Opinion Magazine
Number of visits: 9561574
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચોમેર ઝળહળાટ હોવા છતાં આપણે દિવાળીએ દીવા પ્રગટાવીએ છીએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 November 2023

રવીન્દ્ર પારેખ

સર્વપ્રથમ તો સૌને દીપોત્સવ અને નૂતન વર્ષનાં અનંત અભિનંદનો અને અઢળક શુભેચ્છાઓ. સંવત 2080માં આવનારા અનેક આનંદો અને પડકારો ઝીલવાની જગત નિયંતા આપણને શક્તિ આપે એવી હૃદયપૂર્વકની પ્રાર્થનાઓ. સાચું તો એ છે કે આજે જીવવું જ મોટો પડકાર છે, છતાં આપણે આનંદથી, આંસુથી જીવીએ છીએ. નાનામાં નાનો માણસ પણ દિવાળીમાં એક કોડિયું કે આરતી પ્રગટાવવામાંથી નથી જતો. એને માટે તો એ પણ સાહસ જ છે. અનેક અંધકાર વચ્ચે એને તો દીવાનું જ આશ્વાસન છે. એવું ય થતું હશે કે કોઈ વાર તેલનું કામ એ આંસુથી લે ને ભીનો ઉજાસ હાથ લાગે. આનંદ એ વાતે પણ છે કે ગમે તેવો અમીર પણ દીવો તો પ્રગટાવે જ છે. એ રીતે દીવો સૌને સમાન કરે છે. ઘીનો હોય કે તેલનો, આપે છે તો અજવાળું જ ! એનું અજવાળું કાયમી નથી. અખંડ દીવો પણ અખંડ નથી, એ ક્યારેક હોલવાય છે, બિલકુલ મનુષ્યની જેમ જ ! દેવો જો હોલવાતા હોય તો મનુષ્યની તો શી વિસાત !

કૃષ્ણ જો પારધીને હાથે મોક્ષ મેળવે તો અહંકારને ક્યાં ય રહેવા જગ્યા જ ક્યાં બચે છે? આપણો દિવાળીનો તહેવાર રમા એકાદશીથી શરૂ થાય છે ને એ પાંચેક દિવસોમાં ત્રણ ત્રણ તો શક્તિપૂજા થાય છે. વાકબારસે સરસ્વતીનો, ધનતેરસે લક્ષ્મીનો, કાળી ચૌદસે કાલિનો મહિમા થાય છે. કાળી ચૌદસે કૃષ્ણે નરકાસુરનો વધ કરેલો એને લીધે કાળી ચૌદસને નરક ચતુર્દશી પણ કહે છે. ભગવાન રામ લંકા વિજય કરીને અયોધ્યા પધાર્યા તે દિવસે અયોધ્યાની પ્રજાએ આનંદોચ્છવ મનાવ્યો, ત્યારથી દિવાળી ઉજવાય છે, ત્યારે પણ અનેક દીવડાં રામરાજ્યમાં પ્રગટ્યાં હતાં. આ દિવાળીએ ફરી એક વાર અયોધ્યામાં 22 લાખથી વધુ દીવડાં પ્રગટ્યાં છે. આમ તો દિવાળી એટલે આસોની અમાસ ! અમાસ અંધારી હોય છે. ચંદ્ર પણ નથી હોતો, એટલે તારાઓ વધુ પ્રકાશે છે. એની સ્પર્ધામાં હોય તેમ દિવાળીએ ધરતી પર એટલા દીવા પ્રગટે છે કે અંધારી રાત અજવાળાઈ ઊઠે છે. કોઈ અમાસ તેજનો આટલો અંબાર નથી સજતી.

આમ તો અસુરોનો વિનાશ એ દેવોનું ધર્મ કાર્ય રહ્યું છે. દેવો એ કરી શક્યા. આજે એ દેવોના વશની વાત નથી રહી. વિશ્વ આખું આસુરી તત્ત્વનો મહિમા કરતું હોવાનું લાગે છે ને આ સંગ્રામ દેવ-દાનવો વચ્ચેનો નથી, દાનવો-દાનવો વચ્ચેનો છે. એમાં દીવા તો ના સળગે, પણ માણસો જરૂર સળગે છે. આ તો રોજની રામકહાણી છે. એમાં જવું નથી ને દિવાળીએ તો દીવાની જ વાત હોયને !

દીવો એકલો છે. દીવાનો સમૂહ હોય, તો પણ દીવો તો એકલો જ હોય. મનુષ્યનું પણ એવું જ છે. સમૂહમાં પણ એકલો હોય એવું બને. દીવો ય એક જ હોય ! સૂર્ય પણ એક જ છેને ! સૂર્યના સમૂહ હોય તો પણ, સૂર્ય તો એકલો જ હોય. સૂર્ય સૃષ્ટિ અજવાળે છે. દીવો ઘર ઉજાળે છે. દીવો સૂર્ય સામે કરાય તેથી સૂર્ય વધુ ઊજળો ન થાય, પણ જે સૂર્ય દીવો શોધવામાં મદદરૂપ થાય છે, એના પ્રત્યેની ભક્તિ પ્રગટ કરવા આરતી કે દીવો થાય છે. એથી દીવાનો ઉજાસ નથી વધતો, પણ તેની ગરિમા તો વધે જ છે. સૂર્ય સામે જ્યોતિનું પ્રગટવું જ કેવું મોટું સાહસ છે ! સાહસ તો એ પણ છે કે ગમે તેવા ઝંઝાવાતમાં પણ તેણે પ્રગટવાનું છે. ભલે હોલવાઈ જવાનું હોય, તો પણ જ્યોતિએ પ્રગટવાનું તો હોય જ ! સૂર્યને વાદળો ઢાંકી શકતાં હોય, તો જ્યોતિને ઝંઝાવાત હોલવે તેનો અફસોસ કરવાનો ન હોય ! તેણે તો ફરી ફરી પ્રગટવાનું જ હોય.

એ વિચારવા જેવું છે કે રોશનીના આટલા ઝળહળાટ વચ્ચે પણ આપણે દીવો પ્રગટાવીએ છીએ. એથી અજવાળું તો ખાસ વધતું નથી, પણ તેની જ્યોત થરથરીને તેનાં અસ્તિત્વની નોંધ તો લેવડાવે છે. ઇલેક્ટ્રિસિટી ન હતી, ત્યારે કોડિયું જ અજવાળું પાથરતું હતું. પછી તો ઠેકઠેકાણે કોડિયાં મુકાયાં ને અજવાળું વિસ્તર્યું. એ પછી ફાનસો, પેટ્રોમેક્સ આવ્યાં. વીજળી આવી ને એવી આવી કે આંખો ચકાચૌંધ થઈ ગઈ. આજે તો ઘરો, મહેલાતો ને સંસ્થાનોમાં ઇલેક્ટ્રિક તોરણો, સેંકડો ઝુમ્મરો, હેલોઝન્સ, સ્પોટ લાઇટ્સ, ફ્લડ્સ ને એવાં તો કૈં કૈં સાધનોથી એટલો પ્રકાશ ખડકાય છે કે દૂર દૂર સુધી અંધકાર ફટકી પણ ન શકે, છતાં ઘરનાં ઉંબરા પર, પાળી પર, સાથિયા પર, મંદિરોમાં, સમારંભોમાં દીપ પ્રાગટ્યનો અનેરો મહિમા છે. તેનું કારણ છે. દીવો બહુ પ્રકાશ આપી દે છે એવું નથી. દીવાની અવધિ પણ બહુ નથી. દીવાના ઘણા વિકલ્પો છે, પણ સાંજ પડે દીવો કરવાનું ગૃહિણીઓ ભાગ્યે જ ચૂકે છે. સાંજને ટાણે અનેક ટ્યૂબલાઇટ્સ, બલ્બ્સના ઝગારા વચ્ચે પણ મંદિરોમાં થાય છે તો આરતી જ ! ટોડલે દીવો જ પ્રગટે છે. કમાલ એ છે કે ફાનસ સળગે છે ને દીવો પ્રગટે છે. ચૂલો સળગે છે ને આરતી પ્રગટે છે. એક સ્વિચ, ઓન કરવા માત્રથી, ધોધમાર રોશની રેલાવી શકે છે, તો ય વાર-તહેવારે મંદિરે, ગોખમાં, પાણિયારે દીવો મુકાય છે. અઢળક રોશની વચ્ચે પણ દીવો લઘુતાથી પીડાતો નથી, પૂરાં સામર્થ્યથી ટમટમે છે.

આરતીનું, દીવાનું તેજ જરા શાંતિથી જોવા જેવું છે. ઇલેક્ટ્રિક દીવામાં પણ જ્યોત એક સરખી રીતે ઊંચીનીચી થતી રહે છે. પણ દીવાનું તેજ, આરતીનું તેજ સૌમ્ય, સ્નિગ્ધ હોય છે. એક પ્રકારની શાતાનો અનુભવ આરતીની જ્યોત આપે છે. આટલી ઝાકઝમાળ વચ્ચે દીવો ટમટમે છે તો ગમે છે. એની બીજી વિશેષતા એ છે કે તે તેજની સાથે છાયા પણ આપે છે. એ તુલસી ક્યારે મુકાય છે, તો એનું તેજ વર્તુળ ક્યારાની છાયાનો સાથિયો પણ પૂરી આપે છે.

દિવાળીમાં સાથિયાનું અનેરું મહત્ત્વ છે. હવે તો બધું તૈયાર મળે છે. જમીન પર સાથિયાનું સ્ટિકર પાથરી દો કે રંગો પૂરવાની ઝંઝટ જ નહીં ! પણ, હજી ઘણાં ઝૂકીને રંગો પૂરે છે. એક જમાનો હતો જ્યારે મહોલ્લાના સાથિયા જોવા લોકો મોડી રાત સુધી ઉમટતા ને શેરી કોઈ ફાનસની જેમ ઝગમગી રહેતી. આ એવો તહેવાર છે, જેમાં સરસ્વતી, સંપત્તિ અને કલાનો સમન્વય એક સાથે થાય છે ને ત્રણેમાં દીવાનું તેજ ક્યાંક ને ક્યાંક પથરાતું રહે છે.

દીવા વિષે ‘તું જ તારા દિલનો દીવો થા’ કે ‘આત્મદીપો ભવ:’ કે ‘તમસોમા જ્યોતિર્ગમય’ જેવું ઘણું કહેવાયું છે. દીવો બહાર તો પ્રકાશ આપે છે, પણ ભીતરે એનો પ્રકાશ પડતો નથી. આપણે બહારનું અજવાળું ભીતર ફેલાવવા મથીએ છીએ, એટલે ભીતરનું અજવાળું બહાર પડતું નથી. એવું નથી કે ભીતરે અંધકાર જ છે. આત્માને આપણે દીપ કહ્યો છે, પણ એનું અજવાળું અનુભવતાં નથી. આપણું ધ્યાન બહારનાં અજવાળાં તરફ એટલું હોય છે કે ભીતરી અજવાસ તરફ નજર જતી નથી. ભીતરે ઊઠતો આનંદ અજવાળું નથી તો શું છે? એ છલકે છે અંતરના દીવાથી. આમ પણ આપણી શોધ બહાર છે, એટલી અંદર નથી. આંખો બહારનું અજવાળું પામે છે, પણ એને ભીતર વાળીએ તો અહીં પણ ઘણું જોવા મળે એમ છે. ન જોઈએ તો અંધકાર જ હાથ આવવાનો છે. તેજપુંજ બહાર છે એમ જ અંદર પણ છે. પ્રકાશ આપણને દેખાડે છે. રાતના અંધકારમાં તો ઘરની વસ્તુઓ ન દેખાય, પણ એ તરફ દીવો ધરીએ તો વસ્તુઓ પ્રગટ થવા લાગે છે. એ પ્રકાશમાં હોય, પણ આપણે જોઈએ જ નહીં તો ન દેખાય. એવું જ મનનું છે. એ પ્રકાશિત છે, પણ એ તરફ ન જોઈએ તો ન દેખાય. સાચું તો એ છે કે આપણે અંદર બહુ જોતાં નથી ને જતાં પણ નથી, કારણ ત્યાં સત્ય ઝળહળે છે ને આપણને એ ઝળહળનો ભય લાગે છે.

મૂળ માટીમાં રહે છે, અંધકારમાં રહે છે, એ ન દેખાય, પણ મૂળમાંથી ઉપર આવે તો પુષ્પ દેખાય છે. એ ખીલે છે એટલે કે મૂળ અંધકારમાં છે. એવું જ ભીતરનું છે. ભીતરનો પ્રકાશ દેખાતો નથી એટલે એને અંધકાર માનીએ છીએ. પણ મૂળનો પ્રકાશ જો ફૂલ થઈને ખીલતો હોય તો મૂળ દેખાતું નથી એટલું જ ! તે નથી એવું નથી. મનુષ્યનુ પણ એવું જ છે. એ પોતે દીવો છે. પ્રકાશ છે. એનો પ્રકાશ ધરતી પર ફેલાય છે તેથી વિશ્વ તેને દેખાય છે. એ હોલવાય છે તે સાથે આખું બ્રહ્માંડ તેને માટે આથમી જાય છે. મનુષ્ય જન્મે છે તો બ્રહ્માંડ પ્રકાશી ઊઠે છે ને એ મૃત્યુ પામે છે તો એને માટે, બધું જ અસ્ત પામે છે. એ છે તો વિશ્વ છે. એ નથી તો વિશ્વ હોય તો ય એને કશા કાયમનું નથી.

આપણે આત્માને દીપ કહ્યો છે. એ દીપને લીધે મનુષ્ય પ્રકાશે છે. દીપ હોલવાય છે તો દેહ નષ્ટ થાય છે. આત્મા અમર છે. એ દેહમાં છે તો અનુભવાય છે, પણ દેહ છૂટે છે તે પછી એ ક્યાં જાય છે ને ક્યાં રહે છે તેની ખબર પડતી નથી. શરીરને નાશવંત કહીને આપણે આત્માનો વધુ મહિમા કર્યો છે. સાચું તો એ છે કે શરીર અને આત્મા એકબીજાના પૂરક છે. એક વિના બીજું નથી. આત્મા અનુભવાય છે તે શરીર છે એટલે, પણ શરીર વગરના આત્માને કોઈ બતાવી શકતું નથી. કમ સે કમ જે શરીરનો એ આત્મા છે એની ઓળખ એ શરીર વગર આપવાનું શક્ય નથી. જે આત્માને કારણે શરીરને એક ઓળખ મળી, એક નામ મળ્યું એ આત્મા, દેહ છોડતાં કયાં શરીરમાં હતો એની ઓળખ આપી શકતો નથી. મૃત્યુ પછી પણ, એ કોનું શરીર છે એની ઓળખ આપી શકાય છે, કારણ શરીરને નામ મળ્યું છે. એ નામની ચિઠ્ઠી હેઠળ શરીર વર્ષો સુધી રહ્યું છે. એવી ચિઠ્ઠી આત્માને નથી. એટલે એ કયાં શરીરને જીવાડતો હતો એ શરીરમાં હોય ત્યાં સુધી જ ખબર પડે છે, એ પછી એની કોઈ ઓળખ ક્યાંયથી મળતી નથી. દીવાનું પણ એવું જ છે. જ્યોત છે ત્યાં સુધી એ દીવો છે. જ્યોત ગઈ કે દીવો, કોડિયું થઈ જાય છે. જરા ધ્યાનથી જોઈશું તો સમજાશે કે દીવામાં અને દેહમાં બહુ ફરક નથી. બંને જ્યોતથી પ્રગટે છે. એકમાં જ્યોત દેખાય છે. બીજામાં અનુભવાય છે. જેવી જ્યોત હોલવાય છે કે બંને માટી થઈ જાય છે …

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 નવેમ્બર 2023

Loading

બંધારણનો અભાવ એટલે અરાજકતા

રમેશ ઓઝા|Opinion - Opinion|12 November 2023

આ 27 પક્ષો માત્ર નહોતા, 27 દાવેદાર હતા, 27 પ્રશ્ન પૂછનાર હતા અને 27 શંકા કરનારા હતા.

ભારતને આઝાદી ત્યાં સુધી મળવાની નહોતી અને ભારતના નેતાઓ હકથી આઝાદીની માગણી કરી શકે એમ નહોતા જ્યાં સુધી આપસી મતભેદનો અંત ન આવે. ભારતના જે તે પક્ષના કેટલાક નેતાઓ પોતે જ અંગ્રેજોને કહેતા હતા કે જો જો હોં અમારી માગણી ન સંતોષાય ત્યાં સુધી આઝાદીની કાઁગ્રેસની માગણી નહીં સ્વીકારતા. અને આમ કહેનારા માત્ર મુસ્લિમ નેતાઓ નહોતા, હિંદુ નેતાઓ પણ હતા. હકીકતમાં હિંદુ અને અન્ય ગૈર મુસ્લિમ નેતાઓની સંખ્યા વધારે હતી. એક માત્ર ગાંધીજી હતા જે એમ કહેતા હતા કે આપણે સંપીને આઝાદી માગવી જોઈએ, આઝાદી મેળવવા સાથે મળીને લડવું જોઈએ અને અંગ્રેજોના ગયા પછી આપસી મતભેદનો અંત લાવવો જોઈએ. આમાં એક ભારતીય હોવાપણાની ગરિમા છે. જેણે તમને ગુલામ બનાવ્યા અને જેની તમે ગુલામી કરી એની પાસે હકની માગણી કરવાની! આમાં વિરોધાભાસ નથી? ઘરની બાબત ઘરમાં ફોડી લેશું, ગુલામ બનાવનારા ન્યાય કરનારા બને એ કેવી રીતે સ્વીકારી શકાય? આમાં એક પ્રજા તરીકે આપણે વામણા લાગીએ છીએ.

મોતીલાલ નેહરુ

પણ ગાંધીજીની વાત કોઈને સ્વીકાર્ય નહોતી. ગાંધી મહાત્મા છે, કાઁગ્રેસ થોડી મહાત્માઓની બનેલી છે. માટે અંગ્રેજો જાય એ પહેલાં સ્પષ્ટતા થઈ જવી જોઈએ. કાઁગ્રેસના નેતાઓને પણ લાગ્યું કે જો બંધારણના ઢાંચા વિષે સ્પષ્ટતા થઈ જાય તો કદાચ માર્ગમાં જે અવરોધ પેદા કરવામાં આવી રહ્યા છે તેનો અંત આવે અને આગળ વધી શકાય. એના ઉપાય તરીકે ૨૮ પક્ષોની દસ દિવસ લાંબી પરિષદ બોલાવવામાં આવી અને મોતીલાલ નેહરુની અધ્યક્ષતામાં એક સમિતિ રચવામાં આવી અને તેણે જે અહેવાલ આપ્યો એ નેહરુ રિપોર્ટ તરીકે ઓળખાય છે.

સમિતિએ ૧૯૨૯માં તેનો અહેવાલ રજૂ કર્યો હતો જેમાં ૨૨ પ્રકરણો હતાં અને ૮૭ આર્ટીકલ્સ હતા. એમાં નાગરિકોના મૂળભૂત અધિકારો વિષે સ્પષ્ટતા કરવામાં આવી હતી. ભારતના દરેક નાગરિકને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય હશે. એ તેનો મૂળભૂત અધિકાર હશે. ભારતનો દરેક નાગરિક કાયદા સામે સમાન હશે. કોઈ વિશેષ અધિકાર નહીં ધરાવે. ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મસ્વાતંત્ર્ય હશે અને ધર્મપ્રચાર કરવાનો પણ અધિકાર હશે. ભારતના પ્રત્યેક નાગરિકને પ્રાથમિક શિક્ષણ મફતમાં મેળવવાનો અધિકાર હશે. અધિકાર નહીં, મૂળભૂત અધિકાર. હિંદુ-મુસ્લિમ પ્રશ્ન વિષે અહેવાલમાં સૂચવવામાં આવ્યું હતું કે કોઈને અલગ મતદાર ક્ષેત્ર આપવામાં ન આવે, પરંતુ તેની જગ્યાએ પ્રતિનિધિગૃહોમાં જ્યાં મુસલમાન લઘુમતીમાં છે ત્યાં મુસલમાનોને અનામત બેઠકો આપવામાં આવે અને જ્યાં હિંદુ લઘુમતીમાં છે ત્યાં હિંદુઓને અનામત બેઠકો આપવામાં આવે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ભારત ધર્મનિરપેક્ષ દેશ હશે અને રાજ્યનો કોઈ ધર્મ નહીં હોય અને ન કોઈ ધર્મનો પક્ષપાત કે વિરોધ કરવામાં આવશે.

અને છેલ્લે એ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ભારતનું લોકતંત્ર સંસદીય લોકતંત્ર હશે અને તેમાં દરેક પુખ્ત વ્યક્તિને કોઈ પણ પ્રકારની લાયકાતની શર્ત વિના મતદાનનો અધિકાર હશે. અહીં યાદ અપાવવી જોઈએ કે બ્રિટનમાં ૧૯૧૮માં ત્યાની સંસદની ચૂંટણી લડવાનો અધિકાર મળ્યો હતો અને ૧૯૨૮માં સ્ત્રીઓને ભેદભાવ વિના પુરુષની માફક મતદાન કરવાનો અધિકાર મળ્યો હતો. અમેરિકાએ સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર ૧૯૨૦ની સાલમાં આપ્યો હતો. આની સામે નેહરુ સમિતિએ ૧૯૨૮-૨૯માં સૂચવ્યું હતું કે ભારતના પ્રત્યેક નાગરિકને ભેદભાવ વિના મત આપવાનો અધિકાર હશે.

૨૨ પ્રકરણ અને ૮૭ આર્ટીકલ્સમાં જેને બંધારણીય ભારતનો પ્રાણ કહેવાય એ આ હતું. એમ માનવામાં આવ્યું હતું કે ભારતની પ્રત્યેક વ્યક્તિ, પછી તે ગમે તે ઓળખ ધરાવતી હોય તેને જો નાગરિક તરીકેની ઓળખ આપવામાં આવે, કાયદા સમક્ષ સમાનતા આપવામાં આવે, ભારત એક સેક્યુલર દેશ હોય અને દરેકને મતદાનનો અધિકાર આપવામાં આવે તો પછી ભેદભાવ કે અન્યાય માટે જગ્યા જ ક્યાં બચે છે? બ્રિટિશ સામ્રાજ્યનો ઇતિહાસ લખનારા આર. કુપ્લેન્ડે તેમના ‘ધ કોન્સ્ટીટ્યુશન પ્રોબ્લેમ ઇન ઇન્ડિયા’ નામનાં પુસ્તકમાં લખ્યું છે કે નેહરુ સમિતિએ મતભેદોનું નિરાકરણ લાવવાનો નિખાલસ પ્રયત્ન કર્યો હતો. નિખાલસ. પ્રમાણિક અને શુદ્ધ હ્રદયથી.

પણ નિષ્ઠાપૂર્વકના પ્રયાસને અનુકૂળ પ્રતિસાદ નહોતો મળ્યો. મુસ્લિમ લીગે અને વિશેષ કરીને મહમ્મદ અલી ઝીણાએ વાંધાવચકા કાઢ્યા હતા. તેમણે ૧૪ માગણીઓ અલગથી કરી હતી. તેમને મુસલમાનોના વ્યાપક હિતમાં રસ નહોતો, પણ પોતાનું અભિમાન સંતોષવામાં રસ હતો. અઘરી માગણી કરે, કાઁગ્રેસના નેતાઓ લાચાર થઈ જાય, તેમની કાકલુદી કરે, સમજાવે એ તેમને જોઈતું હતું. આવું થવા પણ લાગ્યું એટલે ઝીણા વધારેને વધારે અકારા થવા લાગ્યા. કેટલાક કાઁગ્રેસીઓ પણ આકરા થવા લાગ્યા અને ઓછામાં પૂરું ૧૯૩૭માં વિનાયક દામોદર નજરબંધીથી મુક્ત થઈને હિંદુ મહાસભાના નેતા બનીને મેદાનમાં આવ્યા. એ પછી ઝીણા અને સાવરકર વચ્ચે બે છેડાની જુગલબંધી રચાઈ. આમાં હિંદુ મહાસભાની તો બહુ કાંઈ રાજકીય વગ કે શક્તિ નહોતી, પણ ઝીણા માટે એ પૂરતી હતી. એ પછી જે બન્યું એ સર્વવિદિત ઇતિહાસ છે.

છેલ્લે નેહરુ રિપોર્ટ તૈયાર કરનારા સભ્યોને ન્યાય આપવા ખાતર એટલું નોંધવું જોઈએ કે નેહરુ રિપોર્ટે ભારતના બંધારણનો અને બંધારણીય ભારતનો ઘાટ ઘડી આપ્યો હતો. ભારતનું બંધારણ કોઈ એક વ્યક્તિએ કમરામાં બેસીને ઘડ્યું નથી.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 12 નવેમ્બર 2023

Loading

સયાજી વૈભવ પુસ્તકાલય : ग्रंथज्योति नमोस्तुते

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|12 November 2023

પુસ્તક પરિચય : 

 નવસારીની બે યુવતીઓ અને ત્યાંના બે યુવકોએ ‘જિંદગીની પહેલી કમાણી આ પુસ્તકાલયને દાન  સ્વરૂપે અર્પણ કરી’, કેમ કે આ જ્ઞાનકેન્દ્રનો તેમના ઘડતરમાં મોટો ફાળો છે.  

 શિંગચણાની ફેરી કરતા અને વર્ષોથી આ પુસ્તકાલયના સભ્ય  સીતારામ જાવરે  કહે છે : ‘પુસ્તકોએ મને ખૂબ શીખવ્યું છે.’ 

 આ પુસ્તકાલય ‘વાચકો પાસેથી કોઈ પણ ફી કે લવાજમ લેતું નથી’, તે ‘ક્યારે ય બંધ રહેતું નથી, સાપ્તાહિક રજા પાડતું નથી, જાહેર રજાઓ પર તો ખુલ્લું જ હોય. વિદ્યાર્થી વાચકો માટે રાત્રે દસ વાગ્યા સુધી વાચનકક્ષ ખુલ્લો રહે છે.’ 

 ‘હેલ્લો લાઇબ્રેરી : પુસ્તક આપના આંગણે’ નામની વ્યવસ્થા હેઠળ દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને દર પંદર દિવસે ઘરે પુસ્તકો પહોંચાડવામાં આવે છે, જેના માટે એક ઇ-બાઇક દાનમાં મળ્યું છે.  

 પુસ્તકાલયના કર્મચારીઓ માટે સંચાલકોની કાયમી સૂચના છે : ‘લાઇબ્રેરીમાં આવતા બાળક સાથે ક્યારે ય ઊંચા અવાજે પણ ન બોલશો. આપના એવા વર્તનથી બાળક હંમેશ માટે લાઇબ્રેરીથી અને પુસ્તકથી વિમુખ થઈ જશે.’ 

 જેમાં મહિલા જ વક્તા હોય તેવું ‘મારું પ્રિય પુસ્તક’ નામનું માસિક વ્યાખ્યાન આ પુસ્તકાલયમાં ચાલે છે, અને ગઈ પા સદીમાં બસો કરતાં વધુ વક્તા આવી ચૂક્યાં છે. 

 આ પુસ્તકાલયનું પોતાનું ગીત છે, જે યુ-ટ્યૂબ પર છે. તેની પહેલી પંક્તિ છે : 

           ‘ એક બગીચો જ્ઞાનનો એવો, પુસ્તકનો જ્યાં ગુંજે કલરવ

           બાળવાચકો જેનો વૈભવ, ગમે મને આ સયાજી વૈભવ.’

નવસારીના શ્રી સયાજીવૈભવ સાર્વજનિક પુસ્તકાલયને લગતી ઉપરોક્ત હકીકતો જેવી કેટલી ય હૃદયસ્પર્શી માહિતી સંસ્થાની સવાશતાબ્દી વર્ષના અવસરે પ્રગટ થયેલા ‘જ્ઞાનપીઠ વૈભવી’ પુસ્તકમાં વાંચવા મળે છે.

વળી, બિસમાર પુસ્તકાલયનો કાયાકલ્પ કરી તેને અત્યારના ઉત્તમ સ્થાને પહોંચાડનારા શિલ્પી મહાદેવભાઈ દેસાઈ(1954 -2022)ના ચાર દાયકાના ‘સમર્પણ અને નિષ્ઠા’નું પ્રભાવક ચિત્ર પણ ઘણાં લેખોમાંથી ઉપસે છે.

ગ્રંથાલયના ઇતિહાસને લગતા લેખો પણ છે. રાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ((1863-1939) અમેરિકાના પ્રવાસ દરમિયાન ત્યાંની જાહેર ગ્રંથાલય પદ્ધતિ – Public Library Systemથી બહુ પ્રભાવિત થયા.

દેશના વિકાસમાં જાહેર ગ્રંથાલય નામની સંસ્થાનું મહત્ત્વ બરાબર સમજીને તેમણે વડોદરા રાજ્યમાં ગ્રંથાલય પ્રવૃત્તિ શરૂ કરવામાં પહેલ કરી. તેમણે પ્રસિદ્ધ અમેરિકન ગ્રંથપાલ વિલિયમ બોર્ડનને વડોદરા નિમંત્રણ આપ્યું. તેમના માર્ગદર્શન અને મોતીભાઈ અમીનની દૃષ્ટિભરી સક્રિયતાથી વડોદરા રાજ્યના તમામ આઠસો ગામોમાં પુસ્તકાલયોની સ્થાપના થઈ.

નવસારીમાં પણ 1898માં પુસ્તકાલય સ્થપાયું તે અત્યારનું સયાજી વૈભવ. સંસ્થાને જમીન તેમ જ ધન મળતાં ગયાં અને કામ વધતું ગયું. ભરતી-ઓટ આવતી ગઈ. નવસારીના વ્યાવસાયિક સ્થપતિ મહાદેવભાઈ દેસાઈ નાગરિક કર્તવ્ય તરીકે પચીસ વર્ષની ઉંમરે મંત્રી તરીકે જોડાયા તે પછી લાઇબ્રેરી  સતત વિકસતી જ રહી.

મહાદેવ દેસાઈ

મહાદેવભાઈના ઉદ્યમ, નિસબત અને સૂઝથી ગ્રંથાલય માત્ર પુસ્તકોથી નહીં પણ નિરંતર વ્યક્તિવિકાસ પ્રેરક પ્રવૃત્તિઓથી પ્રવૃત્તિઓથી સમૃદ્ધ બન્યું. તેમના પ્રદાનને પ્રસ્તુત પુસ્તકમાં ભારતીય ચૂંટણી પંચના કાર્યમાં ટી.એન. સેશનના કે હરિત ક્રાન્તિ ક્ષેત્રે એમ.એસ. સ્વામિનાથન્‌ના પ્રદાન જેટલું સીમાચિહ્નરૂપ ગણવામાં આવ્યું  છે.

રાજ્યના શ્રેષ્ઠ ગ્રંથાલય માટેનો પુરસ્કાર મોતીભાઈ અમીનના નામે ન હોત તો તે મહાદેવભાઈ દેસાઈના નામે હોત એમ પણ એક લેખમાં વાંચવા મળે છે.

સંખ્યાબંધ પ્રાસંગિક તસવીરો સાથેની આ દળદાર સ્મરણિકામાં સંસ્થાના ટ્રસ્ટીઓ અને સંચાલક મંડળના સભ્યો ઉપરાંત ગ્રંથપાલ તેમ જ  મદદનીશોએ લખ્યું છે.

પુસ્તકાલયને માતૃસંસ્થા માનનારા એક વેળાના બાળસભ્યો, પુસ્તકાલયની  વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી શાળાઓના શિક્ષકો-આચાર્યોના અને કેટલાંક સાહિત્યકારોના અનુભવો-સંસ્મરણો પણ પુસ્તકમાં વર્ણવ્યાં છે.

મોટા કદના અને ડબલ કૉલમનું પેઇજ લે આઉટ ધરાવતા પુસ્તકના 265 પાનાંમાંથી સમજાય છે કે સરકારમાં રજિસ્ટર થયેલાં ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને સંખ્યાબંધ પુસ્તકપ્રેમી દાતાઓથી સંવર્ધિત સાર્વજનિક પુસ્તકાલય એકસો પચીસ વર્ષથી ચાલે એટલું જ નહીં, પણ ગયા ચારેક દાયકામાં તો વાચકોના જીવનનો હિસ્સો બની ગયું છે.

‘સ્વજનસમું ગ્રંથાલય’, ‘ચેતનાનું ઘર’ ‘બાળકોના વિકાસની  જનની’, ‘આત્મવિશ્વાસનો પાયો’, ’મુકામ પોસ્ટ લાઇબ્રેરી’, ‘મારું બીજું  ઘર’ જેવા શબ્દોમાં ગ્રંથાલય માટેનો હૃદયભાવ વ્યક્ત થયો છે.

દોઢેક લાખ જેટલાં પુસ્તકો ધરાવતાં ગ્રંથાલયમાં સાઠેક ટકા ગુજરાતી પુસ્તકો ઉપરાંત અંગ્રેજી અને હિન્દી પુસ્તકો પણ મોટી સંખ્યામાં છે. પૂનાથી નવસારી આવેલાં માધવીતાઈ કર્વેને નવા ગામે પુસ્તકોની ખોટ સાલી નહીં, મરાઠી ભાષાના દોઢેક હજાર પુસ્તકોએ તેમને સાથ આપ્યો. વયોવૃદ્ધ મર્ઝબાન ગ્યારા ક્યારે ય ન વંચાતા પુસ્તકો ખંખોળીને’ વાંચતા.

સયાજી વૈભવના વાચકોને સવાસો જેટલાં સામયિકો અને સોળ દૈનિકો મળે છે. પોણા બે લાખ જેટલી લોકસંખ્યા ધરાવતા નવસારીના તેર હજાર જેટલા એટલે કે સાતેક ટકા નગરિકો આ નિ:શુલ્ક ગ્રંથાલયનો લાભ લે છે. સંસ્થાનાં સ્વપ્નો છે : ‘નવસારીના દરેક વાચક પુસ્તકાલયના સભ્ય બને’ અને ‘નવસારી આવતી સદીમાં વિશ્વને ચરણે 100 મહાન સ્ત્રી-પુરુષોની ભેટ ધરે’.

લાઇબ્રેરીના સભ્યોમાં અઢી હજાર સ્ત્રીઓ,ચાર હજાર પુરુષો અને સહુથી વધુ તો છ હજારથી વધુ બાળકો છે. શાળામાં જતાં કે શાળા છૂટ્યા બાદ પુસ્તકો લેવા માટે બાળકોની હરોળ લાગી હોય એવું સાંભરણ પુસ્તકમાં નોંધાયું છે. અક્ષરઓળખ થાય તે પહેલાં જ વાચનની શરૂઆત અહીંના ચિત્રપુસ્તકોથી થઈ હોય એવા, અને દેશાવરની સફળતાનો યશ વતનની આ લાઇબ્રેરીમાંથી થયેલાં વાચનને આપનારા વાચકો અહીં છે.

રાજવી ગાયકવાડ પરિવારના આશ્રય પછીના ક્રમે ‘મોટામાં મોટું દાન’ પારેખ પરિવાર તરફથી મળ્યું હોવાથી લાઇબ્રેરીનું સમાંતર નામ નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ છે. લાઇબ્રેરીના ઉપક્રમે જે સંખ્યાબંધ પ્રવૃત્તિઓ બહોળા પ્રમાણમાં થાય છે તેની માહિતી/સંદર્ભો અનેક લેખોમાં મળે છે.

તેમાંથી કેટલીક છે : શ્રેષ્ઠ વાચક સ્પર્ધા, પુસ્તક અધ્યયન-અનુશીલન પ્રોજેકટ, વેકેશન વાચનોત્સવ, સર્જકો સાથે સંવાદ, પુસ્તક-સેતુ, મહાત્મા ગાંધી અને ઝવેરચંદ મેઘાણી સાર્ધ શતાબ્દી, ‘મારું ગમતું પુસ્તક’ નામે માસિક વ્યાખ્યાન, ગ્રંથયાત્રા, પુસ્તક પ્રદર્શન – આ યાદી ઘણી લાંબી થઈ શકે. આ બધામાં ભાગ લેવાથી સંખ્યાબંધ શાળાઓના સેંકડો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાચન પ્રેમી નાગરિકોનું ઘડતર થતું રહ્યું છે તે પણ પુસ્તકમાં જોવા મળે છે. સયાજી વૈભવ ગુજરાત સરકારના ‘વાંચે ગુજરાત અભિયાનની ગંગોત્રી’ ગણાયું હતું.

રાજ્યના ઉત્તમ પુસ્તકાલય તરીકેનું પાંચ વખત સન્માન મેળવનારા આ પુસ્તકાલયના પ્રદાનની કદર રૂપે સંસ્થાને સરકારી અનુદાન અને વિવિધ પ્રકારની પ્રોત્સાહક સહાય પણ મળતી રહી છે.

કર્મચારીઓ ગ્રંથાલય સાથે ખૂબ લગાવ છે. આ જ પુસ્તકાલયમાં લાઇબ્રેરિયન બનનારાનું બાળપણ લાઇબ્રેરીની બહાર સાયકલ ફેરવવામાં અને અંદર બેસીને બકોર પટેલ વાંચવામાં વીત્યું હોય. અહીંની નોકરીની સમાંતરે ભણીને ગ્રંથાલય વિજ્ઞાનની પદવી મેળવી હોય, શાળા-કૉલેજમાં નોકરી મેળવી હોય એમ પણ આ પુસ્તકમાં નોંધાયું છે.

પુસ્તક આપ-લે  વિભાગના કર્મચારીઓ માટે કેટલાક વાચકો સ્વજન સમા હોય, તેઓ ન દેખાય તો ફોન કરે. સયાજીમાં ન હોય તેવું પુસ્તક શોધવા લાઇબ્રેરિયન વાચકને પોતાના વાહન પર બેસાડીને બીજા ગ્રંથાલયમાં, અને અંતે એક લેખિકાને ઘરે જઈને ય પુસ્તક અપાવીને જ જંપ્યા હોય, એવો મજાનો કિસ્સો પણ વાંચવા મળે છે.

દુનિયામાં જે-તે કાળે શક્તિશાળી કે કલાસંસ્કૃતિ સમૃદ્ધ દેશોનું દૈવત તેની પ્રયોગશાળાઓ અને તેનાં પુસ્તકાલયો હોય છે. જાહેર ગ્રંથાલય – the Public Library – વિભાવના અને સંસ્થા તેનું કાર્યરત રૂપ આપણા દેશમાં ઓછાં પ્રચલિત છે. આ વિશે લખાયેલી સામગ્રી વાંચતા જાહેર ગ્રંથાલયની જે મહત્તા સમજાય છે તેની ઝલક  ‘જ્ઞાનપીઠ વૈભવી’ સ્મરણ-પુસ્તકમાં મળે છે.

આજે પ્રકાશના પર્વે ग्रंथदीपो भव. 

* આભાર : સંધ્યાબહેન ભટ્ટ

______________________________

જ્ઞાનપીઠ  વૈભવી : શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય, નવસારી, 125 વર્ષનાં સંભારણાં, જુલાઈ 2023

પ્રકાશક : શ્રી પ્રશાન્તભાઈ પારેખ, પ્રમુખ, શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય, ચીમનાબાઈ રોડ, નવસારી 396 445, ફોન  02637-259523/43  મો. 7435080760, 

પૃ. 265, પ્રાપ્તિસ્થાન અને કિંમત : જણાવેલાં નથી 

12 નવેમ્બર 2023
[980 શબ્દો]
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 12 નવેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...861862863864...870880890...

Search by

Opinion

  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved