Opinion Magazine
Number of visits: 9736844
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓમાં વ્યાપેલું મીંઢાપણું ઘાતક છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 December 2025

રવીન્દ્ર પારેખ

ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ વેન્ટિલેટર પર હોવાનો વહેમ પડે છે. તે વખતના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં એક સાહિત્યિક કાર્યક્રમમાં કહેલું કે હું તો પાર્ટ ટાઈમ રાજકારણી છું. તેમનો ઈશારો એ હતો કે સાહિત્યકારો ફૂલ ટાઈમ રાજકારણી છે. એમાં અતિશયોક્તિ હોય તો પણ, એ ઈશારો તથ્ય વિહીન ન હતો. ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ અને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ વચ્ચે સ્વાયત્તતાને મુદ્દે વર્ષોથી ગજગ્રાહ ચાલે છે, એથી અકાદમીનો તો કાંગરો ય ખર્યો નથી, પણ પરિષદ છાશવારે તેના સભ્યોને, પદાધિકારીઓને પદ પરથી દૂર કરતી આવી છે. તેનું કારણ એટલું જ છે કે જે તે સભ્યે અકાદમીના કોઈ કાર્યક્રમમાં ભાગ લીધો હોય કે કોઈ ઇનામ અકરામ લીધાં હોય. એમાં પાછા અપવાદો છે. પરિષદના કોઈ ટ્રસ્ટી કે પૂર્વપ્રમુખ અકાદમીમાં ઉપસ્થિત રહે તો તે ક્ષમ્ય છે.

આ જ કારણથી છેલ્લે પરિષદના ચૂંટાયેલા ઉપપ્રમુખને અકાદમીમાં હાજરી પુરાવવા બદલ ખદેડી મૂકવામાં આવ્યા ને ગમ્મત તો એ થઈ કે એ ઉપપ્રમુખની ચૂંટણીમાં, એ જ ઉપપ્રમુખની સામે હારી ગયેલા સભ્યને ઉપપ્રમુખ પદે આરૂઢ કરવામાં આવ્યા. આવા તો ઘણાં સભ્યોને અકાદમીના કાર્યક્રમમાં હાજરી આપવા બદલ ભૂતકાળમાં હાંકી કાઢવામાં આવ્યા છે. એ જ ગુજરાત સાહિત્ય અકાદમીની લાખોની સહાય પરિષદે ભૂતકાળમાં લીધી છે ત્યારે, અકાદમી સામે વાંધો નથી પડ્યો. અકાદમીમાં ઉચ્ચ હોદ્દે રહી ચૂકેલા હોદ્દેદારો પરિષદમાં હાલ હોદાઓ પર છે, તે પણ પરિશુદ્ધ થયા હોય તેમ ચાલે છે, પણ બીજું કોઈ કામ ન હોય તેમ થોડે થોડે વખતે સ્વાયત્તતાનું ભૂત પરિષદમાં ધૂણતું રહે છે. અકાદમી સ્વાયત્ત હોય તે અપેક્ષિત છે, પણ તેને માટે પરિષદની સ્વાયત્તતા દાવ પર ન લાગવી જોઈએ, એ તો ખરું કે કેમ ?

એક બાબત સ્પષ્ટ છે કે એક વખતે પરિષદમાં અધ્યાપકો પણ ચૂંટાઈને આવતા હતા, (અત્યારે પણ હશે જ) એ વખતે (ને અત્યારે પણ) પરિષદ, કોઈ અધ્યાપકે તેની સંસ્થામાં સાહિત્યિક કાર્યક્રમો  કરવા હોય તો આર્થિક સહયોગ કરી શકતી નથી, એવે વખતે જે તે અધ્યાપકે આર્થિક સહયોગ મેળવવા અકાદમી તરફ જ હાથ લંબાવવો પડે. એવું થાય તો તે પરિષદને પરવડે નહીં, કારણ અકાદમીમાં હાજરી આપવાથી જ જો પરિષદના સભ્યોને હાંકી કઢાતા હોય, તો પરિષદનો કોઈ સભ્ય તેની આર્થિક સહાય લે તે તો સાંખી જ કેમ શકે? પરિષદે જરૂર પડે તો બંધારણમાં સુધારા કરીને પણ આ મામલે ગંભીર વિચારણા કરવા જેવી છે.

પરિષદના જ મુખપત્ર ‘પરબ’ના ઓક્ટોબર, 2025ના અંકમાં ચંદ્રકાંત ટોપીવાળાનો એક પત્ર પ્રગટ થયો છે. એમાં તેમણે ‘છેલ્લાં કેટલાંક વરસોથી ગુજરાત ક્ષેત્રે નોબેલ ગણાતા ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ અપાતો અટકી ગયો છે’, એવું યાદ અપાવતાં ઉમેર્યું છે, ‘૨૦૧૬માં છેલ્લે કુમારપાળ દેસાઈએ નાટ્યાત્મક રીતે લીધેલા રણજિતરામ ચંદ્રક પછી આ ચંદ્રક અદૃશ્ય થઇ ગયો છે.’ આ વિધાન સૂચક છે. રણજિતરામ ચંદ્રક ગુજરાત વિદ્યાસભા તરફથી અપાય છે. 2015 પછી રણજિતરામ અને ચંદ્રકનો હેતુ પૂરો થઈ ગયો હોય તેમ ચંદ્રક અપાવો બંધ થઈ ગયો છે. ગુજરાતના નીવડેલાં સર્જકોનું એ રીતે સન્માન થતું અટકી જાય તે ચિંત્ય છે. એવું નથી કે ગુજરાતમાં 2015 પછી સર્જકો નથી થયા. 2025 સુધીના બીજા દસેક સર્જકો ચંદ્રકથી પોંખી શકાયા હોત, પણ કમનસીબે તેવું થયું નથી. 2015 સુધીમાં દર વર્ષે 1928થી માંડીને 88 સર્જકોને રણજિતરામ ચંદ્રક એનાયત થયો હોય ને પછી 10 વર્ષ સુધી એક પણ ચંદ્રક જાહેર જ ન થાય, એ કેવું? વારુ, ગુજરાત સાહિત્ય સભા તરફથી ચંદ્રક ન આપવા પાછળનાં કોઈ કારણો પણ જાહેર થયાં નથી, એ બાબત સંસ્થા વિષે અને ચંદ્રક વિષે અનેક તર્કવિતર્ક કરવા પ્રેરે છે. ટોપીવાળાના પત્રમાં અપાયેલી વિગતમાં એવું જણાવાયું છે કે, ‘વિશ્વકોશ આ નવી જવાબદારી સ્વીકારવા તૈયાર નથી.’ એ પરથી પણ વિશ્વકોશે ચંદ્રક ન આપવા પાછળનાં કારણોનો ખુલાસો કરવો જોઈએ. 88 ચંદ્રકો જાહેર થયા પછી એવું તે શું થયું કે એકાએક ચંદ્રકો જાહેર કરવાનું બંધ થયું?

ટોપીવાળાએ પરિષદ પાસેથી ચંદ્રકને ‘જીવતદાન’ મળે એ અંગે સક્રિયતા દાખવવાની વાત કરી છે, પણ પરિષદ નાનાંમોટાં અનેક ઇનામો જાહેર કરે છે, એ પરથી નથી લાગતું કે તે રણજિતરામ ચંદ્રક જાહેર કરવાની નવી જવાબદારી તે ઉપાડે. ખરેખર, તો આ જવાબદારી ગુજરાત સાહિત્ય સભાએ જ ઉપાડવી જોઈએ અથવા તો જવાબદારી ન ઉપાડી શકવાનાં કારણોની જાહેરાત કરવી જોઈએ. એ તો થાય ત્યારે ખરું, પણ અત્યારે તો ચંદ્રક ખાડે ગયો હોય એવું લાગે છે. ગુજરાત સાહિત્ય સભા તરફથી ‘ધનજી કાનજી ચંદ્રક’ પણ અપાય છે, એ પણ જાહેર થતો હોય એવું લાગતું નથી. એ અંગેની પણ જે સ્થિતિ હોય તેનો ખુલાસો ગુજરાત સાહિત્ય સભાએ કરવો જોઈએ. શક્ય હોય તો આ ચંદ્રકોની બધાં વર્ષની જાહેરાત એક સાથે જ થવી જોઈએ, જેથી લાભાર્થીઓએ વધુ ટટળવું ન પડે.

સમય સર ચંદ્રકો અને પારિતોષિકો જાહેર કરવાની ઉદાસીનતા ગુજરાતની સાહિત્ય સંસ્થાઓમાં જગજાહેર છે. ‘કુમાર ચંદ્રક’, કુમાર ટ્રસ્ટ, અમદાવાદ તરફથી 1944થી અપાય છે. એમાં પણ 2016 પછી ચંદ્રક જાહેર થયો હોય તો તેની વિગતો વિકિપીડિયા પર નથી. બને કે વિગતો અપડેટ કરવાની રહી ગઈ હોય, પણ એક કિસ્સો ડો. મહેબૂબ દેસાઈનો, તેમના જ બ્લોગ પર વાંચવામાં આવ્યો. તે વખતના ‘કુમાર’ના તંત્રી ડો. ધીરુ પરીખની પ્રેરણાથી મહેબૂબ દેસાઈએ ‘કુમાર’માં ગાંધીજીને અપાયેલાં માનપત્રોની શ્રેણી શરૂ કરી. ત્રણેક વર્ષ ચાલેલી એ શ્રેણી, પછી પુસ્તક આકારે પ્રગટ થઈ ને એ પુસ્તકને 2019નો ‘કુમાર’ ચંદ્રક જાહેર થયો. તેની જાહેરાત ‘કુમાર’ના 1118ના અંકમાં એપ્રિલ, 2021માં કરવામાં આવી. એ વાતના ઉલ્લેખ સાથે બ્લોગમાં જ મહેબૂબ દેસાઈ લખે છે, ‘આજે એ ઘટનાને પાંચ વર્ષ વીતી ગયા છે. છતાં ન તો કુમાર તરફથી ‘કુમાર’ ચંદ્રક મળ્યો છે, ન કોઈ તે અંગેનું પ્રમાણપત્ર મળ્યું છે.’ એ અંગે ખાતરી કરવા ડો. દેસાઈને મોબાઈલ પર પૂછ્યું, તો તેમણે રોકડું કર્યું કે એ ચંદ્રક અપાયો જ નથી. ‘કુમાર’ની આ ઉદાસીનતા બધી રીતે શરમજનક છે.

ખબર નથી પડતી સાહિત્યિક સંસ્થાઓને કયા પ્રકારનો લૂણો લાગ્યો છે? મોટે ઉપાડે સાહિત્યિક સંસ્થાઓ પારિતોષિકો, ચંદ્રકો, એવોર્ડ્સની જાહેરાતો કરે છે, શરૂઆતમાં તે નિયમિતપણે અપાય પણ છે, પછી ખબર નહીં, હોદ્દેદારો બદલાતા કે પ્રમાદને કારણે પ્રવૃત્તિઓ સંદર્ભે મેલી ઉદાસીનતા પ્રવર્તે છે ને બધું જ  ખોરંભે ચડે છે. સુરતની સાહિત્યિક સંસ્થા ‘નર્મદ સાહિત્ય સભા’ પણ પાંચેક પ્રકારમાં નર્મદચંદ્રક આપે છે. તે ઉપરાંત જ્યોતીન્દ્ર દવે ચંદ્રક કે મનહરલાલ ચોકસી પારિતોષિક જેવાં પારિતોષિકો પણ આપે છે. એમાં પણ વચમાં ઘણી લાલિયાવાડી ચાલી. ચંદ્રકોની અંદરોઅંદર લહાણી થઈ, તો જે પ્રકારમાં ચંદ્રક એનાયત કરવાનો હતો, તેને બદલે અન્ય પ્રકારમાં જાહેર થયો, તો પણ 2022 સુધીનો ચંદ્રક જાહેર થયો છે, એટલું આશ્વાસન જરૂર લઈ શકાય.

ઘણી સાહિત્યિક સંસ્થાઓ પ્રવૃત્તિને નામે વેઠ જ ઉતારે છે. ક્યાં તો કાર્યક્રમો થતા જ નથી ને થાય છે તો તેમાં વિત્ત હોતું નથી. કાર્યક્રમો થાય જ નહીં, એ ખોટું છે, એમ જ સંખ્યા વધારવા કાર્યક્રમોનો ખડકલો થતો રહે એ પણ બરાબર નથી. સાચી વાત તો એ છે કે હવે કાર્યક્રમોમાં કોઈને રસ જ રહ્યો નથી. ગંભીર ભાષણો કોઈને માફક આવતાં નથી. સાહિત્યિક પ્રકારો વિષે કે તેનાં સ્વરૂપ વિષે જાણીને લખનારો વર્ગ ઘટતો આવે છે. સોશિયલ મીડિયા પર આવતાં લખાણોને સાહિત્ય ગણનારો ને ગણાવતો વર્ગ નવાં માપદંડો ઊભાં કરી રહ્યો છે, એવે વખતે સાહિત્યિક સંસ્થાઓનું શૈથિલ્ય ઘાતક પુરવાર થાય એમ બને. બાકી હતું તે AIનું આક્રમણ જુદી જ વિભાવનાઓ વિકસાવી રહ્યું છે, ત્યારે સાહિત્યિક સંસ્થાઓને મીંઢાપણું પરવડવું ન જોઈએ … વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 ડિસેમ્બર 2025

Loading

પ્રાપ્તિ અને પ્રતિષ્ઠાથી અલિપ્ત પ્રતિભાઓ : મેરી અને પિયરી ક્યુરી 

સોનલ પરીખ|Opinion - Opinion|5 December 2025

મેરી અને પિયરી ક્યુરી બંને મહાન વિજ્ઞાનીઓ પ્રામાણિક, સાદાં અને માનવતાભરપૂર હતાં. કહેતાં, ‘વ્યક્તિઓને બહેતર બનાવ્યા વિના બહેતર વિશ્વ કદી ન સર્જી શકાય. એટલે દરેકે પોતાના માટે અને પૂરી માનવતા માટે સહિયારી જવાબદારી ઉઠાવવાની છે.’ આઈન્સ્ટાઈન એમને ‘પ્રતિષ્ઠાથી અલિપ્ત દુર્લભ વ્યક્તિઓ’ તરીકે ઓળખાવતા. 

મેરી ક્યુરી અને પિયરી ક્યુરી, 1903

‘કશાથી ડરવાની જરૂર હોતી નથી. જરૂર હોય છે સમજી લેવાની. જેમ વધુ સમજો, તેમ ડર ઓછો.’ આ ઉક્તિ છે મેરી સ્કૉદોવ્સ્કા ક્યુરીની. આપણે તેને મેરી ક્યુરી તરીકે ઓળખીએ છીએ, પણ તેનું નામ દુનિયાભરના મ્યુઝિયમોમાં અને પુસ્તકોમાં આ રીતે લખાય છે. તેણે કરેલી શોધ રેડિયોએક્ટિવિટીમાં પાયાની ગણાય છે. મેરી ક્યુરી નોબેલ ઈનામ મેળવનાર જીતનારી પ્રથમ મહિલા અને વિજ્ઞાનના બે ક્ષેત્રોમાં નોબેલ મેળવનાર પ્રથમ વ્યક્તિ હતી. 

મેરી અને પિયરી ક્યુરી નોબેલ મેળવનાર પ્રથમ દંપતી હતાં. આજની કૉલમ મેરી અને પિયરી ક્યુરીને – એક અદ્દભુત અનોખા પ્રતિભાશાળી દંપતીને સમર્પિત કરું છું. ક્યુરી પરિવારે પાંચ નોબેલ મેળવ્યાં છે. યુનિવર્સિટી ઑફ પૅરિસમાં પ્રોફેસર બનનાર મેરી પ્રથમ મહિલા હતી. પોતાના ક્ષેત્રને તે એટલી સમર્પિત હતી કે તેને રેડિએશનથી થતો હાડકાનો રોગ લાગુ પડ્યો હતો. આ મેરી સ્કૉદોવ્સ્કાનો જન્મ યુરોપના નાના-શા દેશ પૉલેન્ડની રાજધાની વૉર્સોમાં 1867ની 7મી નવેમ્બરે થયો ત્યારે નેપોલિયન યુદ્ધો પૂરાં થઈ ગયાં હતાં અને પૉલેન્ડ રશિયા-પ્રુશિયાની ભીંસમાંથી માર્ગ શોધી રહ્યું હતું. 

1991માં મેરી ફ્રાંસ આવી અને પેરિસની સોર્બોર્ન યુનિવર્સિટીમાં જોડાઈ. તેને અહીં લાવનાર હતા પૉલેન્ડના ફિઝિસિસ્ટ અને પ્રોફેસર કાઉન્ટ જૉસેફ કૉવાલ્સ્કી. તેમણે જ મેરીની ઓળખાણ પિયરી ક્યુરી સાથે કરાવી હતી, પણ ત્યારે એમને કલ્પના નહીં હોય કે આ દંપતી વિજ્ઞાનના ક્ષેત્રે ચમત્કાર કરવાનું છે. પિયરીએ મેરીને પોતાની વિદ્યાર્થિની તરીકે લેબોરેટરીમાં લઈ લીધી. તરત તેને મેરીની પ્રતિભાનો ખ્યાલ આવી ગયો અને તે પિયરીની વિદ્યાર્થિની મટી સંશોધન-સાથી બની. 

પિયરી સાથેની પહેલી મુલાકાતનું વર્ણન કરતાં મેરીએ લખ્યું છે, ‘હું પ્રવેશી ત્યારે પિયરી ક્યુરી બાલ્કનીમાં ખૂલતી ફ્રેન્ચ વિન્ડોમાંથી બહાર જોતો આરામથી ઊભો હતો. ત્યારે એ 35 વર્ષનો હતો, પણ દેખાવે ઘણો યુવાન લાગ્યો. તેના ચહેરા પર અને વર્તણુંકમાં આવકાર, ખુલ્લાપણું અને અલિપ્તતાનું ગમી જાય એવું સંયોજન હતું. તેની વિચારપૂર્વક ધીરે ધીરે બોલવાની શૈલી, તેની સાદગી, તેનું સ્વચ્છ સ્મિત, તેનામાં એકસાથે દેખાતી ગંભીરતા અને તાજગી આકર્ષક હતા. તેનો આત્મવિશ્વાસ, અન્યમાં પણ આત્મવિશ્વાસ જગાડી શકે એવો સમર્થ હતો.’ પિયરી ક્યુરી ફ્રેન્ચમેન હતો. તેના પિતા ડૉક્ટર હતા. પિયરી એમની પાસે જ તૈયાર થયો. કિશોરાવસ્થામાં જ તે ગણિત અને ભૂમિતિનો સ્કૉલર ગણાવા માંડ્યો હતો. સોળમા વર્ષે તે ગણિતમાં બી.એસસી. થયો અને 18મા વર્ષે માસ્ટર. પછીનાં વર્ષોમાં ઝડપથી તેણે વિજ્ઞાન અને સંશોધનના ક્ષેત્રે નામ કાઢ્યું હતું. 

દોસ્તી થતાં વાર ન લાગી. એક વર્ષ પછી પિયરીએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ‘આપણે બન્ને સ્વપ્નસેવી, કહો કે સ્વપ્નસંમોહિત વ્યક્તિઓ છીએ. આપણે સાથી બનીએ, સાથે જીવીએ અને તેં તારા દેશ માટે જે જોયું છે, આપણે આખી માનવજાત માટે તેમ જ સંશોધન માટે જે સેવ્યું છે તે સ્વપ્નને સાકાર કરીએ તો કેવું?’ મેરી તો પણ ખચકાતી હતી, લગ્ન અને વિજ્ઞાનનો મેળ પડશે ખરો? પિયરીએ વિશ્વાસ આપ્યો, ‘આપણે સાથે મળીને વિજ્ઞાનની સેવા કરીશું.’ મેરીને પોતાના દેશમાં જઈ કામ કરવું હતું, પણ ત્યાંની યુનિવર્સિટીઓએ તેને કામ આપવાની ના પાડી કારણ કે તે સ્ત્રી હતી. પિયરીએ તેને પેરિસ આવી જવા મનાવી લીધી. 1895ની 26મી જુલાઈએ બન્ને પરણી ગયાં. ભારતમાં આ વખતે અંગ્રેજોનું રાજ્ય હતું. 1857ના વિદ્રોહને ત્રણ દાયકા થવા આવ્યા હતા. ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસની સ્થાપનાને દસ વર્ષ થયા હતા. દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીના સત્યાગ્રહની ભૂમિ તૈયાર થતી આવતી હતી.

પિયરી મેરી કરતાં બાર વર્ષ મોટો હતો. લગ્નમાં મેરીએ નવવધૂના પોષાકને બદલે લેબોરેટરીમાં પહેરતી એવો જ ઘેરા ભૂરા રંગનો પોષાક પહેર્યો, ‘પિયરી, તને વાંધો ન હોય તો હું આ પહેરું. આ પોષાક રોજ વપરાશે. બ્રાઈડલ ગાઉન તો કબાટમાં પડ્યો જ રહેશે.’ હનીમૂન માટે આ અનોખાં પતિપત્ની સાયક્લ લઈને ફ્રાન્સના કુદરતી સૌંદર્યથી ભરપૂર ગ્રામવિસ્તારમાં ઘૂમ્યાં. એમનું લગ્નજીવન પ્રેમ અને ઉષ્માથી ધબકતું હતું. ક્યુરી દંપતીને બે પુત્રીઓ થઈ, ઈરિના અને ઈવ.  

મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં એમનું ઔતિહાસિક અખબાર ‘ઇન્ડિયન ઓપિનિયન’ શરૂ કર્યું એ જ વર્ષે એટલે કે 1903માં આ યુગલે ફ્રેંચ વિજ્ઞાની એન્ટોની હેનરી બેક્વેરલ સાથે રેડિયેશનના સંશોધન માટે ફિઝિક્સનું નોબેલ ઈમામ જીત્યું. પહેલા નોમિનેશનમાં મેરીનું નામ ન હતું. પિયરીએ આ સંશોધનમાં મેરીના પ્રદાન તરફ ધ્યાન દોર્યું ત્યારે તેનું નામ ઉમેરાયું અને તે નોબેલ મેળવનારી પ્રથમ મહિલા બની. 1903-1904માં આ દંપતીને બહુ પ્રતિષ્ઠિત એવાં ઈટાલિયન અને બ્રિટિશ ઈનામો પણ મળ્યાં. 

આ મહાન ઘટનાના ત્રણ જ વર્ષ બાદ પિયરી પરિવાર એક મોટી દુર્ઘટનાનો ભોગ બન્યો. એક વરસાદી દિવસે પિયરી રસ્તો ઓળંગતો હતો ત્યાં લપસી પડ્યો અને ઘોડા જોડેલું એક ભારે વાહન પસાર થઈ રહ્યું હતું, તેનું જબ્બર પૈડું તેના માથા પરથી ફરી ગયું. માત્ર 46 વર્ષની ઉંમરે એ મૃત્યુ પામ્યો ત્યારે મેરી માત્ર 34 વર્ષની હતી. એ ભાંગી પડી, પણ પિયરીના વિજ્ઞાન-સમર્પણને યાદ કરીને તે ફરી સંકલ્પબદ્ધ થઈ. એ જ વર્ષે તે સોર્બોર્ન યુનિવર્સિટીમાં જોડાઈ, પતિની સ્મૃતિમાં એક વિશ્વકક્ષાની પ્રયોગશાળાનું નિર્માણ કર્યું અને યુનિવર્સિટીની પહેલી મહિલા પ્રેફેસર બની.

મેરીએ રેડિયમ અને પોલોનિયમ આ બે તત્ત્વો શોધ્યાં અને કેન્સર-સંશોધનમાં મોટું પ્રદાન આપ્યું. ઘાતક રોગો સામે ઝઝૂમતા લોકોને મદદ કરવા તેણે ચેરિટી મિશન શરૂ કર્યું હતું. મેરી અને પિયરીની દીકરી ઇરિના અને જમાઈ ફ્રેડરિક જોલિઓટ બન્ને રેડિયોએકટિવિટીના ઊંડા અભ્યાસી હતાં. બન્નેએ એક એક નોબેલ ઈનામ મેળવ્યું હતું. બીજી દીકરી ઈવે મેરીની જીવનકથા લખી હતી. તેના પતિ ‘યુનિસેફ’માં હતા, અને તેમને પણ નોબેલ શાંતિ ઈનામ મળ્યું હતું. એમની દીકરી હેલન યુનિવર્સિટી ઑફ પેરિસમાં ન્યૂક્લિયર ફિઝિક્સની પ્રોફેસર હતી. હેલનના પુત્રનું નામ પિયરી ક્યુરી રાખવામાં આવેલું અને તેણે બાયોકૅમિસ્ટ્રીમાં કારકિર્દી બનાવી હતી. 

મેરી પોતાની પૉલિશ ઓળખ કદી નહોતી ભૂલી. તે સમયાંતરે પતિ સાથે પૉલેન્ડ જતી પણ ખરી. બન્ને દીકરીઓને તેણે પૉલિશ ભાષા શીખવી હતી અને પોતે જે પહેલું શોધ્યું તે રાસાયણિક તત્ત્વને પોતાના દેશ પરથી ‘પૉલેનિયમ’ નામ આપ્યું હતું. 1911માં તેને કેમિસ્ટ્રીમાં નોબેલ મળ્યું. તેના શતાબ્દીવર્ષે યુરોપ અને અમેરિકાએ ‘મેરી ક્યુરી યર’ ઊજવેલું. 

મેરી અને પિયરી ક્યુરીના જીવન પર ચાર જીવનકથા લખાઈ છે, ઉપરાંત ફિલ્મો, નાટકો પણ બન્યાં છે. 2020ના આંકડા પ્રમાણે કુલ 866 નોબેલ વિજેતાઓમાંથી 53 મહિલાઓ છે. તેમાંની 16 સાહિત્યમાં, 4 ફિઝિક્સમાં અને 4 કેમિસ્ટ્રીમાં નોબેલવિજેતા બની છે. ભારતની કોઈ મહિલાએ નોબેલ મેળવ્યું નથી. એકમાત્ર મધર ટેરેસા છે, જેની ઓળખ નોબેલ સૂચિમાં ઇન્ડિયન-યુગોસ્લૉવિયન એવી અપાઈ છે. 

પિયરી ક્યુરી કહેતા, ‘હું એવા લોકોમાં છું જેમને વિશ્વાસ છે કે માણસજાત નવી શોધોમાંથી વિનાશકારી નહીં, પણ હિતકારી એવું પ્રાપ્ત કરતાં શીખશે.’ બંને પ્રામાણિક, સાદાં અને માનવતાભરપૂર હતાં. લગભગ તમામ કમાણી વિજ્ઞાનસંસ્થાઓને આપી દેતાં. આઈન્સ્ટાઈન એમને ‘પ્રતિષ્ઠાથી અલિપ્ત દુર્લભ વ્યક્તિઓ’ તરીકે ઓળખાવતા. મેરી ક્યુરી કહેતાં, ‘વ્યક્તિઓને બહેતર બનાવ્યા વિના બહેતર વિશ્વ કદી ન સર્જી શકાય. એટલે દરેકે સૌ પહેલા તો પોતાને બહેતર બનાવવાની દિશામાં કામ કરવાનું છે અને સાથે પૂરી માનવતા માટે સહિયારી જવાબદારી ઉઠાવવાની છે.’ 

આ દિશામાં એકાદ પગલું તો આપણે સૌ ઉઠાવી શકીએ. શું કહો છો ?             

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 02 નવેમ્બર  2025

Loading

નેહરુ શું બાબરી મસ્જિદ ઉપર બીજી બાબરી મસ્જિદ બનાવવા ઇચ્છતા હતા?

રમેશ સવાણી|Opinion - Opinion|4 December 2025

રમેશ સવાણી

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે 02 ડિસેમ્બર 2025ના રોજ, વડોદરાના સાધલી ગામમાં યુનિટી માર્ચ કાર્યક્રમમાં જૂઠનો મહાગોળો ફેંક્યો હતો : “નેહરુ સરકારી ખર્ચે બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા ! એ તો સારું થયું કે સરદાર પટેલે તેમને રોક્યા !”

થોડાં મુદ્દાઓ :

[1] આવું કોઈ અંધભક્ત કહી શકે, ટ્રોલ કહી શકે, કોઈ નફરતી કહી શકે. પરંતુ દેશના સંરક્ષણ મંત્રીના હોદ્દા પર બિરાજમાન નેતા આવું કહી શકે? જો કહે તો તેમની પાસે ઐતિહાસિક પુરાવા તો હોવા જોઈએ ને? કોઈ પત્રવ્યવહાર, કોઈ ઈન્ટરવ્યુ, કોઈ પુસ્તકોમાં આ અંગે ઉલ્લેખ છે? WhatsApp યુનિવર્સિટીના ગપ્પગોળાના આધારે મિનિસ્ટર આવું બોલી શકે? જૂઠ્ઠાણાં ફેલાવવામાં RSS / ભા.જ.પ.ના નેતાઓમાં હરીફાઈ થઈ રહી છે, કોણ વધુ અસરકારક જૂઠું બોલી શકે છે !

[2] નેહરુના સમયે બાબરી મસ્જિદ અસ્તિત્વમાં હતી જ. નેહરુ શું બાબરી મસ્જિદ ઉપર બીજી બાબરી મસ્જિદ બનાવવા ઇચ્છતા હતા? सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है, वहाँ पैदल ही जाना है !

[3] નેહરુ બાબરી મસ્જિદને લગતા સાંપ્રદાયિક વિવાદના સખત વિરોધમાં હતા. આમાં તેમને ટેકો આપનારા સરદાર પટેલ હતા. તેઓ બન્ને હિન્દુ મુસ્લિમ સમુદાયો વચ્ચે પરસ્પર સહિષ્ણુતા અને સદ્દભાવના દ્વારા આ મુદ્દાને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા માંગતા હતા. 22 ડિસેમ્બર 1949ની રાત્રે, કેટલાક લોકો અયોધ્યામાં બાબરી મસ્જિદ સંકુલમાં ઘૂસી ગયા અને ભગવાન રામ અને દેવી સીતાની મૂર્તિઓ તેના મધ્ય ગુંબજ નીચે મૂકી. લગભગ તે જ સમયે, અયોધ્યા અને સમગ્ર ઉત્તર પ્રદેશમાં અન્ય સાંપ્રદાયિક ઘટનાઓ બની. ખૂબ જ વ્યથિત નેહરુએ ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી ગોવિંદ વલ્લભ પંત સહિત અનેક નેતાઓને પત્રો લખ્યા. બધા પત્રો નેહરુ આર્કાઇવમાં ઉપલબ્ધ છે. તેમના પત્રો સ્પષ્ટપણે દર્શાવે છે કે નેહરુ પોતાના પક્ષમાં વધતી સાંપ્રદાયિક વૃત્તિઓથી ચિંતિત હતા અને આગળ એક ખતરો જોતા હતા. તેઓ માનતા હતા કે અયોધ્યાની પરિસ્થિતિ કાશ્મીર મુદ્દા અને આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન સાથેના ભારતના સંબંધોને અસર કરશે.

[4] નેહરુએ પણ પોતાની લાચારી વ્યક્ત કરી હતી કે “મને ખબર નથી કે દેશમાં સારું વાતાવરણ બનાવવા માટે આપણે શું કરી શકીએ. જ્યારે લોકો ગુસ્સે હોય છે, ત્યારે સારી વાતો કહેવાથી તેમને ગુસ્સો આવે છે. બાપુ તે કરી શકતા હતા, પરંતુ આપણે આવી વાતો માટે ખૂબ નાના છીએ.” જુલાઈ 1950માં, નેહરુએ લાલ બહાદુર શાસ્ત્રીને એક પત્ર લખીને ડર વ્યક્ત કર્યો કે “આપણે બીજા સંકટ તરફ આગળ વધી રહ્યા છીએ. જેમ તમે જાણો છો, અયોધ્યામાં બાબરી મસ્જિદનો મુદ્દો આપણા માટે એક મુખ્ય મુદ્દો છે અને તેની આપણી સમગ્ર નીતિ અને પ્રતિષ્ઠા પર ઊંડી અસર પડે છે. પરંતુ આ ઉપરાંત, એવું લાગે છે કે અયોધ્યામાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. શક્ય છે કે આવી મુશ્કેલી મથુરા અને અન્ય સ્થળોએ પણ ફેલાઈ જાય.”

[5] બાબરી મસ્જિદ મુદ્દે સરદાર પટેલ શું ઇચ્છતા હતા? બાબરી મસ્જિદમાં મૂર્તિઓ મૂકાયા પછી નેહરુની જેમ, પટેલે પણ પંતને પત્ર લખ્યો હતો (સરદાર પટેલનો પત્રવ્યવહાર, ખંડ 9, દુર્ગા દાસ દ્વારા સંપાદિત). તેમણે કહ્યું, “વડા પ્રધાન તમને અયોધ્યાના વિકાસ અંગે ચિંતા વ્યક્ત કરતો ટેલિગ્રામ મોકલી ચૂક્યા છે. મેં લખનૌમાં તમારી સાથે આ વિશે વાત કરી હતી. મારું માનવું છે કે આ વિવાદ ખૂબ જ અયોગ્ય સમયે ઉઠાવવામાં આવ્યો છે. તાજેતરમાં વિવિધ સમુદાયો વચ્ચે પરસ્પર સંમતિ દ્વારા મુખ્ય સાંપ્રદાયિક મુદ્દાઓ ઉકેલાયા છે. મુસ્લિમોની વાત કરીએ તો, તેઓ હજુ પણ તેમની નવી વફાદારી સાથે સમાયોજિત થઈ રહ્યા છે. આપણે કહી શકીએ છીએ કે ભાગલાનો પ્રારંભિક આંચકો અને ત્યાર બાદની અનિશ્ચિતતાઓ હમણાં જ ઓછી થવા લાગી છે, અને વફાદારીમાં મોટા પાયે પરિવર્તન થવાની શક્યતા ઓછી છે. મારું માનવું છે કે આ એક એવો મુદ્દો છે જેનો ઉકેલ બંને સમુદાયો વચ્ચે પરસ્પર સમજણ અને સદ્દભાવનાથી સૌહાર્દપૂર્ણ રીતે થવો જોઈએ. હું સમજું છું કે લેવામાં આવેલા પગલાંમાં ઘણી લાગણીઓ સામેલ છે. વધુમાં, આવા મુદ્દાઓ ફક્ત ત્યારે જ શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય છે જો આપણે મુસ્લિમ સમુદાયની સંમતિને ધ્યાનમાં લઈએ. બળજબરીથી આવા વિવાદોનો ઉકેલ લાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. આવી પરિસ્થિતિઓમાં, કાયદો અને વ્યવસ્થા દળોએ દરેક કિંમતે શાંતિ જાળવી રાખવી જોઈએ. જો શાંતિપૂર્ણ અને સમજાવટભર્યા રસ્તાઓ અપનાવવા પડે, તો આક્રમકતા અથવા બળજબરી પર આધારિત કોઈ પણ એકપક્ષીય કાર્યવાહી સહન કરી શકાતી નથી. તેથી, હું દૃઢપણે માનું છું કે આ બાબતને આટલો મોટો મુદ્દો ન બનાવવો જોઈએ, અને વર્તમાન અયોગ્ય વિવાદોનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો જોઈએ, અને જે બન્યું છે તેને સૌહાર્દપૂર્ણ સમાધાનમાં અવરોધ બનવા દેવો જોઈએ નહીં.”

[6] ગમે તેટલાં જૂઠ્ઠાણાં ફેલાવો પણ RSS / ભા.જ.પ.માં કદી ગાંધીજી / નેહરુ / સરદાર પટેલ જેવું નેતૃત્વ ઊભું થઈ શકવાનું નથી. કેમ કે એના માટે કટ્ટરતા મુક્ત / દંગામુક્ત / સાંપ્રદાયિકતા મુક્ત વિચારસરણી જરૂરી છે, પ્રગતિશીલતા / બિનસાંપ્રદાયિકતા / વૈજ્ઞાાનિક અભિગમ / સામાજિક ન્યાયની ભાવના / લોકતાંત્રિક માનસ જરૂરી છે. જે RSS / ભા.જ.પ. પાસે નથી. 

[7] સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગુજરાતમાં આવી સરદાર પટેલના નામે જૂઠાણાંનો મહાગોળો ફેંકે અને ગુજરાતના મીડિયા ચૂપ રહે, તેનું આશ્ચર્ય છે. ગુજરાતી ચેનલોના પત્રકારો બહુ ઓછું વાંચે છે, પરંતુ નિષ્ણાતનો ઈન્ટરવ્યૂ પણ ન કરે? સત્તાને જ ખુશ કરવાની લાલસા ! શું મીડિયાને એવો સવાલ ન થાય કે રાજનાથસિંહ, તમે અટલજીની સરકારમાં મંત્રી હતા ત્યારે કેમ કોઈ દિવસ નેહરુ વિશે જૂઠના મહાગોળા ફેંકતા ન હતા? 

[8] માની લઈએ કે નેહરુ સરકારી ખર્ચે બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા. તો કેન્દ્રમાં મોદીજી 11 વરસથી સત્તામાં છે. તેમની પાસે બધાં જૂના દસ્તાવેજો છે, રેકોર્ડ છે, સરકારી નોંધો છે, આર્કાઇવ્સ છે. તેમાં નેહરુ સરકારી ખર્ચે બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા તે બાબત જાહેર કરવી જોઈએ, અને નેહરુનો પર્દાફાશ કરવો જોઈએ. મોદીજીને આવો પર્દાફાશ કરતા શું નેહરુ રોકતા હશે? 

02 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...84858687...90100110...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved