Opinion Magazine
Number of visits: 9457573
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંધોની સલામતી બાબત બેખબર રહેવું નહીં પાલવે…

ચંદુ મહેરિયા|Opinion - Opinion|21 September 2023

ચંદુ મહેરિયા

ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થતાં તેના ગેટ ખોલવા પડે છે. તેને કારણે હેઠવાસના વિસ્તારોમાં તબાહી પણ સર્જાતી હોય છે. ચોમાસામાં બંધોમાં ગાબડા પડવાની, બંધો તૂટવાની અને તેના દરવાજા ના ખુલવાની ઘટનાઓ પણ બને છે.  આ બધા માટે બંધો સલામત ન હોવું કારણભૂત છે. જો તેની મરામત અને સાચવણી યોગ્ય રીતે ન થતી હોય તો તે લોકોના જીવ પણ લઈ શકે છે. બંધોની સુરક્ષાની સમયાંતરે સમીક્ષા થાય તો જાનહાનિ અને તબાહી નિવારી શકાય છે.

જળ વિના જીવન અશક્ય છે. એટલે જ વિશ્વની સઘળી માનવ સભ્યતાઓ નદીના કિનારે જ પાંગરી છે. જેમ જેમ પાણીની જરૂરિયાત વધતી ગઈ અને તેનો પુરવઠો સીમિત રહ્યો તેમતેમ તેના સંગ્રહની રીતો પણ પ્રયોજાતી રહી છે. દરિયામાં વહીને વેડફાઈ જતાં નદીનાં પાણીને રોકવા તેના પર બંધ બાંધવાનો વિચાર પણ તેની જ ફળશ્રુતિ છે. આજે દુનિયાભરમાં બંધને પાણી સંગ્રહનો સૌથી વ્યાપક અને વિશ્વસનીય વિકલ્પ માનવામાં આવે છે.

નદીઓ પરના બંધો બહુહેતુક છે. નદીનાં પાણીના આવરાને બંધમાં રોકતાં પૂર નિયંત્રણ થઈ શકે છે. જ્યારે બંધમાં સંગૃહિત પાણીનો ઉપયોગ કૃષિ સિંચાઈ, વીજળી ઉત્પાદન, ઔદ્યોગિક ઉપયોગ અને પીવા તથા અન્ય માટે થાય છે. મોટા બંધોના વિચારના વિરોધીઓ માટે પણ તેનો વિકલ્પ દર્શાવવો મુશ્કેલ છે. દુનિયામાં આશરે અડધો લાખ કરતાં વધુ મોટા બંધો છે. ચીન અને અમેરિકા પછી દુનિયામાં બંધોની સંખ્યાની દૃષ્ટિએ ભારતનો ત્રીજો ક્રમ છે. નેશનલ રજિસ્ટર ફોર ડેમ્સ મુજબ ૨૦૨૧ના અંતે ભારતમાં ૫,૩૩૪ બંધો હતા અને બીજા ૪૧૧નું નિર્માણ થઈ રહ્યું હતું. ભારતના બંધોની વાર્ષિક જળસંગ્રહ ક્ષમતા ત્રણસો બિલિયન ક્યુબિક મીટર છે. સો મીટરથી વધુની ઊંચાઈ ધરાવતા અને રાષ્ટ્રીય મહત્ત્વના ગણાતા બંધો ભારતમાં પાંસઠ છે. આવા પ્રત્યેક ડેમની જળસંગ્રહશક્તિ એક બિલિયન ક્યુબિક મીટર છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના એજિંગ વોટર ઈન્ફ્રાસ્ટકચર નામક ૨૦૨૨ના રિપોર્ટ પ્રમાણે વરસ ૨૦૨૫ સુધીમાં ભારતમાં જે એક હજાર બંધો સો વરસથી જૂના છે તેનાથી જાનમાલના નુકસાનનો ખતરો છે. કેરળનો મુલ્લાપેરિયાર બંધ સવાસો વરસ પુરાણો છે. જે ક્યારે ય પણ મુશ્કેલી સર્જી શકે છે. તેને કારણે ૩૫ લાખ લોકોને અસર થઈ શકવાની દહેશત છે. ન માત્ર ભારતમાં દુનિયામાં પણ ઘણાં જૂના બંધો હોવાનું યુનોના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. દુનિયામાં ૧૯૩૦થી ૧૯૭૦ દરમિયાન ૫૮,૭૭૦ બંધોનું નિર્માણ થયું હતું. ૨૦૦૦થી ૨૦૦૯ના દાયકામાં જૂના, મરામત માંગતા અસલામત બંધોને કારણે ૨૦૦થી વધુ દુર્ઘટનાઓ સર્જાઈ હતી. ૧૯૭૯ની ગુજરાતના મચ્છુ ડેમની દુર્ઘટનામાં બસો લોકોના જીવ ગયા હતા. ૧૯૭૫માં ચીનના હેનાન પ્રાંતનો એક ડેમ તૂટતાં પોણા બે લાખ લોકોના મોત થયા હતા. એટલે નદીઓ તેના કુદરતી પ્રવાહને રોકીને બંધાયેલા ડેમને કઈ રીતે સહન કરે છે અને માનવજાત બંધોની કેવી કાળજી લે છે તેના પર તેના સારાંનરસાં પાસાંનો આધાર રહેલો છે.

અસુરક્ષિત બંધોને કારણે જાનમાલ, ઈમારતો, સડકો, નહેરો, ખેતી વગેરેને નુકસાન થઈ શકે છે. બંધોના જળાશયોમાં વધતું કાંપ અને માટીનું પ્રમાણ બંધની જળસંગ્રહ શક્તિને ઘટાડે છે, એટલે તેનો નિયમિત નિકાલ થવો જોઈએ. બંધોની તકેદારી, નિરીક્ષણ, કાળજી, મરામત પણ નિયમિત થવાં જોઈએ. જો તેમાં ચૂક થાય તો જળસંગ્રહ ક્ષમતા ઘટે છે. મરામતની જરૂરિયાત પૂરી ના થઈ હોય અને બંધમાં ગાબડા પડે કે તૂટે તો દુર્ઘટના સર્જાય છે. બંધોની અસરકારકતા અને કાર્યક્ષમતા પણ તેને કારણે ઓછી થાય છે. જૂના થતા બંધોની ડિઝાઈન અને માળખું નવીનતમ જરૂરિયાતો પ્રમાણે ના હોવાથી તે આફત નોતરે છે. જૂના બંધોની પાણી સંઘરવાની ક્ષમતા કેટલી છે અને તેમાં કાંપનો ભરાવો અને મરામતના અભાવે કેટલો ઘટાડો થયો છે તેની વાસ્તવિક માહિતી સમાજ અને તંત્ર પાસે ના હોય તો તેવા બંધમાં કેટલા પાણીની ઘટ છે તેનાથી બેખબર હોવું સંકટ બની શકે છે.

મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આંધ્ર, કર્ણાટક, રાજસ્થાન જેવા રાજ્યોમાં ભારતના પરંપરાગત વિજ્ઞાન આધારિત બંધ નિર્માણ થયું છે. આ બંધો માટી, પથ્થરો અને ચૂનાના બનેલા છે. જો કે તે વિદેશી ઈજનેરી પદ્ધતિથી સિમેન્ટ–કોંક્રિટના બનેલા બંધો કરતાં મજબૂત અને ટકાઉ છે. જ્યારે વિદેશી ટેકનિકથી બનેલા બંધો પર ઘણા સંકટો આવ્યા છે. દેશી પદ્ધતિથી નિર્મિત બંધોની જળસંગ્રહશક્તિ વધારવા તેની ડિઝાઈનમાં ફેરફાર કરીને કે તેની ઊંચાઈ વધારીને તેને વધુ અસરકારક અને કાર્યક્ષમ બનાવી શકાય છે. સિમેન્ટ-કોંક્રિટના બનેલા બંધોના પાયાને કાટ લાગે છે, બંધની દીવાલો પર વરસાદી પાણી અને નદીનાં પાણીના પ્રહારના મારની અસર થાય છે. બંધોના નિર્માણની ટેકનિકો અને બાંધકામ સામગ્રીની ગુણવત્તામાં હવે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે ઘણા સુધારા કર્યા છે એટલે જૂના બંધોને તેને અનુલક્ષીને સુધારી શકાય.

પાણી અને પાણીનો સંઘરો ભારતીય બંધારણની સાતમી અનુસૂચિ પ્રમાણે રાજ્ય યાદીના વિષયો છે. પરંતુ ભારતના બાવન ટકા મોટા બંધો એક કરતાં વધુ રાજ્યોમાંથી વહેતી નદીઓ પર બંધાયેલા છે. ગુજરાતમાં નર્મદા નદી પરના સરદાર સરોવર બંધના તો ચાર ભાગિયા રાજ્યો છે. એટલે બંધોની સલામતી, જળસંગ્રહ, તેની વહેંચણી તથા કાળજી અને નિરીક્ષણ માટે કેન્દ્રિય કાયદાની જરૂર હતી. આ પ્રકારના કાયદાનો મુસદ્દો વીસ વરસ પહેલાં ઘડાયો હતો. ૨૦૧૯માં સંસદમાં મુકાયેલો જળ સુરક્ષા અધિનિયમ છેક ૨૦૨૧માં ડેમ સેફ્ટી એક્ટ બન્યો છે. આ કાયદો ૧૫ મીટર કરતાં વધુ ઊંચાઈના બંધોને લાગુ પડે છે. કાયદા પ્રમાણે બંધોની સુરક્ષા માટે કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ બંધ સુરક્ષા સમિતિ અને બંધ સુરક્ષા ઓથોરિટીની રચના કરવાની હોય છે. બંધની કામગીરી યોગ્ય રીતે ના થતી હોય કે કોઈ ક્ષતિ હોય તો જવાબદારી નક્કી કરી તે માટેની સજાની પણ કાયદામાં જોગવાઈ છે.

કોઈ પણ દેશના આર્થિક, સામાજિક, રાજકીય અને ભૌગોલિક ક્ષેત્રમાં બંધની ભૂમિકા મહત્ત્વની છે. દેશ કે રાજ્યના સર્વાંગી વિકાસમાં બંધના યોગદાનને ધ્યાનમાં રાખીને પાણીની યોગ્ય વહેંચણી થાય, જળ સુરક્ષાની દૃષ્ટિએ બંધો સલામત રહે અને બંધને કારણે વિસ્થાપિત થયેલા લોકોનું ઉચિત પુનર્વસન થાય તો બંધ, વિકાસના સોપાનનો અનિવાર્ય ભાગ બની શકે છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ધ્રુવીકરણની રાજનીતિ વ્યાપકધર્મને ધોરણે આમૂલ તપાસ માગે છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|21 September 2023

સનાતન ધર્મ વિવાદ

ઉત્તરી આર્યાવર્ત માનસને ફુલે, ગાંધી, આંબેડકર, પેરિયાર કોઈનાયે વ્યાપક ને મૂળગામી ધર્મતત્ત્વવિચારની મુદ્દલ રગ નથી

પ્રકાશ ન. શાહ

સનાતન ધર્મ પરત્વે ઉદયનિધિ સ્તાલિનના ટીકાત્મક ઉદ્ઘગારોએ જો ઇન્ડિયા મંડળીમાં અસરપરસ અંતર શો ભાવ જગવ્યો છે તો ભા.જ.પ. શ્રેષ્ઠીઓનો પ્રતિભાવ કદાચ એકદમ બખ્ખેબખ્ખા શો છે. વૈતરણી પાર કરવા સારુ જેમ ગોપુચ્છની ગરજ રહે છે તેમ કોઈક પ્રકારે ધ્રુવીકરણ વાટે લોકસભાની ચૂંટણીમાં હેટ્રિકની એની હોંશ હોય એ સ્વાભાવિક છે. એટલે અમારી રાજકીય છાવણી સનાતન ધર્મી છે અને તમે ધર્મવિરોધી છો એવું વાયુમંડળ અને કંઈક અસમંજસ સરજવાની એની ગણતરી સાફ સમજાય છે.

સત્તરમી સપ્ટેમ્બરે ભા.જ.પ. જ્યારે વડા પ્રધાનના જન્મદિવસના જશન સારુ તડેપેંગડે હતો ત્યારે દક્ષિણ ભારતમાં, ખાસ કરીને તામિલનાડુમાં ઉદયનિધિ સ્તાનિલથી માંડીને દ્રવિડ મુન્નેત્ર કળઘમ અને અન્ના દ્રવેડ મુન્નેત્ર કળઘમ સહિતની એકંદર તમિળ ચળવળની ગુરુપ્રતિમા શા પેરિયારના જન્મદિવસ આસપાસનો માહોલ જામેલો હતો.

પેરિયાર સનાતન ધર્મના ટીકાકાર અને વિવેકબુદ્ધિવાદના હિમાયતી તરીકે દક્ષિણ દેશમાં માનપાત્ર અને અનુકરણીય રહ્યા છે. જાહેર જીવનમાં એમનો પ્રવેશ તે વખતની મદ્રાસ પ્રેસિડેન્સી કાઁગ્રેસના નેતા તરીકે વિશેષ રૂપે વાયકોમ સત્યાગ્રહ મંદિર ફરતે આવેલ માર્ગો પર દલિત બંધી સહિતની આત્યંતિક આભડછેટ બલકે માનવતિરસ્કાર જોઈને સ્વામી વિવેકાનંદ આ પંથકને ગાંડાની ઇસ્પિતાલ સાથે સરખાવ્યો હતો. વાયકોમ સત્યાગ્રહથી એક તબક્કે કાઁગ્રેસમેન પેરિયાર છૂટા થયા કેમ કે એમને આ લડત મોળી લાગતી હતી.

પેરિયારને એમ લાગતું હતું કે, કાઁગ્રેસ સહિત એકંદર જાહેર જીવન પર બ્રાહ્મણવાદી પકડ છે. આ પકડ દક્ષિણ ભારત પર ઉત્તરી આર્યવર્તને થોપે છે, અને ધર્મને નામે ઊંચનીચને વાજબી ઠરાવે છે. નાતજાતગત ઊંચનીચ આ સનાતન ધર્મનું અભિન્ન અંગ છે એ સંજોગોમાં તેને પડકારવો અને ફગાવવો રહ્યો.

પેરિયારની આ ભૂમિકા લક્ષમાં લઈએ તો ઉદયનિધિ સ્તાલિનના કથિત સનાતન ધર્મનું અવમૂલ્યન કરતા ઉદ્ગારો સમજાશે. આ ઉદ્ગારો સંદર્ભે મદ્રાસ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શેખશાયીની ટિપ્પણી સમજવા લાયક છે. એમણે સનાતન ધર્મનો વ્યાપક અર્થ ઘટાવ્યો છે. મનુષ્યનું મનુષ્ય તરીકેનું કર્તવ્ય, નાગરિક તરીકેનું કર્તવ્ય, રાજ્ય પરત્વે કર્તવ્ય દેશ પરત્વે કર્તવ્ય, કુટુંબ પરત્વે કર્તવ્ય એમ નાનાવિધ કર્તવ્યોની સૂચિ આપી એમણે સનાતન ધર્મનો સ્થાપિત ધર્મો કરતાં વ્યાપક અર્થ ઘટાવ્યો છે અને એ રીતે એક સંપ્રદાયમુક્ત ભૂમિકા લીધી છે. પછી તરત કહ્યું છે કે, આ વ્યાપક સંદર્ભમાં અસ્પૃશ્યતા જેવી મનુષ્યત્વવિરોધી પ્રથાને કોઈ પણ રીતે સ્થાન હોઈ શકે નહીં.

પેરિયાર હોત તો એમણે ચીપિયો ખખડાવીને કહ્યું હોત કે સમાજવ્યવહારમાં વર્ણાશ્રમભેદ એ સનાતન ધર્મના અભિન્ન અંગે જેવી એકરૂપ ઓળખ છે અને તે ન જોઈએ. મહારાષ્ટ્રની જે ફુલે – આંબેડકર પરંપરા છે એવી જ દક્ષિણ દેશમાં પેરિયારની પ્રબોધન અને પ્રતિકાર પરંપરા છે.

બીજી પાસ, જેઓ રાષ્ટ્રવાદના હિંદુત્વ વિમર્શને હાલ સનાતનધર્મ જેવી વૈકલ્પિક સંજ્ઞાથી આગળ કરવા માગે છે એમને સમાજના હાડમાં પેંધેલી ગેરબરાબરી વિરુદ્ધ રાજકીય ગણતરી સિવાયનો આમૂલ વિરોધ જણાતો નથી. અગાઉ કરતાં સમતાલક્ષીય સેવા પ્રકલ્પો વિસ્તર્યા હોય પણ સૈદ્ધાંતિક ભૂમિકાએ તે વિચાર ઝમતાં ઝુમશે.

લોકમાન્યે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે એ ભાષામાં વાત કરી, પણ પેરિયારે કહ્યું કે, સ્વમાન કે સ્વાભિમાન મનુષ્યમાત્રનો જન્મસિદ્ધ અધિકાર છે. ગાંધીજી ધર્મના સ્વીકારપૂર્વક એમાં સુધારપ્રતિકારની ઢબે ચાલ્યા એટલે પેરિયાર એમના ટીકાકાર ને પ્રશંસકની સંમિશ્ર લાગણી ધરાવતાં હતા, જે ગાંધી પરત્વે આંબેડકરમાં પણ જોવા મળે છે.

ધ્રુવીકરણની રાજકીય સત્તામારીનું જાણે સમજ્યા, પણ હાલ સ્થાપિત હિંદુધર્મ અને તેના પર આધારિત હિંદુત્વ વિમર્શ ધર્મની ‘સનાતન’ ભૂમિકાએ ક્યાં ઊભો છે ? ન જાને.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 21 સપ્ટેમ્બર 2023

Loading

આપણે ક્યારેક શરમાતાં પણ શીખવું જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|21 September 2023

રમેશ ઓઝા

ભારત અને કેનેડાના સંબંધો વચ્ચે તાણ પેદા થઈ છે. કારણ એ છે કે કેનેડાના વસાહતી (આય રિપીટ વસાહતી) નાગરિક હરદીપ સિંહ નિજ્જરની ભારતનાં એજન્ટોએ ગયા જૂન મહિનામાં હત્યા કરી હતી એમ કેનેડાનું કહેવું છે અને ભારત એ આરોપનો અસ્વીકાર કરે છે. હરદીપ સિંહ નિજ્જર કેનેડામાં રહીને ખાલિસ્તાનની સ્થાપના માટે કામ કરતો હતો. આપ એ તો જાણો જ છો કે મોટી સંખ્યામાં સીખો કેનેડામાં વસે છે અને હવે તો બીજા ભારતીયો પણ મોટા પ્રમાણમાં કેનેડાની વાટ પકડી રહ્યા છે. ભારતીય વસાહતીઓની પહેલી પસંદગી કેનેડા અને ઓસ્ટ્રેલિયા છે.

સત્ય શું છે એ આપણે જાણતા નથી અને કદાચ ક્યારે ય જાણવા નહીં મળે. રાષ્ટ્રીય સુરક્ષાની બાબતે એવી ઘણી ચીજો બનતી હોય છે જેનું દસ્તાવેજીકરણ કરવામાં નથી આવતું. ભૂતપૂર્વ વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવે નિવૃત્તિ પછી શેખર ગુપ્તાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે કેટલાંક ગોપિત રહસ્યો સાથે ચિતાએ ચડવું એ શાસકોની નિયતિ હોય છે અને ધર્મ પણ. માટે અહીં ચર્ચાનો વિષય સત્ય શું છે એ નથી, પણ કેનેડાની અને ખાસ કરીને કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોની જદ્દોજહદ છે અને એ પણ વસાહતી નાગરિક માટેની. નિજ્જર નથી ખ્રિસ્તી, નથી શ્વેત અને નથી મૂળ કેનેડિયન. 

ટ્રુડો જી ૨૦ની બેઠક માટે ભારત આવ્યા ત્યારે આ પ્રશ્ન ભારતના વડા પ્રધાન સમક્ષ ઉપસ્થિત કર્યો હતો. સોમવારે તેમણે કેનેડાની સંસદમાં કહ્યું કે ભારતીય એજન્ટોએ નિજ્જરની હત્યા કરી હોવાના સરકાર પાસે ભરોસાપાત્ર પાક્કા પ્રમાણો છે. કેનેડાની સરકારે કેનેડાની ભારતીય એલચી કચેરીના એક સિનિયર અધિકારીને બરતરફ કરીને ભારત પાછા જવાનો આદેશ આપ્યો છે. આટલું જ નહીં ટ્રુડોએ ફાઈવ આઈઝ દેશોને ભારતની નિંદા કરતું સંયુક્ત નિવેદન બહાર પાડવાનો આગ્રહ કર્યો છે. ફાઈવ આઈઝ દેશોમાં અમેરિકા, કેનેડા, બ્રિટન, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આ પાંચ દેશો સહિયારું ગુપ્તચર નેટવર્ક ધરાવે છે જે ફાઈવ આઈઝ તરીકે ઓળખાય છે. અમેરિકાએ તો કેનેડાની નિસ્બત માટે સહાનુભૂતિ પણ પ્રગટ કરી છે. આ સિવાય કેનેડા આ પ્રશ્ન જી ૭ની બેઠકમાં પણ ઉપસ્થિત કરવાનું છે. આ બધું કેનેડા એક વસાહતી નાગરિક માટે કરી રહ્યું છે. આપણે ભલે દેશની સલામતીને સર્વોચ્ચ સ્થાન આપીએ અને આપવું પણ જોઈએ, પણ પોતાના નાગરિક માટેની નિસ્બત શું કહેવાય એનો કેનેડા દાખલો પૂરો પાડે છે અને એ પણ વસાહતી નાગરિક માટે.

હવે બે ઘટના આપણે ત્યાની જોઈએ.

૧૭મી ડિસેમ્બર ૧૯૯૫ના રોજ રાતના અંધારામાં પશ્ચિમ બંગાળમાં આવેલા પુરુલિયા નજીક એક ખેતરમાં આકાશમાંથી શસ્ત્રો ઠલવાયાં હતાં અને એ પણ બે-પાંચ નહીં, વિમાન ભરીને. શસ્ત્રો પાછાં એકે-૪૭ જેવાં આધુનિક હતાં. વિમાન લાતવિયાનું હતું અને ભારતમાં શસ્ત્રો ઉતરાવનારો ડેનીશ નાગરિક હતો, જેનું નામ નીલ હોકસ ઉર્ફે કીમ ડેવી હતું. કીમ ડેવી ૧૯૮૦થી  ભારતમાં આવતો હતો અને આનંદ માર્ગીઓ સાથે જોડાયેલો હતો. વિમાન આંદામાનના ટાપુઓ ઉપર થઈને છેક પુરુલિયા સુધી પહોંચ્યું હતું. વિમાન પુરુલિયામાં ચોક્કસ કઈ જગ્યાએ શસ્ત્રો ફેંકવાનું છે એની પણ લેનારાઓને જાણ હતી. માત્ર ભારતના ગુપ્તચર વિભાગને આને જાણ નહોતી. એ તો ખેડૂતોએ ધ્યાન દોર્યું અને સરકારને જાણ થઈ.

રીઅર સ્ટોરી હવે આવે છે. કીમ ડેવી નાસી ગયો. લાતિવિયાના વિમાનમાંના પાંચ ક્રૂ અને એ વિમાનમાં ઉપસ્થિત એક બ્રિટિશ ગુપ્તચર પીટર બ્લીચ એમ છ જણા પકડાઈ ગયા. પણ પછી શું બન્યું? લાતિવિયાના પાંચેય ગુનેગારો રશિયન નાગરિક બની ગયા અને રશિયાની દરમ્યાનગીરીને કારણે જુલાઈ ૨૦૦૦માં ભારતે તેમને છોડી મુક્યા. બ્રિટિશ સરકારના દબાવ હેઠળ ભારતનાં રાષ્ટ્રપતિએ પીટર બ્લીચની દયાની અરજી માન્ય રાખી અને ફેબ્રુઆરી ૨૦૦૪ની સાલમાં તેને પણ છોડી મુકવામાં આવ્યો. લાતિવિયોને છોડી મુકવાના નિર્ણયને પડકારતી ભારતના નાગરિકની એક અરજી કલકત્તાની વડી અદાલતમાં ૨૦૦૦ની સાલથી પડી છે અને એક પણ સુનાવણી થઈ નથી. જ્યારે પુરુલિયામાં શસ્ત્રો ફેંકવામાં આવ્યાં ત્યારે કેન્દ્રમાં પી.વી. નરસિંહ રાવની સરકાર હતી અને લાતિવિયન તેમ જ બ્રિટિશ નાગરિકને છોડી મુકાયા ત્યારે બન્ને વખતે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી.

કીમ ડેવી ડેન્માર્કમાં રહે છે અને ભારત સરકાર આજ સુધી તેને ભારતમાં લાવી શકી નથી. કીમ ડેવીની ક્યાં વાત કરીએ, ભારત સરકારના બીજા કેટલા બધા ગુનેગારો છે જે વિદેશ નાસી ગયા છે અને ભારત સરકાર પ્રત્યાયન કરી શકતી નથી.

પુરુલિયામાં શસ્ત્રો ફેંકવાની ઘટના ન માની શકાય એવી ચોંકાવનારી હતી અને કેસ અત્યંત ગંભીર હતો. આવી રીતે શસ્ત્રો ફેંકાય એમાં ભારતનું નાક કપાયું હતું અને કોઈ ગુનેગારને સરકાર સજા પણ ન કરી શકી અને દબાવ હેઠળ છોડી મુકવા પડ્યા એમાં વધારે નાક કપાયું હતું. એ એવી ઘટના હતી કે એનાં પર પુસ્તકો લખાયાં છે અને ડોકયુમેન્ટરી ફિલ્મ બની છે, પણ ભારતમાં એની કોઈ ચર્ચા જ નથી. ન સંસદમાં કે ન સંસદની બહાર. આની સામે કેનેડાની સરકારની અને ખાસ કરીને કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોની જદ્દોજહદની સરખામણી કરો. અને એ પણ એક વસાહતી માટે.

બીજી ઘટના તો બહુ જાણીતી છે અને ભારતની વૈશ્વિક શરમ છે. એ ઘટના છે ભોપાલ ગેસ દુર્ઘટનાની. ૧૯૮૪ના ડિસેમ્બર મહિનામાં આ ઘટના બની હતી જેમાં ૩,૮૦૦ જેટલાં લોકો માર્યાં ગયા હતાં અને ચાર હજાર જેટલાં લોકોને ઝેરી ગેસની અસર થઈ હતી, જે તેઓ આજે પણ ભોગવે છે. આની વિગતમાં ઉતરવાની જરૂર નથી, કારણ કે એ તમે જાણો છો, માત્ર એટલી જ યાદ અપાવવી રહે છે એ ઘટનાને આવતા વર્ષે ૪૦ વરસ થશે. ચાલીસ વરસમાં નથી કોઈને સજા થઈ કે નથી કોઈને સરખું વળતર મળ્યું. લગભગ ચાર હજાર મૃત્યુ અને બીજા ચાર હજાર લોકોને આજીવન વિકલાંગ કરવાની શરમજનક ઘટના આપણે સામૂહિક રીતે ભૂલી ગયા છીએ. અંગ્રેજીમાં આને collective amnesia કહેવાય છે અને collective amnesia પ્રજાકીય નીંભરતાનું બીજું નામ છે. આની સામે કેનેડાની સરકારની અને કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોની જદ્દોજહદની સરખામણી કરો. અને એ પણ એક વસાહતી માટે.

જ્યાંથી જે શીખવા મળે એ શીખવું જોઈએ. ખરું કે નહીં? આમાં દેશપ્રેમને કોઈ આંચ નહીં આવે. ઊલટો દેશપ્રેમ ખીલશે અને માણસાઈ સમૃદ્ધ થશે. ક્યારેક શરમાતા પણ શીખવું જોઈએ.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 21 સપ્ટેમ્બર 2023

Loading

...102030...849850851852...860870880...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved