ભોપાલથી રવાના કરી દીધી. કલ્પના કરો કે એ ટ્રેન જો સ્ટેશન પર જ હોત અને તેના ડબ્બાઓમાં ઝેરી ગેસ પ્રવેશી ગયો હોત તો? ટ્રેનોમાં લાશો હોય તેવાં દૃશ્યો છેલ્લે ભારત-પાકિસ્તાનના વિભાજનની હિંસામાં જોવા મળ્યાં હતાં. ગુલામ દસ્તગીરે એ રાતે પોતાનો જીવ બચવવા માટે નાસી જવાને બદલે ટ્રેનના મુસાફરોને એક ભયાનક દુર્ઘટનામાંથી બચાવી લીધા હતા.

એ પછી પણ તેમનું કામ પત્યું નહોતું. તે કંટ્રોલ રૂમમાં દોડી ગયા અને ઉપરી સાહેબોને સ્થિતિની ગંભીરતા સમજાવી. તેમણે સ્ટેશન પર ટ્રેન સેવાઓ બંધ કરી દીધી. ઝેરી ગેસથી બચવા માટે દોડી આવેલા લોકોથી સ્ટેશન ભરાઈ ગયું હતું. લોકો હાંફતા હતા, રડી રહ્યા હતા અને દસ્તગીરે દોડાદોડ કરીને લોકોને બનતી મદદ પહોંચાડવાનું ચાલુ રાખ્યું હતું.

જો કે, ગેસ દુર્ઘટનાએ તેમને અને તેમના પરિવારને બરબાદ કરી દીધો હતો. તેમના એક પુત્રનું એ રાત્રે મૃત્યુ થયું હતું અને બીજાને આજીવન ચામડીનો રોગ થઇ ગયો હતો. દસ્તગીરનાં ખુદનાં અંતિમ 19 વર્ષનો મોટાભાગનો સમય હોસ્પિટલોમાં પસાર થયો હતો. ઝેરી ગેસના કારણે તેમનાં ફેફસાંને અસર થઇ હતી. 2003માં જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તેમના મૃત્યુ પ્રમાણપત્રમાં લખવામાં આવ્યું હતું કે તેઓ મિથાઈલ આઇસોસાયનેટ ગેસના સીધા સંપર્કમાં આવવાને કારણે થતી બિમારીઓથી પીડાતા હતા.

કમનસીબે, ભોપાલ ગેસ દુર્ઘટનામાં તે રાતે રેલવે સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની ભૂમિકા વિશે કોઈ રેકોર્ડ નથી. ખાલી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર એક ઉપેક્ષિત આરસપહાણની તકતી છે, જેમાં તે રાત્રે મૃત્યુ પામેલા 23 કર્મચારીઓનાં નામ કોતરવામાં આવ્યા છે.

2003માં ગુલામ દસ્તગીરના મૃત્યુ પછી, તેમના પુત્રોએ ભારતના રાષ્ટ્રપતિને પત્ર લખીને તેમના પિતાની ભૂમિકાને માન્યતા આપવા માંગ કરી હતી. જો કે, આ પત્ર રેલવે મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો, જેણે પરિવારને જવાબ આપ્યો હતો કે આ મધ્ય પ્રદેશ સરકાર સાથે સંબંધિત બાબત છે. પરિવારે એ પછી એ દિશામાં કોઈ પ્રયાસ ન કર્યો, માત્ર અખબારોમાં તે રાતની ઘટનાને લઈને છપાતા નાના-મોટા સમાચારોનાં કટિંગ સાચવી રાખ્યાં.

ભોપાલ સ્ટેશન પર પેલી તખ્તીમાં ગુલામ દસ્તગીરનું નામ નથી, કારણ કે તેમનું મૃત્યુ “એ રાતે” થયું નહોતું. આમ, દસ્તગીર એક ગુમનામ નાયક તરીકે જ રહી ગયા, જેમનું એ જ ઝેરી ગેસની અસરથી 19 વર્ષ પછી મોત થયું હતું, જેમાંથી અનેક લોકોનો જીવ તેમણે એ રાતે બચાવ્યા હતા.

દસ્તગીર સાચા ભારતીય હતા. તે રાતે તે ભૂલી ગયા હતા કે વ્યક્તિ ક્યા ધર્મની છે, તેની જાતિ કઈ છે, કઈ ભાષા બોલે છે. ઉત્તમ ભારતનું નિર્માણ કરવા માટે જે તમામ ભેદભાવને બાજુએ મૂકે છે તે સાચો નાગરિક છે. દસ્તગીરની સાહસિક વાર્તાનો એ પણ એક સાર છે.

(પ્રગટ : ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 03 ડિસેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...876877878879...890900910...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved