Opinion Magazine
Number of visits: 9665108
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કરસનદાસ મૂળજી : ૧૯મી સદીની એક વિરલ પ્રતિભા

દીપક મહેતા|Opinion - Opinion|25 July 2024

કરસનદાસ મૂળજી

કરસનદાસ મૂળજી એટલે 19 મી સદીના એક અગ્રણી સમાજ સુધારક, લેખક, પત્રકાર, અને આજે આપણે જેને સોશિયલ એક્ટિવિસ્ટ કહીએ છીએ એવી એક વિભૂતિ. ૧૮૩૨ના જુલાઈની ૨૫મીએ જન્મ, ૧૮૭૫ ના ઓગસ્ટની ૨૮મીએ અવસાન. પત્રકાર તરીકેની શરૂઆત તેમણે ‘રાસ્ત ગોફતાર’, ‘સ્ત્રીબોધ’, ‘બુદ્ધિવર્ધક’, ‘જ્ઞાન પ્રસારક’ વગેરે ‘ચોપાનિયાં’(સામયિકો માટે એ વખતે વપરાતો શબ્દ)માં લેખો લખવાથી કરી. પણ પછી એમને લાગ્યું કે પોતે જે કહેવા માગે છે, પોતે જે કરવા માંગે છે, તેને માટે પોતાનું ચોપાનિયું હોવું જોઈએ. આ માટેની ધગશ તેમનામાં ભરપૂર પણ આવું મેગેઝીન ચલાવવા માટે જે પૈસા જોઈએ એ તેમની પાસે નહીં. એટલે તેમણે વાત કરી એક નિકટના મિત્ર મંગળદાસ નથુભાઈને. એ જમાના મોટા વેપારી. પછીથી સર પણ બનેલા. પણ ખાસ તો કરસનદાસ જેવા સમાજ સુધારકોના મિત્ર અને તેમને સહાય કરનાર. આ મંગળદાસ નથ્થુભાઈએ આર્થિક જવાબદારી શરૂઆતનાં થોડાંક વર્ષો માટે ઉપાડી લેવાની ખાતરી આપી એટલે કરસનદાસે ૧૮૫૫માં શરૂ કર્યું ‘સત્યપ્રકાશ’ અઠવાડિક. તવારીખની સાચવણી કરવાનું આપણે લગભગ શીખ્યા જ નથી. ૧૮૫૫માં શરૂઆત તો થઈ ‘સત્યપ્રકાશ’ની, પણ કઈ તારીખથી થઈ એ મહેનત કરવા છતાં જાણી શકાયું નથી. મહિપતરામે લખેલા કરસનદાસના જીવનચરિત્રમાં પણ માત્ર વર્ષ આપ્યું છે, તારીખ નહિ. ૧૮૬૧ સુધી સ્વતંત્ર રીતે આ ‘સત્યપ્રકાશ’ ચાલુ હતું અને તે પછી એ ‘રાસ્ત ગોફતાર’ સાથે ભળી ગયું. ‘રાસ્ત ગોફતાર’ અને ‘સત્ય પ્રકાશ’ એ મેગેઝીન ૧૮૬૧થી ૧૯૨૧ સુધી પ્રગટ થતું હતું.

કરસનદાસ અને ‘સત્યપ્રકાશ’ એ બંને એ વખતે જે લાઈમ લાઈટમાં આવ્યાં એનું મુખ્ય કારણ મહારાજ લાઇબલ કેસ. તેની વિગતોમાં અત્યારે આપણે નથી જતા, પણ ‘સત્યપ્રકાશ’માં છપાયેલા લેખને કારણે આખો મામલો ઊભો થયેલો અને જદુનાથજી મહારાજે ૫0,000 રૂપિયાની નુકસાની માગતો દાવો માંડેલો. યાદ રાખજો ૧૮૬૧ના ૫0,000 એટલે આજે નહીં નહીં તો પાંચ કરોડ.

નાનાભાઈ રૂસ્તમજી રાણીના

કરસનદાસના હસ્તાક્ષર

સાથે એક બીજી વાત કરવાનું પણ મન થાય છે કે આપણે અમુક જ રીતે ઘટનાઓને જોઈએ છીએ. આ મહારાજ લાઈબલ કેસ એ જાણે માત્ર કરસનદાસ પર જ થયો હોય, એકલે હાથે એ ઝઝુમ્યા હોય, એ રીતે વાત આપણે ત્યાં થાય છે. પણ હકીકતમાં આ કેસ ફક્ત કરસનદાસ સામે નહોતો માંડ્યો, પણ કરસનદાસ અને ‘સત્યપ્રકાશ’ના પ્રિન્ટર પબ્લિશર નાનાભાઈ રુસ્તમજી રાણીના પર પણ માંડ્યો હતો. નાનાભાઈએ ૧૮૫૭માં યુનિયન પ્રેસ શરૂ કરેલું જે હજી આજ સુધી ચાલુ છે. આ નાનાભાઈ એટલે કરસનદાસ અને બીજા ઘણા બધા સમાજ સુધારકો અને લેખકોના નિકટના મિત્ર. ‘ડાંડિયો’ શરૂઆતમાં નાનાભાઈના યુનિયન પ્રેસમાં છપાતું. નર્મદનાં ઘણાં પુસ્તકો પણ નાનાભાઈએ પોતાના પ્રેસમાં છાપ્યાં. પણ સૌથી વધુ મહત્ત્વની વાત છે તે એમના અંગ્રેજી જીવન ચરિત્રમાં નોંધાઈ છે, ગુજરાતીમાં ક્યાં ય નોંધાઈ હોય એવું અત્યાર સુધી મેં જોયું નથી.

ખટલો દાખલ કર્યા પછી જદુનાથજી મહારાજે પોતાના એક ખાસ શિષ્યને નાનાભાઈ રાણીના પાસે મોકલ્યો અને કહેવડાવ્યું કે આ તો અમારો હિન્દુઓનો ઝઘડો છે. તમે તો પારસી છો. તમે શું કામ નાહકના કેસમાં હેરાન થાવ છો? તમે એકવાર અમારી પાસે આવીને અમારી મૌખિક માફી માગી લો તો તમારું નામ અમે કેસમાંથી દૂર કરીએ. ત્યારે નાનાભાઈએ પેલા શિષ્યને જવાબ આપ્યો : તમારા મહારાજશ્રી ને કહેજો કે તમે કહો છો તેમ હું તો પારસી છું, હિન્દુ નથી એટલે હિન્દુ ધર્મ શું કહે છે એની મને ખબર નથી. પણ મારો જરથોસ્તી ધર્મ મને મિત્ર દ્રોહ કરવાનું શીખવતો નથી. અને નાનાભાઈ છેવટ સુધી કરસનદાસની સાથે ઊભા રહ્યા. આ કેસ લડવામાં જે કંઈ ખર્ચ થયો એનો અડધો હિસ્સો પણ તેમણે આપ્યો. 19મી સદીના આપણા લેખકો સુધારકો અગ્રણીઓની મનોદશા કેટલી ઉચ્ચ હતી એનો આ એક પુરાવો છે. અને એટલે જરાક ચાતરીને પણ આ વાત અહીં કરી છે.

e.mail : deepakbmehta@gmail.com

Loading

ઉત્તર પ્રદેશ બી.જે.પી.માં ઘમાસાણ યુદ્ધ

રમેશ ઓઝા|Opinion - Opinion|25 July 2024

રમેશ ઓઝા

ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.ની અંદર ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. કારણ છે લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.નો થયેલો પરાજય. સવાલ એ છે કે આ પરાજય માટે જવાબદાર કોણ? કોના કારણે પરાજય થયો? પક્ષના કેન્દ્રીય નેતૃત્વના કારણે કે પછી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યના કારણે? અહીં થોડી હકીકત પર નજર કરી લઈએ. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને ઉત્તર પ્રદેશની કુલ ૮૦ બેઠકોમાંથી ૭૧ બેઠકો મળી હતી. સહયોગી પક્ષોને બે બેઠક મળી હતી. આ રીતે એન.ડી.એ.ને ૭૩ બેઠકો મળી હતી. કુલ પડેલા મતોમાંથી ૪૨.૬૩ ટકા મત બી.જે.પી.ને મળ્યા હતા. એન.ડી.એ.ને ૪૩.૬ ટકા મત મળ્યા હતા. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીની તુલનામાં બી.જે.પી.ની બેઠકમાં ૬૧નો વધારો થયો હતો અને મતમાં ૨૪.૮૦ ટકાનો. કોઈ પણ દૃષ્ટિએ અધધધ કહેવાય. આખો દેશ હેબતાઈ ગયો હતો, કારણ કે ૨૦૧૪ સુધી ઉત્તર પ્રદેશમાં બી.જે.પી. ત્રીજા ક્રમનો પક્ષ હતો.

એ પછી ૨૦૧૭માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં બી.જે.પી.ને કુલ ૪૦૩ બેઠકોમાંથી ૩૧૨ બેઠકો મળી હતી અને સહયોગી પક્ષોને બીજી ૧૦. કુલ મળીને ૩૨૨ બેઠક અને ૪૦ ટકા કરતાં વધુ મત મળ્યા હતા. ૨૦૧૬ના નવેમ્બરથી ત્રણ મહિના નોટબંધીની હેરાનગતી અને તેનો ફિયાસ્કો થયો હોવા છતાં ય. દરેકના આશ્ચર્ય વચ્ચે યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

એ પછી ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી થઈ જેમાં ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.ને ૬૨ બેઠકો મળી હતી અને સહયોગી પક્ષને બે બેઠકો મળી હતી. ૨૦૧૪ની તુલનામાં બી.જે.પી.ને નવ બેઠકોનું નુકસાન થયું હતું, પરંતુ તેને મળેલા મતમાં સાત ટકાનો વધારો થયો હતો. બી.જે.પી.ને લગભગ ૫૦ ટકા મત મળ્યા હતા. બેઠકો ઘટવાનું કારણ સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પાર્ટી વચ્ચેનું ગઠબંધન હતું. ૨૦૨૨માં કોવીડના કેર અને ખેડૂતોના આંદોલન પછી તરત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં બી.જે.પી.ને ૨૫૫ બેઠકો મળી હતી, ૨૦૧૭ની તુલનામાં ૫૭ બેઠકોનો ઘટાડો થયો હતો, પણ બી.જે.પી.ને મળેલા મતમાં ૧.૬૨ ટકાનો વધારો થયો હતો. સહયોગી પક્ષોને બીજી ૨૦ બેઠકો મળી હતી. એ સમયે ૫૭ બેઠકો ઘટી હોવા છતાં ખાસ ઊહાપોહ નહોતો થયો, કારણ કે ૨૫૫ બેઠકો કોઈ ઓછી નહોતી. એ સમયે સમાજવાદી પક્ષને માયાવતી અને કાઁગ્રેસ સાથે ચૂંટણી સમજૂતી કર્યા વિના ૧૧૧ બેઠકો મળી હતી, ૨૦૧૭ની તુલનામાં ૬૪ બેઠકોનો વધારો થયો હતો અને તેને મળેલા મતમાં સીધો દસ ટકાનો વધારો થયો હતો. ૩૨.૧ ટકા મત મળ્યા હતા. માયાવતી રેસમાંથી બહાર થઈ ગયાં અને અખિલેશ યાદવ પ્રતિદ્વંદી તરીકે સ્થાપિત થઈ ગયા. ઉત્તર પ્રદેશના રાજકારણે ૨૦૨૨ પછીથી કરવટ બદલવાનું શરૂ કરી દીધું હતું.

અને છેલ્લે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનાં પરિણામ તમે જાણો છો. બી.જે.પી.ને ૩૩ બેઠક મળી, ૨૯ બેઠકોનો માર પડ્યો. બી.જે.પી.ને મળેલા મતમાં ૮.૬૧ ટકાનો ઘટાડો થયો. આની સામે ‘ઇન્ડિયા’ ગઠબંધનને ૮૦માંથી ૪૩ બેઠકો અને ૪૩.૫૨ ટકા મત મળ્યા હતા. ૨૦૧૯ની તુલનામાં સીધો ૧૯ ટકાનો વધારો અને બી.જે.પી. કરતાં બે ટકા વધુ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વારાણસી મતદાર ક્ષેત્ર સહિત દરેક જગ્યાએ બી.જે.પી.ના વિજેતા ઉમેદવારોની સરસાઈમાં મોટો ઘટાડો થયો હતો. વડા પ્રધાન મતગણતરી વખતે છ રાઉન્ડ દરમ્યાન પાછળ હતા. જો વીતેલી લોકસભાની ચૂંટણીનાં પરિણામોને વિધાનસભામાં પરિવર્તિત કરવામાં આવે તો બી.જે.પી.નો ૧૭૪ બેઠકો પર વિજય થયો હતો. બીજા શબ્દોમાં કહીએ તો પરાજય.

બી.જે.પી. માટે આ ચિંતાનો વિષય છે અને માટે મંથન શરૂ થયું છે, પરંતુ એ મંથને વમળનું સ્વરૂપ પકડ્યું છે. પરાજય માટે જવાબદાર કોણ? કેન્દ્રીય નેતૃત્વ કે પછી યોગી આદિત્યનાથ? કે પછી પરાજયને બહાનું બનાવીને પહેલાં યોગી આદિત્યનાથને વધેરી નાખવાનો ખેલ છે? યોગી આદિત્યનાથ હિંદુ આઇકન છે, લોકપ્રિય છે, ઉત્તર પ્રદેશની બહાર પણ તેમની એક ઓળખ છે, બી.જે.પી.ના મુખ્ય પ્રધાનોમાં માત્ર તેમને ચૂંટણી પ્રચાર માટે બીજાં રાજ્યોમાંથી આમંત્રણ આવે છે અને એમ કહેવાય કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમને નરેન્દ્ર મોદીના અનુગામી તરીકે જુએ છે. વિજયારાજે સિંધિયા અને શિવરાજ સિંહ ચૌહાણની સાથે જેમ બન્યું હતું એમ. આ સિવાય નરેન્દ્ર મોદીને યોગી માટે અણગમો છે એ પણ એક કારણ છે.

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન અને ભા.જ.પ.ના ઉત્તર પ્રદેશ એકમના ભૂતપૂર્વ પ્રમુખ કેશવ પ્રસાદ મૌર્યએ મોરચો ખોલ્યો હતો. પરાજય પછી ભા.જ.પ.ના ઉત્તર પ્રદેશ વિધાનસભા પક્ષની બેઠકમાં કેશવ પ્રસાદ મૌર્યે કહ્યું હતું કે “સંગઠન સરકાર સે બડા હૈ, કાર્યકર્તાઓં કા દર્દ મેરા દર્દ હૈ.” એમ કહેવાય છે કે તેમના કથનને પક્ષના વિધાનસભ્યોએ અને અન્ય ઉપસ્થિત પક્ષના પદાધિકારીઓએ તાળીઓથી વધાવી લીધું હતું. કેશવ પ્રસાદ મૌર્યનો આત્મવિશ્વાસ વધી ગયો હતો. તાળીઓ સાંભળીને તેમને એમ લાગ્યું હતું કે હવે પક્ષ તેમની સાથે છે, વિધાનસભ્યો તેમની સાથે છે, યોગી નબળા પડ્યા છે અને નરેન્દ્ર મોદી-અમિત શાહ તો તેમની સાથે જ. હવે સત્તાંતર વહેંત છેટું છે. ઉત્સાહમાં આવીને પક્ષની બેઠકમાં તેમણે જે કહ્યું હતું તે જ વાત “સંગઠન સે બડા કોઈ નહીં, કાર્યકર્તા હી ગૌરવ હૈ” એવું એક વાક્ય ઉમેરીને ટ્વીટ કર્યું. ઉત્સાહમાં ને ઉત્સાહમાં તેમના ધ્યાનમાં એક વાત ન આવી કે આ કથન પક્ષના સર્વોચ્ચ નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ લાગુ પડે છે અને પાછું યોગી આદિત્યનાથ કરતાં વધુ. કેશવ પ્રસાદ મૌર્યે એ ટ્વીટ ડિલીટ કરી નાખી.

પ્રશ્ન એ છે કે ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.નો પરાજય કોના કારણે થયો? એકલા યોગી આદિત્યનાથ જવાબદાર છે? કેશવ પ્રસાદ મૌર્ય જે રાજકીય શૈલીની વાત કરે છે તો એ તો યોગી આદિત્યનાથ અને નરેન્દ્ર મોદીની એકસરખી છે. શું તુમાખીના ડબલ એન્જીને કામ કર્યું? જી હા, પહેલું કારણ તુમાખીનું ડબલ એન્જીન છે. બીજું કારણ ચારસો પાર અને મોટાં પરિવર્તનો માટે તૈયાર રહેજો એવું વડા પ્રધાનનું કથન છે. બંધારણ અને અનામતની જોગવાઈ જોખમમાં છે એવું લોકોને લાગવા માંડ્યું હતું. ત્રીજું કારણ કાશી અને અયોધ્યા જેવા યાત્રાધામોને ટુરિસ્ટ પ્લેસમાં ફેરવીને તેનું કરવામાં આવી રહેલું વ્યવસાયીકરણ છે. મોટાં પ્રમાણમાં લોકોને હટાવવામાં આવ્યા, તેમની સંપત્તિ છીનવી લેવામાં આવી, બુલડોઝર ચલાવવામાં આવ્યા અને બહારના લોકો (સ્થાનિક લોકોમાં કહેવા મુજબ ગુજરાતીઓ) જમીનો ખરીદવા લાગ્યા. તીર્થધામોનું સૌંદર્યકરણ અને વ્યવસાયીકરણ એ નરેન્દ્ર મોદીનો એજન્ડા હતો, યોગી આદિત્યનાથનો નહોતો. આ સિવાય માયાવતીની ઘટતી તાકાત, અખિલેશ યાદવની વધતી તાકાત (જેના સંકેત ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં મળી જ ગયાં હતાં) અને રાહુલ ગાંધીની વધતી સ્વીકાર્યતા તેમના ધ્યાનમાં નહોતી આવી. તેઓ મદમાં હતા અને રામમંદિર પર ભરોસો રાખીને બેઠા હતા.

ટૂંકમાં ઉત્તર પ્રદેશના પરાજય માટે જેટલા યોગી આદિત્યનાથ જવાબદાર છે તેનાથી વધુ નરેન્દ્ર મોદી જવાબદાર છે. બીજું, યોગી આદિત્યનાથ સંઘના માણસ નથી જે અપમાન ખમીને પણ મોઢું બંધ રાખે. શરૂઆતમાં તેઓ બી.જે.પી.માં જોડાતા નહોતા, એક વાર બી.જે.પી. સામે બળવો પણ કરી ચુક્યા છે અને બી.જે.પી.માં જોડાયા પછી પણ તેમણે તેમની હિંદુ યુવા વાહિનીને વિસર્જિત નથી કરી. યોગી આદિત્યનાથ બળવો કરી શકે એમ છે અને જો લોકસભાની ૮૦ બેઠક ધરાવતા દેશના સૌથી મોટા રાજ્યમાં પક્ષમાં વિભાજન થાય તો ખેલ ખતમ થઈ શકે છે. અને એમ પણ કહેવાય છે કે સંઘ યોગીને નરેન્દ્ર મોદીના અનુગામી તરીકે જોઈ રહ્યો છે.

દરમ્યાન ઉત્તર પ્રદેશની વિધાનસભાની દસ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાં પાંચ બેઠકો પર ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.નો પરાજય થયો હતો. માટે કેન્દ્રીય નેતૃત્વએ યોગી આદિત્યનાથને ફ્રી હેન્ડ આપ્યો છે. કરો જે કરવું હોય તે અને દસ બેઠકોમાંથી કમસેકમ છ બેઠકો જીતી બતાવો. કાવડફતવો આનું પરિણામ છે. એક ફકીર અને એક સંન્યાસી લગભગ એક સરખી અવસ્થામાં છે. બીજાને દર્પણ બતાવે તો પોતાનું મોઢું દેખાય. હા, એક ફરક છે; યોગી આદિત્યનાથ રોજેરોજ, કારણ વિના અને વધારે પડતું બોલતા નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 25 જુલાઈ 2024

Loading

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (18)

દીપક મહેતા|Opinion - Opinion|24 July 2024

૧૮

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ

ફાર્બસ અને ગુજરાતના સંબંધની કથા એટલે પહેલી નજરના પ્રેમની એક કથા. એકવીસ વરસની ઉંમરે ફાર્બસ હિન્દુસ્તાન આવ્યા અને ૪૪ વર્ષની જિંદગીમાંથી લગભગ તેર વર્ષ તેમણે ગુજરાતમાં ગાળ્યાં. ૧૮૪૬ના નવેમ્બરમાં ફાર્બસ પહેલી વાર અમદાવાદ આવ્યા ત્યારે તે એક માંદું, મરવા પડેલું શહેર હતું. મુંબઈમાં પશ્ચિમની સંસ્કૃતિના જે વાયરા વાતા થયા હતા તેની નાનકડી લહેરખી પણ હજી અમદાવાદ સુધી પહોંચી નહોતી. અમદાવાદ એ વખતે ખંડેરોનું નગર હતું. હા, એ ખંડેરો ઊજળા ભૂતકાળની એંધાણી આપતા હતા. પણ એ શહેરના લોકોને પોતાના એ ભૂતકાળમાં જરા ય રસ નહોતો. કારણ રોજિંદું જીવન જ એટલું હાડમારી ભર્યું હતું કે બીજી કોઈ વાત અંગે વિચારવાનું તેમને માટે શક્ય જ નહોતું. જ્યાં અમદાવાદની આ સ્થિતિ હતી ત્યાં ગુજરાતના બીજા ભાગોની તો વાત જ શી કરવી? પણ કોણ જાણે કેમ, ફાર્બસ અમદાવાદ આવ્યા પછી તરત જ ગુજરાતના ભવ્ય ભૂતકાળ સાથે અનુસંધાન સાધી શક્યા હતા. તો સાથોસાથ ઘોર નિદ્રામાં પોઢેલા લોકોને ઢંઢોળીને જાગૃત કરવાની અને તેમને અર્વાચીનતાના વાયરાનો સ્પર્શ કરાવવાની જરૂરિયાતને પણ તેમણે ઓળખી લીધી હતી. પશ્ચિમના – ખાસ કરીને બ્રિટિશ – વિચારો, આદર્શો, પદ્ધતિઓ, સંસ્થાઓ વગેરેનો પરિચય ગુજરાતના લોકોને કરાવીને ફાર્બસે એ કામ કર્યું. બહુ સૂઝ, સમજ, કુશળતા અને કૂનેહપૂર્વક તેમણે બેવડે દોરે કામ કર્યું. એક બાજુથી તેમણે ગુજરાત અને તેના લોકોના ભૂતકાળનો અભ્યાસ કર્યો અને સાચકલા પ્રેમ અને આદરપૂર્વક એ વિષે લખ્યું. તો બીજી બાજુ પરિવર્તન માટેનાં સાધનો તેમણે સુલભ કરી આપ્યાં : ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’, જાહેર પુસ્તકાલય, નિશાળ, અખબાર અને સામયિક. પણ મધ્યકાલીન ગુજરાતના અર્વાચીન ગુજરાતમાંના રૂપાંતર માટેનું સૌથી મોટું અને મહત્ત્વનું સાધન તો બન્યા ફાર્બસ પોતે. 

ફાર્બસ મુંબઈમાં રહ્યા ભલે ઓછું, પણ તેમણે સ્થાપેલી સંસ્થા તેમનું નામ અને કામ જાળવીને ઊભી છે. મુંબઈ યુનિવર્સિટીની એલ.એલબી.ની પરીક્ષામાં આજે પણ તેમના નામનો ગોલ્ડ મેડલ અપાય છે. સોલી સોરાબજી અને ફલી નરીમાન જેવા કાયદાના ધુરંધરોને આ મેડલ અપાયો હતો.  

આજે ફાર્બસ ફરી ગુજરાતમાં આવે તો આજના ગુજરાતને ઓળખી શકે? કદાચ ના. અને ગુજરાતે તો ફાર્બસને ક્યારનાયે વિસારે પાડી દીધા છે. પોતાની જિંદગીનાં ઉત્તમ વર્ષો જેમણે ગુજરાતને, ખાસ કરીને અમદાવાદને આપી દીધાં એ ફાર્બસનું ભલે નાનકડું, પણ એક્કે જાહેર સ્મારક આજે અમદાવાદમાં નથી. અને અમદાવાદના સંસ્કાર જગતના અગ્રણીઓને તેની ખોટ પણ સાલતી નથી. અલબત્ત, ફાર્બસને એવી કોઈ અપેક્ષા પણ નહોતી. પોતે કશુંક અસાધારણ કામ કરી રહ્યા છે એમ તેમણે માન્યું જ નહોતું. જે પ્રદેશ સાથે સંકળાવાનું થયું હોય તે પ્રદેશ માટે મારાથી બને તેટલું કરી છૂટવું જોઈએ એવી કર્તવ્ય ભાવનાથી તેમણે જે કરવા જેવું લાગ્યું તે કર્યું. પણ અર્વાચીન ગુજરાતના ઘડતર અને ચણતરમાં ફાર્બસનો ફાળો અત્યંત મહત્ત્વનો હતો. એક કવિતમાં કહ્યું છે તેમ :

‘ફાર્બસ સમ સાધન વિના, ન ઉધ્ધરત ગુજરાત’

સમાપ્ત
e.mail : deepakbmehta@hotmail.com

Loading

...102030...620621622623...630640650...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved