Opinion Magazine
Number of visits: 9456022
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કટોકટી અને નવા રાજકીય ધ્રુવીકરણની ઈતિહાસ પ્રક્રિયા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 July 2025

ત્યારના દિવસોમાં જવાહરલાલ પછી તરત જ યુવાનોમાં જેમની સ્વીકૃતિ અને રાજકારણમાં પ્રતિભા લેખાતી હોય એવા અલબત્ત જયપ્રકાશ હતા

જવાહરલાલ નેહરુ અને જયપ્રકાશ નારાયણ

હજુ ચિત્તમાં પચાસી આસપાસનો દોર જારી છે, પણ આજે 1975થીયે છ વરસ પાછળ 1969માં જવા ચાહું છું. જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રી ગયા પછી ‘ગુંગી ગુડિયા’ ઇંદિરા ગાંધી વડાં પ્રધાન બન્યાં હતાં અને 1967ની લોકસભાની ચૂંટણી કાઁગ્રેસ હાંફતે હાંફતે જીતી હતી. 

એમની ખરેખરની ને ખરાખરીની પારી 1969માં શરૂ થઈ જ્યારે એમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પક્ષના સત્તાવાર ઉમેદવાર સંજીવ રેડ્ડીને બદલે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ગિરિને ‘અંતરાત્માને ધોરણે’ ટેકો આપવાની બાજી ખેલી હતી. (સદા સન્નધ્ધ આચાર્ય કૃપાલાણીએ ત્યારે માર્મિક ટિપ્પણી કરી હતી કે આપણે ક્યાં વાલિયા જેવા મોટા લૂંટારા છીએ કે અંતરાત્મા જાગે અને વાલ્મીકિ બનીએ? આપણે તો સાવ સાધારણ ચોટ્ટા છીએ – આપણે ‘અંતરાત્મા’ કેવો ને વાત કેવી!)

1969ના જુલાઈમાં જ ઇંદિરાજીએ બાકી કાઁગ્રેસ શ્રેષ્ઠીઓની સહમતિની પરવા કર્યા વગર 14 બેંકોના રાષ્ટ્રીયકરણની જાહેરાત કરી હતી. વળી, આ સ્તો એ ગાળો હતો જ્યારે એમણે નાયબ વડા પ્રધાન મોરારજી દેસાઈ પાસેથી નાણાં ખાતું લઈ લીધું હતું. દેસાઈના શબ્દોમાં ‘મને રીંગણા-બટેટાની પેઠે ફેંકી દેવાયો છે!’ (કોઈકે વળતું ફટકાર્યું’તું : ‘કિચન કેબિનેટ પાસે બીજી શી અપેક્ષા રાખી શકો!’)

1969થી શરૂ થયેલો આ ઘટનાક્રમ પછીનાં બેચાર વરસમાં જ જયપ્રકાશને એમનાં દેખીતાં બિયાબાં વરસોમાંથી સહસા રાજકીય-રાષ્ટ્રીય કેન્દ્રમાં લઈ આવવાનો હતો. હમણાં બેંક રાષ્ટ્રીયકરણનો ઉલ્લેખ કર્યો અને જયપ્રકાશ સહસા સાંભરી આવ્યા તે ય સાભિપ્રાય છે. ઇતિહાસમાં પાછે પગલે જઈએ તો છેક 1953માં જવાહરલાલે (એમની એકચક્રી આણના સંજોગોમાં) જાહેર વસવસો પ્રગટ કીધો હતો કે સ્વરાજનિર્માણના આજના તબક્કે આંબેડકર, કૃપાલાની, જે.પી. વગેરે અમે સાથે ન હોઈએ એ કેવું કહેવાય. એટલેથી જ નહીં અટકતા એમણે સમાજવાદી સાથીઓને સરકાર સાથે સંકળાવા ઈજન દીધું હતું. 

ત્યારના દિવસોમાં જવાહરલાલ પછી તરત જ યુવાનોમાં જેમની સ્વીકૃતિ અને રાજકારણમાં પ્રતિભા લેખાતી હોય એવા અલબત્ત જયપ્રકાશ હતા. કંઈક પરિભાષિત – કંઈક અપરિભાષિત રૂપે જવાહરલાલ એમને પોતાના અનુગામી રૂપે જુએ છે એવીયે આમ છાપ હતી. દાયકા બાદ 1964માંયે નેહરુના નિધન પછી લાલ બહાદુર શાસ્ત્રીએ સૂચવેલું પહેલું નામ જયપ્રકાશનું હતું.

જરા લાંબે પને આ વાત ચાલે છે, પણ વેળાસર કહી દઉં કે જયપ્રકાશ વ્યક્તિગત સત્તાના અર્થમાં જોડાવા આતુર નહોતા. પરંતુ સમતાલક્ષી કાર્યક્રમને ધોરણે સહમતિ બને તે દૃષ્ટિએ એમણે આપેલી વળતી નોંધમાં બેંક રાષ્ટ્રીયકરણ સહિતના સમાજવાદી મુદ્દા હતા. તે વખતે વાત આગળ ન વધી પણ 1953માં આવેલો રાષ્ટ્રીયકરણનો મુદ્દો 1969માં જરા જુદી રીતે ફેર ઊછળ્યો અને કાઁગ્રેસના ભાગલાથી માંડી કટોકટી અને નવા રાજકીય ધ્રુવીકરણ સહિતની એક આખી ઇતિહાસ પ્રક્રિયાને એણે મરોડ આપ્યો. આ મરોડમાં ભ્રષ્ટાચાર અને એકાધિકારના સપાટાએ જયપ્રકાશને વળી ચિત્રમાં આણ્યા.

વારુ, વચલી વાતો કુદાવી કટોકટીની જાહેરાત પછીની સંસદીય ચર્ચા પર આવી જાઉં? ઉમાશંકર જન્મજયંતી સંભારીને અગાઉ મેં એમના રાજ્યસભાના સંબોધનને યાદ કર્યું જ છે. હવે, અહીં છેક 1953થી દેશનાં પ્રગતિશીલ પરિબળો જે માંગ ઊઠાવી રહ્યા હતાં એ બેંક રાષ્ટ્રીયકરણનું ઉદાહરણ લઈને લોકસભામાં કટોકટીકાળે થયેલ એક વક્તવ્યની થોડીક ઝલક :

‘1969માં જે વિભાજન થયું તે હકીકતમાં કોઈ કાર્યક્રમને લઈને નહોતું થયું, વ્યક્તિઓને લઈને થયું હતું. આમ છતાં મારા જેવા એ આશામાં ભળ્યા કે હવે આ લોકો કાર્યક્રમ પર અમલ કરવાને બંધાયેલા રહેશે. જુલાઈ ’69માં બેંગ્લોર અધિવેશનમાં બેંકોના રાષ્ટ્રીયકરણ માટેના મારા ઠરાવને બહુમતીનો ટેકો હતો. આમ છતાં જેણે મને એ ઠરાવ પાસ કરવા પર બહુ જોર ન દેવા સમજાવેલું તે જ ઇંદિરા ગાંધીએ ત્યાર બાદ એક અઠવાડિયામાં વટહુકમ બહાર પાડી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી નાંખ્યું!

આમાં કોઈ સિદ્ધાંતો માટેનો પ્રેમ વહ્યો જતો હતો એમ નહોતું, પરંતુ એમના પોતાના પદ પર ખતરો ઊભો થયો હતો. ભૂતપૂર્વ રાજવીઓનાં સાલિયાણાં ઠરાવેલી મુદ્દતમાં બંધ કરવાના ઠરાવની તરફેણમાં અમે મતદાન કર્યું ત્યારે એમનો વિરોધ હતો તે હું પોતે જાણું છું.’ આ બધું સંભારી મોહન ધારિયાએ ઉમેર્યું હતું: ‘1969 હો કે 1975, મારે દુ:ખપૂર્વક કહેવું પડે છે કે જ્યારે જ્યારે પ્રધાન મંત્રીના પોતાના પદ પર આફત ઊતરી છે ત્યારે જ આકરાં પ્રગતિશીલ પગલાં ભરવાનું એમને સૂઝ્યું છે. વ્યક્તિગત કટોકટીને રાષ્ટ્રીય કટોકટી તરીકે ખપાવવામાં આવી છે.’

તેજતર્રાર કાઁગ્રેસ સાંસદ શશી થરુરે હમણાં કટોકટીની પચાસ વરસી નિમિત્તે લખતાં પોતાના પક્ષ અને તત્કાલીન નેતૃત્વ વિશે ખૂલીને વાત કરી છે. નવજીવન સારુ લાલાયિત કાઁગ્રેસને એ આત્મમંથન સારુ ચોક્કસ ઉપયોગી થઈ પડે એમ છે. જો કે, આ લખનાર કાઁગ્રેસ-ભા.જ.પ. સહિત સહુનું ધ્યાન લેખના ઉપસંહારમાં થરુરે તારવેલ બોધપાઠ તરફ ખેંચવા આતુર છે : એમાં પણ, ભા.જ.પ. અને એના ચાહકોને જાતતપાસ સારુ એથી કિંમતી મદદ મળી રહેશે.

થરુરે કહ્યું છે કે આપણી અત્યારની રાજકીય આબોહવામાં એ દિવસોનો એક મોટો બોધપાઠ એ છે કે સંસદીય બહુમતી ધરાવતી મગરૂર કારોબારી સત્તા લોકશાહી વાસ્તે ખાસી જોખમી પુરવાર થઈ શકે છે. એમાં પણ પોતે કદાપિ ભૂલ કરી શકે જ નહીં એવા તોરમાં ને તોરમાં લોકશાહી પ્રથા માંહેલાં અંકુશ ને સમતુલાની કશી તમા વગર ચાલવાનું એનું વલણ હોય તો તો પૂછવું જ શું.

નોંધ્યું તમે? ‘આપણી અત્યારની રાજકીય આબોહવામાં …’

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 30 જુલાઈ 2025

Loading

જંગલમાંથી રસ્તો ગયો

સૌરભ પાંડે ‘भँवर’ [મૂળ હિન્દી પરથી અનુવાદ : રૂપાલી બર્ક]|Poetry|29 July 2025

જંગલમાંથી રસ્તો ગયો
રસ્તા પરથી લોકો ગયા
રસ્તાના કિનારે શહેર વસ્યું
દિવસ, મહિનો, વર્ષો વિત્યાં
ધીરે ધીરે જંગલ જવા લાગ્યું

પછી શહેરમાં પૂર આવ્યું
પ્રગતિને વહાવી ગયું
પરિવર્તનની તિરાડોમાંથી હવે
જંગલ ફરી ડોક્યું કરી રહ્યું છે
એની જમીન પાછી માગી રહ્યું છે.

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

રમેશ સવાણી|Diaspora - Features|29 July 2025

27 જુલાઈ 2025ના રોજ સવારે 6.30 વાગ્યે અમે આગળના મુકામે Omaha જવા રવાના થયાં. રસ્તામાં ધરતીનું સૌંદર્ય નિહાળવા અમે બપોરે 2.30 Lincoln City – લિંકન સિટી પહોંચ્યા. લિંકન શહેર નેબ્રાસ્કા રાજ્યની રાજધાની છે. જો કે નેબ્રાસ્કા રાજ્યનું સૌથી મોટું અને મુખ્ય શહેર તો ઓમાહા છે.

ઓમાહા, 1854માં, નેબ્રાસ્કા પ્રદેશની પ્રથમ રાજધાની હતી, પરંતુ 1867માં રાજધાની લિંકન શહેરમાં ખસેડવામાં આવી. લિંકન સિટીમાં વિધાનસભાની ઈમારત અને બહારથી જ જોઈ. ભવ્ય ઈમારત છે. આ ઈમારતનો ટાવર 400 ફૂટ (120 મીટર) ઊંચો છે, જે વીસ માઇલ (32 કિલોમીટર) દૂરથી જોઈ શકાય છે. આ ઈમારતમાં નેબ્રાસ્કાના ગવર્નર, નેબ્રાસ્કા સુપ્રીમ કોર્ટ, નેબ્રાસ્કા કોર્ટ ઓફ અપીલ્સ અને નેબ્રાસ્કા વિધાનસભા છે. આ ઈમારત તાજી બની હોય તેવું લાગે પણ તે 1922 થી 1932 દરમિયાન બનેલી છે. કેપિટોલમાં 15 માળ છે.

લિંકન સિટીનો અલપઝલપ આંટો મારી અમે બપોરે 3.30 વાગ્યે ઓમાહા પહોંચ્યા. ચા-પાણી કરી અમે ઓમાહા શહેરમાં લટાર મારવા નીકળ્યા. ઓમાહા મિઝોરી નદીના કિનારે વસેલું છે. રાજધાની ન હોવા છતાં, ઓમાહા વ્યવસાય, નાણાં અને પરિવહન માટેનું એક મુખ્ય કેન્દ્ર છે.

આ શહેરમાં વિવિધ જગ્યાએ કાંસ્ય શિલ્પો, ભીંતચિત્રો દ્વારા ઓમાહાના ઇતિહાસ, સંસ્કૃતિ અને સમુદાય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ‘Omaha Public Art Displays’ શિલ્પકળાની દૃષ્ટિએ અદ્દભુત છે. કાંસ્યના આ શિલ્પોમાં ચાર અગ્રણી પરિવારો અને તેના ઢંકાયેલા વેગન છે જે ઓમાહાથી પશ્ચિમ તરફ સૂકી ખાડી પર રવાના થઈ રહ્યા છે તે રીતે દર્શાવેલ છે. મૂળનિવાસી મોર્મોન્સ સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો અને તેમને પશ્ચિમમાં ઉટાહ ખસેડવામાં આવ્યા હતા. તે ઘટનાને આ શિલ્પો જીવંત કરે છે. તેમની હિંમત અને ભાવનાને ઉજાગર કરે છે કારણ કે તેઓ અજાણી જગ્યાએ જાય છે અને તેમનાં સપનાં અને આકાંક્ષાઓ સિવાય તેમની સાથે બીજું કંઈ નથી. પશ્ચિમ તરફ મુસાફરી કરતા પરિવારો તેમની સાથે વ્યક્તિગત સંપત્તિ લાવ્યા ન હતા કેમ કે આવી વસ્તુઓ સ્થળાંતર સમયે સાથે લઈ જવી શક્ય નહોતી. મોટા ભાગના લોકો રસ્તા પર ચાલતા હતા, વેગનમાં પુરવઠો અને સાધનો હતાં. મહિલાઓ બાળકો સાથે ચાલતી હતી. 1800ના દાયકાના મધ્યમાં મોર્મોન્સ સમુદાયનું જીવન કેવું હશે, જ્યારે પરિવારો નવી જગ્યાએ નવા જીવનની તક માટે પોતે મૂળ સોતા ઉખડી જતા હતા. આ શિલ્પો એવી રીતે ગોઠવ્યા છે કે મુલાકાતીઓ ચાલતા ચાલતા મોર્મોન્સ સમુદાયના સ્થળાંતરની કલ્પના કરી શકે છે. 

ઓમાહામાં વોરેન એડવર્ડ બફેટ (જન્મ 30 ઓગસ્ટ, 1930) રહે છે. તેમની ઉંમર 95 વરસની થઈ છે. તે સાદા ઘરમાં રહે છે અને સાદી કાર વાપરે છે. તે અમેરિકન રોકાણકાર અને દાનવીર છે. જે બર્કશાયર હેથવે નામની હોલ્ડિંગ કંપનીના ચેરમેન અને સી.ઈ.ઓ. છે. તેમની રોકાણ સફળતાનાં પરિણામે, બફેટ વિશ્વના સૌથી જાણીતા રોકાણકારોમાંના એક છે. ફોર્બ્સ અનુસાર, મે 2025 સુધીમાં, બફેટની અંદાજિત નેટવર્થ 160.2 બિલિયન ડોલર હતી, જે તેમને વિશ્વના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ બનાવે છે. તેમની ખાસિયત એ છે કે અદાણી / અંબાણી જેવો કોઈ દેખાડો કરતા નથી, બિલકુલ સાદું જીવન જીવે છે અને વધારે ડોનેશન આપે છે. તેમણે વિવિધ સખાવતી સંસ્થાઓને 60 બિલિયન (રૂપિયા 5,201,542,428,000)થી વધુનું દાન આપ્યું છે. ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

28 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...59606162...708090...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved