Opinion Magazine
Number of visits: 9665942
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—232

દીપક મહેતા|Opinion - Opinion|20 January 2024

અસલ મુંબઈ જોવું હોય તો ફોર્ટની બહાર પગ મૂકવો પડે

પગ ખરડાશે એની પરવા કર્યા વગર                

અને આજે હવે જઈએ ૧૯મી સદીના મુંબઈની સ્કૂલો અને એક માત્ર કોલેજ જોવા, મિસિસ પોસ્ટાન્સની આંગળી પકડીને.

ધોબી તળાવ પર આવેલી એલ્ફિન્સ્ટન સ્કૂલ

‘જેટલું આપણું ભણતર સારું, એટલું આપણું જીવતર સારું.’ – આ વાત જેટલી આપણા દેશને (બ્રિટનને) માટે સાચી છે એટલી જ હિન્દુસ્તાન માટે પણ સાચી છે. નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્કૂલો અને એલ્ફિન્સ્ટન કોલેજ આજે મુંબઈ અને પશ્ચિમ હિન્દુસ્તાન માટે જ્ઞાનના પર્વતોમાંથી વહેતી નદીઓ જેવી છે. નદી જેમ આસપાસની ધરતીને, એ ધરતી પર વસતા લોકોના જીવનને રળિયામણું બનાવે છે તેમ પશ્ચિમી જ્ઞાનની નદીઓ સમી આ શિક્ષણ સંસ્થાઓ પશ્ચિમ હિન્દુસ્તાનના લોકોના જીવનને વધુ સમૃદ્ધ બનાવશે. હા, હજી આ બંને સંસ્થાઓ પા-પા પગલી માંડી રહી છે. તેમાં ય એલ્ફિન્સ્ટન કોલજ તો કેટલાક આંતરિક વિસંવાદને કારણે તેનો મૂળ ઉદ્દેશ પાર પાડવામાં બહુ સફળ થઈ શકી નથી. અને આ વિસંવાદનું ખરું કારણ છે વ્યક્તિઓ વચ્ચેની હૂંસાતૂંસી. એલ્ફિન્સ્ટન કોલેજમાં બે ઉત્તમ વ્યક્તિઓની પ્રોફસર તરીકે નિમણૂક થઈ. અને આદર્શ શિક્ષકના ઘણા ગુણ ધરાવનાર બે જણા સ્કૂલમાં શિક્ષક તરીકે નિમાયા. સ્કૂલની પરીક્ષામાં જેમને સફળતા મળે તે વિદ્યાર્થીઓ જ કોલેજમાં જઈ શકે એવું પણ ઠરાવાયું. પણ સ્કૂલમાં નિમાયેલા બંને શિક્ષકોને લાગ્યું કે આમ થાય તો તો પોતે કોલેજના અધ્યાપકો કરતાં ઊતરતા છે, અને એટલે તેમના તાબેદાર છે એવું બધાને લાગે. એટલે સ્કૂલ અને કોલેજ વચ્ચે સંઘર્ષ ચાલતો રહે છે. તેને ટાળવા માટે એક જુનિયર કોલેજ-સ્કૂલ શરૂ કરવામાં આવી છે. તેના પર એલ્ફિન્સ્ટન કોલેજના બંને પ્રોફેસર, ઓર્લેબાર અને હાર્કનેસ સતત નજર રાખે છે. પણ તેનો રોજ બ રોજનો વહીવટ એ બંને પ્રોફેસરોના એક ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી બાળશાસ્ત્રી જામ્ભેકરને સોંપવામાં આવ્યો છે. તેઓ દેખાવમાં જરા ઠીંગણા કહેવાય. બોલચાલ ને રીતભાત એકદમ સાદી ને સરળ. પણ આવા સામાન્ય દેખાતા માણસની અંદર બ્રિટિશ પદ્ધતિના શિક્ષણથી મેળવેલા જ્ઞાનનો સાગર ઘૂઘવે છે. બાળશાસ્ત્રી મૂળ રત્નાગિરીના રહેવાસી. મુંબઈ આવીને બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ લીધું. મુંબઈની સ્કૂલમાં નિમણૂક થઈ તે પહેલાં તેઓ અકલકોટના રાજાના ખાનગી શિક્ષક તરીકે કામ કરતા હતા. (બાળશાસ્ત્રી જામ્ભેકર, જન્મ ૬ જાન્યુઆરી ૧૮૧૨. માત્ર ૩૪ વરસની વયે ૧૭ મે ૧૮૪૬ મૃત્યુ.) બાળશાસ્ત્રીના હાથ નીચે તૈયાર થયેલા વિદ્યાર્થી દાખલ થશે તે પછી કોલેજના શિક્ષણમાં દૈવત આવશે એમ ઘણા લોકો માને છે. અત્યારે કોલેજના પહેલા વરસના અભ્યાસક્રમમાં ગણિત અને ભૌતિક શાસ્ત્રને ઘણું મહત્ત્વ અપાય છે. જ્યારે બીજા વરસના અભ્યાસમાં મોરલ ફિલોસોફી અને અંગ્રેજી સાહિત્યના ભણતર પર ભાર મૂકાય છે. જો કે આ વિષયોનું શિક્ષણ હજી જોઈએ તેટલું પદ્ધતિસરનું બન્યું નથી. 

સોસાયટીની બ્રાંચ સ્કૂલ

નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્કૂલ શહેરની મોટી બજાર નજીક આવેલી છે. જો કે આ સ્કૂલની સમિતિઓની બેઠકો બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટીની લાઈબ્રેરીના ખંડમાં મળે છે, અને જુદા જુદા વરસની પરીક્ષાઓ પણ ત્યાં જ લેવાય છે. આ લાઈબ્રેરી ખરેખર બેનમૂન છે. તેમાં અઢળક પુસ્તકો ઉપરાંત હસ્તપ્રતો, નકશા, પૃથ્વીના ગોળા વગેરે વ્યવસ્થિત રીતે સંઘરાયાં છે. તેના બે છેડે સોસાયટીના વિકાસમાં ધરખમ ફાળો આપનાર સર જોન માલ્કમ અને માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનનાં પૂરા કદનાં તૈલ ચિત્રો ગોઠવેલાં છે. તેમાંનું બીજું ચિત્ર સર થોમસ લોરેન્સે બનાવેલું છે અને તેમણે એલ્ફિન્સ્ટનના ચહેરાની બારીકમાં બારીક રેખા પણ ચિત્રમાં આબેહૂબ ઉતારી છે. એલ્ફિન્સ્ટન પોતે લાયબ્રેરીની એક ખુરસી પર બેઠા છે અને તેમની બુદ્ધિમત્તા અને હિન્દુસ્તાનીઓ પ્રત્યેની સાચકલી અનુકંપા આંખોમાંથી છલકાતી જણાય છે. 

માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન

સોસાયટીની આ સ્કૂલમાં લગભગ ૪૦૦ છોકરા ભણે છે. મુખ્ય સ્કૂલની શાખાઓમાં બીજા ૧,૫00 છોકરા ભણે છે. આ સ્કૂલોમાં દાખલ થવા માટેની શરત એક જ છે : કોઈ પણ એક ‘દેશી’ ભાષા વાંચતાં-લખતાં આવડતું હોવું જોઈએ. લોર્ડ કલેર અને સર એડવર્ડ વેસ્ટના નામથી કુલ ૧૮ સ્કોલરશિપ અપાય છે. તે મેળવનાર છોકરાને દર મહીને દસ રૂપિયા મળે છે. પણ આ રકમ ત્રણ વરસ સુધી જ અપાય છે. પણ ખરેખર હોંશિયાર હોય તેવા છોકરાઓને તે પછી મોનિટર બનાવવામાં આવે છે અને તેમને સારો પગાર અપાય છે. 

છોકરાઓની વાર્ષિક પરીક્ષા જાહેરમાં લેવામાં આવે છે. એ વખતે કોઈ પણ હાજર રહી શકે છે અને વિદ્યાર્થીને સવાલો પૂછી શકે છે. એ પરીક્ષામાં સૌથી વધુ માર્કથી પાસ થનાર વિદ્યાર્થીઓને બે ગોલ્ડ મેડલ અને છ સિલ્વર મેડલ આપવામાં આવે છે. જો કે મોટે ભાગે ગોલ્ડ મેડલ ગણિતના વિષયમાં સારા માર્ક મેળવનારા વિદ્યાર્થીઓ લઈ જાય છે. આવી એક પરીક્ષા વખતે હાજર રહેવાનું મને આમંત્રણ મળ્યું હતું. ત્યારે છોકરાઓની જાણકારી અને તેની રજૂઆત જોઈને મને આશ્ચર્ય અને આનંદ થયાં હતાં. મને હતું કે આ છોકરાઓની જાણકારી સારી હોય તો પણ તેની રજૂઆત ભાંગી-તૂટી અંગ્રેજીમાં થશે. પણ મારા આશ્ચર્ય વચ્ચે લગભગ દરેક છોકરાએ પોતાની રજૂઆત સ્વચ્છ અને શુદ્ધ અંગ્રેજીમાં કરી હતી. 

બાળશાસ્ત્રી જામ્ભેકર 

અંગ્રેજો આવ્યા તે પહેલાં પણ હિન્દુસ્તાનની પોતાની શિક્ષણ વ્યવસ્થા હતી. પણ તેનો લાભ માત્ર ઉજળિયાત જાતિના છોકરાઓ જ લઈ શકતા. બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલોમાં આજે પણ લગભગ આવી જ સ્થિતિ જોવા મળે છે. હિંદુ છોકરાઓમાંના મોટા ભાગના બ્રાહ્મણ જાતિના હોય છે. એક જમાનામાં જે લોકો યુરોપિયનનો પડછાયો પડે તો ય અભડાઈ જતા હતા એ જ લોકો આજે પોતાના છોકરાઓને બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલોમાં ભણવા મોકલે છે. આ છોકરાઓ સ્કૂલમાં જનોઈ અને ધોતિયું પહેરીને આવે છે અને અંગ્રેજ શિક્ષક સામે હાથ જોડીને ઊભા રહે છે. તેમના બાપદાદાઓએ સપનામાં પણ જોયું નહિ હોય એવું નવું નવું જ્ઞાન તેઓ મેળવે છે. સોસાયટીની સ્કૂલના પરીક્ષા ખંડમાં તમને એ વાતની પ્રતીતિ થાય કે હિન્દુસ્તાનના જુવાન છોકરાઓ બ્રિટિશ શિક્ષણ મેળવીને નવી દિશામાં ધીમેથી પણ મક્કમ પણે પગલાં માંડી રહ્યા છે.

થોડા વખત પહેલાં માસ્ટર બેલ અને માસ્ટર હેન્ડરસનના ક્લાસની પરીક્ષા વખતે હાજર રહેવાની મને તક મળી હતી. માણસનું ચિત્ત કેટલી ઝડપથી નવી નવી જાણકારી આત્મસાત કરી શકે છે એ હું તે વખતે જોઈ શકી. પરીક્ષા આપનારાઓમાં સાતથી વીસ વરસની ઉંમરના છોકરાઓ હતા. ક્લાસમાં મુખ્યત્વે હિંદુ અને પારસી છોકરાઓ જ હતા. હા, થોડા પોર્ટુગીઝ છોકરા પણ ખરા. પણ મુસ્લિમ છોકરો એક પણ નહોતો! નવી પદ્ધતિના શિક્ષણના લાભ હજી એ સમાજના લોકોને સમજાયા નથી. હિંદુ છોકરાઓ મોટે ભાગે બ્રાહ્મણ જેવા સમાજના ઉપલા ગણાતા વર્ગના હતા. ‘અછૂત’ કે શૂદ્ર જાતિનો એક પણ છોકરો નહોતો. કંપની સરકારે આ સ્કૂલો અહીંના દરેક વર્ગના લાભ માટે ઊભી કરી છે. છતાં અત્યારે તો એનો લાભ માત્ર ઉપલા વર્ગના છોકરાઓ જ લઈ શકે છે. આ અંગે પૂછતાં બંને માસ્ટરોએ કહ્યું કે જો અમે નીચલા ગણાતા વર્ગના એક-બે છોકરાને પણ દાખલ કરીએ તો ઉપલા વર્ગના મા-બાપ તરત પોતાના છોકરાઓને સ્કૂલમાંથી ઉઠાડી લે. જો કે બંને માસ્ટરોને એવી પણ ખાતરી હતી કે આ નવા શિક્ષણને પ્રતાપે સમાજમાંથી ધીમે ધીમે ન્યાત-જાતનાં બંધનો ઢીલાં થતાં જશે અને એક દિવસ એવો પણ આવશે કે જ્યારે બ્રાહ્મણ અને બીજી જાતોના છોકરા એક જ પાટલી પર બેસીને તો નહિ, પણ એક જ ક્લાસમાં બેસીને ભણતા હશે. 

મૌખિક પરીક્ષા વખતે દરેક છોકરો સૌથી પહેલો સાચો જવાબ પોતે જ આપે એ માટે આતુર હોય છે ખરો, પણ છોકરાઓ વચ્ચે ઈર્ષા કે અદેખાઈ જોવા મળતાં નથી. જેવો સવાલ પૂછાય કે તરત દરેક છોકરો તેનો જવાબ શોધવા મંડી પડે છે. અને જ્યારે સાચો જવાબ જાણવા મળે ત્યારે એના મોઢા પર આનંદ અને સંતોષ દેખાય છે – પછી ભલે સાચો જવાબ બીજા કોઈએ આપ્યો હોય. સંતોષ સાચો જવાબ મળ્યાનો હોય છે, એ કોણે આપ્યો એ આ છોકરાઓને મન બહુ મહત્ત્વનું હોતું નથી. સ્કૂલ છૂટે પછી બધા છોકરાઓ એક બીજાને ખભે હાથ મૂકી આનંદથી ઘરે જવા નીકળે છે. જે નવું જાણવા મળ્યું હોય તેની ઘરે જતાં રસ્તામાં ચર્ચા કરે છે અને અંગ્રેજીના વિષયમાં વધુ પાવરધા કઈ રીતે થવાય તેની પૂછપરછ કરતા હોય છે.

અત્યારે મુંબઈમાં મેડિકલ કોલેજ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. બોમ્બે પ્રેસિડેન્સીમાં મેડિકલ સાયન્સને ઉત્તેજન આપવા માટે બનતા બધા પ્રયત્નો કરનાર સ્વર્ગસ્થ ગવર્નર સર રોબર્ટ ગ્રાન્ટનું નામ આ મેડિકલ કોલેજ સાથે જોડવાનું નક્કી થયું છે. (ગ્રાન્ટ મેડિકલ કોલેજની શરૂઆત ૧૮૪૫માં થઈ હતી. – દી.મ.) અત્યારે નેટિવ ડિસ્પેન્સરીમાં એનેટોમિકલ પ્રયોગો થાય છે ત્યારે એ જોવા માટે પણ ઘણા ‘દેશી’ છોકરાઓ હાજર હોય છે. સોસાયટીની સ્કૂલમાં ભણવા આવતા છોકરાઓ સમાજના ઉપલા વર્ગમાંથી આવે છે. અત્યારે તો એવી આશા રાખવી રહી કે આ ઉપલા વર્ગના છોકરાઓ પોતે મેળવેલું જ્ઞાન સમાજના બીજાઓ સુધી પણ પહોંચાડશે અને ક્યારેક તેમાં નીચલા ગણાતા વર્ગોનો પણ સમાવેશ થશે.

સોસાયટીની ‘બ્રાંચ’ સ્કૂલો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. હું જ્યારે આવી એક સ્કૂલમાં ગઈ ત્યારે મેં ત્યાં ચારથી દસ વરસની ઉંમરના લગભગ ૩૦૦ છોકરાઓને જોયા. દરેક છોકરો પોતે લાવેલા નાનાકડા પાથરણા પર પલાંઠી વાળીને બેઠો હતો. દરેકના ખોળામાં ચોપડીઓનો ઢગલો હતો. તેમાંનાં મોટા ભાગનાં પુસ્તકો મૂળ અંગ્રેજી પુસ્તકોના મરાઠી કે ગુજરાતીમાં થયેલા અનુવાદોના હતા. ઘણાખરા છોકરાઓએ માથે પાઘડી પહેરી હતી અને ધોતિયા ઉપર કમરબંધ બાંધ્યો હતો. અમે એક છોકરાને તેના પાઠ્ય પુસ્તકમાંથી વાંચી સંભળાવવા કહ્યું તો તેણે તરત જ કશા ક્ષોભ કે સંકોચ વગર વાંચી બતાવ્યું. એ સ્કૂલમાં એક છોકરો તો છેક ત્રાવણકોરથી ભણવા આવ્યો હતો. અગાઉ કર્નલ ફ્રેઝર ત્રાવણકોરમાં સ્કૂલ ચલાવતા હતા ત્યાં એ થોડું ભણેલો. પણ પછી કર્નલ ફ્રેઝરની બદલી થતાં એ સ્કૂલ લગભગ બંધ થઈ ગઈ હતી. કારણ ત્યાંના રાજાને તે ચલાવવામાં ઝાઝો રસ નહોતો. એટલે આ છોકરો આગળ ભણવા માટે ઠેઠ બોમ્બે આવ્યો હતો.

એક જમાનામાં બ્રિટનને ભણાવવાનું કામ રોમન લોકોએ કર્યું હતું. આજે હિન્દુસ્તાનના લોકોને ભણાવવાનું કામ બ્રિટિશ લોકોએ કરવાનું છે. આપણું શાસન લાંબા વખત સુધી હિન્દુસ્તાનમાં ટકાવવું હોય તો પણ અહીંના લોકોને આપણે આજના જ્ઞાન-વિજ્ઞાનથી પરિચિત કરવા જરૂરી છે. ન કરે નારાયણ, ને ક્યારેક આપણી રાજવટ અહીં ન પણ રહે, તો ય આપણે શરૂ કરેલી શિક્ષણ વ્યવસ્થા તો અહીં રહેશે જ અને તેને પરિણામે હિન્દુસ્તાનના લોકો આપણા લોકો સાથે જોડાયેલા રહેશે. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 20 જાન્યુઆરી 2024)

Loading

6 ડિસેમ્બર, 1992ના દિવસનો અયોધ્યાનો આંખો દેખ્યો અહેવાલ …

કિરણ કાપુરે|Opinion - Opinion|20 January 2024

કિરણ કાપુરે

“ન્યાયાધીશ મુજબ હું મુખ્ય સાક્ષી છું, કારણ કે મેં રિહર્સલ જોયું હતું. જેનાથી સાબિત થાય છે કે આ કાવતરું હતું. પ્રિ-પ્લાન હતું બધું. સામે એક મોટી ટેકરી હતી. ટેકરી ઉપર તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તેમની પાસે લોખંડના ગ્રિલ જેવું કોઈ સાધન હતું. જે ટેકરી પર ચારે બાજુ લગાવ્યું હતું. અને તેઓ તે ટેકરી પર ચઢવાનો પ્રયાસ કરતા હતા. ત્યાંથી મારી તસવીર દાખવવાનો મતલબ હતો કે કેવી રીતે તેમણે પકડ બનાવી છે. આ રીત જ તેમણે બાબરી મસ્જિદનો ગુંબજ તોડવામાં ઉપયોગમાં લીધી.” આ શબ્દો છે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના એસોસિએટ એડિટર પ્રવીણ જૈનના. બાબરી મસ્જિદ તોડી પાડવાની તેમણે તસવીરો લીધી છે અને આગલા દિવસે પણ તેઓ અયોધ્યામાં હતા અને તેથી આ કેસમાં તેઓ મુખ્ય સાક્ષી રહ્યા છે.

5 ડિસેમ્બરના રોજ પ્રવીણ જૈને પોતાના કેમેરામાં બાબરી તોડી પાડવાની રિહર્સલ કેદ કરી હતી. ‘ક્વિંટ હિંદી’ ન્યૂઝ પોર્ટલને આપેલી મુલાકાતમાં 4 ડિસેમ્બરના રાતની વાત કરતાં પ્રવીણ કહે છે કે, “એક સાંસદ જે વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયેલા હતા. તેમણે મને સંકેત આપ્યો કે 5 તારીખે તેઓ રિહર્સલ કરશે. મેં એમને પૂછ્યું કે, ‘રિહર્સલ હું શૂટ કરી શકું છું?’ એમણે ‘હા’ કહ્યું; સાથે એમ પણ કહ્યું કે તમારે વિશ્વ હિંદુ પરિષદના સભ્ય બનીને ત્યાં જવું પડશે. 5મીએ હું ભગવો દુપટ્ટો નાંખીને અને તેમણે આપેલું એક આઇ-કાર્ડ લઈને પહોંચ્યો. ત્યાં મેં જોયું કે મેદાનમાં રિહર્સલ ચાલતું હતું. અહીં મને રસપ્રદ વાત એ લાગી કે કોઈ પોતાનો ચહેરો છુપાવી રહ્યા નહોતા. પરંતુ એક વ્યક્તિએ પોતાનો ચહેરો કપડાંથી ઢાંક્યો હતો. તે પોતાની ઓળખ છુપાવી રાખવા માંગતો હતો. અને તે જ માસ્ટર માઇન્ડ હતો.” પછી પ્રવીણ 6 ડિસેમ્બરની વાત કરે છે, “અમે સવારે ત્યાં પહોંચી ગયા. અમને બિલ્લા વગેરે આપવામાં આવ્યા હતા. બે મંચ ત્યાં બન્યા હતા. એક મંચ વી.આઈ.પી. માટે હતો. અડવાણી, જોશી, ઉમા ભારતી, અને બીજા અન્ય વી.આઈ.પી. ત્યાં હતાં. એક બીજો મંચ હતો જ્યાંથી બાબરી મસ્જિદ દેખાતી હતી, ત્યાં અમે પ્રેસવાળા હતા. અચાનક અમે જોયું કે લોકોએ અમને મારવાનું શરૂ કરી દીધું. અને અમારા કેમેરાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો. તેઓ અમારું કામ નષ્ટ કરવા માંગતા હતા. અમે ત્યાંથી ભાગ્યા જ્યાં અડવાણી વગેરે નેતાઓ હતા. મેં અડવાણીને ખુદ કહ્યું કે લોકો મીડિયાવાળાઓને મારે છે, અમને બચાવો. પરંતુ કોઈને અમારી પડી નહોતી. બસ, ‘જયશ્રીરામ’ના નારા લાગી રહ્યા હતા. અને સામે ગુંબજ તૂટી રહ્યું હતું. તેઓને સુપ્રિમ કોર્ટના આદેશની પડી નહોતી.”

અયોધ્યામાં આખરે રામમંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે; અને 22 જાન્યુઆરીના રોજ મંદિર ધૂમધામથી ખુલ્લું મૂકવામાં આવશે. અયોધ્યાની બાબરી મસ્જિદ દોઢ સદી સુધી વિવાદનું કેન્દ્ર રહી અને હિંદુ-મુસ્લિમ પક્ષો પોતપોતાના આસ્થાના પ્રતિક તરીકે આ જગ્યાને પવિત્ર માનતા હતા. હિંદુ પક્ષ બાબરી મસ્જિદને રામજન્મભૂમિ તરીકે ઓળખવાતો. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી અને એ દિવસે ભારતનો રાજકીય ઇતિહાસ કાયમ માટે બદલાઈ ગયો. આ દિવસે અનેક પત્રકારો અને તસવીરકારો અયોધ્યામાં હતા. પ્રવીણ જૈનની જેમ અયોધ્યાથી પ્રકાશિત થતાં ‘જનમોરચા’ નામનું અખબાર વર્ષોથી આ વિવાદ કવર કરતું હતું. સુમન ગુપ્તા એ દિવસે ફૈદાબાદથી અયોધ્યા જતા હતા ત્યારે જોયું કે, “રસ્તામાં અનેક જગ્યાએ કેમ્પ લાગ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ચાલીને અયોધ્યા જઈ રહ્યા હતા. ગાડીઓને રોકીને લોકો તેમાં સવાર થઈને પણ જતા હતા. કારસેવકો લોકોને અટકાવીને સિંદૂર લગાવીને, લાડૂ ખવડાવીને જયશ્રીરામ બોલાવતા.”

એ દિવસે ‘રાષ્ટ્રિય સહારા’ માટે રિપોર્ટીંગ કરનારા રાજેન્દ્ર કુમાર એક મુલાકાતમાં જણાવે છે : “હું સવારે સાત વાગ્યે રામજન્મભૂમિ પરિસરમાં પહોંચ્યો. ત્યાં પરિસરમાં ‘આર.એસ.એસ.’ના લોકોએ પૂજા માટે બેરિકેડિંગ કરીને રાખી હતી. એક બાજુ મહિલાઓને બેસાડવાની હતી. પોલીસ કન્ટ્રોલ રૂમ ત્યાં બનાવવામાં આવ્યો હતો. કેમેરા પણ ત્યાં લાગ્યા હતા, જેના દ્વારા સ્થિતિનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું હતું. મેં ત્યારે ઉમા ભારતી, લાલકૃષ્ણ અડવાણી, કલરાજ મિશ્ર, મુરલી મનોહર જોશી, અશોક સિંઘલ, વિનય કટિયાર આ તમામની તસવીર લીધી. આ આગેવાનો પૂજા ક્યાં થવાની છે એ જોવા માટે પરિસરમાં આવ્યા હતાં. લલ્લૂ મહારાજ જે પછીથી સાંસદ બન્યા તે પણ માનસ ભવનમાં પત્રકારોને ચા પિવડાવી રહ્યા હતા. સવારે 9 વાગ્યાથી જ મિટિંગ શરૂ થઈ ગઈ. એક બાજુ ભાષણ ચાલી રહ્યા હતા અને બીજી તરફ મોટી સંખ્યામાં કારસેવકો આવી રહ્યા હતા. 11 વાગતા સુધીમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ.”

એ દિવસે ‘મરકજ’ અખબાર ચલાવતા પત્રકાર હિસામ સિદ્દીકી પણ અયોધ્યામાં હતા. તેમણે જોયું કે મસ્જિદના પાછળના મેદાનમાંથી કેટલાંક લોકો દોરડાંઓ અને પાવડા લઈને બેઠા હતા. હિસામ મુજબ : “તેઓ મરાઠી બોલી રહ્યા હતા. અમારી સાથે ‘સકાળ’ના પત્રકાર રાજીવ સાબલે હતા. તેમણે એ લોકોને પૂછ્યું કે ‘આ બધું શું છે?’ ત્યારે તે લોકોએ જવાબ આપ્યો કે, ‘તમને થોડી જ વારમાં ખબર પડી જશે!’ જો કે જ્યારે હું લખનઉમાં કારસેવકોને મળ્યો ત્યારે બધું જ સામાન્ય લાગતું હતું. મજાક ચાલી રહી હતી અને તેમણે કહ્યું હતું કે માત્ર સાંકેતિક પૂજા થવાની છે.”

એ દિવસોમાં ‘બી.બી.સી.’ વતી રામદત્ત ત્રિપાઠી નામના પત્રકાર અયોધ્યામાં હતા. તેઓ એક મુલાકાતમાં કહે છે : “30 નવેમ્બરથી માહોલ બગડવા લાગ્યો હતો. કારસેવકોએ ત્યાંની મઝારોને નુકસાન પહોંચાડ્યું હતું. હું અને ‘બી.બી.સી.’ના સાથી પત્રકાર માર્ક ટુલી જ્યારે 6 ડિસેમ્બરના રોજ કારસેવકપુરમ્‌ પહોંચ્યા ત્યારે વિશ્વ હિંદુ પરિષદના નેતા અશોક સિંઘલ સાથે કેટલાંક કારસેવકોએ દુર્વ્યવહાર કર્યો. તેમની સાથે ગાળાગાળી પણ કરી અને કારસેવકોએ કહ્યું કે તમે નેતાગીરી કરીને આ આંદોલનને રાજકીય રીતે ચલાવી રહ્યા છો. અમે તો મસ્જિદ તોડી પાડીશું.”

તે વખતે અયોધ્યાની સ્થિતિ જોતાં કેન્દ્ર સરકારે સેન્ટ્રલ પોલીસ ફોર્સની 200 કંપનીઓ મોકલી હતી. પરંતુ તે કંપનીઓ અયોધ્યાની બહાર ફૈજાબાદમાં હતી. તે કંપનીઓ રાજ્ય સરકારના આદેશની રાહ જોતી રહી. ‘બી.બી.સી.’ના પત્રકાર રામદત્ત ત્રિપાઠી આ સ્થિતિ વિશેની નોંધ આ રીતે કરે છે : “સેન્ટ્રલ ફોર્સને જ્યારે વાયરલેસથી માહિતી મળી તો તેમણે મેજિસ્ટ્રેટથી કહ્યું કે તમે આદેશ આપો, કારણ કે ફોર્સ જાતે ન જઈ શકે. રાજ્ય સરકાર કે ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ તરફથી તેમને કોઈ આદેશ ન આપવામાં આવ્યો. તેમને કહેવામાં આવ્યું કે લાકડી-ગોળીઓ નહીં ચાલે. કોઈ અન્ય રીતે તમે કારસેવકોને અટકાવી શકો તો અટકાવો. આ વાત ‘રેપિડ એક્શન ફોર્સ’ના કમાન્ડર બી.એમ. સારસ્વતે મને જણાવી હતી.”

રામદત્ત અયોધ્યાના એ દિવસની સ્થિતિ વિશે ‘બી.બી.સી.’ સાથેની એક મુલાકાતમાં કહ્યું છે કે, શાંતિ વ્યવસ્થાની જવાબદારી ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ અને પોલીસની હોય છે. તેમણે કોઈને ય પૂછવાની જરૂર નહોતી. પરંતુ તેઓ વાટ જોઈને બેસી રહ્યા કે મુખ્ય મંત્રી શું કહે છે, બી.જે.પી.ના નેતા શું કહે છે. એ વાત સ્પષ્ટ દેખાતી હતી કે પ્રશાસન નિર્ણય લેવામાં સક્ષમ નહોતું અને તેમની અંદર ઇચ્છાશક્તિ નહોતી. જિલ્લા ન્યાયાધીશ પ્રેમ શંકર ડ્યૂટી પર હતા અને 6 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગ્યે તેમણે રિપોર્ટમાં સ્થિતિ સામાન્ય છે તેમ દાખવ્યું છે. કેન્દ્ર સરકારે મોકલેલી ટુકડીઓ ત્યાં પહોંચી જ ન શકી અને ચાર-પાંચ સુધી બાબરી મસ્જિદના ગુંબજને તોડી પાડવામાં આવ્યો. ઉમા ભારતીની એક તસવીર તે દિવસોમાં અખબારોમાં પ્રકાશિત થઈ હતી. તે ખુશીનો એકરાર કરતા મુરલી મનોહર જોશીના પીઠ પર ચઢી ગયાં હતાં. જો કે તે દિવસે અયોધ્યામાં રિપોર્ટીંગ કરનારા પત્રકારો એ નોંધે છે કે, જ્યારે ગુંબજ તોડી પડાયા ત્યારે સાંજ સુધી કોઈ પણ નેતાને તેની આસપાસ જોવામાં નહોતા આવ્યા.

અયોધ્યાના વિવાદ વિશેના અઢળક પુસ્તકો અને અખબારી અહેવાલો મોજૂદ છે. આ ઘટનાને ત્રીસ વર્ષ થઈ ચૂક્યા છે અને તે જગ્યાએ જ્યારે નવો અધ્યાય લખવા જઈ રહ્યો છે ત્યારે માત્ર એટલું જોવું રહ્યું કે તે દિવસે અયોધ્યામાં રહેનારા આગેવાનોનો રાજકીય ક્ષેત્રમાંથી અસ્ત થઈ ચૂક્યો છે; અને તેમનાં નામ વિના નવા મંદિરનો કાર્યક્રમ થાય તો નવાઈ નહીં.

e.mail : kirankapure@gmail.com

Loading

‘આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા’ અને અયોધ્યા :

કિરણ કાપુરે|Opinion - Opinion|20 January 2024

બી.બી. લાલ અને કે.કે. મોહમ્મદની ભૂમિકા અને મંતવ્ય

બી.બી. લાલ

રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ‘આર્કિયોલોજીકલ સરવે ઓફ ઇન્ડિયા’ના પૂર્વ ડિરેક્ટર જનરલ બ્રજબસી લાલને યાદ કરવા જોઈએ. બ્રજબસી લાલ ‘બી.બી. લાલ’થી ઓળખાતા હતા; અને તેમણે જ પહેલીવાર બાબરી મસ્જિદની સાઇટ પર ઉત્ખનન કર્યું હતું, જેમનું અવસાન ગત વર્ષે થયું હતું. યુનેસ્કોની વિવિધ સમિતિમાં સ્થાન પામનારા બી.બી. લાલનું આર્કિયોલોજિસ્ટ તરીકેની કારકિર્દી આરંભાઈ ત્યારે તેમનું લેખનમાં તટસ્થતા ઝળકતી હતી અને તેમણે ‘આર્કિયોલોજીકલ સરવે ઓફ ઇન્ડિયા’ મેગેઝિન ‘એન્સિઅન્ટ ઇન્ડિયા’માં લખેલાં લખાણો તેની સાબિતી છે. પરંતુ 1990 આવતાં સુધીમાં તેઓ ‘ભગવા પુરાતત્વવિદ્’ તરીકે ઓળખાવા લાગ્યા, જેનું એક કારણ અયોધ્યામાં તેમણે કરેલું ઉત્ખનન હતું. 1944ના અરસામાં યુવાન વયે લાલ સ્કૂલ ઑફ આર્કિયોલોજી ખાતે ટ્રેઇન થયા; ત્યારે આ વિભાગ સંભાળનારા ઇંગ્લેન્ડના જાણીતા પુરાતત્વવિદ્ મોર્ટીમર વ્હીલર હતા. મોર્ટીમર વ્હીલરની હાથ નીચે પંજાબ, તક્ષશીલા અને હડપ્પા સાઇટ પર તૈયાર થનારા અનેક વિદ્યાર્થીઓ તે પછી ‘આર્કિયોજીકલ સરવે ઓફ ઇન્ડિયા’માં ઉચ્ચ પદે બિરાજ્યા, તેમાંના એક બી.બી. લાલ પણ હતા.

બી.બી. લાલે 1990માં ભા.જ.પ. સાથે સંકળાયેલા ‘મંથન’ નામના મેગેઝિનમાં ‘ઓરિજનલ લાઇ’ એટલે ‘અસલ જુઠ્ઠાણું’ એ નામે એક લેખ લખ્યો હતો અને તે લેખથી ખાસ્સો વિવાદ જન્મ્યો હતો. ‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલ પરના આ સંબંધિત લેખમાં હુમરા લઇક લખે છે કે, ‘1977 દરમિયાન બાબરી મસ્જિદમાં કરેલા ઉત્ખનનમાં બી.બી. લાલને કોઈ મંદિરના પુરાવા નહોતા મળ્યા, પરંતુ તે પછીના દસ વર્ષ પછી તેઓ તે સ્થળે મંદિરના પિલ્લર હોવાની વાત લઈ આવે છે. ઘણાંનું કહેવું છે કે બી.બી. લાલને 1977 દરમિયાન ‘એ.એસ.આઈ.’ના રિપોર્ટમાં અયોધ્યામાં ઉત્ખનન રસ વિનાનું લાગતું હતું. પરંતુ 1989માં તેમને આ જ સાઇટ પર પિલ્લર દેખાયા અને એક વર્ષમાં જ તેમણે મંદિરના પાયા હોવાનું નિવેદન આપ્યું. અને 2008માં તો તેમણે મંદિરના બાર પિલ્લરની અને સાથે સાથે હિંદુ દેવતાની મૂર્તિની વાત પણ કહી. બી.બી. લાલનું આ કાર્ય કોઈ પણ એકેડેમિક જર્નલે પ્રકાશિત કર્યું નથી. સામાન્ય રીતે આ પ્રકારના જર્નલમાં પુરાવા સાથે વાત રજૂ થાય છે.

બી.બી. લાલની અંતર્ગત કે.કે. મોહમ્મદ આર્કિયોજિસ્ટ તરીકેની ટ્રેનિંગ મેળવી અને તે પછી કે.કે. મોહમ્મદ અયોધ્યામાં ઉત્ખનન કરવા માટેના મહત્ત્વના પદાધિકારી બન્યા. કે.કે. મોહમ્મદનું નામ આજે ભારતીય પુરાતત્વવિદમાં જાણીતું છે અને તેઓ પણ અયોધ્યા સંદર્ભે અનેકવાર ખુલીને બોલ્યા છે. હાલમાં તેમણે ‘લલ્લનટોપ’ ન્યૂઝ પોર્ટલને આપેલી મુલાકાત અયોધ્યા વિશે કહ્યું હતું કે, “અમે 1976-77માં જ્યારે અયોધ્યામાં ઉત્ખનન માટે ગયા ત્યારે અમે ઉત્ખનન કરવા અગાઉ આસપાસ બધું જ તપાસી લઈએ છીએ. અમે પહેલાં આસપાસ જોઈને એવું નક્કી કરીએ છીએ કે આની નીચે કશુંક હોઈ શકે કે નહીં? એ સમયે ટેકનોલોજી વિકસિત નહોતી. અમે એ વખતે મસ્જિદ ગયા તો તે વખતે મસ્જિદ પર તાળું હતું. એક પોલીસ જવાન ત્યાં હતો. ત્યારે આ વિવાદ મોટો નહોતો. અમે સુરક્ષા કરનારા પોલીસને કહ્યું કે અમે વિદ્યાર્થીઓ સંશોધન કરવા આવ્યા છે, તો તેમણે કહ્યું કે તમે અંદર જઈ શકો છો. અમે અંદર જઈને જોયું તો મસ્જિદ પિલ્લર્સ છે, તે જ મંદિરના હતા. તો કોઈને પ્રશ્ન થશે કે આ કેવી રીતે કહી શકો છો કે આ મંદિરના પિલ્લર્સ છે. અમે એના માટે જ ટ્રેઇન થયેલા છીએ. અમે આ પ્રકારના કિસ્સામાં કોઈ વૈજ્ઞાનિક તપાસ વિના બતાવી શકીએ કે સ્થાપત્ય બારમી સદીનું છે કે પંદરમી સદીનું છે, તે અકબર કાળનું છે કે જહાંગીર કાળનું. નિર્માણની શૈલી, ડિઝાઈન અને મટિરિયલના આધારે અમે તે દર્શાવી શકીએ છીએ. અંદર જઈને અમે જોયું તો મંદિરના જે પિલ્લર હતા તેને જ મસ્જિદમાં ફરી ઉપયોગમાં લેવાયા છે.”

કે.કે. મોહમ્મદ આગળ કુતુબમિનાર અને તેની પાસે આવેલી કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદનો ઉલ્લેખ કરીને ત્યાંના લખાણની વાત કરતાં કહે છે કે, “અગિયારમી સદીમાં અહીં 27 મંદિરોને તોડી પાડીને આ મસ્જિદ નિર્માણ કરવામાં આવી હતી. અને તે દરમિયાન દેવતાઓની મૂર્તિ પણ તોડી પાડવામાં આવી હતી. તેમાં આજે પણ ગણેશ અને શિવની મૂર્તિ જોઈ શકાય છે. ઇતિહાસમાં એક વાત આપણે સમજવી જોઈએ કે કેટલીક ભૂલો થઈ ચૂકી છે. મુસ્લિમોએ આ ભૂલને સ્વીકારવી જોઈએ. જો કે હું એમ પણ કહીશ કે વર્તમાન સમયના મુસ્લિમો આ ભૂલ માટે જવાબદાર નથી. પરંતુ આ બાબતને તેઓ યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરે છે ત્યારે હું તેમને જવાબદાર ગણીશ. તેઓ બે રીતે આ વાતને યોગ્ય ઠેરવે છે કે, તે વખતના બધા જ હિંદુ મુસ્લિમ થઈ ગયા તો તેમણે પોતાનું જ મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવી દીધી. આ પ્રથમ તર્ક છે. અને કોમ્યુનિસ્ટ પક્ષકારો બીજો તર્ક એ રીતે મૂકે છે કે, સોના અને ચાંદીનો ભંડાર મંદિરના નીચે હતા અને એટલે જ મંદિરને ટારગેટ બનાવવામાં આવ્યા.”

બી.બી. લાલના આગેવાનીમાં ઉત્ખનન કરનારા કે.કે. મોહમ્મદ આ વાત ખોંખારીને કહે છે અને તેમણે તે સંબંધિત પુસ્તક પણ લખ્યું છે. પરંતુ ‘ધ વાયર’ ન્યૂઝ પોર્ટલ પર બી.બી. લાલની કામગીરી પર અનેક પ્રશ્નાર્થ ખડા કરે છે. 1950-52માં તેમણે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો તેનું નામ હતું ‘આર્કિયોલોજી ઓફ ધ મહાભારત સાઇટ્સ’. આ પ્રોજેક્ટમાં તેમણે બનાવા, પાણીપત, કુરુક્ષેત્ર અને મથુરાના કેટલાંક સ્થળોને મહાભારતના કાળ સાથે જોડી. અને બુદ્ધ પહેલાના સમયના માટીકામ જે મહાભારત સાથે જોડી દીધું હતું. જો કે આ બધું જ લખાણ જ્યારે બી.બી. લાલે કર્યું ત્યારે તેમાં ઠોસ પુરાવાની કમી હતી. એ પ્રમાણે જ તેમણે શિમલા સ્થિત ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓ એડવાન્સ સ્ટડીઝ’ અને ‘એ.એસ.આઈ.’ સાથે મળીને આર્કિયોલોજીકલ ઓફ ધ રામાયણ સાઇટ્સનું સંશોધન શરૂ કર્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત કામ પણ શરૂ થયું, જો કે તે વિશેનો અહેવાલ ક્યારે ય પ્રકાશિત ન થયો.

બી.બી. લાલનું જે મહત્ત્વનું કાર્ય છે તેમાં ચોથી સદીના જૈન સ્થાપત્યો છે અને પહેલી-બીજી સદીના રોમન ઘરેણા છે. તેમના આ કાર્યોમાં અયોધ્યાનો ઉલ્લેખ વેપારી માર્ગ તરીકે થયો છે અને તદ્ઉપરાંત બહુસાંસ્કૃતિક સ્થળ તરીકે. તેમાં ક્યાં ય હિંદુ મંદિરનો ઉલ્લેખ નથી. આ રીતે તેમણે પછી પણ આર્કિયોલોજિલ ક્ષેત્રમાં ભેળસેળ કરી છે અને અંગ્રેજી અખબારોમાં તેમના આ પ્રકારના કાર્ય વિશે ખૂલીને લખાયું પણ છે. તેના બધા જ ઉદાહરણ અહીંયા ટાંકવા સંભવ નથી, પણ બી.બી. લાલે જે કાર્ય કર્યાં છે તેના પર પ્રશ્નો ખડા થયા છે.

બી.બી. લાલના અયોધ્યા સંબંધિત કામ અંગે કે.કે. મોહમ્મદ જણાવે છે કે “1990ના અરસામાં જ્યારે અયોધ્યાનો મુદ્દો વિવાદિત બન્યો ત્યારે તે વખતના સામ્યવાદી વિચારધારા ધરાવનારા ઇરફાન હબીબ સહિતના ઇતિહાસના પ્રોફેસરોએ એ વાત મૂકી કે બી.બી. લાલ અને તેમની ટીમને બાબરી મસ્જિદથી કોઈ પણ મંદિરના પુરાવા મળ્યા નથી. તે વખતે લાલસાહેબને પોતાને ડિફેન્ડ કરવા પડ્યા. અમે ત્યાં ઉત્ખનન કર્યું છે અને ત્યાં મંદિર સંબંધિત ઘણી ચીજવસ્તુઓ મળી છે. અને અમને મંદિરના પિલ્લર્સ પણ મળ્યા છે. તેમનો સપોર્ટ કરનારા કોઈ નહોતા. તે વખતે હું મદ્રાસમાં કામ કરતો હતો. હું એ.એસ.આઈ.માં ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ હતો અને ત્યારે મેં એક નિવેદન આપ્યું હતું, જે તે વખતે નહોતું આપવું જોઈએ – બી.બી. લાલને મંદિરના અવશેષ ત્યાં મળ્યા છે. અને તે પૂરા ઉત્ખનનમાં હું માત્ર એક મુસ્લિમ હતો. આ સ્થળ જેમ મુસ્લિમો માટે મક્કા-મદિના છે તેમ હિંદુ માટે છે. તેથી મુસ્લિમોએ આ સ્થળ હિંદુઓને આપી દેવું જોઈએ.

‘આર્કિયોલોજીકલ સરવે ઓફ ઇન્ડિયા’ જેવાં વિભાગોએ ખરેખર તો આવા વિવાદીત મુદ્દામાં લોકોની સમજ સ્પષ્ટ થાય તે રીતે કાર્ય કરવું જોઈએ, પણ અયોધ્યાના કિસ્સામાં તેમ થયું હોય તેવું દેખાતું નથી.

e.mail : kirankapure@gmail.com 

Loading

...102030...822823824825...830840850...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved