Opinion Magazine
Number of visits: 9457425
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાંસદોનું સસ્પેન્શનઃ બંધારણીય ઇમારતમાં લોકશાહીનાં અપમાન સાથે કેન્દ્ર સરકારની તુમાખીનું પરિણામ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 December 2023

વિરોધ પક્ષને સવાલ પૂછવાનો, ચોખવટ માંગવાનો સંપૂર્ણ અધિકાર છે. કેન્દ્ર સરકારે જવાબ આપવાને બદલે વિપક્ષના વહેવારને ‘અપમાનજનક’માં ખપાવી દીધો છે.

ચિરંતના ભટ્ટ

અંગ્રેજીમાં એક વાક્ય પ્રયોગ છે, જેનો અર્થ કંઇક એવો થાય છે, “કાં તો તમે મારી સાથે છો, અથવા તો મારા વિરોધી છો.” તાજેતરમાં લોક સભા અને રાજ્ય સભામાંથી જે રીતે સાંસદોને એક પછી એક સસ્પેન્ડ કરવામમાં આવ્યા છે, એમાં સત્તાપક્ષે આ વાક્ય પ્રયોગને બદલી નાખ્યો છે, “કાં તો તમે મારી સાથે છો, અથવા તો તમે છો જ નહીં.” 142 સાંસદોને સંસદના ચેમ્બર્સ, ગેલેરી અને લૉબીમાં પ્રવેશવાની મનાઇ ફરમાવવામાં આવી છે. આ સાંસદોમાં 96 લોક સભાના છે અને 45 રાજ્ય સભાના છે. વિપક્ષી દળોએ સંસદમાં થયેલી બબાલ પછી સુરક્ષામાં ચૂક અંગે ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન માંગ્યું. આ માંગવાનો તેમને પૂરો અધિકાર છે છે અને આ માંગ કરતા તેમણે સંસદ પરિસરમાં પ્રદર્શન પણ કર્યું. જો કે આ આખી ઘટનામાં એક લોચો એ પડ્યો કે તેમણે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરના ચાળા પાડ્યા અને એમાં વિરોધ પક્ષોની ગરિમામાં ગાબડું પડ્યું એ ચોક્કસ પણ સવાલ કર્યો એટલે સસ્પેન્ડ કરી દેવાયા એમાં લોકશાહીની કિંમત થઇ ગઇ એવું તો ગમે કે ન ગમે માનવું તો પડે.

અભિવ્યક્તિની સ્વતંત્રતા વાળી બંધારણની વાતને જાણે ગંભીરતાથી લેવાનું ચૂકાઇ જવાયું હોય એમ લાગે છે. સરકારને સવાલ કરવાની સત્તા જ જો છીનવી લેવાય તો લોકશાહીનું શું?  સરકાર અને વિપક્ષો વચ્ચે મડાગાંઠ સર્જાઇ છે અને આ કંઇ પહેલીવાર બન્યું હોય એમ નથી. આટલા બધા સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા હોય એ ચોક્કસ પહેલીવાર બન્યું છે. વિપક્ષ કોઇ ચોક્કસ સવાલ ઉઠાવે અને સરકાર તેનો સ્પષ્ટ જવાબ આપવાનું ટાળે એ કંઇ નવી વાત નથી. આ પહેલાં તો સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ કરનારા સાંસદોને સાત દિવસ માટે સસ્પેન્ડ કરાયા હોય એવું પણ બન્યું છે પણ ત્યારે એ આંકડો માત્ર બે સાંસદોનો હતો. તાજેતરમાં જે થયું છે તે વિરોધ પક્ષના મહત્ત્વનો છેદ ઉડાડનારો અભિગમ હોય એમ લાગે છે જે લોકશાહી વિરોધી પગલું છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

એક લોકશાહી રાષ્ટ્ર તરીકે ચર્ચા, વિચાર-વિમર્શ એ લોકશાહીના ધબકારા સમાન છે. સાંસદીય લોકશાહીની વિશેષતા શું? વિપક્ષનાં ફરજ અને અધિકાર છે કે તેના સવાલના જવાબ ચૂંટાયેલી સરકાર આપે અને આ સાંસદોએ સવાલ ઉઠાવી પોતાના અધિકારનો ઉપયોગ કર્યો. કેન્દ્રમાં સત્તાએ બેઠેલી સરકારે તેમના સવાલના જવાબ આપવાને બદલે તેમને સસ્પેન્ડ કરીને જાણે પોતે લોકશાહીના સિદ્ધાંતો પ્રત્યેની પોતાની જ કટિબદ્ધતાની ઠેકડી ઉડાડી હોય એવો ઘાટ કર્યો. વિરોધપક્ષ વિનાની સંસદ હોય એવા મનસૂબા ધરાવતી કેન્દ્ર સરકારે જાણીજોઇને આમ કર્યું હોવાની ચર્ચાએ પણ જરા અવાજ કરી લીધો. વળી નવી સંસદમાં પ્લેકાર્ડ ન વાપરવાના નિયમના ઉલ્લંઘનને પણ આગળ કરવામાં આવ્યું. સત્તાધીશો અને સત્તા તરફીઓ ભલે કોઇપણ દલીલ કરે પણ જે રીતે 142 સાંસદોને સસ્પેન્ડ કરાયા એમાં સવાલ ઉઠાવશે એને ચૂપ કરી દેવાશે વાળો અભિગમ દેખાયો. આ અભિગમ લોકશાહી માટે ઔચિત્યપૂર્ણ નથી. કમસનસીબે સંસદમાં જે રીતે કામગીરી થાય છે તેમાં એવી કોઇ યોગ્ય પ્રક્રિયા નથી જે વિવાદિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે અનુસરી શકાય. અસહમતિની ભાવના હોય તો જ સંસદીય લોકશાહી સારામાં સારા પરિણામ આપી શકે છે. વિરોધ પક્ષને સવાલ પૂછવાનો, ચોખવટ માંગવાનો સંપૂર્ણ અધિકાર છે. કેન્દ્ર સરકારે જવાબ આપવાને બદલે વિપક્ષના વહેવારને ‘અપમાનજનક’માં ખપાવી દીધો છે. આમ કરવાથી શું ગૃ હમંત્રી અને વડા પ્રધાન સરમુખત્યારશાહી સરકાર હોવાનું સાબિત નથી કરી રહ્યા? દેશની બંધારણીય ઇમારતમાં પણ જો વિરોધ પક્ષોને પ્રશ્ન કરવાનો અધિકાર ન રહે તો લોકશાહી પર કેટલું બધું દબાણ હશે તેની કલ્પના માત્ર જ કરવી રહી. આ પ્રકારને સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવે ત્યારે જાણે એક એવો સંદેશ જાય કે સરકારના નિર્ણયો, ચૂક કે નીતિઓ અંગે કોઇને પણ સવાલ કરવાની છૂટ નથી. વિપક્ષ જો સર્જનાત્મક ટીકા ટિપ્પણી કરવાનું સદંતર બંધ જ કરી દે તો લોકશાહી કામ કરે છે કે નહીં એ પ્રશ્ન પણ ખડો થાય. નવી શરૂઆતના પ્રતીક તરીકે જેને નવાજવામાં આવી હતી તેવી સંસદની ઇમારત પર આ સસ્પેન્શનની ઘટના એક કાળા ધાબાં જેવી છે. સાંસદોને સસ્પેન્ડ કરવામાં કેન્દ્ર સરકારની કોઇ ચોક્કસ વ્યૂહરચના હોવાની શક્યતાઓ છે એવા આક્ષેપ પણ કરાયા છે.

આ પહેલાં 1989ની 15મી માર્ચે 63 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરાયા હતા જ્યારે ઇંદિરા ગાંધીની હત્યાના રિપોર્ટ અંગે સવાલ કરાયા હતા. પણ ત્યારે પણ તેમને એ અઠવાડિયાના બાકીના ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા. આ વખતે કેન્દ્ર સરકારે 142 સભ્યોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. અહીં પ્રશ્ન એ પણ નથી કે કેટલા સાંસદોને સસ્પેન્ડ કરાયા છે પણ કયા મુદ્દે તેમને સસ્પેન્ડ કરાયા છે તે જ બાબત સૌથી મોટો પ્રશ્ન છે. સંસદમાં જે હુમલો થયો, ભલે તે જીવલેણ ન હતો પણ તેને કારણે જે અરાજકતા ફેલાઇ તેને આગળ ધરી સુરક્ષાના પ્રશ્ન અંગે જો વિપક્ષો ગૃહ મંત્રીને સુરક્ષા લક્ષી સવાલ કરે તેમાં ખોટું શું છે? હા સંસદમાં પ્લેકાર્ડ લઇને દેખાવો કરવામાં પણ નિયમનો ભંગ થયો જ છે, પણ વિપક્ષ અને સરકાર વચ્ચે જો યોગ્ય સમજણ હોય, એક તાર્કિક વાતચીતનો દોર સંધાઇ શકે એમ હોય તો જ નિયમોનું અમલીકરણ પણ શક્ય બને છે. સાંસદોને સસ્પેન્ડ કરી દેવાથી સંસદની ગરિમા નથી સચવાઇ જતી. આમ કરવાથી તો લોકશાહીની સ્થિતિ બદતર થાય છે.

આ સસ્પેન્શન અંગે રાજકીય વિશ્લેષકોએ પણ પ્રશ્ન ખડા કર્યા છે. તેમના મતે સાંસદોને પૂરો અધિકાર છે કે તે સરકારને જવાબદાર ઠેરવે અને તેમની પાસેથી જવાબ માંગે. વડા પ્રધાન જો વિરોધપક્ષો સાથે સંવાદ સાધવાનું નકારતા હોય તો તે લોકશાહીને વખારે નાખવા જેવો અભિગમ છે. લોકશાહી એટલે કે બહુમતી અને લઘુમતી વચ્ચે સંવાદ પણ જો તેને રોકી દેવાય તો તે સામ્રાજ્યવાદી, સરમુખત્યાર વલણ ધરાવતી સરકાર હોવાની નિશાની છે.

આટલી મોટી સંખ્યામા સાંસદોને સસ્પેન્ડ કરવા ગંભીર મુદ્દો છે. સંસદના મહત્ત્વપૂર્ણ કામકાજ પર આ આખી ઘટનાની ઘેરી અસર પડશે. સાંસદોએ પણ કદાચ ક્યાંક ચૂક કરી હશે પણ આખા સત્ર માટે તેમનું સસ્પેન્શ એટલે સરકારનું એમ કહેવું કે આ સાંસદો વિના પણ બિલ પસાર થઇ શકે છે, નિર્ણયો લેવાઇ શકે છે. લોકશાહીના હિતમાં સરકાર અને વિપક્ષ-બન્નેએ સંયમ, પરસ્પર સન્માન અને એકબીજાને બોલવા દેવાની મોકળાશ આપવાની તાતી જરૂર છે. જરૂર છે કે બન્ને ગૃહમાં વિપક્ષના સાંસદોને પોતાની દલીલ યોગ્ય રીતે રજૂ કરી શકે તેનું તંત્ર ગોઠવાય. અત્યારે માત્ર નો-કૉન્ફીડન્સના મોશનથી જ સાંસદો કોઇ ચોક્કસ બાબતે દલીલનું દબાણ કરી શકે છે. કદાચ સમય પાક્યો છે કે સંસદમાં વિપક્ષોના અવાજ માટે પણ દિવસો નિયત કરવામા આવે. રાષ્ટ્રીય સ્તરે આ ઘટના એક ચેતવણી સમાન છે જે સાબિત કરે છે કે સંસદગૃહ જે કોઇપણ પ્રકારની ચર્ચા માટેનો સર્વોચ્ચ મંચ છે, તેની લોકશાહી જોખમમાં છે. સંસદ એ દેશનું પ્રતિબિંબ છે એ જો આપણે જાણતા હોઇએ તો આપણે વિચારવું રહ્યું કે જે ત્યાં પ્રતિબિંબિત થઇ રહ્યું છે તે શું દેશમાં તો તીવ્રતાથી નહીં વર્તાવા લાગેને?

બાય ધી વેઃ

ભા.જ.પા.ની સરકારમાં આ બધું કંઇ પહેલીવાર નથી થઇ રહ્યું. મહુઆ મોઇત્રાએ પોતાનું પદ છીનવાયું તે અંગે ઉચ્ચ અદાલતમાં સરકારને પડકારી છે. આ પહેલાં રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પણ લઇ લેવાયું હતું. સત્તારૂઢ ભા.જ.પા. સરકાર પોતાની સરકારની આ પ્રકારની કામગીરીને યોગ્ય ઠેરવવા વિરોધ પક્ષોને ભ્રષ્ટ અને સત્તા ભૂખ્યા ગણાવે છે. પણ શું ભા.જ.પા.માં જોડાયેલ દરેક વ્યક્તિ નૈતિક મૂલ્યોને મામલે એકદમ સાફ છે? એવા પણ કિસ્સા થયા છે જ્યાં કોઇની સામે ઇ.ડી. કે સી.બી.આઇ. કામગીરી ચાલુ કરે, તે વ્યક્તિ ભા.જ.પા.માં જોડાય અને સરકારી તપાસ એન્જસીઝની તપાસ અટકી જાય. આપણા દેશનું આ પણ એક સત્ય છે. વિરોધ પક્ષ અને કેન્દ્ર સરકાર બન્ને પક્ષોએ ઉગ્ર વલણ અપનાવ્યું છે. આ કારણે થતાં સમય અને જાહેર મૂડીનાં નુકસાનનું પ્રમાણ કળવું અઘરું છે પણ એ નુકસાનકારક છે એ સરળતાથી સમજી શકાય એવી બાબત છે. સંસદમાં ચર્ચા થાય તેને પ્રોત્સાહન મળવું જરૂરી છે અને તેના ઉકેલ લોકશાહી રાષ્ટ્રમાં ન શોધાય તે રૂડું ન ગણાય એ ચોક્કસ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 ડિસેમ્બર 2023

Loading

અયોધ્યા રામ મંદિરમાં સક્રિય ભૂમિકા ભજવનાર નેતાઓની બાદબાકી કેમ કરાઈ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|24 December 2023

રમેશ ઓઝા

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને બોલાવવામાં આવ્યા નથી. તેમને કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં અયોધ્યામાં ઠંડી બહુ હશે અને તમે સહન નહીં કરી શકો. આ જોઈને ઘણા ઉદારમતાદીઓ દુઃખી થઈ ગયા છે. જ્યારથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેમની ઉપેક્ષા કરી રહ્યા છે ત્યારથી લિબરલો તેમના માટે આંસુ સારી રહ્યા છે.

જાણીતા પત્રકાર કરણ થાપરે હમણાં સુહેલ સેઠ સાથેની એક મુલાકાતમાં લાલકૃષ્ણ અડવાણીની શાલિનતા વિશે કહ્યું હતું કે ૧૯૯૮માં તેમણે (કરણ થાપારે) અડવાણીનો ઇન્ટરવ્યૂ કર્યો હતો અને તેમાં બી.જે.પી.એ અપનાવેલી નવી ઉદાર નીતિ વીશે પૂછ્યું હતું કે આ તો રાક્ષસના માથેથી શિંગડા હટાવીને તેના ચહેરા પર સ્મિત ઉમેરવા જેવું થયું. પ્રશ્ન ખરેખર સોંસરવો હતો. અડવાણી થોડા વિરામ માગીને બહાર ગયા. કરણ થાપરને લાગ્યું કે વોશ રૂમમાં ગયા હશે. પાંચ મિનિટ પછી પણ તેઓ આવ્યા નહીં ત્યારે કરણ થાપર શું થયું એ સમજવા બહાર ગયા તો જોયું કે અડવાણી કાઈંક વિચારતા ઊભા હતા. કરણ થાપરે શું થયું એમ પૂછ્યું ત્યારે અડવાણીએ ખિન્ન વદને કહ્યું હતું કે તમે જ્યારે મને રાક્ષસ તરીકે ઓળખાવે છો ત્યારે તમને મુલાકાત આપવાનો શો અર્થ એવું હું વિચારી રહ્યો છું. કરણ થાપરે કહેવત વિષે સ્પષ્ટતા કરી ત્યારે લાલકૃષ્ણ અડવાણીએ તેમની સાચા હૃદયથી માફી માંગી અને મુલાકાત આપી. મુલાકાત પૂરી થઈ ત્યારે ફરી એક વાર કરણ થાપરની તેમ જ સમગ્ર કૃ મેમ્બર્સની માફી માંગી. શાલિનતાનો આવો જ એક બીજો પ્રસંગ પણ કરણ થાપરે નોંધ્યો છે જે ‘ધ વાયર. ઇન’ નામના ન્યુઝ પોર્ટલ પર વાંચવા મળશે. કરણ થાપર અડવાણીની શાલિનતાથી અભિભૂત થઈ ગયા તેનું એક કારણ આનાથી બિલકુલ ૧૮૦ ડિગ્રી વિપરિત અનુભવ નરેન્દ્ર મોદી સાથે થયો હતો એ છે. નરેન્દ્ર મોદીએ બી.જે.પી.ના નેતાઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે કોઈએ કરણ થાપરને મુલાકાત કે બાઈટ આપવી નહીં. ક્ષમા અને ઉદારતા એ બે શબ્દો નરેન્દ્ર મોદીના શબ્દકોશમાં નથી.

શું લિબરલો ૧૯૯૦-૧ ૯૯૨નાં વર્ષો ભૂલી ગયા છે? હા. નરેન્દ્ર મોદીનો અભદ્ર વ્યવહાર જોઇને તેઓ અડવાણી માટે અને ખાસ કરીને અડવાણીની અંગત વ્યવહારમાંની શાલિનતા જોઇને સહાનુભૂતિ ધરાવતા થઈ ગયા છે. આવું જ અટલ બિહારી વાજપેયીનું હતું. તેઓ પણ અંગત વ્યવહારમાં ખૂબ જ શાલિન હતા. એક વાર લોકસભામાં તેમણે સામ્યવાદી પક્ષના નેતા સોમનાથ ચેટર્જી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાત્રે વાજેયીએ સોમનાથ દાદાને ફોન કર્યો અને રાજકીય મજબૂરીના ભાગરૂપે ટીકા કરવા માટે માફી માંગી.

ઘણાં લોકો અંગત વ્યવહારમાં શાલિન હોય છે. એ શાલિનતાની કદર કરવી જ જોઈએ પણ એ ન ભૂલવું જોઈએ કે તેમણે જીવનમાં શું કર્યું છે અથવા કરે છે. દલાઈ લામાએ તેમની આત્મકથામાં ચીનના નેતા માઓ વિષે લખ્યું છે કે માઓની શાલિનતા, આદર આપવાની તેમની રીત, માઓના ચહેરા પર તેમ જ વ્યવહારમાં પ્રગટ થતું વાત્સલ્ય જોઈને વિશ્વાસ જ ન થાય કે આ માણસ તિબેટ સાથે અને તિબેટની પ્રજા સાથે વિશ્વાસઘાત કરશે. દલાઈ લામા માઓને મળવા બીજિંગ ગયા ત્યારે તેઓ પુખ્ત વયના પણ નહોતા. માઓ દલાઈ લામાને બાજુમાં બેસાડે અને ક્યારેક જમાડે પણ ખરા. કોઈ વિદેશી મહેમાન માઓની મુલાકાતે આવે તો માઓ દલાઈ લામાને ખાસ બોલાવે અને બાજુમાં બેસાડે. દલાઈ લામાના વાંસા પર હાથ ફેરવતા જાય અને વાત કરતા જાય. દલાઈ લામાએ તેમની આત્મકથામાં લખ્યું છે કે નિર્ભિક થઈને માંઓના ખોળામાં માથું મૂકી દેવાનું ત્યારે મન થતું હતું અને આજે પણ એ વાત્સલ્ય વેરતા માઓ જૂઠા અને દંભી હતા એમ માણવાનું મન થતું નથી. ૨૦૦૭માં દલાઈ લામાને મળવાનો મને અવસર મળ્યો ત્યારે મેં પવન પાવન દલાઈ લામાને પૂછ્યું હતું કે માઓ વિષેની દુવિધા શું આજે પણ અનુભવો છો? દલાઈ લામાએ હકારમાં જવાબ આપ્યો હતો. પણ એ જ ચીને માઓનાં નેતૃત્વમાં તિબેટ સાથે અને દલાઈ લામા સાથે જે વ્યવહાર કર્યો એ નજર સામે છે.

અંગત વ્યવહારોમાં શાલિનતાનો કોઇ અર્થ નથી જો એમની જાહેર પ્રવૃત્તિ માનવીય મૂલ્યોથી વિપરિત હોય. લાલકૃષ્ણ અડવાણીએ ભારતનાં સામાજિક પોતને ઊતરડી નાખવાનું કામ કર્યું હતું. ભારતનાં સામાજિક પોતને વિદીરણ કરવાનું કામ કર્યું હતું. અયોધ્યા આંદોલનના તેઓ નાયક હતા જેમાં પાંચેક હજાર અને કદાચ એનાથી પણ વધુ લોકોએ પ્રાણ ગુમાવ્યા છે.

હકીકતમાં ભારતનાં સમાજિક પોતને ઉતરડવાનું ૧૯૨૫માં સંઘની સ્થાપના થઇ ત્યારથી શરૂ થયું છે અને તેમાં અત્યાર સુધી અનેક એક્ટરરોએ ભાગ લીધો છે. દરેકે પોતપોતાની અથવા આપવામાં આવેલી ભૂમિકા ભજવી છે.  બાબરી મસ્જિદ તૂટી એ મારાં જીવનની સૌથી દુઃખદ અને શરમજનક ઘટના છે એમ અડવાણીએ અનેક વખત કહ્યું છે અને પોતાની આત્મકથામાં પણ લખ્યું છે. પણ તેમણે કયારે ય એમ નથી કહ્યું કે પ્રાયશ્ચિત રૂપે બાબરી મસ્જિદની જમીન મુસલમાનોને પાછી આપવામાં આવે. જો મસ્જિદ તોડવી નહોતી અને તોડવામાં આવી એ માટે શરમ અનુભવો છો તો શરમ દૂર કરી શકાઈ હોત! એની જગ્યાએ જો આમંત્રણ અને ઈજ્જત મળે તો અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટનમાં જવું છે. આ બધા એક જ વેલાના તુંબડાઓ છે અને દરેકનું એક જ લક્ષ છે; હિન્દુ રાષ્ટ્રની સ્થાપના. એમાં વાજપેયીનો પણ સમાવેશ થાય છે. દરેકે સમય અને સંજોગોની માગ અનુસાર એક જ નાટકની ભૂમિકા ભજવી હતી અને ભજવે છે. માટે અંગત વ્યવહારમાં શાલિનતા જોઇને ગદગદ થઈ જવાની જરૂર નથી.

ગુજરાતી સાહિત્ય પરિષદનાં ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રકાશ ન. શાહ ઇમરજ્સીમાં વડોદરાની જેલમાં હતા. તેમની સાથે સંઘના એક સિનિયર નેતા ચીમનભાઈ શુક્લ પણ હતા. એક દિવસ અચાનક ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી ઊઠાવી અને જેલમાં પૂરેલા રાજકીય કાર્યકર્તાઓને મુક્ત કર્યા, ત્યારે ચીમનભાઈ શુક્લએ પ્રકાશભાઈને કહ્યું હતું કે આ બાઈ (ઇન્દિરા ગાંધી) મૂર્ખ છે. અમે હોઈએ તો તમને (સેક્યુલર ઉદારમતાદીઓ) ન છોડીએ. દોસ્તી દાવે તમને સુવિધા આપીએ એ જૂદી વાત છે પણ છોડીએ નહીં. આ ૧૯૭૭ની વાત છે.

ટૂંકમાં અંગત વ્યવહારમાં શાલિનતા અને માનવીય મૂલ્યો માટીની પ્રતિબદ્ધતા એ બે જૂદી વસ્તુ છે. અડવાણીએ દસ વરસમાં અસંમતિનો સૂર વ્યક્ત કર્યો છે? કેમ? કારણ કે જે બની રહ્યું છે એ તેમને સ્વીકાર્ય છે. વાજપેયી હોત તો તે પણ ન બોલત. જ્યારે પણ મૂલ્યો વિનાની શાલિનતા દેખાય ત્યારે દલાઈ લામાએ જોયેલા માઓને યાદ કરવા.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 ડિસેમ્બર 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—228

દીપક મહેતા|Opinion - Opinion|23 December 2023

આવાં હતાં ૧૮૩૮ના મુંબઈનાં બંદર, લોકો, અને ઘરો              

“અને અમે મુંબઈના બારામાં દાખલ થયાં. સૂરજના પ્રકાશમાં દરિયાનાં પાણી ઝગારા મારતાં હતાં. નાળિયેરી અને ખજૂરીનાં ઝુંડોથી ઘેરાયેલા મુંબઈના ટાપુઓ સાડીનો છેડો માથે બાંધીને બહાર નીકળેલી હિન્દી સ્ત્રીઓ જેવા લાગતા હતા. બારામાં ઊભેલાં વહાણોના ફરફરતા શઢ એ જાણે એ સ્ત્રીઓના હવામાં ઊડતા પાલવ ન હોય! આ બધું આકર્ષક હતું જ. અને એટલે જ તો મુંબઈની ધરતી પર પગ મૂકવાની ઈચ્છા વધુ પ્રબળ બનતી જતી હતી.”

આ શબ્દો લખાયા છે આજથી ૧૮૫ વરસ પહેલાં, છેક ૧૮૩૮માં, અને પ્રગટ થયા હતા ૧૮૩૯માં છપાયેલા પુસ્તકમાં. બે ભાગમાં પ્રગટ થયેલા એ પુસ્તકનું નામ છે Western India in 1938. પુસ્તકમાં આજના મહારાષ્ટ્ર અને ગુજરાતનાં કેટલાંક સ્થળો વિષે લખાયું છે – આગંતુક વિદેશીની ટાઢીબોળ કલમથી નહિ, પણ એક હિન્દુસ્તાનપ્રેમી અંગ્રેજ મહિલાની ઉષ્માભરી કલમ વડે. એ મહિલા તે કોણ? જરા ધીરજ રાખો, પ્રિય વાચક. એમને વિષે પણ વાત કરશું, આગળ જતાં.

મુંબઈનું બંદર ૧૮૫૦ના અરસામાં 

હા, લેખિકા તરત ઉમેરે છે : બારામાંથી દેખાતા મુંબઈનું ચિત્ર પહેલી નજરે આકર્ષક લાગે તેવું નથી. બલકે શહેર ઝાઝું દેખાતું જ નથી. દેખાય છે દરિયાની લગોલગ આવેલા કિલ્લાની ઊંચી ઊંચી દીવાલો. અને એની બહારના મેદાનમાં તાણેલી સૈનિકોની ધોળી ધોળી રાવટીઓ. આંખો જરા તાણીને જોઈએ તો દેખાય કોલાબનો નાનકડો ટાપુ, નાળિયેરીઓથી ઢંકાયેલો. અને દેખાય એ નાળિયેરીઓને વીંધીને ઉપર ઊઠતી કોલાબાની દીવાદાંડી.

મુંબઈના બારામાં દાખલ થાવ એટલે દેખાય જાતજાતના નાના-મોટા મછવા. શઢવાળી અને વગરની હોડીઓ. દરિયાનાં મોજાં સાથે હાલકડોલક થતી શઢવાળી હોડીઓ ઘૂમટો તાણીને જતી હિંદુ સ્ત્રીઓ જેવી લાગતી હતી. ધક્કા પર ઊભેલાં વહાણોમાં કાં મુસાફરોની ચડઉતર ચાલુ હોય, કાં માલસામાનની. કોઈ હોડીમાં નાળિયેર અને કેળાં ભરેલાં હોય, તો કોઈમાં અનાજની ગુણો. તો કોઈ કોઈ હોડીમાં ચાર પડદા નાખીને નાની કેબિન જેવું બનાવ્યું હોય. તેમાં દાખલ થવાનો દરવાજો પવનમાં ઊડે ત્યારે દેખાય અંદર બેઠેલી સ્થૂળકાય પારસણ, ગાલીચા પર પલાંઠી વાળીને બેઠેલી. 

વહાણ નાંગરે કાં એપોલો બંદરે, કાં કસ્ટમ હાઉસના બંદરે. રેશમી પડદાવાળી, લીલા રંગની પાલખીઓ ઊંચકીને ભોઈ લોકો હાંફળાફાંફળા દોડતા હોય. પરસેવે રેબઝેબ કૂલીઓ આવીને મધમાખીની જેમ ઝળુંબવા લાગે અને ‘સામાન મને જ આપજો, મને જ આપજો’ એમ કરગરવા લાગે. એમાં ય જો મુસાફર સૈનિક હોય તો તો જોઈ લો જે તાશેરો થાય. મુસલમાન નોકરોની અનુભવી આંખ આવા સૈનિકોને તરત પારખી કાઢે અને એની આસપાસ ટોળે વળી મોટે મોટેથી બૂમો પાડવા લાગે : ‘સાહેબ! તમારા નોકર તરીકે મને જ રાખી લો. તમારાં નાનાં મોટાં બધાં કામ કરીશ,’ અલબત્ત, ‘સાહેબ’ જવાબ આપતાં વાર લગાડે તો એ લોકો તરત તેમને પડતા મૂકીને બીજા ‘સાહેબ’ની શોધમાં દોટ મૂકે. 

તમે ધક્કા પર ઊતરો એટલે સૌથી પહેલું ધ્યાન ખેંચે ઠેર ઠેર ખડકાયેલી રૂની ગાંસડીઓ. રૂને દબાવીને ગાંસડીઓ બનાવવા માટેના ‘સ્ક્રૂ’ અને ગાંસડીઓને વહાણમાં ચડાવવા માટેની ક્રેનો. આ બધી ગાંસડીઓ અહીંથી ગ્રેટ બ્રિટન જવાની. ત્યાંની મિલોમાં તેનું કાપડ બનશે. અને પછી એ જ કાપડ મોંઘા ભાવે વેચવા માટે પાછું અહીં આવશે! બંદરની બહાર નીકળો એટલે તમને હાશકારો થાય, મોકળી, શાંત જગ્યા જોવા મળે. એસ્પ્લનેડ પર બાંધેલા ઘાટીલા બંગલા અને સૈનિકોની સફેદ રાવટીઓ. દરિયાને સમાંતર આવેલો આ મજાનો રસ્તો મુંબઈનાં ફેશનેબલ સ્ત્રી-પુરુષો માટે સાંજે ‘હવા ખાવાનું’ સ્થળ બની રહે છે. અહીં તમને નફકરા થઈને ટહેલતા યુવાનો જોવા મળે, ભારે ગારા સાડીઓ પહેરેલી પારસી સ્ત્રીઓ જોવા મળે. કોઈ પગપાળા, કોઈ ઘોડેસવાર થઈને, તો કોઈ વળી એક કે બે ઘોડા જોડેલી ગાડીમાં હોય. અને હા, તેમની ગાડીઓ ‘દેશી’ નહિ, ગ્રેટ બ્રિટનમાં બનેલી હોય, હોં! જો કે ગ્રેટ બ્રિટનમાં ગાડીઓને જોડાતા જાતવાન, ઊંચી ઓલાદના ઘોડાઓ જોયા હોય તેમને આ અરબી ઘોડા ટટ્ટુ જેવા લાગે. ગાડીવાન અને બીજા નોકરોએ જાડા કાપડના, એક સરખા રંગના ગણવેશ પહેર્યા હોય. જુદા રંગનો કમરબંધ અને માથે ચપટી પાઘડીઓ, રકાબી જેવી. કેસરી, ભૂરી કે જાંબલી રંગની પાઘડીઓ પરથી  સોનેરી કે રૂપેરી ઝૂલ ઝૂલતી હોય. પણ કપડાંનો આ બધો ઠઠારો કરનારા આ બધા નોકરો કાં ઉઘાડા પગે ચાલતા હોય કે કાં તેમણે પગમાં જૂનાં ઘસાઈ ગયેલાં ચપ્પલ પહેર્યાં હોય. 

એસપ્લનેડ – ૧૮૭૦ના અરસામાં 

  એસપ્લનેડની બાજુમાં લાકડાની નાની વાડની બીજી બાજુ મોટું મેદાન. લીલા છમ ઘાસવાળું. યહૂદીઓ, આરબો, અને બીજા એશિયન લોકોનું ફરવા માટેનું માનીતું સ્થળ. એ બધા પોતપોતાની ભાષામાં મોટે મોટેથી વાતો કરતા હોય. અઠવાડિયામાં બે વાર અહીં સાંજે મિલિટરી બેન્ડ વાગતું હોય છે ત્યારે આ બધી જાતના લોકો ટોળે વળીને એ સાંભળતા હોય. આપણા દેશમાં જોવા મળતા સૌથી સારા રસ્તાઓ કરતાં આ એસપ્લનેડ રોડ જરા ય ઊતરે તેવો નથી. તેની અઆસપસનો વિસ્તાર પણ ખૂબ રળિયામણો છે. 

પણ બસ. તમે આગળ વધીને મુંબઈના દેશીઓના રહેણાકના વિસ્તારમાં પગ મૂકો એટલે તો જ્યાં જુઓ ત્યાં ખાડા ટેકરા, કચરાના ઢગલા. વિના કારણ અહીંથી તહીં દોડાદોડી કરતા લગભગ નાગા છોકરાઓ! બજારોમાં જ્યાં ત્યાં ગંદા પાણીનાં ખાબોચિયાં. ખાવાની વસ્તુઓના ખૂમચા પર માખીઓ બણબણતી હોય. ઘરાકો અને વેપારીઓ બૂમો પાડીને ભાવતાલ અંગે રકઝક કરતા હોય. રવિવારની સાંજે એસપ્લનેડ હોય સાવ ઉજ્જડ. કારણ તે દિવસે લોકો ‘બ્રીચ કેન્ડી’ ફરવા જાય. 

અહીંથી ફોર્ટ તરફ જતા રસ્તાની વચમાં માર્ક્સ વેલેસ્લીનું ખૂબ સરસ પૂતળું મૂક્યું છે. પણ તેની આસપાસના વિસ્તારમાં દિવસ આખો લોકોની ભાગદોડ ચાલતી હોય અને શોરબકોર. ભાડે મળતી અસંખ્ય ‘બગીઓ’ અહીં લાઈન બંધ આખો દિવસ ઊભેલી જોવા મળે. તેની બાજુમાં હોય બે પૈડાંવાળી ગાડીઓની હાર. અડધો ક્રૂકશેંક રોડ આવાં વાહનોથી ભરેલો હોય. અને આ બધાંની વચ્ચેથી પસાર થતી હોય ભારથી લદાયેલી બળદ ગાડીઓ. ઘણી વાર નાના છોકરાઓ આ બળદ ગાડીની પાછળ લટકીને ‘મફતિયા મુસાફરી’નો આનંદ માણતા હોય.

ઉનાળો આવે એટલે એસપ્લનેડનો દેખાવ ફરી જાય. ઠેર ઠેર નાનાં મોટાં કામચલાઉ ઘરો ઊભાં થઈ જાય. દરિયા કિનારાની નજીક ઊભા કરેલાં આ બધાં ઘરોમાં દરિયાની ઠંડી હવા ફરફરતી હોય. દરેક ઘરની આસપાસ લીલાં ઝાડપાન અને વેલા રોપ્યાં હોય જે સુંદરતા ઉપરાંત ઠંડકમાં ય વધારો કરે. તેનો બીજો લાભ એ કે બપોરે અને સાંજે તડકો ઘરની અંદર ન પ્રવેશે. આ કામચલાઉ બંગલા દરિયા કિનારાથી થોડે દૂર સીધી લાઈનમાં બાંધ્યા હોય. બે બંગલા વચ્ચે એક સરખી ખાલી જગ્યા. એ બન્યા હોય બાંબુ અને જાડા થેપાડા જેવા કપડાના. મુખ્ય ઘરથી થોડે દૂર ઓફિસ તરીકે વાપરવાનો નાનો બંગલો. બંનેની આજુબાજુ બગીચો. નવાઈની વાત એ છે કે દરિયા કિનારાની નજીક રહીને પણ આ બધાં ઝાડ-પાન-વેલા ખીલી શકે છે. નહિતર સાધારણ રીતે દરિયા કિનારે આવી વનસ્પતિ ટકી શકતી નથી. 

વરસાદ શરૂ થાય એ પહેલાં આ બધા કામચલાઉ બંગલા સમેટી લેવામાં આવે છે. આવતે વરસે ફરી કામ લાગે તેવી સામગ્રી સંભાળીને લઈ જવાય છે. આવો એક બંગલો બાંધવાનો ખરચ છ સોથી આઠ સો રૂપિયા જેટલો આવે છે. વરસાદ શરૂ થતાં પહેલાં તેમાં રહેતા લોકો ફોર્ટ, ગિરગામ, ભાયખળા, ચીંચપોકલી, જેવી જગ્યાએ આવેલાં પોતાનાં કાયમી ઘરોમાં રહેવા ચાલ્યા જાય છે. આ બધા વિસ્તારોમાં યુરોપિયનોએ પોતાનાં પાકાં, સુંદર ઘરો બાંધ્યાં છે.

***

આ લેખિકાની આંગળી પકડીને હજી તો ૧૮૩૮ના મુંબઈમાં ઘણું ફરવાનું છે. પણ એ પહેલાં હવે એ બાનુ વિષે થોડી વાત. ૧૮૧૧ના જાન્યુઆરીની ચોથીએ તેઓ જન્મ્યાં ત્યારે નામ પાડેલું મારિયન રિગવે. પછી થોમસ પોસ્ટાન્સ સાથે લગ્ન કરીને બન્યાં મિસિસ થોમસ પોસ્ટાન્સ. પતિના અવસાન પછી બીજાં લગ્ન કરીને બન્યાં મારીઆન યંગ. ૮૬ વરસની પાકટ વયે ૧૮૯૭ના ઓક્ટોબરની છઠ્ઠી તારીખે અવસાન.

પુસ્તકમાં મૂકેલાં લેખિકાનાં ચિત્રોમાંનું એક

બાવીસ વરસની ઉંમરે ૧૮૩૩ના ફેબ્રુઆરીની નવમીએ થોમસ પોસ્ટાન્સ સાથે લગન કીધાં. પતિ નોકરી કરતા હતા કંપની સરકારના હિન્દુસ્તાનમાંના લશ્કરમાં. હવાલદારની તદ્દન નીચી પાયરીથી શરૂ કરીને કેપ્ટનના પદ સુધી પહોંચેલા. ૧૮૩૩ના માર્ચમાં પતિ સાથે હિન્દુસ્તાન આવવા નીકળ્યાં. ૧૮૩૪માં પતિની બદલી કચ્છ થઈ એટલે પહોચ્યાં કચ્છ. આંખ-કાન ઉઘાડાં રાખીને ફર્યાં. ઘણી નોંધો કીધી, ચિત્રો દોર્યાં. અને પછી ૧૮૩૯માં કચ્છ વિષે પુસ્તક પ્રગટ કર્યું : Cutch, or Random Sketches. આ પુસ્તકને સારો આવકાર મળ્યો એટલે ૧૮૩૯માં બે ભાગમાં પ્રગટ કર્યું Western India in 1838. આ પુસ્તકની શરૂઆત તેમના મુંબઈ આગમનથી જ થાય છે. આ પુસ્તકમાં પણ પોતે દોરેલાં ચિત્રો મૂક્યાં છે. તેમાંનું એક આજે અહીં મૂક્યું છે. આ પુસ્તકનાં ઘણાં વખાણ થયાં. હિન્દુસ્તાન વિષે અંગ્રેજીમાં લખનારી લેખિકાઓની આગલી હરોળમાં તેમનું નામ મૂકાયું. જુદાં જુદાં સામયિકોમાં પ્રગટ થયેલા લેખો ભેગા કરીને અને સ્વતંત્ર રીતે લખીને બીજાં પુસ્તકો પ્રગટ કર્યાં. પછી તો તેમના પતિએ પણ પુસ્તકો લખ્યાં. બંનેનાં પુસ્તકોની જાહેર ખબર મેગેઝીનોમાં બાજુ બાજુમાં પ્રગટ થવા લાગી. પણ ત્યાં તો ૧૮૪૬માં પતિનું અણધાર્યું અવસાન થયું. મિસિસ પોસ્ટાન્સ ઇન્ગલન્ડ પાછાં ફર્યાં. ૧૮૪૮માં બીજાં લગન કર્યાં, વિલિયમ હેન્રી યંગ સાથે. યંગ હતા ડોક્ટર અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં જ નોકરી કરતા હતા. તેમની સાથે લેખિકા માલ્ટા અને તુર્કસ્તાન ગયાં અને એ મુસાફરીઓ વિષે પણ પુસ્તકો લખ્યાં. તેમનું ૧૮૫૭માં પ્રગટ થયેલું છેલ્લું પુસ્તક પણ હિન્દુસ્તાન વિષે હતું. અને એ અર્પણ કર્યું હતું ‘મારી જિંદગીના સૌથી સુખી દિવસો મેં જેમની સાથે ગાળ્યા છે એવા મારા હિન્દી મિત્રોને.’

હિન્દ અને હિન્દુસ્તાનીઓનાં મિત્ર એવાં આ લેખિકા સાથે મુંબઈમાં ફરવાનું આવતે અઠવાડિયે પણ ચાલુ.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 23 ડિસેમ્બર 2023)

Loading

...102030...717718719720...730740750...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved