Opinion Magazine
Number of visits: 9665173
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

IC-814 કંદહાર હાઈજેકઃ  રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમ વચ્ચેની ભેદરેખા ઓળંગી જઇએ ત્યારે થતી ભૂલો ટાળવી જરૂરી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|8 September 2024

જે લોકોએ આતંકવાદીઓનો નામોને લઇને હોબાળો કર્યો તેમને ઇતિહાસના અભ્યાસની જરૂર છે જેથી તેઓ સાચા સવાલ ઉઠાવી શકે, ઇતિહાસમાં દંતકથાઓ ન જોવી, પણ યોગ્ય દૃષ્ટિકોણ અને સાચા સવાલ પૂછવા જરૂરી

°

બંધકોના પરિવારોનાં ટોળાંએ મંત્રાલયના પ્રતિનિધિ પર હુમલો કર્યો હતો. ટોળાના આગેવાન બની બેઠેલા ડૉક્ટર ચાહતા હતા કે અપહરણકર્તાઓની બધી વાત માની લેવી જોઇએ, 36 આતંકીઓને છોડી દેવા જોઇએ. લોકોએ તો એ પણ કહ્યું કે એમને કાશ્મીર જોઇતું હોય તો આપી દો, અમને કંઇ પડી નથી.

ચિરંતના ભટ્ટ

નેટફ્લિક્સની સિરિઝ IC-814 કંદહાર હાઇજેક આજકાલ ચર્ચામાં છે. આ સિરિઝને લઇને વિવાદ છેડાયો. વિવાદ સાથે 1999ના આ અપહરણને લગતી ઘણી બાબતો સપાટી પર આવી. આપણે ત્યાં ધ્રુવીકરણ એ હદે થયું છે કે જે બાબતોને સંબોધવાની હોય તેના બદલે કંઇ ભળતી-સળતી બાબતો પર જ દેકારો કરવામાં આવે છે. સૌથી વધુ ઘોંઘાટ એ બાબતે કરાયો કે આતંકવાદીઓને સિરિઝમાં હિંદુ નામો – શંકર અને ભોલા – વાપરતા દેખાડાયા છે અને આ તો હિંદુઓનું અપમાન છે, આતંકવાદીઓ પર ધોળકું ધોળવામાં આવે છે અને ISIની પ્રવૃત્તિઓ પર ઢાંકપિછોડો કરવામાં આવ્યો છે, વગેરે વગેરે.

વર્તમાન સરકારે બીજી બધી સમસ્યાઓ નેવે મૂકીને નેટફ્લિક્સના કોન્ટેન્ટ હેડને હાજર થવા ફરમાન કર્યું અને આ અંગે ચોખવટ કરવા કહ્યું. અત્યાર સુધીમાં તો આ બધી ચોખવટ થઇ ગઇ છે. સિરિઝ બનાવનારા ડાયરેક્ટર અનુભવ સિંહાએ સિરિઝમાં આતંકવાદીઓના નામ દર્શાવ્યા છે ચિફ, ડૉક્ટર, બર્ગર, શંકર અને ભોલા – અને લોકો તૂટી પડ્યા. પહેલીવાત તો આ સિરિઝ જે પુસ્તકના આધારે બનાવાઇ છે તે લખનાર છે એ કેપ્ટન દેવી શરણ જે આ ફ્લાઇટના ત્રણ પાઇલટોમાંના એક હતા, તેમણે આ પુસ્તક પત્રકાર શ્રીન્જોય ચૌધરી સાથે મળીને લખ્યું છે. આ પુસ્તક, ‘ફ્લાઇટ ટુ ફિયરઃ ધી કૅપ્ટન્સ સ્ટોરી’માં પાંચે પાંચ આતકંવાદીઓનાં સાચાં નામ છે પણ આ આતકંવાદીઓએ પોતાના નામ છેક સુધી, વાટાઘાટ સુધી છુપાવ્યા હતા અને એકબીજાને કોડનેમ્સથી સંબોધ્યા હતા એવું જણાવેલું છે. આ જ હકીકત MEA – મિનિસ્ટ્રી ઑફ એક્સટર્નલ અફેર્સ-ના આ અપહરણ અંગેના રિપોર્ટમાં પણ સ્પષ્ટ કરાઇ છે. પણ માળું આપણે ત્યાં દેકારા કરનારાઓને મુદ્દાઓની પડી જ નથી હોતી. નેટફ્લિક્સે આ વિવાદની વચ્ચે સિરિઝ પહેલા આવતા ડિસ્ક્લેમરમાં જે ચોખવટ કરવાની હતી તે કરી દીધી.

આ એક એવો વિવાદ હતો જેમાં સમય બગાડવાની જરૂર ન હોત જો લોકોએ સત્ય જાણવાની તસ્દી લીધી હોત તો. એક બીજો ગણગણાટ એવો પણ શરૂ થયો કે, ત્યારની સરકારે તો નમતું જોખ્યું, આવી રીતે કંઇ આતંકવાદીઓને કહ્યે આપણે પકડેલા આતંકીનો જવા ન દેવાય. આ ઘોંઘાટ પણ એ જ લોકો કરે છે જેમણે આ હિંદુ નામો વાળો દેકારો કર્યો. 1999માં સૂચના અને પ્રસારણ મંત્રાલયમાં કંચન ગુપ્તા નામના એક વરિષ્ઠ સલાહકાર હતા જેમણે એક જૂના બ્લૉગમાં એ વખતે મંત્રાલયમાં, પ્રધાન મંત્રીની ઑફિસમાં શું સંજોગો હતા, કેવો તણાવ હતો તેને વિશે લખ્યું છે. તેમના રિપોર્ટ અનુસાર અપહરણની વાત શરૂઆતમાં તો પ્રધાન મંત્રી વાજપેયીની ફ્લાઇટના પાયલટને જણાવવામાં પણ નહોતી આવી. એમ મનાય છે કે વાયુસેનાને આ વિશે માહિતી હોવા છતાં પ્રધાન મંત્રીને તેની જાણકારી મોડી અપાઇ. પ્રધાન મંત્રી આવાસ પર વરિષ્ઠ મંત્રીઓ અને સચિવની બેઠક ચાલુ થઇ ગઇ હતી. NSA બ્રિજેશ મિશ્રા રાજીવ ભવનમાં બનેલા ક્રાઇસિસ કન્ટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા. આ તરફ હાઇજેક થયેલું વિમાન મંજૂરી ન મળવાથી લાહોરમાં લેન્ડ ન થઇ શક્યું અને અમૃતસર તરફ વળ્યું. 45 મિનિટ ત્યાં ટર્મિનલ પર હોવા છતાં એરપોર્ટ અધિકારીઓ દિશાહિન અને હાંફળા-ફાફળા થઇ આમ-તેમ દોડાદોડી કરી રહ્યા હતા. સ્ટેન્ડ બાય પર તૈનાત NSG કમાંડો અમૃતસર કેમ ન પહોંચ્યા તેની ચોખવટ ક્યારે ય ન થઇ – એક મત એમ છે કે તેમને દિલ્હીથી અમૃતસર લઇ જનારા વિમાનની રાહમાં તેઓ અટક્યા અને બીજા મત અનુસાર એ કમાંડો ટ્રાફિકમાં અટવાઇ ગયા હતા. આ તરફ વિમાનની ટાંકીમાં ઇંધણ ઓછું હોવા છતાં આતંકીના દબાણ પર લાહોર તરફ ફ્લાઇટ ઉપાડવામાં આવી. જસવંત સિંહે પાકિસ્તાની વિદેશ મંત્રીને ફોન કરી કહ્યું કે લાહોરથી વિમાનને આગળ ન ઉડવા દે પણ પાકિસ્તાનીઓ આ આખી ઘટનાથી ખૂદને દૂર રાખવા માગતા હતા કારણ કે તેઓ બાદમાં હાથ ઊંચા કરી દઇ શકે કે આ ઘટના સાથે તેમને કંઇ લાગતું વળગતું નહોતું. પાકિસ્તાનનું દબાણ હતું કે બને એટલું જલદી આ વિમાન પોતાની ધરતી અને એરસ્પેસની બહાર જવું જોઇએ. ઇંધણ ભરાયું અને વિમાન દુબઇ ગયું પણ ત્યા પણ લેન્ડિંગની મંજૂરી મળે તેમ નહોતું. આ સમયે જસવંત સિંઘ અને તત્કાલિકન UAE રાજદૂતે કે.સી. સિંહે યેનકેન પ્રકારેણ આ મંજૂરી મેળવી. UAE અધિકારીઓની મદદથી આતંકીઓ સાથે વાતચીત કરી 13 સ્ત્રીઓ અનો 11 બોળકોને વિમાનમાંથી છોડાવી લેવાયાં. આ એ વખત હતો જ્યારે રૂપિન કત્યાલ જેને આતંકીએ ચપ્પુ માર્યુ હતું તેનું લોહી વહેવાને કારણે મોત થઇ ગયું હતું અને તેમના મૃતદેહને બહાર લવાયો પણ તેમની વિધવા પત્ની છેક સુધી વિમાનમાં જ હતી. હવે આ તો ત્યારની વિમાનની આસપાસની ઘટનાઓનું ચિત્રણ છે. આ તરફ દિલ્હીમાં સરકાર એ અપહત્યોના પરિવારજનોના રોષનો સામનો કરી રહી હતી. લોકો બેફામ વિરોધ કરી રહ્યા હતા, સરકાર કંઇ કરતી નથી એવા નારાઓ વચ્ચે વાજપાઇ સરકારે બંધકોના પરિવારને સંબોધવાનું નક્કી કર્યું. આ તરફ મીડિયા માટે પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી અને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીમાંથી કોઇ મંત્રી બંધકોના પરિવારને સંબોધવા તૈયાર નહોતા પણ જસવંત સિંહે કંચન ગુપ્તાને (જેણે આ બાબતો બ્લોગમાં લખી છે) કહ્યું કે ચાલો આપણે જ્યાં આ લોકો છે ત્યાં જઇને વાત કરીએ. બંધકોના પરિવારોનાં ટોળાંનું નેતૃત્વ કરનાર ડૉ. છિબ્બર દિલ્હીના સર્જન હતા – આ ટોળાંએ મંત્રાલયના પ્રતિનિધિ પર હુમલો જ કર્યો અને એક વાત ન સાંભળી. ટોળાંના આગેવાન બની બેઠેલા ડૉક્ટર ચાહતા હતા કે અપહરણકર્તાઓની બધી વાત માની લેવી જોઇએ, 36 આતંકીઓને છોડી દેવા જોઇએ. લોકોએ તો એ પણ કહ્યું કે એમને કાશ્મીર જોઇતું હોય તો આપી દો, અમને કંઇ પડી નથી. આ ટોળાં સામે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલની પત્નીએ પણ જ્યારે રાષ્ટ્ર પ્રત્યેની કટિબદ્ધતાની વાત કરી હતી ત્યારે તેમનો ય વિરોધ કરાયો હતો. આ દબાણની વચ્ચે સરકારે અમુક નિર્ણયો લેવા જ પડ્યા અને જેલમાંથી અમુક આતંકીઓને છોડવાનો સોદો થયો. જસવંત સિંહે પોતે કંદહાર જઇને વાટાઘાટો શાંતિથી પૂરી થાય તેની તકેદારી રાખવાની તૈયારી બતાડી હતી અને કંદહાર જતા બે વિમાનમાંથી એકમાં એ પણ હતા. 31મી ડિસેમ્બરે રાત્રે બંધકો પાછા ફર્યા, આટલું મોટું ઑપરેશન પાર પાડ્યું હોવા છતાં સરકારની એ મામલે ટીકા કરાઇ કે સરકાર અપહરણકર્તાઓની માંગ સામે ઝુકી ગઈ. જસવંત સિંહને આખી ઘટનામાં ખલનાયક ચિતરવામાં આવ્યા જે સાવ વાહિયાત બાબત છે. આ આખું વિવરણ એ સાબિત કરે છે કે આપણે આતંકવાદ સામે લડવાની હિંમત નથી ધરાવતા – ના અહીં સૈન્ય કે સરકારની વાત છે જ નહીં – આપણે જવાબદારીના મામલે તેમને માથે બધો બોજ નાખવા માગીએ છીએ, પણ આપણું તસુભાર નુકસાન વેઠવાની આપણામાં તાકાત નથી. એક સારા નેતાને દોષી ઠેરવવા, જે પોતે સૈન્યના અધિકારી રહી ચૂક્યા હતા તે નાગરિકો માટે સહેલું થઇ પડે છે.

વળી આ અપહરણકાંડને મુંબઈ પોલીસ સાથે સીધો સબંધ હોવાનો સરસ લેખ મુંબઈ ક્રાઇમ બ્રાંચના પૂર્વ પ્રમુખ ડી શિવાનંદને લખ્યો છે, જે રિટાયર્ડ ડી.જી.પી. છે. મુંભઈના પોલીસ અધિકારી હેમંત કરકરેને ટિપ મળી હતી કે RAWની મુંબઈ ઑફિસ પાસે મુંબઈનો એક એવો ફોન નંબર છે જે પાકિસ્તાનના એક નંબર સાથે સતત સંપર્કમાં છે. અપહરણ થયું હતું તે દરમિયાન જે ટીમ આ ઑપરેશન પર હતી તેણે મુંબઈ પાકિસ્તાન વચ્ચેના ફોન કૉલ ત્રણ દિવસ સુધી સાંભળ્યા. સામે પાકિસ્તાની જૈશ-એ-મોહંમદનો આતંકવાદી હતો જે જોગેશ્વરીમાં કોઈની સાથે સંપર્કમાં હતો અને પૈસાની લેવડદેવડની વાત ચાલુ હતી. તેને આધારે જે ધરપકડ થઇ હતી તેમાં બાળ ઠાકરેના માતોશ્રીનો નકશો પણ મળ્યો હતો અને સાથે રાઇફલન્સ, હેન્ડ ગ્રેનેડ, રૉકેટ લૉન્ચર, ડિટોનેટર અને વિસ્ફોટક, છ પિસ્તોલ અને બારુદ ગોળાનો જથ્થો મળ્યો હતો. મુંબઈમાંથી વાત કરનાર માણસ અબ્દુલ લતીફ હાઇજેકર્સનો સાથીદાર હતો અને તેણે ભારતીય તપાસ ટૂકડીને IC-814ના અપહરણકર્તાઓનાં નામ પણ જણાવ્યા હતા. વળી જ્યારે મુંબઈ પોલીસે અબ્દુલ લતીફને પકડ્યા પછી અન્ય સ્થળે દરોડા પાડ્યા ત્યારે એમ પણ જાણવા મળ્યું કે આતંકીઓ મુંબઈમાં હાઇજેકિંગ કરવા ધારતા હતા અને માટે પહેલાં આતંકીઓને મુંબઈ લવાયા હતા. મુંબઈ પોલીસના પૂર્વ ACP પ્રદીપ શર્માના મતે આ લોકો મોટો આતંકી હુમલો કરવા ધારતા હતા, ત્યારે વડા પ્રધાન વાજપેઈ મુંબઈ આવવાના હતા અને તેમના કાફલા પર હુમલો કરવાનો આતંકીઓનો ઇરાદો હતો.

હવે સિરિઝ તરફ પાછા વળીએ તો ખરેખર સારી બનાવાયેલી આ સિરિઝમાં એક તકલીફ એ છે કે  આ અપહરણકાંડ સાથે પાકિસ્તાનના ISIની કડીઓ જોડાયેલી હતી તે સ્પષ્ટ દર્શાવાયું જ નથી. હિંદુ-મુસ્લિમ નામો વાળી બબાલ કરતાં કોઇ મોટો પ્રશ્ન હોય તો એ છે કે આ અપહરણકર્તાઓ પાકિસ્તાની હતા એ બાબત સ્પષ્ટતાથી નથી કહેવાઇ. ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીને આ પાકિસ્તાની ઑપરેટિવ્ઝ પાકિસ્તાનના કયા હિસ્સાઓમાંથી આવ્યા હતા તેની પણ જાણ હતી પણ એ બાબત સિરિઝમાં નથી દર્શાવાઇ. અફઘાનિસ્તાન અને અલ-કાયદા સાથેની તેમની કડી બતાડાઇ છે પણ એ બહુ ગળે ઉતરે એવી નથી. આ અપહરણ પણ પાકિસ્તાન અને ભારત વચ્ચે ચાલતા ગુપ્ત યુદ્ધનો જ હિસ્સો હતો અને ISIનો તેમાં સીધો હાથ હતો. વળી RWAએ નેપાળી નાગરિકોને કરેલું ટોર્ચર, કોઈ ભારતીય એજન્ટ જે પાકિસ્તાની રાજદૂતનો પીછો કરે છે તે ઘટના વગેરેના કોઇપણ નક્કર પુરાવા નથી. ઇન્ટેલિજન્સ એજન્સીની કામગીરી જે રીતે થાય છે તેની વિગતોમાં પણ સિરિઝમાં લગિરેક ચિવટ નથી રખાઇ પણ આ માટે દિગ્દર્શક પાસે સર્જનાત્મક સ્વતંત્રતાનું બહાનું હોઇ જ શકે છે. પણ રિસર્ચ માટે એસ દુલાત, અજીત દોવાલ અને આનંદ ઇરાની જેવા અધિકારીઓ સાથે સિરિઝના મેકર્સે વાત કરી હોત તો સારું થાત.

બાય ધી વેઃ

અપહરણ થયું ત્યારે જે લોકોએ સરકાર પર દબાણ પેદા કર્યું એ દર્શાવે છે કે રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રવાદ વચ્ચે કેટલો ફેર છે. પોતાના પગ નીચે રેલો આવે ત્યારે કાશ્મીર આપી દેવાની વાતો કરનારા લોકો સિરિઝનું તથ્ય જાણ્યા વિના એટલો હોબાળો કરે છે કે સરકાર પણ બીજું બધું બાજુએ મુકી નેટફ્લિક્સના કાન આમળવા માંડે છે. જે સવાલ કરવા જોઇએ એ નથી થતા અને કમનસીબે આ સ્થિતિમાં નવી પેઢી વાસ્તવિકતાથી દૂર એક અન્ય ચિત્ર મનમાં લઇને આગળ વધે છે અને તેનાથી મોટું જોખમ બીજું કંઇ ન હોઈ શકે. બાય ધી વે વિશાલ ભારદ્વાજે પણ આ વિષય પર કામ કરવાનું નક્કી કર્યુ હતું અને આ માટે અજીત દોવાલ સાથે વાતચીત પણ આદરી હતી જો કે આ પ્રોજેક્ટ આગળ ન વધી શક્યો.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 સપ્ટેમ્બર 2024

Loading

જેનામાં સર્જનાત્મકતા હોય તે કોઇની કઢી ચાટે નહીં

રમેશ ઓઝા|Opinion - Opinion|8 September 2024

રમેશ ઓઝા

૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી આજ સુધીમાં ઓછામાં ઓછી ત્રીસેક ફિલ્મ અને ટી.વી. સિરિયલ કે વેબ સિરીઝ આવી હશે, જેમાં ગાંધીજીને, જવાહરલાલ નેહરુને, ઇન્દિરા ગાંધીને, ડૉ. મનમોહન સિંહને નીચા દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં મુસલમાનોને, ખ્રિસ્તીઓને, ડાબેરીઓને, સેક્યુલરિસ્ટોને અને એકંદરે માનવતાવાદીઓને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિવેક અગ્નિહોત્રી, અક્ષય કુમાર, અનુપમ ખેર વગેરે અઢળક કમાયા છે. ગોદી સર્જકોને પૈસા આપવામાં આવતા હતા અને તેમણે માલિકોને ઉજળા દેખાડવાના હતા અને માલિકોના દુ:શ્મનની બદનામી કરવાની હતી. ગોદમાં બેસાડનારાઓ એમ માનતા હશે કે ભારતની સમગ્ર પ્રજા બેવકૂફ છે અને આખી જિંદગી તેમ જ પેઢી-દર-પેઢી બેવકૂફ રહેવા સર્જાયેલી છે.

પણ એમાં બે સમસ્યા છે. પ્રજા એકના એક ગાયનવાદનથી કંટાળી જાય. બેવકૂફમાં બેવકૂફ માણસ પણ એક દિવસ તો વિચારે કે આ લોકો પોતાને મહાન દેખાડવા માટે બીજાને શું કામ નાના ચીતરે છે? દરેક પ્રસંગે અને દરેક સ્થળે બીજાઓને નીચા દેખાડવાની પ્રવૃત્તિ આ લોકો શું કામ કરે છે? શું પોતાનાં કોડિયામાં ઓછું તેલ છે કે બીજાનાં કોડિયાનું તેલ ઢોળી નાખવું પડે? કોડિયું બુઝાઈ જવાનો ડર છે? આવો સવાલ તો બેવકૂફમાં બેવકૂફ હોય તેને પણ એક દિવસ થાય. બીજી સમસ્યા એ છે કે જે લોકો પૈસા લઈને પ્રચારક બને તેનામાં સર્જનાત્મકતા ઓછી હોવાની. અમર કૃતિ રચવાની આવડત તેનામાં ન હોય અને એવી આવડત જેનામાં હોય એ કોઈની કઢી ચાટે નહીં. કોઈ ભાટની કવિતા કાલીદાસની કવિતા સામે ટકે? એટલે તેણે કરેલું સર્જન આંખ સહન ન કરી શકે એવું જાડું હોય અને કાન સહન ન કરી શકે એટલું ઘોંઘાટિયું હોય. ઘણીવાર સવાલ થાય કે આ માલિકની પ્રસંશા કરે છે કે ઠેકડી ઊડાડે છે? વધારે વહાલા થવા વધારે અતિશયોક્તિ કરે. વિવેક અગ્નિહોત્રીની ‘કાશ્મીર ‘ફાઈલ્સ’ આનું ઉદાહરણ છે. એ ફિલ્મને ઓસ્કરમાં મોકલવામાં આવી હતી અને ઓસ્કરની જ્યુરીએ જ્યારે એ ફિલ્મ જોઈ ત્યારે દરેકે દરેક સભ્યએ ગુસ્સે થઈને કહ્યું હતું કે આવી ફૂહડ ફિલ્મ અહીં સુધી પહોંચી જ કેવી રીતે? આ કોઈ ફિલ્મ છે? પ્રોપેગેન્ડા ફિલ્મ અમારે જોવાની? જ્યુરીનો અભિપ્રાય જોઇને અગ્નિહોત્રી અને ખેરને મરચાં લાગ્યાં હતાં.

ટૂંકમાં બીજાની બદનામી કરતો એક સરખો પ્રચાર જોઇને એક દિવસ લોકો કંટાળી જાય અને શંકા કરતા થઈ જાય. જેણે જિંદગીમાં હાથમાં દાંડી પકડી ન હોય એ ઢોલ વગાડે તો અવ્વલ દરજ્જાનો ભક્ત પણ કાને હાથ મૂકી દે. અત્યારે આવું બનવા લાગ્યું છે. પ્રોપેગેન્ડા કરનારી ફિલ્મો નિષ્ફળ નીવડી રહી છે.

આની સામે કોઈ અવ્વલ દરજ્જાનો સર્જક શાસકોને માફક ન આવે એવા કોઈ વિષય પર કૃતિ રચે તો? માત્ર એક ઉદાહરણ બસ રહેશે. પશ્ચિમ બંગાળમાં જ્યારે નક્સલવાદી આંદોલન જોરમાં હતું ત્યારે એ સમયના પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સિદ્ધાર્થ શંકર રેએ સરકારી હિંસાનો સપાટો બોલાવ્યો હતો. જે અવાજ કરે એ દરેક નક્સલી અને નક્સલી જીવતો ન બચવો જોઈએ. કોલકાતામાં અને સમગ્ર રાજ્યમાં હજારો યુવકોની લાશો બિછાવી દેવામાં આવી હતી. નકલી એન્કાઉન્ટરનો અને બુલડોઝરનો ન્યાય પહેલેથી જ અપનાવામાં આવી રહ્યો છે. ફરક એ છે કે આગળના યુગના બાહોશ શાસકો સરકારી હિંસાનો મહિમા કરતા નહોતા. વાંકી આંગળીએ ઘી એ લોકો પણ કાઢતા હતા, પણ કહેતા નહોતા. હાથ હંમેશાં જોડેલા જ હોય.

ખેર, પશ્ચિમ બંગાળની સરકાર એ સમયે જે રીતે યુવકોને મારતી હતી, જે રીતે અવાજોને રૂંધતી હતી, જે રીતે તેણે માનવીય જીવનને સસ્તું કરી મૂક્યું હતું એ જોઇને લબ્ધપ્રતિષ્ઠ બંગાળી સાહિત્યકાર મહાશ્વેતા દેવીએ એક કૃતિ રચી હતી જેનું નામ હતું; ‘હજાર ચુરાશીરમા’ (૧૦૮૪). કોલકાતાના મુર્દાઘરમાં એક યુવકની લાશ પડી છે જેની ઓળખ છે, ‘હજાર ચુરાશીરમાં.’ લાશ ક્રમાંક ૧૦૮૪. આ શીર્ષક જ હચમચાવી મૂકે એવું છે. માબાપ માટે જે લાડકવાયો છે એ બંદૂકના નાળચામાં સમાયેલા શાસન માટે એક નંબર માત્ર છે. એ કૃતિ માંડ સો પાનાંની હશે, પણ અમર કૃતિ છે. એનો અનેક ભાષામાં અનુવાદ થયો છે, ગુજરાતીમાં પણ થયો છે. એ જ નામની ફિલ્મ પણ બની છે. એ કૃતિ રચાઈ ત્યારથી લઈને આજ સુધી અને હવે પછી પણ, જ્યારે એ કૃતિની વાત થશે ત્યારે સિદ્ધાર્થ શંકર રાય અને તેની પુલીસ માનવીય સભ્યતાના દુ:શ્મન તરીકે હાજર થશે. તેમનું સ્વતંત્ર અસ્તિત્વ તો સત્તા છોડ્યા પછી ક્યારનું ય મટી ગયું છે, તેઓ એક નાનકડી કૃતિ દ્વારા એ કૃતિએ આપેલા ચહેરા સાથે જીવે છે.

આ ફરક છે, બળુકા સર્જકોમાં અને ખુશામતખોરોમાં. એક સો પાનાંની કૃતિએ કાયમ માટે શાસકોના અસલી ચહેરાને કાળની ભીંતમાં કોતરી દીધો. કોઈની તાકાત નથી એ ભૂંસવાની, પછી ભલે હજાર વિવેક અગ્નિહોત્રીઓને કામે લગાડવામાં આવે! આવાં અમર સર્જનોનાં તો બીજાં અનેક દાખલા આપી શકાય. ચાર્લી ચેપ્લિનની ફિલ્મ ‘ગ્રેટ ડિક્ટેટર’ જોઈ લો. હિટલર અને હિટલરની વિચારધારા પર લખાયેલાં હજારો પુસ્તકો એક તરફ અને ‘ગ્રેટ ડિક્ટેટર’ એક તરફ. એ ફિલ્મ મૂંગી છે, પણ સતાવે છે. ભેગભેગા પાયલ કાપડિયાને યાદ કરી લઈએ. પાયલ કાપડિયાને તેની ફિલ્મ ‘ઑલ વી ઈમેજીન એઝ લાઈટ’ માટે કાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં ગ્રેંડ પ્રિક્સ એવોર્ડ મળ્યો. આ પાયલ કાપડિયા પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભણતી હતી ત્યારે મોદી સરકારે ‘મહાભારત’ ટી.વી. સિરિયલમાં યુધિષ્ઠિર બનેલા ગજેન્દ્ર સિંહ ચોહાણને તેનાં અધ્યક્ષ બનાવ્યા હતા. તેમની જમા બાજુ એટલી જ હતી કે તેઓ ભા.જ.પ.ના સભ્ય છે. વિદ્યાર્થીઓએ ગજેન્દ્રસિંહની નિમણૂકનો વિરોધ કર્યો, આંદોલન કર્યું, પાયલે તેનું નેતૃત્વ કર્યું હતું અને સરકારે તેને હેરાન કરવામાં કશું બાકી નહોતું રાખ્યું. આજે ગજેન્દ્રસિંહ ચોહાણને દેશમાં પણ કોઈ ઓળખતું નથી અને પાયલે વિદેશમાં નામ રોશન કર્યું.

કાળ નીરવતાને સાંભળતો હોય છે અને ઘોંઘાટને ચાળી નાખતો હોય છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 સપ્ટેમ્બર 2024

Loading

‘ઉપયોગિતાની દૃષ્ટિએ ખેડૂતો મારાં કરતાં ઘણી ઉચ્ચ કક્ષાએ છે !’

રમેશ સવાણી|Opinion - Opinion|7 September 2024

વિશ્વવિખ્યાત ડચ ચિત્રકાર વિન્‍સેન્‍ટ વાન ગૉગનું જીવન આલેખતી, અમેરિકન ચરિત્રકાર Irving Stone – અરવિન્‍ગ સ્ટોને લખેલી કથા ‘લસ્ટ ફોર લાઈફ’ (1934) વિશ્વભરના વાચકોની પ્રિય કૃતિ છે. આ કૃતિને ‘સળગતાં સૂરજમુખી’ (1994) નામે ગુજરાતીમાં ઊતારવાનું કામ વિનોદ મેઘાણીએ કર્યું છે … ધર્મ અને પુરાણોને લગતાં લાખેક ચિત્રો આંખ તળેથી પસાર થઈ ગયા પછી અરવિન્‍ગ સ્ટોનને લાગ્યું કે ચિત્રકળા સરસ માધ્યમ હશે, પણ પોતાને માટે એમાં કશો સંદેશો નથી. વધુ ચિત્રો જોવાની તેમની હામ રહી નહોતી. એવામાં એક મિત્રના અત્યાગ્રહથી તેઓ વિન્‍સેન્‍ટનાં ચિત્રોનું પ્રદર્શન જોવા ગયા. તેમણે લખ્યું છે : ‘મેં જે અનુભવ્યું તેવું પહેલાં ક્યારે ય અનુભવ્યું નહોતું. મૂઢ બનીને હું ઊભો જ રહી ગયો. વિચારવાની કે શ્વાસ લેવાની શક્તિ પણ ઓસરી ગઈ.’ આ અનુભવ પછી તેમને આ ચિત્રકારના જીવનમાં રસ પડ્યો અને ‘લસ્ટ ફોર લાઈફ’નું સર્જન થયું. Lust for Life – ‘સળગતાં સૂરજમુખી’ પુસ્તક વિશે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ 4 ઓગસ્ટ  2019ના રોજ ફેસબૂક પર નીચેની પોસ્ટ મૂકી હતી :

‘સળગતાં સૂરજમુખી’ની મારાં ઘડતરમાં અકલ્પ્ય ભૂમિકા છે. એટલા માટે કે 39માં વર્ષે હું મારામાંથી બહાર નીકળી પોતાની જાતને તટસ્થ રીતે જોઉં છું તો હવે મને દેખાય છે કે હું ઇન્ટેન્સિટી અને પૅશનનો માણસ છું. ઇન્ટેન્સિટી અને પૅશન નામનાં આ પદાર્થ, આ તત્ત્વ, આ ઉર્જા મારા વ્યક્તિત્વ અને અસ્તિત્વનો ભાગ બની ગયાં જે મારું સૌથી મહત્ત્વનું ચાલક બળ છે અને તેના મૂળમાં આ પુસ્તક છે. 

જિજ્ઞેશ મેવાણી

સળગતાં સૂરજમુખી એ મહાન ચિત્રકાર વિન્સેન્ટ વેન ગોગની જીવનકથા છે. આ પુસ્તકની અને વેન ગોગનાં જીવનની મારા ઉપર સખત ઇન્ફ્લ્યુઅન્સ છે. આ પુસ્તક મને ખૂબ એટલા માટે ગમે છે કે જીવન માટેની ભૂખ, ધગશ, ધખના, વાસના અને કલા માટેની ઝંખનાનું મિલન એટલે વિન્સેન્ટ વેન ગોનું જીવન. 

આ જીવનને શોધવા માટે તેટલી જ પૅશન અને ઇન્ટેન્સિટીથી સંશોધક અરવિન્ગ સ્ટોને કામ કર્યું છે, આ પુસ્તકનું સર્જન કર્યું છે. વેન ગોગનું કોઈ ચિત્ર એ કલાનો એક મહાન નમૂનો કહેવાય તેમ અરવિન્ગ સ્ટોનનું વિન્સેન્ટ વેન ગોગનાં જીવન વિષે લખાયેલું પુસ્તક ‘લસ્ટ ફોર લાઈફ’ એ પણ કલાનો એક મહાન નમૂનો છે. એમાં ય વિનોદ મેઘાણીએ આનો જે અનુવાદ કર્યો છે, જેને ઘણાં મિત્રો બહુ પ્રેમથી અને સાચે જ અનુવાદને બદલે અનુસર્જન કહે છે. આવું અદ્ભૂત અનુસર્જન, આવું બેનમૂન જીવનચરિત્ર નવલકથા રૂપે અને તે પણ વિન્સેન્ટ વેન ગોગ વિષે. અને વિન્સેન્ટ વેન ગોગનું જીવન તો તોડી નાખે તેવું. આનો સરવાળો આ પુસ્તક છે.

પુસ્તકના અંતમાં ગોગએ તેમની માને લખેલ પત્ર પણ ખૂબ ગમે છે. એમાં તે એવું લખે છે કે, ‘વ્હાલી માતા, તને મારાં કેટલાંક સેલ્ફ પોટ્રેટ મોકલી રહ્યો છું જે જોઈને તને લાગશે કે પૅરીસ, લંડન જેવા મહાન નગરોમાં વર્ષો વિતાવવાં છતાં હું સાવ ગામડિયા ખેડૂત જેવો દેખાવ છું. સાચું કહું તો વિચારે ભાવે પ્રતિભાવે હું ખેડૂત જેવો જ છું, ફેર ફકત એટલો છે કે ઉપયોગિતાની દૃષ્ટિએ ખેડૂતો મારાં કરતાં ઘણી ઉચ્ચ કક્ષાએ છે.’  

જેનાં ચિત્રોની કિંમત કરોડોની છે એ ચિત્રકાર એવું કહે છે કે મારાં જીવન કરતાં એક ખેડૂતનું જીવન વધારે મહત્ત્વનું છે. તે એમની બહુ મહાન ફિલસૂફી છે, કે હું ચિત્ર દોરું છું તો ચિત્ર દોરી શકું એવી અનુકૂળતા છે, મારા પાસેની આ અનુકૂળતા આખી દુનિયા પાસે કેમ નથી? બધા લોકોને કવિતા કરવી હોય, ચિત્રો દોરવા હોય, પુસ્તકો લખવા હોય, પણ માનવીની મૂળભૂત જરૂરિયાતો સંતોષાય પછી એને પુસ્તકો, ચિત્રો, સિનેમા જેવી કલાઓમાં રસ પડતો હોય છે. એટલે ખેડૂત ખેતરમાં તનતોડ મજૂરી કરે નહીં તો ધાન પાકે નહીં, ધાન પાકે નહીં તો તમારા અને મારા પેટમાં કાંઈ જાય નહીં અને પેટમાં જાય નહીં તો હાથ ચાલે નહીં અને હાથ ચાલે નહીં તો પીંછીનો લસરકો ક્યાંથી મારીએ?! એટલે આ બધું વિન્સેન્ટ વેન ગોગની પેલી વાતમાં અભિપ્રેત છે. 

સળગતાં સૂરજમુખી વાંચવાના કારણે મને આઈડિયા ઓફ માર્ક્સિઝમની બહું મજા પડે છે કેમ કે એ પણ માર્ક્સિઝમમાં એવું કહે છે કે એક સમય એવો આવશે માનવસભ્યતામાં ઉત્પાદનનાં એવાં સ્તર પર આપણે પહોંચીશું કે જગતનાં દરેક મનુષ્યે પોતાની મરજીના ત્રણ ચાર કલાકથી વધુ કામ કરવું નહીં પડે. પોતાને ગમતું પોતાની મરજીનું પોતાની અનુકૂળતા અને આવડતનું અને એ પણ ત્રણ ચાર કલાક પછી બાકીનો સમય આપણે શું કરીશું? તો ભાઈ આપણે ચિત્રો દોરીશું, કવિતા કરીશું, બુધન થિયેટરનું નાટક કરીશું, સૌમ્ય જોશીની કવિતા સાંભળીશું અને મરીઝનું આગમન વાંચીશું અને ધરતીની આરતી વાંચીશું અને ચૅપ્લિનની ફિલ્મો જોઈશું અને પિકાસોનું પેઇન્ટિંગ જોવા જઈશું. આ કારણથી મને સળગતાં સૂરજમુખી વધારે પ્રિય છે. મારી પાસે મારો પાસપોર્ટ નથી, બહુ બધી FIR છે, જેનાં કારણે મારે દરેક કોર્ટ પાસેથી NOC લેવી પડે એમ છે. પણ જે દિવસે મને બધી NOC મળી અને મારો પાસપોર્ટ મળ્યો તો મારાં પોતાનાં રૂપિયાથી જે સૌથી પહેલી જગ્યાએ જવાનું ઈચ્છું તે નેધરલેન્ડમાં આવેલ વિન્સેન્ટ વેન ગોગનું મ્યુઝિયમ છે.’

[સૌજન્ય : જિજ્ઞેશ  મેવાણી]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...575576577578...590600610...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved