Opinion Magazine
Number of visits: 9457543
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અઠવાડિયાના 70 કલાક કામઃ વિકાસશીલ દેશમાંથી વિકસીત દેશ બનવા માટે કામ તો કરવું જ પડશે

Opinion - Opinion|5 November 2023

આપણે મામલે હકારાત્મક બાબત એ છે કે આપણી પાસે તાકત છે તો ખરી પણ તેની ઉર્જા સાચી દિશામાં વળે, તે માટે નારાયણ મૂર્તિની વાતને એક પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે

ચિરંતના ભટ્ટ

છેલ્લા એક અઠવાડિયાથી સોફ્ટવેર સમ્રાટ નારાયણ મૂર્તિએ કીધેલી વાત પર સતત પ્રતિભાવ આવી રહ્યા છે. નારાયણ મૂર્તિએ એમ કહ્યું કે – દેશના યુવાનોએ અઠવાડિયાના 70 કલાક કામ કરવાની તૈયારી બતાડવી જોઇએ, તો જ તેઓ દેશના વિકાસમાં મદદરૂપ થઈ શકશે. તેમણે આ કહ્યું તેની સાથે એમ પણ ઉમેર્યું કે ભારતની પ્રોડક્ટીવિટી – ઉત્પાદન ક્ષમતા – વિશ્વમાં સૌથી નીચી છે અને જો આપણે કાર્ય ક્ષમતા નહીં વધારીએ તો આપણે એ દેશો સાથે સ્પર્ધામાં નહીં ઉતરી શકીએ જેમણે બહુ જ સારી પ્રગતિ કરી છે.

નારાયણ મૂર્તિના વિધાનો વાયરલ થયા અને તેમની વાત સાથે અમુક લોકો સંમત થયા તો અમુકે કહ્યુ કે આવી રીતે કંઇ કામ ન થાય – આટલા કલાકો કામ કરવાનું આવે તો વર્ક-લાઇફ બેલેન્સનું શું થશે? લોકોનાં માનસિક સ્વાસ્થ્ય પર અસર પડશે, કોર્પોરેટ્સમાં વર્ક કલ્ચર ટોક્સિક હોય છે, પગાર ધોરણો પણ ઓછા હોય છે, લોકોએ તો ટીકા કરવાનું શરૂ કર્યું તો નારાયણ મૂર્તિના ઇન્ફોસિસનાં ય છોતરાં કાઢ્યાં કે ટેક કંપનીમાં પગાર સરખો નથી અપાતો કોઇ શા માટે અઠવાડિયાના 70 કલાક કામ કરે? વળી સ્ત્રીઓ જો 70 કલાક કામ કરે તો શું કારણ કે ઘણીબધી સ્ત્રીઓ આજે પણ ઘર અને નોકરી બન્ને સંભાળતી હોય છે – આવી સ્થિતિમાં તેમને માટે આ વધુ પડતું જ થઈ જાય કારણ કે બન્ને સંભાળવામાં અત્યારે પણ તે અઠવાડિયાના 70 કલાકથી વધારે જ કામ કરતી હોય છે.

ભારતમાં કામના કલાકોનો મામલો સંવેદનશીલ જ રહ્યો છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન – IOLએ કોરોનાવાઈરસ રોગચાળા પહેલા એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર ભારતીયો દર વર્ષે 2,000 કલાકથી વધુ કામ કરે છે અને આ કલાકો યુ.એસ., બ્રાઝીલ અને જર્મનીથી ઘણા વધારે છે. વળી આ જ વર્ષે તામીલનાડુમાં ફેક્ટ્રીમાં કામના કલાકો આઠમાંથી વધારીને બાર કરાયા ત્યારે તેનો ભારે વિરોધ થયો અને કલાકો જે હતા એ કરી દેવાયા. અન્ય કંપનીના સી.ઇ.ઓ.ઝ કામના કલાકો વધારવાની વાત કરીને ટીકા વહોરી ચૂક્યા છે.

નારાયણ મૂર્તિ

જો કે નારાયણ મૂર્તિના આ વિધાનને સંદર્ભમાં જોવું જોઈએ એવું ઘણા અગ્રણીઓએ કહ્યું છે. ભારતની વસ્તીની વાત કરીએ તો આપણે ત્યાં યુવાનોની સંખ્યા અન્ય દેશોની સરખામણીએ વધારે છે. આપણે આર્થિક વિકાસના રસ્તે એ ગણતરી સાથે આગળ વધી રહ્યા છીએ કે 2030માં આપણે જર્મની અને જાપાનથી આગળ વધીએ. આપણે અત્યારે અર્થતંત્રની દૃષ્ટિએ 3.7 ટ્રલિયન ડૉલર્સના કદ સાથે પાંચમા સ્થાને છીએ. આપણો જી.ડી.પી. 2030 સુધીમાં જાપાનના જી.ડી.પી. જેટલો થઇ જવાની વકી છે અને એશિયા પેસિફિક રિજ્યનમાં આપણે સૌથી ઝડપી અને મોટા અર્થતંત્રની યાદીમાં પહોંચીશું. આ વિગતો એસ. એન્ડ પી. ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સના રિપોર્ટમાં ટાંકવામાં આવી છે. આર્થિક મહાસત્તાનું લેબલ યુ.એસ.એ.ને માથે છે કારણ કે તેનું અર્થતંત્ર 18 ટ્રિલિયન ડૉલર્સનું છે જે આખા વિશ્વના જી.ડી.પી.ના 17.9 ટકા જેટલો હિસ્સો છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની ગણતરી અનુસાર ભારત 2023-24ના ફાઇનાન્શિયલ વર્ષમાં 5.9 ટકાના દરે વધે તેવી વકી છે. જે વૈશ્વિક આર્થિક વિકાસ દર 2.8 ટકા કરતાં ઘણો વધારે છે. જાપાન જી.ડી.પી. અનુસાર ત્રીજા ક્રમાંકે છે તો ચોથા ક્રમાંકે જર્મની છે.

જર્મની અને જાપાનનો સંદર્ભ જરૂરી છે કારણ કે બીજા વિશ્વ યુદ્ધ પછી આ બન્ને દેશોએ પોતાની આર્થિક શક્તિને વધારવા માટે બધું જોર લગાડી દીધું અને માટે જ આજે આ બન્ને દેશો આર્થિક મજબૂતાઈની યાદીમાં આગળ ધપી શક્યા છે. જર્મનીમાં નાઝીવાદ હતો તો જાપાનમાં સામ્રાજ્યવાદની સાંકળોમાં સપડાયેલો હતો. પરંતુ આ સ્થિતિમાંથી નીકળીને શાંત, સમૃદ્ધ અને ધબકતી લોકશાહી વાળા રાષ્ટ્ર બનવા પાછળ આ બન્ને દેશોએ ભારે મહેનત કરી છે. સુધારા, બદલાવ, માળખાકીય પુનઃનિર્માણ કરીને પશ્ચિમી દેશો સાથે સમાંતર થવામાં આ બન્ને રાષ્ટ્રોએ કોઈ કચાશ ન છોડી. ચીનને 1978માં મોકળાશ અને સુધારા સાથે આર્થિક ફેરફારો શરૂ કર્યા અને તેનો વાર્ષિક જી.ડી.પી. વર્ષોથી 9 ટકાના દરે રહ્યો છે. 2000ની સાલમાં ચીન 13મા સ્થાને હતો અને 2010થી તે જાપાનથી આગળ વધીને અર્થતંત્રની વૃદ્ધિના સ્તરે બીજા સ્થાન પહોંચ્યો.

2047 સુધીમાં ભારત જો વિશ્વની સૌથી મોટી આર્થિક સત્તા બનવા માગતો હોય તો તેણે દર વર્ષે 14 ટકાના દરે વૃદ્ધિ કરવી પડે. આ ગણતરી એ સાથે કે રૂપિયાનું સ્થાન ડૉલરની સામે સ્થિર રહે. લેબર, રોકાણો, માનવ વસ્તી અને ફેક્ટરી ઉત્પાદનો જો મોટા પ્રમાણમાં થતા રહે તો આ પણ શક્ય છે. 2006-11 દરમિયાન બારતનો વાર્ષિક વિકાસ દર 14 ટકાની આસપાસ રહ્યો છે. નારાયણ મૂર્તિ કદાચ એમ કહેવા માગે છે ભારત આવનારાં વર્ષોમાં વિકાસની દોડમાં પાછો ન પડે અને માટે જ તે ચાહે છે કે કામના કલાકો અત્યારે છે તેના કરતાં વધુ રહે. આ કલાકોનો અર્થ માત્ર શારીરિક કે માનસિક મહેનત સાથે નથી જોડાયેલો બલકે જેને સ્માર્ટ વર્ક કહે છે, જેટલા કલાકો હોય તે ઉત્પાદન અને વિકાસની દિશામાં જ હોય અને જે થાય છે તેના કરતાં અમુક ટકા વધારે હોય તો આ ચોક્કસ શક્ય છે. લેબર પ્રોડક્ટીવિટી – શ્રમ ઉત્પાદકતાની ગણતરી કરીએ તો ભારતનું ગોઠવાયેલું ઉત્પાદન ક્ષેત્ર, વૈશ્વિક સ્તરે અન્ય દેશોની સરખામણીએ વધવાને બદલે ઘટી રહ્યું છે. યુવાન દેશ હોવાથી આ પારો નીચે જાય તો યુવાન દેશ હોવાનો હુંકાર કોઇ કામનો નથી રહેતો. મલ્ટી નેશનલ કંપનીઓ સિવાય ભારતના આઇ.ટી. અને આઇ.ટી.ઇ.એસ. ક્ષેત્ર, કન્સલ્ટિંગ પેઢીઓ, કેન્દ્રીય સરકાર જે પાંચ દિવસ કામ કરે છે અને રિટેલ – હૉસ્પિટાલિટી, હેલ્થકેર જેવાં ક્ષેત્રો સહિત લશ્કર, પોલીસ, ઉત્પાદન અઠવાડિયાના છ દિવસ કામ કરે છે. પાંચ અને છ દિવસ કામ કરનારા આ બે ક્ષેત્રો વચ્ચેની એક દિવસ વધારે કામ કરવાના ફરક પર નારાયણ મૂર્તિની ટિપ્પણી અવળી અસર કરશેની ચિંતાને કારણે આટલો બધો હોબાળો થયો છે. બીજી તરફ એવા વ્યવસાયો પણ છે, જેમ કે મેડિકલ, પત્રકારત્વ, નાના-મોટા આંત્રપ્રિન્યોર્સ – લાંબા કલાકો કામ કરે છે અને તેમાં રવિવારની કે જાહેર રજાઓની ગણતરી મોટે ભાગે નથી હોતી. વસ્તીની સ્થિતિનું વિહંગાવલોકન કરીને જ્યાં કાચા પડીએ છીએ તેની પર ધ્યાન આપીને વૈશ્વિક અર્થતંત્રની રેસમાં ઝડપ અને સ્થિરતા બન્ને વધારવાનો આ યોગ્ય સમય છે. વસ્તીના ડિવિડન્ડ રળવા માટે આનાથી બહેતર સમય કદાચ જલદી નહીં આવે. જ્યારે રાષ્ટ્રની વસ્તી વૃદ્ધ હોય, જે અમુક મોટા દક્ષિણ-એશિયાઈ દેશોમાં કે અમુક પશ્ચિમી દેશોમાં થઈ રહ્યું છે ત્યાં અર્થતંત્રનો બોજો વધી રહ્યો છે કારણ કે તેમણે એવી વસ્તી મેઇન્ટેઇન કરવાની આવે છે જે અત્યારે અર્થતંત્ર ઘડવામાં કોઈ યોગદાન નથી આપતી અને તેની સામે તેમની પાસે કામ કરીને અર્થતંત્રને દોડતું રાખે તેવું યુવા ધન અન્ય રાષ્ટ્રોની સરખામણીએ ઓછું છે પણ છતાં ય પાછલી પેઢીના કામોથી અત્યારે તેમનું એન્જિન દોડે છે. આ રાષ્ટ્રો પોતાના અર્થતંત્રની તાકત ટકાવી રાખવાની ચિંતા કરી રહ્યા છે અને જ્યારે આપણે મામલે હકારાત્મક બાબત એ છે કે આપણી પાસે તાકત છે તો ખરી પણ તેની ઉર્જા સાચી દિશામાં વળે, તે માટે નારાયણ મૂર્તિની વાતને એક પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે. આપણા દેશની ઉત્પાદન ક્ષમતા અને સ્પર્ધાત્મક વલણની ધાર કાઢવા માટે, બહેતર ભવિષ્ય ઘડવા માટે આપણે જ્યારે પ્રગતિના પંથે પહોંચીને દોડવાનું ચાલુ કરી દીધું છે ત્યારે થોડા કલાકો વધારે આપવાથી જ રાષ્ટ્રનું અર્થતંત્ર બહેતર બનશે.

બાય ધ વેઃ

નારાયણ મૂર્તિની વાતને જેમ કહેવાઇ છે એમ જ અનુસરવામાં આવે તો માનસિક-શારીરિક સ્વાસ્થ્યના પ્રશ્નો થઇ શકે છે અને માટે જ એ અનિવાર્ય છે કે તેને ભણતર નહીં પણ ગણતર સાથે અનુસરવામાં આવે – હાર્ડ વર્ક નહીં પણ સ્માર્ટ વર્ક. રાષ્ટ્રને નવા સ્તરે મુકવું હોય તો અત્યારની અને કાર્ય ક્ષેત્રે પ્રવૃત્ત થનારી આવનારી એક બે પેઢીએ તો કામ પ્રત્યેની કટિબદ્ધતા વધારવી જ પડશે. ક્રેડ – જે એક જાણીતું સ્ટાર્ટ અપ છે તેના યુવાન સ્થાપક કુણાલ શાહે નારાયણ મૂર્તિની વાતને હકારાત્મક ગણીને પોતાનો એવો મત જાહેર કર્યો છે કે ભારતમાં વર્ક-લાઇફ બેલેન્સને નામે કાર્યક્ષમતામાં અવરોધ ઊભા થાય છે. ભારતના વિકાસમાં આ જ અભિગમ આડો આવે છે. આપણે હજી વિકસિત રાષ્ટ્ર બન્યા નથી અને એક સમયે સખત ઢસરડા કરીને આજે મહાસત્તા બનેલા પશ્ચિમી રાષ્ટ્રોની વર્ક-લાઇફ બેલેન્સની માનસિકતા અપનાવવા માટે થનગનીએ છીએ. વળી ભ્રષ્ટાચાર, સરકારી કામગીરીમાં લાસરિયા ખાતું આપણી ગતિમાં મોટા સ્પીડ બ્રેકર છે. યથા રાજા, તથા પ્રજા વાળી કહેવત આ મામલે ચોક્કસ લાગુ પડે જ છે. આ સંજોગો ઉપરથી બદલાશે તો જ અર્થતંત્રને મામલે આગળ ધપવામાં આપણે જે વિચારીએ છીએ તે મેળવી શકીશું, નહીંતર માથે લટકતું શીકું ખયાલી ખીચડીમાં ભાંગી જશે અને આપણે જ્યાંનાં ત્યાં રહીશું. સમૃદ્ધિ હશે તો સમાજમાં પણ શાલિનતા આવવાની શક્યતા એ વાત પણ યાદ રાખવા જેવી ખરી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 નવેમ્બર 2023

Loading

જ્યાં માણસાઈનો લોપ થતો હોય ત્યાં અવાજ ઉઠાવવો જ જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|5 November 2023

રમેશ ઓઝા

ઋગ્વેદના પહેલા મંડલના ૮૯માં સૂક્ત(જે શાંતિપાઠ સૂક્ત તરીકે ઓળખાય છે)ના પહેલા મંત્રમાં કહેવામાં આવ્યું છે: आनो भद्रा: क्रतवो यन्तु विश्वतः અર્થાત્ દરેક દિશાએથી અમને શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ. પણ સવાલ એ છે કે જે વિચારો આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે એ દરેક વિચાર શુભ હોતા નથી અને એનાથી પણ મોટો પ્રશ્ન એ છે કે જેને આપણે કલ્યાણકારી શુભ વિચાર માનીએ છીએ એ બીજાને કલ્યાણકારી અને શુભ ન પણ લાગતો હોય. ખાસ કરીને પરંપરા, પરંપરાજન્ય મૂલ્યવ્યવસ્થા, પરિવાર, સમાજ, ધર્મ, દેશ, રાષ્ટ્ર, રાષ્ટ્રીય સુરક્ષા વગેરે એવી બાબતો છે જેમાં એક વ્યક્તિ દ્વારા વ્યક્ત કરવામાં આવતો ભદ્ર અને કલ્યાણકારી વિચાર બીજાને ભદ્ર અને કલ્યાણકારી ન પણ લાગતો હોય.

જેમ કે સ્ત્રીએ ઘરની મર્યાદાનું પાલન કરવું જોઈએ, વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, પતિવ્રતા જીવન ગાળવું જોઈએ, પતિની સેવા કરવી જોઈએ, તેનાં સુખમાં પોતાનું સુખ જોવું જોઈએ, ઘર સંભાળવું જોઈએ, બાળકોનો ઉછેર કરવો જોઈએ વગેરે વગેરે કેટલા ભદ્ર વિચારોથી સ્ત્રીને શણગારવામાં આવી છે. જેમ કે ધર્મવચન અને ગુરુના વચન પર શ્રદ્ધા રાખવી જોઈએ અને કદાપિ શંકા ન કરવી જોઈએ, કારણ કે શંકા વિનાશનું કારણ છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે એવા ભદ્ર વિચારો ધર્મગુરુઓના મુખેથી પ્રગટ થતા હોય છે. જેમ કે પોતાની જન્મભૂમિથી પવિત્ર ચીજ એકે ય નથી એટલે રાષ્ટ્ર માટેની વફાદારી તેમ જ રાષ્ટ્રસમર્પણ માનવીય ફરજોમાં ટોચના સ્થાને છે એવા ભદ્ર વિચારો દેશભક્તો રોજેરોજ વ્યક્ત કરે છે.

પણ શું આ વિચાર ખરેખર ભદ્ર છે? પુરુષપ્રધાન સમાજમાં પારિવારિક મૂલ્યોનાં નામે દિવસરાત દળાતી સ્ત્રીને પૂછી જુઓ કે તેને એ વિચાર ભદ્ર લાગે છે? ભદ્રતાનો ભાર એકલી સ્ત્રી ઉપર હોય એને ભદ્ર કહેવાય? કલ્યાણકારી કહેવાય? પૂછી જુઓ દલિતોને, છેવાડાના માનવીને અને સ્ત્રીઓને કે તેમને ધર્મવચન, ગુરુની આજ્ઞા અને શંકાતીત સમર્પણમાં ભદ્રતા નજરે પડે છે? પૂછી જૂઓ કોઈ પણ દેશના સીમાડે વસતી પ્રજાને કે તેમને મધ્યભૂમિમાં વસતી પ્રજાની રાષ્ટ્રભક્તિમાં ભદ્રતા નજરે પડે છે? સીમાડાની પ્રજાને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાના નામે આખું જીવન અક્ષરસઃ લશ્કરી છાવણીમાં વિતાવવું પડતું હોય છે. તે નામ માત્ર આઝાદી ભોગવે છે. જોડાનો ડંખ એને વરતાય જેને એ પહેરવો પડતો હોય.\

તો વાત એમ છે કે આપણને જે ભદ્ર લાગે, સુંદર લાગે, કલ્યાણકારી લાગે એ દરેકને લાગે એ જરૂરી નથી. હમણાં કહ્યું એમ જોડાનો ડંખ જેને ખમવો પડતો હોય એને ખબર હોય કે એ ભદ્ર વિચાર કેટલો ભદ્ર છે. તો પછી ખરેખર ભદ્ર વિચાર કેવો હોય? ઋગ્વેદના ઋષિને જે વિચારની ભદ્રતા અભિપ્રેત છે એ વિચાર કેવો હોય? આનો તોડ ગાંધીજીએ આપ્યો છે. ગાંધીજીએ કહ્યું હતું કે જ્યારે પણ કોઈ વિચાર કે વ્યવહારની ભદ્રતા વિષે અથવા તે કલ્યાણકારી છે કે કેમ એવો પ્રશ્ન થાય ત્યારે હાંસિયામાં રહેલા છેવાડાના માણસ વિષે વિચારો. તેને તો નુકસાન નહીં થાય ને! ભદ્ર વિચાર એ છે જે નિર્વિરોધી હોય અને અપવાદ વિના સાર્વત્રિક કલ્યાણકારી હોય. એમાં કોઈને પણ અન્યાય કરવામાં ન આવતો હોય. અને જો અપવાદરૂપે વિશાળ માનવહિતમાં કોઈને ત્યાગ કરવો પડતો હોય તો એ ત્યાગ કરનાર વ્યક્તિ માટે ઊંડો અનુરાગ હોય. ગ્લાનિ અનુભવતો હોય. ઋગ્વેદના ઋષિને આવી ભદ્રતા અભિપ્રેત છે અને તેનો ગાંધીજીએ વ્યવહારમાં તોડ બતાવ્યો હતો.

પણ કેટલાક લોકો એવા હોય છે જેને પરંપરા, સંસ્કૃતિ, ધર્મ, સમાજ, પરિવાર, રાષ્ટ્ર, રાષ્ટ્રની સુરક્ષા એટલાં વહાલાં છે કે એના વિષે કોઈ પ્રશ્ન કરે તો તે તેમને ગમતું નથી. દ્રોહી હોવાનો આરોપ તેઓ તાબડતોબ લગાવે છે. તેઓ એ નથી સમજતા કે સમજવા માગતા કે પ્રશ્ન કરનારાઓ તેનાં નામે થતા કે કરવામાં આવતા અન્યાય સામે પ્રશ્ન કરે છે. માનવીએ રચેલી કોઈ રચના સંપૂર્ણ નથી અને તેમાં રાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. જન્મભૂમિ ઈશ્વરે આપી છે, પણ રાષ્ટ્રની કલ્પના માનવીય છે. એટલે તો વતનપ્રેમ અને રાષ્ટ્રવાદ એ બે જુદી વસ્તુ છે. જે પ્રશ્ન કરે છે એ પરિવાર, સમાજ, ધર્મ, રાષ્ટ્ર, પરંપરા કે સંસ્કૃતિના વિરોધી નથી, પરંતુ તેના નામે કોઈને અન્યાય કરવામાં આવે, કોઈનું શોષણ કરવામાં આવે અને ઉપરથી તેને યોગ્ય ઠેરવવામાં આવે કે તે તરફ ઉપેક્ષા કરવામાં આવે તેની સામે ઊહાપોહ કરે છે. તેઓ સૌથી પહેલાં માનવતાવાદી છે અને એ પછી બીજું બધું છે. ધર્મવચન હોય કે રાષ્ટ્રવાદ દરેકની માનવતાની એરણે ચકાસણી થવી જોઈએ.

પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતને આવા લોકો પસંદ નથી. દશેરાને દિવસે નાગપુરમાં સ્વયંસેવકોને સંબોધતા તેમણે આવા લોકોને ચડામણીખોર (વોક પીપલ એવો તિરસ્કારયુક્ત અંગ્રેજી શબ્દપ્રયોગ તેમણે કર્યો હતો.) તરીકે ઓળખાવ્યા હતા. મોહન ભાગવતે કહ્યું હતું કે આ લોકો સમાજમાં પરાણે પેટ ચોળીને શૂળ પેદા કરે છે અને સમાજમાં અરાજકતા પેદા કરે છે.

હા, મોહન ભાગવતની વાત તો સાચી છે. સમાજમાં એવા કેટલાક લોકો છે જે પારકી છઠ્ઠીના જાગતલ છે. જેઓ ન્યાયને સર્વોપરી ગણે છે અને મહાન વારસા કરતાં માણસાઈને વરેલા છે. જ્યાં માણસાઈનો લોપ થતો હોય ત્યાં અવાજ ઉઠાવવો જ જોઈએ, જેને અન્યાય થતો હોય તેને જગાડવા (woke) જોઈએ, ઊભા કરવા જોઈએ, તેમનો અવાજ કહેવાતી જૂઠી ભદ્રતાના વાઘા પહેરેલાઓ પણ અંદરથી અસંવેદનશીલ બધીર લોકોના કાન સુધી પહોંચવો જ જોઈએ. કોઈના ભોગે કોઈનો મહિમા કરવાનો કોઈને અધિકાર નથી. આવા મોહન ભાગવતની ભાષામાં ચડામણીખોર લોકો જ્યારે પ્રશ્ન કરે ત્યારે પ્રસ્થાપિત વ્યવસ્થામાં સ્વાર્થ ધરાવનારાઓને, સમાજમાં અને પરિવારમાં સરસાઈ ધરાવનારાઓને અને ધર્મ તેમ જ છીછરા રાષ્ટ્રવાદને નામે સત્તા ભોગવનારાઓને પેટમાં દુઃખે એ સ્વાભાવિક છે.

માટે ચડામણીખોરોનો જય હો!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 નવેમ્બર 2023

Loading

‘મા’ની શિક્ષિકા

સુરેશ જાની|Opinion - Opinion|4 November 2023

બાર વર્ષની બેબી એની પથારીમાં સૂતી સૂતી આંસું સારી રહી. આજે એની શાળામાં વિતેલી ઘટના માટે એને મરવા જેવું લાગ્યું હતું. એની ક્લાસની કેટલી બધી છોકરીઓની માતાઓ આજે શાળામાં આવી હતી? વર્ગ શિક્ષિકાએ એ બધી સાથે એમની દીકરીઓના અભ્યાસ અંગે કેટલી બધી વાતો કરી હતી? એમના અંગે કેટલી બધી માહિતી અને સૂચનો આપ્યાં હતાં? અને ક્લાસમાં પહેલા પાંચમાં નંબર રાખતી હોવા છતાં એની વાતો સાંભળવા કોઈ કહેતાં કોઈ જ નહીં.

બેબીને પોતાનું જીવતર ઝેર જેવું લાગવા માંડ્યું. આમે ય ચંદીગઢની એ બદનામ બસ્તીમાં કશું ય સારું ક્યાં જોવા મળે એમ હતું? નામ તો રૂડું રૂપાળું ‘બાપુ ધામ’ હતું.  પણ ‘ભાઈ’ લોકનો એ બદનામ અડ્ડો હતો. ભાંગ્યાં તુટ્યાં, દેશી લઠ્ઠાની બદબૂથી ગંધાતાં ખોરડાં –  પાકી દીવાલનાં એટલે એમને ઝૂંપડીઓ તો ન જ કહેવાય. પણ ઠેર ઠેર તિરાડો અને ગળતાં ધાબાં વચ્ચે સીસકતો એક નાનો ઓરડો અને એનાથી ય નાનું રસોડું. કચરા અને કાદવથી ખરડાયેલી સાવ સાંકડી શેરીઓ. રોજ રાતે કેટકેટલાં ખોરડાંઓમાં દારૂ પીને આવેલા પતિનો માર ખાતી પડોશણોની ચીસો અને હૈયું વલોવી નાંખે તેવાં આક્રંદ.

છેવાડાની ગલીની તો વાત જ ન પૂછો. બેબીને એ ગલી તરફ નજર નાંખવાની પણ સખ્ત  મનાઈ હતી. ત્યાંનાં ખોરડાં બીજાં બધાં કરતાં વધારે ચમકદાર હતાં. એમાંથી બસ્તીની દુકાનોમાં ખરીદી કરવા આવતી બૈરીઓનાં કપડાં અને નખરાં કશાંક અજનવી કારણોએ ઝમકદાર હતાં. એમના ગળામાં ચમકતાં અછોડા, હાથ પર રણકતી બંગડીઓ અને  મોંમાંથી રસ ઝરતી પાનની પિચકારીઓ એમની સમૃદ્ધિની ચાડી ખાતી હતી. એ તો બીજી બહેનપણીઓ સાથે થતી વાતોમાંથી જ એને ગનાન મળ્યું હતું ને કે, ઈવડી ઈઓના વર જ નહોતા. રોજ કેટલા ય વરોની એ વહુઓ !

‘છી … છી … છી … કેવી બેશરમી?  મારી મા જયકુમારી તો રોજ મને રાતે ભજન કરાવે છે, અને બિચારા બાપુ થાક્યા પાક્યા આવ્યા હોય તો પણ ભજનની સાથે તાળીઓ તો અચૂક પાડે જ. બિચારી મા શી રીતે નિશાળની મિટિંગમાં આવી શકે? એને તો પોતાની સહી કરતાં પણ ક્યાં આવડે છે?’ આંસુઓની ધાર વચ્ચે બેબીના મનમાં આવા વિચારોની હારમાળા સતત ચાલુ રહી. આ જ જળોજથામાં ક્યારે એની આંખ મિંચાઈ ગઈ, તેની બેબીને ખબર જ ન પડી.

સવારના આછા પાતળા ઉજાસમાં બેબીની આંખ ખૂલી. કોઈક નવો જ ઉત્સાહ એના કોશે કોશમાં ઝણઝણાટી ફેલાવી રહ્યો. હમણાં જ તો એ સપનું પૂરું થયું હતું ને? શું હતું એ સપનામાં ?

‘બેબી એની મા જયકુમારીને ‘ક’ અને ‘ખ’ વાંચતાં અને લખતાં શીખવાડતી હતી! મા હસવું આવે તેવા લીટાડાથી સ્લેટમાં એકડો અને બગડો ઘૂંટતી હતી. લે. કર વાત! માની શિક્ષિકા દીકરી! હા …. હા ….  હા …

એ અટ્ટહાસ્યે બેબીને જગાડી દીધી. તેઓ બધો જ શોક દૂર થઈ ગયો. આ નવી શક્યતાએ તેના માનસપટલનો કબજો લઈ લીધો. બેબીએ નિશાળમાં એની ખાસ બહેનપણી રેણુને આ સપનાંની વાત કરી. બન્ને જણીઓએ નક્કી કર્યું કે, તે દિવસે સાંજે ઘેર જઈને એમની ‘મા’ઓને પહેલો પાઠ ભણાવશે!

બેબીની ઘરનિશાળનો એ સપ્પરમા દિવસે જન્મ થયો.

જયકુમારીએ પહેલાં તો આનાકાની કરી. ‘મારે વળી ભણીને શું કામ છે? છોકરાંને નિશાળ વિદાય કરી કારખાનામાં મારું વૈતરું ભલું. સાંજે ઘેર આવીને રોટલા ટીપવાના અને બેબીના બાપુના પગ દબાવવાના. બસ આ જ તો મારી જિંદગી છે ને? અને શું ખોટી છે? ભલે અમે બે ન ભણ્યા પણ અમારી બન્ને જણની આકરી મહેનતના પ્રતાપે છોકરાંવ તો ભણી શકે છે ને? એમને અમારી જેમ મજૂરી નહીં કૂટવી પડે ને?’

પણ બેબી કોનું નામ? શિક્ષિકા બનવાનો આવો લ્હાવો શેં જતો કરાય? અને તે દિવસે રાતે જયકુમારીને સપનામાં મેર મુઆ … ‘ક’ ‘ખ’ અને ‘ગ’ નાચતા દેખાયા!

ત્રણ જ મહિના અને વાલી / શિક્ષક મિટિંગમાં જયકુમારી પણ હાજર હતી. બેબીના બધા વિષયમાં સૌથી વધારે માર્ક આવ્યા છે, તે બતાવતા રિપોર્ટ કાર્ડ પર સહી કરતાં એની છાતી ગર્વથી ધડકતી હતી.

‘મારી બેબીએ મને ભણાવી!’ – જયકુમારીએ ગર્વથી વર્ગ શિક્ષિકાને બાતમી આપી!

એક જ વર્ષ અને બેબીની ‘ગેન્ગ’માં બીજી બાર છોકરીઓ જોડાઈ ગઈ હતી. જયકુમારી હવે હિન્દી અને અંગ્રેજી બન્ને ભાષા વાંચી શકતી થઈ ગઈ. તેણે હિંદીમાં લખવા પણ માંડ્યું.

‘યુવા સત્તા’ નામની સેવા સસ્થાને બેબી-રેણુ-રમાવતી વગેરેના આ ઉમદા કામની ખબર પડી અને તેમણે જરૂરી ચોપડીઓ, નોટો, પેન્સિલો, બ્લેકબોર્ડ, ચાક, ડસ્ટર વગેરે સામગ્રી પૂરી પાડવાનું માથે લઈ લીધું. ભડભાદર વિદ્યાર્થીનીઓની સંખ્યા પણ ૧૦૦ ઉપર પહોંચી ગઈ. રમાવતીએ તો એના બાપને પણ રપેટીમાં લઈ લીધો અને એની માસ્તર બની ગઈ!

ત્રણ જ વર્ષ અને આ ઘર શાળામાંથી ૧,૨૦૦ વયસ્ક પુરુષો અને સ્ત્રીઓ લખતાં વાંચતાં થઈ ગયાં છે! રમાવતીએ પોતાના રીક્ષા ડ્રાઈવર બાપુને ભણાવ્યા અને બાપુએ એને બોનસ આપ્યું – ‘તારું લગ્ન કરી, વિદાય કરી દેવાનો પ્લાન અભરાઈએ.’ હવે રમાવતી કોલેજમાં ભણવાનાં સપનાં  જોવા માંડી છે ! બાપુ હવે એક ઓફિસમાં પટાવાળા બની ગયા છે અને કોઈ ઝંઝટ વિના બમણો પગાર લાવે છે. અને જુઓ તો ખરા, એમની હિમ્મત કેટલી બધી ગઈ? લોન પર રકમ લાવી એમણે ભાડાની રીક્ષાની જગ્યાએ પોતાની માલિકીની રીક્ષા વસાવી લીધી અને એને ભાડે ફેરવવા આપીને રોજનો ૧૦૦ રૂપિયાનો વકરો કોઈ મહેનત કર્યા વિના ઊભો કરી દીધો.

જુઓ.. આ નિશાળમાં હવે ૧,૬૦૦ મહિલાઓ અને પુરુષો ભણે છે! વા વાત લઈ જાય તેમ ચંદીગઢની બીજી ઝૂંપડપટ્ટીઓમાં પણ ઘર નિશાળો ધમધમતી થઈ ગઈ છે.

સંદર્ભ – ધીમંત પારેખ,  The Better India,  Times of India
e.mail : surpad2017@gmail.com

Loading

...102030...777778779780...790800810...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved