Opinion Magazine
Number of visits: 9665225
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કમાતી દીકરી છૂટતી નથી ને બેકાર દીકરો છોડતો નથી … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 July 2024

રવીન્દ્ર પારેખ

જેને આપણે ઘર કહીએ છીએ તે ઘણાં રહસ્યો સાચવીને બેઠું હોય છે. અંદર બધું વિખરાઈને પડ્યું હોય, પણ બહારથી તે રૂપકડું લાગતું હોય એમ બને. એ જ રીતે ઘર વેરવિખેર દેખાતું હોય ને અંદરથી સ્વસ્થ હોય એવું પણ બને. ઘર માબાપ બનાવે છે, પોતાને માટે ને સંતાનો માટે. દીકરા માટે વધુ વહાલ ને દીકરી માટે ઓછું, એવું એક તબક્કે હતું, તે સકારણ પણ હતું. તે સમયમાં દીકરી પારકી થાપણ કે સાપનો ભારો ગણાતી હતી ને તેને તેનાં ભાવિ પતિને માટે ઉછેરવામાં માબાપનું મન કચવાતું હતું, પણ આજે તો ભાગ્યે જ કોઈ માબાપને તે વધારાની હશે, જ્યારે દીકરો તો પહેલેથી જ સાત ખોટનો રહ્યો છે. તેનું મહત્ત્વ આજે ય એટલું જ છે. દીકરી એટલે વિદાય અને દીકરો એટલે સહાય – એ આજે પણ ઠીક ઠીક હદે ઘણાં કુટુંબોમાં સ્વીકારાતું આવ્યું છે. આમ તો દીકરો અને દીકરી બંને કુટુંબના વિસ્તાર માટે જરૂરી મનાયાં છે, પણ એક તબક્કો એવો ગયો જેમાં દીકરો વધુ મહત્ત્વ પામ્યો, આજે એ પરિસ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે. દીકરો પ્રથમ નંબરે હોય તો દીકરી પણ હવે પાછળ નથી. દીકરી જન્મ આજે આનંદનો અવસર બન્યો છે. ઘણાં કુટુંબમાં તેનાં શિક્ષણની, ઉછેરની જવાબદારી હવે સહજ રીતે ઉપાડાય છે. દીકરા-દીકરીનાં ઉછેરમાં હવે ભેદ લગભગ નથી. બંનેને સમાન તકો હવે અપાય છે.

આમ થવાનું પણ કારણ છે. મોટે ભાગે દીકરાઓ વધુ કમાવા માટે દેશ-વિદેશ ખેડતા થયા છે. કદાચ વધુ કમાણીની લાલચે, માબાપે જ દીકરાને વિદેશ ધકેલ્યો છે ને તે પછી વિદેશ જ વસી ગયો છે અને માબાપ છેવટ સુધી તેની વાટ જોવામાં આયખું ખુટાડતાં રહે છે. એવે વખતે પરણીને બહાર વસી હોય તો પણ, માબાપની અંતિમ અવસ્થાને દીકરી જ સાચવવા મથતી હોય છે. માબાપને પણ મોડું મોડું ભાન થાય છે કે જે દીકરીને બહુ ગણકારી ન હતી એ જ તેમને ગણકારતી થઈ છે. પોતાનાં માબાપની અવદશા જોઈ ચૂકેલાં આજનાં માબાપ એ સમજી ચૂક્યા છે કે દીકરી સાપ નથી ને ભારો તો નથી જ ! સમય બદલાતા માબાપ પણ બદલાયાં છે ને દીકરીને ભણાવી-ગણાવીને તૈયાર કરતાં થયાં છે. આજે તો ઘણી દીકરીઓ ઉચ્ચ હોદ્દા સંભાળતી, સી.ઇ.ઓ. કે વડા પ્રધાન કે રાષ્ટ્રપતિપદ પણ શોભાવતી થઈ છે ને બીજી તરફ દીકરા, ઠીકરા થયાના ઉદાહરણો શોધવા દૂર જવું પડે એમ નથી. દીકરો વિદેશ ગયો હોય ને માબાપનું ધ્યાન ન રાખી શકે એ તો સમજાય, પણ તે એક જ શહેરમાં હોય ને માબાપની અવગણના કરતો હોય એવા કિસ્સાઓ પણ ઓછા નથી. ઘણી વાર તો દીકરાના જન્મ પછી દીકરીને જન્મવા જ ન દીધી હોય એવું બન્યું છે ને એવાં માબાપને ન તો દીકરો કે કોઈ સંબંધી જોઈ શક્યા હોય ને છેલ્લે કરુણ રીતે ગુજરી ગયાં હોય એવું પણ બન્યું છે.

હવેના માબાપ કુટુંબનો વિસ્તાર નથી ઇચ્છતા. પહેલું સંતાન દીકરી હોય તો દીકરાની ઈચ્છા નથી પણ કરતાં. દીકરીને જ એવી રીતે ઉછેરે છે કે દીકરો ન હોવાની ખોટ ન લાગે, પણ એવી દીકરીઓ બે પ્રકારે કુટુંબમાં વર્ચસ્વ ભોગવે છે. દીકરી એટલી સક્ષમ હોય છે કે તેને લગ્નની જરૂર જ નથી લાગતી. એવી દીકરીને માબાપ પરણાવવા ઉત્સુક હોય છે, પણ દીકરી લગ્ન માટે તૈયાર જ નથી થતી. તેનાં મનમાં એવી ચિંતા પણ હોય છે કે લગ્ન પછી સાસરે ગઈ તો માબાપ એકલાં પડશે ને તેમને જોવાવાળું કોઈ નહીં હોય. કદાચને દીકરી લગ્ન માટે રાજી થઈ તો તે ભાવિ પતિ પાસે એવી શરત મૂકે છે કે લગ્ન પછી પોતાનાં માબાપ પણ સાથે જ રહેશે. જો કુટુંબમાં દીકરો હોય તો દીકરી એવો આગ્રહ નથી રાખતી, પણ કુટુંબનું તે એકલું જ સંતાન હોય તો લગ્ન પછી માબાપ સાથે જ રહેશે એવી શરત દીકરી મૂકે છે ને કોઈ એ શરત મંજૂર ન રાખે તો તે મુરતિયો જતો પણ કરે છે. દીકરી માબાપ માટે આટલું કરતી હોય, તો માબાપ માટે તે પણ પછી સર્વસ્વ બની રહે એમાં નવાઈ નથી.

આ તો થઈ એકની એક જ દીકરી કુટુંબમાં હોય તેની વાત, પણ કુટુંબમાં દીકરો મોટો હોય ને તે પછી એક કે બે દીકરીઓ હોય તો કુટુંબ કથા જુદી પણ હોય છે. દીકરો પરણીને જુદો રહેવા ચાલી ગયો હોય ને તે પછીની મોટી દીકરી સારી નોકરી કરતી હોય તો માબાપ નાની દીકરી કે દીકરીઓને પરણાવી દે છે, પણ મોટી દીકરીને પરણાવતાં નથી. એવું નથી કે મોટી માટે માંગા આવતાં નથી કે એવું પણ નથી કે દીકરી લગ્ન કરવા માંગતી નથી, પણ ગરીબ માબાપ ઊંડે ઊંડે એવું ઈચ્છતાં હોય છે કે મોટી ન પરણે તો સારું. ઘણીવાર તો માંગું બહારથી જ માબાપ નકારી દે એવું પણ બને છે. ક્યાંક તો એવું ય બને છે કે મોટો ભાઈ ઘરમાં જ હોય, પણ સાવ ફટોર કે બેકાર હોય ને માબાપનાં જ રોટલા તોડતો આવારાગર્દી કરીને બોજ વધારતો હોય ને દીકરીને પૈસે ઘર ચાલતું હોય, ત્યારે પણ માબાપ એવું ઇચ્છતાં હોય છે કે દીકરી લગ્ન માટે ઉત્સુક ન હોય અથવા લગ્ન માટે દીકરી એકાએક રાજી ન થઈ જાય એવું ઊંડે ઊંડે ઈચ્છતાં હોય છે. ક્યારેક દીકરી ઓચિંતો જ ધડાકો કરી દે છે કે પોતે અમુકના પ્રેમમાં છે અને લગ્ન કરવા જઈ રહી છે, ત્યારે માબાપને ગરીબ ભવિષ્ય એવું ઘેરે છે કે અંધકાર સિવાય બીજું કશું કળાતું જ નથી. બને છે એવું કે માબાપથી કમાતી દીકરી છૂટતી નથી ને બેકાર દીકરો માબાપને છોડતો નથી. આ સારું નથી, પણ હકીકત જ એવી હોય છે કે સ્વાર્થ માબાપને લાચાર બનાવી મૂકે છે.

ક્યાંક એવું પણ બને છે કે દીકરીને માબાપ સ્વાર્થી લાગે છે, જ્યારે હકીકતે માબાપનો કોઈ સ્વાર્થ હોતો નથી. એક ઘરમાં નોકરિયાત દીકરી 30ની ઉંમર વટાવી ચૂકી છે. તેની બહેનપણીઓ પરણી ચૂકી છે ને કોઈ કોઈ તો એક બે સંતાનની માતા પણ બની ચૂકી છે, પણ દીકરીને લાગે છે કે માબાપ તેનાં લગ્ન અંગે વિચારતાં નથી. શરમની મારી તે કૈં બોલી શકતી નથી, પણ મનમાં એ વાતે સોરાય છે કે તેનાં લગ્ન થતાં નથી. તેને એવું જ લાગે છે કે પોતે કમાય છે એટલે માબાપ લગ્ન કરાવીને દીકરીની આવક જતી કરવા નથી માંગતાં. દીકરીને એવું લાગે તે સમજી શકાય એવું છે, કારણ તેની ઉંમર વધી રહી છે ને તેની બહેનપણીઓ પરણી ચૂકી છે. કેટલાંક માબાપો દીકરીની કમાણી પર લાચારીથી જીવતાં ય હશે, પણ મોટે ભાગે માબાપ દીકરીની કમાણીની લાલચે, દીકરીને પરણાવવા રાજી ન હોય એવું અપવાદ રૂપે જ હશે. જે માબાપે દીકરીને નાનેથી મોટી કરી હોય, ભણાવી-ગણાવી એટલી સક્ષમ કરી હોય કે તેની કમાણીનું ગૌરવ થાય. તે પરણી જશે તો ઘરની આવક જશે એટલે તેનાં લગ્નનો વિચાર માબાપ ન કરે એટલી હદે તો તેમનું પતન ન થયું હોય. બીજું, દીકરીએ એ ન ભૂલવું જોઈએ કે દીકરીની કમાણી માબાપે ના છૂટકે વાપરી હોય તો પણ, તેને ભણાવવા ગણાવવાનું માબાપને મફત તો નહીં જ થયું હોય, તેમને ય ખર્ચ થયો જ હશે. એ વખતે દીકરી માટે ખર્ચવાનો વાંધો ન પડ્યો હોય, તો દીકરીએ પણ એવું ન વિચારવું જોઈએ કે માબાપ તેની કમાણી ખાવા દીકરીને પરણાવવા નથી માંગતાં. એવું માબાપ વિચારતાં હોય તો તે ખોટું છે ને દીકરી વિચારતી હોય તો તે પણ ખોટું છે, કદાચ વધારે ખોટું છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 30 જૂન 2024

Loading

ઝાડ બચાવવા માટે  વિરોધ પ્રદર્શન

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|30 June 2024

આજે રવિવારે સવારે અમદાવાદના સમૃદ્ધ પાંજરાપોળ – એ.એમ.એ. વિસ્તારમાં, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સૂચિત વૃક્ષછેદનના વિરોધમાં લગભગ ત્રણસો જેટલા સ્થાનિક નાગરિકોએ એક કલાક માટે વિરોધ પ્રદર્શન કર્યું. 

આજના અખબારોમાં કોઈ પણ ઝાડ કાપવામાં નહીં આવે, એવો અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને નિર્ણય લીધો એવા સ્પષ્ટ સમાચાર છે. તે પછી  પણ આ વિરોધ પ્રદર્શન થયું. 

એમાંથી દેખાય છે કે લોકોને કૉર્પોરેશનમાં વિશ્વાસ નથી. 

– ‘આ તો બધું કહે, રાતોરાત ઝાડ કાપવાનું કામ તમામ કરી દેશે’. 

– ‘ઓગણીસ વૃક્ષો રિપ્લાન્ટ કરવાનું કહે છે, પણ એ તો ટકતાં નથી’. 

– ‘જો જો હમણાં સરકાર ધાકધમકી પર ઊતરી આવશે …’ 

આ મતલબની વાતો લોકોની સમજ અને કૉર્પોરશનના ભરોસાનું ધોવાણ બતાવે છે. 

કૉર્પોરેશન પાંજરાપોળ ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવા માગે છે. તેના માટે કરવામાં આવેલા સર્વેને પગલે પૉલિટેકનિકથી આઈ.આઈ.એમ. વચ્ચેના નેવું જેટલાં, ત્રીસથી પચાસ વર્ષની ઉંમરનાં વૃક્ષો કાપી નાખવાનું જાહેર કરવામાં આવ્યું હતું. 

કૉર્પોરેશનના આ નિર્ણયની સામે અસરગ્રસ્ત વિસ્તારની સોસાયટીઓના રહીશોએ 13 જૂનથી વિરોધ શરૂ કર્યો હતો. સોશ્યલ મીડિયા ઉપરાંત નાના જૂથોની મીટિંગો અને વૃક્ષોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ થયો હોવાનું પણ જાણવા મળ્યું હતું. 

તેની ટોચે, આજે પોસ્ટર્સ સાથે દેખાવો થોડા સૂત્રોચ્ચાર અને ઝાડને બાથ ભીડીને વિરોધ કરવામાં આવ્યો. પાંજરાપોળ ચાર રસ્તાથી એ.એમ.એ.ની સામે આવેલા શિવાલિક પ્લાઝા સુધી કૂચ પણ કરવામાં આવી.

વિરોધમાં ગૃહિણીઓ, યુવક-યુવતીઓ, બાળકો, વડીલો એમ બધા પ્રકારના વૃક્ષપ્રેમી નાગરિકો સામેલ હતા. તેમાંથી કેટલાક પર્યાવરણ બચાવવાની નાની-મોટી પ્રવૃત્તિઓ, જૂથો સાથે સંકળાયેલા હતાં.

તે લગભગ બધાં privileged એટલે કે સાધનસંપન્ન હતાં. કાર અને એ.સી.માં જીવનારાં હતાં. એમ છતાં તેમણે કુદરત માટે બતાવેલી લાગણી વખાણને પાત્ર ગણાય. 

તેમની સામેલગીરી અને નિસબતની સાથે જાહેર વિરોધ પ્રદર્શનની રીત-રસમની જરૂર જણાતી હતી. ભવિષ્યમાં અનુભવી, ઘડાયેલા આંદોલનકારી જૂથની આગેવાની આ વિરોધને મળે તે ઇચ્છનીય છે. 

ઉપરોક્ત કાર્યક્રમની જાહેરાત સોશ્યલ મીડિયામાં ગઈ કાલે બપોર પછી થઈ. અને આજે સવારના છાપા થકી કૉર્પોરેશને વૃક્ષછેદન પડતું મૂકાયું હોવાની જાહેરાત કરી. 

એટલે આ જાહેરાત કૉર્પોરેશનની ચાલ હોય, તે વિરોધને diffuse કરવા માગતી હોય, વિરોધીઓને ગેરમાર્ગે દોરવા માગતી હોય એવો શક પણ લોકોએ વ્યક્ત કર્યો.

વિરોધ માટે આવેલામાંથી કેટલાક લોકો વર્ષોથી વિસ્તારમાં રહે છે. તેમાંથી મોટા ભાગના ઓવરબ્રિજની કોઈ જરૂરિયાત જોતા નથી. વળી, વિકાસ યોજનાઓ મોટે ભાગે રાજકારણીઓ અને વહીવટકર્તાઓના ખિસ્સા ભરવા માટે હોય છે એ લગભગ બધાને ખબર હતી. 

જાહેર જીવનની રીતિ-નીતિઓ વિશેની માન્યતામાં પક્ષીય રાજકારણનાં પાસાથી દૂર રહેવાનું એકંદર apolitical વલણ જોવા મળતું હતું. પચીસ વર્ષથી રાજ્યમાં ખોબે ખોબે મત મેળવનાર ભારતીય જનતા પક્ષની સરકાર છે. સુધરાઈમાં પણ એકંદરે એમ જ છે. આ વાતનો ઉલ્લેખ કરવાનું ટાળવાની ભૂમિકા હતી. 

પંદર દિવસથી ચાલી રહેલા આ વિરોધના મીડિયા કવરેજની ભાળ રાખતા એમ જણાય છે કે તેમાં મહિલાઓની પહેલ છે. સ્ત્રી એટલે જ જતન, સ્ત્રી એટલે જ કુદરત, સ્ત્રી એટલે જ પ્રકૃતિ, સ્ત્રી એટલે જ શક્તિ.

સત્તાવાળા સામેના વિરોધ માટે બળ જોઈએ. પહેલ અને આયોજનની આવડત જોઈએ. આવા વિરોધ પ્રદર્શનો કરવા એ અઘરું કામ હોય છે. એટલે એમાં પહેલ કરનાર અને એનું આયોજન કરનાર સહુને તહેદિલ મુબારક !

નાગરિક એકતા ઝિંદાબાદ ….  

Please note that this is a semi-personal impression piece and not a report. It is posted  to appreciate the remarkable citizen  gesture and to spread the word.

તસવીર સૌજન્ય  : મેઘશ્રી, કોલાજ : પ્રાજકતા 
30 જૂન 2024 
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શું પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ દેશની એકતા અને અખંડતામાં બાધક છે?

Bhaashaa Ane Gyaati Deshnee Ekataa Ane AkhaNdataamaaM Baadhak Chhe ?, ShuN Pradesh|Opinion - Opinion|30 June 2024

રમેશ ઓઝા

પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ આ ત્રણને ભારતમાં ઉપ રાષ્ટ્રવાદનાં ઘટક માનવામાં આવે છે અને એ મુખ્ય રાષ્ટ્રવાદને નિર્બળ કરે છે એવી એક વ્યાપક સમજ પ્રવર્તે છે. પણ સવાલ એ છે કે ભારતમાં મુખ્ય રાષ્ટ્રવાદ શેનો બનેલો છે? એનું એકમેવ ઘટક કયું? અને બીજો સવાલ એ કે શું ઉપ રાષ્ટ્રવાદ મુખ્ય રાષ્ટ્રવાદને અનિવાર્યપણે નિર્બળ કરે છે?

કેન્દ્રની ડાબી બાજુએ જે લોકો છે અને હતા એમાંના કેટલાક લોકોનો અભિપ્રાય એવો છે કે ભારતીય રાષ્ટ્રવાદ એ મુખ્ય રાષ્ટ્રવાદ છે અને પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ એ ઉપ રાષ્ટ્રવાદનાં ઘટક છે. તેઓ એમ પણ માને છે કે ઉપ રાષ્ટ્રવાદ મુખ્ય રાષ્ટ્રવાદને નિર્બળ કરે છે, માટે ભારતની પ્રજાને ભારતીય રાષ્ટ્રીય નાગરિક ધર્મના શિક્ષણ દ્વારા ઉપ રાષ્ટ્રવાદના મોહથી મુક્ત કરવી જોઈએ. કેન્દ્રની જમણી બાજુએ જે લોકો હતા અને છે તેમનો અભિપ્રાય એવો છે કે હિંદુ રાષ્ટ્રવાદ મુખ્ય રાષ્ટ્રવાદ છે અને પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ ઉપ રાષ્ટ્રવાદનાં ઘટક છે અને માટે તે મુખ્ય રાષ્ટ્રવાદને કમજોર કરે છે. બન્ને ધારાના લોકો ઉપ રાષ્ટ્રવાદના ઘટકો વિષે એક સરખો અભિપ્રાય ધરાવે છે, પરંતુ તેમનું મુખ્ય રાષ્ટ્રવાદનું એકમેવ ઘટક અલગ છે. એક માટે ભારતીય છે અને બીજા માટે હિંદુ ધર્મ છે.

જેઓ ભારતીયતાને રાષ્ટ્રવાદનું મુખ્ય અને એકમેવ ઘટક માને છે તેમની દલીલ એવી છે કે ધર્મ સ્વયં એક પૃથકતા પેદા કરનારી અસ્મિતા છે જે વિધર્મીઓની બાદબાકી કરે છે અને જે બાદબાકી કરે એ રાષ્ટ્રને જોડનારી કડી ન બની શકે. જ્યાં બહુમતી આવી ત્યાં લઘુમતી આવવાની જ. બહુમતી પોતે જ લઘુમતીને પેદા કરે છે. આ બાજુ ભારતીય ઓળખ લઘુમતી પેદા કરતી નથી અને જે બહુમતી અને લઘુમતીમાં દેશને ન વહેંચે એ રાષ્ટ્રનું મુખ્ય અને એકમેવ ઘટક હોઈ શકે. તેમની દૃષ્ટિએ તો ધર્મ પણ ઉપ રાષ્ટ્રવાદનું ઘટક છે. જેઓ હિંદુ ધર્મને રાષ્ટ્રવાદનું મુખ્ય ઘટક માને છે તેમની દલીલ એવી છે કે ભારતીયતા એક કલ્પના છે, વાસ્તવિકતા નથી. કલ્પના ગમે એટલી રોમાંચક હોય, તે વાસ્તવિકતાની જગ્યા ન લઈ શકે. ઓળખ આધારિત બહુમતી અને લઘુમતી એક વાસ્તવિકતા છે અને ભારતમાં હિંદુ ધર્મ એ બહુમતી પ્રજાને જોડનારી એકમેવ અને પ્રબળ કડી છે. પણ થોડા લોકોની બાદબાકી થાય છે તેનું શું? એની ચિંતા કરવાની જરૂર નથી અને જેમની બાદબાકી થાય છે તેમણે સમજવું જોઈએ કે આ દેશ હિંદુઓનો છે.

પણ આનો અર્થ એવો નથી કે ભારતની પ્રજા કેન્દ્રની જમણે અને ડાબે એમ બે ભાગમાં અડધોઅડધ એક સરખી વહેંચાયેલી છે. કેન્દ્રની ડાબે જે લોકો છે એમાં વિચારધારાના હજુ બે રંગ જોવા મળે છે. કેટલાક લોકો એમ માને છે કે પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ પણ એક વાસ્તવિકતા છે અને તેની ઉપેક્ષા ન થઈ શકે. જો હિંદુ રાષ્ટ્રવાદ સામે ચાલીને કોઈની બાદબાકી કરતો હોય તો પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ તો પરંપરાગત રીતે બાદબાકી થયેલાં ઘટકો છે. તેઓ ન્યાય માગે છે અને તમે તેને ઉપ રાષ્ટ્રવાદનું લેબલ ચોડીને વર્જ્ય માનો છો? કેન્દ્રની ડાબી બાજુનો એક પક્ષ કેન્દ્રની ડાબી બાજુના બીજા પક્ષ સામે પ્રતિવાદ કરે છે. પહેલાં ન્યાય આપો, પોતાનાં કરો, બાથમાં લો, સમાવો અને પછી કહો કે પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ ઉપ રાષ્ટ્રવાદનાં ઘટક છે અને ભારતીય રાષ્ટ્રવાદમાં અવરોધક છે. મુદ્દો ન્યાયનો છે. ભારતીય રાષ્ટ્રવાદની કલ્પના ગમે તેવી ભવ્ય હોય એ અન્યાય કરનારો તો ન જ હોવો જોઈએ. માટે ઉપ રાષ્ટ્રવાદથી ડરવાની જરૂર નથી. એ વાસ્તવિકતા છે અને જો તેનો સ્વીકાર કરવામાં આવશે અને તેને તેનું હકનું સ્થાન આપવામાં આવશે તો એ ભારતીય રાષ્ટ્રની રંગોળીમાં પોતાનાં રંગ પૂરશે. જરા ય ખોટનો સોદો નથી.

કેન્દ્રની ડાબી બાજુએ એક બીજો પક્ષ છે જે એમ માને છે કે રાષ્ટ્રવાદની કલ્પના જ વર્ચસ્વવાદી (hegemonic) છે. આ બીજો પક્ષ પાછો બે પક્ષમાં વહેંચાયેલો છે. સામ્યવાદીઓ એમ માને છે કે સહિત અને રહિત એ દરેક સમાજની બે નક્કર વાસ્તવિકતા અથવા વાસ્તવિક ઓળખ છે અને એ સિવાયની બીજી ઓળખો અને ઓળખ આધારિત કહેવાતી વાસ્તવિકતાઓ મુખ્ય વાસ્તવિકતાને નિર્બળ બનાવે છે. એક શોષણ કરે છે અને બીજાનું શોષણ થાય છે. માટે જેટલો રાષ્ટ્રવાદ નિર્બળ એટલી મજૂરોની ક્રાંતિની સંભાવના વધુ. આમ વિચારીને ભારતનાં સામ્યવાદીઓએ ભારતના વિભાજનનું સ્વાગત કર્યું હતું. તેમને એમ લાગતું હતું કે રાષ્ટ્રીયતા વિનાના પાકિસ્તાનમાં સામ્યવાદી ક્રાંતિ ઝડપથી થશે.

અસ્મિતાઓનો ડર દલિતો પણ અનુભવે છે. જ્યાં અસ્મિતાઓ હોય ત્યાં આગ્રહો હોય અને દલિતોને તો કોઈ અસ્મિતા જ આપવામાં નથી આવી. માટે દલિત વિદ્વાનો માને છે કે કાયદાનું રાજ હોય એટલું પૂરતું છે. બધાને એક સરખો દરજ્જો આપતું બંધારણ હોય, એ દરજ્જાને સુરક્ષા આપતું કાયદાનું રાજ હોય, સ્વતંત્ર ન્યાયતંત્ર હોય એટલું પૂરતું છે. આ દેશના નિર્બળ નાગરિકને રક્ષણની ગેરંટી આપી શકે છે, બાકી રાષ્ટ્રવાદ એક કે બીજી રીતે અનુકૂળ થવાનો આગ્રહ રાખે છે અને એમાં હંમેશાં નિર્બળે જ સબળના પક્ષે અનુકૂળ થવાનું રહે છે. આ વખતની ચૂંટણીમાં દલિતોએ અને બીજી અત્યંત પછાત જાતિઓએ બંધારણને બચાવવા બી.જે.પી.ની વિરુદ્ધમાં મત આપ્યો એનું આ કારણ છે. આ વખતની ચૂંટણીમાં પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ એક પ્રભાવી પરીબળ સાબિત થયાં એનું પણ એ જ કારણ છે. જો બંધારણ બદલાય અને ભારતીય રાષ્ટ્રની જગ્યાએ હિંદુ રાષ્ટ્ર આવે તો આ ત્રણેયને હાંસિયામાં ધકેલી દેવામાં આવે. જ્યાં સુધી હિંદુ રાષ્ટ્રવાદને નામે મુસલમાનોને અન્યાય થતો હતો કે હાંસિયામાં ધકેલવામાં આવતા હતા ત્યાં સુધી આ કોઈને ખાસ કોઈ વાંધો નહોતો.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 30 જૂન 2024

Loading

...102030...652653654655...660670680...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved