Opinion Magazine
Number of visits: 9665356
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મીનુભાઈ : હૃદય સદાય જેનું સ્નેહભીનું

જ્યોતિભાઈ દેસાઈ|Gandhiana|22 July 2024

ભાઈ મોહન મઢીકરની પાયાની મહેનત વગર આ પુસ્તક – ‘હૃદય સદાય જેનું સ્નેહભીનું’ તૈયાર કરવું શક્ય જ ન હતું. બધી રસોઈ કરવાની સામગ્રી તેમ જ જરૂરી મસાલા, અને ઠીક એવું કાચું પાકું રાંધ્યા પછી વઘાર છેવટે કરવાનો હોય તેવું મારે ભાગે ગણવું જોઈએ. ભાઈ રાજુભાઈ, મારી પાછળ પડીને ઉઘરાણી કરતા રહ્યા. ‘કેટલે આવ્યા ? ક્યારે આવીએ ?’ એમનો ફોન દસ પંદર દિવસે આવ્યો જ હોય. વળી, જે કાંઈ તૈયાર કરીને હું આપું તે બધું સારી રીતે ટાઈપ કરાવીને પાછું તેનું પ્રુફ રીડીંગ મારી પાસે કરાવીને છેવટનું સ્વરૂપ નક્કી કરાવી લેવાની કાળજી પણ તેમણે લીધા કરી. એટલે જ આ પુસ્તકના સંપાદનનું કામ એ બેઉ, મીનુભાઈના ચાહકો – ભક્તોને જ આભારી છે.

મીનુભાઈ

મીનુભાઈને ન્યાય થયો છે કે કેમ એ તો પુસ્તકના વાચક નક્કી કરશે. મારું અંતરમન એમ જ કહે છે કે મીનુભાઈની જે ચોક્સાઈ અને પ્રયત્નશીલતા, તે કક્ષાએ પહોંચવાનું મારું ગજું જ નહીં. એમની પ્રાપ્ત અંગત ડાયરીઓ જ પૂરી વાંચી નથી શક્યો. વળી, એમણે તો કેટકેટલાં લખાણો, પુસ્તકો, પોસ્ટરો, ચોપાનિયાં તૈયાર કર્યાં એ બધાં જોયાં છે પણ તે સૌનો પૂરતો અભ્યાસ કરીને તેનો નિચોડ આપી શકાયો છે એમ પણ કહેવાની હિંમત કરતો નથી. યદાકદા, એમને વિશે વધુ પ્રયત્ન કરીને રજૂ કરનાર ભવિષ્યમાં કોઈ નીકળે તો જ મીનુભાઈને ખરો ન્યાય થાય.

મીનુભાઈને જુગતરામકાકાના હનુમાન તરીકે જોવાય તે યોગ્ય જ છે. છતાં પુસ્તકના કેન્દ્રમાં તો મીનુભાઈને રાખવાનો પ્રયત્ન કર્યો તેથી જુગતરામકાકા આમાં નહીં જડે. જો કે જુગતરામકાકાના પ્રોત્સાહનથી જ મીનુભાઈ પોતાની જાતને આગળ ધપાવતા રહ્યા. વળી, મીનુભાઈએ તો જાતે તેમને પોતાના આદર્શ તરીકે સ્વીકારેલા. તેથી જ મીનુભાઈ “વેડછીકરણ” ઉત્તમ સૈનિક તરીકે સામે આવે છે.

આ પુસ્તકનો આકાર અંજલિસ્વરૂપનો જ રાખવો તેવું પહેલેથી મનમાં વિચારેલું. સંભવ છે, મીનુભાઈ પણ તેવું જ ઇચ્છે. ‘મારું નામ નહીં કામ સમજે’ એવી એમની અપેક્ષા હોય ને ! એમ કહેવું યોગ્ય થશે કે આ પુસ્તકનું સ્વરૂપ ક્રમશ: ઘડાતું ગયું. એ પૂર્વનિયોજિત નહોતું. જેમ જેમ મીનુભાઈની નજીક જવાનું થયું તેમ તેમ એમને રજૂ કરવાની સૂઝ મળતી ગઈ. આ શાળા નથી, પ્રયોગશાળા છે. નઈ તાલીમની ખોજ અને વસ્ત્ર સ્વાવલંબનનાં ત્રણ પ્રકરણો મીનુભાઈના પ્રારંભિક પ્રયત્નોના ગણાવું છું. એમણે જે આત્મચિંતન કર્યું અને માર્ગદર્શન મેળવ્યું તે ‘મનોગત’ અને પત્રમંજૂષામાં સમાવ્યું. અલબત્ત, તેમાં જુગતરામકાકાની વાત ‘આશ્રમમાં જોડાવું એ સામાન્ય નોકરી નથી. તમે તમારા જીવનના વિકાસ અર્થે કામ કરો છો. અને તે અર્થે કાંઈક આર્થિક ભોગ પણ આપો છો. તેમ જ તમારા બીજા હક્કો હોય તે પણ ગુમાવવા તૈયાર છો’ – એ વાત મીનુભાઈના જીવનના ધ્યેયમંત્રરૂપ બની એમ સમજીએ તો મીનુભાઈને વધુ ઓળખી શકાશે. આ અપેક્ષાની ધૂન લઈને મીનુભાઈ કેવા થઈ શક્યા તે ‘વૃક્ષમિત્ર’, ‘ભાવિપેઢીના હિતચિંતક’ અને ‘સુરુચિનાં પ્રાણ’ પ્રકરણો દ્વારા પ્રગટ કરાયા છે.

ગણતરીમાં ન હતાં છતાં શ્રદ્ધાંજલિઓ તેમનો દાવો કરીને સ્થાન મેળવી જ ગઈ. કાવ્યાંજલિઓ અને ‘સાથીઓની નજરે’ એ બે પ્રકરણો તેથી ઊપસી આવ્યાં.

આ કામ લીધે લગભગ એક વરસ થવા આવ્યું તે બદલ મુ. ઝીણાભાઈની માફી માંગવી રહી. એમણે કદી ઉઘરાણી તો નથી કરી પણ સોંપ્યું ત્યારથી વહેલું છપાય તેમ તેઓ ઇચ્છતા એમ મને સમજાતું રહ્યું હતું. વાસ્તવમાં ઝીણાભાઈ ઘણા સરળ માણસ છે. એમને ઝટ ઓળખી શકાય છે. રાજકારણનો ઓછાયો એમના જીવન પર પડ્યો છતાં છળકપટ તેમને ભાવતાં નથી. મૂળે ઝીણાભાઈ એક લાગણીપ્રધાન જીવ છે. જુગતરાભાઈના સ્પર્શથી સામાન્યજન પ્રત્યેની હમદર્દી વધુ મેળવી અને જાતે રાષ્ટ્રીયત્વ ખીલવ્યું. તેથી જ ઉદારતા સહજ મેળવી લીધી છે. અને તેથી જ મારા જેવા વખત – કવખતે તેમની ટીકા કરનાર, એમની સાથે સજાગ રહી વર્તનારને કામ સોંપવામાં તેમને થડકાર થતો નથી. “મીનુભાઈવાળું પુસ્તક તમારે કરવાનું છે” એમ એમણે કહ્યું ત્યાર પહેલાં મારા મનમાં હતું ખરું કે એ મારે જ કરવું જોઈએને ! એટલે ભાવતું તો મળ્યું. પણ તે સાથે ઝીણાભાઈ સાથેનો સંબંધ આ પુસ્તક તૈયાર કરવા મળવાથી વધુ સરળ અને સુદૃઢ થયાનું અનુભવું છું. આવી તેમને ય ઓળખવાની તક આપવા બદલ તેમનો આભાર માનું છું.

રાષ્ટ્રને “લોકસેવકોની” જરૂર છે એવું કહીને ગાંધીજી વિદાય થયા. તેવા લોકસેવક થવાનો મીનુભાઈએ પ્રયત્ન કર્યો છે. ભાઈ વરિયાવનાં પત્ની પરસીસબહેનના શબ્દોમાં “અમારે મન તો મીનુભાઈ જ ગાંધીજી હતા. કારણ અમે ગાંધીજીને તો જોયેલ ન હતા. આ સાદો સીધો નિસ્પૃહ, નિસ્વાર્થી માનસ જ જોયેલો.”

૨૧મી સદીમાં ‘લોકસેવક’ થવા ઇચ્છનાર નવી પેઢીને મીનુભાઈના ઉદાહરણનો લાભ મળે તેવી પ્રાર્થના કરું છું. અને ‘વેડછીકરણ’ના આદર્શ સૈનિક મીનુભાઈને હજારો સલામ કરું છું.

વેડછી, ૦૨-૧૦-૦૨
(‘હૃદય સદાય જેનું સ્નેહભીનું…’ પુસ્તકનું સંપાદકીય)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 એપ્રિલ 2024 : ‘શિક્ષણવિદ્દ જ્યોતિભાઈ દેસાઈ વિશેષાંક’ – પૃ. 37

Loading

આપણા અનુ-આધુનિક સાહિત્ય વિશે ફરી એક વાર … (4) 

સુમન શાહ|Opinion - Literature|22 July 2024

સુમન શાહ

સાહિત્યકારોના નામોના નિર્દેશનું રાજકારણ નર્મદથી શરૂ થયું છે. જે લોકો સામાન્યપણે નર્મદનું નામ લેતા હતા તેઓ દલપતરામનું ન્હૉતા લેતા, અને દલપતરામનું લેતા હતા એ લોકો નર્મદનું ન્હૉતા લેતા. ન્હાનાલાલને ‘નાનિયો’ કહેનારો ય વિદ્વાન તો હતો જ !

એ રાજકારણ સામ્પ્રત લગી ચાલતું આવ્યું છે, એ માત્ર આધુનિક કે અનુ-આધુનિક સમયોમાં જ છે એવું નથી. નામો લેવાયાં-ન લેવાયાંની ફરિયાદોમાં પણ એ રાજકારણ નથી એમ નથી.

તેમછતાં, મેં મારી કારકિર્દીમાં સાહિત્યિક કારણ વિના કોઈના ય નામનો નિર્દેશ કર્યો નથી. નામ લેતી વખતે હું હમેશાં તેના સંદર્ભને મુખ્ય ગણતો હોઉં છું. બાકી, હકીકત એ છે કે સુમન શાહને ખુશ કરો કે ધમકાવો, એથી એ તમારું નામ લે? રામરામ ભજો !

શું બનતું હોય છે તેની એક સર્વસાધારણ વાત કરીએ :

૧ : નામ લેવાય તેની અને ન લેવાય તેની ફરિયાદો – એટલે કે ટીકાટિપ્પણી, નામોની જ થાય છે, નામો જે સંદર્ભે લેવાયાં હોય તેની નહીં.

૨ : જેનું નામ લેવાયું હોય એને જે-તે સંદર્ભમાં કશો જ દોષ દેખાતો નથી, એ તો બસ રાજી થઈને મ્હાલે છે. એને રાજી જોઈને બીજાઓ ચૂંકાય છે ને મનમાં આવે એ બોલવા માંડે છે. રાજગી-નારાજગી એ રાજકારણમાં ઘી હોમે છે.

૩ : જેનું નામ ન લેવાયું હોય એ બધા ભેગા થઈને તે લેખક સમ્પાદક વિવેચક કે અધ્યાપકને ઉતારી પાડે છે. એણે હાથ ધરેલા પ્રકલ્પનું સાહિત્યિક મૂલ્ય શું છે તેની વાત થતી નથી. પ્રકલ્પમાં મુકાયેલા સાહિત્યિક આશયને ય ધ્યાનમાં નથી લેવાતો. ઉતારી પાડનારાઓ વિવેચનનોને અને વિવેચકોને કોણ વાંચે છે એવી લપડાક લગાવતા જાતે ને જાતે ‘સર્જકો’ રૂપે ખડા થઈ જાય છે, ને પછી એવાઓ ભેગા થઈને કાખલી કૂટવા માંડે છે.

આખું દૃશ્ય સાવ સબ્જેક્ટિવ હોય છે, અને ચર્ચાનું સ્વરૂપ જરાપણ ઑબ્જેક્ટિવ હોતું નથી. સમજી રાખો કે આ સબ્જેક્ટિવિઝમ ચાલુ રહેશે તો ચોખ્ખાં મૂલ્યાંકનો મળવાનો સંભવ રૂંધાયેલો જ રહેવાનો છે.

મારા છેલ્લા લેખો બાબતે જણાવું કે —

પહેલો લેખ આપણા અનુ-આધુનિક સાહિત્યનું ક્ષેત્ર દર્શાવતો એક નકશો છે. એના દરેક ઇલાકાની ચર્ચા થવી જોઈતી’તી.

બીજો લેખ આપણું અનુ-આધુનિક સાહિત્ય કેટકેટલા સંદર્ભોમાં પ્રસરી રહ્યું છે તે દર્શાવે છે. એ દરેક સંદર્ભનાં સ્વરૂપ અને કાર્યની સમજ પડે તે માટે કેટલાંક નામો ‘દાખલા તરીકે’ મૂકવામાં આવેલાં. એ સંદર્ભોમાં ઊતરવાને બદલે, નામોની જ વાતો ચાલી.

મારે જણાવવું જોઈએ કે—  

૧ – હું નામો ગણવા ન્હૉતો બેઠો, સંદર્ભ આપી રહ્યો’તો. નામો સંદર્ભ અર્થે હતાં. નામો સંદર્ભના સમર્થન માટે હતાં. 

આ હતા એ બધા સંદર્ભો —  

1 અનુ-આધુનિકતાનું પ્રસરણ દર્શાવતાં, સમીક્ષાત્મક લેખનો, એ સંદર્ભ. 

2 અનુ-આધુનિકતાનું પ્રસરણ દર્શાવતાં, કેટલાંક સામયિકો, એ સંદર્ભ.

3 અનુ-આધુનિક સાહિત્યમાં જીવનપરક સાહિત્યના – લાઇફ લિટરેચરના – મહિમાનો સંદર્ભ.

4 અનુ-આધુનિકતાનું પ્રસરણ દર્શાવતા, સોશ્યલ મીડિયા પરના કેટલાક બ્લૉગ્સ, એ સંદર્ભ. 

5 અનુ-આધુનિકતાનું પ્રસરણ દર્શાવતી, કેટલીક સ્વાયત્ત મંડળીઓ, કેટલાંક સંગઠનો કે ફાઉન્ડેશનો, એ સંદર્ભ.

6 પ્રસરણશીલ અનુ-આધુનિકતાએ સાહિત્યનાં વસ્તુજગતમાં કોરાણે મુકાયેલા કે છોડી દેવાયેલા વિષયોનું સાહિત્ય, બ્લૅક તેમ જ ફૅમિનિસ્ટ લિટરેચર, સરજ્યું, એ ક્ષેત્રો સર કર્યાં.  

અને, એમાં આ મુદ્દો તો સૌ ચાતરી જ ગયા કે – આપણે ત્યાં દલિત અને નારી તત્ત્વો કેન્દ્રમાં આવ્યાં અને એ ક્ષેત્ર એ પ્રકારે સર થયું છે.

7 અનુ-આધુનિકતાનું પ્રસરણ દર્શાવતા, સ્ટેજ-શોઝ પાછળની ભાવના હવે સવિશેષે પ્રસરી રહી છે, એ સંદર્ભ.

8 પ્રસરણ દરમ્યાન, પ્રવર્તમાન સાહિત્યિક પરિદૃશ્યની એક અવ્યાખ્યાયિત આછીપાતળી પર્યેષણા – critique – શરૂ થતી હોય છે, એ મુદ્દો પણ ચાતરી ગયા.

9 અનુ-આધુનિકતાનું પ્રસરણ પરિવર્તનકારી હોય છે, એ સંદર્ભ. 

10 સાહિત્યસર્જન-લેખન જ્યારે એક ઇઝમથી – ISMથી – બીજા ઇઝમ અનુસારના વાદવિચાર જનમાવે, ત્યારે એણે આગલા ઇઝમ સાથે ડિસ્કન્ટિન્યુઇટી સાધી હોય છે, વિચ્છેદ સાધ્યો હોય છે. એ મુદ્દો પણ ચાતરી ગયા. 

11 વિચ્છેદ પરિવર્તનોથી સધાતો હોય છે, એ સંદર્ભ.

12 પહેલેથી પૂર્ણરૂપેણ અનુ-આધુનિક સાહિત્યકારો, એ સંદર્ભ.

13 ક્રમશ: લખાતી આ શ્રેણી માટે મેં કહ્યું કે લિરિકલ અને નૅરેટિવ ગણાતા સાહિત્યખણ્ડોની વાત થઈ, ડ્રામેટિકની વાત હવે પછી. એ મુદ્દા માટે ધીરજ રાખવાની હતી, પણ ચાતરી ગયા. 

જુઓ, સમસામયિક પરિદૃશ્યની નુક્તેચિની બહુધા અને બહુશ: બે જ વ્યક્તિઓ કરે છે : બાબુ સુથાર અને સુમન શાહ : એ નુક્તેચિની કેટલી તો જરૂરી છે, કેટલી તો પ્રેરણાદાયી છે, મેં આપ્યા એમ કેટલા બધા મહદંશે નૂતન સંદર્ભો, અવનવા મુદ્દા, વીગતો, પુસ્તકોના નિદેશો રજૂ કરે છે, તેની કોઈને જાણે કશી વિસાત જ નથી ! ઊલટું, મોઢાં માત્રનામો ભણી જોવા મળે છે ! 

સાર એ આવે છે કે આપણને ગમ્ભીર લખાણો વાંચતાં આવડતું નથી. એવાં લખાણોથી આપણી જ્ઞાનેન્દ્રિય પ્રેરાતી નથી. કીર્તિ, વાહ-વાહી, નામના, રૅક્ગ્નિશન, ગણના વગેરે માટેની લાલસા ચગેલી રહે છે. આપણી જૂની જરઠ આદતોનો નાશ થતો નથી. 

મને લાગે છે કે આપણે સમ્યક સાહિત્યકાર હોવાનો ડૉળ કરવાનું હવે બંધ કરવું ઘટે. 

મને એવું પણ લાગે છે કે વિદ્વદ ચર્ચાવિચારણાનો આપણે ત્યાં મારા પૂરતો અન્ત આવી ગયો છે, અને તેથી નુક્તેચિની કરતાં લેખનો હું જરૂર કરીશ, પણ સંકલ્પ કરું છું કે હવેથી હું જાહેર ચર્ચામાં નહીં જોડાઉં. જે મિત્રો મારાં લેખનો માટે નાનામોટા સરસ અને અર્થપૂર્ણ પ્રતિભાવો આપે છે તેઓ મારા આ સંકલ્પને ક્ષમ્ય ગણશે. તેઓ અંગત ધૉરણે ચર્ચા ઇચ્છશે, તો કરીશ. 

(21 Jul 24: USA)

= = =

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ખેલ કરીને મહાન નથી થવાતું, મહાનતા હોય તો મહાન થવાય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|21 July 2024

રમેશ ઓઝા

ગાંધીજીના જીવનનો એક પ્રસંગ તો જાણીતો છે. ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા એ પછી તેમણે અમદાવાદમાં સાબરમતી નદીના સામે કિનારે બેરિસ્ટર જીવણલાલ વ્રજલાલ દેસાઈના બંગલામાં આશ્રમની સ્થાપના કરી હતી, જે કોચરબ આશ્રમ તરીકે ઓળખાય છે. સાબરમતીનો અત્યારનો જે આશ્રમ છે એ જમીન ગાંધીજીએ પછીથી ખરીદી હતી અને આશ્રમ ત્યાં ગયો હતો. ગાંધીજીએ અમદાવાદમાં વસવું જોઈએ એમ કેટલાક લોકોનો આગ્રહ હતો અને આર્થિક સહાય કરવાનું પણ વચન આપ્યું હતું. પણ એમાં પ્રથમ ગ્રાસે મક્ષિકાપાતનો અનુભવ થયો હતો. ગાંધીજીએ જાહેર કર્યું હતું કે તેઓ આશ્રમમાં એક અંત્યજ (હરીજન શબ્દ પાછળથી ગાંધીજીએ પ્રયોજ્યો હતો) પરિવારને રાખવા માગે છે જે આશ્રમના નિયમો મુજબ રહેવા તૈયાર હોય. ગાંધીજીનો આશ્રમ રૂઢ અર્થમાં ધાર્મિક આશ્રમ નહોતો.

અંબાલાલ સારાભાઈ બહેન સાથે, 1952

આશ્રમની હજુ તો સ્થાપના થઈ ન થઈ ત્યાં કસોટીનો વખત આવી ગયો. મુંબઈથી ઠક્કરબાપાનો પત્ર આવ્યો કે મુંબઈનો એક અંત્યજ પરિવાર આશ્રમમાં અંતેવાસી તરીકે રહેવા તૈયાર છે. ગાંધીજીએ દરખાસ્ત મંજૂર રાખી અને હોબાળો શરૂ થયો. કસ્તૂરબા, મગનલાલ ગાંધીનાં પત્ની અને બીજા આશ્રમવાસીઓએ તો વિરોધ કર્યો જ, પણ આશ્રમ માટે આર્થિક મદદ કરનારાઓએ મદદ કરવાનું બંધ કર્યું. આશ્રમ હજુ તો શરૂ થતાની સાથે જ આર્થિક સંકટમાં આવી ગયો.

એમાં એક દિવસ આશ્રમવાસી બાળકે ગાંધીજીને કહ્યું કે આશ્રમની બહાર એક મોટર ઊભી છે અને તેમાં જે શેઠ બેઠા છે એ આપને મળવા બોલાવે છે. ગાંધીજી તેમની પાસે ગયા તો એ શેઠે આશ્રમને આર્થિક મદદ કરવાની ઈચ્છા બતાવી. ગાંધીજીએ કહ્યું કે આશ્રમમાં એક અંત્યજ પરિવાર રહે છે અને ગમે તે થાય તેને હું આશ્રમમાંથી દૂર કરવાનો નથી. શેઠે કહ્યું કે એ વાતની મને જાણ છે. હું આવતીકાલે એટલા વાગે આવીશ.

બીજા દિવસે શેઠ આવ્યા અને ગાંધીજીના હાથમાં તેર હજાર રૂપિયા મૂકતા ગયા. ૧૯૧૫માં ૧૩ હજાર રૂપિયા એ ઘણી મોટી રકમ હતી. ગાંધીજીએ એ પ્રસંગ માટે કહે છે : “મારી ઉપર આ ભીડ પહેલી વાર નહોતી. દરેક વારે છેલ્લી ઘડીએ શામળાએ મદદ મોકલી છે.” ગાંધીજીએ તેમની આત્મકથામાં એ શેઠનું નામ લખ્યું નથી, પરંતુ એ શેઠ હતા, જાણીતા ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈ. ગાંધીજીએ આત્મકથામાં તેમનું નામ એટલા માટે નથી લખ્યું કે તેમને આર્થિક અને સામાજિક રીતે નુકસાન ન પહોંચે. હિંદુઓ પહેલેથી જ સંસ્કારી હતા અને આજે પણ છે એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી.

ખેર, આ વાત થઈ ૧૯૧૫ના જૂન-જુલાઈ મહિનાની. એ પછી દોઢ વરસે શેઠ અંબાલાલ સારાભાઈ ગાંધીજીને મુંબઈમાં મળે છે અને વિનંતી કરે છે કે મિલ મજૂરો અને મિલ માલિકો વચ્ચે વેતન અને બોનસના પ્રશ્ને ચડભડ ચાલી રહી છે જેમાં આપે (ગાંધીજીએ) મધ્યસ્થી કરવી જોઈએ. ગાંધીજીએ કહ્યું કે હું મજૂરોનો પક્ષ સાંભળ્યા પછી નિર્ણય લઇશ. અમદાવાદમાં ગાંધીજીએ મજૂરોના આગેવાનોને સાંભળ્યા અને મજૂરોના પક્ષે ઊભા રહ્યા. આંદોલન થયું, હડતાલ પડી, ગાંધીજીએ ઉપવાસ કર્યા અને છેલ્લે મિલ માલિકોએ ઝૂકવું પડ્યું તેનો લાંબો ઇતિહાસ છે, પણ અહીં એક વાતની નોંધ લેવી જોઈએ કે અંબાલાલ સારાભાઈનાં સગાં બહેન અનસુયા સારાભાઈ ગાંધીજી સાથે મજૂરોના પક્ષે ભાઈ સામે ઊભા રહ્યાં હતાં. અંબાલાલ સારાભાઈનાં મોટાં પુત્રી મૃદુલા સારાભાઈ પણ આજીવન ગાંધીજીનાં વિચારો અને કામને સમર્પિત હતાં.

જે શેઠ શામળિયો બનીને આવે એ શેઠની સામે ગાંધીજી સત્યાગ્રહ કરે અને મિલ બંધ કરાવે. સગી બહેન આ માણસથી પ્રેરાઈને સગા ભાઈ સામે ઊભી રહે. કલ્પના કરો એ કેવી ખુદ્દારી હશે, કેવી ખુદવફાઇ હશે, કેવી સત્યનિષ્ઠા હશે અને કેવો એ ડંખ વિનાનો સ્નેહ હશે! ૧૯૧૫થી સારાભાઈ પરિવાર ગાંધીજીને વરેલો પરિવાર હતો અને આજીવન રહ્યો. અમદાવાદમાં વસવા માટે ગાંધીજીએ અંબાલાલ સારાભાઇ પાસે રહેઠાણ માગ્યું હોત તો સારાભાઈ શેઠે તેમને બંગલો આપી દીધો હોત, પણ તો ગાંધીજી લડી ન શક્યા હોત!

*****

હવે બીજું દૃશ્ય: સાલ ૨૦૨૪

૮મી મે ૨૦૨૪ના રોજ તેલંગાણામાં વેમુલવાડા ખાતે એક રેલીને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અંબાણીએ અને અદાણીએ એક ટેમ્પો ભરીને રોકડું કાળું નાણું કાઁગ્રેસને આપ્યું છે એટલે હવે શાહજાદા (રાહુલ ગાંધી) તેમની ટીકા કરતા બંધ થઈ ગયા છે. નરેન્દ્ર મોદી જ્યારે બોલે છે ત્યારે તેમની જૂની રંગભૂમિની યાદ અપાવે એવી ભાવ-ભંગીમાઓથી આપ પરિચિત છો. કોથળા ભરી ભરીને રૂપિયા લીધા હોવાનો અને બે ઉદ્યોગપતિઓએ આપ્યા હોવાનો ખુદ વડા પ્રધાને આરોપ કર્યો હતો. એવા વડા પ્રધાન જે પોતે જ પોતાના મુખે દાવો કરે છે કે તેઓ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓની બાબતે અસહિષ્ણુ છે. આપણા વડા પ્રધાનની એક વાત સારી છે, એ પોતે જ પોતાનાં વખાણ કરી લે છે. કોઈ બીજાને વખાણ કરવાનો મોકો આપતા નથી.

એ પછી ચૂંટણીનાં પરિણામ આવ્યાં. નરેન્દ્ર મોદી ત્રીજી મુદ્દત માટે વડા પ્રધાન બન્યા. ભક્તોએ કદાચ વિચાર્યુ હશે કે હવે અદાણી અને અંબાણીનું આવી બનવાનું. કોથળા ભરી ભરીને કાળું નાણું ઘરમાં રાખે અને મુક્ત તેમ જ ન્યાયી ચૂંટણીને પ્રભાવિત કરવા ટેમ્પોમાં ભરીને એ પૈસા રાજકીય પક્ષને આપે એ સ્વચ્છ અને ભડવીર એમ બન્ને ગુણ ધરાવતા ચોકીદારથી બચે! ભોળિયાઓ તો રાહ જોતા હતા અને મનોમન ફાળ અનુભવતા હતા કે રહે, આ બે કાળાં નાણાંનાં કુબેરપતિઓ ધરપકડ પહેલાં દેશ છોડીને નાસી ન જાય.

રાહુલ ગાંધી

ભક્તો ધરપકડની અપેક્ષા અને નાસી ન જાય એની અકળામણ સાથે એક એક દિવસ પસાર કરતા હતા ત્યાં તો બેમાંથી એક શેઠજીએ દીકરાના લગન લીધાં અને તેમાં ભગવાનનાં દર્શન થયાં. આખી ગુજરી ભરાઈ હતી, માત્ર એક માણસ નહોતો, નામે રાહુલ રાજીવરત્ન ગાંધી. જવાહરલાલ નેહરુનો વારસદાર. જેના પર આ બે ભ્રષ્ટ ઉદ્યોગપતિઓ પાસેથી કોથળા ભરીને કાળું નાણું લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

અહીં કહેલી બે ઘટનાઓ વચ્ચે તુલના કરી જુઓ. એકનાં ચરણોમાં ઉદ્યોગપતિઓ બેસતા હતા અને બીજા ઉદ્યોગપતિઓનાં ચરણોમાં બેસે છે. ખેલ કરીને મહાન નથી થવાતું, મહાનતા હોય તો મહાન થવાય છે. કોણ નહોતું ત્યાં? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક પણ અલગથી તેમનાં મૂકેશ અંબાણીના ઘરે જઇને આશીર્વાદ આપી આવ્યા હતા.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 જુલાઈ 2024

Loading

...102030...625626627628...640650660...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved