Opinion Magazine
Number of visits: 9457128
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ઇન્ડિયા’ની અણધારી અંગડાઈ સાથે મોદી ભા.જ.પ. કસોટીમાં મુકાયો છે

પ્રકાશ ન. શાહ|Opinion - Cartoon, Opinion - Opinion|23 May 2024

મતદાનનાં પાંચ ચરણ પછી

આપણા રાજકીય કથાનકમાં ગાંધી–આંબેડકર આટલા એક સાથે કદાચ કદાપિ નહોતા. બંધારણ ને ન્યાયના મુદ્દા આ હદે કેન્દ્રમાં હોય એવું પહેલીવાર બની રહ્યું છે.

પ્રકાશ ન. શાહ

ચોથી જૂને મતપેટીઓ શું બોલશે એ વિશે સત્તાબજાર, સટ્ટાબજાર અને બહુજનબજારનાં પોતપોતાનાં આકલન હશે, પણ મતદાનનાં પાંચ ચરણ પછી ‘અબ કી બાર ચાર સો પાર’નું તો ઠીક પણ ધોરણસરના વિજયનુંયે કથાનક કંઈક વિમાસતું વિલાતું વરતાય છે. પાંચમા ચરણમાં મતદાન મથકની બહાર નીકળ્યા પછી માયાવતી જે બોલ્યાં તે નોંધ્યું તમે ? એમણે કહ્યું, સત્તા પલટાઈ રહી છે અને તે સાથે અલબત્ત સાવચેતીના અંદાજમાં અગર ટિપ્પણીના ખયાલમાં ઉમેર્યું, જો ઇ.વી.એમ. કોઈ ચમત્કાર ન બતાવે તો!

માયાવતીના ઉત્તરવિધાનને ખાસ વજન આપ્યા વગર વિચારીએ તો શું સમજાય છે? હવાની રૂખ પરિણામદાયી હો કે ન હો પણ એવો કશોક સૂસવાટો, દેખીતી ‘લહર’ વગરનો, જરૂર છે. માયાવતી આ બોલ્યાં છે પોતાના ભત્રીજાને ભા.જ.પ.ની ટીકા કરતો બંધ કર્યા પછી – અને વળી અમિત શાહની રણનીતિગત અગવડસગવડ વિચારી એમણે ત્રણેક બેઠકો પર પોતાના તરફથી અનુકૂળતા કરી આપ્યાનાયે હેવાલો છે. મતલબ, મતદાનનો દોર શરૂ થયો એના પહેલાથી તેમ ત્રણ દોર પછી એમનું જે આકલન હતું એમાં કશોક ફેરફાર વરતાઈ રહ્યો છે જે ‘સત્તા પલટ રહી હૈ’ જેવા ઉદ્દગારો વાટે પ્રગટ થાય છે. 

ચોક્કસ ઉજળિયાત કૉન્સ્ટિટ્યુઅન્સીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમના અંદાજમાં સામાજિક ઇજનેરી વાસ્તે પંકાયેલા છે. ગુજરાતમાં ભા.જ.પ.નો પહેલ પ્રથમ સુવાંગ વિજય થયો ત્યારે વ્યૂહકાર તરીકે ઉભરેલા મોદીએ પોતે કેવાં નાતજાતનાં નાનાંમોટાં જોડાણમાંથી આખો ગોફ રચ્યો એ માંડીને કહ્યાનું સાંભરે છે. તે પછી છ-સાત વરસે દિલ્હીનીમ્યા દંડનાયક તરીકે એ ગુજરાત પાછા ફર્યા ત્યારે એમણે પોતાની ઓળખને મંડલમંદિર જે.પી. એમ વિવિધ છેડેથી તરાશવાની કોશિશ કીધી હતી. દલિત રાષ્ટ્રપતિ અને આદિવાસી રાષ્ટ્રપતિ તરેહનો સિલસિલો આ જ ‘ઇજનેરી’ પ્રક્રિયાનો એક હિસ્સો છે એમ તમે કહી શકો. 

મનોવૈજ્ઞાનિક સ્તરે છેલ્લા દસકામાં અને એમાં ય તે છેલ્લાં ત્રણચાર વરસમાં વિપક્ષે, ખાસ કરીને કોાઁગ્રેસ અને રાહુલ ગાંધીના પક્ષે, જે વૈકલ્પિક કથાનક ઊભરી રહ્યું તે નાતજાતગત સહિત વંચિત માત્રને સારુ સીધી ને સક્રિય સહભાગિતાનું. રાહુલ ગાંધીની બે ભારતવ્યાપી યાત્રાઓએ કેમ જાણે એનું એક વ્યાકરણ વિકસાવ્યું. રાષ્ટ્રપતિનું દલિત કે આદિવાસી હોવું એનું પ્રતીકમૂલ્ય જરૂર છે પણ આપણો જે બહુજન તે વાસ્તવમાં ક્યાં ને કેટલે છે, એ આપણા સરકારી બાબુલોગમાં દલિત કે ઓ.બી.સી. અગર મુસ્લિમ કેટલા છે તેવા સીધા સવાલના જવાબમાં બહાર આવ્યું અને આ સૌ તબક્કાને લાગ્યું કે કોઈ આપણી દાઝ જાણે છે. એને ‘શાહજાદો’ કહેવાયો પણ લોકમોઝાર તો મિસ્કીન મુબારક તરીકે એની પ્રતિભા ઉચકાઈ. તૃણમૂલ કાઁગ્રેસ સાથે પ્રશ્ન હશે (અધીર રંજનને પક્ષપ્રમુખ ખડગેએ તે સંદર્ભે ઠપકો પણ આપ્યો) છતાં આ જ દિવસોમાં વચ્ચે દ્વિધાવિભક્ત જણાતાં મમતાએ પોતે ‘ઇન્ડિયા’ ગઠબંધન સાથે હોવાની સ્પષ્ટતા કરી તે સૂચવે છે કે પ્રસ્તુત કથાનકમાં નાત, જાત, કોમ, પ્રદેશ સૌને સમાસની શક્યતા છે.

સામાન્યપણે મોદી-શાહ, રાહુલ-પ્રિયંકા એમ ચેનલ ચોવીસા દેકારો મચાવે છે, અને અલબત્ત કેજરીવાલ પણ. પરંતુ કાઁગ્રેસ – પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને કનૈયાકુમાર સહિતના ઝુંબેશકારો પણ ચોક્કસ ભૂમિકા ભજવી રહ્યા છે. લાંબી રાજકીય કારકિર્દી ધરાવતા બુઝુર્ગ ખડગે કાઁગ્રેસની મધ્યમમાર્ગી પરંપરામાં રહી ગાંધી-આંબેડકરને સાથે રાખીને એકંદર કથાનકને ઓર ઓપ આપી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં કાંશીરામ-માયાવતીએ ‘અમારા આંબેડકર’ તો ભા.જ.પે. ‘અમારા ગાંધી’નું રાજકારણ ક્યારેક ખેલ્યું હશે. રામ રથયાત્રા વખતે મહારાષ્ટ્ર ભા.જ.પે. ફુલે-આંબેડકર યાત્રા યોજવાપણું જોયું એ જરૂર એક સુધાર હતો. પણ આજે ગાંધી-આંબેડકર એકત્ર આવી જે કથાનક ઉપસાવી રહ્યા છે એમાં સામાજિક સમભાવ ને સંવૈધાનિક ભૂમિકાનું નવું જ રસાયણ હોઈ શકે છે. 

મતદાનનાં પાંચ ચરણને અંતે મોદી ભા.જ.પ. કંઈક વેતરાઈ રહ્યાની છાપનાં સત્યાસત્ય પરિણામ સાથે સમજાશે. પણ નવા દસકા સારુ વૈકલ્પિક સંબલ જરૂર મળી રહેશે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 23 મે 2024

Loading

કાઁગ્રેસ ખતમ કેમ નથી થતી? કોણ તેને જીવાડે છે?

રમેશ ઓઝા|Opinion - Opinion|23 May 2024

રમેશ ઓઝા

વડા પ્રધાન રાહુલ ગાંધીનું નામ પોતાનાં મોઢેથી નથી લેતા, પણ રાહુલ ગાંધીનો અને કાઁગ્રેસનો જપ ચોવીસ કલાક કરે છે. એવી એક પણ સભા નહીં હોય જેમાં તેમણે રાહુલ ગાંધી અને કાઁગ્રેસ પર હુમલો ન કર્યો હોય. તેઓ ૨૩ વર્ષથી અનુક્રમે ગુજરાતમાં અને દેશમાં શાસન કરી રહ્યા છે અને તેમાં શાસક તરીકે કાઁગ્રેસને ખતમ કરવાની એક પણ તક તેમણે જતી નથી કરી. ગૃહ પ્રધાન અમિત શાહે તો દેશને કાઁગ્રેસમુક્ત કરવાની જાહેરાત કરી હતી અને એ માટે તમે જાણો છો કે વર્તમાન શાસકોએ દરેક પ્રયત્ન કર્યા છે.

આ એક પક્ષ થયો. બીજો પક્ષ એ છે કે કાઁગ્રેસ ૧૯૮૯થી સતત નબળી પડતી રહી છે. તેનું મતોનું પ્રમાણ ઘટે છે અને છેલ્લાં ૩૫ વરસમાં એકેય વખત તેને લોકસભામાં બહુમતી મળી નથી. ૧૯૮૪ની લોકસભાની ચૂંટણીમાં કાઁગ્રેસને કુલ ૫૧૪ બેઠકોમાંથી ૪૦૪ બેઠકો મળી હતી. તેને ૪૯.૧૦ ટકા મત મળ્યા હતા. અડધોઅડધ. આટલી બેઠકો કાઁગ્રેસને જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીના વખતમાં પણ મળી નહોતી. એનું કારણ ઇન્દિરા ગાંધીની હત્યા અને રાષ્ટ્રીય સુરક્ષા હતું. ભારતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ એક પક્ષે ચારસો પારનો આંકડો મેળવ્યો હતો.

એ પછી કાઁગ્રેસનું પતન શરૂ થાય છે. ૧૯૮૯ની ચૂંટણીમાં કાઁગ્રેસને ૩૯.૫૩ ટકા મત સાથે ૧૯૭ બેઠકો, ૧૯૯૧માં વધીને ૩૬.૨૬ ટકા મત સાથે ૨૩૨ બેઠકો, ૧૯૯૬માં ૨૮.૮૦ ટકા મત સાથે ૧૪૦ બેઠકો મળી હતી. આ વખતે ઇતિહાસમાં પહેલીવાર કાઁગ્રેસે બહુમતી તો ઠીક સૌથી મોટા પક્ષ તરીકેનું સ્થાન પણ ગુમાવ્યું હતું. એ સ્થાન ૧૫૧ બેઠકો સાથે ભા.જ.પ.ને મળ્યું હતું અને એ પણ એક ઐતિહાસિક ઘટના હતી. અલબત્ત મત મેળવવામાં ભા.જ.પ. કાઁગ્રેસ કરતાં આઠ ટકાથી પાછળ હતો. ૧૯૯૮માં કાઁગ્રેસને ૨૫.૮૨ ટકા મત સાથે ૧૪૧ બેઠકો મળી હતી અને સામે ભા.જ.પ.ને એટલા જ ૨૫.૫૯ મત સાથે ૧૮૨ બેઠકો મળી હતી. ૧૯૯૯માં કાઁગ્રેસની બેઠકોમાં હજુ ઘટાડો થયો હતો અને તેને માત્ર ૧૧૪ બેઠકો મળી હતી. સામે ભા.જ.પ.ને એટલી જ ૧૮૨ બેઠકો મળી હતી, પરંતુ મતના પ્રમાણમાં ચાર ટકાનો ઘટાડો થયો હતો. આનું કારણ કારગિલમાં પાકિસ્તાનના પ્રવેશનું હતું અને ભારત સરકારે દાખવેલી બેદરકારી હતું. ૨૦૦૪માં કાઁગ્રેસને ૨૬.૫૩ ટકા મત સાથે ૧૪૫ બેઠકો મળી હતી અને ભા.જ.પ.ને ૨૨.૧૬ ટકા મત સાથે ૧૩૮ બેઠકો મળી હતી. ૨૦૦૯માં કાઁગ્રેસને ૨૮.૫૫ ટકા મત સાથે ૨૦૬ બેઠકો મળી હતી અને ભા.જ.પ.ને ૧૮.૮૦ ટકા મત સાથે ૧૧૬ બેઠકો મળી હતી. ૨૦૧૪માં કાઁગ્રેસને માત્ર ૪૪ બેઠકો મળી હતી, પણ તેને મળેલા મતોનું પ્રમાણ ૧૯.૩૧ ટકા હતું. સામે ભા.જ.પ.ને ૩૧ ટકા મત સાથે ૨૮૨ બેઠકો મળી હતી. ૨૦૧૯માં કાઁગ્રેસને ૧૯.૪૬ ટકા મત સાથે ૫૨ બેઠકો મળી હતી અને ભા.જ.પ.ને ૩૭.૩૦ ટકા મત સાથે ૩૦૩ બેઠકો મળી હતી. નરેન્દ્ર મોદીના જુવાળમાં કાઁગ્રેસનું ધોવાણ થયું હતું અને ઇતિહાસમાં પહેલીવાર કાઁગ્રેસ બે ડીજીટ પર આવી ગઈ હતી.

આગળ વધતા પહેલાં મારી વાચકોને સલાહ છે કે કાઁગ્રેસ-બી.જે.પી.ની ૩૫ વરસની રાજકીય યાત્રા પર ફરી એકવાર નજર કરી લો. ભા.જ.પ.ને સૌથી વધુ મત ૨૦૧૯માં ૩૭.૩૦ ટકા મળ્યા હતા અને હજુ સુધી ૪૦ ટકાનો આંકડો પાર કર્યો નથી. કાઁગ્રેસ બે ડીજીટમાં આવી ગઈ હોવા છતાં તેનાં મતના પ્રમાણમાં એવો અધધધ કહી શકાય એવો ઘટાડો થયો નથી. ૨૦૧૪માં કાઁગ્રેસના મતનું પ્રમાણ ૧૯.૩૧ ટકાનું હતું અને ૨૦૧૯માં ૧૯.૪૬ ટકાનું હતું. ઊલટું ભા.જ.પ. ૨૦૦૯માં મતના પ્રમાણમાં ૨૨ ટકાથી ૧૮ ટકાએ નીચે આવી ગયો હતો. કાઁગ્રેસ હજુ સુધી ૧૮ ટકાથી નીચે નથી ગઈ.

હવે સમજાય છે શા માટે વડા પ્રધાન દિવસરાત કાઁગ્રેસનો જપ કરે છે અને આદુ ખાઈને કાઁગ્રેસની તેમ જ રાહુલ ગાંધીની પાછળ પડ્યા છે? ખરાબમાં ખરાબ દિવસોમાં પણ કાઁગ્રેસ કમ સે કમ સરેરાશ ૨૦ ટકા મત કેવી રીતે મેળવે છે? લોકસભામાં માત્ર ૪૪ બેઠકો મેળવનારી કાઁગ્રેસના મતનું પ્રમાણ ૧૦ ટકાની અંદર કેમ નથી આવતું? કોણ તેને જીવતી રાખે છે અને શા માટે? અને બીજો પ્રશ્ન; કાઁગ્રેસ શા માટે નબળી પડી? તેનું પતન માત્ર અને માત્ર હિંદુ રાષ્ટ્રવાદના લોકસ્વીકારને કારણે થયું છે કે પછી ભારતનાં બદલાતા જતા સમાજનાં બદલાતાં જતા સંસદીય રાજકારણના સમીકરણોના કારણે થયું? ભક્તો માટે હિન્દુત્વના જયજયકારનો નેરેટિવ તેની જગ્યાએ ખપનો છે, પણ વાસ્તવિકતા જુદી છે અને એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ સુપેરે જાણે છે.

કાઁગ્રેસ એ સહિયારા ભારતનો વિચાર છે અને કાઁગ્રેસ દેશની વાસ્તવિક સામાજિક સંરચના(સોશ્યલ કંપોઝીશન)નું પ્રતિનિધિત્વ કરે છે. ભારતની જે સામાજિક સંરચના છે એ વાસ્તવિક છે જેને ભા.જ.પ. બદલવા માગે છે, કાઁગ્રેસ નહીં. સ્વાભાવિક સામાજિક વાસ્તવિકતાના અસ્વીકારને કારણે ભા.જ.પ.ની રાજકીય યાત્રા સામે વિઘ્નો આવે છે જે રીતે આજે નજરે પડી રહ્યાં છે અને સ્વાભાવિક સામાજિક વાસ્તવના સ્વીકારને કારણે કાઁગ્રેસ મર્યા પછી પણ મરતી નથી. ઘડીભર માની લઈએ કે રાહુલ ગાંધી સાવ નબળો અને નકામો માણસ છે, કાઁગ્રેસ માટે બોજારૂપ છે તો પણ કાઁગ્રેસ મરતી નથી, કારણ કે તે એક વિચાર છે અને દેશની સાચુકલી સામાજિક સંરચનાનું પ્રતિનિધિત્વ કરે છે. લોકો તેને જીવતી રાખે છે, કારણ કે લોકોને ભા.જ.પ.ની કલ્પનાનું ભારત સ્વીકાર્ય નથી.

પણ તો પછી કાઁગ્રેસનું પતન કેમ થયું? બે કારણ છે. પહેલું એ કે કાઁગ્રેસે સત્તાની પાછળ દોટ મૂકી જેમાં તેણે કાઁગ્રેસના વિચારો સાથે સમાધાનો કર્યા. આ સિવાય સત્તા મેળવવા દેશની સામાજિક સંરચના સાથે ચેડાં કર્યાં. સત્તાની ભૂખ પણ હતી અને તુમાખી પણ હતી. બીજું વધારે મહત્ત્વનું કારણ એ કે સમાજના વિવિધ ઘટકોમાં જેમ જેમ શિક્ષણનો પ્રસાર થયો અને જાગૃતિ આવી એમ તેમણે સત્તામાં ભાગીદારી માગવાનું શરૂ કર્યું. તેમને તેમની સંખ્યાની રાજકીય તાકાતની સમજ પડવા લાગી. તેઓ વધુ ભાગીદારી મેળવવા કાઁગ્રેસથી દૂર થવા લાગ્યા, અલગ પક્ષો સ્થાપવા લાગ્યા અને લોકસભામાં કાઁગ્રેસની બેઠકોમાં ભાગ પડાવવા લાગ્યા. આ જે થયું એ થવાનું જ હતું અને તેને માટે હરખાવું જોઈએ. કોઈ પોતાનો ભાગ માગે એમાં ખોટું શું છે? એ તો જાગૃતિ અને સશક્તિકરણનાં લક્ષણો છે.

એમ નિશ્ચિતપણે કહી શકાય કે કાઁગ્રેસે જે જગ્યા ગુમાવી છે એ સહિયારા ભારતમાં સગાં-સહિયારાઓની વચ્ચે ભાગીદારીના પ્રશ્ને ગુમાવી છે, કોઈ હિંદુઓના એકલાના હોવા જોઈતા હિંદુ ભારતના પક્ષે નથી ગુમાવી. સંઘપરિવાર તો તેનો લાભાર્થી છે. સામાજિક-રાજકીય સમાજચક્રમાં પછાત પ્રજાઓ આગળ આવી, તેમની અંદર મધ્યમવર્ગ અસ્તિત્વમાં આવ્યો અને હંમેશા બને છે એમ મધ્યમવર્ગ હિંદુ ધર્મની સર્વોપરિતાના કેફમાં ઘેરાતો ગયો. પણ હવે પરંપરાગત પછાત પ્રજાની અંદર હિંદુ રાષ્ટ્રની અંદર તેમની ભાગીદારી વિષે શંકા જાગવા માંડી છે. ભા.જ.પ. ભારતની વાસ્તવિક અને સ્વાભાવિક સામજિક સંરચનાનું પ્રતિનિધિત્વ નથી કરતો, બલકે તેને બદલવા માગે એવી લોકોને સમજ પડવા માંડે ત્યારે તેઓ ભારતની સહિયારાપણાની સામાજિક સંરચનાનું પ્રતિનિધિત્વ કરનાર કાઁગ્રેસ તરફ વળે એવું બને.

પણ કાઁગ્રેસ જ ન હોય તો? તો લોકો પાછા ફરીને કોને શરણે જાય? માટે કાઁગ્રેસને જ ખતમ કરી નાખવી જોઈએ. પણ સમસ્યા એ છે કે કાઁગ્રેસ ખતમ થતી નથી, કારણ કે એ સહિયારા ભારતની વિચારધારા અને વાસ્તવિક તેમ જ સ્વાભાવિક ભારતીય સમાજની સંરચનાનું પ્રતિનિધિત્વ કરે છે. અને ઓછામાં પૂરું, હવે રાહુલ ગાંધી કાઁગ્રેસને તેનાં મૂળ તરફ પાછી લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 23 મે 2024

Loading

સ્વરાજ સૈનિકોએ આ રાની પરજમાં ભળી જઈ જાગૃતિ અને નવસંસ્કારનું કામ કીધું

Swaraj Sainikoe Aa Raani ParajmaaM Bhadee Jaie Jagruti Ane NavsaNskaarnuM Kaam KeedhuN|Opinion - Opinion|22 May 2024

પ્રકાશ ન. શાહ

જોતજોતામાં વેડછી સ્વરાજ આશ્રમને સો વરસ થઈ ગયાં! નવેક દિવસ પર, તેરમી મેના રોજ અશોક ચૌધરી અને સાથીઓના સદ્દભાવથી આ શતવર્ષી નિમિત્તે ‘સ્વરાજની સંકલ્પના’ આસપાસ થોડા વિચારો રજૂ કરવાનું બન્યું, ત્યારે સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વરાજ નિર્માણના દાયકાના દાયકા ચિત્તપટ પર કેમ જાણે ચિત્રપટ પેઠે ઊતરી આવ્યા હતા.

ઘણી વાર એમ લાગે છે કે આપણે વિસ્મૃતિના અજબ જેવા દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ. આ લખું છું ત્યારે સાંભરે છે કે ગુજરાતના અલગ રાજકીય એકમની સ્થાપનાને પચાસ વરસ થયાં તે નિમિત્તે 2010માં રાજ્ય સરકારે તંત્ર મારફતે ગામોગામ ઠામોઠામ ઉજવણીનો પરિપત્ર કાઢેલો.

શું શું કરી શકાય, એના એક સૂચન રૂપે એમાં ગુજરાત રાજ્યના ઉદ્દઘાટક રવિશંકર મહારાજને યાદ કરવાનીયે વાત હશે એટલે સુરત કને કોઈ તાલુકા મથકે જે પ્રસંગનું આયોજન થયું એમાં શ્રી શ્રી રવિશંકરની છબિ મૂકાયાના હેવાલો હતા. કેમ કે વેડછી પંથકની વાત કરું છું, સુરત ભણીનો આ દાખલો લગરીક શૂળ પેઠે સાંભરી આવ્યો. પણ આવાં દૃષ્ટાંત તમને વડોદરા-અમદાવાદ-રાજકોટ આસપાસ નહીં જ જડે એમ ખાતરીપૂર્વક કહી શકાતું નથી.

ગમે તેમ પણ, આપણે વેડછીની વાત કરતા હતા – એ વેડછીની, જેનો સોજ્જો અભ્યાસ ગુજરાતના શીર્ષ સમાજશાસ્ત્રી આઈ.પી. દેસાઈએ વારાણસીના ગાંધિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટડીઝના કહ્યે હાથ ધર્યો હતો. વેડછી આમ તો જૂના વારાના સુરત મહાલનું કહો કે છેવાડાનું ગામ. સ્વરાજ ચળવળમાં વધારે ચમકેલું નામ બારડોલીનું, જેણે વલ્લભભાઈને ‘સરદાર’ બનાવ્યા.

એ તો જો કે જરી મોડેથી, 1928માં, પણ જેમાં વલ્લભભાઈની હૂંફે પણ જુગતરામ દવે જેવાના તપે સાંસ્થાનિક સંક્રાન્તિમાંથી સ્વરાજ નિર્માણનો રોડમેપ કહેવાય એવું કાંક ઉપજાવી જાણ્યું એ તો બારડોલીથીયે વળી અંતરિયાળ વેડછી : ત્યાંથી જે બની આવ્યું તે સમાજશાસ્ત્રી આઈ.પી.ના શબ્દોમાં ‘વેડછી મુવમેન્ટ’ (વેડછી આંદોલન) એવી ઓળખ પામ્યું છે.

કોણ હતા આ જુગતરામ જે વેડછી પ્રયોગના પર્યાયપુરુષ રૂપે ઉભર્યા? મૂળ લખતરના પણ દક્ષિણ ગુજરાતમાં વેડછીના વતની થઈને રહ્યા, જેમ હળવદના બબલભાઈ ખેડા પંથકમાં થામણાના થઈને રહ્યા. કરાંચીમાં ઉચ્ચ ભણતરની તક હતી, પણ ‘કાલેલકરના લેખો’ વાંચ્યા પછી ગામડું સાદ દેતું હતું – અને એ બબલભાઈને છેવટ જતાં થામણા લઈ ગયું.

જુગતરામ મુંબઈના હાજી મોહમ્મદના ‘વીસમી સદી’માં કામ કરતા હતા ત્યાંથી સ્વામી આનંદના સંપર્કે કાલેલકર પાસે પહોંચ્યા અને ગ્રામસેવા ને શિક્ષણના ક્ષેત્રે સ્વરાજ સૈનિક થઈને રહ્યા. બારડોલી અને ખેડૂતોની વાત આપણે એક ઇતિહાસવસ્તુ તરીકે ખાસી કરતા હોઈએ છીએ, પણ એને અતિક્રમીને વેડછીની વાત કરીએ ત્યારે આપણા ભારતીય સમાજમાં જે આખાના આખા પ્રજાવર્ગો લગભગ છૂટી ગયા જેવા હતા – પેલું કહે છે ને કે દસાડા દફતરમાં નામ જ નહીં, એવું કાંક – તે પૈકી આદિવાસીઓ પણ છે સ્તો.

જુગતરામભાઈ દવે

આમ તો એ કાળી પરજ તરીકે ઓળખાય પણ સમાનતાલક્ષી નવયુગી સંદર્ભમાં એમને વાજબી રીતે જ ‘રાની પરજ’ શી નવી ઓળખ મળી. જે કેટલાક સ્વરાજ સૈનિકોએ આ રાની પરજમાં ભળી જઈ જાગૃતિ અને નવસંસ્કારનું કામ કીધું, એમાં જુગતરામ દવે (આમ તો ધીરે ધીરે એ જુ’કાકા એટલે જુગતરામ કાકા તરીકે પંકાયા) એક મોખરાનું નામ છે.

ખેડૂતોની વાત આપણે કરીએ છીએ પણ જમીનદારો તળે ચંપાતા હાળીઓની તો વાત જ કરતા નહોતા. આદિવાસીઓ વચ્ચે રચનાત્મક કામ અને પાયાના શિક્ષણ વાટે જુગતરામ કાકા અને સાથીઓએ હાળીને હળપતિ બનાવ્યા. એમને શિક્ષિત કરવાની કોશિશે સ્વાતંત્ર્ય લડતના સમર્થક સમ્પન્નોને ચિંતામાંયે નાખ્યા હતા કે આ લોકો ભણશે તો આપણાં કામ કોણ કરશે. એમની જાગૃતિ વર્ગસંઘર્ષ નો’તરશે એવીયે ફરિયાદ સરદાર સુધી પહોંચી હતી.

સરદારે જો કે ફરિયાદીઓને સમજાવ્યું કે જુગતરામ ને બીજા છે તો ન્યાય ને સમન્વયની એમની રીતે સંઘર્ષ નિવારી શકાશે. કેટલીક વાર જુગતરામ અને એમના સાથીઓએ ઉજળિયાતોનો વિરોધ વેઠીને સમજાવટ છતાં મક્કમતા સાથે કામ પણ લીધું હશે.

તમે જુઓ, આ જે જાગૃતિ આવી, ખાદી કામની સંગઠના થઈ, જંગલ સહકારી મંડળીઓ બની, શિક્ષણ પ્રસર્યું, આદિવાસી બાળકોના સરળ સામાજિકીકરણની કોશિશ રૂપ ‘બાલવાડી’નું હવે ભારતસ્વીકૃત દૃષ્ટાંત ઉભર્યું, ગાંધીની સ્વરાજ લડત સાથે આદિવાસી જાગૃતિની અનોખી ગાંઠ બંધાઈ, કેટલી મોટી વાત હશે !

ઉમાશંકર જોશીએ એકવાર જુ’કાકા વિશે વાત કરતાં જયપ્રકાશને જરા જુદી રીતે સંભાર્યા હતા કે પોતે એમને મળ્યા ત્યારે જે.પી.એ પૂછ્યું કે હમણાં કોઈ નવી રચના? તો, હિંદીમાં ‘રચના’ એ પ્રયોગ કોઈ કૃતિ માટે તેમ પ્રત્યક્ષ કાર્ય એમ બેઉ અર્થમાં થાય છે : ઉમાશંકરે કહ્યું જુ’કાકા અમારામાંથી છટકી ગયેલા રચનાકાર છે. કેવળ એક જ રચના ‘અંતરપટ આ અદીઠ’ થકી પણ એ કવિ તરીકે સુપ્રતિષ્ઠ થઈ ગયા હતા.

પોતે જેલમાં છે એટલે ભીંતની આડશને એમણે અંતરપટ કહી છે. આ અંતરપટ, મને લાગે છે, કથિત ઉજળિયાત અને આદિવાસી વચ્ચેનુંયે છે. તે ગયા વિના ‘ચેન પડે નહીં ચિત્ત’ એવો ઘાટ છે. જો કે, જુગતરામ કાકાના જીવનકાર્યને સંભારું ત્યારે રવીન્દ્રનાથની એમણે ગુજરાતીમાં ઉતારેલી રચના મને હંમેશ પ્રધાનપણે સાંભરે છે : ચરણ આપના ક્યાં વિરાજે … નીચાંમાં નીચાં, દૂબળાં બાપડાં જ્યાં – ચરણ આપના ત્યાં વિરાજે, ચરણ આપનાં ત્યાં!

pastedGraphic.png

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 22 મે 2024

Loading

...102030...561562563564...570580590...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved