Opinion Magazine
Number of visits: 9457633
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાઈવ શો 

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|30 October 2023

આઠ નવ વર્ષનો દીકરો સોહમ્ મારધાડની ફિલ્મો જોઈને ઉત્તેજિત થતો અને વીડિયો ગેમ્સમાં ધનાધન ગોળીઓ વરસાવીને સામા માણસને મારી નાખીને વધારે પોઈંટ્સ  મેળવીને ખુશ થતો. આ બધું જોઈને રાગિણી બહુ અકળાતી. પોતાની અકળામણ પતિ પર ઠાલવતાં એ સંજયને કહેતી, “તમે જ એની ટેવ બગાડો છો. આવી મારામારીની ગેમ્સમાંથી એ શું સારું શીખે છે? એ જે માગે એ વસ્તુના ખડકલા કરીને આજે, ભલે, તમે ખુશ થાવ, પણ કાલે ઊઠીને પસ્તાવાનો વારો આવશે.”

“ઑફિસેથી સાંજે થાકીને ઘરે આવીએ કે તારું લેક્ચર ચાલુ થઈ જાય. આ બધી નિર્દોષ રમતો છે. બે ઘડી રમીને ભૂલી જશે. એ કંઈ કોઈનું ખૂન કરવા થોડો જવાનો છે?”

રાગિણીને બરાબર ખ્યાલ હતો કે પોતે પતિ-પત્ની નોકરી-ધંધાની હાયવોયમાં દીકરાને સમય નથી આપી શકતાં, એ ગુનાહિત ભાવને ઢાંકવા સંજય દીકરાના મોઢામાંથી નીકળે એ ચીજ લાવીને એને રાજી કરતો. સોહમ્ સ્કૂલેથી આવે ત્યારે ઘરમાં જમનાબાઈ જ હોય. એ પોતાનાં કામમાં હોય ને સોહમ્ ટેસથી વીડિયો ગેમ રમે. એને કોઈ રોકટોક કરનારું ન હોય. રાગિણી ઘણી વખત સંજય પાસે મનમાં ઘોળાતી વાત કરતી, 

“સંજય, બા-બાપુજીને આ નાના ઘરમાં ગુંગળામણ થાય છે તેથી અહીં આવીને રહેવા તૈયાર નથી થતાં. બાકી એ લોકો જો આપણી સાથે રહેતાં હોત તો સોહમ્‌ની જરા ય ચિંતા ન રહેત.”

“આમ તો એમને ય મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું છે, એટલે જ તો મોટે ભાગે શનિ-રવિમાં અહીં આવે છે કે જેથી સોહમ્ સાથે રહી શકાય, પણ બાપુજી કહેતાં હતાં કે, હમાણાંથી સોહમ્‌ને અમારી વાર્તાઓમાં બહુ રસ નથી પડતો.”

“હા, બા પણ મને કહેતાં હતાં કે, રામાયણ, મહાભારત કે પંચતંત્રની વાતો એ પહેલાં કેવો ધ્યાનથી સાંભળતો! એને બદલે હવે શરૂ કરીએ ત્યાં એ ઊઠીને ભાગી જાય છે. સાચું કહું, સંજય, મને તો એની ચિંતા થવા લાગી છે.”

સોહમ્‌નો જન્મદિવસ નજીક આવતો હતો. એ થોડો સંવેદનશીલ બને ને બીજા લોકો કેવા અભાવમાં જીવે છે એ સમજે એવી રીતે આ જન્મદિવસની ઉજવણી કરવી જોઈએ, એવો પ્રસ્તાવ બાએ મૂક્યો. ચારે જણ સંમત થયાં. સોહમ્‌ને સમજાવવાનું બીડું સંજયે ઝડપ્યું.

“જો સોહમ્, આપણી પાસે તો કેટલી બધી ચીજ-વસ્તુ છે, પણ કેટલા બધા લોકો પાસે તો ઘર પણ નથી હોતું. તારી જેવડા નાના છોકરાઓને ફૂટપાથ પર સૂવું પડે છે. આટલી બધી ઠંડીમાં એ લોકો પાસે ઓઢવા માટે ય કંઈ નથી હોતું. તારા બર્થ-ડેના દિવસે આપણે એમને માટે બ્લેન્કેટ અને બિસ્કિટ લઈને જઈએ તો?”

સોહમ્‌ને વિચાર ગમી ગયો. અત્યાર સુધી કદી ન જોયેલી એક દુનિયા જોવાની વાતથી એ ઉત્સાહમાં આવી ગયો. એના જન્મદિવસે ગાડીની ડીકીમાં ધાબળા અને બિસ્કિટનાં પેકેટ મૂકીને બધાં પહોંચ્યાં ઝૂંપડપટ્ટીમાં. સોહમ્‌ના હાથે બાળકોને બ્લેન્કેટ અને બિસ્કિટ આપવાનું નક્કી થયું હતું. હજી ત્યાં પહોંચીને સંજય પાર્કિંગની જગ્યા શોધે ત્યાં તો એક હટ્ટોકટ્ટો માણસ આવ્યો.

“કાયકો આયે હો બાબુ? હમ ઈધરકા ડોન હૈ. સબસે પહેલે હમકો પૂછના મંગતા હૈ. ચલો દિખાઓ. ડીકીમેં ક્યા હૈ?”

સંજય ડીકી ખોલીને એને બતાવવા જાય ત્યાં આજુબાજુમાંથી દસ-પંદર માણસો અને વીસ-પચીસ છોકરાઓ દોડતાં આવી પહોંચ્યાં. ગાડીની આસપાસ જાણે મધમાખીનું ઝૂંડ વળગ્યું હોય એવું લાગતું હતું. સંજય ધાબળાને હાથ લગાડવા જાય ત્યાં જ બાજુમાં ઊભેલા માણસે દસેક ધાબળાની થપ્પી ખેંચી કાઢી. બીજા બે-ત્રણે ઝૂંટાઝૂટ કરવાનું શરૂ કર્યું.

“બધાને મળશે, શાંતિ રાખો.” સંજયની સમજાવવાની કોશિશ સાવ નિષ્ફળ ગઈ. એ ડીકી બંધ કરવા ગયો પણ બે-ચાર જણે ડીકીનો દરવાજો એટલા બળપૂર્વક પકડી રાખ્યો કે એ બંધ જ ન કરી શક્યો. સ્ત્રીઓ અને બાળકોએ બિસ્કિટ ખૂંચવવા જતાં પેકેટ ફાડી નાખ્યું ને બિસ્કિટ રસ્તા પર પડ્યાં. આવું થશે એવી કોઈએ કલ્પના નહોતી કરી. બા-બાપુજી સ્તબ્ધ થઈ ગયાં હતાં. રાગિણીની આંખોમાં આંસુ આવી ગયાં. બાનો હાથ દબાવતાં એ બોલી,

“બા, આપણે તો શું વિચારીને આવ્યાં હતાં ને અહીં તો …”

હવે તો એકબીજાને ધક્કા મારવાનું, તમાચા મારવાનું અને ગાળાગાળી કરવાનું ચાલુ થઈ ગયું હતું. સોહમ્‌ અચાનક ગાડીનો દરવાજો ખોલીને સંજય પાસે પહોંચી ગયો. રાગિણીથી ચીસ નીકળી ગઈ, સોહમ્‌, ત્યાં નહીં જા. કોઈ મારી દેશે. તને વાગી જશે. પાછો આવ. પણ બહાર ચાલી રહેલા હોંકારા-પડકારામાં કાને પડ્યું કંઈ સંભળાય એમ નહોતું. સંજયે સોહમ્‌ને જોયો એ ભેગો પોતાની પાસે ખેંચી લીધો. એને લાગ્યું કે, સોહમ્‌ આ બધું જોઈને ગભરાઈ ગયો હશે, પણ દીકરાના ચહેરા પર એનું ધ્યાન ગયું તો એને તો આ ઢીસૂમ ઢીસૂમ જોવાની બહુ મજા આવતી હોય એવું લાગ્યું.

એક ધાબળા માટે ઝઘડી રહેલા બે માણસમાંથી એકે બીજાને એવો ધક્કો માર્યો કે, પાસે પડેલા પથ્થર પર પેલાનું માથું અફળાયું ને લોહી વહેવા લાગ્યું. હવે અહીં ઊભા રહેવું જોખમી હતું. સંજયે મહામહેનતે ડીકી બંધ કરી ને સોહમ્‌ને છાતીએ વળગાડીને ગાડી મારી મૂકી. ગાડીમાં દિગ્મૂઢ થયેલાં ચારેય ચૂપચાપ બેઠાં હતાં ત્યાં સોહમે ખુશ થઈને કહ્યું, આજના હેપ્પી બર્થ ડેમાં બહુ મજા આવી. આજે તો રિયલ ફાઈટ અને રિયલ બ્લડ જોવા મળ્યું. પછી પાછળ ફરીને દાદી તરફ જોઈને કહ્યું, “થેંક યૂ દાદી, તમે આઈડિયા આપ્યો તો આપણે અહીં આવ્યાં ને મને આ લાઈવ શો જોવા મળ્યો. અત્યાર સુધી હું વીડિયો ગેમમાં જોતો હતો એ તો બધું ખોટું ખોટું.”

જવાબમાં શું કહેવું એ દાદીને સૂઝતું નહોતું. એમને સમજાતું નહોતું કે, પૌત્રના થેંક યૂના જવાબમાં એમણે ‘મોસ્ટ વેલકમ’ એમ બોલવું જોઈએ કે નહીં? હકીકતમાં સોહમ્‌ને સંવેદનશીલ બનાવવાના નિષ્ફળ પ્રયત્ન બદલ એ પસ્તાતાં હતાં.

(અરુણેંદ્રનાથ વર્માની હિંદી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ઑક્ટોબર 2023; પૃ. 24

Loading

બે રચના

સાહિલ|Poetry|30 October 2023

બંધ મુઠ્ઠીમાં

આભ સંતાયું બંધ મુઠ્ઠીમાં

હેત સચવાયું બંધ મુઠ્ઠીમાં

આંધળાભીત સૂર્યના માટે

તેજ રેલાયું બંધ મુઠ્ઠીમાં

તોય ખાલીપો એટલો જ રહ્યો

શું ઉમેરાયું બંધ મુઠ્ઠીમાં

રુવેરુવે પડ્યાં ઉઝરડાઓ

છિદ્ર છેદાયું બંધ મુઠ્ઠીમાં

વિશ્વમાં ક્યાંય  મન ન માન્યું તો

સત્ય સચવાયું બંધ મુઠ્ઠીમાં

કોઈ ના જાણે એમ રાત દિવસ

મન મનાવાયુ બંધ મુઠ્ઠીમાં

મારા હોવાથી જે હતું સાહિલ

વિશ્વ વિખરાયુ બંધ મુઠ્ઠીમાં

///////////////////////

નીકળ્યું

પાંદડુ તકદીર આડું નીકળ્યું

ઝૂલણૂં માન્યું એ ઝાડુ નીકળ્યું

સિંહ ગઢની શેરીમાં સોપો પડ્યો

શ્વેત સસલું ધાડપાડુ નીક્ળ્યું    

આત્મહત્યા દર્પણોએ ત્યાં કીધી

જે તરફ બિમ્બોનુ ઘાડું નીકળ્યું

એને વાઘા એક પણ અરઘે નહીં

સત્ય હંમેશાં ઉઘાડું નીકળ્યું

જ્યાં સુરંગો ટાપીને બેઠી હતી

એ તરફ ખુશિયોનુ ગાડું નીકળ્યું

શું તમારા શોર્યની વાતો કરું

નાગ સમજી ભાગ્યા નાડું નીકળ્યું

પાણીથી પણ પાતળા અવતારનું

પોત સાહિલ કેવું જાડું નીકળ્યું

નીસા, ૩/૧૫ દયાનંદ નગર, રાજકોટ ૩૬૦ ૦૦૨
e.mail : sahilrjt1946@gmail.com

Loading

શિક્ષણ મરે તો ચાલે, શિક્ષણ વિભાગ જીવવો જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|30 October 2023

રવીન્દ્ર પારેખ

આખો દેશ અખાડા અને દેખાડા પર ચાલે છે. ચારે તરફ ઘણું બધું થતું દેખાય, પણ ખાસ કૈં થતું ન હોય. વાતો મોટી હોય, પણ પરપોટા જેવી. હાથમાં કૈં આવતું ન હોય. યોજનાઓ બનતી રહે, પણ પરિણામ જણાય નહીં. પુલ બનતા પહેલાં તૂટતા દેખાય, મરનારના કુટુંબીજનો વળતર માટે જ જીવતાં હોય તેમ થોડાક લાખ ખટાવીને સરકાર પણ ફરજ બજાવી લેતી હોય, બુલેટ ટ્રેન જ દેશની જીવાદોરી હોય તેમ સરકાર પાટા વગર પણ દોડતી રહે, વિશ્વની ત્રીજા નંબરની ઈકોનોમી ન બને તો દેશ રસાતાળ જવાનો હોય તેમ થોડે થોડે વખતે પ્રજા માનસનું ધોવાણ થતું રહે, મણિપુર, ‘મનીપુર’ ન હોય તેમ તેની ઉપેક્ષા થતી રહે ને ઇઝરાયલ ને પેલેસ્ટાઇન યુદ્ધ પર નજર વધુ ઠરતી હોય … આવી તો ઘણી બાબતો દેશ સક્રિય હોવાની ચાડી ખાય છે, પણ વાસ્તવિકતા જુદી જ છે. એ ઉપરાંત ધાર્મિક આસ્થા તીવ્ર થતી આવે ત્યારે રામ ભરોસે ચાલતા દેશને રામ જ ચલાવશે એમ માનીને આશ્વસ્ત થવાનું રહે.

હમણાં એક નવો પવન ફૂંકાયો છે, ઇન્ડિયાને ભારતમાં કન્વર્ટ કરવાનો. ભરતખંડ તરીકેની મૂળ ઓળખ પાછી મળતી હોય તો એથી વધુ રૂડું શું? દેશ હજારેક વર્ષ ગુલામ રહ્યો. એ વખતે કાઁગ્રેસ ન હતી, તો ય આ બન્યું. એ પણ ખરું કે મોગલો અને અંગ્રેજોએ પોતાની ફેવરનો ઇતિહાસ લખાવ્યો. એ રીતે હવેની સરકાર પણ પોતાનો ઇતિહાસ લખાવવા તૈયાર થઈ છે. એવી હવા ફેલાવાય છે કે આપણા રાજાઓએ ભારે પરાક્રમ દાખવ્યું હતું, પણ એ વાત ઇતિહાસમાં નથી આવતી ને સતત મોગલો અને અંગ્રેજોની પ્રશસ્તિ જ ચાલી છે. એમાં તથ્ય છે જ, પણ પ્રશ્ન તો એ પણ થવો જોઈએ કે રાજાઓ બધું શૂરાતન અંદરોઅંદર લડવામાં જ દાખવતા હતા કે એ વિદેશી આક્રમણો સામે પણ થયા હતા? વિદેશીઓએ આક્રમણ કર્યું ત્યારે એમની સેના કરતાં આપણું સૈન્ય ઓછું હતું કે સંપ ઓછો હતો એ પણ જોવા-તપાસવાનું રહે. મીરઝાફર અને અમીચંદ રોબર્ટ ક્લાઇવને રાજ કરવાનું આમંત્રણ આપવા ગયા હતા એ સાચું હતું કે ત્યારથી જ અંગ્રેજોએ તેમની ફેવરનો ઇતિહાસ લખાવવાનું શરૂ કરી દીધું હતું? સવાલ તો એ પણ છે કે આપણા રાજાઓ શૂરવીર ને સંપીલા જ હતા તો દેશ હજાર વર્ષની ગુલામીમાં સપડાયો કેમ?

જો કે, અત્યારની તાતી જરૂર ઇન્ડિયાને ભારતમાં કન્વર્ટ કરવાની સરકારને લાગે છે. એમાં ઇતિહાસની જરૂર છે કે રાજકારણની એ પણ નવો ઇતિહાસ લખાશે ત્યારે પાકું થશે. ‘ઈન્ડિયા’ જો ‘ભારત’ થતું હોય તો તેનો રજમાત્ર વાંધો નથી. અંગ્રેજોએ પાડેલાં નામ અગાઉની સરકારોએ ચલાવ્યે રાખ્યાં જે હાલની સરકારને બદલવા જેવાં લાગે છે, તો ભલે બદલે, પણ આપણે અંગ્રેજોનું અંગ્રેજી છોડવા તૈયાર નથી તેનું શું? ગુજરાતનો સર્વે ન કરીએ તો પણ ખબર પડે એમ છે કે અંગ્રેજી માધ્યમની નવી સ્કૂલો વધુ ખૂલી છે ને ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ થતી રહી છે. ટૂંકમાં, લાગે છે તો એવું કે ગુજરાતની માતૃભાષા અંગ્રેજી થવા પર છે.

કેન્દ્ર સરકાર સાચો ઇતિહાસ ભણાવવા તત્પર છે એનો આનંદ છે ને એના પ્રભાવમાં કામ કરતી સંસ્થા નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનિંગ – NCERT-ની ઉચ્ચ કક્ષાની સમિતિ, પાઠ્યપુસ્તકોમાં  ‘ઇન્ડિયા’ છે, ત્યાં ‘ભારત’ કરવાની ભલામણ કરે છે. દેખીતું છે કે સરકાર ‘ઇન્ડિયા’નું ‘ભારત’ કરવાની ઝુંબેશ ચલાવતી હોય તો NCERT પણ પાછળ ન રહે ને GCERT-ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનિંગ તો NCERTની નકલ કરવામાં જ ધન્યતા અનુભવતી હોય તો એ સમર્થન આપે જ એમાં શંકા નથી. NCERT સરકારને પગલે ચાલે ને GCERT, NCERTને પગલે ચાલે એટલે મોડું વહેલું ‘ઇન્ડિયા’નું ‘ભારત’ થશે તો ખરું, પણ બંનેના હેતુ જુદા છે. NCERTનો હેતુ શિક્ષાત્મક છે, જ્યારે સરકારનો હેતુ રાજકીય છે, એટલે, જો રાજકીય ગણતરી ન હોય તો NCERTએ સરકારને પગલે ચાલવાની જરૂર નથી. એક તબક્કે NCERTએ આ મુદ્દો પડતો મૂકેલો, પણ વળી કોઈ દબાણ વધતાં NCERTમાં જીવ આવ્યો હોય એમ બને. સરકાર પણ INDIAનું BHARAT કરવા શુદ્ધ બુદ્ધિથી તૈયાર થઈ હોય તો એનો આનંદ જ હોય, પણ એવું નથી.

26 વિપક્ષો 2024ની ચૂંટણીને અનુલક્ષીને એક થયા ને એ સંગઠનને કાઁગ્રેસી નેતા રાહુલ ગાંધીએ I.N.D.I.A નામ આપ્યું. હવે વિપક્ષ જો INDIAનો ઉપયોગ કરે તો દેખીતું છે કે શાસકપક્ષ એનો ઉપયોગ ન કરી શકે. કરે તો એ વિપક્ષનો પ્રચાર કરવા જેવું જ થાય, એટલે દેશનું નામ ‘ભારત’ હોય તો જ માર્ગ મોકળો થાય. હવે એ જાણીને કે જાણ્યા વગર ઇતિહાસ સુધારવા NCERT બેસે તો એ શિક્ષણને બદલે સરકારને મદદ કરવા જેવું તો નથી કરતીને એ વિચારવાનું રહે. સરકારનો હેતુ તો સ્પષ્ટ જ છે, પણ NCERTનો ઇરાદો શુદ્ધ, પૂર્વગ્રહ મુક્ત અને તર્કસંગત હોય એ અનિવાર્ય છે. રાજકીય હેતુનું દાસત્વ શિક્ષણ ન કરે એ NCERTએ જોવાનું રહે. રહી વાત GCERTની તો એણે તો ચાકરી જ કરવાની છે, તો કરશે ને ધન્ય થશે.

બીજી તરફ ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષાની ફીમાં સીધો દસ ટકાનો વધારો ઝીંકી દીધો છે, પરિણામે દસમાં ધોરણનાં નિયમિત વિદ્યાર્થીએ હવે 390 રૂપિયા પરીક્ષા ફી ભરવાની થશે. લાખો વિદ્યાર્થીઓ પાસેથી કરોડો રૂપિયા ઉસેટવાની આ ધંધાકીય પ્રયુક્તિ સિવાય બીજું કૈં નથી. અસહ્ય મોંઘવારીથી પીડાતી પ્રજાને શિક્ષણ જગતથી કોઈ રાહત મળતી નથી એ દુ:ખદ છે. બીજી તરફ સરકારે પણ શિક્ષણ ખાતું ચલાવવાનું છે, એટલે એ પણ જીવવા માટે જે કરવું પડે એ કરે તેમાં નવાઈ નથી ને એ વાલીઓના જીવ પર ન કૂદે તો બીજું કરે પણ શું? કાયમી ગરીબીમાં જીવતી સરકાર એટલે તો કાયમી જગ્યાઓ ભરી શકતી નથી.

જો કે, એક જાહેરાત શિક્ષણ વિભાગે સારી એ કરી છે કે દિવાળી પછી તમામ જિલ્લાઓમાં DEO અને DPEOની ખાલી જગ્યાઓ ભરાશે. રાજ્યમાં જિલ્લા શિક્ષણાધિકારી-DEO અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી-DPEOની 60 ટકાથી વધારે જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. જગ્યા ન ભરવાનાં કારણો હતાં, પણ શિક્ષણ મંત્રી ડિંડોરે દિવાળી પછી જગ્યાઓ ભરવાનો વાયદો કર્યો છે, તો ભરાશે એવો ભરોસો રાખી શકાય. ભરાશે એવું એટલે પણ લાગે, કારણ ઓફિસો તો ચલાવવાનીને ! શિક્ષણ ખાતું ફતવો બહાર પાડે તો તે નીચે સુધી મોકલવા કે તેનો જવાબ મેળવવા DEO ને DPEO તો જોઇએને ! એટલે એ જગ્યાઓ ભરાશે એવું લાગે તો છે.

એ સારું જ છે કે ઓફિસો ચલાવવા સરકારને ઘટતો અધિકારી સ્ટાફ, ઓફિસોમાં નીમવાનું મોડું મોડું પણ સૂઝે છે, પણ 2017થી ખાલી પડેલી 32,000 કાયમી શિક્ષકોની ઘટ પૂરવાનું શિક્ષણ મંત્રીને સૂઝતું નથી.  તેને બદલે બધી રીતે લાયક ઉમેદવારોને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કામચલાઉ નોકરી આપવાનું નાટક, જરા પણ સંકોચ વગર સરકાર કરી શકે છે. આવું સરકાર એટલે કરે છે કે કામચલાઉ શિક્ષકોને નિવૃત્તિ પછીના પેન્શન વગેરે લાભો આપવા ન પડે, તો સરકારને સીધું એ પૂછવાનું થાય કે જે તે મંત્રીઓ, અધિકારીઓ, પેન્શન મળવાની ગણતરી વગર જ સક્રિય છે? એમની ઓફિસોમાં પી.એ. અને અન્ય અધિકારીઓ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવાયા છે? એ બધા પેન્શન અને નિવૃત્તિનાં લાભો નથી લેવાના? અરે, જે DEO અને DPEOની દિવાળી પછી ભરતીની વાત ડિંડોર સાહેબે કરી છે, એ સાહેબો 11 મહિના પછી એ જ જગ્યા માટે ફરી એપ્લાય કરવાના છે? ના, એવું નથી. એ સાહેબો તો કાયમી ભરતી મેળવવાના છે, તો સવાલ એ થાય કે એમને ફિક્સ પગારે રાખવાના છે? એવું પણ નથી, કારણ નોકરી કાયમી છે. દેખીતું છે કે એમને પેન્શન અને અન્ય લાભો પણ નિવૃત્તિ પછી મળશે જ, તો બધી કસર માસ્તરોમાં જ કેમ? કાયમી ભરતી વગર શિક્ષણનો દાટ વળી રહ્યો છે એ સરકારને દેખાતું જ નહીં હોય !? ઓફિસો ખાલી ન રહે એટલે કાયમી અધિકારીઓની સરકાર ભરતી કરે છે, પણ વર્ગખંડો શિક્ષકો વગર ખાલી રહે છે, તો સરકારનું રૂંવાડું ય ફરકતું નથી. ન જ ફરકે, કારણ રૂંવાડું ફરકવાય ચામડી તો જોઇશે ને ! વર્ગખંડોમાં શિક્ષક વગર શિક્ષણ મરવા પડે તેનો વાંધો નથી, પણ અધિકારીઓ વગર જીવાય એમ નથી, કારણ ખરો કે ખોટો શિક્ષણ વિભાગ જીવવો તો જોઈએ ને !

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 ઑક્ટોબર 2023

Loading

...102030...784785786787...790800810...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved