Opinion Magazine
Number of visits: 9457695
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કિનારીવાલા શતાબ્દીનાં પડઘમ સ્વાતંત્ર્યની શ્રૃતિ અને સ્મૃતિને ઝકઝોરી રહ્યાં છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|20 September 2023

આજે એટલે કે 20મી સપ્ટેમ્બરે શહીદ વિનોદ કિનારીવાલાનું સોમું વરસ શરૂ થયું

થાય છે, એક મુગ્ધ સંભારણાથી શરૂઆત કરું. ઈન્ટર આર્ટ્સમાં હોઈશ (હજુ ‘એફ. વાય.’નો ચાલ શરૂ થયો નહોતો) ત્યારે અમદાવાદમાં ફર્નાન્ડીઝ પુલ નીચે મહાજન બુક ડીપોમાંથી ‘મેઘદૂત’ની સેકન્ડહેડ નકલ ખરીદી લાવ્યો હતો. પાનાં ફેરવતાં જોઉં છું તો વી.પી. કિનારીવાલા વંચાયું. હૈયું એક ધબકારો ચૂકી ગયું : હું વર્ષભર એ પુસ્તક સેવીશ જે ક્યારેક વિનોદ કિનારીવાલાએ સેવ્યું હશે … કાલિદાસે પાયેલ ઉત્કટ જીવનરસ પર અસવાર થઈ એ તરુણાઈએ કોઈક જુદો જ સાદ સાંભળ્યો, અને –

અલબત્ત કાળક્રમે સમજાયું કે જે વીરનાયકના સ્મરણે હું મને ‘શર’માં અનુભવું છું તે વી.પી. નથી; વિનોદ જમનાદાસ કિનારીવાલા છે. સન બયાલીસમાં જેણે શહાદત વહોરી અને જેની ખાંભી સ્વરાજ આગમચ પાંચ દિવસે જયપ્રકાશે ખુલ્લી મૂકી હતી – એ જયપ્રકાશ નારાયણ જે પછીથી 1974-77માં દેશને બીજા સ્વરાજ ભણી દોરી જવાના હતા.

આ ખાંભી પર મત્ત આખલા સામે જુસ્સાભેર યુવાન વિનોદ કિનારીવાલા રણે ચડ્યા છે. એમના હાથમાં રાષ્ટ્રીય ધ્વજ છે

કલાગુરુ રવિશંકર રાવળની પરિકલ્પના પ્રમાણેની આ ખાંભી પર મત્ત આખલા સામે આત્મશ્રદ્ધે ભરપૂર એક યુવાન બરાબરનો રણરંગમાં છે. એના હાથમાં રાષ્ટ્રીય ધ્વજ છે. ઉમાશંકર જોશી, જયન્તિ દલાલ અને દાવર સાહેબની નિશ્રામાં ખાંભી પરનું લખાણ તૈયાર થયું છે અને મેઘાણીની આર્ત પંક્તિઓ જાણે એમાં ‘શગ’ શી સોહે છે :

કદી સ્વાધીનતા આવે – વિનંતી ભાઈ છાની :

અમોનેયે સ્મરી લેજો જરી, પળ એક નાની!

તમને થશે, આજે નથી 9 ઓગસ્ટનો ક્રાંતિ દિવસ કે નથી 10મી ઓગસ્ટનો કિનારીવાલા શહાદત દિવસ, તો આ બધો વહીવંચો કેમ. ભાઈ, એ 1923ની 20મી સપ્ટેમ્બરે જન્મેલા એટલે આજથી એમનું સોમું વરસ શરૂ થાય છે, માટે સ્તો.

કિનારીવાલાના ઘડતરમાં જેમનાં વ્યક્તિત્વ ને કૃતિત્વનો હિસ્સો છે એમનોયે અચ્છો ખયાલ એમના ચરિત્રકાર બિપિન સાંગણકરે આપ્યો છે. પિતા જમનાદાસ ગાંધીરંગે રંગાયેલા અને આઝાદી આંદોલનના કાર્યક્રમમાં જોડાતા પુત્રને કહેતા કે પોલીસને જોઈને રખે આઘાપાછા થતા. મામા રણછોડલાલ શોધન વળી પ્રતિબંધિત કાઁગ્રેસે દિલ્હીના ચાંદની ચોકમાં ઘંટાઘર પરિસરમાં પોલીસને હાથતાળી આપી 1932માં 46મું અધિવેશન ભર્યું, તેના પ્રમુખ. અને હા, ચંદ્રશેખર આઝાદના બલિદાની ભાવાવેશ ને ઉદ્દામ વિચારો સાથે ખાસ તો એમણે પાળેલી એ પ્રતિજ્ઞાનું ખેંચાણ કે પોલીસના હાથમાં જીવતો તો નહીં જ પડું.

દસમી ઓગસ્ટે લો કોલેજથી શરૂ થયેલું સરઘસ ગુજરાત કોલેજ પહોંચી રહ્યું છે. આગળ બહેનોની ટુકડી, તરત પાછળ વિનોદ ને બીજા યુવાનો. પોલીસ તૈનાત છે. પ્રિ. પટવર્ધન અધિકારી લાબૂશાર્ડીઅરને કહે છે : ‘મારી રજા વગર ન આવી શકો. vacate my premise immediately.’ પણ પોલીસ સન્નદ્ધ છે. પ્રો. દાવર – નાનાલાલ જેમને માટે કહેતા કે એ બોલે ત્યારે ‘વિદ્વત્તાની ઝડીઓ’ વરસે છે – કહે છે, ‘મારાં બાળુડાંને ન મારો.’ લાઠીમાર બહેનો તરફ વળી રહ્યા છે ત્યારે તરુણ અધ્યાપક ધીરુભાઈ ઠાકર (પછીથી ગુજરાત જેમને વિશ્વકોશથી ઓળખવાનું હતું), પોલીસની લાઠીને હાથથી ઝીલે છે : ‘E, you brute, stop it.’ એમના માથા પર લાઠી ઝિંકાય છે અને એ મૂર્છિત થઈ નીચે પડે છે. ધ્વજ હવે કિનારીવાળાના હાથમાં છે, અને –

ખેર. આજે આપણે ખાંભી પર જેમ મત્ત આખલો જોઈએ છીએ તે બીજા વિશ્વયુદ્ધના સંદર્ભમાં કેવળ બ્રિટનને વટીને એકંદર સામ્રાજ્યવાદનો છે. 1942ના ‘હિંદ છોડો’ એલાન બાબતે પણ ઇતિહાસદૃષ્ટિએ આકલનભેદ હતા તે સમજી લઈશું જરી? આંબેડકર વાઈસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પર હતા, કેમ કે દલિત ને કામદાર હિત માટે એ અંગ્રેજ કુમક ઈચ્છતા હતા. હિંદુ મહાસભા બેંતાલીસના આંદોલન જોડે નહોતી. ‘હિંદ છોડો’ પછીના કેટલાક મહિના શ્યામાપ્રસાદ મુખર્જી બંગાળમાં ફઝલુલ હક પ્રધાનમંડળમાં ચાલુ રહ્યા હતા. (આ એ જ હક હતા જેમણે 1940માં લાહોરમાં પાકિસ્તાનનો ઠરાવ રજૂ કર્યો હતો.) રેડિકલ હ્યુમેનિસ્ટ એમ.એન. રોય (જેમ શ્રીઅરવિંદ પણ) હિટલર સામેના જંગને માનવહિતની દૃષ્ટિએ અગ્રતા આપતા હોઈ એ ક્ષણે ‘હિંદ છોડો’ સાથે નહોતા. સામ્યવાદી ચળવળ અંતર રાખતી હતી.

રશિયા બ્રિટન વગેરે સાથે હિટલર સામે જોડાયું તેનો એના મૂલ્યાંકનમાં ખાસ્સો હિસ્સો હતો. પાછળથી અલગ પક્ષ તરીકે સામ્યવાદી ચળવળમાં ઉભરેલા શિવદાસ ઘોષ જો કે ત્યારે વિધિવત્ સામ્યવાદી પક્ષમાં નહોતા, પણ 1942ની લડતમાં પૂરેવચ હતા. પણ લડત જોડે પોતપોતાના આકલન મુજબ આ સૌનું સમીક્ષાત્મક અંતર છતાં દેશનો એકંદર લોકમત અને જે તે વળના સામાન્ય કાર્યકરો દિલથી લડત સાથે હતા. 9મી ઓગસ્ટે પોલીસનો ભોગ બનનાર ઉમાકાન્ત કડિયાને સન બયાલીસના પહેલા શહીદ કહેવાય છે તેમાં આ વસ્તુ પડેલી છે. એ સ્થળ પર ગયા હતા સામ્યવાદી પક્ષના સ્ટડી સર્કલમાંથી તપાસ માટે; પણ એમાંથી શહાદત આવી એ તે સમયના સાર્વત્રિક હૃદયભાવ સાથે સ્વાભાવિક જ જોડાઈ ગઈ છે, અને નવમી ઓગસ્ટે કાલુપુરમાં ઉમાભાઈને નામે ચોક પણ એક યાત્રાસ્થાન બનેલ છે.

બેંતાલીસ સંદર્ભે મૂલ્યાંકનભેદનો ઉલ્લેખ કર્યો, પણ એક અવલોકન લાજિમ છે કે એમાંથી નેતૃત્વની જે નવી પેઢી ઉભરી તે જયપ્રકાશ-લોહિયા-અચ્યુત પટવર્ધન આદિની હતી. દેશની તરુણાઈ એની ફરતે સમાજવાદી આંદોલન રૂપે ગઠિત થઈ : ગુજરાતની યુવા પ્રવૃત્તિ અમદાવાદમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળ રૂપે કોળી.

આરંભે કિનારીવાલાની ભાવભૂમિની સહેજસાજ ઝાંખી મેળવી પણ એમના વિચારઘડતરના એકંદર સમાજવાદી રુઝાન તરફ નજર માંડતાં 1933માં નાસિક જેલના બી વોર્ડથી શરૂ થઈ 1977ના જનતા મહાસંગમ સુધીનું આખું એક ચિત્ર સામે આવે છે. કિનારીવાલાનું સોમું વરસ આ વિચારયાત્રાને ઝકઝોરવા સારુ કેમ ખપ ન આવે?

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 20 સપ્ટેમ્બર 2023

Loading

રણથંભોરના વાઘોનો ‘આદિત્ય’ આથમી ગયો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|19 September 2023

આ લેખ સાથે તમે જે તસવીર જુઓ છો, તે રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્કની વાઘણની છે.  સત્તાવાર રીતે તેનું નામ ટી-39 છે, 39 નંબરની ટાઈગ્રેસ, પરંતુ કોઈ તેને તે નામથી બોલાવતું નથી. તેનાં ત્રણ પ્રચલિત નામ છે; નૂર, માલા અને સુલતાનપુર. નૂર સૌની જીભે ચઢેલું નામ છે. નૂર એટલે ચમક. તેની ત્વચામાં એક અનોખી ચમક છે. તેના શરીર પર માળાના મણકા જેવી ભાત છે એટલે તેને માલા કહે છે. પાર્કના દક્ષિણી છેડા પર આવેલા સુલતાનપુરમાં તે મોટી થઇ હતી એટલે તેને સુલતાનપુરની વાઘણ પણ કહે છે.

નૂર આજે પણ રણથંભોરમાં સહેલાણીઓ અને ફોટોગ્રાફરોની આંખનાં તારા બનેલાં છે. તમે જે તસવીર જુઓ છો તે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર અને સંરક્ષક આદિત્ય ‘ડિકી’ સિંહના કેમેરાની કમાલ છે. આદિત્યના કેમેરામાંથી નીકળેલી આવી અનેક તસવીરો છે, જેણે દુનિયાને મંત્રમુગ્ધ કરી છે. હકીકતમાં, નૂરની આ તસવીર ડિકીના એક દસ્તાવેજી પુસ્તકના કવર પેઈજ પર છે. “નૂર : ક્વીન ઓફ રણથંભોર” નામનું એ પુસ્તક ડિકીએ એન્ડી રોઝ સાથે મળીને 2018માં પ્રકાશિત કર્યું હતું.

આદિત્યએ છેલ્લાં અઢી દાયકામાં આવા અનેક વાઘ પરિવારોનું દસ્તાવેજીકરણ કર્યું હતું, જે વન્યજીવનના દેશ-વિદેશના રસિકો અને રક્ષકો માટે માહિતીનો સમૃદ્ધ ખજાનો છે. રણથંભોર નેશનલ પાર્કના વન્યજીવન પર જો કોઈ એક વ્યક્તિનું પ્રભુત્વ હોય, તો તે આદિત્ય ‘ડિકી’ સિંહ હતા.

આદિત્ય ડિકી સિંહ

હા, હતા. હવે નથી. ડિકી હવે આ દુનિયામાં નથી. છઠ્ઠી તારીખે, લોકો જ્યારે ઇન્ડિયા વિરુદ્ધ ભારત નામના વિવાદમાં વ્યસ્ત હતા, ત્યારે ભારતના વાઘોને દુનિયાના નકશા પર મુકનારા ડિકીનું વાઘો વચ્ચે જ, રણથંભોર નેશનલ પાર્કની સીમા પર તેમના નિવાસ્થાને અવસાન થઇ ગયાના સમાચાર આવ્યા. ડિકીની ઉંમર માત્ર 57 વર્ષની હતી અને  ઊંઘમાં જ હૃદયનો હુમલો આવ્યો હતો.

જે લોકો ડિકીનાં કામથી અને વન્યજીવનથી પરિચિત હતા, તેમના માટે એ સમાચાર આઘાતજનક હતા. જે માણસે વાઘોને અને વનને પોતાના જીવનનું ધ્યેય બનાવ્યું હોય, તે આવી રીતે અચનાક જતો રહે તે એક ન પુરાય તેવી ખાઈ હતી.

ડિકીનો જન્મ એક સૈનિક પરિવારમાં થયો હતો અને છઠ્ઠા ધોરણ સુધી પિતાના પોસ્ટીંગ સાથે ભારત ભરમાં ફર્યા હતા. એ પછી દિલ્હીની મોડર્ન સ્કૂલમાં સ્થાયી ભણતર મેળવ્યું હતું. સ્કૂલ પછી તેમણે બેંગલુરુમાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. ભણવાનું જાણે હજુ ઓછું હોય તેમાં સિવિલ સર્વિસ પાસ કરી અને ભારત સરકારના સંચાર મંત્રાલયમાં નોકરી લીધી હતી.

ડિકી એ નોકરીમાં ઉબાઈ ગયા. છોડી દીધી. એ બેકારીમાં જ પૂનમ નામની છોકરી સાથે લગ્ન પણ થઇ ગયાં. ઘર ચલાવવા માટે બે વર્ષ સુધી કન્સ્ટ્રકશન કોન્ટ્રકટ તરીકે કામ કર્યું. એમાં પૈસાની બચત થઇ એટલે 1998માં કાયમ માટે રણથંભોરને ઘર બનાવી દીધું.

એક ઇન્ટરવ્યૂમાં ડિકીએ કહ્યું હતું, “1984માં સ્કૂલ ખતમ થઇ ત્યારે હું પહેલીવાર રણથંભોર આવ્યો હતો અને વન્યઅધિકારી ફતેહ સિંહ રાઠોડના આશીર્વાદથી એક આખો મહિનો રોકાયો હતો. તે વખતે ત્યાં વાઘ દેખાવા લાગ્યા હતા. મેં પદ્મિનીને તેના ત્રણ બચ્ચા સાથે જોઈ હતી. પછી, એક વાઘ ચંગીઝને જોયો હતો, જેણે પાણીમાં તેના શિકારનો પીછો કર્યો હતો. એક મહિના સુધી મેં લગભગ દરરોજ વાઘ જોયા હતા. હું ત્યારથી જંગલના પ્રેમમાં પડી ગયો હતો અને દર વર્ષે આવતો હતો.”

સરકારી નોકરીમાં કંટાળી ગયેલા ડિકીએ પત્ની સાથે સલાહ મશવરા કરીને કાયમ માટે રણથંભોરમાં સ્થાયી થઇ જવાનું નક્કી કર્યું. આ વાત ગજબની છે. એક આઈ.એસ.એસ. અધિકારી, દિલ્હી જેવું શહેર અને ભારત સરકારની નોકરી છોડીને, દેશના છેવાડે એક એવા જંગલમાં રહેવા જતો રહે, જ્યાં તેણે ઘર-જીવનને નવેસરથી ગોઠવવાનું હોય, તે વાત એટલી સહેલી નથી.

વાત એટલી પણ નથી. ડિકીએ તેના વાઘ પ્રેમને એક એવા વ્યવસાયમાં બદલ્યો કે ઘર પણ ચાલે અને જંગલ પણ જોવાય! ડિકી કહે છે, “તે સમયે, તે મારા માટે એક શોખ હતો, પણ મોંઘો હતો. વર્ષમાં 300 ટ્રીપ કરો તો 30 લાખ રૂપિયા થાય! હોસ્ટેલ વખતના મારા એક સિનિયર મિત્રએ મને ત્યારે કહ્યું કે આ શોખને પાળવો હોય તો ટુરિઝમ શરૂ કરાય. મેં ફોટોગ્રાફીને ઘડીક બાજુએ મૂકી અને રણથંભોર પાર્કના છેવાડા પર 40 એકર સરકારી જમીન લિઝ પર લીધી અને જંગલમાં આવતા સહેલાણીઓ, ફોટોગ્રાફરો અને સંશોધકો માટે લોજ બનાવાનું શરૂ કર્યું.”

પત્ની પૂનમ લોજનો વહીવટ સંભાળે અને ડિકી કેમેરા ભરાવીને સહેલાણીઓના ગાઈડ બનીને જંગલમાં જાય. એમાં પૈસાય મળવા લાગ્યા અને ફોટોગ્રાફી પણ ખીલી ઊઠી. પતિ-પત્નીને દરકાર અને પ્રેમના કારણે 40 એકરની એ જગ્યા ધીમે ધીમે એક લઘુ જંગલ બની ગઈ હતી. તમે સાંભળ્યું છે કોઈ માણસે જાતે જંગલ બનાવ્યું હોય? ડિકીએ એ કામ કર્યું હતું.

ખૂબ જ જુસ્સા સાથે, ડિકીએ એ જમીનમાં પુનઃવિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. તેમથી જંગલી છોડને દૂર કરીને અને દેશી વૃક્ષોનું વાવેતર કરીને તેને નાનું જંગલ ઊભું કર્યું હતું. તેમણે વન્યજીવનનું રક્ષણ કરવાની તેમની પ્રવૃત્તિઓથી ઘણા લોકોને પ્રેરણા આપી છે. અમુક વાઘની નજીકથી દેખરેખ રાખવાની પરંપરા પણ ડિકીએ શરૂ કરી હતી.

આપણે નૂર નામની વાઘણની વાત કરી એ તો ડિકીનો લેટેસ્ટ પ્રોજેક્ટ હતો. એ પહેલાં નૂરની માતા ‘મછલી’ સૌથી પહેલાં ડિકીની નજરે ચઢી હતી. એની બે બાળકીઓ સાથેનો માછલીનો ફોટો આખી દુનિયામ પ્રસિદ્ધ થયો હતો.

મછલીનો સામનો કેવી રીતે થયો હતો તેને યાદ કરીને ડિકીએ કહ્યું હતું, “એકવાર બપોરે જમ્યા પછી અમે લોકો એક કૂવા પાસેથી પસાર થઈ રહ્યા હતા. બીજી બાજુ માછલી બેઠી હતી. અચાનક એ અમારા તરફ ત્રાટકી અને થોડાક જ અંતરે અટકીને પાછી વળી ગઈ. હું એના થૂકમાં પગથી માથા સુધી આખો ભીંજાઈ ગયો હતો ગયો.”

તેની માતા(એટલે કે નૂરની નાની)નું નામ પણ માછલી હતું. સિનિયર માછલીના ચહેરા પર માછલીના આકારનું નિશાન હતું. તેથી જ તે માછલીના નામથી પ્રખ્યાત થઈ. તેના એક બચ્ચાના કપાળ પર માછલીનું ચોક્કસ નિશાન જોવા મળ્યું હતું. આ માદા વાઘણ પાછળથી તેની માતાના નામ પરથી માછલી તરીકે ઓળખાવા લાગી.

માછલી દેશની પહેલી વાઘણ હતી જેના ફોટા સૌથી વધુ વખત લેવામાં આવ્યા હતા. તેના પર એક ફિલ્મ પણ બની હતી. તેનાં બચ્ચાને બચાવવા માટે તે મગર સાથે લડાઈમાં ઉતરી પડી હતી. તેના નામે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડની સાથે એક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. તે 20 વર્ષ સુધી જીવતી રહી હતી. સામાન્ય રીતે વાઘ-વાઘણનું આયુષ્ય 12થી 15 વર્ષનું હોય છે.

જાણીતા સંરક્ષણવાદી અને મિત્ર વાલ્મીક થાપરે સિંહને રણથંભોરના ‘મહાન સેનાની’ તરીકે ઓળખાવીને કહ્યું હતું, “કોણ માની શકે કે લાર્જર ધેન લાઈફ આદિત્ય ડિકી સિંઘ હવે નથી રહ્યા. રણથંભોરને તેમની ગેરહાજરી બહુ સાલસે. તે રણથંભોરની એક એક દરેક ઇંચને પ્રેમ કરતા હતા. તેના માટે તે એક મહાન યોદ્ધા હતા. તેણે જે લાગ્યું તે કહ્યું અને સત્ય સાથે ક્યારે ય સમાધાન કર્યું નહોતું. હું તેમની હાસ્યવૃતિ અને વન્ય સંરક્ષણ માટેની તેમની ભાવનાને ક્યારે ય નહીં ભૂલું.”

57 વર્ષીય આદિત્ય ‘ડિકી’ સિંહ જંગલમાં થઇ રહેલા વિકાસનાં કામોથી નારાજ હતા. ગયા વર્ષે એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, “કદાચ આપણી પેઢી છેલ્લી છે જે જંગલોમાં વાઘ જોશે. વાઘ ક્ષેત્રીય પ્રાણી છે. તે એક રક્ષિત ક્ષેત્રમાંથી બીજા રક્ષિત ક્ષેત્રમાં જાય છે- પરંતુ આપણા વાઘોના માર્ગોને ઘેરી લેવામાં આવ્યા છે. છેલ્લાં 20 વર્ષોમાં એમાંના ઘણાખરા મહત્ત્વના માર્ગો નષ્ટ થઇ ગયા છે. આપણે  મૃત્યુના અંતિમ ચરણમાં છીએ.”

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 17 સપ્ટેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દ્વિઘા

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|19 September 2023

પ્રીતમ લખલાણી

અમૃતલાલ સ્વભાવે આમ તો કોઈને નડે તેવા નહોતા, છતાં સવાર પડતાં જ દીકરા વેદાંતની વહુ આરતીને કારણ વિના ઠેબે ચઢી જતા. આજે વહેલી સવારે શાક લેવા જવા આરતી પર્સ ગોતવા અહીંતહીં ફાંફાં મારતી હતી. ન જાણે પર્સ કયાંક મુકાઈ ગયુ હશે. એટલે આરતીને મળતું નહોતું. પર્સ શોઘતાં ગુસ્સામાં આરતીના ઠેબે અમૃતલાલની લાકડી ચડી ગઈ. આરતીનો ગુસ્સો સાતમા આસમાને ચડી ગયો. ગુસ્સામાંને ગુસ્સામાં તે મનોમન બબડી, ‘હે! પ્રભુ હવે આ ઘરમાંથી આ લાકડી જાય તો, ઘરમાં કયાંક પગ મૂકવાની જગ્યા થાય.’ અને ત્યાં જ ઘરના ફોનની ઘંટડી રણકી ઊઠી.

‘હલ્લો, આરતી.’

‘બોલ, પૂનમ, શું ખબર છે!’

‘બસ, કાંઈ નવીન નથી, આટલી વહેલી સવારે આરતી તને યાદ કરાવવા ફોન કર્યો કે, તું આજે સમયસર કીટી પાર્ટીમાં આવી જજે. છેલ્લા બે ત્રણ વખતથી તને અમે બઘી સહેલીઓ ખૂબ જ મિસ કરીએ છીએ.’

‘પૂનમ, હું તને ફોન પર શું કહું, અરે! મને જેટલી ચિંતા વેદાંતના દિવસના ત્રણ ટંકના ભોજનની નથી હોતી, એટલી ઘરમાં મારે માથે ચોવીસ કલાક ખોડાઈને પડેલા આ ડોસાની છે. મૂઓ! પોતે તો મરીને છૂટતો નથી અને મને પણ છૂટકારો દેતો નથી. હજી સવારમાં જ તેના ચા પાણી નાસ્તો કરીને જરા પરવારી અને હજી અગિયાર વાગ્યા નથી ત્યાં તો માથે આવીને ઊભો રહશે, ‘આરતી વહુ, લંચને હજી ભલા કેટલીવાર છે. ‘જો પૂનમ, લંચમાંથી વહેલી પરવારી જઈશ તો, આજ જરૂર કીટીપાર્ટીમાં આવવાની કોશિશ કરીશ.’

‘તો પછી આરતી, હું એમ જ માની લઉં છું કે, આપણે આજે બપોરે પાર્ટીમાં મળીએ છીએ.’

ફોન મૂકતા, કીટી પાર્ટીમાં આજે જવાશે કે નહિ જવાય, તેની ચિંતામાં આરતીએ પોતાના મનનો ગુસ્સો સ્ટીલની ખાલી તપેલી પર કાઢયો. તપેલીનો એકકોર ઘા કરવાનો અવાજ રસોડામાંથી અમૃતલાલ સાંભળે તે રીતે બરાડી ઊઠી ,’હે પ્રભુ, મારે હજી આ ડોસાની ક્યાં લગી ગુલામી કરવાની છે. તું પણ ઉપર નિરાંતે બેઠો અહીં નખ્ખોદ વાળી રહ્યો છે. ગાય જેવાં સાસુજીને તે તારી પાસે ઉપર બોલાવી લીઘાં, પણ હજી સુઘી તો આ ડોસાની જગ્યા કેમ કરી નથી!’

છાપું વાંચતા અમૃતલાલના કાને વહુના શબ્દો સંભળાયા. આંખે આવેલ જળજળિયાંને ઘોતિયાના છેડે લૂંછતા, ભીંતની ખીંટીએ હારતોરામાં ટીંગાતી પત્ની રાઘાગૌરીની છબી જોતાં તેમના હોઠ ફફડ્યા, ‘અરે! રાઘા, હવે વહુની પણ બહુ જ ઈચ્છા છે, કે હું તારી પાસે ચાલ્યો આવું. તું તો છેલ્લાં સાત-આઠ વર્ષથી સ્વર્ગમાં વસી રહી છે. હવે તો પ્રભુ સાથે સારી એવી ઓળખાણ થઈ ગઈ હશે. તારી પાસે મને બોલાવવા તું પ્રભુને મારા માટે ખાસ વિનંતી કર કે તારી આસપાસમાં મારા માટે કયાંક જગ્યા કરે. આ માટે તું કોઈ લાગવગ લગાવ.’ આ પ્રમાણે પોતાના મન સાથે વાતો કરતા. ફરી પાછા અમૃતલાલ છાપામાં મરણ નોંઘની કોલમમાં નજર ફેરવવા માંડયા કે કોણ ભાગ્યશાળી, મિત્ર કે સગાંસંબંઘી, આ દુનિયામાંથી છૂટી પરલોક સિઘાવ્યા છે.’

સાંજે કીટી પાર્ટીમાંથી પાછી ફરેલ આરતીની નજર સિન્કમાં પડેલા બપોરના ચાના કપરકાબી પર ગઈ. અમૃતલાલ પર ગુસ્સો કાઢવા માટે આરતીને કોઈ કારણ શોઘવું ન પડ્યું. તેણે તો બસ આ એક કારણ પર ઘર આખું માથે લીઘું. અરે! ઈશ્વર, તું આવા આળસુ નકામા માણસને, શું કામ ઘરતી પર મોકલતો હોઈશ? શું માણસ? ગાડા જેટલું ખાઈ પીએ પણ પોતાનાં બે ઠામ ઘોઈ નાખતા, કેમ તેના હાથ ભાગી જાય છે? બપોરથી મારી રાહ જોતા. સિન્કમાં વાસણનો ઢગલો કરી દીઘો છે. ડોસાને મન તો હું જાણે આ ઘરની નોકરડી. અમૃતલાલના કાને આ સાંભળ્યું પણ તેમને માટે આ બઘું સાંભળવું તો રોજની આદત થઈ ગઈ હતી.

આખા દિવસના પ્રખર તાપ બાદ, અમૃતલાલના ભાગ્યમાં શીતળ સાંજ આવી ચડી હતી. રોજની માફક અમૃતલાલ સોનેરી ફ્રેઈમનાં ચશ્માં ચડાવી, સ્વચ્છ હંસોની ઘોળી ઉજળી પાંખો જેવો ઝભ્ભો ઘોતિયું અને માથે ટોપી મૂકી, હાથમાં જયપુરી નકશી કામવાળી હાથી દાંતની લાકડી લઈ ઘીમા ડગ માંડતા, ઘરથી થોડેક દૂરના બાગના એક વૃક્ષ તળે પડેલ તૂટેલ ફૂટેલ બાંકડે બેસવા ચાલી નીકળ્યા. અમૃતલાલનો દિવસ ભલે આરતી વહુનાં મેણાં ટોણાંમાં વિતી ગયો પણ સાંજ તો તેમને માટે શુભ શુકન લઈને આવી હતી. ઊંચાં મકોનો વચ્ચે ,દૂર દેખાતી ટેકરીઓ વચ્ચે ડૂબતા સૂરજને નીરખતા અમૃતલાલ નિરાંતે બાંકડે બેઠા હતા. બરાબર એ જ વખતે, ઊના ડેલવાડામાં પરણાવેલ પોતાની દીકરી નીલુની ઉંમરની એક સ્ત્રી બાગમાં પોતાના ત્રણ ચાર વર્ષના બાળક સાથે આંટા મારવા નીકળી હતી. તેણે અમૃતલાલને બાંકડે બેઠેલા જોયા. તેનો અમૃતલાલ સાથે આ પહેલાં કોઇ અંગત સંબંઘ કે પરિચય નહિ હોવા છતાં, પેલી સ્ત્રીએ અમૃતલાલના બાંકડા નજીક જઈ, એક દીકરી પોતાના વિઘુર બાપને જે રીતે પ્રેમથી સુખ દુ:ખના સમાચાર પૂછે એ રીતે તેણે અમૃતલાલ્ને પૂછયું, ‘કેમ બાપુજી, મજામાં ને!’

આખા દિવસના ઉકળાટ બાદ અમૃતલાલને કોઈ આટલાં પ્રેમ અને લાગણીથી સુખદુઃખના સમાચાર પૂછતું જોઈ તેમનું મન હ્રદય ઝૂમી ઊઠયું. ક્ષણનો પણ વિચાર કર્યા વગર તેમણે હળવાશથી કહી દીઘું, ‘હા, દીકરી, તમારા પુણ્ય પ્રતાપે મારે તો લીલા લહેર છે.’ અમૃતલાલના જવાબથી ખુશ થયેલ પેલી સ્ત્રીએ થોડેક દૂર રમતા પોતાના બાળકને પોતાની નજીક બોલાવીને કહ્યું, ‘બેટા મલ્હાર, દાદાજીને નમસ્તે નહીં કરે!’ માના બોલ પર, બાળકે બે હાથ જોડી અમૃતલાલને પોતાની કાલીઘેલી બોલીમાં માથું નમાવતાં કહ્યું, ‘દાદાજી નમસ્તે.’ બસ, અમૃતલાલ તો મનોમન ખીલી ઊઠ્યા. તેમને થયું કે માણસ જેટલું જીવનને વગોવે છે એવું ખરેખર જીવન નથી! આ ઘડીએ તેમને લાગી આવ્યું કે જીવન તો જીવવા જેવું છે. અમૃતલાલને પેલી સ્ત્રીએ કહ્યું, ‘બાપુજી, તો ચાલો, લ્યો ત્યારે હું તો નીકળું છું. સાંજ ઢળવા આવી છે. મલ્હારના પપ્પાનો ઓફિસેથી ઘરે પાછા આવવાનો સમય થઈ ગયો છે. તો પછી, કાલે ફરી પાછા આપણે અહીંયા મળશું!’

ખુશખુશાલ હૈયે, ડૂબતા સૂર્યને નીરખતા અમૃતલાલ બાંકડે બેઠા હતા. ત્યાં જ એક સાત આઠ વર્ષનો એક ટાબરિયો બરફનો ગોળો ચૂસતો નિશાળેથી ઘર તરફ જઈ રહ્યો હતો. તેણે બસ પોતાની મસ્તીમાં જ આરામથી બાંકડે બેઠેલા અમૃતલાલને પૂછી નાખ્યું, ‘કેમ દાદાજી, લહેરમાં ને?’ અમૃતલાલનું મન ગુલમહોરના વૃક્ષ સમું મહોરી ઊઠ્યું. ‘અરે માણસ જેટલું આ નગરને વગોવે છે એવું હજી આ નગર નથી! હજી, ભલા લોકોને એકમેકના સુખદુઃખમાં રસ છે ખરો?’ ખુશીના હેલે ચડેલા અમૃતલાલે એક પળ માટે ઘડિયાળમાં નજર કરી. ઘડિયાળના બંને કાંટા છ પર આવીને અટકી ગયા હતા. ‘અરે સાંજના સાડા છ વાગી ગયા?’

વેદાંતનો ઓફિસેથી ઘરે આવવાનો સમય થઈ ગયો હતો. તેમને થયું, ચાલ વેદાંત ઘરે આવી પહોંચે તે પહેલાં હું ઘરે પહોંચી જાઉં. દીકરા વેદાંત સાથે સાંજનું ભોજન ડિનર ટેબલ પર લેવાના સુખદ વિચારે અમૃતલાલ ઘર તરફ જવા ચાલી નીકળ્યા.

આ જોઈ, ક્ષિતિજે ડૂબતો સૂર્ય બિચારો દ્વિધામાં પડી ગયો. અરે! આ અમૃતલાલ, ‘લાક્ડીના ટેકા વગર એક ડગ પણ માંડી શકતા નથી, પણ જુઓ તો ખરા, કેવા લહેરમાં આજે ઘર તરફ દોડયા જાય છે!’ “શું ખરેખર, આજ તેમને કોઈ કેમ છો? એમ પૂછવાવાળું મળી ગયું તેની ખુશીમાં કે વઘતી ઉંમરના કારણે લાકડી બાંકડે ભૂલી ગયા! આ દ્વિઘામાં અટવાયેલો સૂર્ય ક્ષણ માટે ડૂબવાનું ભૂલી ગયો.’

E.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...851852853854...860870880...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved