Opinion Magazine
Number of visits: 9665101
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આખો જન્મારો તને આંખ્યુંમાં રાખું, મને વ્હાલું લાગે છે તારું મુખ

રમજાન હસણિયા|Opinion - Opinion|4 September 2024

અરુણભાઈ ભટ્ટ સંગાથે રમજાનભાઈ હસણિયા

આજે સાંજે ચાલવા ગયા ત્યાં મિત્ર રામે સમાચાર આપ્યા કે અરુણભાઈ ભટ્ટે વિદાય લીધી. હું એકાદ ક્ષણ ધબકારો ચૂકી ગયો ! ધરતી પરથી કોઈ ઓલિયો ફકીર જતો રહ્યો હોય ને ધરા વામણી બની ગઈ હોય એવું અનુભવ્યું.  અરુણભાઈના નિકટના સ્વજનોની યાદીમાં હું ક્યાં ય ન આવું ને છતાં એ મારાં સૌથી નજીકના સ્વજનોમાં આવે. આમ તો સાધુને સૌ પોતાના હોય એ ન્યાયે જ્યારે જ્યારે મળ્યા છીએ ત્યારે જાણે પૂરવ ભવના સંગાથી હોઈએ તેવું અનુભવ્યું છે.

અરુણભાઈને બિલકુલ ન્હોતો ઓળખતો ત્યારે પહેલી વાર સાંઈ મકરંદની ભૂમિમાં એક વ્યાખ્યાન નિમિત્તે જવાનું થયેલું. હું પ્રિય કવિની ભૂમિના કણકણને સંવેદતો ફરી રહ્યો હતો ને ત્યાં સામે એવું કોઈક આવી ગયું કે જેમના ચરણમાં સહજ ઝુકાઈ ગયું. મને અંગતભાવે વિનોબાનું ઘેલું આકર્ષણ છે. એમને પ્રત્યક્ષ ન જોયાનો રંજ મનમાં ઘણીવાર અનુભવાતો. એ રંજ ઓગળી ગયો જ્યારે મેં પહેલી વાર અરુણભાઈને જોયા. અરુણભાઈ તો દેખાવે ને સ્વભાવે વિનોબા જ લાગે ! એમણે વિનોબાને કેટલા ચાહ્યા હશે કે સ્વયં વિનોબારૂપ બની ગયા !  કોઈને અતિશયોક્તિ લાગી શકે પણ હું તો મારો અનુભવ કહું છું. બીજાનો જુદો હોઈ શકે. એમની નિકટના સૌ જાણે કે તેઓ કોઈને પગે લાગવા ન દે. મને એમણે પગે લાગતા રોક્યો નહિ. કેમ જાણે મારાથી સહજભાવે કહેવાઈ ગયું કે હું તમને નહિ વિનોબાને પગે લાગું છું. એમણે મંદ સ્મિત કર્યું.  મરકતાં મરકતાં જાણે કહી રહ્યા હતા કે, ‘હું જાણું છું.’ અમારો એ એટલો જ સંવાદ અંતરના તાર એવા તો સાંધી ગયો કે જે એમના જવાથી પણ નહિ છૂટે.

એ પછી તેઓ કાર્યક્રમમાં મળ્યા. હું મોટે મલાવે ભાષણ કરી રહ્યો હતો ને તેઓ મીઠું સ્મિત વેરતાં સામે બેસી રહ્યા હતા. આજે વિચારું છું ત્યારે સંકોચ થાય છે કે અધિકારીજન ચૂપ હતા ને ખાલી ઘડો વાગી રહ્યો હતો. એમની આંખોનું તેજ ને ચહેરા પરની પ્રસન્નતા મને ચુંબકની જેમ ખેંચી રહ્યાં હતાં. બહુ જ ઓછું બોલતા મેં એમને સાંભળ્યા છે. છતાંયે કાંઈ કેટલું ય જાણે એમની આંખોએ મને કહી દીધું છે.

અમારું પ્રથમ મિલન પણ નંદીગ્રામમાં અને અમારું અંતિમ મિલન પણ નંદીગ્રામમાં જ થયું. નંદીગ્રામ આમ પણ મિલનની ભૂમિ છે. લંકાવિજય કરીને ઘરે પરત ફરતા શ્રીરામ પ્રથમ ભાઈ ભરતને મળવા નંદીગ્રામ પધાર્યા છે. જ્યાં વર્ષોના છુટા પડેલા ભાઈઓ મળેલા એ નામ ધરાવતી ભૂમિમાં અમે બીજીવાર મળ્યા. વળી મારે ત્યાં વક્તવ્ય માટે જવાનું થયેલું. ત્યારે ઉતારે સામાન મૂકીને અમે સાંઈના કક્ષને સલામ ભરી વિમલભાઈ સાથે ભોજન લેવા જઈ રહ્યા હતા ને રસોડામાં પ્રવેશતાં જ સામે દર્શન થયા અરુણભાઈ ભટ્ટના. ભોજનખંડ એમની હાજરીથી ભજનખંડ બની ગયેલો અનુભવ્યો. એમનું મંદ મંદ સ્મિત અને આંખોમાંથી ઝરતું અમી મને એવું ભીંજવી ગયું કે મેં જે ખાધું તે સઘળું અરુણું અરુણું લાગ્યું ! એમની પાસે બેસીને જમાડતા અમીબહેનમાં મીરાંબહેનના દર્શન કરી ધન્ય થયો.

અરુણભાઈ ભટ્ટ

ભોજન પછી અમે એમનાં ઉતારે દોડી ગયા. નાદુરસ્ત તબિયત હોવાં છતાં એમનાં ચહેરા પરનું સ્મિત લગીરે ઓછું ન્હોતું થયું. હું તો અધિકારપૂર્વક એમનાં પલંગ પર એમની સાવ નજીક બેસી ગયો ને પગ દબાવવા લાગ્યો એટલે તેમણે માર્મિક હાસ્ય વેરતાં કહ્યું કે, ‘ભાઈ અત્યારના છોકરા વડીલોને ભારે દબાવે છે !’ મેં પગ દબાવવાનું ચાલુ રાખ્યું ને એમણે મને એમ કરવા દઈને મારી ઈચ્છા પૂર્ણ કરી. એમનો હાથ મારા હાથ, પીઠ ને માથા પર ફરતો રહ્યો ને હું તરબતર થતો રહ્યો એમની પ્રેમવર્ષામાં. અવાજ બહુ જ ધીમો થઈ ગયેલો એટલે હું એમની વધુ નજીક જઈ શક્યો. બોલવા માટે ધીમો પડી ગયેલો અવાજ કબીરનું પદ ગાવા સહજ મોટો થઈ ગયો. એમનું વ્હાલ વરસતું રહ્યું ને ટપકતી રહી મારી આંખ. અમારાં આ મૌન સંવાદને સાથે આવેલા રામ આદિ વિદ્યાર્થી મિત્રો કદાચ કુતૂહલવશ જોઈ રહ્યાં હશે, પણ મને તો એની ભાન સુધ્ધાં ન રહી. અરુણભાઈના ઘરે જઈ એમની સાથે રહેવાનું મન થઈ ગયું ને એમણે પ્રેમથી કહ્યું જરૂર આવજો. આ ઈચ્છા અધૂરી જ રહી. બે ચાર વખત જવાનું વિચાર્યું, ગોઠવ્યું ને કોઈને કોઈ કારણસર ન જવાયું. કદાચ કુદરત અમારા અનુબંધને નંદીગ્રામ સાથે જ બાંધી રાખવા માંગતી હશે.

અમારી ભાવભીની એ ક્ષણોમાં વાતવાતમાં હરિ મળશે કે નહિ એવી વાત મારા મોઢે આવી ગઈ ને એક ઋષિ વચન આપે તેમ તેઓ બોલી ઉઠ્યા, ‘જરૂર મળશે ..’ મને થયું કે મારી લાયકાત તો કદાચ સાત ભવે પણ થાય કે કેમ પણ આવા સાધુજનોની આજ્ઞા થકી હરિને આવવું પડશે એ નક્કી. અરુણભાઈ સાથેની આ ક્ષણો મારા એ પ્રવાસની સૌથી મહામૂલી ક્ષણો હતી. એમની સાથેના મૌન સંવાદને તો મારે કેમ વાચા આપવી ? એમનાં જેવું સ્મિત કરતાં પણ નથી આવડતું કે જેનાથી વ્યક્ત થાઉં !

અરુણભાઈનો એ અપૂર્વ પ્રસાદ લઈ અમે સાંઈના નિવાસ ભણી ડગ માંડ્યા. આજે વાતવાતમાં રામે કહ્યું કે એમની પાસે બેસીએ તો વાઈબ્રેશન કેવા સરસ આવે નહિ ? ને મારું અંતર બોલી ઉઠ્યું કે, ‘હું ઘણા સાધુ સંતોને મળ્યો છું ને સૌને માટે મારા મનમાં પ્રેમાદર છે. તેમ છતાં મારે કબુલવું જોઈએ કે જેવી સાધુતા મેં અરુણભાઈના સાનિધ્યમાં અનુભવી છે એવી અન્ય કોઈના સાનિધ્યમાં અનુભવી નથી. એમના પવિત્રત્તમ પરમાણું જેમણે અનુભવ્યા હશે તેઓ આ વાતમાં અચૂક હામી ભરશે.

મૂળદાસજીનું જાણીતું ભજન છે કે, 

‘અનુભવીને એકલું આનંદમાં રહેવું રે ;

ભજવાં શ્રી પરિબ્રહ્મ, બીજું કાંઈ ન કહેવું રે…  

અરુણભાઈ બહુ સારા ભજન ગાતાં એવું સૌ કહે છે. એ બહુ મીઠું બોલતા હશે. એમણે કરેલી મીરાંબહેનની ચાકરી વિશે પણ મેં કેવળ સાંભળ્યું છે. પણ મને તો મૂળદાસની પંક્તિને સાર્થક કરતા અરુણભાઈ જ મળ્યા છે. એમને મેં અનુભવ્યા છે કોઈ દિવ્ય આનંદલોકમાં રમમાણ કરતા સાધક તરીકે, જેની ભીતર નિરંતર ભજન ચાલ્યા કરતું હોય એવા સાધક તરીકે, ગંગાસતીને અભિપ્રેત છે એમ આઠે પહોર આનંદમાં રહેતા સાધુજન તરીકે ને મેં તો ચુપચાપ ચાહ રહી એમ કહેતી સુન્દરમ્‌ની સાધિકા તરીકે !

મકરંદભાઈના નિવાસની પડખે એક ઓરડામાં જ્યારે અમે મળેલા ત્યારે સુતે સુતે એમણે બે પદ સંભળાવેલાં. એમાંનું એક હતું – ‘આખો જન્મારો તને આંખ્યુંમાં રાખું, મને વ્હાલું લાગે છે તારું મુખ’ તમે તો હરિને આંખ્યુંમાં રાખ્યા. હું તો તમને રાખીશ કેમ કે મને શ્રદ્ધા છે કે તમને મળવા હરિ મારી આંખ્યુંમાં જરૂર આવશે !

સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગઝલ

સિદ્દીક ભરૂચી|Opinion - Opinion, Poetry|4 September 2024

તમને  મહોબ્બતોથી  અમારી  નજર મળે,

સ્વાગત  તમે  નહિ  કરો ભેટો અગર મળે.

આંખોમાં આવી સૌને પરિચિત છું શહેરમાં,

ઓળખ અમારી ક્યાંથી તમારા વગર મળે.

મારી વફાની બીજી શું  સાબિતી  દઈ શકું,

સદીઓ પછીય તમને અમારી  કબર  મળે.

હર આદમી   હવે  અહીં  જૂનો નથી રહ્યો,

હરપળ બદલતાં વસ્ત્રોથી નવલું નગર મળે.

અહિયાં સુગંધી આગમન ચોક્કસ થયું હશે,

જે રાહમાં ડગ જાય  ત્યાં એની અસર મળે.

ભરૂચ
e.mail : siddiq948212@gmail.com

Loading

પુસ્તક નિર્દેશ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|4 September 2024

‘બળવંત નાયક : પ્રતિનિધિરૂપ સાહિત્યસર્જન’, સંપાદક : વલ્લભ નાંઢા, પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, યુનાઇટેડ કિંગ્ડમ, પાનાં 384, રૂ.500 

ડાયસ્પોરાના એટલે કે દરિયાપારના ગુજરાતી સાહિત્યકારોમાં ‘બિલનાઈટ’ તરીકે ઓળખાતા બળવંતભાઈ નાયક (1920-2012) નામાંકિત પત્રકાર, નવલકથાકાર અને ગદ્યલેખક હતા.

વાપીમાં જન્મેલા બળવંતભાઈએ મુંબઈમાં વિલ્સન કૉલેજમાં ભણીને પત્રકારત્વ કર્યું. યુગાન્ડામાં વસવાટ દરમિયાન ઇદી અમીને કરાવેલી સામૂહિક હદપારી તેમને સપરિવાર લંડન લઈ ગઈ.

ત્યાં તેમણે ચાર સદી વસવાટ કર્યો, અને ભાષા-સાહિત્યના અધ્યાપન તેમ જ લેખનની પ્રવૃત્તિઓ કરી. પ્રસ્તુત પુસ્તકના છ્યાંશી વર્ષના સંપાદક પણ દેશાવરના જાણીતા વાર્તાકાર અને નવલકથાકાર છે.

નેવું લખાણોને આઠ વિભાગમાં રજૂ કરતો આ સંચય બળવંત નાયકના વિષય અને રુચિવૈવિધ્યનો બરાબર નિર્દેશ કરે છે. સ્વિટ્ઝર્લૅન્ડ પરના ચાર લેખોનો પ્રવાસ-વિભાગ સહુથી વાચનીય છે.

વિદેશી ભૂમિ પર આકાર લેતી વાર્તાઓમાં પાંચ મૌલિક અને બે રૂપાંતરિત છે. ‘સર્જક અને સર્જન’ વિભાગના વીસ લેખોમાંથી પાંચ લેખો ગુજરાતી સાહિત્ય પરના અને અન્ય વિશ્વસાહિત્યના છે. તેમાં ઉત્તમ કૃતિ કે લેખકના જીવનસર્જન કેન્દ્રમાં હોય છે.

ભારતમાં સામાજિક ક્રાન્તિ, માવતરનો મહિમા, સુખ ફરજાપરસ્તી, બ્રિટનના યુવાવર્ગની દિશાશૂન્યતા જેવા વિષયો પરના નિબંધોનો એક વિભાગ બને છે. રાજકારણ પરના કેટલાક લેખો લેખકના સમયના ઇંગ્લેન્ડના અને કેટલાક વૈશ્વિક બનાવો પરના છે.

પત્રકારત્વ અને પ્રાસંગિક વિભાગોમાં અનેક વિષયો પરના તેમ જ માનવરસની ઘટનાઓ પર આધારિત ચોટદાર અખબારી લેખો છે. સંચયના ઘણાં લખાણો લંડનના સુપ્રસિદ્ધ ગુજરાતી વિચારપત્ર ‘ઓપિનિયન’માંથી લેવામાં આવ્યા છે.

લેખકનો અભિનંદન ગ્રંથ અને યુગાન્ડાની વિભિષિકા વર્ણવતી તેમની નવલકથા ‘-ને ધરતીને ખોળે નરક  વેરાયું’ તેમ જ કેટલાંક  સામયિકો પણ ચયનના સ્રોત છે. 

આ સંચય ભાતીગળ દુનિયાની તાજગીભરી ઝલક આપે છે. લેખકનું પ્રગલ્ભ વાચન તેમના વિષયોના વ્યાપ અને સંદર્ભપ્રચૂરતામાં દેખાય છે. જો કે વીસેક વર્ષ પહેલાંના બ્રિટનના રાજકારણ પરના લેખોનો વિકલ્પ શોધી શકાયો હોત. 

ગાંધીવિચાર પરના માત્ર બે જ સાધારણ લેખોનો અલગ વિભાગ પ્રતિમાવ્યાપ્તિ માટે હોય એવી છાપ ઉપસે છે. રજૂઆત, માહિતી અને અલગ દૃષ્ટિકોણના ચમકારા અનેક મળે છે, પણ સમગ્ર રીતે એકંદરે સંતોષકારક બની શકે તેવા વધુ લેખોની અપેક્ષા રહે છે.

ચિત્રોનાં બહોળાં વૈવિધ્ય ઉપરાંત નિર્માણની એક સરસ બાબત એ છે કે ડાબી બાજુના દરેક પાનાંનાં footer તરીકે લેખક જે ત્રણ દેશોમાં વસ્યા તેના નકશાની બાહ્યરેખાઓનાં શક્ય એટલાં ઝીણાં thumbnails મૂકવામાં આવ્યાં છે.    

* * * * *

‘કચ્છ પત્રકારિત્વની તવારીખ 1865-1997’, લેખન–સંપાદન : પ્રવીણચન્દ્ર શાહ, પ્રકાશક : દલપત દાણીધારિયા ddhanidharia@gmail.com, પાનાં 112, રૂ. 365 

કચ્છના અખબારી ઇતિહાસની ‘પહેલી સદીના સંઘર્ષનું વિહંગાવલોકન’ કરતાં આ પુસ્તકમાં અનેક રસપ્રદ વિગતો મળે છે. તેના કેટલાક દાખલા :

– બહુશ્રુત કચ્છી વેપારી દેવજી ભીમજી કેરળના સહુથી પહેલાં મુદ્રક પ્રકાશક હતા. તેમણે 1865માં કેરળના કોચીમાં શિલાછાપનું છાપખાનું સ્થાપ્યું, જેમાંથી તેમણે મલયાળમ, અંગ્રેજી અને મરાઠીમાં એક-એક સામયિક શરૂ કર્યું.

– કચ્છનું સહુથી પહેલું બિનસરકારી અખબાર ‘કચ્છી’ 1887માં દયારામ દેપાડાએ મુંબઈથી શરૂ કર્યું. ત્યાર બાદ તેમણે ‘કચ્છી ઢોલ’, ‘કચ્છી કાકો’, ‘કચ્છી ભીમ’ અને અંગ્રેજી-ગુજરાતીમાં ‘કચ્છ સમાચાર’ સામયિકો શરૂ કર્યા.

– મુંબઈ-સ્થિત કચ્છી ઉદ્યોગપતિ સોભાણી બંધુઓએ અંગ્રેજ સરકારનો વિરોધ કરનારા અંગ્રેજી દૈનિક ‘બૉમ્બે ક્રૉનિકલ’માં જંગી મૂડીરોકાણ કરીને શાસકોની ખફગી વહોરીને આર્થિક દુર્દશા વેઠી હતી.

– ‘કચ્છ-કેન્દ્રિત વર્તમાનપત્રો, સામયિકોની યાદી’ લેખકે કોષ્ટક સ્વરૂપે આપી છે. તેમાં કચ્છ રાજ્યે 1873માં શરૂ કરેલાં સામયિકથી લઈને 1987માં શરૂ થયેલાં 131 અખબારોની આ મુજબની માહિતી મળે છે : નામ અને સામયિકતા, પ્રકાશન વર્ષ અને સ્થળ ,તંત્રી / સંપાદક અને પ્રકાશક અને નોંધ. તેમાં ‘નોંધ’ના ખાનાની કેટલીક વિગત બહુ રોચક છે. 

પત્રકારો પરના ચરિત્રલેખોમાં દયારામ દેપાડા, ફૂલશંકર પટ્ટણી, શ્યામજી કૃષ્ણ વર્મા, દેવજી ભીમજી ખેતશી, હાજી મહમંદ શિવજી અને પ્રાણલાલ શાહનો સમાવેશ થાય છે.

માહિતીપ્રદ લેખ ‘અંગ્રેજીભાષી વર્તમાનપત્રો : કચ્છી પત્રકારો’ ઉપરાંત અન્ય ત્રણ લેખો પણ મળે છે. પ્રવીણચન્દ્રનો સહુથી વિગતસભર દીર્ઘ લેખ ‘કચ્છ પત્રકરત્વની આધારશિલાઓ’ પુસ્તકમાં છેલ્લે છે. ત્યાર બાદ છ પાનાં શ્વેતશ્યામ તસવીરોના છે. 

લેખક-સંપાદક પ્રવીણચંદ્ર શાહ (1933-2023) નવી મુંબઈ નજીક પનવેલમાં વસેલા બિઝિનેસમન, કન્સલ્ટન્ટ અને કૉલમિસ્ટ હતા. તેઓ કચ્છના મિત્રોને મળીને આનંદ કરતા રહેતા.

કચ્છના પત્રકારત્વ પર કેવળ રસરુચિ અને અભ્યાસ માટે એકઠી કરેલી વિપુલ સામગ્રીમાંથી આ પુસ્તક તેમણે લખ્યું અને તેમના ચાહકોએ તેનું મરણોત્તર પ્રકાશન કર્યું.

અલબત્ત, પુસ્તક તેની અનેક પ્રકારની મર્યાદાઓને કારણે પહેલાં મુસદ્દા જેવું જણાય છે. જાણકાર સંપાદક અને ઉત્તમ પ્રકાશક તેનું નવસંસ્કરણ પ્રસિદ્ધ કરે તો તે કર્મશીલ લીલાધર ગડાએ આવકારમાં કહ્યું છે એવો ‘અણમોલ ખજાનો’ સાચા અર્થમાં બની શકશે.

લીલાધરભાઈએ એમ પણ લખ્યું છે : ‘કચ્છ પત્રકારત્વની સીલસીલાબંધ તવારીખનું આલેખન, તેના સંઘર્ષનું અવલોકન અને તટસ્થ આલેખન પ્રવીણ અગાઉ કોઈએ કર્યું નથી, અને પ્રવીણ પછી કોઈ કરશે નહીં.’ 

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌————————————————–

પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર 9898762263

3 સપ્ટેમ્બર 2024
પ્રગટ : ‘પુસ્તક ર્નિદેશ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 01 સપ્ટેમ્બર 2024
 e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...580581582583...590600610...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved