Opinion Magazine
Number of visits: 9457799
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાત વિશેના જ્ઞાનના ભંડાર સમા અચ્યુત યાજ્ઞિકને સલામ

હરીશ ખરે [અનુવાદ : સંજય સ્વાતિ ભાવે]|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|24 September 2023

અચ્યુત યાજ્ઞિક

અગ્રણી બૌદ્ધિક, સમાજવિજ્ઞાની, રાજકીય વિશ્લેષક, ઇતિહાસ લેખક, પત્રકાર અને કર્મશીલ અચ્યુતભાઈ યાજ્ઞિકનું ૪ ઑગસ્ટ ૨૦૨૩ના રોજ ૭૭ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી અવસાન થયું.

તેમણે સુચિત્રા શેઠ સાથે બે મહત્ત્વનાં પુસ્તકો લખ્યાં છે. The Shaping of Modern Gujarat : Plurality, Hindutva and Beyond ((૨૦૦૫) અને Ahmedabad : From Royal City to Mega City (૨૦૧૧).

અચ્યુતભાઈએ કિરીટ ભાવસાર સાથે તૈયાર કરેલી ગુજરાતી આદિમુદ્રિત ગ્રંથોની સૂચિ (૨૦૦૪) પણ ખૂબ રસપ્રદ છે.

અચ્યુતભાઈને અંજલિ તરીકે વરિષ્ઠ પત્રકાર હરીશ ખરેએ ‘ધ વાયર’ પોર્ટલ પર લખેલો અંગ્રેજી લેખ અહીં ગુજરાતીમાં મૂક્યો છે.

− સંજય સ્વાતિ ભાવે

•••

છેક ૧૯૭૫ની સાલની આસપાસનાં વર્ષોથી લઈને હમણાં સુધી ગુજરાતને લગતા સમાચાર બહારનાં અખબારોને આપનાર પત્રકાર કે ગુજરાત પર અભ્યાસ કરનાર સંશોધક માટે અચ્યુત યાજ્ઞિકને અચૂક મળવું એ લગભગ ફરજિયાત જેવું બની ગયું હતું.

કારણ કે અચ્યુતભાઈ ગુજરાતના રાજકારણ અને ગુજરાતી સમાજના મિજાજ વિશેની માહિતી, વિગતો, આંકડા, આખ્યાયિકાઓ અને સૂક્ષ્મદૃષ્ટિના જ્ઞાનનો ભંડાર હતા. ગુજરાત વિશે લખનાર સમાજ વિજ્ઞાનીઓને અચ્યુતભાઈની ખોટ પડવાની. એ હંમેશાં માત્ર ‘અચ્યુતભાઈ’ જ હતા. અને અચ્યુતભાઈને તમે ગમે ત્યારે મળી શકો – વાતચીત માટે, તમને લાગે તો ચર્ચા માટે, અને જો તમે ધીરજનો ગુણ કેળવ્યો હોય તો એમનું ભાષણ સાંભળવા માટે. આમાંથી કંઈ પણ હોય, તેમને મળવામાં હંમેશાં લાભ જ હતો. પશ્ચિમ અમદાવાદના કોમર્સ કૉલેજ ચાર રસ્તા પાસે આવેલી તેમની ઑફિસ ‘સેતુ’ (Centre for Social Knowledge and Action) તેની અંદરની સાદગીને કારણે ભલે કોઈ આશ્રમ જેવી ભાસે, પણ તેનો માહોલ હતો કોફી-હાઉસ જેવો.

અચ્યુતભાઈને મળવા જનારને ‘સેતુ’ પર ભરપૂર ખાંડવાળી ચાની ચુસકીઓ અને અચ્યુતભાઈની ક્યારે ય ન ઓલવાતી સિગરેટોના ધુમાડાની વચ્ચે સાંપ્રત બનાવો અંગે બિલકુલ નવી વિગતો અને ખાસિયતોના પાઠ ભણવા મળતા. વિષય ગમે તે હોઈ શકે – નવનિર્માણ આંદોલન, ૧૯૮૧નાં અનામત-વિરોધી હુલ્લડો, ૧૯૮૫-૮૬નાં કોમી રમખાણો, નર્મદા યોજના વિરોધી આંદોલન, ૧૯૯૦-૯૨નાં આયોધ્યા-તોફાનો કે પછી ૨૦૦૨નો અતિભીષણ સંહાર.

અચ્યુતભાઈ સાથે થોડાક કલાક વીતાવ્યા બાદ — રિપોર્ટરની સ્ટોરીમાં સુધારો થાય, કોલમિસ્ટનો નજરિયો વધુ માતબર બને અને સંશોધકને એમ લાગે કે ગાઇડને થિસિસ સુપરત કરતા પહેલાં હજુ ઘણું ઘરકામ કરવાની જરૂર છે.

જૂના જમાનામાં પંડિત કે પુરોહિત જ્ઞાતિની કુળકથા અને કુંડળી જાણતા. અચ્યુતભાઈનું પણ એવું જ હતું. અચ્યુતભાઈ ૧૯૮૦ અને ૧૯૯૦ના ગાળાના રાજકારણી સમૂહ માટે અસલના જમાનાનું ‘ગૂગલ’ હતા.

સનત મહેતા, ઝીણાભાઈ દરજી, માધવસિંહ સોલંકી, ચીમનભાઈ પટેલ, અશોક ભટ્ટ, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા વગેરે બધા અચ્યુતભાઈને માન આપતા અને તેમના અભિપ્રાયને મૂલ્યવાન ગણતા. એ વર્ષો દરમિયાન ગુજરાતમાં હજુ સહિષ્ણુતા હતી, અને ઘણાં છાપાંને અચ્યુતભાઈની કોલમ છાપવામાં રસ હતો.

‘સેતુ’ પર જાણે હરોળ લાગતી. તેમાં મેધા પાટકર, બેલા ભાટિયા, મધુસૂદન મિસ્ત્રી કે ઇન્દુકુમાર જાની જેવાં કર્મશીલો હોય. ધીરુભાઈ શેઠ, આશિષ નાંદી, હર્ષ સેઠી, ઘનશ્યામ શાહ કે અનિલ ભટ્ટ જેવા વિદ્યાજનો કે શાલિની રાંદેરિયા જેવાં સંશોધક તમને ‘સેતુ’ પર મળે. અહીં તમને સામ પિત્રોડા, ભીખુ પારેખ કે મેઘનાદ દેસાઈ જેવા અગ્રણીઓ પણ મળી આવે.

લોકોને તેમના બેન્ક બેલન્સથી ચાહનાર કે તિરસ્કારનાર અને મૂલવનાર અમદાવાદી સમાજમાં અચ્યુતભાઈ નાત બહારના હતા. સાંસ્કૃતિક રીતે જ જ્ઞાનને બદલે સંપત્તિને પહેલી પસંદગી આપનાર સમાજમાં અચ્યુતભાઈ એમની શરતે જીવ્યા. અતિશય ધનવાન અમદાવાદીઓના આડંબર અને આચારની જાળ તેમ જ તેમના પરિવેશમાં એ ક્યારે ય અટવાયા નહીં; એ વર્ગના દંભની આરપાર એ જોઈ શકતા હતા. સ્થાપિત વર્ગોને, સત્તા સમેત મળનારા ઘમંડની સામે અચ્યુતભાઈ નક્કર સંવિદ દ્વારા લડ્યા. તેમના જ્ઞાનનો આધાર બૌદ્ધિક પ્રામાણિકતા અને વ્યક્તિગત આચારશુદ્ધિમાં હતો.

અચ્યુતભાઈ અંતકાળે અકિંચન હતા, પણ તેનો એમને અફસોસ ન હોય, કેમ કે તેઓ ગુજરાતના માનવંતાઓમાં સૌથી આદરપાત્ર તરીકે જીવ્યા. અચ્યુતભાઈ તંદુરસ્ત નાગરિક સમાજનું પ્રતીક હતા. તેમણે ગાંધીનગરના સત્તાધારીઓ સાથે બરાબર અંતર જાળવ્યું હતું, પણ જરૂર પડે તો ગરીબો અને વંચિતો વતી રાજ્યસત્તાની સાથે રહેવા (to engage with authority) માટે પણ તેઓ તૈયાર રહેતા. ગુજરાતમાં આર્થિક અન્યાયની સામે લડનાર કોઈ પણ એન.જી.ઓ., ચળવળ કે જૂથ તેમનું ગમે ત્યારે માર્ગદર્શન મેળવી શકતાં.

પીડિતોને અચ્યુતભાઈ ઘણી વાર નીડર ધારાશાસ્ત્રી ગિરીશભાઈ પટેલ પાસે મોકલતા. ગિરીશભાઈ ગુજરાતમાં ચાલતા અનંત અન્યાયોની સામે કોઈ પણ ફી લીધા વિના લડતા જ રહેતા. અને પછી આવ્યું ૨૦૦૦નું વર્ષ. ગુજરાત બદલાયું. નવાં આર્થિક બળો અને તેમના પ્રતિનિધિઓ / દલાલોએ ગુજરાતના રાજકારણ, સમાજ અને સમૂહ માધ્યમોને પોતાના તાબામાં લીધાં.

આ નવા ગુજરાતને અચ્યુતભાઈનાં મંતવ્યો કે વિચારોનો કોઈ ખપ ન હતો. પરિવર્તન ગુજરાતનાં તમામ સારાં સ્ત્રી-પુરુષોને હતપ્રભ બનાવી રહ્યું હતું. તે સંશોધનનો વિષય પણ હતું. તેના અભ્યાસીઓ માટે અચ્યુતભાઈ આખર સુધી અનિવાર્ય પૂછવાઠેકાણું રહ્યા. નવા ગુજરાતમાંથી નીકળીને આગળ વધવા માટે સમય પાકી ચૂક્યો હતો, અને એ આગળ વધ્યા પણ ખરા, હંમેશ મુજબ એમની શરતે. અસ્તુ.

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 સપ્ટેમ્બર 2023; પૃ. 15 તેમ જ 22 

Loading

ભારત અને કેનેડાના વણસી રહેલા સંબંધો ભૌગોલિક-રાજકીય સ્થિતિના પાસાં પલટશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 September 2023

વિદેશમાં વસતા ભારતીયોને (NRIs) માટે ભારત સરકારે વિદેશ મંત્રાલય કે એમ્બસીમાં વિશેષ વિભાગ શરૂ કરવો પડે એવા દિવસો આવી રહ્યા છે?

ચિરંતના ભટ્ટ

ભારત અને કેનેડા વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. ખાલિસ્તાનને ટેકો આપનારા પંજાબી ગેંગસ્ટરની કેનેડામાં હત્યા થાય છે, કેનેડિયન નાગરિકોને મળતા ભારતના વિઝાને લગતી નીતિ અચાનક જ બદલાય છે, રાજકીય સ્તરે નીમાયેલા અધિકારીઓને બરતરફ કરાય છે અને કેનેડાના પ્રધાન મંત્રી જસ્ટિન ટ્રૂડો ભારતને ન ગમે એવા વિધાનો કોઈપણ પૂરાવા વગર કરે છે. કેનેડા અને ભારત વચ્ચે જે પણ થઇ રહ્યું છે તેના મૂળમાં દેખીતી રીતે ખાલિસ્તાનને કેનેડામાં મળતો આડકતરો ટેકો છે. ભારત માટે ખાલિસ્તાની આંદોલન રાષ્ટ્રીય સુરક્ષા પર જોખમ છે અને છેલ્લા કેટલાક વખતથી એ મુદ્દો સળગતો જ રહ્યો છે. આવા સંજોગોમાં કેનેડાના સત્તાધીશો તરફથી કેનેડામાં ખાલિસ્તાની શીખો દ્વારા કરાતી ભારત વિરોધી પ્રવૃત્તિઓને અંકુશમાં ન લેવાય તો એ ચોક્કસપણે બન્ને દેશોના રાજકીય સંબંધો પર અસર કરે.

કેનેડાની જે છબી ખડી કરવામાં આવી છે તે છેલ્લા કેટલાક સમયથી કડડભૂસ થઇ ગઈ છે. કેનેડામાં ભારતીય મૂળના અંદાજે 15થી 18 લાખ લોકો વસે છે. ભારત પછી જો ક્યાં ય સૌથી વધારે શીખો હોય તો તે કેનેડામાં છે. ત્યાં લગભગ 7. 7 લાખ જેટલા શીખો છે. ખાલિસ્તાન – એટલે કે અલગ શીખ રાજ્યની માંગ, જે ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારથી ખડી થઇ હતી. શીખ અલગાવવાદીઓને ખાલિસ્તાનનું પૂછડું મુકવું નથી અને અનેકવાર તેની માગ ખડી થઇ છે. સિત્તેર અને એંશીના દાયકામાં આ માંગને પગલે હિંસક રમખાણો પણ થયા છે. ખાલિસ્તાનના લોહિયાળ ઇતિહાસમાં ઑપરેશન બ્લુ સ્ટાર અને ઇંદિરા ગાંધીની હત્યા બન્ને સીમારૂપ ઘટનાઓ છે. આ પછી આર્મીએ 1986-88માં પંજાબમાંથી શીખ આતંકીઓને હાંકી કાઢવાના ઑપરેશન્સ લૉન્ચ કર્યા. 1985માં એર ઇન્ડિયા બોઇંગ 747 જે કેનેડાથી ભારત આવતું હતું તેમાં થયેલા બોમ્બબ્લાસ્ટ માટે પણ શીખ આતંકવાદીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. પંજાબમાં આ હિંસાના પડઘા આજે ય કણસે છે, જો કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતમાં ખાલિસ્તાનની ચળવળને ટેકો નથી મળી રહ્યો પણ કેનેડા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને યુ.એસ.એ.માં ક્યાંક ક્યાં ખાલિસ્તાન ચળવળના ટેકેદારો ખડા થઇ જાય છે. હવે કેનેડામાં થોડા મહિના પહેલાં ખાલિસ્તાન તરફી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા થઇ. આ વખતે જસ્ટિન ટ્રુડોએ એવા અર્થનું નિવેદન કર્યું કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં કોઇપણ વિદેશી સરકારની સંડોવણી આપણા સાર્વભૌમત્વનું એવું ઉલ્લંઘન છે જે સ્વીકાર્ય નથી. ટૂંકમાં ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાનું કંઇપણ વિચાર્યા વિના કહી દીધું. ટ્રુડો જે કરે છે એ એટલા માટે કરે છે કારણ કે કેનેડામાં માથે ચૂંટણી છે અને જો આવા ખેલ નહીં ખેલાય તો ટ્રુડોને વોટ બેંક સલામત કરવામાં ફાફાં પડી જશે. પણ ઘરનું નળિયું સાચવવામાં ટ્રુડો બીજા દેશ સાથેના સંબંધોના કાંગરા ખેરવી રહ્યા છે. કેનેડામાં રાજકીય સ્તરે ખાલિસ્તાનીઓ અને શીખ કટ્ટરવાદીઓ પ્રત્યે કૂણો ભાવ રાખ્યો છે તે ભારત માટે સ્વાભાવિક રીતે ચિંતાની વાત છે. એમાં પાછું ટ્રુડોએ કરેલું નિવેદન એટલી ચાલાકીથી કરાયું કે એમાંથી ટ્રુડો પાછા છૂટી ય શકે કે તેમણે ભારતને હત્યારો ઠેરવવાનો પ્રયાસ નથી કર્યો પણ ભારત સરકારના એજન્ટો અને નિજ્જરની હત્યા વચ્ચેના સંભવિત જોડાણ અંગેના વિશ્વસનીય આરોપોને કેનેડાની એજન્સીઝ તપાસ દ્વારા અનુસરી રહી છે. આ ધડ માથા વગરનું નિવેદન ટ્રુડોના આશયને ખુલ્લો પાડી દેનારું છે.

હકીકત તો એ છે કે કેનેડાની ગાદી પર કોન્ઝર્વેટિવ વડાપ્રધાન આવે કે લિબ્રલ – તેમણે એવું તો કહેવું જ પડે કે કેનેડાના સાર્વભોમત્વને ખાતર તેઓ દરેકેદરેક નાગરિકનું રક્ષણ કરશે. આવું હોય ત્યારે ભારત પર દોષનો ટોપલો ઢોળનારા ટ્રુડો એક તકવાદી રાજકારણીથી વધારે કંઇ જ ન લાગે. ટ્રુડો G20માં આવ્યા પછી પણ આડો અભિગમ રાખ્યો તેમાં તેને બીજા કોઇ રાષ્ટ્રનો દેખીતો ટેકો ન મળ્યો. જો કે એવા તાજા રિપોર્ટ્સ છે કે બાયડન અને અન્ય નેતાઓએ ખાલિસ્તાન અંગે નરેન્દ્ર મોદી સાથે વાત છેડી હતી. વળી કેનેડાએ ભારત પર લગાડેલા આક્ષેપોની તપાસ થવી જોઇએ તે અંગે યુ.એસ.એ.નું સમર્થન હોવાની વાત પણ બહાર આવી.  કેનેડા સ્થિત ભારતીય રાજદ્વારીઓનું કહેવું છે કે શીખ કટ્ટરવાદ, ખાલિસ્તાનીઓ તરફથી ભારતીય રાજદ્વારીઓને થતી હેરાનગતીને નિયંત્રણમાં લાવવામાં કેનેડાના સત્તાધીશોની નિષ્ફળતા વિદેશનીતિ માટે એક બહુ અગત્યનો મુદ્દો બન્યો છે. કેનેડાએ ભારત સાથે વ્યાપારી સંધિની વાત અટકાવી દીધી છે અને કેનેડાથી ભારત આવનારા ટ્રેડ મિશન પર પણ હમણાં બ્રેક લગાડાઈ છે.

આ તણાવને કારણે લાખો ભારતીયોના જીવ તાળવે બંધાયા છે. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા મોટી છે. ભારતમાં જે ચાલતું હોય એ, પણ હકીકત તો એ છે જ કે અત્યારે કેનેડાને સપાટામાં લેવાને મામલે ભારતનો હાથ ઉપર છે. ભારતે અને કેનેડાએ જાણે સામ-સામે સ્કોર સેટલ કરવાનો સિલસિલો શરૂ કરી દીધો છે. આ બધાની વચ્ચે ગુરપટવંત પન્નુ જેવા ખાલિસ્તાની આતંકીઓની કેનેડામાં રહેતા ભારતીયોને ખાસ કરીને હિંદુઓને, ઘરે પાછા ફરવા માટે ધમકી આપી જે વધારે ફફડાટ ફેલાવનારી સાબિત થાય.

કેનેડામાં અત્યારે 8 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે જેમાંથી 40 ટકા ભારતીય છે. વિદેશી વિદ્યાર્થીઓના ભંડોળ પર કેનેડાના અર્થતંત્રનો ખાસ્સો એવો આધાર છે, આવામાં ટ્રુડોએ પોતાના સ્વાર્થ ખાતર કરેલો વહેવાર એને કેટલો ફાયદો કે નુકસાન કરાવી શકે છે તેની તો કલ્પના જ કરવી રહી. ભારતીય વિદ્યાર્થીઓને કારણે કેનેડાની સરકાર કલાકના 15 ડૉલરનું લઘુત્તમ વેતન રાખી શકે છે. કેનેડાની વસ્તી માત્ર ચાર કરોડ એટલે આપણા પાટનગર દિલ્હીની વસ્તી કરતાં ય ઓછી છે. ત્યાં ભણવા આવતા વિદ્યાર્થીઓ હોસ્પિટાલિટી, રિટેલ વગેરે ક્ષેત્રોમાં કામ કરતા હોય છે. જો ભારતીય વિદ્યાર્થીઓનો કેનેડા તરફનો પ્રવાહ અટકશે તો ત્યાં લેબરના ભાવ આસમાને પહોંચી જશે. ભૂતકાળમાં સાઉદી અરેબિયા સાથે જ્યારે કેનેડાના રાજદ્વારી સંબંધો બગડ્યા હતા અને સાઉદી અરેબિયાના 15,000થી વધુ વિદ્યાર્થીઓ ઘર ભેગા થયા, સાઉદી અરેબિયાએ કેનેડાના એમ્બેસેડરને બરતરફ કર્યા, બધાં નવાં રોકાણો અટકાવી દીધાં અને ટોરેન્ટો જતી ફ્લાઇટ્સ રોકી દીધી. આ તમામની કેનેડાના અર્થતંત્ર પર અને શિક્ષણ સંસ્થાની છબી પર ઘેરી અસર પડી હતી.

ભારતમાં 600 કેનેડિયન કંપનીઓ છે તો બીજી કંપનીઓ અહીં કામ કરવાનો અવસર શોધી રહી છે, ભારતીય કંપનીઓ કેનેડામાં આઇ.ટી., બેંકિંગ, કુદરતી સ્રોત, સોફ્ટવેર જેવા ક્ષેત્રોમાં સક્રીય છે. ભારત-કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય વ્યાપારમાં પણ બન્ને દેશોને ફાયદો થાય તેમ છે. જો કે આ બધું ચાલે છે તેમાં આનંદ મહિન્દ્રાએ કેનેડામાંથી પોતાનો કારોબાર સમેટી લીધો હોવાના સમાચાર પણ આવ્યા છે.

આ પહેલાં બ્રિટનમાં પણ ખાલિસ્તાન લિબરેશન ફોર્સના વડા ગણાતા અવતાર સિંહ ખાંડાનું રહસ્યમય સંજોગોમાં મોત થયું. શીખ અલગાવવાદીઓએ એમ ચલાવ્યું કે તેમને ઝેર આપીને મારી નંખાયા. શીખો અન્ય દેશોમાં પણ છે અને ખાલિસ્તાનની ચળવળના ભડકા ક્યાંકને ક્યાંક થતા રહે છે. આવા સંજોગોમાં એમ લાગે કે વિદેશમાં વસતા ભારતીયોને માટે ભારત સરકારે વિદેશ મંત્રાલય કે એમ્બસીમાં વિશેષ ખાતું શરૂ કરવું પડશે કે કેમ? વળી એવા અહેવાલો પણ છે કે કેનેડામાં વસતા ભારતીયોએ કહી દીધું છે કે ટ્રુડો જે કરે છે એ ચૂંટણી લક્ષી છે અને કેનેડામાં બધું બરાબર છે.

બાય ધી વેઃ

ભારત અને કેનેડા બન્ને આ મામલે આગળ કેવો અભિગમ રાખે છે તેને આધારે વૈશ્વિક સ્તરે તેમનું માન વધી કે ઘટી શકે છે. આ પહેલાં પણ ભારતની મુલાકાત વખતે ટ્રુડોએ જરા અનૌપચારિક અભિગમ રાખ્યો હતો. કાં તો તેમને કંઇ પડી નથી અથવા તે જાણી જોઈને આવું કરે છે. મોદી ગણતરીપૂર્વક પગલાં લે છે કારણ કે તે સારી પેઠે જાણે છે કે રાજકીય-ભૌગોલિક સમીકરણોમાં તે વસ્તીને મામલે ચીનથી આગળ છે અને જી.ડી.પી.ને મામલે યુ.કે.થી આગળ છે. યુ.એસ.એ. સાથે સારાસારી છે. જો ભારત પોતાનું જોર બતાડે છે પણ એમાં વધુ પડતો આત્મવિશ્વાસ નડી જાય એવું ય બને. જેમ કે G20માં મોદીએ કહ્યું કે આજનો યુગ યુદ્ધનો ન હોવો જોઇએ એમાં યુક્રેન-રશિયા પર અંગુલીનિર્દેશ હતો પણ હવે કેનેડાવાળું થયું તો ભારત દેખાડી શકે કે પોતાના સાર્વભૌમત્વને મામલે કંઇ આડું તેડું નહીં ચલાવે. ભારત જે પણ કરશે કે કહેશે એમાં ચીન કરતાં પોતે સશક્ત હોવાવાળો ભાવ જળવાઇ રહે તેની પૂરી તકેદારી રાખશે એ નક્કી. જો કેનેડાએ ભારત પર મુકેલા આક્ષેપ સાચા સાબિત થશે તો ભારતની ઇન્ટેલિજન્સ એજન્સી કઇ રીતે કોઇપણ દેશમાં પોતાની વિરુદ્ધ ચાલતી આતંકી પ્રવૃત્તિઓને નાથશે એ સાબિત થશે. પડોશી દેશોમાં આ કરવું અને પશ્ચિમ દેશમાં આ કરવું એમાં મોટો ફેર છે કારણ કે પાસાં પલટાઇ જશે. યુ.એસ.એ. ભારતમાં અંદરખાને થતા માનવાધિકારના ઉલ્લંઘનો પ્રત્યે આંખ આડા કાન કરી શકે પણ કેનેડા જે યુ.એસ.એ.નો સાથીદાર છે ત્યાં પણ જો ભારતની ઇન્ટેલિજન્સ એજન્સી આવા ઑપરેશન પાર પાડી દેતો હોય તો યુ.એસ.એ. ભારત સાથેની દોસ્તીને જુદી નજરથી જોવા મજબૂર થશે.  ભારત – અમારી સાથે નથી તો અમારી સામે છો – વાળો અભિગમ અપનાવી વિદેશનીતિ આકરી બનાવશે કે કેમ એ તો વખત આવ્યે ખબર પડશે. જો કે વડા પ્રધાન ઘર આંગણે નાગરિકો સાથે થતા અન્યાયનું પણ સાથે સાથે કંઇ વિચારે તો સારું રહેશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 સપ્ટેમ્બર 2023

Loading

ગળામાં

ભરત ગોસ્વામી "ભાવુક"|Opinion - Opinion|24 September 2023

ડૂમો ભરાયો છે ગળામાં,

મૌન પૂરાયો છે  ગળામાં,

આંસુઓ પૂછે છે આવીને

કોણ ઘેરાયો છે ગળામાં,

સૌની નજરની સામે રોજ

દર્દ ટકરાયો છે ગળામાં,

વાણી બની ગઈ નિ:શબ્દ 

કામણ કરાયો છે ગળામાં,

સવારના કિનારે આવીને

સ્વપ્ન મરાયો છે ગળામાં,

સમયના મેળામાં ઓચિંતો

‘ભાવુક’ ચોરાયો છે ગળામાં.

અંજાર કચ્છ
e.mail : bharatgpswami00@gmail.com

Loading

...102030...844845846847...850860870...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved