Opinion Magazine
Number of visits: 9457356
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડરીને મૂંગા રહેવું અને પૈસા ખાઈને ખોટાને અનુમોદન આપવું એમાં પાયાનો તફાવત છે !

રમેશ સવાણી|Opinion - Opinion|26 March 2024

[મૂલ્યનિષ્ઠ વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝાની કોલમ બંધ થઈ, ત્યારે વાંચકોનો આભાર વ્યક્ત કર્યો.] 

રમેશ ઓઝા

હું ગદ્દગદ્દ છું. ‘મિડ – ડે’માં મારી ‘કારણ તારણ’ કૉલમ બંધ થઈ, એ પછી તેનું કારણ જાણવા એટલાં બધાં ફોન, ઈ-મેઈલ્સ, મેસેજીઝ અને ફેસબુક પર પોસ્ટ આવી જેની મેં કલ્પના નહોતી કરી. કેટલાંક એવા મિત્રો પણ હતા જેઓ મારા વિચારનો વિરોધ કરતા હોવા છતાં મને વાંચતા હતા અને હું લખતો રહું એમ ઈચ્છતા હતા.

હું ગદ્દગદ્દ એટલા માટે નથી કે તમે મને વાંચો છો અથવા મારા પણ મોટી સંખ્યામાં વાચકો છે. વાચકોની સંખ્યા ગણવાના અને ગણીને પોરસાવાના સંસ્કાર તો જ્યારથી લખવાનું શરૂ કર્યું ત્યારથી વિકસવા દીધા નથી. જો એવો મોહ હોત તો સસ્તું ચિંતન અને જ્ઞાનની ગોળી પીરસવાની ચેષ્ટા કરી હોત ! પવનની દિશા જોઇને લોકોને ગમે એવું લખવાની ચેષ્ટા કરી હોત ! લોકપ્રિય થવાના પદાર્થોથી હું અજાણ નથી. હું ગદ્દગદ્દ એટલા માટે છું કે જે ભારતના અને જે સમાજના પડખે હું ઊભો રહું છું એના પડખે ઊભા રહેનારાઓની સંખ્યા મેં ધારી હતી એના કરતાં પણ ઘણી મોટી છે. જે નથી ઊભા રહેતા એમાંના ઘણા એવા છે જે એમ માને છે કે ‘આ ભાઈ ભલે આપણને ગમે એવી વાત નથી કરતા; પણ કરે છે વ્યાપક સમાજહિતની, અંગત એજન્ડા વિનાની, પક્ષપાત વિનાની, તાર્કિક વાત.

હું બે નિસબત સાથે જીવું છું અને પ્રસંગ પડ્યે લખું કે બોલું છું. પહેલી નિસબત છે મૂળભૂત માનવીય મૂલ્યો. પરસ્પર માનવીય આદર અર્થાત્ બંધુતા, સહિષ્ણુતા, દરેક પ્રકારની સમાનતા, સ્વતંત્રતા, સર્વધર્મ સમભાવ, લોકતંત્ર, વહીવટી પારદર્શકતા, જવાબદાર રાજ્ય વગેરે. આ મૂળભૂત માનવીય મૂલ્યો છે જે દેશ અને સમાજ માટે હિતકારી છે. આને પાછા આપણા બંધારણમાં પણ આમેજ કરવામાં આવ્યા છે, એટલે આપણે માટે તે અનિવાર્ય અને પવિત્ર બને છે. આમ જે સકળ સમાજ માટે હિતકારી હોય તેનું જતન કરવું જ જોઈએ. 

મારી બીજી નિસબત રહી છે; ગરીબ, વંચિત, શોષિત છેવાડાના માણસનાં હિતની ચિંતા. એવો તે કેવો પત્રકાર જે ખોટું કરનારા કે બોલનારાને પડકારે નહીં, બલકે અનુમોદન આપે અને નક્કર વાસ્તવિકતાને વ્યક્ત નહીં કરી શકનારા મૂંગાને વાચા આપે નહીં ! મેં આ બે નિસબતને મારું જીવનકર્તવ્ય માન્યું છે.

મેં મારી યુવાની કૉંગ્રેસનો વિરોધ કરવામાં વિતાવી છે. કાઁગ્રેસનાં કુકર્મો હજુ પણ યાદ છે અને તેનો રસ્તા પર ઉતરીને અને જેલ જઇને વિરોધ કર્યો છે. કારણ એ જ હતાં. મૂળભૂત મૂલ્યો અને છેવાડાના માણસ માટેની નિસબત. પરંતુ અત્યારે જે બની રહ્યું છે અને ત્યારે જે થતું હતું એમાં ફેર છે. કૉંગ્રેસની સરમુખત્યારશાહી સત્તાજન્ય અને સત્તા માટેની હતી. અત્યારની સરમુખત્યારશાહી પાછળ ચોક્કસ એજન્ડા છે. એ એજન્ડા છે; સેક્યુલર-લિબરલ – ડેમોક્રેટિક ભારતની જગ્યાએ હિંદુ રાષ્ટ્ર સ્થાપવાનો, જેમ પડોશમાં ઇસ્લામિક રાષ્ટ્ર છે. ઈમરજન્સીમાં મીડિયા, પત્રકારો, સમાજના પ્રતિષ્ઠિત માણસો ડરેલા હતા એટલે મૂંગા હતા. અત્યારે ખરીદાયેલાં કે વેચાયેલાં છે, એટલે હળહળતાં જૂઠાણાંને વાચા આપે છે. ડરીને મૂંગા રહેવું અને પૈસા ખાઈને કે કાંઈક મેળવીને ખોટાને અનુમોદન આપવું એમાં પાયાનો તફાવત છે. આવી સ્થિતિમાં દેશ માટે સરોકાર ધરાવનારા મૂલ્યનિષ્ઠ લોકોએ બોલવું જરૂરી છે. આરતી ઉતારનારાઓને માલામાલ કરો અને વિરોધ કરનારાઓના પ્લેટફોર્મ છીનવો એ અત્યારની નીતિ છે !

આટલી મોટી સંખ્યામાં સાથ આપવા માટે દિલથી આભાર અને પ્રણામ !

[સૌજન્ય : રમેશ ઓઝા]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માસ્તર એટલે મસોતું …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 March 2024

રવીન્દ્ર પારેખ

શિક્ષણ વિભાગને માટે માસ્તર, મસોતું જ છે. માસ્તરને મસોતું ગણવાનો શિક્ષણ વિભાગને વાંધો નથી કે નથી તો વાંધો માસ્તરોને મસોતું ગણાવાનો. એ માસ્તર જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડે છે, તેનાં પોતાનાં ભવિષ્યના કોઈ ઠેકાણાં નથી. માસ્તરો એવા પણ છે જે કૈં કર્યા વગર અનેક સન્માનો લઈને, ઉપરીઓની ખુશામત કરીને, અનેક અનાચારો કરીને ચામડી બચાવેલી રાખે છે, તો થોડા એવા પણ છે જેની ચામડીનાં જોડાં પણ ઓછાં પડે. તે ફરજ પરસ્ત, વફાદાર અને ભીરુ છે. તે શોષિત છે. ભીરુ છે એટલે શોષિત વધારે છે. એવાઓનો ઉપયોગ સરકાર જ નહીં, સાથી શિક્ષકો પણ મસોતાની જેમ જ કરતાં હોય છે.

આમ તો મસોતું એટલે ગરમ વાસણ ચૂલા પરથી ઉતારવા વપરાતું મેલું કપડું. લૂગડાનો ચોળાયેલો કકડો જે ધોળવા, લૂંછવા વપરાતો હોય. ચૂંટણીનું આંધણ ચડ્યું હોય તો માસ્તર /મસોતું પકડો ને વાસણ ઉતારી લો કે બેડો પાર ! ચૂંટણીની તાલીમ આપવાની છે, માસ્તર હાજર છે. પરીક્ષામાં સુપરવાઇઝર જોઈએ છે, બોલાવો માસ્તરને, ઉત્તરવહી તપાસવાની છે, માસ્તરોના ઓર્ડર કાઢો, આવશે ને તપાસી પણ આપશે ઉત્તરવહીઓ. આ વખતે મુશ્કેલી એ થઈ છે કે શિક્ષકને આ ત્રણેય કામગીરીઓ એક સાથે કરવાની આવી છે. ચૂંટણી આવી રહી છે ને તાલીમી વર્ગો ભરવાના છે, પરીક્ષામાં સુપરવિઝન પણ કરવાનું છે ને તે પતે તો ઉત્તરવહીઓ પણ તપાસવાની છે. કઈ કામગીરી કરવી ને કઈ નહીં, તેની પસંદગી તેની નથી, એટલે ઘણા શિક્ષકોની મૂંઝવણ વધી છે. ત્રણેય જવાબદારીઓ મહત્ત્વની છે ને સરકાર તો ઈચ્છે જ કે ત્રણે તપેલાં ઉતારવામાં માસ્તર / મસોતું કામમાં આવે. સરકારે / બોર્ડે તો ઉકેલ શોધ્યો જ છે, પણ મશીનને માણસમાં ફેર ન રહે એવો છે. એવી વફાદારી સરકાર / બોર્ડ પાસેથી રાખવાની હોય તો ત્યાં જવાબ હકારમાં આવવાની શક્યતાઓ ઓછી જ છે.

આ વખતે સૌથી ઉપર ચૂંટણી છે, પણ મુશ્કેલી એ છે કે તે બોર્ડની પરીક્ષા વખતે આવી છે. બોર્ડની મુખ્ય પરીક્ષાઓ પૂરી થઈ છે ને ઉત્તરવહીઓ તપાસવાનું શરૂ થયું છે. આ જ ગાળામાં ઘણી સ્કૂલોમાં લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવવા અંગેની તાલીમમાં હાજર રહેવાના હુકમો પણ થયા છે. એ સાથે જ ગુજકેટની તથા અન્ય પરીક્ષાઓ પણ શરૂ થવા જઈ રહી છે ને તેને માટે વર્ગ ખંડમાં સુપરવાઇઝર તરીકેની ફરજ બજાવવાના ઓર્ડરો પણ થયા છે. ત્રણે જવાબદારીઓ નિભાવી શકાતી હોત તો તેવું કામ સરકારે / બોર્ડે શિક્ષક પાસેથી લીધું જ હોત ને શિક્ષકે તે કર્યું પણ હોત, પણ કોઈક માટે તે શક્ય ન હોય ત્યારે ફરજ કઈ રીતે બજાવવી તેની મૂંઝવણ શિક્ષકો અનુભવે છે. જો કે, એનો ઉકેલ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ એમ શોધ્યો છે કે ચૂંટણીની તાલીમ પૂરી કરીને કે સુપરવિઝન પતાવીને શિક્ષકે પેપર તપાસવાની કામગીરી પણ કરવાની રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એકથી વધુ ફરજો એક સાથે બજાવી શકતા હશે, પણ શિક્ષકો એકથી વધુ ફરજ બજાવી જ શકે એવું શિક્ષકે તો નહીં, પણ સાહેબે તો માની જ લીધું છે. એમ પણ માની લેવાયું છે કે એકથી વધુ ફરજો એકથી વધુ સ્થળોએ બજાવવા જેટલા શિક્ષકો સક્ષમ છે. પરીક્ષણની કામગીરી 11થી 5ની સોંપાઈ હોય તો બીજી ફરજ ક્યારે ને ક્યાં બજાવવી એ પ્રશ્ન જ છે, પણ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના આદેશનું પાલન તો થવું જ ઘટે ને મસોતું તેનું પાલન કરશે પણ ! કરે જ છે.

એટલું છે કે સરકાર, શિક્ષકો પહોંચી વળે એટલું જ કામ શિક્ષકો પાસેથી લે છે. શિક્ષકો યાંત્રિક રીતે કામ કરે, સર્જનાત્મક ન રહે કે સામે શિંગડા ન ભરાવે એ રીતે તેમની પાસેથી કામ લઈ શકાય છે. જો કે, બોર્ડની પરીક્ષામાં પરીક્ષક તરીકેની કામગીરીમાં શિક્ષકોને જોતરવાની વાત આવી, તો કેટલાક શિક્ષકોએ ફરજ પર હાજર રહેવાનું મુનાસિબ નથી માન્યું. જો કે, તેમની સામે પગલાં ભરવાની વાત પણ છે જ ! આ વખતે ચૂંટણી છે એટલે બોર્ડ વહેલું પરિણામ જાહેર કરવા ઉત્સુક છે. એવે વખતે પરીક્ષકો કામગીરી કરવા હાજર ન રહે તો પરિણામમાં વિલંબ થાય ને તે કોઈને જ ન પરવડે એમ બને. કદાચ વિદ્યાર્થીઓના મત મેળવવા હોય કે વિદ્યાર્થીઓ પાસ થાય તો વાલીઓના મત લોકસભા ચૂંટણીઓમાં પડે એટલે, પણ આ વખતે બને ત્યાં સુધી વિદ્યાર્થીઓને પાસ કરી દેવાની દાનત ચોખ્ખી જણાઈ આવે છે.

ગયે વર્ષે પરીક્ષણ દરમિયાન સોએ બારથી પંદર વિદ્યાર્થીઓ નાપાસ થતા હતા, પણ આ વખતે એ ટકાવારી બેથી ત્રણ પર આવીને અટકે એવી શક્યતાઓ છે. આ ઘટાડો વિદ્યાર્થીઓની બુદ્ધિમત્તા પર આધારિત ન હોય એમ બને. પરીક્ષકોની ખેંચના સમયમાં જે તે વિષયના પરીક્ષક હાજર ન હોય તો જે હાજર હોય તે પણ પેપર તપાસી લે છે. કોમર્સના હજારો વિદ્યાર્થીઓના પેપર જુદા જુદા વિષયના શિક્ષકો સેકશન પ્રમાણે તપાસે છે. સેકશન એ- એક પરીક્ષક તપાસે, બી-બીજો, સી- ત્રીજો એમ છથી સાત પરીક્ષકો દ્વારા એક પેપર તપાસાય છે. આ બધાંની ઉપર એક મૉડરેટર પણ ખરો, જે આખું પેપર પોતે ચેક કરે છે ને જરૂર પડે તો તે માર્કમાં વધારો ઘટાડો પણ કરી લે છે. એક સમય એવો હતો કે આખું પેપર એક જ પરીક્ષક તપાસતો કે સેકશન બે હોય તો બે પરીક્ષક સુધી વાત જતી. હવે સેકશન પ્રમાણે પરીક્ષકોની ભીડ કરવાનું વધુ ચોકસાઇ માટે છે કે વધુ ઉદારતા માટે તે સમજાતું નથી.

એક તરફ પરીક્ષકોની તંગી છે ને બીજી તરફ સેકશન દીઠ પરીક્ષકો ફાજલ પાડવામાં આવે છે. વારુ, આ બધું શુદ્ધ હેતુથી થતું હોય તો, તો પ્રશ્ન જ નથી, પણ દળી દળીને કુલડીમાં-ની જેમ કોઈ પણ રીતે વાત વિદ્યાર્થીને પાસ કરવાની જ હોય તો પરીક્ષાના આવા ભવ્ય તાયફા કરવાની જરૂર ખરી? સાચું તો એ છે કે તટસ્થ મૂલ્યાંકનની વાત ખાસ રહી જ નથી. બોર્ડની પરીક્ષામાં 5 માર્ક લાવનારને 23 માર્કસ સુધીનું ગ્રેસિંગ ભૂતકાળમાં અપાયું હોય ને ગુજરાતીના પેપરમાં લાખો વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય તો પરીક્ષાનું ને શિક્ષણનું શું અને કેવું મૂલ્ય આપણે નીપજાવ્યું છે તે કહેવાની જરૂર નથી. શિક્ષક ભણાવવા માટે પણ છે, એ વાત ભુલાઈ ચૂકી છે, તેનું આ પરિણામ છે.

વિદ્યાર્થીઓને પરીક્ષામાં ડિજિટલ ઘડિયાળ કે મોબાઈલ રાખવાની છૂટ નથી, જ્યારે પરીક્ષકને મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં મોબાઈલ રાખવાની છૂટ છે ને ચાલુ કામગીરી દરમિયાન મોબાઈલ આવે તો પરીક્ષક બહાર જઈને વાત પણ કરી શકે છે. એ ફોન માર્ક સંદર્ભે ન જ હોય એમ માનવાને કોઈ કારણ નથી. ટૂંકમાં, જે પરીક્ષકના ઘરે થઈ શકે તે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં ન જ થાય એવું નથી. ત્રીસેક માર્ક લાવે તો વિદ્યાર્થીને પાસ માર્ક સુધી લાવવાની ગરજ પરીક્ષકની છે. પાસ કરવાની એક સગવડ એવી પણ વધારાઈ છે કે કોઈ વિદ્યાર્થી પુસ્તક પ્રમાણે જવાબ ન લખે, પણ જવાબમાં પ્રશ્નનું હાર્દ આવી જતું હોય, તો તેને ક્રિએટિવ ગણી માર્ક આપવા. મતલબ કે અત્યાર સુધી ક્રિએટિવ જવાબોને સ્થાન ન હતું, પણ હવે તેનો મહિમા વધ્યો છે. કદાચ ચૂંટણીને કારણે હોય એમ બને, બાકી, પાસ કરવામાં કોઈ કસર ન રહે તે માટે બોર્ડ કટિબદ્ધ છે. આ વખતે તો બોર્ડની પરીક્ષાનું પરિણામ 70 ટકા આવવાની વકી છે. ચૂંટણી સંદર્ભે એ કદાચ ઓછું છે. શક્યતાતો એવી છે કે બોર્ડનું પરિણામ 70 નહીં, પણ 170 ટકા આવે. જેનો શિક્ષણ વિભાગ જ ફુલ્લી નાપાસ હોય, તે 70 ટકા લાવે કે 170 ટકા, શો ફરક પડે છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 માર્ચ 2024

Loading

લદ્દાખની ઠંડીમાં આંદોલનની ગરમી : આસમાનથી બચ્યા અને ખજૂર પર અટક્યા?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 March 2024

રાજ ગોસ્વામી

માર્ચ મહિનામાં લદ્દાખમાં તાપમાન માઇનસ ડિગ્રી સુધી જાય છે, પરંતુ બાકી દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ગરમી વધી રહી છે ત્યારે, લેહમાં પણ રાજકીય ગરમીનો પારો ચઢી રહ્યો છે. ત્યાં પર્યાવરણવાદી સોનમ વાંગચુક દ્વારા શરૂ કરવામાં આવેલી ‘આમરણ’ ભૂખ હડતાળ હવે એક મોટો રાજકીય મુદ્દો બની રહી છે. તેમણે છઠ્ઠી માર્ચે ભૂખ હળતાળ શરૂ કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે તેમનો વિરોધ 21 દિવસના તબક્કામાં થશે.

એક સમય હતો જ્યારે દેશભરની ચેનલો સોનમ વાંગચુકનો ઇન્ટરવ્યુ લેવા માટે લદ્દાખની મુલાકાત લેતી હતી. આમિર ખાને તેમના જીવન પર ‘3 ઇડિયટ્સ’ ફિલ્મ બનાવી ફિલ્મો હતી. હવે એ જ સોનમ વાંગચુક શૂન્યથી 10 ડિગ્રી તાપમાનમાં ખુલ્લા આકાશમાં 21 દિવસની ભૂખ હડતાળ પર છે. લદ્દાખના લોકોને અમલદારશાહી નહીં, પરંતુ લોકોનું શાસન જોઈએ છે.

છેલ્લાં બે વર્ષથી લદ્દાખના લોકો તેમની જમીન, નોકરીઓ અને વિશિષ્ટ ઓળખની સુરક્ષા માટે રાજ્યનો દરજ્જો અને બંધારણીય બાંયધરી માટે આંદોલન કરી રહ્યા છે. તેમની ચાર પ્રમુખ માંગણીઓ છે :

1. લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો 

2. છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ 

3. લદ્દાખમાં જાહેર સેવા આયોગની સ્થાપના 

4. લદ્દાખ માટે બે સાંસદો

લદ્દાખની વસ્તી આશરે ત્રણ લાખ છે. લેહ અને કારગિલના જોડિયા જિલ્લાઓનો વહીવટ અગાઉ અનુક્રમે માત્ર બે નાયબ કમિશનરો દ્વારા કરવામાં આવતો હતો. તેનાથી વિપરીત, લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશનું સંચાલન લેફ્ટનન્ટ ગવર્નર, એક સલાહકાર, એક મુખ્ય સચિવ, ત્રણ કમિશનર સચિવો, ચાર સચિવો, એક આઇ.જી. લદ્દાખ પોલીસ, ડી.આઇ.જી., બે એસ.એસ.પી., પાંચ એસ.પી. અને અગાઉની રાજ્ય સેવાઓના પુષ્કળ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે, જેના પરિણામે અમલદારશાહીમાં ગૂંચવણ પેદા થાય છે.

આશ્ચર્ય એ છે કે, ચાર વર્ષથી વધુ સમય પછી, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં ભરતીના ગેઝેટેડ નિયમો નથી, નિવાસસ્થાનની સ્પષ્ટતા નથી અને લદ્દાખમાં સ્વદેશી જનજાતિઓનો અંદાજ – પરંતુ તેની પાસે એક ઔદ્યોગિક નીતિ છે જે પ્રદેશની નાજુક ઇકોલોજી માટે ચિંતા ઊભી કરે છે.

સોનમ વાગચુંગ લદ્દાખ પ્રદેશને ભારતીય બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે ભૂખ હડતાળ પર છે. કેન્દ્ર સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ વાંગચુકે 6 માર્ચે ભૂખ હડતાળ શરૂ કરી હતી. આ માટે તેમણે લેહમાં નવાંગ દોર્જે મેમોરિયલ પાર્કની પસંદગી કરી છે. લદ્દાખના જુદા જુદા ભાગો સહિત દેશભરના લોકો આ ઉપવાસને સમર્થન આપી રહ્યા છે.

19 ફેબ્રુઆરી 2024ની વાતચીતના થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે એક ઉચ્ચસ્તરીય સમિતિની પણ રચના કરી હતી. વાટાઘાટોનો આ રાઉન્ડ 19થી 23 ફેબ્રુઆરી સુધી ચાલ્યો હતો, પછી ફરીથી 4 માર્ચે, પરંતુ કોઈ સમજૂતી થઈ ન હતી.

છઠ્ઠી અનુસૂચિ આદિવાસી અધિકારોના રક્ષણની જોગવાઈ કરે છે. છઠ્ઠી અનુસૂચિ હેઠળના વિસ્તારો સ્વાયત્તતા પણ ધરાવે છે અને જમીન અને અન્ય કુદરતી સંસાધનોના સંદર્ભમાં કાયદા અને નિયમો બનાવી શકે છે. જમ્મુ અને કાશ્મીરને વિશેષ સત્તાઓ આપતી બંધારણની કલમ 370ને કેન્દ્ર દ્વારા રદ્દ કરવામાં આવ્યા બાદ લદ્દાખ 2019માં કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું હતું.

આ મહિનાની શરૂઆતમાં લેહથી બોલતા, સોનમ વાગચુંગે વિરોધ પહેલાં તેમના સંબોધનમાં બે અપીલો કરી હતી; પહેલી આપીલ તમામ લોકોને સરળ જીવન જીવવાની હતી અને બીજી અપીલ કેન્દ્ર સરકારને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં લદ્દાખને સામેલ કરવાના તેના વચનને પૂર્ણ કરવા અને આ પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવા માટેની હતી.

સોનમ વાંગચુક પર્યાવરણની પણ ચિંતા કરે છે. તેમણે કહ્યું હતું “અમે લદ્દાખની ટેકરીઓને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. ભારતીય બંધારણમાં એક ખૂબ જ વિશેષ જોગવાઈ છે, જેને કલમ 244ની છઠ્ઠી અનુસૂચિ કહેવામાં આવે છે. તે લદ્દાખ જેવા આદિવાસી પ્રદેશના લોકો અને સંસ્કૃતિઓને સુરક્ષા પૂરી પાડે છે અને અન્ય લોકોની દખલ વિના આ સ્થળોનો વિકાસ કેવી રીતે કરવો તે નિશ્ચિત કરે છે શકે છે.”

સોનમ વાંગચુકના અંદોલનને ટેકો આપનાર સ્થાનિક રહેવાસી થિનલેસ દોર્જેએ એક હિન્દી મીડિયાને કહ્યું હતું કે અંદોલનને ટેકો આપવા માટે દરરોજ લગભગ એક હજાર લોકો ભૂખ હડતાળ સ્થળ પર આવી રહ્યા છે. સમર્થનમાં આવેલા તમામ લોકો લદ્દાખના સ્થાનિક રહેવાસીઓ અને નાગરિક સમાજ સાથે સંકળાયેલા લોકો છે.

3 ફેબ્રુઆરીના રોજ લેહમાં કડકડતી ઠંડીમાં ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકોએ કેન્દ્ર સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કરવા માટે ભાગ લીધો હતો. પ્રદર્શન ઉપરાંત લદ્દાખ બંધ રહ્યું હતું. તેમાં એપેક્સ બોડી લેહ (એ.બી.એલ.) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ(કે.ડી.એ.)એ બંધ અને પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. આ બંને સામાજિક, ધાર્મિક અને રાજકીય સંગઠનો છે જે લદ્દાખની ચાર માંગણીઓ માટે આંદોલનનું નેતૃત્વ કરી રહ્યાં છે.

બી.બી.સી.એ લદ્દાખમાં કરેલી તપાસમાં લોકો તરફથી ખબર પડી હતી કે કેન્દ્રશાસિત પ્રદેશની રચના પહેલા લદ્દાખના લોકો જમ્મુ-કાશ્મીર પબ્લિક સર્વિસ કમિશનમાં ગેઝેટેડ પદ માટે અરજી કરી શકતા હતા, પરંતુ હવે આ પ્રક્રિયા બંધ થઈ ગઈ છે.

2019 પહેલાં, જમ્મુ અને કાશ્મીર સર્વિસ સિલેક્શન બોર્ડ નોન-ગેઝેટેડ નોકરીઓ માટે ભરતી કરતું હતું અને તેમાં લદ્દાખમાંથી પણ ઉમેદવારો રહેતા હતા. પરંતુ હવે આ નિમણૂકો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કરવામાં આવે છે.

આ કમિશન એક બંધારણીય સંસ્થા છે જે કેન્દ્ર સરકાર માટે ભરતી કરે છે. અલગ કેન્દ્રશાસિત પ્રદેશની રચના થઈ ત્યારથી, લદ્દાખમાં નોકરીઓ માટે નોન-ગેઝેટેડ ભરતી ઝુંબેશ મોટા પાયે હાથ ધરવામાં આવી નથી, જેના કારણે લદ્દાખના યુવાનો ગુસ્સે થયા છે.

કેન્દ્ર સરકારે કલમ 371ની તર્જ પર વિશેષ જોગવાઈઓ લંબાવવાની પેશકશ કરી છે, પરંતુ તેણે છઠ્ઠી અનુસૂચિની માંગને સ્વીકારી નથી. અત્રે એ યાદ રાખવા જેવું છે કે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુનર્ગઠનની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે લદ્દાખ અને કારગિલ બંનેએ આ નિર્ણયને આવકાર્યો હતો કારણ કે ત્યારે તેઓ આને સંપૂર્ણ રાજ્ય તરફ એક પગલાં તરીકે જોતા હતા.

પરંતુ લદ્દાખ લેફ્ટનન્ટ ગવર્નરના નેતૃત્વ હેઠળ વિધાનસભા વિનાનું કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું ત્યારે લોકોનો ઓસરી ગયો હતો. જો કે, તેઓ એવી આશા પર અડગ રહ્યા કે બંને જિલ્લા પરિષદોને છઠ્ઠી અનુસૂચિ હેઠળ સમાન દરજ્જો મળશે.

જો કે, તેમાં પણ કોઈ પ્રગતિ ના થતાં વાંગચુક તેમ જ લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ ગયા વર્ષથી એક થયા હતા.  તેમણે તેમનો પ્રથમ મોટો વિરોધ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2023માં યોજ્યો હતો, જેમાં વાંગચુકે ગયા જૂનમાં બીજો “આબોહવા ઉપવાસ” શરૂ કર્યો હતો. 3 ફેબ્રુઆરી 2024ના રોજ, બંને સંગઠનોએ લેહમાં બંધનું એલાન કર્યું હતું અને તે વખતે સાંસ્કૃતિક ઓળખ, પર્યાવરણ, સ્થાનિક લોકો માટે નોકરીમાં અનામત અને લેહ અને કારગિલ માટે એક-એક સંસદીય બેઠકની માંગ સાથે હજારો લોકો એકત્ર થયા હતા.

લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ લદ્દાખનું અંદોલન પણ રાજકીય ગરમી પકડી રહ્યું છે. વાંગચુકને પણ લાગે છે કે આ જ એક સમય છે જ્યારે તેઓ દેશનું, સરકારનું અને રાજકીય પક્ષોના ધ્યાન તેમની માંગણીઓ તરફ ખેંચી શકે છે.

તેમને લાગે છે કે સરકારને ચૂંટણીની ચિંતા છે, લાદ્દાખીઓની નહીં. એટલા માટે વાંગચુકના સમર્થકો 24મી માર્ચે દેશભરમાં ભૂખ હડતાળ પણ કરવા જઈ રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ તેમની સાથે જોડાઈ રહી હોવાનો તેમનો દાવો છે. તેમને લાગે છે કે કેન્દ્ર સરકાર વચન પાળશે નહીં અને તે લોકો રાહ જોતા રહી ગયા હતા. ચાર વર્ષમાં વિવિધ બેઠકોમાં આ મુદ્દાઓ પર ઘણી વખત ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ 4 માર્ચે સ્પષ્ટ ઇન્કાર કરવામાં આવ્યો હતો.

વાંગચુકે કહ્યું છે કે, “જમ્મુ-કાશ્મીરમાં પુનઃસ્થાપના થઈ રહી છે, પરંતુ લદ્દાખમાં નહીં. જ્યાં સુધી સરકાર તરફથી આશ્વાસન નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન નહીં રોકીએ. કાઁગ્રેસે અમને આ વચન આપ્યુ છે, પરંતુ ભા.જ.પ. એમ નથી કહેતો કે તે પોતાનું વચન પૂરું કરશે. આ મુદ્દો તેમના ઘોષણાપત્રમાં પણ હતો, પણ તે તેને પૂરો નથી કરતા.”

તેમણે કહ્યું હતું કે, “લદ્દાખમાં ભારેભાર ગુસ્સો છે. અમારું આંદોલન ચાલુ છે. લદ્દાખ એક સંવેદનશીલ સરહદ છે, પરંતુ કેન્દ્ર આ બાબતે ગંભીર જણાતું નથી. કેન્દ્રએ વર્ષ 2019માં લદ્દાખના લોકોનું દિલ જીતી લીધું હતું, પરંતુ હવે એવું લાગે છે કે તેમણે અમને આસમાનમાંથી બચાવીને ખજૂર પર અટકાવી દીધા છે.”

એક્સ (અગાઉ ટ્વીટર) પર એક પોસ્ટમાં વાંગચુકે લખ્યું છે, “આ સરકાર ભારતને ‘લોકશાહીની માતા’ કહેવાનું પસંદ કરે છે, પરંતુ જો ભારત લદ્દાખના લોકોને લોકશાહી અધિકારોથી વંચિત રાખતું હોય અને તેને નવી દિલ્હીથી નિયંત્રિત અમલદારોને આધીન રાખતું હોય, તો તેને લદ્દાખના સંદર્ભમાં લોકશાહીની સાવકી માતા જ કહી શકાય.”

લાસ્ટ લાઈન:

“જેને ખુદની વંશાવલી ખબર નથી તે હરામીથી બહેતર નથી, જેને પોતાના દેશનો ઇતિહાસ ખબર નથી તે શરણાર્થીથી બહેતર નથી.”

 – લદ્દાખી કહેવત

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 24 માર્ચ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...615616617618...630640650...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved