Opinion Magazine
Number of visits: 9741368
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (18)

દીપક મહેતા|Opinion - Opinion|24 July 2024

૧૮

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ

ફાર્બસ અને ગુજરાતના સંબંધની કથા એટલે પહેલી નજરના પ્રેમની એક કથા. એકવીસ વરસની ઉંમરે ફાર્બસ હિન્દુસ્તાન આવ્યા અને ૪૪ વર્ષની જિંદગીમાંથી લગભગ તેર વર્ષ તેમણે ગુજરાતમાં ગાળ્યાં. ૧૮૪૬ના નવેમ્બરમાં ફાર્બસ પહેલી વાર અમદાવાદ આવ્યા ત્યારે તે એક માંદું, મરવા પડેલું શહેર હતું. મુંબઈમાં પશ્ચિમની સંસ્કૃતિના જે વાયરા વાતા થયા હતા તેની નાનકડી લહેરખી પણ હજી અમદાવાદ સુધી પહોંચી નહોતી. અમદાવાદ એ વખતે ખંડેરોનું નગર હતું. હા, એ ખંડેરો ઊજળા ભૂતકાળની એંધાણી આપતા હતા. પણ એ શહેરના લોકોને પોતાના એ ભૂતકાળમાં જરા ય રસ નહોતો. કારણ રોજિંદું જીવન જ એટલું હાડમારી ભર્યું હતું કે બીજી કોઈ વાત અંગે વિચારવાનું તેમને માટે શક્ય જ નહોતું. જ્યાં અમદાવાદની આ સ્થિતિ હતી ત્યાં ગુજરાતના બીજા ભાગોની તો વાત જ શી કરવી? પણ કોણ જાણે કેમ, ફાર્બસ અમદાવાદ આવ્યા પછી તરત જ ગુજરાતના ભવ્ય ભૂતકાળ સાથે અનુસંધાન સાધી શક્યા હતા. તો સાથોસાથ ઘોર નિદ્રામાં પોઢેલા લોકોને ઢંઢોળીને જાગૃત કરવાની અને તેમને અર્વાચીનતાના વાયરાનો સ્પર્શ કરાવવાની જરૂરિયાતને પણ તેમણે ઓળખી લીધી હતી. પશ્ચિમના – ખાસ કરીને બ્રિટિશ – વિચારો, આદર્શો, પદ્ધતિઓ, સંસ્થાઓ વગેરેનો પરિચય ગુજરાતના લોકોને કરાવીને ફાર્બસે એ કામ કર્યું. બહુ સૂઝ, સમજ, કુશળતા અને કૂનેહપૂર્વક તેમણે બેવડે દોરે કામ કર્યું. એક બાજુથી તેમણે ગુજરાત અને તેના લોકોના ભૂતકાળનો અભ્યાસ કર્યો અને સાચકલા પ્રેમ અને આદરપૂર્વક એ વિષે લખ્યું. તો બીજી બાજુ પરિવર્તન માટેનાં સાધનો તેમણે સુલભ કરી આપ્યાં : ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’, જાહેર પુસ્તકાલય, નિશાળ, અખબાર અને સામયિક. પણ મધ્યકાલીન ગુજરાતના અર્વાચીન ગુજરાતમાંના રૂપાંતર માટેનું સૌથી મોટું અને મહત્ત્વનું સાધન તો બન્યા ફાર્બસ પોતે. 

ફાર્બસ મુંબઈમાં રહ્યા ભલે ઓછું, પણ તેમણે સ્થાપેલી સંસ્થા તેમનું નામ અને કામ જાળવીને ઊભી છે. મુંબઈ યુનિવર્સિટીની એલ.એલબી.ની પરીક્ષામાં આજે પણ તેમના નામનો ગોલ્ડ મેડલ અપાય છે. સોલી સોરાબજી અને ફલી નરીમાન જેવા કાયદાના ધુરંધરોને આ મેડલ અપાયો હતો.  

આજે ફાર્બસ ફરી ગુજરાતમાં આવે તો આજના ગુજરાતને ઓળખી શકે? કદાચ ના. અને ગુજરાતે તો ફાર્બસને ક્યારનાયે વિસારે પાડી દીધા છે. પોતાની જિંદગીનાં ઉત્તમ વર્ષો જેમણે ગુજરાતને, ખાસ કરીને અમદાવાદને આપી દીધાં એ ફાર્બસનું ભલે નાનકડું, પણ એક્કે જાહેર સ્મારક આજે અમદાવાદમાં નથી. અને અમદાવાદના સંસ્કાર જગતના અગ્રણીઓને તેની ખોટ પણ સાલતી નથી. અલબત્ત, ફાર્બસને એવી કોઈ અપેક્ષા પણ નહોતી. પોતે કશુંક અસાધારણ કામ કરી રહ્યા છે એમ તેમણે માન્યું જ નહોતું. જે પ્રદેશ સાથે સંકળાવાનું થયું હોય તે પ્રદેશ માટે મારાથી બને તેટલું કરી છૂટવું જોઈએ એવી કર્તવ્ય ભાવનાથી તેમણે જે કરવા જેવું લાગ્યું તે કર્યું. પણ અર્વાચીન ગુજરાતના ઘડતર અને ચણતરમાં ફાર્બસનો ફાળો અત્યંત મહત્ત્વનો હતો. એક કવિતમાં કહ્યું છે તેમ :

‘ફાર્બસ સમ સાધન વિના, ન ઉધ્ધરત ગુજરાત’

સમાપ્ત
e.mail : deepakbmehta@hotmail.com

Loading

આપણા અનુ-આધુનિક સાહિત્ય વિશે ફરી એક વાર… (૫) 

સુમન શાહ|Opinion - Literature, Opinion - Opinion|24 July 2024

(અનેક મિત્રોની સદ્ અને શુભ લાગણીને માન આપીને મેં વચલો રસ્તો પસંદ કર્યો છે : 

જે મિત્રોએ મારાં જે તે લેખન સંદર્ભે, લેખનના અનુબન્ધમાં, મને વસ્તુલક્ષી – ઑબ્જેક્ટિવ – પ્રતિભાવ આપ્યા હશે અને તેમાં સ્પષ્ટતાની કે વિસ્તૃતિની જરૂર જણાઈ હશે, તો તેઓને હું જરૂર પ્રતિ-પ્રતિભાવ આપીશ. અલબત્ત, બીજા વાચકમિત્રો લેખનમાં રજૂ થયેલા વિચારો સાથે સમ્મત થાય, લાઇક કરે કે વાહ પણ કહે, એકમેક જોડે ચર્ચા કરે, એ બધી વાતો માટે મારો પ્રતિભાવ હકારવાચી મૌન હશે; જો કે એ મિત્રો સાથેની દોસ્તી તો ચાલુ જ રહેશે.)

સુમન શાહ

આજે એક મહત્ત્વનો મુદ્દો કરવો છે, એ કે Post-નો, અનુ-નો, વિસ્તૃત અર્થસંકેત શું છે.

Post-નો અર્થ ‘અનુ’ ખરો, આધુનિક પછીનું તે ‘અનુ-આધુનિક’. પણ એને તો બાળકને ૦-શૂન્યથી ૧-એકડો આવડે એના જેવી પ્રાથમિક સ્વરૂપની જાણકારી કહેવાય. 

ઐતિહાસિક દૃષ્ટિબિન્દુ ધરાવતા અનેક વિદ્વાનો અનુ-આધુનિકતાને મોટાં ઐતિહાસિક આંદોલનોની પડછે મૂકીને જુએ છે. એ એવાં આંદોલનો હોય છે જે વિશ્વના અમુક ભાગને ‘આત્મ-લક્ષીતા’-ની દિશામાં, તો અમુકને ‘પર-લક્ષીતા’-ની દિશામાં ઘડતાં હોય છે. 

‘આત્મ-લક્ષી’ એટલે આ સંદર્ભમાં, ચેતનાની લીલા. એ સ્વ-તરફી, સ્વ-કેન્દ્રી, સ્વ-માં રત, સ્વ-નું અનુભવી, સ્વકીય હોય. સાર્ત્રની પરિભાષા પ્રયોજીને કહું તો being-for-itself. સ્વ સ્વને જ પ્રોજેક્ટ કર્યા કરે. શક્યતાઓ માટે પસંદગીઓ કર્યા કરે. પર-લક્ષી એટલે ચેતનાશૂન્ય બાહ્ય વિશ્વ, વસ્તુસંસાર. એ પર-તરફી, પર-કેન્દ્રી, પર-માં રત, પર-નું અનુભવી, પરકીય હોય. સાર્ત્રની પરિભાષા પ્રયોજીને કહું તો being-in-itself. પર-થી પરમાં વિસ્તર્યા કરે. 

જેમ કે, ભારત અને પૂર્વીય દેશો ધર્મની આણ હેઠળ સદીઓ સુધી આત્મ-લક્ષી રહ્યા હતા. આજનું લોકશાહીય ભારત સિપાઇઓના બળવા તરીકે ઓળખાતા આંદોલનથી શરૂ થઈને વિકસેલા સ્વાતન્ત્ર્યસંગ્રામનું ફળ છે. બન્ને વિશ્વયુદ્ધો પછી પશ્ચિમ પર-લક્ષીતાની દિશામાં વિકસી રહ્યું છે. 

તાત્પર્ય એ કે એ પૂર્વ-ઇતિહાસને જાણ્યા વિના વર્તમાન સમયને આપણે બરાબર રીતે ન સમજી શકીએ. 

સાર એ કે અનુ-આધુનિકને સમજવા માત્ર આધુનિકને નહીં, આધુનિક-પૂર્વને, પ્રી-મૉડર્નને, પણ સમજવું પડે.

શું છે આપણું પ્રી-મૉડર્ન? 

ગુજરાતી સાહિત્યના ઐતિહાસિક વિકાસ પ્રતિ નજર નાખીએ તો પરખાશે કે એ વિકાસ ‘આત્મ-લક્ષી’ અને ‘પર-લક્ષી’ જેવા વારાફેરા ધરાવે છે. 

જેમ કે, યુગવિભાજનોમાં, ‘સમાજસુધારક યુગ’-માં ભારતીય / ગુજરાતી સમાજ અને પરિવાર; એ પછી ‘પણ્ડિત યુગ’-માં, પાણ્ડિત્ય અને સાહિત્યકલા; એ પછી, ‘ગાંધીયુગ’-માં વળી સમાજ અને ગ્રામીણ સમાજ, પરિવાર; એ પછી, ‘આધુનિક યુગ’-માં વળી પાણ્ડિત્ય અને કલા, વૈશ્વિક સાહિત્યકલા; એમ વારાફેરા ચાલ્યા છે. એક અર્થમાં આખી ભાત ક્રિયા-પ્રતિક્રિયાની છે. 

અનુ-આધુનિક સાહિત્યને સમજવા માગનાર અધ્યેતા જો એ ભાત નહીં જાણતો હોય તો એને નહીં સમજાય કે કેવા સ્વરૂપે આપણું આધુનિક સાહિત્ય ‘આત્મ-લક્ષી’ હતું અને હવે કેવા સ્વરૂપે અનુ-આધુનિક સાહિત્ય ‘પર-લક્ષી’ છે. 

એ અધ્યેતાએ આધુનિકને અને આધુનિક પૂર્વેના, નર્મદથી શરૂ થયેલા પરમ્પરાગત સાહિત્યને, અને તે પૂર્વેના, ‘નરસિંહયુગ’-ના અને ‘પ્રાગ્નરસિંહ યુગ’-ના તેમ જ હેમચન્દ્રાચાર્યના સાહિત્યને, એટલે કે, એ સઘળા મધ્યકાલીન સાહિત્યને સમજવું જોઈશે. 

તો જ એને સમજાશે કે સાહિત્યકૃતિઓનું વિષયવસ્તુ ધીમે ધીમે વાસ્તવિકતા ભણીનું થયું છે. ગુજરાતી ભાષામાં લખાતા સાહિત્યના કેન્દ્રમાં, પ્રારમ્ભે ઇશ્વર હતો, એને સ્થાને ક્રમે ક્રમે મનુષ્ય મુકાયો. એ પછી એ મનુષ્યનો અર્વાચીન અવતાર; એ પછી ગ્રામીણ કે દેશ્ય અવતાર; એ પછી નાગર કે શહેરી કે આધુનિક અવતાર; અને વળી, દેશ્ય અવતાર, એમ વારાફેરા ચાલ્યા કર્યા છે.  

સાહિત્યપ્રકારો પણ ધીમે ધીમે સરળતા ભણીના થયા છે. મહાકાવ્ય કે તે માટેના ધખારા હતા; તે પછી ખણ્ડકાવ્ય, કથાકાવ્ય, પ્રસંગકાવ્ય લખાયાં; સૉનેટ લખાયાં, જે એના બંધારણની સંકીર્ણતાને કારણે ન-લખાતાં થયાં; છન્દોબદ્ધ કાવ્યો લખાયાં, જે એની રૂઢિચુસ્તતાને કારણે ઓછાં થવા લાગ્યાં; છેલ્લે, સરળ મનાતો ગઝલ-પ્રકાર અને સરળતમ મનાતો ગદ્યકાવ્ય-પ્રકાર. 

અધ્યેતાને સમજાશે કે સરળતા પ્રત્યેનું પ્રસરણ અનુઆધુનિકતાની મોટી લાક્ષણિકતા છે. 

જેમ કે, સાહિત્યના માધ્યમ ભાષાની દિશા, સવિશેષે કાવ્યમાધ્યમની દિશા, સંસ્કૃતથી શિષ્ટમાન્ય અને પછી લોકમાન્યના ઉમેરા સાથે સરળ ગુજરાતી ભણી વિકસી છે. પ્રારમ્ભે સંસ્કૃત અક્ષરમેળ હતા, એ પછી માત્રામેળ, એ પછી પરમ્પરિત, અને એ પછી અછાન્દસ અને છેલ્લે ગઝલ કે ગદ્યકાવ્ય. 

એમ અધ્યેતાને સમજાશે કે બન્ધનથી મુક્તિની દિશા ભણીનું પ્રયાણ પણ અનુ-આધુનિકતાની મોટી લાક્ષણિકતા છે.

યુગવિભાજનના સંદર્ભમાં, નર્મદ-દલપત, ગોવર્ધનરામ, ગાંધીજી, અને સુરેશ જોષી માત્રપ્રતીકો છે. એમને ‘યુગમૂર્તિ’ કે ‘યુગપ્રવર્તક’ કહીએ છીએ એ તો આપણે પાડેલા ‘સમાજસુધારક યુગ’, ‘પણ્ડિત યુગ’, ‘ગાંધીયુગ’ કે ‘આધુનિક યુગ’ જેવા ૧૫-૧૫ કે ૨૦-૨૦ વર્ષના નાનકુડા સમયગાળાને સૂચવવા માટેના સંજ્ઞાવિશેષો છે. તે-તેનું બાંધેભારે સમ્બોધવા માટેના સંજ્ઞાવિશેષોથી અદકેરું મૂલ્ય નથી. 

મૂલ્ય તો ત્યારે આત્મસાત થાય છે, જ્યારે આપણે, દાખલા તરીકે, “મારી હકીકત” “મિથ્યાભિમાન” “ભદ્રંભદ્ર” “રાઇનો પર્વત” “સરસ્વતીચન્દ્ર” “સાક્ષરજીવન” “સત્યના પ્રયોગો” “સાપના ભારા” “મહાભિનિષ્ક્રમણ” “પંખીલોક” “દ્વિરેફની વાતો” “ઝેર તો પીધાં છે જાણી જાણી” “જનાન્તિકે” “છિન્નપત્ર” વગેરે સૃષ્ટિઓમાં પ્રવેશીએ છીએ અને એ સૃષ્ટિઓને એક સહૃદય તરીકે નિતાન્તભાવે માણીએ છીએ. 

અનુ-આધુનિકમાં, એ બધા યુગનાં કોઈ કોઈ લક્ષણો દેખા દે છે, એ સૃષ્ટિઓની છાયાઓની કિંચિત્ હરફર અનુભવાય છે. જેમ વ્યક્તિમાં genetic traits જોવા મળે છે, એમ કોઈપણ સમયગાળાનું સાહિત્ય, અનુ-આધુનિક પણ, fixed historisity ધરાવતું હોય છે. એ કંઇ આપોઆપ નથી સરજાયું હોતું, એ કંઈ એક-બે જણાની ઉદ્ઘોષણાથી નથી હોતું, એ ઇતિહાસનું સન્તાન હોય છે.

આમ, Post -નો અર્થ એકડે એક-૧થી નવ-૯ લગીની જાણકારી થાય છે, એ જાણવું જરૂરી જ નહીં, અનિવાર્ય છે. 

(ક્રમશ:)

= = =

(23 Jul 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કહેવાતા રાષ્ટ્રવાદ પાસે આંખ હશે, પણ દૃષ્ટિ ક્યાં?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|24 July 2024

યુવાલ હરારી

પહેલી જુલાઈએ મહાનગર અમદાવાદ જો વસંત-રજબની કુરબાની સંભારી રહ્યું હતું તો જોગાનુજોગ એ જ દિવસ ઈઝરાયલની વાણિજ્યધાની સમા ટેલ અવિવ સારુ હિંસ્ર અભિગમથી મુક્ત થવાનો શાણપણનો સંદેશ લઈને આવ્યો હતો. લક્ષાધિક લોક એકત્ર આવ્યું હતું અને આપણા દસકાના વિશ્વપ્રતિષ્ઠ ઇતિહાસકાર હરારીએ પોતાના યહૂદી હોવાથી ઊંચે ઊઠીને ખરી દૂંટીના અવાજથી ને ઇતિહાસના ઊંડા જ્ઞાનના અજવાળાથી ઈઝરાયલ ને પેલેસ્ટાઈન બેઉ જોગ શાંતિ સંદેશ આપતી આરતભરી અપીલ કરી હતી.

એક વાચક મિત્રે મને એનો પાઠ મોકલી આપ્યો છે એમાંથી થોડોક અંશ ઉતારું તે પૂર્વે હરારી વિશે બે શબ્દો કહું? 2011માં હિબ્રુમાં અને પછી 2014માં અંગ્રેજીમાં ‘સેપિયન્સ’ સાથે એ વિશ્વવિશ્રુત બન્યા. મનુષ્યજાતિના ઇતિહાસને કઈ રીતે જોઈ શકાય એ એમણે એક આગવા અભિગમથી મૂક્યું છે. અહીં એની ચર્ચામાં નહીં જતાં, જે ભાષણનો અંશ આપવા ધાર્યો છે – શાંતિ સંદેશનો – એ સંદર્ભમાં લગીર કૌતુક શો એક મુદ્દો કરી લઉં કે હરારીનો આરંભિક અભ્યાસ ‘મિલિટરી એંગેજમેન્ટ્સ’ પરત્વે હતો. તે પછી તે ઇતિહાસના વિશાળ વિસ્મયલોકમાં પ્રવેશ્યા.

‘સેપિયન્સ’ પછીયે હરારી લખતા ને વંચાતા રહ્યા છે અને એક માનવહિતચિંતક તરીકે એમના તરફ વ્યાપકણે ધ્યાન ખેંચાતું રહ્યું છે. કોરોના વખતે, વ્યક્તિમાત્રનો ડેટા એની સ્વાસ્થ્યસંભાળ માટે રાજ્ય હસ્તક ચાલ્યો જાય એ મુદ્દા પર એમણે ચેતવણી અને ચિંતાના સૂરે કહ્યું હતું કે આ રીતે સત્તા-પ્રતિષ્ઠાન આપણને સૌને તાબે કરે તો શું. એક રીતના દોઢ ઓરવેલિયન સ્ટેટની, ‘ધ બિગ બ્રધર ઈઝ વોચિંગ યુ’ની તરજ પરની એમની સતત ચિંતા રહી છે.

તાજેતરનાં વરસોમાં એમનું બહુ વંચાયેલું પુસ્તક એકવીસમી સદી જોગ એકવીસ બોધપાઠને લગતું છે. આ એકવીસ મુદ્દામાં એક આતંકવાદને લગતો પણ છે. નવાઈ લાગે પણ 2018ના આ પ્રકાશનમાં હાલ ઈઝરાયલને હંફાવનાર ‘હમાસ’ વિશે નામજોગ ખાસ વાત નથી. ત્યારે જે વ્યાપક લાગણી હતી તે એમની પણ હશે કે ઈઝરાયલની અપ્રતિમ લશ્કરી સજ્જતા અને ગુપ્તચર જાળ સામે આનો શો હિસાબ.

ગમે તેમ પણ, આ પુસ્તકમાં એમણે આતંકવાદ વિશે જે નિરીક્ષણો કર્યાં છે તે તાજેતરનો લોહી નીંગળતો ને ઉદ્ધ્વસ્તકારી દોર જોતાં સચોટ સમજાય છે. ‘આતંકવાદીઓની વાસ્તવિક શક્તિ અને તેઓ જે ભય જગવે છે તેની વચ્ચે વિષમતુલા પ્રવર્તે છે … શત્રુ જ્યારે એમની સામે વળતો પ્રહાર કરે છે ત્યારે એની સામે આતંકવાદીઓનો કોઈ દેખીતો હિસાબ હોતો નથી. ખરેખર તો જ્યારે બીજો કોઈ વિકલ્પ ન જણાય ત્યારે આતંકવાદીઓ હુમલો કરે છે. એક નાઈલાજ મરણિયાપણું!’

હમાસના હુમલામાં (એના બચાવમાં નહીં પણ સમજવાની રીતે નોંધવું જોઈએ કે) આ નાઈલાજી (અને એથી મરણિયાપણું) જોવા મળે છે. એકી સપાટે એની પાસે મર્યાદિત સંખ્યામાં હતાં એટલાં મિસાઈલ પ્રયોજી એણે ઈઝરાયલી આડશો તહસનહસ કરી બસો જેટલાને બાન પકડ્યા – ઈઝરાયલી જેલોમાં પોતાના બે હજાર જેટલા લોકો પુરાયેલા હતા, એમને છોડાવવાના અવેજ વાસ્તે.

આખો રક્ત નીંગળતો નાટારંગ નિહાળી હરારીએ ટેલ અવિવની વિરાટ રેલી જોગ શું કહ્યું, થોડું સાંભળીએ:

‘એક વખત એવો હતો કે અહીં (ઈઝરાયલમાં) માનવીઓ ન હતા. દસ કરોડ વરસ પર અહીં ડાયનાસોર વસતા હતા. દસ હજાર વરસ પહેલાં અહીં આધુનિક માનવ પહોંચી ચૂક્યો હતો, પરંતુ આજે આપણે જેટલા માનવસમૂહોને ઓળખીએ છે તેમાંના એક પણ સમૂહનું ત્યારે અસ્તિત્વ નહોતું … આપણે લાંબી ચર્ચા કરી શકીએ કે ક્યારે યહૂદીઓ અહીં આવ્યા અને ક્યારે પેલેસ્ટાઈનીઓ અહીં ઉભર્યા, પરંતુ અગત્યનું એ છે કે આજે તે બંને લોકો અહીં વસે છે …’

‘દરેક પક્ષ માને છે કે સમગ્ર વિસ્તાર પર માત્ર અને માત્ર પોતાનો અધિકાર છે. પેલેસ્ટાઈનીઓ પૂર્ણ ગંભીરતાથી પૂછે છે કે જેરુસલેમ સાથે યહૂદીઓને શું લેવાદેવા? એટલી જ તીવ્ર ગંભીરતાથી યહૂદીઓ પૂછે છે કે પેલેસ્ટાઈનીઓ કોણ છે? એ બંને પાસે આંખો છે પણ દૃષ્ટિ નથી. તેમની પાસે કાન છે પણ સાંભળી શકતા નથી …’

‘બંને બાજુએ એકબીજાના અસ્તિત્વનો સ્વીકાર કરવો જ રહ્યો. બીજા કોઈનો કોઈ અધિકાર નથી અને એક દિવસ આપણે સામેનાનો સર્વનાશ કરી નાખીશું એવી કલ્પનાથી બધાએ પોતાની જાતને મુક્ત કરવી જોઈએ …’

‘ભૂતકાળમાં આપણે શાંતિના પ્રયત્નો કર્યા હતા અને તેમાં સફળતા મળી નહોતી. યુદ્ધ પણ કર્યાં હતાં અને તેમાંયે ધારી સફળતા મળી નહોતી. જેમ આપણે ફરી ફરીને યુદ્ધ કરીએ છીએ તેમ ફરી ફરીને શાંતિના પ્રયત્નો પણ કરી જ શકીએ. એક વધુ ભીષણ યુદ્ધનો નાદ આપણને બરબાદીની ઊંડી ખાઈને કિનારે લઈ આવ્યો છે. ફરી પાછો શાંતિ માટે પ્રયત્ન કરવો જ જોઈએ.’ 

આ સ્તો વિશ્વપ્રશ્ન છેઃ કથિત રાષ્ટ્રવાદ કને આંખ હશે, પણ દૃષ્ટિ ક્યાં?

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 24 જુલાઈ 2024

Loading

...102030...651652653654...660670680...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved