Opinion Magazine
Number of visits: 9741952
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દયાનંદની દ્વિશતાબ્દી અને આર્યસમાજની સાર્ધ શતાબ્દી સંદર્ભે થોડી વાતો 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|21 February 2024

ખરેખર તો શાહુ મહારાજ સરખા આર્યસમાજ–મિત્રની સાખે તેમ એક અર્થમાં કજાત આર્યસમાજીની સાખે સહવિચારનો મળતાં મળે એવો આ અવસર છે

પ્રકાશ ન. શાહ

દ્વિશતાબ્દીનું નિમિત્ત પકડીને સ્વામી દયાનંદ સરસ્વતીની સ્મૃતિ સંકોરવા અને ઢંઢેરવાની ઠીક તક આર્યસમાજના સહયોગથી ભા.જ.પ. સરકારે ઝડપી છે. દયાનંદનાં બસો વરસની વાંસોવાંસ આર્યસમાજની સ્થાપનાનાં એકસો પચાસ વરસ(2025)નોયે અવસર બારણાં ખટખટાવી રહ્યો છે. સ્વાભાવિક જ ‘વેદ’ અને ‘આર્ય’ ઓળખના અનુસંધાનમાં દેશના હાલના સત્તા-પ્રતિષ્ઠાનને સવિશેષ રસ હોય તે પણ સમજી શકાય એમ છે.

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની પદસહજ દબદબાભરી સામેલગીરી ઉપરાંત ગુજરાતને તો એક આર્યસમાજી રાજ્યપાલનોયે લાભ મળેલો છે. ટંકારામાં તીર્થ વિકાસ સાથે ગુજરાતમાં જન્મી પંજાબમાં પ્રકાશેલા સ્વામી વતનમાંયે સુપ્રતિષ્ઠ થશે. આવે પ્રસંગે જો કે રસમી રાબેતો છે તેમ એકશ્વાસે ઓગણીસમી સદીમાં દયાનંદ અને વીસમી સદીમાં ગાંધીજી, એ પરંપરામાં એકવીસમી સદીમાંયે ચોક્કસ ધન્યનામ લેવાતું સંભળાય તો છો સંભળાતું : આપણે તો નાગરિક છેડેથી ઇતિહાસદૃષ્ટિપૂર્વક દયાનંદના જીવનકાર્યને સ્વરાજપરંપરા સાતત્ય અને શોધન, રિપીટ, શોધનપૂર્વક આગળ ચલાવવી રહે છે.

દયાનંદની વિશેષતા એમણે સ્થાપિત વાનાંને વિવેકદૃષ્ટિપૂર્વક પડકાર્યાં તપાસ્યાં એ વિગતમાં પડેલી છે, અને ઊહાપોહભેર તેઓ એને આનુષંગિક કાર્યવાહીમાં ગયા તે અક્ષરશ: એક શગ ઘટના છે … શિવલિંગ પર રમણે ચઢેલ ઉંદર કે વૃક્ષ પરથી પડતું સફરજન, એકાદ દયાનંદ અગર ન્યૂટનને કેવી નવી ક્ષિતિજોના ખોલનાર બનાવી દે છે, નહીં?

સ્વામી દયાનંદ સરસ્વતી

ઉંદર ઘટના ને મૂર્તિપૂજાનિષેધ દયાનંદના જીવનની તરત ધ્યાન ખેંચતી બાબતો જરૂર છે, પણ એની પાછળ રહેલો મોટો મુદ્દો ધરમક્ષેત્રે તેમ જીવનમાં સર્વ સ્તરે પાખંડ મદ મર્દનનો રહેલો છે. ધર્મશાસ્ત્રો ને ધર્મસંસ્થાનોનાં જે જાળાંબાવાં તે સઘળાં સાફ કરી નાખતા ઝંડા ને ઝાડુની અવતારભૂમિકા એમની હતી તે હતી.

1857 સાથેના એમના સંબંધ વિશે કહેવાતું રહે છે. કૌતુકમિશ્રિત આદરની આ નિરૂપણા સાથે જે યાદ કરવું ગમે તે તો એ કે મીઠાના જુલમી કર સામે એમણે અવાજ ઉઠાવ્યો હતો. દલિત ઉદય, વિધવા પુનર્વિવાહ, સ્ત્રીશિક્ષણ એ બધી એમની ધર્મભૂમિકામાં રહેલ જાહેર જીવનની અભિન્ન ઓળખ હતી. સંસ્કૃતની મેડીએથી એ હિંદી મોઝાર ઊતરી આવ્યા તે પણ એમનો વિવેક દર્શાવે છે. વેદ પ્રામાણ્ય આજની તારીખે અતિરેકી લાગે, અવશ્ય અતિરેકી લાગે, પણ વેદોમાં વર્ણભેદ ને લિંગભેદ નથી એવું એમનું પ્રતિપાદન (દેખીતાં પાછાં જવા સાથે) નવા જમાનાની નાંદી શું છે, તે પણ નિ:શંક.

હિંદુત્વ રાજનીતિના ચાહકોને દયાનંદ નજીકના (કે ખપના) લાગતા હોય તો તે સંભાવના સ્વીકારીને પણ જરા જુદી રીતે વિચારવાની ને જોવાની જરૂર નથી એમ નથી. ‘ગીતારહસ્ય’કાર ટિળકને કોલ્હાપુરના ભોંસલે રાજવંશી શાહુ મહારાજને વેદપઠનનો અધિકાર નથી એવો સનાતની ધર્મનિર્ણય માન્ય હોઈ શકતો હતો, એને મુકાબલે દયાનંદનો અભિગમ ગુણાત્મકપણે જુદો પડે છે. રાજકારણમાં જહાલ અને સંસાર સુધારામાં મવાળના પણ મવાળ એવા દયાનંદ તમે કલ્પી શકતા નથી.

લાલા લાજપતરાય સરખા રાજનેતાથી માંડી રામપ્રસાદ બિસ્મિલ ને અશફાક ઉલ્લાખાં સરખા ક્રાંતિકારીઓ – અરે ભગત સિંહ પણ – આર્યસમાજના સંસ્કારે પ્લાવિત હતા. બિસ્મિલ ને અશફાકની અભિન્ન મિત્રબેલડી સારુ તો શાહજહાંપુર આર્યસમાજ જાણે કે પિયરઘર હતું!

લાજપતરાય અને ભગત સિંહને મિશે બે શબ્દો જરી જુદેસર કહેવા જરૂરી સમજું છું. લોહિયા જેમ પોતાને કજાત ગાંધીવાદી કહેતા તેમ કદાચ કજાત આર્યસમાજી જેવા અગ્નિવેશ પાસેથી સાંભળ્યું છે કે સ્વામીજીના ગયા પછી આર્યસમાજમાં બે ભાગ પડી ગયા જેવું હતું : સુખી વર્ગ અંગ્રેજ સરકારને સાચવી લેવાની રીતે માત્ર ‘ધાર્મિક ઓળખ’ જ પસંદ કરતો.

જેલમાંથી છૂટીને આવેલા લાજપતરાયનું સ્વાગત સરઘસ રખે ને લાલાજી આર્યસમાજી હોવાને નાતે આપણે ત્યાં પ્રવેશે એ બીકે લાહોર આર્યસમાજે પોતાનાં બારણાં ભીડી દીધાં હતાં અને આગળ ચાલતાં સાવચેતી ખાતર લાલાજીનું નામ પોતાના રજિસ્ટરમાંથીયે કાઢી નાખ્યું હતું.

આર્યસમાજના જહાલ સંસ્કારે ભગત સિંહ સારુ માર્ક્સ વિચારનાંયે દ્વાર ખોલી નાખ્યાં હતાં એવું અગ્નિવેશનું અવલોકન હતું. એમણે મને કહ્યું કે આપણું સંમત થવું જરૂરી નયે હોય, પણ મારો નિર્દેશ આર્યસમાજની ક્રાંતિકારી સંભાવનાઓ ક્યારેક ટુંપાઈ ગઈ અને બેસતે સ્વરાજે તો, 1951-52માં દિલ્હીમાં હનુમાન રોડ પરના આર્યસમાજ બિલ્ડિંગમાં જનસંઘની સ્થાપના બેઠક મળી શકે એ અનવસ્થા ભણી છે.

શાહુ મહારાજને સુધાર સંભાવનાવશ આર્યસમાજ પ્રિય થઈ પડ્યો હતો. દલિતોત્થાનનું એનું વલણ એમને ગમતું હતું. દલિતો સાથે વાત કરવાનું બને ત્યારે આર્યસમાજ અને આંબેડકર બેઉને એ અચૂક સંભારતા. આંબેડકરને પોતે ઉચ્ચ શિક્ષણની સુવિધા આપી શક્યા એનો આનંદ એમને હશે, પણ એ દલિતોને આંબેડકરને અનુસરવા કહેતા એવો એમનો આદરભાવ પણ હતો. 

1918માં નવસારી સંમેલનમાં ને 1920માં ભાવનગર પરિષદમાં શાહુ મહારાજે આર્યસમાજની સુધાર ચળવળની સુંડલામોંઢે પ્રશંસા કરી હતી તે આ લખતી વેળાએ સાંભરે છે.

ખરું જોતાં આર્યસમાજને માટે આ અવસર એના અસલનેરના નૂરને નવસંસ્કરણભેર ઝકઝોરવા અને ઝંઝેડવાનો છે. આજે સત્તા-પ્રતિષ્ઠાન તરફથી પોતાનાં ચોક્કસ કારણોસર સ્વામી દયાનંદ સરસ્વતીની દ્વિશતાબ્દીના અવસરે ગાજોવાજો ને તામઝામ હાજરાહજૂર છે. આ સુવિધા સહજક્રમે આર્યસમાજની સાર્ધ શતાબ્દી લગી લંબાઈ પણ શકે. ત્યારે વળી રા.સ્વ.સંઘનો શતાબ્દીજોગ પણ હશે.

આ કશાની મૂઠ ન વાગે એ રીતે ઉજવણાંથી ઉફરાટે આર્યસમાજ અને એના ચાહકો સત્તા-પ્રતિષ્ઠાનની શેહ વગર પોતાની ક્રાંતિકારી શક્યતાઓ કંઈકે ખીલવી શકે તો એથી રૂડું શું. કેટલીક કેવિયટ સાથે 2024ની 22મી જાન્યુઆરીને જો નવપ્રસ્થાનબિંદુ તરીકે સ્વીકારીએ તો એનાં કેટલાંક પગલાં સ્વામીચીંધ્યાં જરૂર હોઈ શકે … શરત માત્ર એટલી કે આપણે નવા જમાનામાં છીએ એનાં ઓસાણ કદાપિ ન છૂટો!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 21 ફેબ્રુઆરી 2024

Loading

ગરવી ભાષા ગુજરાતી

ભરત ગોસ્વામી "ભાવુક"|Opinion - Opinion|20 February 2024

પ્રાંત  પ્રમાણે બદલાતી,

ગરવી ભાષા ગુજરાતી,

જગતમાં ગર્વથી ફેલાતી

ગરવી ભાષા ગુજરાતી,

સ્વાદ દાદમાં વખણાતી,

ગરવી ભાષા ગુજરાતી,

મા મુખે મીઠાશ લાવતી

ગરવી ભાષા ગુજરાતી,

સંગીતમાં શિરમોર થાતી

ગરવી ભાષા ગુજરાતી,

સામી  છાતીએ ટકરાતી

ગરવી  ભાષા ગુજરાતી,

ધર્મની ધજા લહેરાવતી

ગરવી ભાષા ગુજરાતી,

‘ભાવુક’ ભાવ દર્શાવતી

ગરવી ભાષા ગુજરાતી.

અંજાર કચ્છ
e.mail : bharatgpswami00@gmail.com

Loading

ચૂંટણી બોન્ડ ક્લીન બોલ્ડ : સરકાર વટહુકમ પણ લાવી નહિ શકે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 February 2024

રાજ ગોસ્વામી

2024ની લોકસભાની ચૂંટણીના બે મહિના પહેલાં, કેન્દ્ર સરકારને એક મોટો ઝટકો વાગ્યો છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે, સરકારની મહત્ત્વાકાંક્ષી ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવીને રદ્દ કરી નાખી છે. તેને એપ્રિલ 2019થી લાગુ કરવામાં આવી હતી. કોર્ટે રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડમાંથી મળેલું ભંડોળ પરત કરવાનો આદેશ પણ કર્યો છે.

કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને કહ્યું છે કે 12 એપ્રિલ, 2019થી અત્યાર સુધી ચૂંટણી બોન્ડ કોણે કેટલી રકમનાં ખરીદ્યા છે તેની માહિતી આપે. આ માહિતી પહેલાં ચૂંટણી પંચને આપવામાં આવશે. આ માહિતી પછી જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોર્ટે કહ્યું કે ચૂંટણી બોન્ડની આવી ખરીદીથી માત્ર કાળાં નાણાંને પ્રોત્સાહન મળશે.

પાંચ સભ્યોની બેંચ વતીથી સર્વસંમતીથી ચુકાદો આપતાં, ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ડી.વાય. ચંદ્રચુડે કહ્યું હતું, “પ્રાથમિક સ્તરે, રાજકીય દાન આપનારાઓને સત્તાની નજીક જવા મળે છે. તેમની આ પહોંચ નીતિ નિર્માણ પર પણ પ્રભાવ પાડી શકે. એ વાતની પણ સંભવાના છે કે ધન અને રાજનીતિ વચ્ચે સાંઠગાંઠના કારણે રાજકીય પક્ષ અને દાનકર્તા વચ્ચે પરસ્સ્પર લાભની વ્યવસ્થા નિર્માણ થશે.”

આ બોન્ડ યોજના અને તેની તમામ જોગવાઈઓને સાગમટે રદ્દ કરીને સુપ્રીમ કોર્ટે કોઈ વૈકલ્પિક ફંડિંગ યોજના સૂચવી નથી. તેનો અર્થ એ થયો કે ચૂંટણી બોન્ડ પહેલાંની રોકડ દાન અથવા કોર્પોરેટ દાનની વ્યવસ્થા પાછી આવશે.

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લોકતાંત્રિક હિસ્સેદારીને પ્રોત્સાહન આપતી તમામ માહિતી નાગરિકો માટે ઉપલબ્ધ હોવી જોઈએ. આ જ કારણથી જ મતદારોને ચૂંટણીના ઉમેદવારોની વ્યક્તિગત વિગતો આપવામાં આવે છે, જેથી તેઓ ઉચિત નિર્ણય લઇ શકે. આવી માહિતી જાહેર કરવાથી ઉમેદવારો અને તેમના પરિવારોની ગોપનિયતાના અધિકારનું ઉલ્લંઘન થાય છે તેવો તર્ક આપી શકાય, પરંતુ જાહેર હિતમાં એવું કરવું વધુ જરૂરી હોય છે.

ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો વિશેની અંગત માહિતી જાહેર કરવાની જોગવાઈને રાજકીય પક્ષો સુધી વિસ્તારી શકાય છે. મત આપતી વખતે મતદાર ઉચિત પક્ષને પસંદ કરી શકે તે માટે તેને રાજકીય પક્ષોના ભંડોળ વિશેની માહિતી હોય તે જરૂરી છે.

30 ઓક્ટોબરના રોજ, સુનાવણી શરૂ થયાના એક દિવસ પહેલાં, ભારતના એટર્ની જનરલ આર. વેંકટરમાનીએ આ યોજનાને ટેકો આપ્યો હતો અને સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે આ યોજના રાજકીય પક્ષોને અપાતા દાનમાં “સ્વચ્છ નાણાં”ના ઉપયોગને પ્રોત્સાહન આપે છે.

એટર્ની જનરલે એવી પણ દલીલ કરી હતી કે નાગરિકોને વાજબી પ્રતિબંધો વગર બધું જાણવાનો અધિકાર ન હોઈ શકે. તેનો સંદર્ભ એવી દલીલ સાથે છે કે રાજકીય પક્ષોએ દાન તરીકે તેમને કેટલા પૈસા મળ્યા છે તેની વિગતો જાહેર કરવી જોઈએ.

2019માં, સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં ચૂંટણી પંચે કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ રાજકીય ભંડોળમાં પારદર્શિતાને ખતમ કરી નાખશે અને વિદેશી કોર્પોરેટ સત્તાઓ તેનો ઉપયોગ ભારતીય રાજકારણને પ્રભાવિત કરવા માટે કરશે. ચૂંટણી પંચે એમ પણ કહ્યું હતું કે કેટલા ય મુખ્ય કાયદાઓમાં સુધારાના પગલે ફક્ત રાજકીય પક્ષોને ભંડોળ આપવાના હેતુથી જ શેલ કંપનીઓઓ ખોલવાની સંભાવના વધશે.

ચૂંટણી બોન્ડ એ રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડવા માટે વપરાતું નાણાંકીય સાધન છે. તે એક વચન પત્ર જેવું છે જે ભારતનો કોઈપણ નાગરિક અથવા કંપની ભારતીય સ્ટેટ બેંકની પસંદગીની શાખાઓમાંથી ખરીદી શકે છે અને તેમની પસંદગીના કોઈપણ રાજકીય પક્ષને અજ્ઞાત રૂપે દાન કરી શકે છે. 

ભારત સરકારે 2017માં ચૂંટણી બોન્ડ યોજનાની જાહેરાત કરી હતી, અને 29 જાન્યુઆરી, 2018ના રોજ લાગુ કરી હતી. આ યોજના હેઠળ, ભારતીય સ્ટેટ બેંક રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડવા માટે બોન્ડ જારી કરતી હતી. જેની પાસે બેંકમાં ખાતું હોય અને કેવાયસીની વિગતો ઉપલબ્ધ તેવી કોઇપણ વ્યક્તિ તેને ખરીદી શકતી હતી. ચૂંટણી બોન્ડમાં ચુકવણીકારનું નામ નથી હોતું. 

આ યોજના હેઠળ, ભારતીય સ્ટેટ બેંકની નિયુક્ત શાખાઓમાંથી 1,000 રૂપિયા, 10,000 રૂપિયા, એક લાખ રૂપિયા, દસ લાખ રૂપિયા અને એક કરોડ રૂપિયાનાં મૂલ્યના ચૂંટણી બોન્ડ ખરીદી શકાતા હતાં. ચૂંટણી બોન્ડની માન્યતા 15 દિવસની હતી, જે દરમિયાન તેનો ઉપયોગ ફક્ત લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ નોંધાયેલા રાજકીય પક્ષોને દાન આપવા માટે થઈ શકતો હતો.

આ યોજનાની શરૂઆત કરતી વખતે સરકારે કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ દેશમાં રાજકીય ભંડોળની વ્યવસ્થાને સાફ કરશે. અર્થાત્‌ કાળું નાણું અને ભ્રષ્ટાચાર દૂર કરશે. જો કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં વારંવાર મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે ચૂંટણી બોન્ડમાં દાતાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે તેનાથી તો કાળાં નાણાંને પ્રોત્સાહન મળી શકે છે. એવી પણ ટીકા થઇ હતી કે આ યોજનાની રચના મોટા કોર્પોરેટ ગૃહોને તેમની ઓળખ જાહેર કર્યા વિના નાણાં દાનમાં આપવામાં મદદ કરવા માટે કરવામાં આવી હતી. 

આ યોજનાને પડકારતી બે અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પ્રથમ અરજી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને બિનનફાકારક સંગઠન કોમન કોઝ દ્વારા 2017માં સંયુક્ત રીતે દાખલ કરવામાં આવી હતી અને બીજી અરજી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી) દ્વારા 2018માં દાખલ કરવામાં આવી હતી. 

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે આ યોજના ભારતીય અને વિદેશી કંપનીઓ માટે રાજકીય પક્ષોને અમર્યાદિત રીતે પૈસા આપવાનો દરવાજો ખોલે છે, જેનાથી દેશમાં મોટા પાયે ચૂંટણી ભ્રષ્ટાચારને કાયદેસરતા મળી છે.

ભારતીય રિઝર્વ બેંકે પણ વારંવાર ચેતવણી આપી હતી કે ચૂંટણી બોન્ડનો ઉપયોગ કાળું નાણું, મની લોન્ડરિંગ અને સરહદ પારની છેતરપિંડીઓને પ્રોત્સાહન આપવા માટે થઈ શકે છે. ચૂંટણી બોન્ડ્સને “અપારદર્શક નાણાંકીય સાધન” ગણાવતા આર.બી.આઈ.એ કહ્યું હતું કે આ બોન્ડ્સ ચલણની જેમ ઘણી વખત હાથ બદલે છે, તેથી તેની ગુપ્તતાનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થઈ શકે છે.

અરજીઓમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચૂંટણી બોન્ડ યોજનાને છુપી રાખવાથી નાગરિકોના “જાણવાના અધિકાર”નું ઉલ્લંઘન થાય છે. અગાઉ, સુપ્રીમ કોર્ટે જ આ અધિકારને બંધારણની કલમ 19 (1) (એ) હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું એક પાસું ગણાવ્યું હતું.

ચૂંટણી બોન્ડ યોજનાને બજેટમાં મૂકવામાં આવી હતી અને બજેટ મની બિલ હોવાથી રાજ્યસભા તેમાં કોઈ ફેરફાર કરી શકતી નથી. સરકાર પર એવો આરોપ હતો કે રાજ્યસભામાં સરકાર પાસે બહુમતી ન હોવાથી આ વિષયને નાણાં વિધેયકમાં મૂકવામાં આવ્યો હતો જેથી તેને સરળતાથી પસાર કરી શકાય. 

ચૂંટણી બોન્ડ સામે બીજો આરોપ એ હતો કે તેનો સૌથી વધુ લાભ સત્તાધારી પક્ષને થયો છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ(એ.ડી.આર.)ના અહેવાલ મુજબ, 2016-17 અને 2021-22 વચ્ચેના પાંચ વર્ષમાં કુલ 7 રાષ્ટ્રીય અને 24 પ્રાદેશિક પક્ષોને ચૂંટણી બોન્ડમાંથી કુલ 9,188 કરોડ રૂપિયા મળ્યા હતા. 

તેમાંથી, એકલી ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો લગભગ 5,272 કરોડ રૂપિયા હતો. એટલે કે, ભા.જ.પ.ને કુલ દાનમાંથી લગભગ 58 ટકા ચૂંટણી બોન્ડ દ્વારા મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન કાઁગ્રેસને ચૂંટણી બોન્ડમાંથી લગભગ 952 કરોડ રૂપિયા મળ્યા હતા જ્યારે તૃણમૂલ કોંગ્રેસને 767 કરોડ રૂપિયા મળ્યા હતા. 

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એ.ડી.આર.ના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે આ સંબંધમાં કરવામાં આવેલી વ્યવસ્થા અનુસાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને એ ખબર પડે કે કોણે ડોનેશન આપ્યું છે, કારણ કે સી.બી.આઈ. સરકાર હસ્તક છે.

ભૂષણે જણાવ્યું હતું કે ચૂંટણી બોન્ડના નિયમમાં જણાવાયું છે કે ઇ.ડી. બેંક પાસેથી દાતાઓ વિશે માહિતી મેળવી શકે છે. ઇ.ડી. પણ કેન્દ્ર હેઠળ છે. આવી સ્થિતિમાં, જો ઇ.ડી. ચૂંટણી બોન્ડ વિશે જાણી શકતી હોય, એસ.બી.આઇ.ને એ માહિતી, જો સરકાર એ જાણી શકતી હોય, તો તો સામાન્ય નાગરિક કેમ ના જાણી શકે?

ઘણા નિષ્ણાતો માને છે કે ગુરુવારના સુપ્રીમ કોર્ટના ચુકાદાએ ચૂંટણી બોન્ડ્સને અટકાવી દીધા છે, પરંતુ આ યોજનાઓને કારણે થયેલા કથિત ભ્રષ્ટાચારના તળિયે પહોંચવાના પ્રયાસો હજુ બાકી છે. જેમ કે, રાજકીય પક્ષોને પૈસા આપવા માટે કેટલી બનાવટી કંપનીઓ ઊભી કરવામાં આવી હતી અને તેનાથી તેમને શું ફાયદો થયો તેની તપાસ કોણ કરશે? શું સરકાર તેના માટે પંચની રચના કરશે? 

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને સરકાર કેવી રીતે લેશે? શું તે દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નરના હકોના કેસની જેમ સંસદમાં વટહુકમ લાવશે? સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ કહે છે કે, “સરકાર એવું નહીં કરી શકે. એક વટહુકમથી જજમેન્ટને ખારીજ કરી ના શકાય. એવો કોઈ કાનૂન નથી જે જજમેન્ટને રદ્દ કરી શકે. વટહુકમથી નવી ફંડિંગ યોજના લાવી શકાય, પણ આ યોજના તો હવે કાયમ માટે ગઈ.” સરકાર નવી યોજના લાવશે? સિબ્બલ કહે છે કે, “મને લાગતું નથી. વર્તમાન યોજનાની માહિતી 13 માર્ચ સુધી ઉપલબ્ધ હશે અને ત્યાં સુધીમાં તો ચૂંટણી આચાર સંહિતા લાગુ થઇ હશે.”

લાસ્ટ લાઈન:

“આજનો સૌથી મોટો રોગ ભ્રષ્ટ્રાચાર છે અને તેનો ઉપાય પારદર્શિતા છે.”

– બોનો

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 19 ફેબ્રુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...820821822823...830840850...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved