Opinion Magazine
Number of visits: 9457468
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકો શું ખરેખર અબુધપણે સરળીકરણ સ્વીકારતા હોય છે?

રમેશ ઓઝા|Opinion - Opinion|24 December 2023

જે ભાવે છે એને તે સત્ય હોય કે ન હોય પણ સત્ય તરીકે સ્વીકારે છે અને તેનો પ્રચાર કરે છે. તમે તેની પાથીમાં ગમે એટલું તેલ રેડો એ તમારી વાત સ્વીકારશે નહીં

રમેશ ઓઝા

જગતમાં કોઈ માનવીય અને સામાજિક પ્રશ્નો એક ને એક બે જેવા સરળ હોતાં નથી કારણ કે માણસ અત્યંત સંકુલ પ્રાણી છે. તે એક જ જિંદગીમાં અનેક જિંદગી જીવતો હોય છે, એક જ ચહેરા પાછળ અનેક ચહેરા ધરાવતો હોય છે અને એક જ સમયે અનેક વિકલ્પ તપાસતો હોય છે.

એક ચીની કહેવત છે કે રાંધેલું ધાન અને જીવતો માણસ આ બે ગમે ત્યારે બગડી શકે છે. તમે એના વિશે કશું જ ખાતરીથી ન કહી શકો. માટે કૌટુંબિક પ્રશ્નોમાં ઘણા લોકો પડતા નથી, કારણ કે તેમાં કોઈ એક પક્ષને અન્યાય થવાનો ડર રહે છે. પ્રશ્નોની સંકુલતા અને જટિલતા સમજની બહાર હોય છે. અદાલતો પણ કૌટુંબિક બાબતોમાં ઘરમેળે પ્રશ્ન ઉકેલવાની પહેલી સલાહ આપે છે અથવા પ્રશ્ન ઉકેલવામાં મદદરૂપ થાય એવો કાઉન્સેલર આપે છે. અને પ્રશ્ન સામાજિક હોય તો? તો અતિ વિકટ. એક તો એક કરતાં વધુ નિર્ણયકર્તા અથવા નિણર્યને અવરોધનારા હોય. બીજું નિર્ણયકર્તાઓને કે નિર્ણયને અવરોધનારાઓને કોઈ અંગત નુકસાન થવાનું નથી એટલે એ લોકો પ્રશ્નને વધુ ગૂંચવે. પ્રશ્ન એટલો ચવાય અને ગૂંચવાય કે વાત પૂછો મા અને જો પ્રશ્ન રાજકીય હોય તો? તો તો પૂછવું જ શું? એમાં એનેક લોકો નાનીમોટી ભૂમિકા ભજવતા હોય, એકના દાવપેચ કે વલણને જોઈને બીજાએ વલણ બદલવું પડે, સતત સ્થિતિ બદલાતી રહેતી હોય, અણધાર્યાં પરિબળો કામ કરતાં હોય અને સત્તાનો તેમ જ પ્રભુત્વનો સ્વાર્થ હોય. એક જ પક્ષ ધરાવનારા લોકો એકબીજાની વિરુદ્ધ કામ કરતા હોય. પ્રવાહી સ્થિતિ, સ્વાર્થ, પૂર્વગ્રહ અને દુશ્મની એમ ચારેયનું મિલન થાય છે.

ટૂંકમાં, આ વ્યક્તિનું, પરિવારનું, સમાજનું, સામાજિક સંસ્થાઓનું અને રાજકરણનું વાસ્તવ છે. પશુ-પક્ષી અમુક રીતે જ વર્તશે એમ તમે ખાતરીપૂર્વક કહી શકો, માણસ વિશે ન કહી શકો. માટે લોકો ઘટના ઘટ્યા પછી ઘટનાનું સરળીકરણ કરે છે. સરળીકરણ હંમેશાં એ રીતે કરાવામાં આવે જે સરળીકરણ કરનારાને માફક આવે. જેની સામે દુશ્મની હોય, જેની સામે પૂર્વગ્રહ હોય, જેની સાથે સ્વાર્થ ટકરાતો હોય અને સૌથી વધુ તો સરળીકરણ એની વિરુદ્ધ કરાવામાં આવે છે જે ખુલાસો કરવાની સ્થિતિમાં ન હોય કે પછી ખુલાસો સાંભળવાની જરૂર ન હોય. જેની પાસે વાચા ન હોય તેને કાન આપવાની જરૂર પડતી નથી અને જો તેની પાસે વાચા હોય તો પણ જો તે નિર્બળ હોય તો કાન આપવાની જરૂર નથી. એટલે તો પારિવારિક પ્રશ્નોમાં વહુની વિરુદ્ધ જ સરળીકરણ કરાવામાં આવે છે. એટલે તો ગ્રામીણ સ્તરે થતી જ્ઞાતિકીય અથડામણોમાં નીચલી જ્ઞાતિની વિરુદ્ધ સરળીકરણ કરાવામાં આવે છે. એટલે તો કોમી હુલ્લડોમાં લઘુમતી કોમની વિરુદ્ધ સરળીકરણ કરાવામાં આવે છે અને એ જ રાહે રાષ્ટ્રીયતાની બાબતે સીમાડાની પ્રજા વિરુદ્ધ સરળીકરણ કરાવામાં આવે છે.

નબળા છે એટલે પ્રતિવાદ કરી શકવાના નથી અને જો કરશે તો આપણા સુધી પહોંચવાનો નથી અને જો પહોંચે તો નહીં સાંભળવાની છૂટ છે. આ સિવાય પ્રતિવાદ કરનારાઓના અવાજને સરળીકરણના હજુ મોટા અવાજ દ્વારા દબાવી શકાય છે. સરળીકરણનું એક શાસ્ત્ર હોય છે. પહેલાં કાનમાં બોલો. એક કાનેથી બીજા કાને વાત દૂર સુધી પહોંચી જાય પછી ખૂલીને બોલો. એનો પણ સ્વીકાર થતો જોવા મળે તો આંખમાં આંખ મેળવીને આત્મવિશ્વાસના આવિર્ભાવ સાથે બોલો. સાંભળનારાને એમ લાગવું જોઈએ કે આ સોળ આના સાચી વાત છે. જો કોઈ પ્રતિવાદ કરવા સામે આવે તો તેના પર દેશદ્રોહી, ધર્મદ્રોહી જેવાં લેબલ લગાડો અને તેનો અવાજ સ્વીકારાય જ નહીં એવો ઘોંઘાટ કરો. એક દિવસ એવો આવશે કે તમારું કામ લોકો કરવા લાગશે. એ પછી તમારે કંઈ કરવાનું રહેતું નથી. પણ પ્રશ્ન એ છે કે લોકો શું અબુધપણે સરળીકરણનો સ્વીકાર કરતા હોય છે? કે પછી સત્યની ચકાસણી કરવાનો પ્રમાદ હોય છે અથવા આવડત હોતી નથી? કે પછી કાને પડેલું સરળીકરણ તેને ભાવતું હોય છે? આ બધી જ શક્યતાઓ છે, પણ જે છેલ્લી વાત છે એ વધારે સાચી છે. જે ભાવે છે એને તે સત્ય હોય કે ન હોય પણ સત્ય તરીકે સ્વીકારે છે અને તેનો પ્રચાર કરે છે.

તમે તેની પાથીમાં ગમે એટલું તેલ રેડો એ તમારી વાત સ્વીકારશે નહીં. એ નિરુત્તર થઈ જશે, પણ તમારી વાત સ્વીકારશે નહીં. સરળીકરણના નામે ખાસ રીતે રચવામાં આવેલી અને ખાસ રીતે કહેવાયેલી વાત તેમને ભાવે છે. તેને તો માત્ર એટલો જ દંભ કરવો છે કે તે સત્ય જાણે છે અને સત્ય આ છે. નકરું સત્ય સરળીકરણ કરતાં જુદું હોય છે. પરિવારમાં સ્ત્રીઓ, ગામડાંઓમાં અને અનામતની જોગવાઈની બાબતે પછાત જાતિઓ, દેશમાં લઘુમતી કોમો અને રાષ્ટ્રીય વિમર્શમાં મુખ્યત્વે મુસલમાનોએ તેમ જ સીમાડાની પ્રજાઓ પુરુષોના, હિંદુત્વવાદીઓના, સવર્ણોના અને કહેવાતા રાષ્ટ્રવાદીઓનાં સરળીકરણનો શિકાર છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 24 ડિસેમ્બર 2023

Loading

‘અળવીતરી નવલકથાઓનો પરિચય’

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|24 December 2023

પુસ્તક પરિચય

·       અમેરિકન લેખક જોનાથન ફોઅરની On Tree of Codes ‘એક નવલકથામાંથી કોતરી કઢાયેલી બીજી નવલકથા’ છે. તે શબ્દશ: કોતરકામથી બનેલી છે. 

·       ચેક ભાષાના નવલકથાકાર બોહુમિલ હૃબાલની Dancing Nature for the Advanced in Age એ 117 પાનાંની, છેલ્લે પણ પૂર્ણવિરામ વગરની એક જ વાક્યમાં લખાયેલી એપિસોડિક નવલકથા છે. 

·       અમેરિકન લેખક વૉલ્ટર અબિશની The New Meaning નવલકથા 99 લેખકોમાંથી દરેકની કૃતિનો  એક-એક અંશ પસંદ કરીને ‘લેખકે પોતે ન લખેલી નવલકથા’ છે. 

·       કૅનેડિયન કવિ ડેરેક બૌલી ‘લેખક’ નહીં, પણ ‘ભૂંસક’ છે. તેમણે A, A Novel નામની નવલકથામાં ચિત્રકાર એન્ડી વૉરેલની એ જ નામની નવલકથામાંથી વાક્યો ભૂંસી નાખીને માત્ર વિરામચિહ્નો અને કૌંસમાંના લખાણો રાખીને નવલકથા બનાવી છે. 

બાબુ સુથાર

ઉપરોક્ત નવલકથાઓ વિશે ફિલાડેલ્ફિયા-સ્થિત સાહિત્યકાર બાબુ સુથારના ‘અન્યત્ર’ પુસ્તકમાં વાંચવા મળે છે. ગયાં પચાસેક વર્ષમાં પ્રસિદ્ધ થયેલી વિશ્વસાહિત્યની આવી ‘અળવીતરી નવલકથાઓનો પરિચય’ આપતા લેખોના આ સંગ્રહમાં બીજી પણ અરૂઢ નવલકથાઓ છે.

તેમના વિશેના લેખોના શીર્ષક સૂચક છે : ‘એક સમકાલીન પુરાણકથા’, ‘કથાનું વાસ્તવિકતામાં રૂપાંતર’, ‘એકમાં અનેક નવલકથાઓ’, ‘પ્રયોગ વડે ભાષા પરનો કાટ દૂર કરવાનો પ્રયાસ’ ‘વાચકને જ પાત્ર બનાવી દેતી નવલકથા’, ‘વિરામચિહ્નોના સૂનકારની નવલકથા’, ‘અક્ષરલોપની નવલકથા’, ‘શબ્દકોશના સ્વરૂપમાં નવલકથા’.

આવી નોખી ટેકનિક્સ ઉપરાંત, મોટા ભાગની નવલકથાઓનાં વસ્તુ અજૂગતા કપોળકલ્પિત-ફૅન્ટસી પર આધરિત છે, જેમ કે ‘જો બાળક રાજા બને તો…’, ‘કેવળ પુરુષોને લાગતો ચેપ’, ‘તૈણ ઇંચના મહારાજા’, ‘પત્ની શિયાળ બની ગઈ’, ‘મરણ માણસ બને ત્યારે’, ‘રાક્ષસ ગણિતનો શિક્ષક’, ‘હું એક બિલાડો છું’, ‘કૂતરાના માથાવાળા માણસની વાત’. 

આવાં કુતૂહલજનક મથાળાં ભાષાવિજ્ઞાનના પૂર્વ અધ્યાપક બાબુ સુથાર(બાસુ)ના લેખન-કસબની એક ખાસિયત છે. મથાળાને કારણે વાચક, બાસુએ પોતાની નોંધમાં જેને ‘પ્રયોગશીલ અને રાજકીય’ નવલકથાઓ કહી છે, તેને લગતા પરિચય / આસ્વાદ વાંચવા પ્રેરાય છે.

તેમાં પોણા ભાગની યુરોપિયન લેખકોની છે. ‘મમતા’ સામયિકમાં પ્રસિદ્ધ થઈ ચૂકેલા લેખોનું આ પુસ્તક વાંચતા ધ્યાનમાં આવે છે કે તેમાં નિરૂપિત તમામ 54 નવલકથાઓ બિલકુલ બિનપરંપરાગત છે. મોટા ભાગના વાચકો નવલકથા આવી હોઈ શકે એવું કલ્પી પણ શકતા નથી. અનેક સ્વરૂપો અને કથનપદ્ધતિઓ મળે છે : પશુકથા, બોધકથા, કિશોરકથા, જીવનકથામૂલક નવલકથા, કાલ્પનિક જીવનકથા, પ્રતિનવલકથા, આંતરચેતનાની નવલકથા, ગ્રાફિક નૉવેલ, મૅજિક રિઆલિઝમ પર આધારિત નવલ, દ્વિતીય વ્યક્તિ કથન, લેખકે ખુદ પર લાદેલાં ભાષાકીય નિયંત્રણો હેઠળ લખાયેલી કથા અને અન્ય.

બાસુએ Dictionary of Khazars નવલકથાની બાબતમાં કહ્યું છે તે મોટાભાગની નવલકથાઓને લાગુ પડે છે : ‘આ નવલકથા પરંપરાગત નવલકથાએ ઘડેલી નવલકથા વાંચવાની આપણી રીતને પડકારે છે.’ બાસુના લેખો પરથી કૃતિઓની દુર્બોધતાનો ઠીક અંદાજ મળે છે. તેઓ એકાધિક વખત મતલબનું લખે છે કે ‘લેખનને જાણી જોઈને દુર્બોધ બનાવો’ એ અનુઆધુનિકતાનું એક પ્રમુખ લક્ષણ છે.

પુસ્તકમાં ઘણી બધી બાબતો ગળે ન ઊતરે, તેમાં ટપ્પો ન પડે. વિવરણ વાંચતાં મૂંઝાઈ જવાય, ટેકનિક ધ્યાનમાં લેતાં અંજાઈ જવાય. પણ બાસુની રજૂઆત, ભાષા અને શૈલી એવી છે કે, A School of Fools નામની રશિયન નવલકથાની બાબતમાં તેમણે લખ્યું છે તેમ – ‘સમજાય નહીં પણ વાંચવાની મજા આવે’.

અલબત્ત, લેખોની બાબતે આવું બને, પણ તે જેનો પરિચય આપે છે તેમાંની મોટાભાગની નવલકથાઓ એકંદર વાચક વર્ગ માટે દુર્બોધ હોય અને તેમના વિવિધ વિવેચકીય અર્થઘટનો વ્યક્તિસાપેક્ષ, કૃતક કે દુરાકૃષ્ટ હોય એવી સંભાવના નકારી શકાય નહીં. પુસ્તકના વસ્તુને અનુરૂપ મુખપૃષ્ઠ તરીકે રશિયન ચિત્રકાર Kazimir Malevichનું એબ્સ્ટ્રેક્ટ ચિત્ર છે.

‘અન્યત્ર’ની નવલકથાઓના વૈચારિક પ્રેરણાસ્થાનો પશ્ચિમના આધુનિક જ્ઞાનવિજ્ઞાન, કલા અને જીવનરીતિના ચિંતનપ્રવાહોમાં છે. ‘ધ ફૅક્ટરી’, ‘લાઇફ ફૉર સેલ’, ‘ઑડ જૉબ્સ’ અને ‘વેઇટિન્ગ ફૉર ધ બીસ્ટ્સ ટુ વોટ’ મુક્ત અર્થતંત્રના માનવ સંવેદનાને થતી હાનિ વિશે છે.

‘Les Gullierers’, ‘ધ એન્ડ ઓફ મેન’ અને ‘કાસાન્દ્રા’ એકંદરે નારીશક્તિ વિશે છે. ‘લોજિકોમિક્સ’ આધુનિક યુગના એક તબક્કામાં સત્યની શોધ માટે ગણિત, તત્ત્વજ્ઞાન અને તર્કશાસ્ત્ર ક્ષેત્રો વચ્ચે સત્યના શોધ માટે થયેલા સંઘર્ષનું નિરૂપણ કરે છે.

‘ધ મૅન સિટિંગ ઇન ધ કૉરિડોર’ કથામાં ‘કામેચ્છા અને મરણેચ્છા’, જ્યારે ‘ડૉલી સિટી’માં ‘ઉન્માદ અને માતૃપ્રેમ’ એકાકાર થાય છે. કેટલીક નવલકથાઓના બાસુ મૌલિક તેમ જ વિવેચકીય અર્થઘટનો આપે છે, જેમ કે ‘ટ્રી ઑફ કોડ્સ’અને ‘અ સ્કૂલ ઑફ ફૂલ્સ’.

બાસુના લેખોમાં પાને પાને સંદર્ભો / ઉલ્લેખો મળે છે. તેમાં ફ્રેન્ચ તત્ત્વજ્ઞ રેને જિરાર્ડ હોય અને ભોજો ભગત હોય, ‘યુલિસિસ’ નવલકથા માટેની વાચકમંડળો અને સરસ્વતીચન્દ્ર, દાન્તે, કાફકા, વૈષ્ણવજન – આ યાદી ખૂબ લાંબી થઈ શકે.

એક ફ્રેન્ચ નવલકથા વિશેના લેખનું મથાળું રાવજી પટેલની પંક્તિ છે. લેખકે સુરેશ જોષીની પ્રયોગશીલતાને ચાર વખત યાદ કરી છે. એક જગ્યાએ સોએક શબ્દોના ફકરામાં ત્રણ ગહન સંદર્ભો છે.

વિષયાંતરો પુસ્તકની સમૃદ્ધિમાં વધારો કરે છે. ‘આલ્ફાબેટિકલ આફ્રિકા’ પરના લેખમાં લેખકે સામે ચાલીને નિયંત્રણો વહોરી લીધા હોય એવા પુસ્તકોની યાદી છે. ગણિત અને સાહિત્યને જોડતી Oulipo ચળવળની માહિતી ચારેક નવલકથાઓ પરના લેખોમાં મળે. બીજા અનેક દાખલા આપી  શકાય. 

બાસુ પાસેથી અનેક રસપ્રદ નિરીક્ષણો મળે છે. તેમાંથી કેટલાંક આ મુજબ છે :

§  સરમુખત્યારશાહી વધી રહી હોય ત્યારે સર્જકે દેવો પાસે જવાને બદલે પશુઓ પાસે જવું જોઈએ. કેવળ પશુઓ જ આવી બોધકથાઓમાં આવીને આપણને મદદ કરી શકે. દેવો ભાગ્યે જ બોધકથાઓમાં ભાગ લેતા હોય છે. 

§  મુક્ત અર્થતંત્રના જમાનામાં વસ્તુઓનું સત્ય ઉપભોગથી નક્કી થતું હોય છે. 

§  આપણા મોટા ભાગના ગુજરાતી લેખકોને representationના સ્તર પર કોઈ કટોકટી દેખાતી નથી.

§  પૂર્વ યુરોપીય દેશોના કથાસાહિત્યમાં કદાચ સૌથી વધારે પ્રયોગો થયા છે. 

§  પશ્ચિમમાં અજ્ઞાનમુક્તિની ચળવળને પગલે લોકો ઇશ્વરની કલ્પના પર અવિશ્વાસ મૂકવા માંડેલા. બધાંને એમ હતું કે હવે ઇશ્વરની જરૂર નહીં પડે, ત્યાં જ ગ્લોબલાઇઝેશન આવ્યું; નવ્ય મુક્ત અર્થતંત્ર આવ્યું. એની સમાંતરે વિશ્વના ઘણા દેશોમાં જમણેરી સરકારો આવી. એ સાથે ઇશ્વરનું મહત્ત્વ પાછું વધી ગયું.

§  ગુજરાતી સાહિત્યમાં વાચનની બે પદ્ધતિઓ સ્થાયી થઈ છે. એમાંની એક પદ્ધતિ કૃતિને સામજિક દસ્તાવેજ તરીકે જુએ છે. બીજી પદ્ધતિ કૃતિને કલાના દસ્તાવેજ તરીકે જુએ છે. 

§  પશ્ચિમના વાચકોને આધ્યાત્મિક લેખન બહુ ગમતું હોય છે અને એશિયન લેખકો એમને જોઈએ એટલો જથ્થો પૂરો પાડતા હોય છે. 

§  ડોનાલ્ડ ટ્રમ્પ 2016માં અમેરિકાના પ્રમુખપદે ચૂંટાઈને આવ્યા પછી સિનક્લેર લુઇસની It  Can’t Happen Here નવલકથાનો પુનર્જન્મ થયો. નવલકથાનું ફાસીવાદી નેતાગીરીવાળું અમેરિકામાં અસ્તિત્વમાં આવી ગયું.

દરિયાપારની ઓછામાં ઓછી ત્રણ રાજકીય નવલકથાઓ એવી છે કે જેમાં આપણને ભારતનું સાંપ્રત દેખાય. પુસ્તકમાંની પહેલી જ નવલકથા The Rabbit Rebellion વિશેના લેખનું મથાળું છે – ‘સરમુખત્યારોને ઉઘાડા પાડતી કથા’. 

તેનો પહેલો જ ફકરો છે : ‘સરમુખત્યારોને ત્રણ કામ ગમે – એક તો પોતાને નેતા જાહેર કરવાનું; બીજું તે પોતાના પ્રતિસ્પર્ધિઓનું નિકંદન કાઢવાનું અને ત્રીજું, તે પોતાના ફોટા પડાવી / ભાષણો કરી એ ફોટા / એ ભાષણો આખા રાજ્યમાં વહેંચતા કરવાનું.’ 

ફ્રેન્ચ નવલકથાકાર ઝાક જોયુની Mountain R નામની નવલકથામાં Republican Council નામના એક કાલ્પનિક રાષ્ટ્રની વાત છે. એ રાષ્ટ્રનો પ્રમુખ રાજધાનીમાં પંદરસો ફૂટ ઊંચો એક પોલો પર્વત બનાવવા માગે છે. એ કહે છે કે આપણું રાષ્ટ્ર સપાટ છાતીવાળી છોકરી જેવું છે. એ બહુ ખરાબ કહેવાય. આપણે એને એક સ્ત્રી જેવું બનાવવું પડશે.

રશિયન લેખક યેવગે ઝામિએતિનની We નામની નવલકથા, જ્યૉર્જ ઑરવેલની ખૂબ ચર્ચાયેલી 1984 નવલકથાની જનેતા જેવી છે. તેમાં  લેખક એક યુટોપિયા અર્થાત આદર્શ રાજ્યની કલ્પના કરે છે જેના માટે બાસુ ‘રામરાજ્ય’ શબ્દ વાપરે છે. 

આ રામરાજ્ય એક જ સિદ્ધાંત પર કામ કરે છે – સુખ અને વ્યક્તિસ્વાતંત્ર્ય એક સાથે ન રહી શકે; અને આ રાજ્યે એના નાગરિકોને કેવળ સુખ જ આપવાનું નક્કી કર્યું છે, એને કારણે આ  રાજ્યમાં કોઈને કંઈપણ સ્વતંત્રતા નથી. 

અહીં પરિવૃત્તચિહ્ન, વ્યાધિપંડિત, વિડંબના, વ્યસ્તાક્ષર, વર્ણવિપર્યય, અશ્રદ્ધેય કથક જેવા શબ્દો આવે; અને તૈણ શિયાળભાઈ, કૂંપળબહેન જેવા શબ્દો, ‘માણસ ગંધાય માણસ ખાઉં’, ‘તેરા પીછા ન છોડૂંગા’ જેવા વાક્યો પણ આવે.

અલબત્ત, વ્યાકરણની કર્તાવાચક સંજ્ઞા ‘પહેલો પુરુષ’ / ‘બીજો પુરુષ’ તેના જેન્ડર બાયસને કારણે (પ્રથમ વ્યક્તિ જેન્ડર ન્યુટ્રલ છે) અને ‘કાળિયાઓ’ શબ્દ દેખીતી રીતે જ ખટકે છે. અલબત્ત, અઘરી વાતને શક્ય એટલી સરળ અને રોચક રીતે મૂકવાનો પદાર્થપાઠ આ પુસ્તકમાંથી મળે છે. પણ પુસ્તકમાં જેનો પરિચય મળે છે તે નવલથાઓ પણ એવી હશે કે કેમ એ વાંચ્યે જ ખબર પડે. ખબર પડે પણ ખરી, અને ન પણ પડે!

‌‌‌‌‌‌‌‌‌‌‌‌———————— 

પ્રકાશક : Zen Opus, પાનાં 189, રૂ.275/-

સંપર્ક :  contact@zenopus.in  / www.zenopus.in 

પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર પુસ્તક ભંડાર,  079-26587949, 9898762263

[1,150 શબ્દો] 
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 24 ડિસેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મણિપુર હિંસા, સોમા લૈશરામ અને ફૂટબોલ : આઓ લકીરેં મિટાયેં

ચંદુ મહેરિયા|Opinion - Opinion|24 December 2023

ચંદુ મહેરિયા

છ-આઠ મહિનાથી મણિપુર અશાંત છે, સંકટગ્રસ્ત છે. અટકી અટકીને પણ હિંસાના બનાવો ચાલુ રહે છે. તેનું તાત્કાલિક કારણ તો મણિપુરના એક બળુકા બિનઆદિવાસી જ્ઞાતિ સમુદાય મૈતેઈને રાજ્ય સરકારે આપેલ અનુસૂચિત જનજાતિના દરજ્જાને વડી અદાલતની મહોર છે. રાજ્યના આદિજાતિ કુકી સમુદાયનો મૈતેઈને એસ.ટી. ગણવા સામે વિરોધ છે. આ વિરોધ શાંત અને અહિંસક ન રહેતાં હિંસક બન્યો તે પછી બંને સમુદાયો વચ્ચે મોટાપાયે હિંસા થઈ છે. લગભગ પોણા બસો લોકોના મોત થયાં છે, બળાત્કારો થયાં, આખીને આખી વસ્તીઓ સળગાવી દેવામાં આવી, પોલીસના શસ્ત્રોની મોટાપાયે લૂંટ થઈ. હજારો લોકો વિસ્થાપિત થયા છે અને રાહત છાવણીઓમાં છે. મૈતેઈ અને કુકી વચ્ચેનો હાલનો વિવાદ વિભાજક  બની ગયો છે. મૈતેઈ મોટેભાગે ઈમ્ફાલ ઘાટીના મેદાની પ્રદેશમાં વસે છે, જ્યારે કુકી પહાડી વિસ્તારોમાં વસે છે. અગાઉ પણ એમની વચ્ચે કોઈ સોહાર્દપૂર્ણ સંબંધો નહોતા પણ અત્યારે તો અંતર એ  હદે વધ્યું છે કે હવે તો બેમાંથી કોઈ, અરે પોલીસ કે સરકારી અધિકારી-કર્મચારી સુધ્ધાં, એકબીજાના વિસ્તારમાં જઈ શકતા નથી. વિભાજન એકબીજા પ્રત્યેની નફરત અને ઘૃણા સુધી મર્યાદિત ન રહેતાં બદલાની ભાવનામાં પલટાઈ ગયું છે. બંને એકબીજાના જીવના તરસ્યા બન્યા છે. મૈતેઈ રાજકીય સહિતના તમામ ક્ષેત્રોમાં પ્રભાવશાળી છે. રાજ્યના ભા.જ.પી. મુખ્ય મંત્રી પણ  મૈતેઈ છે. એટલે હાલની હિંસા, ખાસ તો કુકીઓ પ્રત્યેની, રાજ્યપ્રેરિત નહીં તો રાજ્ય સમર્થિત હોય એમ લાગે છે. 

આઝાદી પૂર્વે મણિપુર એક રજવાડુ હતું. ૧૯૪૯માં તેનો ભારતમાં વિલય થયો. પહેલાં તે કેન્દ્રશાસિત પ્રદેશ હતો. ૧૯૭૨થી રાજ્ય બન્યું છે. મણિપુરની આશરે ૨૯ લાખની વસ્તીમાં હિંદુ અને ખ્રિસ્તી વસ્તી સરખી એટલેકે ૪૧-૪૧ ટકા છે. રાજ્યમાં ૮ ટકા મુસ્લિમો પણ વસે છે. મેદાની પ્રદેશોમાં રહેતા મૈતેઈની વસ્તી ૫૩ ટકા અને કુકી સહિતની ૬૦ જનજાતિઓની વસ્તી ૪૦ ટકા છે. રાજ્ય વિધાનસભાના ૬૦માંથી ૪૦ ધારાસભ્યો મૈતેઈ છે અને રાજ્યના વર્તમાન સહિતના લગભગ તમામ મુખ્ય મંત્રીઓ  મૈતેઈ હતા. અનુસૂચિત જનજાતિના કુકીઓને સરકારી નોકરીઓ સરળતાથી મળે છે. વળી તેઓ ખ્રિસ્તી ધર્મી છે.  હિંદુ મૈતેઈઓ પહાડી વિસ્તારમાં જમીન ખરીદી શકતા નથી અને બિનઅનામત વર્ગના હોઈ સરકારી નોકરીઓ મળતી નથી તેવી તેમની ફરિયાદ છે. કુકીઓ પર્વતીય પ્રદેશમાં અને મ્યાંમારની સરહદે વસતા હોઈ તેઓ ડ્રગ્સ વેચે છે અને ગાંજાની ખેતી કરે છે એવો મૈતેઈઓનો અને રાજ્ય સરકારનો આરોપ છે. એટલે કુકીઓની જમીનોની આકારણી અને તપાસ કરવામાં આવે છે. હવે મૈતેઈને આદિજાતિનો દરજ્જો મળતાં તેઓ પણ પહાડી વિસ્તારોમાં જમીનો ખરીદી શકશે અને કુકી જમીનવિહોણા થશે. એટલે અનામત અને જમીનનો સવાલ હાલની હિંસાના મૂળમાં છે.

આ સ્થિતિમાં શાંતિ અને સદ્દભાવનાના, બંને સમુદાયો વચ્ચેનું અંતર ઘટે અને તેમની વચ્ચેની દીવાલો તૂટે તેવા, પ્રયાસો આવશ્યક છે. જો કે તે દિશાના પ્રયાસો બહુ ઓછા છે. હાલના વિભાજક અને વિષાક્ત માહોલમાં જો કોઈ આવો પ્રયત્ન કરે તો તેણે બહિષ્કૃત થવું પડે છે. થોડા દિવસો પહેલાં રાજધાની દિલ્હીમાં પૂર્વોત્તરની સાંસ્કૃતિક વિરાસતની ઉજવણીનો કાર્યક્ર્મ નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટ ફેસ્ટિવલ નામે યોજાયો હતો. ખ્યાતનામ મણિપુરી સિને અભિનેત્રી અને ગાયિકા સોમા લૈશરામે તેના સમાપન કાર્યક્રમમાં મણિપુરનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને પોતાના સંબોધનમાં મણિપુરની પીડા વ્યક્ત કરી શાંતિ અને સોહાર્દની અપીલ કરી હતી. બસ, આટલા જ કારણસર તેમના પર ત્રણ વરસ સુધી ફિલ્મોમાં અભિનય કરવા અને જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ લદાયો હતો.

મૈતેઈ સમાજના હિતમાં કાર્યરત કાંગલેઈપાક કનબા લૂપ (કે.કે.એલ.) નામક સંગઠને મણિપુરની સ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી કોઈને પણ મનોરંજક કાર્યક્રમોમાં ભાગ ના લેવાનું ફરમાન જારી કર્યું છે. સોમાને પણ તેમણે વ્યક્તિગત અને જાહેર અપીલથી દિલ્હીના કાર્યક્રમથી દૂર રહેવા અપીલ કરી હતી. પરંતુ તેની ઉપરવટ જઈને તે ઉપસ્થિત રહ્યાં હતાં. એટલે તેમના પર બાન મુકાયો. એકત્રીસ વર્ષીય સોમાએ દોઢસો જેટલી મણિપુરી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને બેસ્ટ એકટ્રેસના એવોર્ડથી પુરસ્કૃત છે. પ્રતિબંધથી ક્ષુબ્ધ સોમાએ પોતાની ભૂમિકા સમજાવતાં કહ્યું કે તેઓ મણિપુરના લોકોની પીડા વ્યક્ત કરવા જ કાર્યક્રમમાં ગયાં હતાં. આ કોઈ મનોરંજક કાર્યક્રમ નહોતો. તેમણે પૂર્વોત્તરના લોકોને જ નહીં સમગ્ર ભારતને મણિપુર પ્રશ્ને અવાજ ઉઠાવવા અને હિંસા વિરુદ્ધ શાંતિ માટે લડનારા મણિપુરના સમર્થનમાં આવવા અપીલ કરી હતી. સોમા પરના પ્રતિબંધનો સિને સંગઠનો અને લોકોએ વ્યાપક વિરોધ કરતાં આખરે પ્રતિબંધ પાછો ખેંચવો પડ્યો છે. શાંતિ અને ભાઈચારાની દિશામાં પ્રતિબંધ બાધક હતો તો સોમા અને અન્યનો વિરોધ પ્રતિબંધ દૂર કરાવીને સોહાર્દ સ્થાપવામાં મદદરૂપ થશે.

ભાઈચારાની દિશામાં બીજો બનાવ અંડર ૧૬ સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ભારતનો વિજય છે. ભારતીય ટીમના ૨૩માંથી ૧૬ ખેલાડી મણિપુરના હતા. તેમાં ૧૧ મૈતેઈ, ૪ કુકી અને ૧ મુસ્લિમ હતા. ભૂતાનના થિમ્પૂમાં રમાયેલી બાંગલાદેશ સામેની ફાઈનલમાં ફસ્ટ હાફમાં મૈતેઈ ભરતે અને સેકન્ડ હાફ્માં કુકી લેવિસે ગોલ કરી ભારતને ૨-૦થી જીતાડ્યુ હતું. મણિપુરના યુવા ફૂટબોલરો સાથે રહ્યા, ખાધું-પીધું, હસ્યા, રમ્યા, વાતો કરી અને મેચ જીતાડી. વિજ્યી ગોલ કુકી રમતવીર લેવિસે કર્યો ત્યારે તેને સૌ પ્રથમ ગળે વળગીને જીતની ખુશી વ્યક્ત કરનાર મૈતેઈ ખેલાડી ભરત હતો. રમતના મેદાનમાં મણિપુરના આપસી મતભેદોની દીવાલો સાવ ભૂંસાઈ ગઈ હતી.

મણિપુરના યુવા ફૂટબોલરો ફુટબોલને મતભેદો દૂર કરવામાં મદદ કરનાર રમત ગણે છે. તેનાં ખેલાડીઓમાં એકતાની ભાવના જાગે છે. મણિપુરના જ્ઞાતિગત તણાવો અને હિંસા વચ્ચે આ ફૂટબોલરોએ અનેક પ્રતિકૂળતાઓ અને દુ:ખોને બાજુએ હડસેલીને તેમની પ્રતિભા અને સમજથી  ના માત્ર વિજય મેળવ્યો છે,  જેમ  ફૂટબોલે તેમને જોડ્યા છે, અલગ કર્યા નથી તેવું મણિપુર પણ થઈ શકે છે તેવો સંદેશ આપ્યો છે. આ વિજય મણિપુરના લોકોની આશા અને અપેક્ષાનું પણ પ્રતીક બની રહે તો કેવું સારું ?

માંડ ૧૦ ટકા મેદાની અને ૯૦ ટકા પહાડી પ્રદેશમાં વસેલું મણિપુર માતૃપ્રધાન સંસ્કૃતિને વરેલું છે. ૮૦ ટકા આસપાસની સાક્ષરતા છતાં મણિપુરની ૪૦ ટકા વસ્તી ગરીબીની રેખા તળે જીવે છે. એટલે તેમણે અંદરોઅંદરની હિંસાનો માર્ગ છોડી ગરીબી અને બેરોજગારી જેવા અસલી મુદ્દાઓ પર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

E.mail :  maheriyachandu@gmail.com

Loading

...102030...716717718719...730740750...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved