Opinion Magazine
Number of visits: 9457580
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બિહારની જાતિ ગણતરી ચૂંટણીનું સમીકરણ બદલી નાખશે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|10 October 2023

રાજ ગોસ્વામી

“રામ મનોહર લોહિયાનો નારા  હતો – “પિછડા પાવે સો મેં સાઠ.” એટલે કે, રાજકારણમાં હિસ્સેદારીની વાત હોય કે હોય કે સંસાધનોમાં, પછાત વર્ગનો હિસ્સો 60 ટકા હોવો જોઈએ. પરંતુ ‘બિહારના લેનિન’ ગણાતા સમાજવાદી નેતા જગદેવ પ્રસાદ કહેતા હતા – “સો મેં નબ્બે શીષિત હૈ ઔર નબ્બે ભાગ હમારા હૈ.” એટલે કે, પછાત વર્ગ, દલિત અને આદિવાસીઓ મળીને 90 ટકા થાય છે અને તેમની હિસ્સેદારી 90 ટકા હોવી જોઈએ. જગદેવ પ્રસાદ એવું પણ કહેતા હતા કે ભારતીય સમાજ બે ભાગમાં વહેંચાયેલો છે – “10 ટકા શોષક અને નેવું ટકા શોષિત.” તે જ સમયે, બહુજન સમાજ પાર્ટી(બી.એસ.પી.)ના સ્થાપક કાંશીરામનું સૂત્ર હતું – “જિસ કી જીતની સંખ્યા ભારી, ઉસ કી ઉતની હિસ્સેદારી.” આ બધી વાતો દેશમાં જાતિઓના પ્રતિનિધિત્વ અંગે કહેવામાં આવી હતી. આ બધા નારાઓ અથવા કહેવતોનો સાર એ હતો કે જે જાતિની વસ્તી એટલી જ છે તેને તેનો અધિકાર મળવો જોઈએ.”

હિન્દી પટ્ટીની સામાજિક-રાજકીય બાબતોના નિષ્ણાત પત્રકાર, સાકેત આનંદના આ શબ્દો છે. આ વખતની ગાંધી જયંતીના દિવસે, બિહારની સરકારે જાતિ ગણનાનો અહેવાલ જાહેર કર્યો તેના સંદર્ભમાં તેમણે આ વાત કરી હતી. તેમાં તે કાઁગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સૂત્ર જોડવાનું ભૂલી ગયા હતા. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે રાહુલે કહ્યું હતું – “જિતની આબાદી, ઉતના હક.”

બિહારનાં આંકડા આવ્યા પછી પણ તેમણે એ સૂત્ર દોહરાવ્યું હતું કે, “બિહારની જાતિગત જનગણના પરથી ખબર પડે છે કે ત્યાં ઓ.બી.સી., એસ.સી., એસ.ટી.ની વસ્તી 84 ટકા છે. કેન્દ્ર સરકારના 90 સચિવોમાંથી માત્ર 3 ઓ.બી.સી. છે, જે ભારતનું માત્ર 05 ટકા બજેટ સંભાળે છે. એટલા માટે ભારતને જાતિગત આંકડા જાણવા જરૂરી છે. જેટલી વસ્તી, એટલો અધિકાર…..એ અમારું પ્રણ છે.”

તેલંગનામાં ચૂંટણી પ્રચાર કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો જવાબ આપતાં કહ્યું હતું કે, “સત્તા ભૂખી કાઁગ્રેસે સત્તા કબજે કરવા માટે નવી ભાષા બોલવાનું શરૂ કરી દીધું છે. તમે આજે શું કહી રહ્યા છો, જેટલી વસ્તી એટલો હક? હું જરા પૂછવા માંગુ છું જેણે પણ આ વાક્ય લખ્યું છે તેને ખબર છે ખરી કે તે કાઁગ્રેસની મૂળભૂત નીતિઓ પર સવાલ ઉઠાવી રહ્યા છો? જ્યારે તમે જેટલી વસ્તી એટલો હક કહો છો, તો શું કાઁગ્રેસ હવે જાહેર કરશે કે તે લઘુમતીઓની વિરોધી બની ગઈ છે? કાઁગ્રેસ સાફ કરે કે તે દક્ષિણ ભારત વિરોધી બની ગઈ છે? તેમનો આ નવો વિચાર દક્ષિણ ભારત માટે અન્યાયી છે, લઘુમતીની પીઠમાં ચાકુ ભોંકવા જેવો છે.”

ટૂંકમાં, બિહાર જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડાએ 2024ની ચૂંટણીનું રાજકીય ગણિત બદલી નાખ્યું છે.

દેશમાં 1931 પછી પ્રથમ વખત જાતિના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. બિહાર જાતિના આંકડા જાહેર કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રિપોર્ટ અનુસાર, રાજ્યની 13.5 કરોડથી વધુ વસ્તીમાં હિંદુઓની સંખ્યા 81.99 ટકા છે, જ્યારે મુસ્લિમોની સંખ્યા 17.70 ટકા છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર હિંદુઓની વસ્તી 82.70 ટકા હતી, જ્યારે મુસ્લિમોની વસ્તી 16.90 ટકા હતી.

આ અહેવાલમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે ઓ.બી.સી.ની વસ્તીમાં અણધાર્યો વધારો થયો છે, જેમના મત મેળવવા માટે તમામ પક્ષો આતુર છે. તેમના બળ પર જ તેઓ લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણી જીતે છે. રાજકીય પક્ષોને જાતિનું ગણિત બહુ ગમે છે, એટલે વિપક્ષને 2024ની ચૂંટણીમાં ભા.જ.પ.ના હિંદુ કાર્ડ સામે જાતિનું કાર્ડ મળ્યું છે.

વિરોધ પક્ષો આ આંકડાઓનો આધાર લઈને હવે અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોને એવું કહીને એક કરવા પ્રયાસ કરશે કે હિંદુત્વનું ચક્કર છોડી દો, એમાં તમારો ભલીવાર થવાનો નથી. સ્પષ્ટ છે કે ભા.જ.પ.નો તર્ક એવો રહેશે કે બધી જાતિઓ આખરે હિંદુ વર્ગનો જ ભાગ છે, એટલે ભા.જ.પ. હિંદુત્વ અને જાતિવાદ બંને પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેની વિશ્વકર્મા યોજના તે રણનીતિનો જ હિસ્સો છે. બિહારના જાતિના આંકડા બહાર આવતા જ ભા.જ.પે. પણ કહેવાનું શરૂ કરી દીધું છે કે અમે ક્યારે ય જાતિ ગણતરીનો વિરોધ કર્યો નથી!

આ બતાવે છે કે 2024ની ચૂંટણીમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષ માટે આ કેટલો મોટો મુદ્દો છે. બિહારના આંકડા પરથી અનુમાન એવું છે કે મોટા ભાગના રાજ્યોમાં આ જાતિઓની સ્થિતિ હશે પણ આવી જ હશે કારણ કે મંડળ આયોગે તેત્રીસ વર્ષ પહેલાં અહેવાલ આપ્યો હતો અને ત્યાર બાદ સમયાંતરે આ શ્રેણીમાં અન્ય જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો તેની આ જૂથની વસ્તીમાં વધારો થયો છે.

એટલા માટે વિરોધ પક્ષોએ બે વ્યૂહરચના બનાવી રહ્યા છે : એક, તે કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે તે પૂરા દેશની જાતિ ગણનાના આંકડા જાહેર કરે, અને બે, સમગ્ર વસ્તીને તેના હિસ્સાના પ્રમાણમાં અનામત આપવી જોઈએ.

અગાઉ, યુ.પી.એ.ના સહયોગીઓના દબાણ બાદ મનમોહન સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી પર વિચાર કરવો પડ્યો હતો. 2011માં પ્રણવ મુખર્જીની અધ્યક્ષતામાં એક સમિતિએ જાતિ ગણતરીની તરફેણમાં સૂચન કર્યું હતું. આ વસ્તી ગણતરીને સામાજિક-આર્થિક અને જાતિ વસ્તી ગણતરી કહેવામાં આવે છે. સરકારે વસ્તી ગણતરી કરવા માટે 4,800 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જાતિ વસ્તી ગણતરીના આંકડા સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયને આપવામાં આવ્યા હતા, પરંતુ કરોડોનો ખર્ચ કર્યા પછી પણ કેન્દ્ર સરકાર આજ સુધી આ આંકડો જાહેર કરી શકી નથી.

વિરોધ પક્ષો જો “જેટલી વસ્તી એટલો હક”ના આધારે અનામતની માંગણી કરે, તો દેશમાં વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકારના સમયે જાહેર થયેલાં મંડલ આયોગની ભલામણોનાં પગલે જે લડાઈ થઇ હતી, તેવી જ સ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

રાજકીય પંડિતો માને છે કે બિહારના જાતિના આંકડાઓ માત્ર રાજ્યના રાજકારણને જ નહીં પરંતુ આગામી દિવસોમાં સમગ્ર દેશના રાજકારણને પણ અસર કરશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દેશના રાજકારણમાં મંડલ યુગના પુનરાગમનના સંકેતો છે. તાજેતરના ભૂતકાળમાં કેટલાક રાજકીય પક્ષોએ જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી છે. માત્ર વિપક્ષ જ નહીં, એન.ડી.એ.ના ઘણા સહયોગીઓ પણ રાષ્ટ્રીય સ્તરે તેની માંગ કરી રહ્યા છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી કાઁગ્રેસ સહિત અનેક પ્રાદેશિક વિપક્ષી દળો જાતિ આધારિત વસ્તી ગણતરી માટે દબાણ કરીને પછાત જાતિના રાજકારણમાં પહેલ માંડી રહ્યા છે. આમાંના મોટા ભાગના પ્રાદેશિક પક્ષોના નેતાઓએ નેવુંના દાયકામાં મંડલ યુગ દરમિયાન તેમની સ્થિતિ મજબૂત કરી હતી.

અત્યાર સુધી કાઁગ્રેસ આ મુદ્દાથી દૂર રહેતી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી રાહુલ ગાંધીના નેતૃત્વમાં તે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ પર ખૂબ જ આક્રમક રીતે સામે આવી છે. કાઁગ્રેસ ઓ.બી.સી. કેટેગરીમાં મહિલાઓ માટે અનામતની માંગ કરી રહી છે. એટલે, કાઁગ્રેસ તેની મૂળભૂત નીતિઓ પર જ સવાલ ઉઠાવી રહી છે તેવી વડા પ્રધાનની એ ટીકામાં વજૂદ તો છે.

વિપક્ષનું માનવું છે કે જો તે ઓ.બી.સી. વોટમાં પોતાની સ્થિતિ સુધારશે નહીં તો આગામી દિવસોમાં તેના માટે વધુ મુશ્કેલી સર્જાશે. સંખ્યાની દૃષ્ટિએ પણ સૌથી મોટું જૂથ છે. વિપક્ષી દળોને એ પણ ખ્યાલ છે કે તેમને મંડલ રાજકારણ સામે ભા.જ.પ.ના આક્રમક કમંડલ રાજકારણનો સામનો કરવો પડશે.

બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરવાનું કામ સરળ નહોતું. આવી વસ્તી ગણતરીને કોર્ટમાં પણ પડકારવામાં આવી હતી અને આ મામલો પટના હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. હવે આંકડા જાહેર થયા પછી, વિવિધ પક્ષો પણ તેનો શ્રેય લેવાની સ્પર્ધામાં સામેલ થાય છે.

સિત્તેરના દાયકામાં કટોકટી સામે જય પ્રકાશ નારાયણનું આંદોલન હોય કે નેવુંના દાયકામાં શરૂ થયેલ મંડલ રાજકારણ – બંને વખતે બિહારે પરિવર્તનનું નેતૃત્વ કર્યું હતું. હવે જ્યારે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બિનસાંપ્રદાયિક રાજકારણને વિસ્થાપિત કરીને રાષ્ટ્રવાદી રાજકારણ એક દાયકાથી દેશમાં પ્રભુત્વ જમાવી રહ્યું છે, ત્યારે બિહારની જાતિ આધારિત ગણતરીઓના પરિણામે એક એવો વિસ્ફોટ કર્યો છે, જેમાં ચૂંટણી રાજકારણના સમીકરણોને બદલવાની ક્ષમતા છે.

હવે બધી બાજુથી એક જ સવાલ ઊભો થશે કે જ્યારે આ એક રાજ્યમાં શક્ય હતું, તો બીજા રાજ્યોમાં અને રાષ્ટ્રીય સ્તરે પણ કેમ ન થઈ શકે? ભા.જ.પે. આનો જવાબ શોધવો પડશે.

લાસ્ટ લાઈન:

“બધા જ લોકો જાતિ વ્યવસ્થાના ગુલામ છે, પણ બધા ગુલામ હેસિયતમાં સમાન નથી.”

— ડો. આંબેડકર

—————————–

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 08 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ધૂર્ત હીરોમાં આપણને કેમ દિલચસ્પી વધુ હોય છે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 October 2023

રાજ ગોસ્વામી

ટેલિવિઝન પર અત્યારે અબ્દુલ કરીમ તેલગીની એક સિરીઝ લોકપ્રિય થઇ છે. 90ના દાયકામાં, આ તેલગીએ તેની ધૂર્ત બુદ્ધિનો ઉપયોગ કરીને, નકલી સ્ટેમ્પ પેપર્સ છાપવાનો એક એવો ધંધો શરૂ કર્યો હતો, જેનું ટર્નઓવર એક દાયકાની અંદર 30 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. તેલગી નકલી સ્ટેમ્પ નહીં, પણ રૂપિયા છાપતો હતો (સિરીઝમાં તેના નામે એક સંવાદ છે : મુજે પૈસા કમાના નહીં હૈ, પૈસા બનાના હૈ) અને શબ્દશ: ઉડાડતો હતો એવું કહેવામાં પણ ખોટું નથી. તેની એક સાબિતી છે :

એક જમાનામાં મુંબઈના અપરાધીઓ, ગેંગસ્ટરો, બૂકીઓ અને ગંજેરીઓમાં સૌથી લોકપ્રિય એવા અંધેરીના દીપા ડાન્સ બારમાં, એક્ટ્રેસ માધુરી દીક્ષિતનો વહેમ રાખતી, તરન્નુમ ખાન નામની એક બાર ડાન્સર ઉપર તેલગીએ એક જ રાતમાં 90 લાખ ઉડાવી દીધા હતા. તેલગીએ તેને આખા મુંબઈમાં ‘કરોડપતિ બાર ડાન્સર’ તરીકે પ્રખ્યાત (કે કુખ્યાત) બનાવી દીધી હતી.

ધૂર્ત લોકોના આવા જ કિસ્સાઓ અને કહાનીઓ લોકજીભે ચઢે છે. આવા લોકોની ફિલ્મો અને હવે સિરીયલો લોકપ્રિય થઇ રહી છે તેની પાછળ દિલચસ્પ મનોવિજ્ઞાન છે. તેલગીની સિરીઝના નિર્દેશક હંસલ મહેતાએ આ અગાઉ હર્ષદ મહેતાના શેર બજારની ઠગાઈ પર બનાવેલી સિરીઝ પણ એટલી જ લોકપ્રિય થઇ હતી.

ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર ઠગો અને ઠગાઈની ઘણી ફિલ્મો તેમ જ સિરીઝોને દર્શકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. અગાઉ એવી ફિલ્મો પણ ધૂમ મચાવતી હતી. વિદેશોમાં પણ કાઠા-કબાડાવાળી ફિલ્મો અને સિરીઝો જોવાવાળો મોટો વર્ગ છે. જેમાં હિંસા હોય તેવી કહાનીઓ તો સદીઓથી લોકપ્રિય રહી છે, પરંતુ ઠગબાજીની કહાનીઓમાં લોકોની રુચિનું અલગ જ કારણ છે.

ખૂન-બળાત્કારની કહાનીઓમાં રસ લેતા દર્શકોમાં તો એક છુપી શરમ અને અપરાધબોધ હોય છે, કારણ કે તે કહાનીઓમાં એક પ્રકારની વિકૃતિ અને અમાનવીયતા હોય છે. આશ્ચર્યજનક રીતે, ઠગબાજીના કિસ્સા-કહાનીઓમાં લોકો વધુ ‘સહજતા’ અનુભવતા હોય છે, કારણ કે એવી માનવીય વૃત્તિ તેમને ઘણી પરિચિત હોય છે; સીધી કે આડકતરી રીતે તેમને ઠગાઈ સાથે નિયમિત પનારો પડતો રહે છે. “આવું તો હું ય કરી શકું” અથવા “આવા લોકોને તો હું ય જાણું છું”નો ભાવ એવી કહાનીઓને અંતરંગ બનાવે છે.

સમાજની રચના માણસ અસલમાં જેવો છે તેવી નહીં, પણ માણસ કેવો હોવો જોઈએ તેના આદર્શ પર થઇ છે. જેમ કે, માણસ સ્વભાવથી લોભી, કપટી અને સ્વાર્થી છે. તે પોતાના સ્વાર્થ માટે કશું પણ કરવા તૈયાર થઇ શકે છે, પણ સમાજ માણસ પાસેથી નૈતિક વ્યવહારની અપેક્ષા રાખે છે. પરિણામે, માણસ તેની વૃત્તિને છુપાવી રાખીને સદાચાર કરે છે. બીજી રીતે કહીએ તો, આપણે સ્વભાવથી ચોર છીએ, પણ દેખાડો સંત હોવાનો કરીએ છીએ.

અમુક માણસો દંભનું મોહરું ફગાવી દે છે અને ખુલ્લેઆમ પાપાચર કરે છે. એ લોકો તેને પાપાચાર માનતા પણ નથી. જેમ કે બહારવટીઓ અને ઠગ-પિંઢારાઓ એવું માનતા હતા કે તેઓ તેમના લોકોની ભલાઈ માટે કૃત્યો આચરતા હતા. તેલગીના કિસ્સામાં પણ તે તેના સમાજમાં તો સેવાભાવી થઇને ફરતો હતો.

એક તો ધૂર્ત લોકોમાં તેમના કૃત્યો માટે અપરાધબોધનો અભાવ અને ઉપરથી, તે જે કરી રહ્યા છે તે લોકોની ભલાઈ માટે છે તેવી ભાવના આપણને તેમની કહાની તરફ આકર્ષે છે. દેશમાં અને વિદેશમાં આવા લોકો પર જેટલી પણ ફિલ્મો કે ટી.વી. સિરીઝો બની છે, તેમાં તે કંઇક અંશે વિલન તરીકે નહીં પણ હીરો તરીકે ઉભરે છે.

ફિલ્મ સર્જકો પણ તેમને એક મામુલી બદમાશ તરીકે નહીં, પણ લાર્જર ધેન લાઈફ કિરદારમાં પેશ કરે છે. દાખલા તરીકે, અમિતાભ બચ્ચનનો એન્ગ્રી યંગ મેન વિજય હંમેશાં કાયદા-કાનૂનની સામેની સીમામાં રહ્યો છે, પણ દર્શકોની સૌથી વધુ સહાનુભૂતિ તેને જ મળી છે, નહીં કે કાયદાના રખેવાળને. કેમ? કારણ કે તક મળે તો દરેક માણસને કાનૂનનું ઉલ્લંઘન કરવાનું ગમે. તમે ટ્રાફિકમાં ફસાઈ ગયા હો અને કોઈ બાઈકવાળો તમારી સામેથી સિગ્નલ તોડીને રવાના થઇ જાય, તો તમને તેના દુ:સ્સાહસ પર નહીં, તમારી મજબૂરી પર ગુસ્સો આવે.

બીજું, પડદા પર ધૂર્ત માણસને અત્યંત સફાઈ અને સફળતાપૂર્વક ઠગાઈ કરતો જોઇને આપણને તેના પર ‘માન’ થઇ જાય છે. કોઈ માણસને ખૂન કરતો જોઇને આપણને અરેરાટી આવી જાય, પણ એ જ માણસ ચાલાકીથી કોઈના ખીસ્સામાંથી પાકીટ મારી લે તો આપણને તેની હોંશિયારીનું વિસ્મય થાય. કાં તો તે આપણને આપણામાં એવી ચાલાકીનો અભાવ હોવાનો અહેસાસ કરાવે અથવા “આવું તો હું પણ કરી શકું છું” તેવો આત્મવિશ્વાસ પેદા કરે. બંને સ્થિતિમાં ધૂર્ત માણસ આપણને આપણા વિશે વિચારતા કરી મૂકે છે.

હિંસક અપરાધનો સીધો સંબંધ શારીરિક તાકાત સાથે છે અને ધૂર્તતાનો સીધો સંબંધ બુદ્ધિ સાથે છે, એટલે હિંસા આપણને જેટલી પ્રેરિત ન કરે તેટલી બુદ્ધિ કરે છે કારણ કે દરેક વ્યક્તિ એવું માનતી હોય છે કે તેની બુદ્ધિ તેજ છે. શરીરની તાકાતમાં આવો દાવો સૌ ના કરી શકે. એટલે આપણે પડદા પર હર્ષદ મહેતા કે અબ્દુલ તેલગીને સિસ્ટમમાં છીંડાં પાડીને ધાડ પાડતા જોઈએ છીએ, ત્યારે આપણને તેમનું એ સાહસ ‘પ્રેરણાદાયી’ લાગે છે. હત્યા જોઇને તમને હત્યા કરવાનું મન ના થાય, પણ બેંકમાં પૈસાની હેરફેર જોઇને તમને એકવાર તો એવો વિચાર આવે કે “હું હોઉં તો આ રીતે નહીં પણ તે રીતે કરું.”

ત્રીજું, પડદા પરના ધૂર્ત “હીરો” મિલનસાર, મિતભાષી અને જિંદાદિલ હોય છે. જેમ કે, સિરિયલ કિલર અને કૌભાંડી ચાર્લ્સ શોભરાજ તેની ખૂબસૂરતી અને ચાર્મથી લોકોને આકર્ષતો હતો. ત્યાં સુધી કે તે દિલ્હીની તિહાડ જેલના રક્ષકોને ભાઈબંધ બનાવીને ભાગી ગયો હતો. એટલે જ તે એક સેલિબ્રિટી અપરાધી તરીકે દુનિયા ભરમાં મશહૂર છે.

ધૂર્ત લોકોની બુદ્ધિ અને ચાર્મ આપણને તેમના તરફ આકર્ષે છે. તેમના વ્યક્તિત્વમાં એક પ્રકારની ગૂઢતા, રહસ્યમયતા અને નૈતિક સંદિગ્ધતા હોય છે. કોઈને શંકા પણ ન જાય તે રીતે બીજા લોકોને પટાવાની અથવા સિસ્ટમને છેતરવાની તેમની કુનેહ અને શું સાચું છે અને શું ખોટું છે તેની નવેસરથી વ્યાખ્યા કરવાની તેમનું સાહસ આપણને મુગ્ધ કરે છે.

આપણે સૌ આપણને હોંશિયાર ગણતા હોઈએ છીએ. આપણું મગજ આપણી આજુબાજુમાં કશું આડુંઅવળું થતું હોય તો તેને પકડી પાડવા માટે બનેલું છે. એટલા માટે આપણે તદ્દન અપરિચિત વ્યક્તિ સાથે પણ એવા આત્મવિશ્વાસના સાથે સંબંધ કેળવીએ છીએ કે એ ગડબડ કરશે તો હું તેને પકડી પાડીશ.

આપણે જ્યારે પડદા પર ધૂર્ત લોકોને છેતરપીંડી કરતા જોઈએ છીએ ત્યારે આપણમાં બે ભાવ પેદા થાય છે: એક, “આ માણસની જુર્રત તો જુવો! આશ્ચર્ય થઇ જાય એવું છે,” અને બે, “આના જાંસામાં આવી ગયેલા સાવ બેવકૂફ છે. હું હોઉં તો આની ચાલમાં ના ફસાઉં.”

ધૂર્ત લોકો ઉત્તમ પ્રકારના મનોવૈજ્ઞાનિક હોય છે. તેમને સામેવાળી વ્યક્તિના મનને વાંચતા  આવડતું હોય છે. બીજા કરતાં એક ડગલું આગળ રહેવાની તેમની આવડત તેમને આપણી પ્રશંસાનું પાત્ર બનાવે છે. અમિતાભ બચ્ચનના પાત્રએ ‘ડોન’ ફિલ્મમાં જ્યારે એમ કહ્યું કે “ડોન કા ઈન્તેજાર તો ગ્યારાહ મુલ્કો કી પુલીસ કર રહી હૈ, લેકિન ડોન કો પકડના મુશ્કિલ હી નહીં, નામુમકીન હૈ,” ત્યારે દર્શકોએ પાળેલી તાળીઓમાં “પોલીસ કેવી મૂરખ છે” તેની ખુશી પણ સમાયેલી હતી.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 08 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચાલો, હરારી પાસે – 30 : ‘એઆઈ’-ના ઇતિહાસની લગીર ઝાંખી – ૩ 

સુમન શાહ|Opinion - Opinion|9 October 2023

સુમન શાહ

મશીન લર્નિન્ગના એક ઑલ્ગોરીધમનો ઉલ્લેખ કરવો જ જોઈએ કેમ કે તે માનવ-મગજની રચના અને કાર્યના અધ્યયન પછી બનાવાયું છે, નામ છે, Artificial neural networks.

એમાં, નોડ્સ અથવા ન્યુરોન્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે, માહિતીને એ પ્રક્રિયાગત કરે છે તેમ જ એકબીજા સાથે વાતચીત પણ કરે છે. એનો ઇમેજ રૅકગ્નિશન, સ્પીચ રૅકગ્નિશન, મશીન ટ્રાન્સલેશન, ગેમપ્લેઇન્ગ, વગેરેમાં વિનિયોગ થાય છે. એને તાલીમ આપવાનું કામ મુશ્કેલ છે, પણ આ ઑજાર ઘણું સમર્થ છે.

‘એ.આઈ.’-ના આ બહુમુખી વિકાસમાં જો કોઈ અતિ ઉપયોગી ટૅક્નિકલ ફીચર હોય, તો તે છે, મશીન લર્નિન્ગનું એક અતિ કાર્યક્ષમ ફીચર, Deep learning algorithms.

ડેટામાંથી જરૂરી બાબતો શીખવા માટે, એ, હમણાં મેં આર્ટિફિશ્યલ ન્યુરલ નેટવર્કની વાત કરી, તેનો ઉપયોગ કરે છે. અને એ નેટવર્ક તો માનવ-મગજ જેવું હોવાને કારણે ડેટાની સંકુલ પૅટર્ન્સ તેમ જ સમ્બન્ધભૂમિકાઓને તુરન્ત શીખી લે છે.

આ ઑલગોરીધમ્સને કારણે ‘એ.આઈ.’-ના ઘણા સંવિભાગોમાં ક્રાન્તિ કહી શકીએ એવાં પરિવર્તન થયાં છે. એને પ્રતાપે કમ્પ્યુટર વિઝન, મશીન ટ્રાન્સલેશન, ઇમેજ રૅકગ્નિશન કે સવાલ-જવાબનાં ચૅટિન્ગ જેવાં કાર્યો વિશે મનુષ્ય મેળવે એ કક્ષાની સફળતાઓ હાંસલ થઈ છે.

ડેટાબેઝ અને ડેટાસૅટને મેં સર્વ વાતે અતિ આવશ્યક ગણ્યાં છે. ડીપ લર્નિન્ગ ઑલ્ગોરીધમ્સથી ‘એ.આઈ.’ સિસ્ટમ્સને લાર્જ ડેટાસૅટ્સથી તાલીમ આપવાનું શક્ય બન્યું છે. બાકી, અગાઉના સમયોમાં નાના ડેટાસૅટ્સથી કામ ચલાવી લેવાતું’તું. ડેટા તો હવે ઇમેજીસ, વિડીઓઝ, ટૅક્સ્ટ, સૅન્સર ડેટા, ફાઇનાન્શ્યલ ડેટા, મૅડિકલ ડેટા, એમ ગણ્યા ગણાય નહીં એટલાં બધાં જીવનક્ષેત્રોમાંથી મળે, અને ‘એ.આઈ.’ મેળવી રહ્યું છે. એ સંજોગોમાં ડેટાસૅટ્સ લાર્જથી લાર્જ થવાના છે, અને એને પ્હૉંચી વળવા ડીપ લર્નિન્ગ સિસ્ટમ્સે પણ ઘણું વિકસવું પડશે.

‘એ.આઈ.’-નો બહુમુખી વિકાસ ૨૧-મી સદીમાં વિસ્તર્યો છે એ પ્રગતિમાં કારણભૂત બીજાં ટૅક્નિકલ ફીચર્સ પણ છે, જેવાં કે –

Reinforcement learning : મશીન લર્નિન્ગનો આ એક પ્રકાર છે. એ ‘એ.આઈ.’ સિસ્ટમ્સને ‘ટ્રાયલ ઍન્ડ ઍરર’ દ્વારા શીખવા માટે સક્ષમ બનાવે છે. એનો ઉપયોગ એવી ‘એ.આઈ.’ સિસ્ટમ વિકસાવવા માટે કરવામાં આવ્યો છે, જે અતિ-માનવીય કક્ષાએ, દાખલા તરીકે, AlphaGo જેવી રમતો રમી શકે છે.

AlphaGo, Google DeepMind દ્વારા વિકસાવાયેલો એક કમ્પ્યુટર પ્રોગ્રામ છે, એ Go રમી શકે છે. એણે ૨૦૧૬-માં દક્ષિણ કોરિયાના Lee Sedol નામના માનવ Go વર્લ્ડ ચૅમ્પિયનને હરાવેલો.

Transfer learning : આ એક ટૅક્નિક છે. ’એ.આઈ.’-સિસ્ટમે અગાઉ કરેલાં કાર્યોના અનુભવજ્ઞાનની ભૂમિકાએ એ એને નવાં જ્ઞાન મેળવવા દે છે. અમુક ‘એ.આઈ.’-સિસ્ટમ્સને નવી ઍપ્લિકેશન્સ ઝડપથી અને સરળતાથી થાય એવી જરૂરિયાત હોય છે, એ માટે આ ટૅક્નિક ઉપકારક નીવડે છે.

Large language models : આ પહેલાં હું આ LLMs વિશે લખી ચૂક્યો છું. આ ‘એ.આઈ.’-સિસ્ટમ્સ છે. એ સિસ્ટમ્સને ટૅક્સ્ટ અને કોડના વિશાળકાય ડેટાસૅટથી તાલીમ અપાય છે. પરિણામે, માનવભાષાઓ સાથે જોડાયેલાં લેખન, અનુવાદ, પ્રશ્નોત્તરી જેવાં કાર્યો એ સારી રીતે કરી શકે છે.

૨૧-મી સદીના પહેલા દાયકામાં, લોકોમાં ‘એ.આઈ.’ વિશેનો રસ વધે છે, અને એને નાણાં પણ મળ્યા કરે છે. મુખ્ય કારણ એ કે શિક્ષણજગત અને ઉદ્યોગોમાં એનો વપરાશ વધ્યો હતો.

તે પછીની આ વર્ષ લગીની કેટલીક ઘટનાઓ પણ ‘એ.આઈ.’-ની લોકપ્રિયતા માટે કારણભૂત ગણાય છે :

૨૦૦૫-માં, આઈ.બી.ઍમ.-નું Watson સુપરકમ્પ્યુટર Jeopardy – નામક અમેરિકન ગેમ-શોના હરીફોને હરાવી દે છે. એથી પુરવાર થયેલું કે ‘એ.આઈ.’-સિસ્ટમ્સ માણસનાં સંકુલ અને કઠિન જ્ઞાનપરક કામો કરી શકે છે.

૨૦૧૧માં, ડીપ લર્નિન્ગ ઑલ્ગોરીધમ્સના વિકાસને લક્ષમાં રાખીને ગૂગલ DeepMind નામક નવી રીસર્ચ લૅબોરેટરી વિકસાવે છે.

૨૦૧૨-માં, ગૂગલ સૅલ્ફ-ડ્રાઇવિન્ગ કાર પ્રોજેક્ટ શરૂ કરે છે.

૨૦૧૪-માં, ઇલૉન મસ્ક રીસર્ચ લૅબોરેટરી OpenAI -ની સ્થાપના કરે છે.

૨૦૨૦માં, OpenAI જનતા માટે GPT-3 ખૂલ્લું મૂકે છે. એ ઘણું શક્તિશાળી લૅન્ગ્વેજ મૉડેલ છે. એ મનુષ્યલેખન-સમ લખાણો, અનુવાદો, સર્જનો, તેમ જ પ્રશ્નોત્તરીઓ કરી આપે છે.

૨૦૨૩-માં, Google Bard શરૂ થયું છે. એ લાર્જ લૅન્ગ્વેજ મૉડેલ ચૅટબોટ છે, એને ગૂગલના લૅન્ગ્વેજ મૉડેલ ફૉર ડાયલોગ ઍપ્લિકેશન્સથી, LaMDA-થી, શક્તિશાળી બનાવાયું છે. ૧૮૦ દેશ-પ્રદેશની કોઈપણ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે.

‘એ.આઈ.-નો એક હજી નથી સંભવ્યો એ અવતાર છે, AGI – આર્ટિફિશ્યલ જનરલ ઇન્ટેલિજન્સ. એ વિશે હું લખી ચૂક્યો છું. કેટલાક નિષ્ણાતો કહે છે કે ‘એ.જી.આઈ.’ ૨૦૩૦-માં સંભવશે, કેટલાક કહે છે ૨૦૫૦-માં, તો કેટલાક એમ કહે છે કે ૨૦૭૫ પહેલાં નહીં સંભવે.

ભવિષ્યવાણી એ છે કે ’એ.જી.આઈ.’ નવી નવી પરિસ્થિઓનું આકલન કરી શકશે, સમજીવિચારીને તેના ઉકેલ દર્શાવશે, માણસ કરી શકે છે એવું કોઈપણ બુદ્ધિસંલગ્ન કામ કરી શકશે, વિશ્વ સાથે માણસ દાખવે છે એવી જ ક્રિયાપ્રતિક્રિયાઓ દાખવશે.

અવનવી પદ્ધતિની કાર્યપ્રણાલિઓ, શક્તિશાળી કમ્પ્યુટર હાર્ડવેઅરનો વિનિયોગ, મબલખ ડેટાસૅટ્સ, વગેરે સમૃદ્ધિથી ૨૧-મી સદીમાં ‘એ.આઈ.’ વિકસી રહ્યું છે.

આ પ્રગતિને હવે તો નિત્યવર્ધમાન કહેવી જોઈશે, અને એમ કહીએ તો જ વાત વાસ્તવિક કરી ગણાય. જો.કે સુજ્ઞો એથી પ્રસન્ન છે, ચિન્તિત પણ છે. 

સંદર્ભ :

— SITN -science in the news : Blog Special Edition of Artificial Intelligence : Harvard University : AUGUST 28, 2017 (online)

— Artificial Intelligence: A Modern Approach Stuart J Russell and Peter Norvig, 1995 & 2020.(online).

— Artificial Intelligence – Intelligent systems : WWW.tutorialspoint.com

— Question-Answers on ChatGPT and Google Bard.

= = =

(10/08/23)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...818819820821...830840850...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved