Opinion Magazine
Number of visits: 9457222
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણી 2024: પરિણામ આવતા પહેલા સ્વીકારી લેવામાં ખરી નિષ્ફળતા મતદાતાઓની છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 May 2024

  મતદાતાઓના ઉત્સવમાં ઉત્સાહ ઘટી રહ્યો છે, લોકશાહી સંકોરાઇ રહી છે કારણ કે જેનું પરિણામ ખબર હોય એ મેચમાં કોઇને રસ નથી હોતો.

ચિરંતના ભટ્ટ

જ્યારે પણ કોઇ સ્પર્ધા યોજાય, એ દોડની હોય કે પછી ચિત્રની હોય કે પછી સંગીતની હોય કે આપણને બધાને ટી.વી. સામે ખોડી રાખતી ક્રિકેટ મેચ હોય – એની ખરી મજા ત્યારે આવે જ્યારે તેનાં પરિણામની આતુરતા હોય. કોઇ સ્પર્ધા, તંદુરસ્ત એટલે ‘હેલ્ધી કોમ્પિટિશન’ ત્યારે કહેવાય જ્યારે રસાકસીનો જંગ જામે, કોણ જીતશે, સામેના પ્રતિસ્પર્ધીને કોણ કેવી રીતે માત આપે છે, તેની વ્યૂહરચના શું છે એવા વિચારોનું મંથન સતત ચાલતું રહે. ચૂંટણી પણ આવી જ એક સ્પર્ધા છે, એક એવી મેચ છે જેનાં પરિણામમાં રાષ્ટ્રનાં કરોડો નાગરિકોનું ભવિષ્ય રહેલું છે. કમનસીબે કહો કે સદ્નસીબે કહો, આપણને આ સ્પર્ધામાં જાત-ભાતના ખેલ જોવા મળે છે. કાવા-દાવા, આક્ષેપો, દળ-બદલુઓનું ચલક-ચલાણું પેલે ઘેર ભાણુંની રમત વગેરે વગેરે. આટલો બધો રસાકસી ભર્યો જંગ થવાનો હોય, દેશનું સુકાન કોના હાથમાં જશે એ નક્કી થવાનું હોય એટલે સ્વાભાવિક છે કે તેનાં પરિણામો અંગેની ઉત્સુકતા જબરદસ્ત હોય અને હોવી જ જોઇએ કારણ કે મજાની વાત એ છે કે આ ખેલના દર્શકોને કારણે ખેલનું પરિણામ બદલાઈ જવાની પૂરી શક્યતા રહે છે. મતદાતાઓ – આ ખેલના દર્શકોના હાથમાં જ આ રમતનું સૌથી મોટું શસ્ત્ર રહેલું છે. મતદાન એ કર્તવ્યનિષ્ઠ નાગરિકોનું શસ્ત્ર તો છે જ પણ લોકશાહીની ગાડીને પાટે રાખનારું સૌથી મોટું પરિબળ છે.

આટલી લાંબી કથા કરવા પાછળનો ખરો આશય તો એ સવાલ કરવાનો છે કે શું તમને લાગે છે કે 2024ની ચૂંટણીમાં આવી ‘હેલ્ધી’ સ્પર્ધા છે? ‘આયેગા તો મોદી હી …’ વાળું રટણ જાણે ચૂંટણીના રસાકસીના ખેલનો રસ ચુસીને એવો ઘોંઘાટ કરે છે કે હવે માથમાં વાગે છે. મોદી સરકાર આવે,  ન આવે, 400 બેઠકો સાથે ન આવે – કંઇ પણ થઇ શકે છે, મુદ્દો એ છે કે ચૂંટણીનો માહોલ એક તરફી બની ગયો છે, બનાવી દેવાયો છે અને એટલે જ બૂમ-બરાડા પાડતા કે ચર્ચામાં ઉગ્ર થઇ જનારા લોકો ભલે કોઇની પણ તરફેણમાં હોય પણ કોઇને પણ ચૂંટણની પ્રક્રિયામાં પહેલા જેટલો રસ રહ્યો નથી. હવે સુરતની જ વાત કરીએ તો 7મી મેએ ત્યાં મતદાનની તારીખ છે પણ શહેરને તો વગર ચૂંટણીએ સાંસદ મળી ગયા છે. બિનહરીફ ચૂંટાયેલા ભા.જ.પા.ના મૂકેશ દલાલ મત ગણતરીના છ અઠવાડિયા પહેલા 2024ની ચૂંટણીના સૌથી પહેલા વિજેતા જાહેર કરાઇ દેવાયા છે. કાઁગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલાના મામલે જે થયું એ જગ જાહેર છે. ગાયબ, હાજર, રદ્દ જેવા શબ્દોથી આ કિસ્સાઓ વણાયા છે. સુરતના નવ ઉમેદવારોમાંથી આઠ જણાએ પોતાના નામ પાછા ખેંચી લીધા અને ભા.જ.પા.ને બગાસું ખાતા પતાસું આવ્યું.  હવે આ મામલે વિગતોનું પિષ્ટપેષણ નથી કરવું પણ સવાલ એમ થાય કે માળું મેચ રમાય એ પહેલાં વિજેતા ટીમ જાહેર થઇ જાય તો પછી આખા ખેલની પ્રક્રિયા કેટલી નકામી થઇ પડે. વળી આમાં સાચું નુકસાન હારેલી કે જીતેલી ટીમનું નથી પણ જે લોકો મેચની ટિકિટ લઇને બેઠા હતા એમનું છે એટલે કે નાગરિકોનું – આવામાં મતદાતાઓનું મહત્ત્વ શું અને કેટલું? વળી રમ્યા વગર જીતની ખુશી મનાવવાની ચૂંટણીના ઉમેદવારને પણ કેટલી મજા આવશે?

લોકશાહી રાષ્ટ્રમાં ચૂંટણીની મહત્તા ઘટતી દેખાય એનાથી મોટી ખતરાની ઘંટી બીજી કોઇ હોઇ જ ન શકે. વળી છેલ્લાં કેટલાંક વર્ષોમાં એવું પણ થયું છે કે લોકોએ મત આપીને ચૂંટેલી સરકાર હોવા છતાં ય સરકારો તોડી પાડવામાં આવી હોય. આ વર્ષની શરૂઆતમાં જ આપણે જોયુ કે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં મતદાન અધિકારીએ હરીફ ઉમેદવારના મત ભા.જ.પા.ના ઉમેદવાર માટે ચોર્યા હતા. કેજરીવાલ પણ જેલમાં બેઠા છે. આ પહેલાં આપણે પહેલાં પણ વાત કરી હતી કે ભા.જ.પા. વિરોધ પક્ષ ટકે જ નહીં એવી રીતે કામ કરે છે.

ઇંદિરા ગાંધી પણ માથા ભારે નેતા હતાં અને સરમુખત્યાર અભિગમ ધરાવતાં હતાં પણ તેમની સામે લડત આપનારા પ્રતિસ્પર્ધીઓ મજબૂત હતા, તેમને ખોખલા કરવા માટે રાજકારણીઓ છેલ્લે પાટલે જઇને નહોતા બેઠાં. મતદાન કેટલું થશે, મતોનો ઝૂકાવ જોવાની આતુરતા – ચૂંટણી વખતે એક અલગ પ્રકારની તાણ સર્જાતી. હવે તો સત્તા પક્ષે પોતાની જીત થવાની જ છે એમ ધારી લીધું છે. મોદીએ દક્ષિણમાં પોતાનો સિક્કો જમાવવા મહેનત કરી જ છે, એ કોઇ નકારતું નથી પણ માળું જેનું પરિણામ ખબર છે એ મેચની કોઇ ટિકિટ શું કામ લે? લોકો પોતાના મતને હળવાશથી લઇ રહ્યા છે એમ લાગે છે. વળી મતદાનની પ્રક્રિયાના પ્રશ્નો પણ છે. કોઇનું યાદીમાં નામ છે તો ફોટો કોઇ બીજાનો છે, કોઇનું નામ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કરાવવાનું આવે તો ધીરજની કસોટી લેવાઇ જાય, યાદીમાં નામ હોવા છતાં મત આપવા જાય તો એ નામે મત અપાઇ ગયો હોવાનું પણ ગઇ ચૂંટણીમાં બન્યુ જ છે. ઇ.વી.એમ.ને લઇને નવા સવાલો છે. આ બધા ગુંચવાડાઓની વચ્ચે માળા બિનહરીફ ચૂંટાયેલા સાંસદ છે. આ નિશાની છે કે ધીરે ધીરે ચૂંટણીનું મહત્ત્વ ઓછું થઇ રહ્યું છે. I.N.D.I.A. ગઠબંધનમાં ભેગાં થયેલા પક્ષ જ્યારે એમ દાવો કરે કે તેમને ડર છે કે 2024ની ચૂંટણી કદાચ ભારતની છેલ્લી ચૂંટણી હશે ત્યારે તેમની ઠેકડી ઉડાડવાને બદલે એકવાર તો આ વાત પર ગંભીરતાથી વિચાર કરવો જ જોઇએ.

માળું આ રશિયા જેવું ન થવું જોઇએ. દર વર્ષે ચૂંટણી થાય ખરી પણ પુતિનની જીત નક્કી જ હોય. મોટા ભાગના વિપક્ષી નેતાઓ ત્યાં કાં તો જેલમાં છે કાં તો તેમને દેશ નિકાલ કરવામા આવ્યા છે, કોઇની પર ચૂંટણી લડવાનો પ્રતિબંધ મુકાયો છે તો કોઇ ઉમેદવારનું તો મૃત્યુ જ થઇ ચૂક્યું છે. તાજેતરમાં રશિયાની ચૂંટણીમાં પુતિન 87 ટકા મત મેળીને જીત્યા અને પુતિનના સૌથી આકરા ટીકાકાર એલેક્સી નવલ્ની રહસ્યમય સંજોગોમાં જેલમાં મૃત્યુ પામ્યા.

એક તરફ રશિયામાં પુતિને પોતાની જાતને કાયમી પ્રમુખ જાહેર કરી દીધા છે બીજી તરફ 2024ની ચૂંટણી હજી પતી નથી અને સભાઓમાં નરેન્દ્ર મોદીએ 2047ની વાત કરવાની શરૂ કરી દીધી છે. ભા.જ.પા.ની નારેબાજી, પ્રચાર સામગ્રી બધામાં એક જ વ્યક્તિ કેન્દ્રમાં છે. મોદીના ટેકેદારો કે સમર્થકો પોતાની જાતને ગર્વથી ભક્ત ગણાવે છે. વ્યક્તિ પૂજાથી ચાલતા રાજકારણમાં લોકશાહી નથી બચતી. જો કે મારા મતે આ માટે મોદીનો વાંક કાઢવાને બદલે એ લોકોનો વાંક કાઢવો જોઇએ જે સત્તા પર બેસનારાઓને સવાલ કરવાનું છોડી દે છે. જે પોતાના મતાધિકાર, પોતાની લોકશાહીને હથેળીમાંથી રેતીની માફક સરકવા દે છે. કોઇ આટલું મોટું માથું બન્યું છે કારણ કે આપણે આવું થવા દીધું છે. આપણે આપણા રાજકારણીઓને, આપણા સત્તાધીશોની ચૂંટીએ છીએ એ ભૂલી જઇને ‘વાંસળીવાળો’ વાર્તામાં જેમ હતું એમ જે ધૂન સંભળાય છે એને સ્વીકારી લઇએ છીએ અને તેની પાછળ ચાલવા માંડીએ છીએ. ભૂલ આપણી છે પણ એ સમજવા માટે આંખ ખુલવાને હજી કેટલી હદે લોકશાહીનું પતન જોવું પડશે એ એક મોટો સવાલ છે. આમ થવા પાછળ ભા.જ.પા. કે નરેન્દ્ર મોદી કરતાં કંઇક ગણો વધારે વાંક આપણો, મતદાતાઓનો છે. આપણે ઘણું બધું ચલાવી લીધું છે, ચલાવી લઇએ છીએ, સવાલ કરવાની જરૂર નથી લાગતી.

લોકશાહીને માત્ર ચૂંટણી સાથે લાગેવળગે છે એમ નથી. લોકશાહીનું મૂલ્ય છે કારણ કે એ એકમાત્ર એવી સરકાર રચે છે જે સ્વતંત્રતા, સમાનતા અને ન્યાયની ખાતરી આપી શકે છે. આ ત્રણ પાસાં ત્યારે જ સમાજમાં સ્થપાઇ શકે જ્યારે સત્તા પર પણ મર્યાદાઓ લદાઇ હોય. લોકોનું શાસન બંધારણ થકી થતું હોય છે, થવું જોઇએ – જેમાં તેમના મૂળભૂત હકો સચવાતા હોય છે. ચૂંટાયેલા નેતાઓને તેમના વહેવાર માટે જવાબદાર ઠેરવવામાં આવે છે – પછી તે સારો હોય કે ખરાબ. કમનસીબે અત્યારે આપણી પાસે આપણા મત સિવાય કશું જ બચ્યું નથી. આપણે નક્કી કરવું પડશે કે ભારતીયોને અગ્રિમતા આપતા સત્તાધીશો ચૂંટવા કે પછી ધ્રુવીકરણના રાજકારણને પસંદ કરતા સત્તાધીશો પસંદ કરવા.

વડા પ્રધાને મુસલમાનો વિશે જે પણ કંઇ સભામાં કહ્યું એ કોઇ પણ રાષ્ટ્રના પ્રમુખને શોભે એવું નહોતું જ. બીજી બાજુ વિદેશમાં તેમને ભારતની લોકશાહીની સ્થિતિ વિશે પુછાય છે ત્યારે તે ભોંઠા પડે છે. કાઁગ્રેસના મુદ્દાઓમાં દમ છે પણ ત્યાં મજબૂત ચહેરો નથી જેની પર લોકો વિશ્વાસ મૂકે. આપણી લોકશાહીની ઓળખ  સમો એક મહત્ત્વનો પ્રસંગ – ઉત્સવ કસ વગરનો, નિરસ થઇ ગયો છે. આપણો વોટ આપણું લોકતાંત્રિક શસ્ત્ર છે. શસ્ત્ર વાપરીએ, સારા ઉમેદવારને જીતાડીએ. એવા પક્ષ કે વ્યક્તિઓને આગળ કરીએ જે  સમાજમાં સમાનતા અને સ્વતંત્રતાને પ્રાધાન્ય આપતા હોય.

બાય ધી વેઃ 

ભા.જ.પા.એ સામે પક્ષે કોઇ બચે એવું કંઇ બહુ રાખ્યું નથી ત્યારે નાગરિકો કરતાં પોતાને ઉચ્ચ ગણતા પક્ષ અને સત્તાધીશોને મતાધિકારની શક્તિ બતાડવી જરૂરી છે. પડકારો ઓછા નથી પણ એનો અર્થ એવો પણ નથી કે પ્રતિકૂળ સંજોગોને વિસ્તરવા દેવાના. મતદાતાઓ પોતાનો મત કોઇને કેમ આપે છે એ એમણે પોતાની જાતને પૂછવાનો વખત આવી ગયો છે. તમારે એવી મેચના હિસ્સા કેમ થવું છે જેનું પરિણામ પહેલેથી જ ફિક્સ હોય. આપણી પાસે આ ખેલ બદલવાની ક્ષમતા છે તો તેનો ઉપયોગ કરવો જ જોઇએ. લોકશાહી તાજ છે, ગજવામાં મુકવાની પાવતી નથી. સત્તાને હાથવગી ગણનારા રાજકારણીઓને એ યાદ કરાવવાનો વખત આવ્યો છે કે તેમની જીતનું કારણ આપણે છીએ, તેમનો અહમ્‌ નહીં. મોંઘવારી, બેરોજગારી, ગરીબી આ પ્રશ્નોના નક્કર ઉકેલ મળવા જરૂરી છે, ધર્મને નામે દેકારા કરીશું તો સમસ્યાઓ નહીં ઉકેલાય – કોઇ વાદથી જવાબો કે ઉકેલ નથી મળતા માત્ર સમયનો વ્યય થાય છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 મે 2024

Loading

ભક્તનાં ટોળાં ન હોય

રમેશ ઓઝા|Opinion - Opinion|5 May 2024

રમેશ ઓઝા

ભારતમાં ભક્તિપરંપરા પ્રાચીન છે. મોક્ષ માટે ત્રણ માર્ગ બતાવવામાં આવ્યા છે જેમાં જ્ઞાન (કેવળજ્ઞાન કે પરમજ્ઞાન) અને ધ્યાન (સાધના-ઉપાસના) ઉપરાંત ભક્તિનો પણ સમાવેશ થાય છે. તેના માટે યોગ વિશેષણ પણ વાપરવામાં આવે છે. જ્ઞાનયોગ, ભક્તિયોગ અને ધ્યાનયોગ. મૂળ ઇસ્લામમાં ઈશ્વર સાથે એકાકારનો અનુભવ કરનારી ભક્તિ નથી, એટલે સૂફી પરંપરા વિકસી હતી. મૂળભૂતવાદી મુસલમાનો સૂફીઓને ધિક્કારે છે, તેનું કારણ એ છે કે તેમના કહેવા મુજબ સાચો મુસલમાન ખુદાથી ડરનારો, તેની તાબેદારી સ્વીકારનારો, દાસ હોવો જોઈએ; ખુદા સાથે લાડ કરનારો, તેની સાથે તુંકારાનો સંબંધ રાખનારો અને તેની સાથે ઈશ્ક કરનારો ન હોવો જોઈએ. કવિ ઇકબાલ આવા એક સૂફી પરિવારમાંથી આવતા હતા એટલે તેમની શરૂઆતની રચનાઓ દ્વેષમુક્ત કે ચડિયાતાપણાથી મુક્ત એવી પ્રેમથી છલકાતી જોવા મળતી હતી. ઇકબાલની સારે જહાંસે અચ્છા તમે જાણો છો. પાછળથી ઇકબાલે ઇસ્લામનો અભ્યાસ કર્યો અને તેઓ સૂફી ઇસ્લામનો અને તમે એમ કહી શકો કે તેઓ ભારતીય ઇસ્લામના વિરોધી બની ગયા. તેમણે કહ્યું હતું કે સૂફી પરંપરા પર હિંદુ પ્રભાવ છે અને માટે બીદ્દત (માર્ગ ભૂલવો, ભટકી પડવું) છે. પછીના ઇકબાલ પાકિસ્તાનના શિલ્પકાર હતા.

આમ ભક્તિ હિંદુઓના લોહીમાં છે. તેની લાંબી પરંપરા છે. નારદનાં ભક્તિસૂત્ર તો બહુ જાણીતાં છે. બીજા દાર્શનિકોએ પણ ભક્તિનો મહિમા કર્યો છે. આધુનિક યુગમાં રામકૃષ્ણ પરમહંસે ભક્તિનો મહિમા કર્યો છે અને સાચા ભક્ત બનીને જીવ્યા છે. આપણા મધ્યકાલીન યુગને તો ભક્તિયુગ તરીકે ઓળખવામાં આવે છે. નરસિંહ મહેતાને ભક્ત નરસૈયો તરીકે ઓળખવામાં આવે છે, આચાર્ય નરસિહ તરીકે નહીં. શંકર આચાર્ય તરીકે ઓળખાયા એટલે શાંકરવેદાંતીઓએ શંકરને વિજયી બનાવવા માટે શંકરદિગ્વિજયનો ઘટાટોપ રચવો પડ્યો અને એ પછી અનુવર્તી આચાર્યો અને તેમના અનુયાયીઓ આપસમાં જે બાખડ્યા છે તેનો લાંબો ઇતિહાસ છે. કેટલાક લોકોનો તો અભિપ્રાય છે કે આચાર્ય પરંપરાએ હિંદુઓનું અને ભારતનું નુકસાન કર્યું છે. જગત મિથ્યા છે, પણ હાથી આવે તો જીવ બચાવવા નાસી જવું જોઈએ. ના, હાથી પણ મિથ્યા હતો અને નાસી જવું પણ મિથ્યા હતું. આવી મલ્લીનાથી સદીઓથી ચાલતી આવી છે. શ્રમણ અને બ્રાહ્મણથી શરૂ કરીને આચાર્યો સહિતનાઓએ બાલની ખાલ ઊતારી છે. જો કે આજના યુગના મોટા વિચારક અમર્ત્ય સેન તો કહે છે કે એ આપણી વિમર્શ પરંપરા હતી. ભિન્ન મત ધરાવવાની અને મતને લઈને લડવાની મોકળાશ આપણે ત્યાં હતી જે હવે લુપ્ત થતી જાય છે.

પણ બાલની ખાલ ઉતારનારી, પ્રત્યેક શબ્દને પીંજી નાખનારી, પ્રતિદ્વંદ્વીનો જાન નહીં છોડનારી અને પાછો વિવાદ શિષ્યો દ્વારા વારસામાં આપી જનારી આ પરંપરા જોઇને અમર્ત્ય સેન ભલે રાજી થયા હોય, પણ કેટલાક લોકોને એમ લાગતું હતું કે આમાં ઈશ્વર તો હાથમાં આવતો જ નથી. ઈશ્વર એની જગ્યાએ છે અને તેને નામે ચાલતું બૌદ્ધિક ધીંગાણું બીજી જગ્યાએ છે. કેટલાક લોકોને એમ લાગ્યું કે ઈશ્વરે એક જ આયખું આપ્યું છે જે મૂલ્યવાન છે તે આવી મલ્લીનાથી કરવામાં ખર્ચવાનું કે પછી ઈશ્વર માટે ખર્ચવાનું? અને ઈશ્વર સાથે એકાકાર થવા માટે નથી બુદ્ધિની જરૂર, નથી તર્કશક્તિની જરૂર, નથી વાક્શક્તિની જરૂર, નથી અનુયાયીઓનાં સંખ્યાબળની જરૂર, નથી ગ્રંથોની જરૂર, નથી પંથોની જરૂર, નથી ભાષ્યકારોની જરૂર કે નથી કોઈના સમર્થનની જરૂર. સાવ એકલા અટુલા હોઈએ તો પણ શો ફરક પડે છે? ભક્તનાં ટોળાં ન હોય, ચોક્કસ વિચારધારામાં માનનારાઓનાં ટોળાં હોય.

ઓશોએ તેમના એક વક્તવ્યમાં બહુ સરસ પ્રસંગ ટાંક્યો છે. એકવાર એક નદીમાં પૂર આવ્યું. બે સાંઠીકડા તેમાં તણાઈ રહ્યા હતા. એક સાંઠીકડું પૂરથી બચવા માટે અને પોતાની જગ્યા પકડી રાખવા માટે આકાશપાતાળ એક કરતું હતું. દરેક ઉપાય અજમાવવતું હતું. બીજું સાંઠીકડું પાણી જ્યાં લઈ ત્યાં જવા તૈયાર હતું. મારી ચિંતા પૂર લાવનારે કરવાની છે, હું અહી હોઉં કે બીજે તેનાથી શો ફરક પડે છે. પહેલું લક્ષણ જ્ઞાનીનું છે, પણ સાચો જ્ઞાની. મારી જગ્યા અને મારો માર્ગ હું નક્કી કરીશ, બીજું કોણ જે મારી જગ્યા અને માર્ગ નક્કી કરે. તૂટી જઈશ, ખતમ થઈ જઈશ પણ જ્યાં સુધી કોઈની વાત ગળે ન ઉતરે ત્યાં સુધી કોઈને ય શરણે નહીં જઉં. બીજું લક્ષણ ભક્તનું છે. મારે શીદને ચિંતા કરવી જોઈએ! હું ક્યાં મારી ઈચ્છાથી આ દુનિયામાં આવ્યો છું. જેની ઈચ્છાનું હું પરિણામ છું એ ચિંતા કરશે. બન્ને પ્રામાણિક છે અને બન્ને શૂરવીર છે. એક સરખાં, ન કોઈ ઉપર ન કોઈ નીચે.

ભક્ત ચર્ચામાં નથી ઉતરતો, ભક્ત પ્રતિવાદ નથી કરતો. ભક્ત માત્ર ઈશ્વર સાથે અને પોતાની જાત સાથે સંવાદ કરે છે. ભક્તની ભક્તિ પ્રેમલક્ષણા હોય છે. ભક્ત નિ:શંક રહે છે. ભક્ત ધ્રુવ જેવો અચલ હોય છે એટલે ભક્ત ટીકાથી વિચલિત નથી થતો. ભક્ત નિર્ભય હોય છે. ભક્ત પોતાની મસ્તીમાં રહે છે. ભક્તની આંખમાંથી પ્રેમ વરસતો હોય છે અને બીજાનું દુ:ખ જોઇને કવચિત આંસુ. દ્વેષ અને કટુવચન શું કહેવાય એ ભક્ત જાણતો જ નથી હોતો. વિચારના પ્રદેશમાં એ પ્રવેશતો જ નથી, કારણ કે વિચારનો સ્વભાવ જ વાડા બનાવનારો અને વાડા અલગ કરનારો હોય છે. વિચારવાની તે આદત પણ કેળવતો નથી અને તેની કોઈ જરૂર પણ નથી હોતી. ભક્ત તેના ભગવાનનો રખેવાળ, ચોકિયાત કે તેનો ગુરખો બનીને જીવતો નથી કારણ કે તેને તેના ભગવાન પર ભરોસો હોય છે.

આ ભક્તનાં લક્ષણ છે અને ઓશોએ મારી જગ્યા હું નહીં છોડું અને છોડીશ તો મારી ઈચ્છાથી જ છોડીશ એવું સાંઠીકડાનું રૂપક આપીને કહ્યું એ જ્ઞાનીના લક્ષણ છે. માટે વિચારની ઉપાસના  કરવી હોય તો જ્ઞાનીના લક્ષણ જાણી લેવાં અને ભક્તિ કરવી હોય તો ભક્તનાં લક્ષણ જાણી લેવાં. અન્યથા ન સરખી ભક્તિ થાય કે ન બે વાક્યો કહેવા જેટલો વિચાર સાથ આપે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 મે 2024

Loading

ચૂંટણીનાં પરિણામો ગમે તે આવે, પણ વડા પ્રધાન અંદરથી હલી ગયા છે !

રમેશ ઓઝા|Opinion - Opinion|4 May 2024

રમેશ ઓઝા

ચૂંટણીનાં પરિણામો ગમે તે આવે, પણ વડા પ્રધાન અંદરથી હલી ગયા છે એ હકીકત છે. ગમે તે એટલા માટે કે ચૂંટણી અસમાન ભૂમિકાએ લડાઈ રહી છે. એક પાસે અક્ષૌહિણી સેના છે, બેશુમાર પૈસા છે, સત્તા છે, ચૂંટણીપંચ અને બીજી લોકતાંત્રિક સંસ્થાઓ કબજામાં છે, ગોદી મીડિયા છે, બોલીવુડને ગોદીવુદમાં ફેરવી નાખ્યું છે જેમાં કેટલાક લોકો કાશ્મીર ફાઈલ્સ જેવી ફિલ્મો બનાવે છે, જૂઠાણાં ફેલાવનારી અને ટ્રોલીંગ કરનારી ફોજ છે, દિમાગ ભાડે આપી દીધેલા સમર્થકોનાં ટોળાં છે, હરીફ રાજકીય પક્ષોનાં ફાડિયાં કર્યાં છે, વિરોધ પક્ષના અનેક નેતાઓને ડરાવીને કે ખરીદીને ભા.જ.પ.માં લઈ લીધા છે, કેટલાંક રાજ્યોમાં વિરોધ પક્ષોની સરકારો છીનવી લીધી છે અને બીજા પાસે માત્ર સુદામાના તાંદુલ છે. જો અસમાનતા ન હોત અને ચૂંટણી મુક્ત અને ન્યાયી એમ બન્ને રીતની હોત તો ખાતરીપૂર્વક એમ કહી શકાત કે સ્થિતિ પલટાઈ ગઈ છે અને ભા.જ.પ.નો પરાજય થઈ રહ્યો છે. આટલી પ્રચંડ તાકાત હોવા છતાં અને લડાઈ એકપક્ષીય કરી નાખી હોવા છતાં વડા પ્રધાન પ્રતિકૂળતા જોઇને અંદરથી હલી ગયા છે એ તેમના ચહેરા પર અને તેમની ભાષા દ્વારા જોઈ શકાય છે.

મેં જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીને છોડીને બાકીના બધા જ વડા પ્રધાનોને કામ કરતા જોયા છે, તેમની કામની શૈલી જોઈ છે, તેમને સંકટનો સામનો કરતા જોયા છે, તેમને અંગત અને પબ્લીકની વચ્ચે બોલતા જોયા છે અને એમાં મેં જોયું છે કે તેઓ તેમનાં અંદરના ભાવ છૂપાવી શકતા હતા. આમાં ઇન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી અને પી.વી. નરસિંહ રાવની જોડે તો કોઈ ન આવે. પોતાના પુત્ર સંજય ગાંધીનો મૃતદેહ હોસ્પિટલમાં પડ્યો હતો ત્યારે હોસ્પિટલની કોરીડોરમાં ઊભેલા ભા.જ.પ.ના નેતા અટલ બિહારી વાજપેયીને ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે, “મારા કાર્યાલયમાંથી મુલાકાત માટે તમને ફોન આવશે. મારે તમારી સાથે ચીન વિષે વાત કરવી છે.” વાજપેયી આ તાકાત જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને આ પ્રસંગ તેમણે પોતે જ જાહેરમાં કહ્યો છે.

પણ વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંદરના ભાવને છૂપાવી શકતા નથી. તે તેમના ચહેરા ઉપર અને વાણીમાં પ્રગટ થઈ જાય છે. અમેરિકામાં વ્હાઈટ હાઉસમાં નાછૂટકે પત્રકારોને મળવું પડ્યું અને તેમાં એક અમેરિકન પત્રકારે ભારતમાં લોકતંત્રનું હનન થઈ રહ્યું છે એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો હતો. આવો પ્રશ્ન પૂછાવાનો છે એની જાણ હોવા છતાં અને તેનો જવાબ પ્રોમ્પ્ટર પર લખી રાખ્યો હોવા છતાં તેઓ પોતાના અસ્વસ્થતાના ભાવને છૂપાવી શક્યા નહોતા. આવા તો બીજા અનેક પ્રસંગ છે. કરણ થાપરે તેમની લાઈવ મુલાકાત લીધી એ પ્રસંગ તો જાણીતો છે. તેમનો અહં ઘવાય છે ત્યારે ચહેરો ફિક્કો પડી જાય છે, તપતપી ઊઠે છે અને ભાષા પર સંયમ રહેતો નથી. વડા પ્રધાનના ચૂંટણી પ્રચારમાં આ બધું જોવા મળી રહ્યું છે.

પણ સવાલ એ છે કે અનુકૂળતા પ્રતિકૂળતામાં કેમ ફેરવાઈ રહી છે? તાકાતમાં વધારો કરનારાં દરેક રસાયણ અને પદાર્થ હોવા છતાં ડર? શું નથી તેમની પાસે?

એક ચીજ નથી અને એ છે અદનો નાગરિક. એની પાસે ડરવા માટે કાંઈ જ નથી. કંઈક હોય તો ડરાવો ને! તેની પાસે વેચવા માટે કાંઈ જ નથી. નથી મીડિયા, નથી કલમ, નથી ધંધો, નથી કારોબાર, નથી પ્રતિષ્ઠા કે વગ. તેની પાસે વેચવા માટે જો કોઈ ચીજ હોય તો ખરીદો ને! પાછી આવા નાગરિકોની સંખ્યા સૌથી વધુ છે, જે વંચિત હોવાની એક જ ઓળખ ધરાવે છે. તેઓ બહુમતીમાં છે. બહુમતી રાષ્ટ્રવાદ ગરીબોનો અને ગરીબો માટે હોવો જોઈએ, પણ અહીંયા ઊંધો ખેલ છે. શાસક પક્ષના નેતાઓની ગણતરી એવી હતી કે આ ગરીબોને અનેક યોજનાઓ હેઠળ રાહત આપીને જીવાડી રાખશું. તેમને જોઈએ છે શું બે ટંકના રોટલા સિવાય. આજે જીવી ગયા તો બસ. એટલે તેમને જીવાડી રાખશું તો તેમના મત મળતા રહેશે. બીજી બાજુ શેઠિયાઓને માલામાલ કરીને કે પછી ડરાવીને એટલું ધન ભેગું કરવું કે વિરોધી સામે ટકી જ ન શકે. અસમાન રાજકીય મેદાન તેમ જ અર્ધો હારેલો કંગાળ પ્રતિસ્પર્ધી અને સદૈવ આશ્રિત મતદાતા. ગરીબોને આશ્રિત રહેવાની આદત પાડો. ઊહાપોહ નહીં કરવાનો, તમને ખાવા મળી રહેશે, અમને મત આપતા રહો.

આવું એક રાજકીય રસાયણ તેમણે વિકસાવ્યું છે અને તેમને ભરોસો હતો કે દાયકાઓ સુધી આ રસાયણ ફળ આપતું રહેશે. ફળ મળવા પણ લાગ્યું એટલે તેમનો આત્મવિશ્વાસ એટલો બધો વધી ગયો કે તેઓ તુમાખીનું પ્રદર્શન કરવા લાગ્યા અને મનસ્વીપણે વર્તવા લાગ્યા. લોકસભામાં કહેવામાં આવ્યું કે મોટાં પરિવર્તનો માટે તૈયાર રહેજો. અને એમ પણ કહેવાયું કે ઇસ બાર ચારસો પાર.

હવે જેમની પાસે ડરવા માટે કે વેચવા માટે કાંઈ નથી તેમને સમજાઈ રહ્યું છે કે આ સરકાર શ્રીમંતોની સેવા કરનારી શ્રીમંતો માટેની છે. હિન્દુત્વવાદીઓ હિંદુઓને શું આપે છે? હિંદુ-મુસ્લિમ વિખવાદ, રામ મંદિર અને મફતમાં તીર્થયાત્રા. જેમને લાંબી જિંદગી જીવવાની છે એ યુવાનો બેરોજગાર છે અને તેમનાં લગ્ન થતાં નથી. મા-બાપ બેકાર અને કુંવારા દીકરાને ઘરમાં બેઠેલો જોઇને મનોમન વલોવાય છે. ગરીબો ભાવવધારાથી દુઃખી છે. આ સિવાય વિચાર કરવાની ક્ષમતા ધરાવનારા હિંદુઓને સમજાઈ ગયું છે કે અત્યારના શાસકો તાનાશાહ છે અને માણસાઈ કે મર્યાદામાં માનતા નથી. તેમને જો ભારે બહુમતી મળી તો તેઓ લોકશાહી ખતમ કરી નાખશે, લગભગ એક પક્ષીય શાસન આવશે, બંધારણ પણ બદલી શકે છે અને આપણને આરક્ષણ દ્વારા આગળ વધવાની જે તક આપવામાં આવે છે તેને પણ ખતમ કરી નાખશે. ભા.જ.પ.માં પ્રવેશ મેળવીને હિન્દુત્વના નામે ગુંડાઓ બળાત્કાર કરશે અને માથાભારે થઈને ફરશે. આવું અત્યારે જ બની રહ્યું છે. પહેલવાન છોકરીઓ સાથે જે બન્યું એ નજીકનો ભૂતકાળ છે. આમ જેને વિચારતા આવડે છે એ વિચાર કરતા થઈ ગયા છે. આ એ લોકો છે જેમણે ૨૦૧૯ની સાલમાં શંકાનો લાભ આપીને બી.જે.પી.ને મત આપ્યો હતો. ૨૦૧૪માં જે કહેવામાં આવ્યું હતું તેને અમલમાં ઉતારવા હજુ એક તક આપવી જોઈએ એમ તેઓ માનતા હતા. હવે તેમની આંખ ઊઘડી ગઈ છે. તેઓ મુસ્લિમ વિરોધી હોય તો પણ એટલા મુસ્લિમ વિરોધી નથી કે પોતાનું ઘર બાળીને પણ સાથ આપે.

પેલું રાજકીય રસાયણ કામમાં આવતું નથી એવા આસાર નજરે પડવા લાગ્યા છે એટલે વડા પ્રધાન અંદરથી હલી ગયા છે. તેમના ચહેરા પર ડર નજરે પડી રહ્યો છે અને ભાષાનું સ્તર નીચે ઊતરી રહ્યું છે. એક વડા પ્રધાનને શોભે નહીં એવી ભાષામાં ધડમાથા વિનાની વાતો તેઓ કરી રહ્યા છે. અને હજુ એક વાત તમે નોંધી. ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીમાં વડા પ્રધાન એજન્ડા સેટ કરતા હતા અને બીજા હતપ્રભ થઈને પ્રતિભાવ આપતા હતા. અત્યારે કાઁગ્રેસ અને મુખ્યત્વે રાહુલ ગાંધી એજન્ડા સેટ કરે છે અને વડા પ્રધાન હતપ્રભ થઈને પ્રતિક્રિયા આપે છે. સામેથી બેરોજગારી, ભાવ વધારો અને ચીને ભારતની ભૂમિ પર કરેલા કબજાની વાત આવે ત્યારે વડા પ્રધાન મંગળસૂત્ર, મુઘલ, મટનની અસંબદ્ધ વાતો કરે છે. ચૂંટણીનાં મેદાનમાં પ્રચંડ પ્રમાણમાં અસમાનતા હોવાના કારણે ભા.જ.પ. જીતી પણ શકે છે, પરંતુ પ્રચાર(નેરેટીવ)માં પરાજય થઈ ચુક્યો છે. કલ્પના તો કરો, વડા પ્રધાન પાસે કહેવા માટે કશું જ નથી!

Loading

...102030...577578579580...590600610...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved