Opinion Magazine
Number of visits: 9741737
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જાજરમાન સિંહરાજાના અંતિમ દિવસો

રૂપાલી બર્ક|Poetry|18 March 2024

સ્ક્રીન પર સિંહરાજાના અંતિમ દિવસોના દર્શાવાતા વીડિયો સાથે 

દર્શકોને સંબોધતા ઉત્સાહભેર ભાષ્ય તમે ચાલુ કરો છો —

“મારા જીવનનું સૌથી કરુણાજનક આ દૃશ્ય હતું. 

આ વયોવૃદ્ધ સિંહરાજા એનાં જીવનના 

છેલ્લાં ચાર દિવસોમાં શું શું અનુભવશે?

આ દૃશ્ય જોયા બાદ પ્રકૃતિની અજાયબી પર વિસ્મય થાય છે.

સામાન્યપણે જાજરમાન સિંહરાજાઓનો ઠસ્સો આપણે જોતાં હોઈએ છીએ

એને બદલે આપણી નજર સામે આ વયોવૃદ્ધ સિંહરાજા 

હાડપીંજર જેવો પાતળો અને ભારે હાંફતો દેખાય.

પાયાની લડવાની ક્ષમતાની પણ સમસ્યા છે એને.

અંતનો અણસાર એને કદાચ આવ્યો હોય એમ

સિંહરાજાએ આરામના અંતિમ સ્થળ તરીકે

પસંદ કર્યું છે આ ઘટાદાર વૃક્ષ.” 

મરણના આરે પહોંચેલા સિંહરાજાને 

વીડિયોગ્રાફર બતાવતો જાય છે હરખભેર ક્લોઝઅપમાં

 અને ઉત્તેજિત અવાજે તમે બોલતા જાવ છો —

“એના કૃષ થઈ ગયેલા પેટ પરથી ખ્યાલ આવે છે કે 

કેટલા ય દિવસથી એ ભૂખ્યો છે. 

શરીર સાવ ક્ષીણ થઈ ગયું હોવાથી શિકાર કરવાની ક્ષમતા નથી રહી.

આ ગળાકાપ સવૅના*માં વધ્યોઘટ્યો શિકારે ય ક્યાં સહેલાઈથી મળે છે?”

વીડિયોગ્રાફર ૩૬૦ ડિગ્રી કૅમૅરા ફેરવતો જાય અને તમે બોલો —

“આ ઘડીએ સિંહરાજાને વૃક્ષ નીચે શાંતિથી પડ્યા રહેવું છે 

અને એની સામે એક વખતે ગર્જના કરતા સવૅનાને નિરખ્યા કરવું છે ફક્ત.” 

શિકાર કરવા લાયક નથી એટલે ભૂખ ના હોય? 

ભર પેટ ખાધા પછી શાંતિથી પડ્યા રહેવાની જરૂર લાગે એવું એને મન છે?!

કેટલી મૂર્ખામીથી આવું માની લીધું તમે! કહેવું પડે!

દૃશ્ય-શ્રાવ્ય નિરુપણ આગળ ચાલે છે:

“વીડિયોગ્રાફર બીજા દિવસે ગયા ત્યારે

સિંહરાજા એ જ મુદ્રામાં પડેલા દેખાયા.

અત્યંત નિર્બળ થઈ ગયેલા કેટલા ય દિવસોથી 

પાણીના એક ટીપા વગર. 

શિકારી કૂતરો જો આવી ચઢે તો કદાચ આસાનીથી એનો શિકાર કરી શકે.

સિંહો મહદઅંશે એકાકી જીવન જીવતા હોય છે,

મોટા ભાગનો એમનો સમય રણમેદાનમાં પસાર થતો હોય છે

અને જૂજ સિંહો જ કુદરતી રીતે વૃદ્ધ થાય છે.

એ પરિપેક્ષ્યથી આ સિંહ નસીબવાન છે.

જો કે આ ઘડીએ પડ્યા રહેવા માટે પણ

એને વૃક્ષના થડનો ટેકો લેવાની ફરજ પડતી હોય. 

આમ છતાં એણે માથું હજુ ઊંચું રાખેલું છે.

કૅમૅરાના લૅન્સમાંથી એ કહેવું મુશ્કેલ છે

કે એના મગજમાં શું ચાલતું હશે? 

પરંતુ એની નજરમાં પરખાય છે કંઈ કેટલી ય કહાનીઓ. 

ત્રીજે દિવસે સિંહરાજા હજુ ત્યાં જ પડેલો છે. 

હવે પેટ પર સૂવાની શક્તિ પણ રહી નથી.

માત્ર પંજા અને માથું થોડાંઘણાં હલાવી શકે છે.

વીડિયોગ્રાફરને બીજા દિવસે લાગતું હતું કે સિંહરાજા રાત નહીં કાઢે.

અણધારી રીતે સિંહરાજા નિર્ધારપૂર્વક ત્રીજા દિવસ સુધી ટકી રહ્યાં.

ચોથા દિવસે વીડિયોગ્રાફર ફરી ગયા ત્યારે 

સિંહરાજા પ્રાણ ત્યાગી ચૂક્યા હતા. 

સવૅનાના એક સમયના પ્રભાવશાળી સિંહરાજા

વૃદ્ધત્ત્વના ભાગ્યથી છટકી ન શક્યા. 

કદાચ એનો અંતિમ અફસોસ એ હશે કે એની સિંહણ અને સંતાન

એના પડખે નહોતા નહીં તો યથાર્થ અંત હોત.

અંત બાદ નવી શરૂઆતની કહાનીઓ સવૅનામાં દરરોજ સર્જાય છે.

આ જ સવૅનાનું આકર્ષણ છે.” 

આટલું કહી તમે વિરમો છો.

અમને પણ સવાલ થાય છે.

આ દૃશ્ય-શ્રાવ્ય નિરુપણ

 ઉત્સાહભેર દર્શાવી સિદ્ધ શું કર્યું તમે?

રોકડી કરી એ જીવની પીડાની?

વાહ વાહ મેળવવા?

ના એને ખાવા આપ્યું

ના પાણી પાયું

નશ્વર તમે પોતે

નીકળ્યા અમર બનાવવા એને?

શીદ ને એની કબર પર મંડ્યા મહેલ ચણવા તમે?

*સવૅનાઃ  આફ્રિકાના ઘાસ મેદાન
e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

જીવન કામ છે અને કામ જીવન છે!

Opinion - Opinion|18 March 2024

રાજ ગોસ્વામી

ઉત્તર પ્રદેશના બિજનોર શહેરમાં એક ખાંડ મિલમાં કામ કરતા તેજપાલ સિંહ નામના એક માણસના નામે એક અનોખો રેકોર્ડ નોંધાયેલો છે. તેનો દાવો કરે છે કે તેણે તેની 26 વર્ષની કારકિર્દીમાં માત્ર એક જ રજા લીધી છે. તેજપાલે હોળી-દિવાળી હોય કે રવિવાર હોય, બધા દિવસોમાં કામ કર્યું છે. 1995થી નોકરી શરૂ કરનાર તેજપાલે 2003માં તેમના ભાઈના લગ્નમાં માત્ર એક જ દિવસની રજા લીધી હતી. કર્મના પૂજારી તેજપાલનો આ રેકોર્ડ ગયા અઠવાડિયે ‘ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડ્સ’માં દર્જ થઇ ગયો છે.

તેજપાલ સિંહે 26 ડિસેમ્બર, 1995ના રોજ દ્વારિકેશ સુગર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ટ્રેઈની કારકુન તરીકે નોકરી શરૂ કરી હતી અને હાલમાં તે એડિશનલ મેનેજર (પર્સનલ) તરીકે કાર્યરત છે. તેઓ કહે છે કે તેઓ હંમેશાં તેમના કામ પર સમય પહેલાં પહોંચે છે. કંપની તરફથી સાપ્તાહિક રજા, તહેવારની રજા ઉપરાંત વર્ષમાં 45 રજાઓની જોગવાઈ છે, પણ તેઓ તે રજાઓ ભોગવતા નથી.

સોશિયલ મીડિયા પર તેજપાલને લઈને સામા છેડાના અભિપ્રાય જોવા મળ્યા હતા. એક ભાઈએ લખ્યું હતું, ‘આ માણસ પાગલ છે. તેની નિંદા થવી જોઈએ. એક માણસ પાગલ હોય તો બધા લોકોએ પાગલ થઇ જવું જોઈએ! રજા ન લેવી તે વાતનું મહિમા મંડન કેવી રીતે થાય?’ બીજા કોઈકે મજાક કરી કે, ‘પત્નીથી ત્રાસેલો હશે!’

એક તરફ દુનિયામાં કર્મચારીઓની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધારવા માટે સપ્તાહમાં 3 દિવસ રજા રાખવાની વિચારણા ચાલી રહી છે ત્યારે તેજપાલના રેકોર્ડે નવી ચર્ચાને જન્મ આપ્યો છે; વર્કોહોલિઝમ ખરાબ છે કે સારું?

મોટા ભાગના લોકો સંમત થશે કે વર્કહોલિક હોવું એ ખરાબ બાબત છે. આલ્કોહોલિક (આલ્કોહોલના બંધાણી) શબ્દમાંથી બનેલો આ શબ્દ પોતે જ એક વ્યસનનો ઘોતક છે, પરંતુ હકીકત એ પણ છે અમેરિકન જેવા વ્યવસાયિક દેશમાં તે સામાજિક રીતે સ્વીકાર્ય છે – પુરસ્કૃત પણ છે.

આપણે વર્કહોલિક વ્યક્તિની એવી કલ્પના કરીએ છીએ જે વેરણછેરણ ઓફિસમાં તેના ટેબલ પર માથું નમાવીને પસીને રેબઝેબ હિસાબો કરતો હોય અને આખી ઓફિસ ખાલી થઇ ગઈ હોય તો પણ એક વાર માથું ઊંચું કરીને ઘડિયાળમાં ના જુવે! તેને હાઈ બ્લડ પ્રેસર હોય, વારંવાર બાથરૂમ જવું પડતું હોય અને તે ક્યારે ય હસતો ના હોય.

પરંતુ લાંબા સમય સુધી કામ કરવું વર્કહોલિક હોવાની નિશાની છે? હકીકતમાં, એવા કર્મચારીઓના પણ દાખલા છે જે લાંબા કલાકો સુધી કામ કરતા હતા, પરંતુ રાતોરાત માનસિક રીતે ‘રિચાર્જ’ કરવામાં સક્ષમ હતા અને તેઓ તેમના સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકતા ન હતા. જો કે જે લોકો લાંબા કલાકો સુધી કામ કરતા હતા અને ફરજિયાત કામ કરવાની માનસિકતા ધરાવતા હતા તેમને મેટાબોલિક સિન્ડ્રોમ થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધ્યું હતું.

જો તમે લાંબા કલાકો સુધી કામ કરતા હોવ, સતત કામની ચિંતા કરતા હોવ, તેમાં સ્વીચ-ઓફ કરી શકતા ના હોવ, રાતે જલદી ઊંઘી શકતા ના હોવ, તો કામ કરવાની આ બિનતંદુરસ્ત ટેવ છે. 

વર્કહોલિક્સ બે પ્રકારના હોય છે; એક, જે તેમના કામથી સંતુષ્ઠ ના હોય અને મજબૂરીમાં ઢસડબોળો કરતા હોય. હાઈ બ્લડ પ્રેસર, હાઈ બ્લડ સુગર, ઊંચું કોલેસ્ટ્રોલ, મેદસ્વી કમ્મર જેવાં મેટાબોલિક સિન્ડ્રોમની દૃષ્ટિએ તેમનામાં નબળાં સ્વાસ્થ્યના સંકેતો હોય છે. 

જે વર્કહોલિક્સ તેમના કામ ખૂબ મગ્ન અને પરિપૂર્ણ હોવાનો અહેસાસ કરતા હોય તે તંદુરસ્ત હોય છે. તેઓ લાંબા કલાકો કામ કરે કે ખૂબ મહેનત કરે કે કામને લઈને દબાવમાં રહે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેમનામાં મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ એટલું જ હોય છે જેટલું તે એક 9થી5ની નોકરી કરતાં કોઈ બિન-વર્કહોલિક કર્મચારીમાં હોય. 

હકીકતમાં, વર્ક અને લાઈફ વચ્ચે સંતુલન જેવું કશું હોતું નથી. આપણે જે સમયમાં જીવીએ છીએ તેમાં રોજે ચોક્કસ સમયે મગજને કામ કરવામાંથી બંધ કરી દેવું શક્ય નથી. અસલમાં, કોરોનાની મહામારી તો કામને ઓફિસમાંથી ઘરે લઇ આવી હતી. 

એ સાચું કે કામની સાથે પારિવારિક જીવનનું પણ એટલું જ મહત્ત્વ જાળવાવવું જોઈએ, પરંતુ કામનું જીવન ક્યાં પૂરું થાય છે અને પરિવારનું જીવન ક્યાં શરૂ થાય છે તેની કોઈ નિશ્ચિત સીમા રેખા નથી. આપણે પરિવાર સાથે હોઈએ અથવા પાર્ટી કરતા હોઈએ ત્યારે પણ મગજના બેકગ્રાઉન્ડમાં ક્યાંક કામના પ્રશ્નો કે મુદ્દાઓ ચાલતા જ હોય છે અને તે ખોટું પણ નથી.

અસલ જીવનમાં દરેક વ્યક્તિની આગવી પરિસ્થિતિ અને જરૂરિયાતો હોય છે અને તે રીતે તે તેની જિંદગી અને કામ સાથે મેળ બેસાડે છે. એમાં બીજા કોઈનાં ઉદાહરણો કામ આવતાં નથી. કામ એ આપણા પરિવારો, મિત્રો, શોખ વગેરે જેટલું જ જીવનનો એક ભાગ છે. આ બધી બાબતોને સંતુલિત કરવાથી જ આપણે ખુશી મેળવીએ છીએ.

હવેની દુનિયામાં તો કામ કરવાની, કશું શીખવાની અને કશું બદલવાની એટલી જુદી જુદી રીતો ઉપલબ્ધ છે કે કામને નફરત કરવી કે પછી કામ માટે અંગત જીવનનું બલિદાન આપવું એ કોઈ અસલી સમસ્યાને બદલે માનસિકતાનો પ્રશ્ન વધુ છે.

વધુ વ્યવહારુ અભિગમ એવો હોવો જોઈએ જેમાં કામ જીવન હોય અને જીવન કામ હોય. કામ જો જીવન ના હોય તો તે શા માટે કરવું જોઈએ? અને જીવનને આપણે એક કામ તરીકે ના લેતા હોઈએ તો તેમાં સફળતા કેવી રીતે આવે? કોઈપણ કામ હોય, અને એમાં માત્ર પૈસા કમાવાની વાત નથી, તે જીવનનો જ હિસ્સો છે.

આપણે શારીરિક અને માનસિક તંદુરસ્તીને કે ઘર-પરિવારને અવગણીને કામમાં રચ્યાં પચ્યા રહીએ (જો કે એવી આર્થિક મજબૂરીવાળા પણ લાખો લોકો છે), તો એ નિશ્ચિતપણે હાનિકારક છે, પરંતુ કામ કરવાની માનસિકતા હોવી, કામમાંથી આનંદ મેળવવો, કામ કરીને આપણી આવડતને વધુ બહેતર બનાવવી, કામ કરીને કેરિયરમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી એ એકદમ ઇચ્છવા યોગ્ય સ્થિતિ છે. 

વર્કોહોલિઝમ ત્યારે ખરાબ કહેવાય, જ્યારે એમાંથી ખુશી મળતી બંધ થઈ જાય અને ઘાંચીના બળદની જેમ આપણે ગાળામાં કામનો ઘંટ પહેરીને નિરુદ્દેશ ગોળ-ગોળ ફરતા રહીએ. 

આપણે જો કામમાં સૌથી વધુ ખુશ રહેતા હોઈએ અને એ કામ જો આપણી આસપાસનાં ચાર કે ચારસો લોકોના જીવનને સકારાત્મક રીતે પ્રભાવિત કરતું હોય, તો તેનાથી ઉત્તમ બીજું કશું નથી. કામ આપણને આપણા વિચારો અને લાગણીઓના સીમિત દાયરામાંથી બહાર કાઢે છે અને મોટા લક્ષ્ય સાથે જોડે છે. કામ આત્મસન્માન અને અત્મસંતુષ્ટિનો મહત્ત્વનો સૉર્સ છે. એવા વર્કોહોલિક હોવું સારું કહેવાય.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 17 માર્ચ 2024
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચૂંટણી પંચઃ લોકશાહી સાચવતી સંસ્થાની સ્વાયત્તતા સાચવનારું કોઇ ન રહ્યું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|17 March 2024

તંત્રમાં રહીને તંત્ર બદલવાવાળા વાક્યની નિરર્થકતા ચૂંટણી પંચની દિશાહીન દશા જોઇને સમજી શકાય છે. 

ચિરંતના ભટ્ટ

આપણા લોકશાહી દેશમાં ચૂંટણી પંચની કામગીરી, તેની પ્રતિષ્ઠા તેનો અભિપ્રાય બહુ જ કિંમતી ગણાય છે. વર્ષોથી અહીં એવા જ બ્યુરોક્રેટ્સ ચૂંટણી કમિશનર તરીકે નિમાતા હોય છે જેમનો ટ્રેક રેકોર્ડ એકદમ સાફસૂથરો હોય. વિશ્વમાં ઘણાં લોકશાહી રાષ્ટ્રો એવા છે જ્યાં કોઇ પણ પ્રકારની અંચઇ વગર ચૂંટણી કરવી બહુ અઘરી છે. ભારત તો આટલો મોટો દેશ હોવા છતાં, આટલી બધી વસ્તી હોવા છતાં દાયકાઓથી આપણે ત્યાં મહદંશે, પૂરેપરી 100 ટકા નહીં પણ 85-95 ટકા જેટલી ન્યાયી અને મુક્ત રીતે તથા સમયસર ચૂંટણીઓ થતી આવી છે. આપણી ચૂંટણીઓમાં અરાજકતા કે અંધાધૂંધી પ્રમાણમાં નહીં જેવી છે અથવા ઓછી છે તેનો પૂરો શ્રેય જાય છે ભારતના ચૂંટણી પંચને. આમ તો ચૂંટણી પંચમાં બે કમિશનર હોય અને મુખ્ય ચૂંટણી કમિશનર હોય. આ કમિશનર્સની નિમણૂકને રાજકીય ચંચુપાતથી દૂર રાખવાનો પૂરો પ્રયત્ન કરાય છે જેથી તે કોઇ સરકારી અધિકારી કે કોઇ પક્ષના હાથની કઠપૂતળી ન બની શકે. કમનસીબે આ સ્થિતિ બદલાઇ રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી એમ લાગે છે કે ચૂંટણી પંચ કોઇ જુદાં જ પ્રકારના દબાણમાં કામ કરી રહ્યું છે. એક સમયે ચૂંટણી પંચના કમિશનરના નામથી ભલભલાના હાંજા ગગડી જતા પણ માળું આપણે ત્યાં તો ચૂંટણી પંચના એક નહીં પણ બબ્બે અધિકારીઓએ રાજીનામું આપી દીધું છે. ભારતના ઇતિહાસમાં એવું ત્રણ જ વાર બન્યું છે કે ચૂંટણી પંચના કમિશનરની પદવી સંભાળનાર અધિકારીએ રાજીનામું આપ્યું હોય. આ ત્રણમાંથી બે ઘટના તો છેલ્લાં ચાર વર્ષમાં જ બની છે અને પાછું તેમના ચૂંટણી પંચમાંથી ચાલ્યા જવાનાં કારણો અંગે નકરી અસ્પષ્ટતા છે.

સૌથી પહેલાં ચૂંટણી પંચના કમિશનરની પદવી પરથી 1973માં ડૉ. નાગેન્દ્ર સિંઘે રાજીનામું આપ્યું હતું કારણ કે તેઓ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના જજ તરીકે નિમાયા હતા, તે ચૂંટણી પંચના ચોથા મુખ્ય કમિશનર હતા. આ પછી આવી ઘટના બની સીધી 2020ની સાલમાં જ્યારે અશોક લવાસાએ ચૂંટણી પંચના કમિશનરના પદેથી રાજીનામું આપ્યું અને ત્યારે તો ભારે વિવાદ થયો હતો. ત્રીજું રાજીનામું હમણાં તાજેતરમાં અરુણ ગોયલનું છે અને તે પણ ચૂંટણીના દિવસો ઢૂંકડા છે ત્યારે, અને માટે જ તેમના રાજીનામાની આસપાસ સવાલોનો વંટોળિયો ખડો થયો છે. કદાચ આ બે રાજીનામાં પાછળનાં સાચાં કારણો ક્યારે ય જાણવા નહીં મળે પણ ટી. એન. શેષન અને જે.એમ. લિંગ્ડોહ જેવા ધારદાર, નિષ્પક્ષ અને પ્રામાણિક અધિકારીઓએ જે ચૂંટણી પંચની પરિકલ્પના રચી હતી તે હવે પહેલાં જેવું રહ્યું નથી. ચૂંટણીનું પરિણામ ભલે જે પણ આવે પણ લોકશાહી રાષ્ટ્રના ચૂંટણી પંચની સ્વતંત્રતા હવે ધૂંધળી વાસ્તવિકતા બની જશે? ત્રણ સભ્યોના ચૂંટણી પંચમાં હવે એક માણસ રહી ગયો છે અને એ છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને બીજી પદવી આમે ય ખાલી હતી કારણ કે ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્રા પાંડેનું ટેન્યોર ફેબ્રુઆરીમાં પતી ગયું હતું. વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ બેઠક થશે અને બે નવા ચૂંટણી કમિશનર નિમાશે પણ ખરા, કદાચ તમે વાંચશો ત્યાં સુધીમાં એ નામો જાહેર પણ થઇ ગયા હોય એમ બને.

મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવાની શરતો અને ટર્મ ઑફ ઑફિસ વિધેયક 2023) હવે કાયદો બની ચૂક્યો છે અને આ કાયદા અનુસાર વડા પ્રધાન પાસે ચૂંટણી કમિશનરની પસંદગી કરનારી સમિતિનું નેતૃત્વ કરવાની સત્તા છે. વળી સમિતિમાં હશે કોણ તો કહે, ‘હું બાવો અને મંગળદાસ’ એટલે કે વડા પ્રધાન પોતે, તેમણે નિયુક્ત કરેલા યુનિયન કેબિનેટ મિનિસ્ટર અને વિરોધ પક્ષ અથવા સૌથી મોટા પક્ષનો કોઇ નેતા. હવે આમાં તો વડા પ્રધાનની મરજી જ ચાલવાની છે કારણ કે કેબિનેટ મિનિસ્ટર તો એમની પસંદગીથી અલગ મત આપવાના જ નથી. સુપ્રીમ કોર્ટે એમ સૂચવ્યું કે ચૂંટણી પ્રક્રિયા ન્યાયી અને મુક્ત રહે એ માટે વડા પ્રધાન, ચિફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા અને વિરોધ પક્ષના એક નેતા – એ રીતે ત્રણ જણની સમિતિ ચૂંટણી પંચના કમિશનરની નિમણૂક માટે કામ કરે. જો કે મોદી સરકારે આ સૂચનને ડૂચો વાળીને નાખ્યો બારીની બહાર અને ચિફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાને પસંદગી સમિતિમાંથી સદંતર કાઢી જ નાખ્યા. ટૂંકમાં જે ચૂંટણીને ધારે વડા પ્રધાન નક્કી થવાના છે એ ચૂંટણીના સુપરવાઇઝર પણ સત્તા પર બેઠેલા વડા પ્રધાન નક્કી કરશે.

હવે શું થશે? ગણતરીના દિવસોમાં કાયદો અને ન્યાય મંત્રાલય ઉમેદવારો નક્કી કરશે, એને વડા પ્રધાન ચર્ચા કરીને ઓકે કરશે અને છેલ્લે રાષ્ટ્રપતિ મંજૂરીની મહોર મારશે. આટલી અગત્યની નિમણૂક ઇન્સ્ટન્ટ નૂડલ્સની જેમ કરવામાં આવશે. ગોયલ અને લવાસા બન્ને ચૂંટણી કમિશનરોએ એવા સમયે ચૂંટણી પંચને આવજો કહ્યું કે જ્યારે તેમની બઢતી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે થવાની હતી. ચૂંટણી કમિશનર ગોયલ અને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર બંગાળમાં ચૂંટણી તૈયારીઓની તપાસ કરવા ગયા ત્યારે તેમની વચ્ચે માથાકૂટ થઇ હતી જેને કારણે રાજીવ કુમારે પોતાની મુલાકાત પછીની પ્રેસ કોન્ફરન્સ એકલા જ સંબોધી અને કહ્યું એમ કે ગોયલ સાહેબની તબિયત બગડતાં તે દિલ્હી ચાલ્યા ગયા છે. જો કે ગોયલની નજીકના સૂત્રોના મતે કોઇ બિમારી નહોતી, પણ છતાં ય રાજીનામું આપ્યું અને પળવારમાં મંજૂર પણ થઇ ગયું. પશ્ચિમ બંગાળમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર પછી સૌથી વધુ બેઠકો હોય છે એટલે ત્યાં કશું કાચું ન કપાય એ જરૂરી છે એવામાં બે ચૂંટણી અધિકારીઓમાં આ બાબતે શું સમસ્યા થઇ હશે?

ભા.જ.પ.ના સત્તાધીશ ચૂંટણી પંચને ગણકારતા નથી એવું કહેવું જોઇએ? 2019માં પૂર્વ ચૂંટણી પંચ કમિશનર અશોક લવાસાએ અમિત શાહ અને મોદીને એ કારણ ધરીને ક્લિન ચિટ નહોતી આપી કે ચૂંટણીની કામગીરીમાં નિયમ ભંગ કરાયા હતા. લવાસાની આ વાત સાથે બીજા બે ચૂંટણી કમિશનર સંમત નહોતા પણ લવાસાએ મોદી અને શાહ પાસે ચોખવટ માંગી હતી અને અંતે થયું શું? લવાસાને ટાર્ગેટ કરવામાં આવ્યા, સ્નૂપિંગ પણ કરાયું, આઇ.ટી. વિભાગ હાથ ધોઇને લવાસા પરિવારની પાછળ પડી ગયો, નોટિસો ફટકારાઇ, તેમના લેપટૉપમાંથી ખાનગી માહિતીઓ ચેક કરવામાં આવી અને જે લવાસા મુખ્ય ચૂંટણી અધિકારી બનવાના હતા તેમણે આખરે નોકરી છોડી અને એશિયન ડેવલપમેન્ટ બૅંકમાં જોડાઇ ગયા. લવાસા ગયા અને રાતોરાત ગોયલની નિમણૂક થઇ ગઇ, ન કોઇ મસલત થઇ ન કોઇ બેઠકો થઇ. ચૂંટણી પંચની પારદર્શિતા ગઇ પાણીમાં! તર્ક એમ અપાય કે પહેલાં ય એવું થતું કે ચૂંટણી પંચમાં એક જ અધિકારી નિમાતા તો હવે અત્યારે ત્રણને બદલે એક છે તો શું ફેર પડે છે? આ જ સમીકરણ લાગુ કરવું હોય નવી લાગુ કરેલી ઘણી બાબતો ન હોય તો ચાલે એવું આપણે કહી જ શકીએ છીએ. વળી ચૂંટણી માથે છે એટલે આ મુદ્દાને લઇને અલગ અલગ પક્ષના નેતાઓ ચૂંટણી પંચના અધિકારીઓની એક્ઝિટ અંગે ટિપ્પણી કરી રહ્યા છે, કોઇ ભા.જ.પ.ના વિરોધમાં તો કોઇ ગોયલના વિરોધમાં બોલી રહ્યા છે.

મોદી સરકારના કાર્યકાળમાં બબ્બે ઇલેક્શન કમિશનરે રાજીનામું આપ્યું. એક એવી સંસ્થા જેનું કામ જ નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે તે સત્તા પક્ષના ખુન્નસનો શિકાર બની ગઇ. તમે જાહેર જનતાના કલ્યાણ માટે કામ કરતા હો, લોકશાહીને સલામત રાખવા કામ કરતા હો પણ સત્તા પર બેઠેલાઓને તમે સવાલ ન કરી શકો તો તમારા એ પદનો કોઇ અર્થ નથી રહેતો. સત્તા પક્ષને સવાલ કરનારાઓની શી વલે થઇ શકે છે કે એ ચૂંટણી પંચની જે હાલત થઇ છે તે જોઇને સમજાઇ જાય છે. આ સરકારનું એમ માનવું છે કે તમે જો મારી સાથે નથી, મારી સામે છો તો પછી તમે છો જ નહીં. તંત્રમાં રહીને તંત્ર બદલવા વાળા વાક્યની નિરર્થકતા ચૂંટણી પંચની દિશાહીન દશા જોઇને સમજી શકાય છે.

આપણા બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરે યોગ્ય જોગવાઇની ગેરહાજરીમાં ચૂંટણી પંચમાં અયોગ્ય વ્યક્તિઓની નિમણૂક અને સરકારની દખલઅંદાજી અંગે વર્ષો પહેલાં ચિંતા જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટે 2023માં આ જ બાબત પર ભાર દેતા કહ્યું હતું કે ચૂંટણી પંચ સેવાપાત્ર (સરકાર તરફી સેવા આપનારું) કમિશન ન બની જાય એ જરૂરી છે. માળું મોદી સરકારનો સુપ્રીમ કોર્ટને પણ નથી ગાંઠતી ત્યારે આપણે લોકશાહી રાષ્ટ્રના નાગરિક તરીકે માત્ર ચિંતા નહીં પણ સવાલ કરી શકવાની કે ચર્ચા છેડવાની તસ્દી તો લેવી જ રહી.

બાય ધી વેઃ

ચૂંટણી પંચની કામગીરી જટિલ હોય છે, પંચના અધિકારી અને તેમાં ય મુખ્ય અધિકારી બદલવા, તેમને કાઢવા વગેરે કામ એવાં છે કે જાણે કોઇ ચીફ જસ્ટિસને બદલવાના હોય અને માટે જ સંતુલન જાળવવાના હેતુથી ત્રણ ચૂંટણી અધિકારી નિમાતા હતા પણ આ માળું એક રાષ્ટ્ર, એક નેતા, એક મુખ્ય ચૂંટણી અધિકારી, એક જ ચૂંટણી વાળો દાખલો લાગુ કર્યો છે અને કમનસીબે આ બધું કરીને આપણે એક જ પરિણામવાળી દિશામાં લોકશાહીનું લંગીસ નાખતા હોઇએ એમ લાગે છે. ઇ.વી.એ.મ, વી.વી.પૅટ મેચ, હેટ સ્પીચ, ઇલેક્ટોરલ બોન્ડ્ઝ જેવા મુદ્દાઓને મામલે ચૂંટણી પંચે કાનમાં વાગે એવી ચુપકીદી અથવા સરેયામ અવગણનાનો અભિગમ પાળ્યો છે જે લોકશાહી રાષ્ટ્રના ચૂંટણી પંચની નબળાઇ, તેના પતનના પુરાવા છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. 2024ની ચૂંટણી પહેલાંની આ બધી ઘટનાઓ ભારતીય નાગરિકોના ભવિષ્ય પર ઘેરી અસર પાડનારી સાબિત થવાની છે. આપણે આંખો ખોલવાની,  સાચું જોવાની અને સવાલ કરવાની જરૂર ખડી થઇ છે. ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી પંચનો રોલ જો ફિલ્મોમાં આવતા ‘રામુ કાકા’ જેવો જ થઇ જવાનો હોય તો લોકશાહીનું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે એ સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 માર્ચ 2024

Loading

...102030...790791792793...800810820...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved