Opinion Magazine
Number of visits: 9457743
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આર્ટિકલ 370માંની જોગવાઈ એના એ જ સ્વરૂપમાં જમ્મુ અને કાશ્મીરમાં લાગુ હતી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|3 September 2023

રમેશ ઓઝા

૨૦૧૯માં કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરને સ્વાયત્તતા આપતા બંધારણના આર્ટીકલ ૩૭૦ને રદ્દ કર્યો (આ અર્ધસત્ય છે જેનો ખુલાસો આગળ થશે) એની સામે કરવામાં આવેલી પિટીશન પર સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી ચાલી રહી છે. અદાલતના પાંચ વરિષ્ટ જજોની બંધારણીય બેન્ચની રચના કરવામાં આવી છે જેની અધ્યક્ષતા મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ કરી રહ્યા છે. સુનાવણીના બારમાં દિવસે મુખ્ય ન્યાયમૂર્તિએ એક મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. તેમણે પ્રશ્ન પૂછ્યો હતો કે મૂળમાં આર્ટીકલ ૩૭૦માં જે જોગવાઈ છે અને ૨૦૧૯માં આર્ટીકલ ૩૭૦ રદ્દ કર્યો ત્યારે જમ્મુ અને કાશ્મીરની સ્વાયત્તા અંગેની જે વાસ્તવિક સ્થિતિ હતી એ એક સરખી હતી? બીજા શબ્દોમાં કહીએ તો આર્ટીકલ ૩૭૦માંની જોગવાઈ એના એ જ સ્વરૂપમાં જમ્મુ અને કાશ્મીરમાં લાગુ હતી? કે પછી ૬૯ વરસોમાં આર્ટીકલ ૩૭૦ની જોગવાઈઓ વાસ્તવિક ધરાતલ પર ચળાતી ચળાતી નહીં જેવી થઈ ગઈ હતી? તેમણે હજુ વધુ ફોડ પાડીને પ્રશ્ન પૂછ્યો હતો કે પાંચમી ઓગસ્ટ ૨૦૧૯ના દિવસે જે આર્ટીકલ રદ્દ કરવામાં આવ્યો એ શું એ દિવસે એના એ જ સ્વરૂપમાં લાગુ હતો જેવું તેનું સ્વરૂપ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે હતું?

અને એ પછી તેમણે સવાલ પૂછ્યો હતો કે ૨૦૧૯માં કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો એ જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં સંપૂર્ણ વિલીનીકરણ થાય એ દિશાનું તાર્કિક પગલું હતું? Was it really a logical step forward to achieve that integration?

૧૯૪૭-૪૮માં ભારતનાં અન્ય રાજ્યોની માફક જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં સંપૂર્ણ વિલીનીકરણ થઈ શક્યું નહોતું. મુખ્ય કારણ જમ્મુ અને કાશ્મીરના રાજવી મહારાજા હરિસિંહની મૂર્ખાઈ હતી. કુલ મળીને ૯૦ ટકા કરતાં વધુ મુસ્લિમ વસ્તી ધરાવનારા રાજ્યના રાજવી એવું સપનું જોતાં હતા કે જમ્મુ અને કાશ્મીર સ્વતંત્ર રહેશે, ભારત કે પાકિસ્તાનમાં નહીં જોડાય, તેઓ રાજવી તરીકે કાયમ રહેશે અને જમ્મુ અને કાશ્મીર એશિયાનું સ્વીત્ઝરલૅન્ડ બનશે. એ સમયે મહારાજા સ્વામી સંત દેવ નામના એક સાધુના પ્રભાવમાં હતા અને તેમણે મહારાજાને સ્વતંત્ર બૃહદ્દ ડોગરા રાજ્યનું સપનું દેખાડ્યું હતું. આ ઉપરાંત કેટલાક હિન્દુત્વવાદીઓને એમ લાગતું હતું કે જો જમ્મુ અને કાશ્મીર સ્વતંત્ર રહે તો જમ્મુ અને કાશ્મીરને હિંદુરાષ્ટ્ર બનાવી શકાય, એટલે એ લોકો પણ જમ્મુ અને કાશ્મીર ભારતમાં ન જોડાય અને સ્વતંત્ર હિંદુરાષ્ટ્ર બને એ માટે પ્રયત્નશીલ હતા.

આ સિવાય હૈદરાબાદના નિઝામે અને જૂનાગઢના નવાબે જાણીબૂજીને એવા નિર્ણયો લીધા હતા કે જોડાણની નીતિ સામે મૂળભૂત પ્રશ્નો પેદા થાય. પ્રશ્ન એ હતો કે જોડાણ અંગેનો અંતિમ નિર્ણય લેવાનો અધિકાર કોનો? રાજવીનો કે પ્રજાનો? જો જમ્મુ અને કાશ્મીરના હિંદુ રાજાને જોડાણ અંગેનો નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવે તો જૂનાગઢના નવાબના નિર્ણયને અને હૈદરાબાદના નિઝામના નિર્ણયોને પણ માથે ચડાવવો જોઈએ. જો જૂનાગઢમાં દલીલ કરવામાં આવી હતી એમ પ્રજાનો નિર્ણય આખરી હોય તો જમ્મુ અને કાશ્મીરની ૯૦ ટકા મુસ્લિમ પ્રજાનો નિર્ણય માથે ચડાવવો જોઈએ. ટૂંકમાં ભારત માટે સ્થિતિ બહુ અનુકૂળ નહોતી અને એમાં ખરા ટાણે રાજા આડો ફાટ્યો.

જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં જોડાણ અને તેના રાજકારણ વિષે આખું એક પુસ્તક લખાય એટલા લાંબા ઇતિહાસને ટૂંકાવીને આર્ટિકલ ૩૭૦ પર પાછા આવીએ. જમ્મુ અને કાશ્મીરને હડપી લેવા પાકિસ્તાને આક્રમણ કર્યું અને ભારતે વળતો જવાબ આપીને જમ્મુ અને કાશ્મીરનો ૬૦ ટકા હિસ્સો બચાવી લીધો. મહારાજા પાસે કોઈ વિકલ્પ બચ્યો નહોતો એટલે તેમણે ભારત સાથેનાં જોડાણને મંજૂર રાખ્યું. જો મહારાજા જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં જોડાણ ન કરે તો ભારત તેનું લશ્કર પણ મોકલી શકે એમ નહોતું અને કાશ્મીર તો ઠીક, રાજાને પણ બચાવી શકે તેમ નહોતું. બધું ઉતાવળે થયું હતું. બંધારણીય જરૂરિયાત મુજબ જોડાણ માટેનાં બે જોડાણખતની પ્રક્રિયા પૂરી થઈ શકે એમ હતી નહીં, આખા વિશ્વની કાશ્મીર પર નજર હતી, મુસલમાનોની વસ્તી ૯૦ ટકા કરતાં વધુ હતી, રાજ્ય પાકિસ્તાનને લાગીને હતું, જમ્મુ અને કાશ્મીરના બધા જ મુસલમાનો શેખ અબ્દુલ્લા સાથે નહોતા અને જે નહોતા એ પાકિસ્તાનમાં જોડાવાનો આગ્રહ રાખતા હતા, શેખ અબ્દુલ્લા પણ સ્વાયત્તતાની શરતે ભારતમાં જોડાવાનો આગ્રહ રાખતા હતા એ હકીકતો જોતાં ભારતે જમ્મુ અને કાશ્મીરમાં લોકમત લેવાની ઓફર કરી હતી અને સ્વાયત્તતાની શરત મંજૂર રાખી હતી. જમ્મુ અને કાશ્મીર માટે અલગ બંધારણસભા રચવામાં આવી હતી જેણે ભારતમાં જોડાવાનો ઠરાવ કર્યો હતો. એ સમયે એ ઠરાવની મોટી કિંમત હતી. ભારતનો એક રીતે રાજકીય અને નૈતિક વિજય થયો હતો. ભારત પાસે આ સિવાય બીજો કોઈ સારો વિકલ્પ પણ નહોતો.

ભારત સરકારે ખાસ સ્થિતિમાં જમ્મુ અને કાશ્મીરની સ્વાયત્તતા બંધારણમાં આર્ટિકલ ૩૭૦ ઉમેરીને મંજૂર રાખી હતી. આ બાજુ જમ્મુ અને કાશ્મીરની બંધારણસભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું કે જેથી જ્યાં છે ત્યાંથી પાછા જવાનો વિકલ્પ જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષો પાસે ન બચે. બીજા શબ્દોમાં કહીએ તો જમ્મુ અને કાશ્મીર સ્વાયત્ત ભલે રહે, પણ બંધારણસભામાં ઠરાવ કરીને આઝાદી માગવાનો વિકલ્પ કાયમ માટે સમાપ્ત થઈ જાય.

હવે? હવે ભારત સરકારે નવી નીતિ અપનાવી જેને કાશ્મીરીઓ, પાકિસ્તાન, મોટાભાગના વિશ્વદેશો અને નૈતિકતામાં માનનારાઓ વિશ્વાસઘાત તરીકે ઓળખાવે છે. એ નીતિ હતી જમ્મુ અને કાશ્મીરને આર્ટિકલ ૩૭૦ હેઠળ આપવામાં આવેલી સ્વાયત્તતાને ઓગાળવાની. ક્ષીણ કરવાની. ભારત સરકારે ધીરે ધીરે સ્વાયત્તતાને ખતમ કરી નાખી હતી. જમ્મુ અને કાશ્મીરે તેની ૯૦ ટકા સ્વાયત્તતા પાંચ દાયકા પહેલાં ગુમાવી દીધી છે. એ સારુ જવાહરાલ નેહરુએ તેમના મિત્ર શેખ અબ્દુલ્લાની સરકારને બરતરફ કરી હતી, તેમના પક્ષમાં વિભાજન કરાવ્યું હતું અને શેખસાહેબને જેલમાં પૂર્યા હતા. સ્વાયત્તતાને હજુ વધુ ઓગાળવાનું કામ ઇન્દિરા ગાંધીએ કર્યું હતું. આર્ટિકલ ૩૭૦ એની જગ્યાએ એમને એમ કાયમ હતો, સ્વાયત્તતા આંચકી લેવામાં આવી હતી.

બીજી વાત. આર્ટિકલ ૩૭૦ જાળવી રાખવો પણ જરૂરી છે. તમને કદાચ જાણ નહીં હોય કે ૨૦૧૯માં કેન્દ્ર સરકારે આર્ટિકલ ૩૭૦ સંપૂર્ણપણે રદ્દ નથી કર્યો. એ શક્ય નથી કારણ કે એનાં દ્વારા તો જમ્મુ અને કાશ્મીરને ભારત સાથેનાં જોડાણને માન્યતા મળે છે. આર્ટીકલ ૩૭૦ છે એટલે જમ્મુ અને કાશ્મીર ભારતમાં છે. ખુદ ગૃહ પ્રધાન અમિત શાહે ૨૦૧૯માં લોકસભામાં ખુલાસો કર્યો હતો કે આર્ટિકલ ૩૭૦માંથી માત્ર સ્વાયત્તતાની જોગવાઈ રદ્દ કરવામાં આવી છે આર્ટિકલ રદ્દ કરવામાં નથી આવ્યો. આમ નરેન્દ્ર મોદીની સરકારે આર્ટીકલ ૩૭૦ રદ્દ કર્યો છે એમ કહેવું ખોટું છે.

તો પછી આમાં તમે નવું શું કર્યું? સ્વાયત્તતા તો ભારત સરકારે પાંચ દાયકા પહેલાં જ ચૂપચાપ ગોકીરો કર્યા વિના  ઓગાળી નાખી હતી. તમે ખાલી વાસણ આંચકી લીધું, પણ વાસણ ખાલી કોણે કર્યું? દીર્ઘદૃષ્ટા, ચતુર અને મહાન કોણ? મૂંગે મૂંગે વાસણ ખાલી કરનાર કે પછી જે વાસણની કોઈ કિંમત જ નહોતી રહી એવા ખાલી વાસણને દુનિયા જુએ એમ આંચકી લેનાર? કોણ વધારે મુત્સદી? એક રીતે ભારત સરકારે ખોટનો સોદો કર્યો છે. કાશ્મીરના મુસલમાનોને નારાજ કર્યા અને દૂર કર્યા.

માટે ભારતનાં મુખ્ય ન્યાયમૂર્તિએ આ જ સવાલ પૂછ્યો છે. આર્ટીકલ ૩૭૦માં હતું શું જે તમે લઈ લીધું? શું પાંચમી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ આર્ટીકલ ૩૭૦ એ જ સ્વરૂપમાં હતો જે ૨૦મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ હતો? પાંચ દાયકા દરમ્યાન આર્ટીકલ ૩૭૦ની સ્વાયત્તતાની જોગવાઈને વ્યવહારમાં ખતમ કરી નાખવામાં આવી હતી અને એ નિષ્પ્રાણ સ્વરૂપમાં હતો એ હકીકત આખું જગત જાણે છે.

તો પછી સવાલ એ બચે છે કે આ નિરર્થક વ્યાયામ કોના માટે કરવામાં આવ્યો? ભક્તો માટે. મુસલમાનો પાસેથી કે હિંદુઓના કહેવાતા દુશ્મનો પાસેથી કોઈ ચીજ આંચકી લેવામાં આવે તો તેમને તેમાં મર્દાનગીનો અહેસાસ થાય છે. તેમને કોઈની નજરમાં પણ ન આવે એવી શાંત મુત્સદી કરતાં આવી ભલે નિરર્થક પણ ચિચિયારીઓ પાડનારી મર્દાનગીમાં વધારે પોરસ ચડે છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 સપ્ટેમ્બર 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—212

દીપક મહેતા|Opinion - Opinion|2 September 2023

અંગ્રેજો મુંબઈને ‘લંડન ઓફ ધ ઇસ્ટ’ બનાવવા ઇચ્છતા હતા

મુંબઈથી નવયુગનું અજવાળું આખા ઇલાકામાં ફેલાયું 

સ્થળ : એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈની લાઈબ્રેરી.

પાત્રો : ડો. અરુણ ટીકેકર (જન્મ : ૧ ફેબ્રુઆરી ૧૯૪૪ – અવસાન : ૧૯ જાન્યુઆરી ૨૦૧૬) અને  આપનો નાચીઝ દી.મ.

ડો. અરુણ ટીકેકર

દી.મ. : આ અરુણભાઈની ઓળખાણ કેવી રીતે આપવી એ મોટી મુશ્કેલી. એમને પંડિત કહેવા, કે પત્રકાર? એમને ઉત્તમ લેખક કહેવા કે અચ્છા વક્તા? એમને સંશોધક કહેવા કે વહીવટકર્તા? 

ટીકેકર : એ બધા ઉપચાર છોડ, મહેતા. આપણે બે પાક્કા દોસ્ત, એટલા જ ઓળખાણ બસ નથી? 

દી.મ. : એ વાત સાચી. ૧૯૭૫માં દોસ્તીની શરૂઆત. ત્યારે તમે હાજી અલીની કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક. અગિયાર વરસ એક કોલેજમાં ભણાવીને હું જોડાયેલો ગ્રંથ સામાયિકના સહાયક તંત્રી તરીકે. એક બપોરે મરાઠીના પ્રખ્યાત લેખક જયવંત દળવી સાથે તમે ગ્રંથના તંત્રી યશવંતભાઈને મળવા આવ્યા. તે દિવસે મળ્યા તે પછી આપણી દોસ્તી જામતી ગઈ. અને સાચું કહું તો મને ૧૯મી સદીની રઢ લગાડનાર બે જણ : એક તમે, અને બીજા લાઈબ્રેરી ઓફ કોંગ્રેસની દિલ્હી ઓફિસના ડાયરેક્ટર જીન સ્મિથ. 

ટીકેકર : એ બધી વાત છોડ. આજે એકાએક મને યાદ કેમ કર્યો?

દી.મ. : તમારા પુસ્તક વિષે થોડી વાતો કરવી છે. મુંબઈ માટે તમને અનહદ પ્રેમ, માન, ગૌરવ.

ટીકેકર : અને તમને પણ.

દી.મ. : તમારું એક પુસ્તક – Mumbai De-intellectualised : Rise and Decline of a Culture of Thinking. આ પુસ્તકમાં તમે બહુ પાયાની વાત વિષે તડ ને ફડ લખ્યું છે. ‘કલ્ચર ઓફ થિંકિંગ’ એટલે કે વિચાર, જ્ઞાનની પરંપરાનો મુંબઈ ઇલાકામાં કઈ રીતે વિકાસ અને હ્રાસ થયો તેનો તમે આબેહૂબ ચિતાર અહીં આપ્યો છે. તેમાંની વિચારણા કેટલી મહત્ત્વની છે, એ વાતનો ખ્યાલ એ હકીકત પરથી આવે કે ૨૦૦૯માં તે પહેલી વાર છપાયું અને ૨૦૧૦માં તેની બીજી આવૃત્તિ પ્રગટ થઈ. આ પુસ્તકમાં તમે જે મુખ્ય ચિંતા પ્રગટ કરી છે તે આ છે : દેશ આઝાદ થયો ત્યાં સુધી માત્ર મુંબઈ ઇલાકામાં જ નહિ, આખા દેશમાં, વૈચારિક ક્ષેત્રે મુંબઈનું સ્થાન પહેલી હરોળમાં હતું. પણ ૧૯૬૦ પછી એવું તે શું થયું કે મુંબઈ ધીમે ધીમે એ સ્થાન ગુમાવતું ગયું? 

ટીકેકર : આ પુસ્તક પ્રગટ થયું તે પછીનાં વરસોમાં તો વૈચારિક ક્ષેત્રે મુંબઈ ઘણું વધારે રાંક બન્યું છે. મને યાદ આવે છે ૧૮૬૨માં યુનિવર્સિટી ઓફ બોમ્બેના પહેલા કોન્વોકેશન વખતે આખા ઈલાકાના પહેલવહેલા આઠ ગ્રેજ્યુએટને ડિગ્રી મળી – ચાર આર્ટ્સના અને ચાર મેડસિનના. પોતાના ભાષણમાં ચાન્સેલર સર બાર્ટલ ફ્રેરેએ એ વિદ્યાર્થીઓને હાકલ કરી હતી : હિન્દુસ્તાનની વૈચારિક શક્તિનું ધોવાણ થઈ ગયું છે એમ કહેવાય છે. તમારે એ શક્તિને ફરી સજીવન કરવાનું કામ કરવાનું છે. 

દી.મ. : એ પહેલા આઠ ગ્રેજ્યુએટમાંના એક હતા મહાદેવ ગોવિંદ રાનડે. તેમણે એ જમાના વિષે પાછળથી કહેલું કે આપણા દેશમાં ‘વિચારશક્તિને લકવો લાગુ પડી ગયો છે.’ એ વખતે નર્મદ, દલપતરામ વગેરે અગ્રણીઓ બ્રિટિશ શાસનના પ્રશંસક હતા તેની પાછળનું કારણ પણ એ જ કે દેશને અંધાર યુગમાંથી અર્વાચીનતા તરફ લઈ જવાની શક્યતા તેમને બ્રિટિશ રાજવટમાં દેખાઈ હતી. કવિ નર્મદે કાંઈ અમથું નહોતું ગાયું :

શુભ શકુન દીસે, મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત. 

ટીકેકર : હા, ઘણા ખરા મરાઠી વિચારવંત પણ એવું જ માનતા હતા. અને અંગ્રેજ રાજવટ આવી એ પછી જ સાચા અર્થમાં બોમ્બેનો વિકાસ શરૂ થયો. એનું ઘડતર અને ચણતર જ એક શહેર તરીકે થયું. અને જોતજોતામાં તે આખા હિન્દુસ્તાનનું એક મહત્ત્વનું શહેર બની ગયું. હા, અહીં વેપાર-વણજ વિકસ્યા, પણ બોમ્બે એટલે માત્ર વેપારી કેન્દ્ર નહિ. કે એ વખતના બનારસની જેમ નહિ એ દેશના ભૂતકાળનું સંગ્રહસ્થાન. જેમની નજર લાંબે સુધી પહોંચતી હતી એવા કેટલાક અંગ્રેજ તો મુંબઈને ‘લંડન ઓફ ધ ઇસ્ટ’ તરીકે વિકસાવવા માગતા હતા. દાખલા તરીકે પત્રકાર-તંત્રી રોબર્ટ નાઈટ. ૧૮૩૮માં જે છાપું શરૂ થયું હતું ‘બોમ્બે ટાઈમ્સ’ નામથી, એનું નામ બદલી ૧૮૬૧માં કર્યું ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા.’ અને એ નામથી પ્રગટ થયેલા છાપાના ૨૮ સપ્ટેમ્બર ૧૮૬૧ના પહેલા જ અંકના તંત્રી લેખમાં તેમણે બેધડક લખ્યું હતું કે આર્થિક અને વેપારી ક્ષેત્રે તો બોમ્બે આખા દેશની રાજધાની બની ચૂક્યું છે. 

દી.મ. : સાચી વાત. સાત ટાપુ સંધાઈ-બંધાઈને ક્યારે એક શહેર બની ગયું એની તો ખબરે ન પડી. બ્રિટિશ પદ્ધતિના શિક્ષણ માટેની અને રોજગાર માટેની જે તકો અહીં ઊભી થઈ તેને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી જ નહિ, આખા દેશમાંથી લોકો મુંબઈમાં ઠલવાવા લાગ્યા.

સર એલેક્ઝાન્ડર ગ્રાન્ટ

ટીકેકર : અને એ વખતે ‘આખો દેશ’ એટલે આજનાં ભારત અને પાકિસ્તાન. એ બધાને આ મુંબઈએ આવકાર્યા, સમાવ્યા. હા. શરૂઆતમાં કોલેજના અધ્યાપકો બધા અંગ્રેજો હતા. પણ કેવા? સર એલેક્ઝાન્ડર ગ્રાન્ટ અને પ્રોફેસર વિલિયમ વર્ડઝવર્થ જેવા. ગ્રાન્ટ કોલેજમાં તો મન દઈને ભણાવતા જ. પણ રોજ સાંજે મહાદેવ ગોવિંદ રાનડે, ફિરોઝશાહ મહેતા, કે.ટી. તેલંગ જેવા પોતાના વિદ્યાર્થીઓ સાથે દરિયા કિનારે ચાલવા જતા અને તે વખતે દુનિયાભરની અજબગજબ વારતો કરતા. 

ટીકેકર : અને એ વખતે ‘દેશી’ લોકો પણ હાથ જોડીને બેસી રહ્યા નહોતા. તેમણે પોતપોતાની ભાષામાં ચોપડીઓ છાપી, છાપાં કાઢ્યાં, ચર્ચા અને વિચારોની આપલે માટે સંસ્થાઓ કાઢી. બધી જમાતના દાનવીરોએ હોસ્પિટલોથી માંડીને પ્યાઉ (પરબ) સુધીની સગવડો ઊભી કરવા માટે છુટ્ટે હાથે દાન આપ્યાં. આ બધું ઊભું કરીને તેમાંથી બે પૈસા રળી લેવાનો તો કોઈને વિચાર પણ નહોતો આવતો. 

દી.મ. : અને દેશના જુદા જુદા ભાગમાંથી આવીને અહીં વસેલા સાહસિક શ્રેષ્ઠીઓએ મુંબઈના વેપાર-ઉદ્યોગનો પાયો એવો તો મજબૂત નાખ્યો કે ૧૮૬૫માં રાતોરાત શેર બજાર ઓગળીને તળિયે જઈ બેઠું, ત્યારે પણ એ આઘાત પચાવીને આ શહેર થોડા વખતમાં પાછું બેઠું જ નહિ, દોડતું પણ થઈ ગયું. 

ટીકેકર : હા, પણ વધુ મહત્ત્વની વાત તો એ કે અહીંની બધી જાત-જમાતના લોકો, મરાઠી અને ગુજરાતી ભાષીઓ, પારસીઓ, મુસલમાનો અને ખ્રિસ્તીઓ, સાથે મળીને મુંબઈના ઘડતરમાં મચી પડ્યા હતા. હા, ન્યાત-જાતના વાડા હતા, પ્રતિબંધો હતા. પણ નવજાગૃતિના કામોમાં તો બધા ખભેખભા મિલાવી ચાલતાં. સમાજમાં નવી ચેતનાનો પ્રસાર થાય એ માટે સંસ્થાઓ શરૂ થઈ. સાહિત્ય, સમાજ, ઇતિહાસ, સુધારો, અભ્યાસ માટે ‘મંડળીઓ’ શરૂ થઈ. 

દી.મ. : હા, નર્મદે ‘મંડળી મળવાથી થતા લાભ’ સમજાવ્યા અને ‘બુદ્ધિવર્ધક સભા’નો એક અગ્રણી બની રહ્યો. 

ટીકેકર : આ બધી મંડળીઓનાં નામ પણ સૂચક : જ્ઞાનપ્રસારક મંડળી, બુદ્ધિવર્ધક સભા. વી.કે. રાજવડેએ આ પ્રવૃત્તિ માટે એક સરસ શબ્દપ્રયોગ કર્યો હતો : ‘મંડળીકરણ’. હા, આવી સોસાયટીઓ શરૂ કરવાની પહેલ અંગ્રેજોએ કરી અને કેટલાક વખત સુધી તેના કારભારમાં માત્ર ગોરાઓ જ ભાગ લઈ શકતા. પણ પછી ધીમે ધીમે દરવાજા ખુલતા ગયા, ‘દેશી’ઓ દાખલ થતા ગયા. 

એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈની લાઈબ્રેરી

દી.મ. : અત્યારે આપણે જ્યાં બેઠા છીએ તે ‘એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ’ની ૧૮૦૪માં ‘લિટરરી સોસાયટી ઓફ બોમ્બે’ નામથી શરૂઆત થઈ ત્યારથી ઘણાં વરસ સુધી માત્ર ગોરાઓ જ તેના સભ્ય બની શકતા, ખરું?

ટીકેકર : હા, શરૂઆતમાં એવું હતું. પણ પછી ૧૮૯૩માં જસ્ટિસ કાશીનાથ ત્ર્યંબક તેલંગ તેના પહેલવહેલા ‘દેશી’ પ્રમુખ બન્યા. 

દી.મ. : અને પછી ૨૦૦૭થી ૨૦૧૩ સુધી તમે પણ આ સોસાયટીના પ્રમુખપદે રહ્યા અને અનેક નવાં નવાં કામ હાથ ધર્યાં.

ટીકેકર : જે થોડુંઘણું કે ઘણું થોડું કામ થઈ શક્યું તે તમારા જેવા મિત્રોની મદદથી થઈ શક્યું. પણ આપણે પાછા ૧૯મી સદીમાં જઈએ. સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે પણ સંસ્થાઓ શરૂ થવા લાગી. પરમહંસ સભા (૧૮૪૭) દ્વારા પહેલી વાર વ્યવસ્થિત રીતે જ્ઞાતિપ્રથાનો વિરોધ થયો. તો ૧૮૫૭માં પહેલવહેલા રાજકીય મંડળની સ્થાપના થઈ, ધ બોમ્બે એસોસિયેશન. ધર્મ અને સમાજના ક્ષેત્રે સુધારાના હેતુથી ૧૮૬૭માં મુંબઈમાં પ્રાર્થના સમાજની શરૂઆત થઈ. ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસની છડી પોકારતું હોય એવું બોમ્બે પ્રેસિડન્સી એસોસિયેશન ૧૮૮૫માં મુંબઈમાં શરૂ થયું અને એ જ વરસે મુંબઈમાં જ કાઁગ્રેસની સ્થાપના થઈ. આ બધી સંસ્થાઓની આગેવાની એવાઓના હાથમાં હતી જેઓ સારું ભણેલા હતા, બુદ્ધિવાદી હતા, અને સુધારાતરફી હતા. અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ એ જો પહેલું પગથિયું હતું તો આવી સંસ્થાઓ નવજાગૃતિનું બીજું પગથિયું હતું. અને તેને પ્રતાપે નવયુગનું જે અજવાળું પથરાયું તે ધીમે ધીમે આખા મુંબઈ ઇલાકામાં ફેલાયું. 

દી.મ. : ૧૮૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બેની સ્થાપના સાથે મુંબઈ શહેરમાં જ નહિ, આખા ઇલાકામાં બ્રિટિશ પદ્ધતિના ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ.

ટીકેકર : જુઓ, મહેતા, આજે આપણે ત્યાં ઘણાખરા આમ માને છે. પણ હકીકત જરા જૂદી છે. હકીકતમાં યુનિવર્સિટી કરતાં પહેલાં શરૂ થયેલ એલ્ફિન્સ્ટન કોલેજ અને ગ્રાન્ટ મેડિકલ કોલેજ દ્વારા નવા ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ ચૂકી હતી. એ બંને પોતપોતાની ડિગ્રી પણ આપતી. અર્વાચીન ભારતના ઘડતર પર ૧૯મી સદીના આચાર-વિચારની કેટલી પકડ છે! આઝાદી પછી આપણે માન્ડુક્યોપનિષદમાંથી લીધેલા ‘સત્યમેવ જયતે’ શબ્દોને દેશના ‘મોટો’ તરીકે સ્વીકાર્યા. પણ આ જ શબ્દો કોતરાયા હતા મુંબઈમાં આવેલા પ્રાર્થના સમાજના મકાનના દરવાજા પર.

દી.મ. : એક વાત પૂછું દોસ્ત? ગુજરાતના, અને ખાસ કરીને અમદાવાદના સાંસ્કૃતિક ઇતિહાસ અંગે વાત કરતી વખતે ઘણા વિદ્વાનો ‘મહાજન સંસ્કૃતિ’ પર ઘણો ભાર મૂકે છે. તો મુંબઈમાં ૧૯મી સદીમાં આ અંગે શી સ્થિતિ હતી?

ટીકેકર : મુંબઈમાં પણ કેટલીક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓની શરૂઆતમાં આ ‘મહાજન સંસ્કૃતિ’નો હાથ હતો ખરો. પણ પછી નવું શિક્ષણ લઈને જે જુવાનો આગળ આવ્યા તેમણે આ ‘મહાજન સંસ્કૃતિ’ પાસેથી લગામ પોતાના હાથમાં લઈ લીધી. પરિણામે ‘મહાજન સંસ્કૃતિ’ના આગેવાનો પોતપોતાની નાતજાતનાં કુંડાળામાં રહી પ્રવૃત્તિ કરતા રહ્યા. અને આવી જ્ઞાતિલક્ષી પ્રવૃત્તિ આજ સુધી ચાલુ રહી છે. બલકે છેલ્લા કેટલાક દાયકામાં વધુ ફેલાઈ છે.

દી.મ. : દોસ્ત, આપણી આવી વાતોનો ઝટ અંત આવે તેમ નથી. પણ આજે તો વાતો અહીં રોકવી પડશે. વધુ વાતો માટે મળીશું આવતા શનિવારે.

ટીકેકર : ત્યાં સુધી ‘આવજો.’

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 02 સપ્ટેમ્બર 2023)

Loading

રેઈન વૉટર ક્લબ

સુરેશ જાની|Opinion - Opinion|2 September 2023

પાણીનું એક ટેન્કર આવ્યું, અને ફ્લેટના ભોંયતળિયે આવેલી ટાંકીમાં એનું પાણી વહેવાં લાગ્યું. પણ ધસમસતાં પાણીના એ પ્રવાહની સાથે તમારા ચિત્તમાં આનંદ નહીં પણ ગ્લાનિનું લખલખું ફરી વળ્યું.

જયવંત, તમે ચિંતામગ્ન બનીને તમારા ફ્લેટની બાલ્કનીમાંથી નીચેનો નજારો નિહાળી રહ્યા છો. કેટલા ઉમંગથી તમે બેન્ગલરૂથી સાતેક માઈલ દૂર, સરજાપુર રોડ પર આવેલા કઈકોન્દ્રાહલ્લી વિસ્તારમાં આ ફ્લેટ ખરીદ્યો હતો?

આમ તો એક મોટું તળાવ થોડેક જ દૂર છે. પણ તમે આ ફ્લેટ ખરીદ્યો ત્યારે, મ્યુનિસિપલ હદની બહાર હોવાના કારણે વોટર સપ્લાય અને ગટર લાઈન તમારા એપાર્ટમેન્ટ બ્લોકને મળી શકે તેમ નહોતું – હજી કેટલાં ય વર્ષો સુધી એમ થવાની કોઈ શક્યતા નથી. ૨૦૦ એપાર્ટમેન્ટ હોવાના કારણે, સોસાયટીના ઓર્ગેનાઈઝરે સાત બોરવેલ, અને દરેક એપાર્ટમેન્ટમાં અન્ડર ગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકીની વ્યવસ્થા પહેલેથી જ કરી હતી. પણ જમીનમાં પાણીનું તળ નીચે ને નીચે જતું રહ્યું છે, અને માત્ર બે જ બોરવેલ ચાલુ છે. મસ્સ મોટા ખર્ચે દરરોજ ત્રણ ટેન્કરો ભરીને તમે લોકો બાજુના તળાવમાંથી પાણી મંગાવો છો. એપાર્ટમેન્ટના બીજા રહેવાસીઓને એની કશી ચિંતા જણાતી નથી, પણ ‘આમ કેટલા દિ’ ચાલશે ?’ એનો ભય તમારા ચિત્તને કોરી ખાય છે. એક હાયકારો તમારા હોઠમાંથી સરી પડે છે.

******

અને … તમારા સોફ્ટવેરી દિમાગમાં એક સંકલ્પ ઝળહળી ઊઠ્યો. ‘આ સમસ્યાનો ઉકેલ’ શોધવો જ રહ્યો. આમે ય તમને જાહેર હિતના પ્રોજેક્ટો વહેતા, ધમધમતા કરવામાં ઘણો રસ હતો જ. બીજા આવા મિત્રો સાથેની એક મિટિંગમાં તમે આ પ્રશ્ન છેડ્યો અને ૨૦૦૮ના માર્ચ મહિનાની એ સલોણી સાંજે ‘રેઈન વૉટર ક્લબ’નો જન્મ થયો. અવિનાશ કૃષ્ણમૂર્તિ અને તમે … જયવંત ભારદ્વાજની જુગલબંધી શરૂ થઈ ગઈ.

બીજા અઠવાડિયે તમે સોસાયટીના સભ્યોની એક તાત્કાલિક મિટિંગ રાખવામાં સફળ થયા. ભલે ૩૨ સભ્યો જ હાજર રહ્યા, પણ સામાન્ય માણસને સમજણ પડે તેવી ભાષામાં તમે અને અવિનાશે તમારી યોજના સમજાવી. અલબત્ત શંકા – કુશંકાઓ તો આવી મિટિંગમાં થાય જ ને? પણ ઘણી મથામણ પછી વીસ સભ્યો તમારી યોજનામાં સહકાર વાપવા કબૂલ થયા. જરૂરી ફંડ ભેગું કરવામાં મહિનો નીકળી ગયો. પણ કામ ચાલુ થઈ ગયું.

ત્રણ જ મહિના ….. માત્ર ત્રણ જ મહિના … અને સુશીલકુમાર નાહર,  કે.પી. સિંઘ, મનોજ દિઘે અને સોસાયટીના બીજા સન્ન્નિષ્ઠ સભ્યોના સક્રીય સહકારથી સાત છીછરા કૂવાઓ તમારી ટીમે ખોદાવ્યા અને એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સના નીચા વિસ્તારોમાંથી નીકો વડે વરસાદનાં પાણીને આ કૂવાઓમાં તમારી ક્લબે બહુ ઓછા ખર્ચમાં વાળી લીધું. અને એપાર્ટમેન્ટની વીસ અગાશીઓમાંથી વહી જતું, નિતર્યા કાચ જેવું વરસાદી પાણી તો સીધું જ અન્ડર ગ્રાઉન્ડ ટાંકીમાં! ઉપરવાળાની કિરપા કે, તમારા વિસ્તારમાં વરસાદી પાણીની કોઈ કમી નથી. દૂરના તળાવમાં વહી જઈને વેડફાઈ જતું એ પાણી હવે તમારા તરસ્યા બોરવેલોને મળતું થઈ ગયું, અને સાતે સાત બોરવેલ ફરીથી ધમધમતા થઈ ગયા. સ્વાભાવિક રીતે પાણીના ટેન્કરો મંગાવવાના ખર્ચમાંથી અને આ બધી યોજનાનો ખર્ચ નીકળી ગયો, અને ઉપરથી બચત થવા લાગી.

એપાર્ટમેન્ટના રહીશોના રોજના વપરાશનું અને ગટર સિવાયનું પાણી પણ એક અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં ભેગું કરવાની યોજના તમે બનાવી. એનું નીતરેલું પાણી વાપરીને, એપાર્ટમેન્ટ બન્યા ત્યારે મઘમઘતા હતા તે બગીચા હવે ફરીથી લહેરાવા લાગ્યા. આખા કોમ્પ્લેક્સનો સોગિયો અને ભુખ્ખડ ચહેરો તમારી યોજનાના પ્રતાપે ફૂલો અને લીલાંછમ છોડોથી નવપલ્લવિત બની ગયો.

સંદર્ભ

http://www.thebetterindia.com/15/rainbows-rainwater-club/
e.mail : surpad2017@gmail.com

Loading

...102030...871872873874...880890900...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved