ચલ મન મુંબઈ નગરી — 300

દીપક મહેતા
૧૩ જુલાઈ, ૨૦૧૯. ચલ મન મુંબઈ નગરીનો પહેલો હપતો ‘ગુજરાતી મિડ-ડે’માં પ્રગટ થયો ત્યારે સપને ય ખ્યાલ નહોતો કે મુંબઈની આ યાત્રા આટલી લાંબી ચાલશે. ના, ધાર્મિક અનાસ્થાને કારણે આજ સુધી એકે યાત્રા નથી કરી. પણ દર અઠવાડિયે મુંબઈ વિષે લખવા બેસવું એ મારે મન યાત્રા કરતાં ય વધુ પાવન કામ છે. સાધારણ રીતે એક હપતો લખતાં બે દિવસ લાગે. પણ એને અંગે વિચારવાનું તો લગભગ સતત ચાલતું હોય. તથ્યને જોખમાવ્યા વગર લખાણને પથ્ય કેમ બનાવવું એવો પ્રયાસ સતત ચાલતો હોય છે. ઘણી વાર તેમાં સફળતા નયે મળે. કેટલીક વાર મળે.
અખબારમાં હપતો પ્રગટ થાય તે જ દિવસે તેને FB પર વહેંચવાનું પણ પહેલા જ હપતાથી શરૂ કર્યું. અહીં પણ આ લેખો વિષે કોઈએ અણગમો વ્યક્ત કર્યો હોય તેવું ભાગ્યે જ બન્યું છે. આપણા રામને ગણિત સાથે બાળપણથી જ બારમો ચંદ્રમાં. પણ મિત્ર વિપુલ કલ્યાણીએ આજ સુધી એકેએક હપતો તેમના Opinionમાં સમાવ્યો એટલું જ નહિ, દરેક હપ્તાને સળંગ ક્રમાંક પણ આપ્યો. એટલે ખબર પડી કે આજનો આ હપતો એ ૩૦૦મો હપતો છે. આ હકીકત અંગે મનમાં આનંદ કરતાં આશ્ચર્ય વધારે છે.
અમદાવાદના ‘નવજીવન સાંપ્રત’ના કર્ણધારોનું ધ્યાન પણ આ કોલમ તરફ ગયું અને તેમાંથી પસંદ કરેલા લેખોનું પુસ્તક તેમણે પ્રગટ કર્યું. પચાસેક પુસ્તકો પ્રગટ થયા પછી પહેલી વાર આ પુસ્તકનું પ્રકાશન પર્વ પણ મુંબઈમાં યોજાયું, ૨૦૨૨ના જૂનની ચોથી તારીખે. અને હવે આ પુસ્તકનો બીજો ભાગ પણ નવજીવન થોડા વખતમાં પ્રગટ કરશે. પુસ્તકની નાનકડી પ્રસ્તાવનાનું મથાળું બાંધ્યું હતું : ‘મુંબઈ, મારી મા.’ માગ્યા વગર આપે એનું નામ મા. એટલે મા પાસે માગવાનું તો શું હોય? પણ એક ઇચ્છા ખરી : પહેલો શ્વાસ મુંબઈની ધરતી પર લીધો, એમ છેલ્લો શ્વાસ પણ મુંબઈની ધરતી પર જ લેવાનું સદ્ભાગ્ય મળે.
અને છેલ્લે આભાર આ સફરના સૌ સાથીઓનો.
ફરી મળીશું આવતા શનિવારે. સફર અભી જારી હૈ.
— દીપક મહેતા
* * *
જો મારે આહુજાને મારી નાખવો હોત તો રિવોલ્વરમાંની બધી ગોળી મેં તેના શરીરમાં ધરબી દીધી હોત
મરનાર પ્રેમ આહુજાના ફ્લેટની અદાલતે મુલાકાત લીધી તે પછીના દિવસે અદાલતનું કામકાજ શરૂ થયું. ત્યારે ફરિયાદ પક્ષના વકીલે કહ્યું કે નામદાર, મારે આપને એક અરજ ગુજારવાની છે.
જજ મહેતા : શું? બોલો.
અત્યારે આરોપી નાણાવટી નેવીના તાબામાં કેદ છે. એ જગ્યાએ તેનાં જેટલાં કપડાં હોય તે બધાં જ પોલીસે જપ્ત કરવાં જોઈએ.
જજ મહેતા : પણ શા માટે?
કારણ ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોએ તેમની જુબાનીમાં કહ્યું છે કે આરોપી તેને મળવા આવ્યો ત્યારે તેનાં કપડાં પર નહોતા લોહીના ડાઘ, કે નહોતાં એ ફાટેલાં-તૂટેલાં.
જજ મહેતા: પોલીસે શું કરવું અને શું ન કરવું એ કહેવાનું કામ અદાલતનું નથી. એટલે તમારી અરજી સ્વીકારી શકાય એમ નથી. પણ તમે ચાહો તો ડેપ્યુટી પોલીસ કમિશનરને ફેર ઉલટતપાસ માટે બોલાવી શકો છો.
આભાર, યોર ઓનર!
ફેર જુબાનીમાં ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોએ કહ્યું કે આરોપી નાણાવટીનાં કપડાં જપ્ત કરવા અંગે મેં કોઈ સૂચના આપી નહોતી, કારણ એમ કરવું મને જરૂરી લાગ્યું નહોતું?
કેમ?
મેં જો એનાં કપડાં પર લોહીના ડાઘ જોયા હોત અથવા તેનાં કપડાં ફાટેલાં હોત તો તે જપ્ત કરવાની સૂચના મેં આપી હોત. આવી બધી બાબતો નોંધવા માટે મારી આંખ ટેવાયેલી છે. તેણે છ-સાત મિનિટ મારી સાથે વાત કરી ત્યારે તે નહોતો ઉશ્કેરાયેલો કે નહોતો ગભરાયેલો. તેણે આખા બનાવ અંગે બહુ સ્પષ્ટતાથી વાત કરી હતી અને સામે ચાલીને સરન્ડર થયો હતો.
એ વખતે તેણે શું પહેર્યું હતો તે તમને યાદ છે?
હા. તેણે હાફ સ્લીવ શર્ટ અને સફેદ ટ્રાઉઝર્સ પહેર્યાં હતાં.
જજ મહેતા : તમે કહ્યું કે ‘આરોપી નહોતો ઉશ્કેરાયેલો કે નહોતો ગભરાયેલો. તેણે આખા બનાવ અંગે બહુ સ્પષ્ટતાથી વાત કરી હતી.’ તમારા મન પર આવી છાપ કઈ રીતે પડી?
યોર ઓનર! મેં જે એમ કહ્યું તે મારા મન પર પડેલી છાપ નહોતી. પણ મેં જે નોંધ્યું હતું તે જ જણાવ્યું હતું. લાંબા અનુભવને કારણે આવી બધી બાબત અમારા મનમાં આપોઆપ નોંધાઈ જતી હોય છે.
પછીના સાક્ષી હતા પોલીસ સર્જન ડો. આર.એમ. ઝાલા. તેમણે મરનારની લાશનું પોસ્ટ મોર્ટમ કર્યું હતું. એ અંગેની તબીબી અને કાનૂની વિગતો તેમણે અદાલતને જણાવી હતી.
બચાવ પક્ષના વકીલ : મરનાર આહુજા બંદૂકની ગોળીનો ભોગ બન્યો તે પહેલાં આરોપી અને મરનાર વચ્ચે ઝપાઝપી થઈ હોય તેમ તમે માનો છો?
ડો. ઝાલા : ના. કારણ મરનારના માથામાં જે ઈજા થઈ હતી તે તેની પાછળથી છોડાયેલી ગોળીને કારણે થઈ હતી. અને એ ઈજા ફેટલ, એટલે કે જીવલેણ હતી. એટલે ઝપાઝપીનો અવકાશ જણાતો નથી.
બચાવ પક્ષના વકીલ : મરનારની છાતી અને તેના માથા પર જે ઈજા થઈ હતી તેનાથી મોત નીપજે જ એવું નથી, પણ તે ઈજાને કારણે મોત નિપજવાની શક્યતા રહે છે એમ ન કહી શકાય?
ના. એવું ન કહી શકાય. માત્ર છાતી પરનો ઘા પણ એવો હતો કે તેથી મોત નીપજી શકે. અને માથામાં જે ઘા થયો હતો તેનું પરિણામ તો મોતમાં જ આવી શકે.
ત્યાર બાદ બોમ્બે સી.આઈ.ડી.ના ઇન્સ્પેક્ટર કાણેને જુબાની માટે બોલાવાયા હતા. તેમણે ૨૭મી એપ્રિલે, એટલે કે બનાવના દિવસે, નાણાવટીના કોલાબા ખાતેના ઘરની જડતી લીધી હતી.
એ દિવસે તમે આરોપી નાણાવટીના ઘરમાંથી શું શું જપ્ત કર્યું હતું?
એક ક્રિસમસ કાર્ડ જેના પર મામી અને પ્રેમ(આહુજા)ની સહીઓ હતી. અને ૧૯૫૯ના વરસની મિસિસ નાણાવટીની ડાયરી. આ બે વસ્તુ મેં પંચની હાજરીમાં જપ્ત કરી હતી.
આ સાથે અદાલતની તે દિવસની કારવાઈ પૂરી થઈ હતી.
*
બીજે દિવસે સુનાવણી વખતે કોર્ટમાં હાજર રહેવા માટે ફક્ત લાગતાવળગતા લોકોને, વકીલોને, છાપાના ખબરપત્રીઓને જ પાસ અપાયા હતા. અને પાસ વગરની કોઈ વ્યક્તિને અદાલતમાં હાજર રહેવા દેવી નહિ એવો જજ મહેતાનો કડક આદેશ હતો. પણ કેમ? કારણ એ દિવસે આરોપી નાણાવટીનું નિવેદન નોંધાવાનું હતું. સુનાવણી શરૂ થતાં પહેલાં કોર્ટ રૂમની બહારની લોબીથી માંડીને કોર્ટના મકાનના દરવાજા સુધી કડક પોલિસ બંદોબસ્ત હતો. અગિયાર વાગવામાં પાંચ મિનિટ બાકી હતી ત્યારે ઇન્ડિયન નેવીની એક સફેદ મોટર કોર્ટના કમ્પાઉન્ડમાં દાખલ થઈ. તેના ચારે કાચ ચડાવેલા હતા. કમાન્ડર નાણાવટી મોટરમાંથી ઊતરીને સીધા દાદાર ચડીને કોર્ટ રૂમમાં પહોંચી ગયા હતા. અગિયાર વાગે પહેલાં જ્યુરીના માનવંતા સભ્યો અને પછી જજ મહેતા દાખલ થયા. તેમણે કમાન્ડર નાણાવટીને પોતાનું નિવેદન રજૂ કરવા કહ્યું.
કોર્ટમાં જુબાની આપતા કમાન્ડર નાણાવટી – કલ્પના ચિત્ર
નાણાવટી : યોર ઓનર! મેં જાણી જોઇને, સમજી વિચારીને, અગાઉથી ઘડેલી યોજના પ્રમાણે પ્રેમ આહુજાનું ખૂન કર્યું એવો જે આરોપ મારા પર મૂકવામાં આવ્યો છે તે સદંતર ખોટો છે અને હું એ આરોપ મુદ્દલ સ્વીકારતો નથી. મરનાર પ્રેમ આહુજા અને મારી વચ્ચે રિવોલ્વરની ખેંચતાણ થઈ, અમારી વચ્ચે ઝપાઝપી થઈ. અને એ દરમ્યાન અકસ્માત છૂટેલી ગોળી દ્વારા પ્રેમ આહુજાનું મોત થયું. ફરિયાદ પક્ષે જે ઝીણી ઝીણી વિગતો રજૂ કરી છે તે હું સ્વીકારું છું. પણ મારે માથે જે ખૂનનો આરોપ મૂક્યો છે તે હું મુદ્દલ સ્વીકારતો નથી. મારા હાથમાંની રિવોલ્વર ઝૂંટવી લેવા તેણે મારા પર હુમલો કર્યો હતો જેનો મેં સેલ્ફ ડિફેન્સમાં પ્રતિકાર કર્યો હતો. એ દરમ્યાન અકસ્માત મારી રિવોલ્વરમાંથી ગોળીઓ છૂટી હતી. જો મારે તેને મારી જ નાખવો હોત તો રિવોલ્વરમાંની છએ છ ગોળી મેં તેના શરીરમાં ધરબી દીધી હોત.
પ્રેમ આહુજાનો બેડ રૂમ અને તેમાં આવેલી બાથ રૂમ – ખરેખરી તસવીર
ત્યાર બાદ કમાન્ડર નાણાવટીએ અગાઉ પોલીસ સમક્ષ જે નિવેદન નોંધાવ્યું હતું તે અદાલતમાં તેમને વાંચી સંભળાવવામાં આવ્યું હતું. એ સાંભળ્યા પછી નાણાવટીએ કહ્યું કે હા, મેં જ આ પ્રમાણેનું નિવેદન નોંધાવ્યું હતું.
આ તબક્કે જજ મહેતાએ નાણાવટીને કહ્યું કે ફરિયાદ પક્ષે તમારી સામે જે પુરાવાઓ અદાલતમાં રજૂ કર્યા છે તે અંગે તમારે કાંઈ કહેવું છે? અલબત્ત, આ અંગે કશું કહેવાનું તમારે માટે ફરજિયાત નથી. કમાન્ડર નાણાવટીએ જવાબમાં કહ્યું કે આ અંગે હું કશું જ કહેવા માગતો નથી.
ત્યાર બાદ જજ મહેતાએ કમાન્ડર નાણાવટી ઉપર મૂકવામાં આવેલા આરોપો વાંચી સંભળાવ્યા હતા. દરેક આરોપના જવાબમાં કમાન્ડર નાણાવટી એક જ વાક્ય દોહરાવતા હતા : ‘આ અંગે મારે કશું કહેવાનું નથી.’
જજ મહેતા : જુબાનીમાં એમ કહેવામાં આવ્યું છે કે જીવન જ્યોત મકાનના ચોકીદાર પુરણ સિંહે તમને જતા રોકીને પૂછ્યું હતું કે તમે આહુજાનું ખૂન શા માટે કર્યું? ત્યારે તમે જવાબ આપ્યો કે તેને મારી પત્ની સાથે લફરું ચાલતું હતું એટલે મેં એનું ખૂન કર્યું.
નાણાવટી : એક અજાણ્યા ચોકીદાર સાથે હું મારા અંગત લગ્ન જીવન અંગે વાત કરું એવું સૂચન કરવું એ તદ્દન વાહિયાત છે.
જજ મહેતા : જુબાનીમાં કહેવામાં આવ્યું છે કે તમે પુરણ સિંહને કહ્યું કે હું પોલીસ પાસે જ જાઉં છું. તારે સાથે આવવું હોય તો ચાલ. પણ પછી તમે મોટર હંકારી ગયા.
નાણાવટી : આ વાત તદ્દન ખોટ્ટી અને ઉપજાવેલી કાઢેલી છે.
આ તબક્કે ફરિયાદ પક્ષ તરફથી મિસિસ સિલ્વિયા નાણાવટીને જુબાની માટે બોલાવવાની માગણી થઈ જેનો બચાપક્ષે વિરોધ કરતાં કહ્યું કે આ આખા મામલા અંગે મિસિસ નાણાવટી અંગત રીતે મુદ્દલ સંડોવાયેલાં નથી. આ બનાવ બન્યો ત્યારે તેઓ તેમનાં ત્રણ બાળકો સાથે મેટ્રો થિયેટરમાં પિક્ચર જોઈ રહ્યાં હતાં. ત્યાર બાદ પણ તેઓ બનાવના સ્થળે કે પોતાને ઘરે ગયાં નહોતાં. પણ પોતાનાં સાસુ-સસરાને ઘરે ગયાં હતાં. વળી આ મુકદમ્મો કહેવાતા ખૂન અંગેનો છે. તથાકથિત લગ્નબાહ્ય સંબંધ અંગેનો નથી. એટલે મિસિસ નાણાવટીને જુબાની માટે બોલાવી શકાય નહિ.
બંને પક્ષને સાંભળ્યા પછી જજ મહેતાએ કહ્યું : જો પબ્લિક પ્રોસીક્યુટરને એમ લાગતું હોય કે અમુક વ્યક્તિને સાક્ષી તરીક બોલાવવાથી કશો ખાસ અર્થ સરે તેમ નથી તો એવી વ્યક્તિને સાક્ષી તરીકે બોલાવવાની ફરજ પાડી શકાય નહિ. વળી બનાવ વખતે મિસિસ નાણાવટી બનાવના સ્થળે હાજર નહોતાં. એટલે તેઓ આ બનાવનાં ચશ્મદીદ ગવાહ નથી. એટલે તેમને સાક્ષી તરીકે બોલાવવાનો આદેશ હું આપી શકતો નથી.
કમાન્ડર નાણાવટી અને પ્રેમ આહુજા
ત્યાર બાદ બોમ્બે પોલીસની સી.આઈ.ડી. બ્રાન્ચના ઇન્સ્પેક્ટર પી.એલ. મોકાશીને જુબાની માટે બોલાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે બનાવ બન્યો તે પછી રાત્રે કમાન્ડર નાણાવટીનાં મા-બાપ સી.આઈ.ડી ઓફિસમાં આવ્યાં હતાં. તેઓ તેમની સાથે બદલવા માટેનાં કપડાં અને સૂવા માટે ચાદર, તકિયો, વગેરે લાવ્યાં હતાં જે મેં કમાન્ડર નાણાવટીને લેવા દીધાં હતાં. ત્યાર બાદ તેમનાં મા-બાપે તેમને થોડી વાર મળવા દેવાની વિનંતી કરી હતી. એટલે મારી હાજરીમાં તેમને મળવા દીધાં હતાં. બીજે દિવસે સવારે મેં આ વાત મારા ઉપરી-અધિકારીને મૌખિક રીતે જણાવી હતી. ત્યાર બાદ ઇન્સ્પેક્ટર મોકાશીને ઘેરા ભૂરા રંગનું આખી બાયવાળું શર્ટ અને લગભગ એવા જ રંગનું પેન્ટ બતાવીને કહેવામાં આવ્યું હતું કે હકીકતમાં કમાન્ડર નાણાવટી સી.આઈ.ડી. ઓફિસમાં આવ્યા ત્યારે તેમણે આ કપડાં પહેર્યાં હતાં. ઇન્સ્પેક્ટર મોકાશીએ કહ્યું કે હું ખાતરીપૂર્વક કહી શકું તેમ છું કે કમાન્ડર નાણાવટીએ એ વખતે આ કપડાં નહિ, પણ સફેદ કપડાં પહેર્યાં હતાં અને તેના પર ક્યાં ય લોહીના ડાઘ હતા નહિ.
આ તબક્કે પબ્લિક પ્રોસીક્યૂટરે કમાન્ડર નાણાવટીને જુબાની માટે ફરી બોલાવવાની માગણી કરી હતી. ત્યારે જજ મહેતાએ કહ્યું કે તમારી માગણી સ્વીકારવામાં આવે છે. પણ હવે અદાલતનો સમય પૂરો થવા આવ્યો છે. એટલે તેના પર અમલ આવતી કાલે થશે.
એ ‘આવતી કાલ’ની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 02 ઑગસ્ટ 2025