Opinion Magazine
Number of visits: 9665108
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાંગ્લાદેશના હિંદુઓઃ અફવા અને હકીકતોની વચ્ચે ભારત સરકારે રાજદ્વારી માર્ગ અપનાવવાની જરૂર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|18 August 2024

ભારત સરકાર જે આટલા લાંબા સમયથી શેખ હસીનાને ટેકો આપતી આવી છે, તેણે અત્યારે બાંગ્લાદેશનું સુકાન સંભાળનાર બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક સરકારનો વિશ્વાસ જીતવો પડશે.

ચિરંતના ભટ્ટ

બાંગ્લાદેશ હજી ભડકે બળી રહ્યું છે, આ આગનો અંત ક્યારે અને કેવો આવશે એની કોઇ સ્પષ્ટતા નથી. શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યો ત્યારથી ત્યાં રહેતા હિંદુઓનો નર સંહાર થઇ રહ્યો છે, ચિત્તગોંગ જેવા સ્થળોએ હિંદુઓની દુકાનો એ રીતે લૂંટવામાં આવી રહી છે જાણે ત્યાં કોઇ કાયદો વ્યવસ્થા છે જ નહીં. હિંદુ અભિનેતા હોય કે હિંદુ ક્રિકેટર હોય – હુમલા, ઘર બાળવાના બનાવો, હિંદુઓની દુકાનો બાળવાની ઘટનાઓ સતત સમચાર બનીને પ્રસરી રહી છે. હિંદુ મહિલાઓ સાથે થતા બળાત્કાર, તેમની હત્યાઓ, તેમના અપહરણ જેવી ઘટનાઓના સમાચાર પણ સતત આપણને મળી રહ્યા છે. કાળજું કંપી ઊઠે એવી ઘટનાઓ છે પણ તેમાં તથ્ય કેટલું છે? એક સમયે જે બાંગ્લાદેશના નાગરિકો એક થઇને સરકારની સામે પડ્યા હતા તેણે હવે આ કોમવાદી જંગાલિયતનું સ્વરૂપ કેવી રીતે લઇ લીધું હશે? 15મી ઑગસ્ટે વડા પ્રધાને લાલ કિલ્લા પરથી સંબોધન કરતા બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓ અને લધુમતીની રક્ષા થવી જ જોઇએની વાત કરી હતી. વળી બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર સંભાળનારા મહંમદ યુનૂસે પણ આ પહેલાં પોતે હિંદુઓ અને લધુમતીઓની રક્ષા કરશેનો મુદ્દો ટાંક્યો હતો.  બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓની સુરક્ષાની ચિંતા કરતા વડા પ્રધાન અને વિદેશ મંત્રી પણ આ નરસંહાર અને બળાત્કાર વિશે હજી કંઇ બોલી નથી રહ્યા તેનું શું કારણ હશે? પણ ખરેખર બાંગ્લાદેશમાં હિંદુઓને મામલે શું સ્થિતિ છે? ત્યાંથી શું હિંદુઓનો રીતસર સફાયો કરાઇ રહ્યો છે? લધુમતી બાંગ્લાદેશમાં ડરના ઓથાર હેઠળ જીવી રહી છે? બાંગ્લાદેશની વચગાળાની સરકાર સંજોગોને કાબૂમાં લાવવા માટે સક્ષમ છે ખરી? ભારત સરકાર ત્યાં વસનારા હિંદુઓ માટે કંઇ કરી શકે એમ છે? આ સવાલો બાંગ્લાદેશની પરિસ્થિતિની આસપાસ ચકરાવા લે તે સ્વાભાવિક છે.

શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં વિરોધીઓએ તો પોલીસને પણ ડાબે હાથે લીધી કારણ કે એ પોલીસે જ સરકારને કહ્યે વિરોધીઓને કાબૂમાં લેવા ભારે દમન કર્યું અને હિંસક વલણ અપનાવ્યું હતું. આવામી લીગના નેતાઓના ઘેરાવ, તેમની પર હુમલા જ નહીં પણ અમુક કિસ્સાઓમાં તો નેતાઓને મોતને ઘાટ પણ ઉતારવામાં આવ્યા. વળી ત્યાં સૈન્ય એટલું સબળું નથી કે બાંગ્લાદેશના ખૂણે ખૂણે પહોંચી જઇ પરિસ્થિતિ સંભાળી શકે. સત્તાની ગેરહાજરીમાં તકવાદીઓએ હિંદુઓ અને લધુમતીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું. કહેનારા તો એમ પણ કહે છે કે જેમ આવામી લીગના નેતાઓ પર હુમલા થયા એમ હિંદુ નેતાઓને પણ નિશાન બનાવાયા. હિંદુ નેતાની હત્યા થઇ, એક હિંદુ સંગીતકારના ઘરને રાખ કરી દેવાયું. બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓને તેમની ધાર્મિક ઓળખને કારણે જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશના મીડિયાના અહેવાલો અનુસાર ત્યાં અત્યારે એકેય એવો વિસ્તાર નથી જ્યાં કોમવાદી હુમલા ન થતા હોય. ભારત સરકાર કે બાંગ્લાદેશ સરકાર એ ચોખવટ નથી કરી રહી કે કેટલા હિંદુઓ માર્યા ગયા છે, કેટલા ઘાયલ થયા છે કારણ કે કદાચ તેમને માટે પણ આ સ્પષ્ટ આંકડો મેળવવો શક્ય નહીં હોય.

બાંગ્લાદેશમાં અશાંતિ ફેલાવનારા ટોળાં એટલા મોટાં છે કે એમ કહેવું કે આ ટોળાંમાં કોણ કયા પક્ષનું હશે મુશ્કેલ નહીં અશક્ય છે. કટ્ટરવાદી પક્ષ જેમ કે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને જમાત-એ-ઇસ્લામી પર તો કોમવાદી હુમલાના આરોપ છે જ પણ સાથે કેટલાક લોકો આવામી લીગ પર પણ આવા હુમલાનો આક્ષેપ લગાડે છે. આમ કહેવામાં તેમનો તર્ક છે કે આવામી લીગ હિંદુઓનું દમન કરીને એમ સાબિત કરવા માગે છે કે જ્યાં સુધી શેખ હસીના ત્યાં હતાં ત્યાં સુધી લઘુમતી સુરક્ષિત હતી. આવામાં બાંગ્લાદેશનું સૈન્ય એક માત્ર ત્યાં વસતા હિંદુઓને બચાવે છે, તેમને સુરક્ષા પૂરી પાડે છે પણ છતાં ય આર્મી માટે બધે પહોંચી વળવું મુશ્કેલ છે. એક હિંદુને ઘરે થયેલા હુમલામાં જ્યારે આર્મીની મદદ માંગવામાં આવી ત્યારે આર્મી સાથે બી.એન.પી. અને જમાતના કાર્યકરોએ પણ ત્યાં પહોંચી મદદ કરી. બાંગ્લાદેશમાં રહેનારા હિંદુઓની હાલત ખૂબ જ ખરાબ છે, પણ સોશ્યલ મીડિયા પર આવનારા દરેક વીડિયોને માની લેવાની જરૂર નથી, કારણ કે ધ્રુવીકરણ કરનારાઓને અત્યારે લોકોની લાગણીઓ સાથે રમવાની મજા આવી ગઇ છે. હિંદુ ક્રિકેટરનું ઘર બાળવાના સમાચાર ખોટા છે – એ મુસલમાન ક્રિકેટર મશર્ફે મુર્તઝાનું ઘર હતું (તે આવામી લીગ સાથે જોડાયેલા ક્રિકેટર છે) તો એક ભડકે બળતા રેસ્ટોરાંને હિંદુ મંદિર કહીને પણ વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરાયો છે. ફેક ન્યૂઝને કારણે બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓની સ્થિતિ છે એના કરતાં બદતર બતાડાઇ છે. ભારતમાં થયેલું અપહરણ, બેંગલુરુમાં થયેલા માસ-રેપ અને એક મુસલમાન પરિવારની કતલને બાંગ્લાદેશમાં થયેલી હિંદુઓ સાથેની ઘટના તરીકે સોશ્યલ મીડિયા પર ચલાવવામાં આવ્યા અને લોકોએ માની લીધા. આવામી લીગના સભ્ય એવા એક સ્થળના મેયરને તળાવમાં પથ્થર મારીને મારવાના પ્રયાસને પણ હિંદુ પરિવારની સ્ત્રીઓના હુમલા તરીકે ખપાવવાનો પ્રયાસ કરાયો. બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાવનારાઓ કરતાં વધારે જોખમી છે આ ડિજિટલ આતંકવાદીઓ જેની ખોટી માહિતીને પગલે બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓની હાલત છે એના કરતાં વધુ બદતર બનાવી દેશે. જો ખરેખર બાંગ્લાદેશમાં હિંદુઓની હાલત આટલી ખરાબ હોત તો કેન્દ્ર સરકાર – ખાસ કરીને નરેન્દ્ર મોદી, અમિત શાહ અને એસ. જયશંકર ચૂપચાપ બેસી ન રહેત. સોશ્યલ મીડિયા પર ચાલનારી બાબતને ડિપ્લોમેટિક જુઠ્ઠાણું બનાવીને ચલાવવાની ભૂલ તો કેન્દ્ર સરકાર કોઇ કાળે નહીં કરે. સરકારને ટેકો આપનારા જમણેરીઓનો આગ ફેલાવવાનો ઉત્સાહ તેમને ભારે પડી શકે છે એ કેન્દ્ર સરકાર સારી પેઠે જાણે છે. ભારતમાં બદલાની આગને ઉગ્ર કરવાની દાનતને કારણકે કટ્ટરવાદીઓ બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ વિશે જે કહે તે માની ન લેવામાં જ સાર છે. વળી ભારત સરકાર જે આટલા લાંબા સમયથી શેખ હસીનાને ટેકો આપતી આવી છે તેણે અત્યારે બાંગ્લાદેશનું સુકાન સંભાળનાર બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક સરકારનો વિશ્વાસ જીતવો પડશે, એટલું જ નહીં તેમને ટેકો પણ આપવો પડશે.

અત્યારે મોહંમદ યુનૂસે જે સભ્યોની ટીમ બનાવીને બાંગ્લાદેશની સરકાર ચલાવવાનું નક્કી કર્યું છે તેમાં હિંદુ સલાહકાર પણ છે અને આદિવાસી સલાહકાર પણ છે. તેઓ ચિવટપૂર્વક લોકતાંત્રિક અને બિનસાંપ્રદાયિક રીતે પરિસ્થિતિ સંભાળવા માગે છે. મહમંદ યુનૂસે પોતાના વક્તવ્યમાં હિંસા અટકાવવા અને ખાસ કરીને હિંદુઓ સહિતની અન્ય લધુમતિઓને હાનિ ન પહોંચે એ માટે તાકીદ કરી છે.  આ ચોક્કસ એક હકારાત્મક બાબત છે પણ નક્કર લોકશાહી, કાયદો અને વ્યવસ્થા વિના બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા સરળ નથી. વળી ભૂતકાળમાં વેસ્ટેડ પ્રોપર્ટી એક્ટ જેવા કાયદાઓને કારણે હિંદુઓ ત્યાં હેરાન પણ થયા છે. નવી સરકારે તટસ્થતાથી ધરમૂળથી બદલાવ કરવા પડશે. એક સમયે બાંગ્લાદેશની વસ્તીનો 30 ટકા હિસ્સો હિંદુઓ હતા અને હવે તે માત્ર 8 ટકા છે.

બાય ધી વેઃ

ભારતે શેખ હસીનાને પાછા બાંગ્લાદેશ મોકલી દેવા જોઇએ. એમને માટે તો હાથનાં કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ છે તો પોતાનાં કર્મોનાં ફળ એમણે ભોગવવાં જ જોઇએ. ભારત તેમને લાંબો સમય આશરો આપશે તો ભારત-બાંગ્લાદેશના સંબંધો પર અસર પડવાની પૂરી શક્યતા છે. ત્યાંના હિંદુઓ કંઇ ભારત આવી જઇને અહીં ભળી જાય તો ચાલે એમ શક્ય નથી. આ કંઇ એવો વખત નથી કે સાકર જેમ દૂધમાં ભળી ગઇ વાળી વાર્તાની માફક બધું પાર પડી જાય. આપણો દેશમાં ઘણા પ્રશ્નો છે, સંકુલ સંજોગો છે અને તેમાં વસ્તીનો પ્રશ્ન સૌથી મોટો છે.  આ સંજોગોમાં ભારતે પાકિસ્તાન અને ચીનના પ્રભાવ સામે ટકી જઇ બાંગ્લાદેશના હિંદુઓને ત્યાંની વચગાળાની સરકાર સાચવી લે તે રીતે રાજદ્વારી સંબંધો વિકસાવવાની જરૂર છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ઑગસ્ટ 2024

Loading

ઉઘાડા કરીને કમાવવાનો માર્ગ શોધ્યો છે હિન્ડનબર્ગે

રમેશ ઓઝા|Opinion - Opinion|18 August 2024

રમેશ ઓઝા

હિન્ડનબર્ગ કોણ છે અને શું કરે છે એનું રહસ્ય શોધી કાઢવા માટે બી.જે.પી.ના આઈ.ટી. સેલના લોકોની અને વિચક્ષણ દેશભક્તોની જહેમતની જરૂર નથી. હિન્ડનબર્ગે પોતે જ તેની વેબસાઈટ પર કહ્યું છે કે, તે “… specialises in forensic financial research…” ફોરેન્સિકનો અર્થ તો તમે જાણો છો. ગુનેગાર અને ગુનાના સ્વરૂપને પકડવા માટે પોલીસ ફોરેન્સિક તપાસ કરતી હોય છે. હિન્ડનબર્ગ પોતાના વિષે કહે છે કે તે એવા લોકોને શોધે છે (કહો કે શિકાર કરે છે) જેનો સિતારો અચાનક ચમક્યો હોય, જેણે સફળતામાં હરણફાળ ભરી હોય, જે શાસકો સાથે મધુર સંબંધ કરાવતા હોય, પ્રશાસનમાં અને વિશેષ કરીને વ્યવસાયિક તેમ જ નાણાંકીય નિયમન વ્યવસ્થામાં વગ ધરાવતા હોય અને પોતાના હિતમાં તેનો ઉપયોગ કરતા હોય. ટૂંકમાં જે શાસકોના બગલબચ્ચા હોય અથવા શાસકો તેના બગલબચ્ચા હોય. દેખીતી રીતે આવા લોકોનું પાથરણ મેલું જ હોવાનું અને એ મેલ શોધવાનું કામ હિન્ડનબર્ગ કરે છે.

પણ શા માટે આવું કામ કરે છે? જો તમે એમ ધારતા હોય કે એ જાહેર હિત ખાતર સત્યને શોધી કાઢવા માટે આ બધું કરે છે તો તમારી ધારણા ખોટી છે. આ કામ પત્રકારોનું છે, કેન્દ્ર સરકારનાં નાણાંખાતાનું છે, ધંધાકીય પવૃત્તિનું નિયમન કરનારી (જેમ કે સિક્યોરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા – સેબી) એજન્સીઓનું છે. પત્રકારનું કામ સત્યને ઉજાગર કરવાનું છે અને બીજાનું કામ સામાન્ય નાગરિકનાં હિતોનું રક્ષણ કરવાનું છે. પણ આજકાલ પત્રકારત્વ અને નિયમન કરનારી એજન્સીઓની સ્થિતિ કેવી છે એ તમે ક્યાં નથી જાણતા. એ બન્ને ઉપર કહ્યા એવા ઠગ માટે કામ કરે છે. એક ઠગનું પાપ છૂપાવે છે અને બીજા ઠગને મદદ કરે છે. માટે હિન્ડનબર્ગે નવો માર્ગ શોધી કાઢ્યો છે અને એ માર્ગ છે, ઉઘાડાં કરીને કમાવાનો. આ જગતમાં અનેક પ્રકારનાં ધંધા વિકસ્યા છે જેમાં હિન્ડનબર્ગે આ ધંધો પકડ્યો છે. આજની દુનિયામાં આજના આ ક્રોની કેપિટાલીઝમના યુગમાં ઠગ શોધવા મુશ્કેલ નથી.

હિન્ડનબર્ગ ઉપર કહ્યું એ રીત અપનાવીને શિકાર શોધે છે. એની બારીકમાં બારીક વિગતો શોધે છે અને તેની છણાવટ કરે છે. એને જ્યારે ખાતરી થાય કે તેની (એટકે કે શિકારની) પોતાના બળ આધારિત ખરી કિંમત માત્ર ચાર આનાની છે અને ભાઈબંધ શાસકો, શાસકીય વ્યવસ્થા, નિયમન તંત્ર અને મીડિયાને મેનેજ કરીને પોતાની કિંમત એક રૂપિયાની કે તેનાથી પણ વધારે હોવાની હવા બનાવી છે ત્યારે હિન્ડનબર્ગ ફૂગાને ફોડે છે. એ પ્રમાણો સાથે સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે આ કંપનીના શેરની પોતાની વાસ્તવિક કિંમત ચાર આના છે, પણ માર્કેટમાં તેનો ભાવ રૂપિયો છે તો એનો અર્થ એ થયો કે ૭૫ ટકા ભાવ ફૂગાવેલો ભાવ છે. એ બહારથી ખરીદેલી અને ઉપજાવી કાઢેલી તાકાત છે તેની પોતાની તાકાત નથી. અને પછી હિન્ડનબર્ગ એ કંપનીના શેર ૭૫ પૈસામાં માર્કેટમાં વેચે છે. આને શોર્ટ સેલિંગ કહેવામાં આવે છે. શેર બજારમાં શોર્ટ સેલિંગ કોઈ નવી વાત નથી, હિન્ડનબર્ગનું શોર્ટ સેલિંગ અલગ પ્રકારનું છે. તે એ ટાર્ગેટ કરેલી કંપનીને પડકાર ફેંકે છે કે માર્કેટમાં ભાવ ટકાવી બતાવે એટલું જ નહીં જો અહેવાલ ખોટો હોય તો નુકસાન ભરપાઈનો હિન્ડનબર્ગ સામે અદાલતમાં જઇને દાવો કરી શકે છે. આવો પડકાર હિન્ડનબર્ગે ૨૪મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ અદાણી જૂથ સામે ફેંક્યો હતો અને તેના શેરમાં શોર્ટ સેલિંગ કર્યું હતું.

એ પછી જે બન્યું એ ઇતિહાસ છે. અદાણીના શેરમાં ગાબડું પડ્યું હતું, અદાણી જૂથના શેરોમાં થયેલા કડાકાને પરિણામે કંપનીની માર્કેટ કિંમતમાં ૧૫૩ અબજ ડોલરનો ઘટાડો થયો હતો, કંપનીએ માર્કેટમાં આવી રહેલા આઈ.પી.ઓ. (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) મુલતવી રાખવો પડ્યો હતો અને હિન્ડનબર્ગે શોર્ટ સેલિંગ દ્વારા ૪૦ લાખ ડોલરની કમાણી કરી હતી. રાહુલ ગાંધીએ લોકસભામાં નરેન્દ્ર મોદી કઈ રીતે અદાણી જૂથને મદદ કરી રહ્યા છે એની પ્રમાણો સાથે વિગતો આપીને જોરદાર ભાષણ કર્યું હતું અને તેનું વેર વાળવા સરકારે સૂરતની અદાલતના ચુકાદાનો ઉપયોગ કરીને રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ્દ કર્યું હતું. વડોદરાની અદાલતે રાતોરાત ઉતાવળે આપેલો ચુકાદો અને સ્પીકરે એટલી જ ત્વરાએ સભ્યપદ રદ્દ કરવાનો લીધેલો નિર્ણય હજુ તાજી ઘટના છે.

લોકસભામાં ત્યારે ભા.જ.પ.ની પોતાની અને શાસક મોરચાની પ્રચંડ તાકાત હતી એટલે વિરોધ પક્ષો સરકારને વધારે ઝૂકાવી શક્યા નહોતા. મામલો સર્વોચ્ચ અદાલતમાં ગયો હતો અને સર્વોચ્ચ અદાલતે બીજી માર્ચ ૨૦૨૩ના રોજ શેર બજારનું નિયમન કરનારી ‘સેબી’ને આદેશ આપ્યો હતો કે બે મહિનાની અંદર આ મામલાની તપાસ કરીને અહેવાલ રજૂ કરે. ભારતમાં ન્યાયતંત્રનો ઉપયોગ માફક ન આવે એવી ચીજને લટકાવવા માટે કરવામાં આવે છે તો જગજાહેર છે અને આવું જ બન્યું.

હવે હિન્ડનબર્ગે કહ્યું છે કે ભારતની સર્વોચ્ચ અદાલતે જે ‘સેબી’ને તપાસ કરવાનું કહ્યું છે એ ‘સેબી’નાં અધ્યક્ષ માધવી પૂરી બૂચે અને તેમનાં પતિ ધવલ બૂચે અદાણીની કંપનીઓમાં રોકાણ કર્યું હતું અને એ રીતે લાભાર્થી હતાં. હવે માધવી પૂરી આ વાતનો સ્વીકાર તો કરે છે, પણ પછી બચાવ કરે છે કે તેઓ ‘સેબી’ના અધ્યક્ષ બન્યાં એ પહેલાંની આ વાત છે. આ બચાવ લૂલો છે, કારણ કે હિન્ડનબર્ગ પણ કહે છે કે તેઓ ‘સેબી’નાં અધ્યક્ષ બન્યાં એ પહેલાંની આ ઘટના છે, પરંતુ એ એ સમયની ઘટના છે જ્યારે માધવી પૂરી બૂચ ‘સેબી’નાં સભ્ય હતાં અને ‘સેબી’માં દરેક સભ્ય એક સરખો દરજ્જો (વન એમંગ ઇકવલ) ધરાવે છે. બીજું સર્વોચ્ચ અદાલતે જ્યારે ‘સેબી’ને તપાસ કરવાનું કહ્યું ત્યારે નૈતિક ધોરણને અનુસરીને માધવી પૂરીએ સર્વોચ્ચ અદાલતને જાણ કરવી જોઈતી હતી તેમનો અદાણી સાથે સંબંધ હતો એટલે તેઓ આ તપાસમાં ભાગ નહીં લે. આ તો સર્વસામાન્ય નૈતિક રિવાજ છે. જજો પણ આવી સ્થિતિમાં કેસ નથી સાંભળતા અને પોતાને અંગ્રેજીમાં કહીએ તો રેસ્ક્યુ કરે છે. માધવી પૂરીએ આ કરવું જોઈતું હતું.

હવે સ્થિતિ પલટાઈ ગઈ છે. હવે લોકસભામાં બી.જે.પી. પાસે બહુમતી નથી અને શાસક મોરચો પણ પાતળી બહુમતી ધરાવે છે. વિરોધ પક્ષો યોગ્ય રીતે જ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા અદાણી જૂથનું કામકાજ, તેની રીતરસમ અને ‘સેબી’ની ભૂમિકા વિષે તપાસ કરવાનો આગ્રહ કરે છે. આવી તપાસ ૧૯૯૨માં હર્ષદ મહેતા કૌભાંડ વખતે, ૨૦૦૨માં કેતન પારેખ કૌભાંડ વખતે અને ૨૦૧૧માં ૨જી સ્પેક્ટ્રમ કૌંભાંડ વખતે રચવામાં આવી હતી. આ કોઈ નવી વાત નથી. ૨૦૧૧માં તો બી.જે.પી.એ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ યોજવામાં આવે એવી માગણી કરીને સંસદનું આખું સત્ર રોળી નાખ્યું હતું અને કાઁગ્રેસ સરકારને ઝુકાવી હતી.

કાયદા મુજબ જો સંસદીય સમિતિ રચાશે તો તેની અધ્યક્ષતા સંખ્યાબળના આધારે બી.જે.પી. કરશે. સમિતિમાં શાસક પક્ષના અને શાસક મોરચાના સૌથી વધુ સભ્યો હશે. વિરોધ પક્ષો સમિતિમાં લઘુમતીમાં હશે, પણ એ છતાં ય સરકાર સમિતિ રચતા અને તપાસ કરાવતા ડરે છે. ડરનું કારણ એ છે કે સમિતિને દરેક ફાઈલ જોવાનો અધિકાર છે. દરેક સંબંધિત વ્યક્તિની જુબાની લેવાનો અધિકાર ધરાવે છે. જો આમ બને તો બધાં જ રહસ્યો બહાર આવી જાય. વિરોધ પક્ષોના સભ્યોને ફાઈલો અને દસ્તાવેજો જોતાં રોકી શકાતા નથી. અઘરા પ્રશ્નો પૂછતા રોકી શકાતા નથી. બસ આટલું પૂરતું છે, પછી સંસદીય સમિતિ બહુમતીના જોરે ગમે એટલી લીપાપોતી કરે. કદાચ એ પણ બહાર આવે કે માધવી પૂરી બૂચને ‘સેબી’માં અદાણીની રખેવાળી કરવા મુકવામાં આવ્યાં હતાં અને તેઓ સોંપેલું કામ કરતાં હતાં.

પણ શા માટે નરેન્દ્ર મોદીની સરકાર તપાસ નકારીને અદાણીને બચાવવા માગે છે? આ એ અદાણી છે જેની સામે વડા પ્રધાને પોતે હજુ બે મહિના પહેલાં આરોપ કર્યો હતો કે અદાણી એ કાઁગ્રેસને ટેમ્પો ભરીને ચૂંટણી લડવા રોકડા પૈસા આપ્યા હતા. અદાણીએ (અને મૂકેશ અંબાણીએ) કાઁગ્રેસને ટેમ્પો ભરીને પૈસા આપ્યા એને કારણે બી.જે.પી.એ લોકસભામાં બહુમતી ગુમાવી હતી અને કાઁગ્રેસની તાકાત બેવડાઈ હતી. વડા પ્રધાને મૂકેશ અંબાણીના ઘરે લગ્નમાં હાજરી આપી હતી અને હવે અદાણીને બચાવવા માગે છે.

શું તમે કારણ નથી જાણતા?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ઑગસ્ટ 2024

Loading

નિર્ભયા મરી ગઈ છે…

નારણ મકવાણા|Poetry|17 August 2024

અકથ શબ્દો 

ગુંગળાઇ મોઢામાં રહ્યાં, 

ફાટી ગયેલી ચીસ

હવાનાં ભારેપણામાં ઓગળી ગઈ,

હાથ બિચારા ઝાંવા મારતા રહ્યાં, 

આંખો આંધળી થઈ ગઈ,

પગના બે ફાડચા કરી નાખ્યાં,

ગુપ્તાંગ ચીરાતું રહ્યું,

વાસનાનો એરુ ડંખ મારતો ગયો, 

નરાધમ, નપાવટ, વહસી બની 

ચામડી ચૂંથતો રહ્યો,

ઓશિયાળી કાળી રાત

મૂંગીમસ થઇ તરફડિયાં મારતા

ઓળાં જોઈ રહી,

સમય પર બળાત્કાર થતો ગયો, 

છતાં ચાલતો રહ્યો,

કોઈ ભણતર કામ ના આવ્યું,

ચીરહરણ થતું ગયું પણ

કોઈ જોવાવાળું ના મળ્યું, 

સિરિયલની જેમ ગીત વાગતું રહ્યું, 

યદા યદા હી ધર્મસ્ય ….

એ રાત રંગમહેલમાં ન હતી, 

હોસ્પિટલમાં હતી,

ચપ્પાના ઘા વડે

કૂમળી કાકડીને કચુંબર કરી નાખી,

શું થશે એનો ઈલાજ???

આપણે કેવાં નપાણિયા થઈ ગયા છીએ 

કે કોર્ટ ન્યાય આપશે, અપાવશે …

શું બધું સંવિધાન પર છોડવું ઉચિત છે, 

ગુનેગાર છાકટા થઇ ફરે છે, 

આખલા થઈ આળોટે છે,

આપણે શું આવું ભોગવ્યા કરવાનું, 

જોયાં કરવાનું,

દેશમાં અચ્છે દિન આવશે, 

સોનાનો સૂરજ ઊગશે,

ખિન્ન થઈ જાય છે મન,

સુન્ન થઈ ગયા છે વિચારો, 

કોનાં પર ભરોસો મૂકવો?

સભા કરો

નારા લગાવો

મીણબત્તીઓ સળગાવો

પણ ….

જેનો આત્મા મરી જાય 

એના શરીરનો દીપ ફરી કદી નહીં પ્રગટે, 

ઓમ શાંતિ .. શાંતિ .. શાંતિ …. 

૧૬/૦૮/૨૦૨૪

Loading

...102030...600601602603...610620630...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved