Opinion Magazine
Number of visits: 9664938
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદ્યાર્થી ગાંધી : પોરબંદરની લૂલિયા માસ્તરની નિશાળથી લંડનની લો કોલેજ

ચંદુ મહેરિયા|Gandhiana|9 October 2024

ચંદુ મહેરિયા

આજે દુનિયા જેમને મહાત્મા તરીકે પૂજે છે તે મોહનદાસ કરમચંદ ગાંધી વિદ્યાર્થી તરીકે કેવા હતા તે જાણવા – તપાસવાનો અવસર ગાંધી જયંતીથી વધુ રૂડો બીજો શો હોઈ શકે.

ગાંધીજીએ તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં તેમના શિક્ષણ વિશે વીગતે નહીં લખ્યાની ફરિયાદ ઘણાં ગાંધી અભ્યાસીઓની છે. ગાંધીજીનો આત્મકથા લેખનનો ઉદ્દેશ તેમના જીવનના યથાતથ જીવનવૃત્તાંતનો નહીં, પણ તેમણે જે સત્યના પ્રયોગો કર્યા હતા તે આલેખવાનો હતો અને આત્મકથામાં વિદ્યાર્થી કાળના આવા પ્રયોગો તો તેમણે આલેખ્યા જ છે. છતાં તેમના વિદ્યાર્થી કાળ અને શિક્ષણ વિશે અલગ પુસ્તકો લખાયા છે. ગાંધીજી જ્યાં ભણ્યા હતા તે રાજકોટની આલ્ફેડ હાઈસ્કૂલના નિવૃત્ત હેડમાસ્તર જયેષ્ઠારામ મણિશંકર ઉપાધ્યાયે ભારે લગન અને ખંતથી સંશોધન કરી અનેક આધાર, પુરાવા, મુલાકાતો એકત્ર કરી ગાંધીજીના શિક્ષણ વિષે અંગ્રેજી-ગુજરાતીમાં પુસ્તકો લખ્યા છે. ‘મહાત્મા ગાધી એસ એ સ્ટુડન્ટ’ (૧૯૬૫) અને મહાત્મા ગાંધી એ ટીચર્સ ડિસ્કવરી (૧૯૬૯) એ બે પુસ્તકો ગાંધીજીના વિદ્યાર્થી કાળને સમજવામાં ખૂબ ઉપયોગી છે. ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ તો જે.એમ. ઉપાધ્યાયના પુસ્તકને લેખકીય ઉદ્યમિતા અને જૂના દસ્તાવેજો પ્રતિ ગુજરાતીઓના લગાવનું જીવંત ઉદાહરણ કહી બિરદાવ્યું છે.

માણસની જન્મ સમયથી શરૂઆતનાં કેટલાંક વરસોની સ્મૃતિ હોતી નથી. જીવનના છપ્પનમાં વરસે (૧૯૨૫માં) ગાંધીજીએ આત્મકથા લખવી શરૂ કરી હતી. આત્મકથા એ જો સ્મૃતિ કથા હોય તો ગાંધીજીનું આત્મકથામાં પહેલું સ્મરણ તેમના શાળા શિક્ષણનું છે. તેમણે લખ્યું છે, “બચપણ પોરબંદરમાં જ ગયું. કોઈ નિશાળમાં મને મૂકવામાં આવેલો. મુશ્કેલીથી થોડા પાડા શીખેલો. તે કાળે છોકરાઓની સાથે હું મહેતાજીને માત્ર ગાળ દેતા શીખેલો એટલું યાદ છે, અને બીજું કંઈ યાદ નથી” ગાંધીજીની આ ‘કોઈ નિશાળ’ અંગે જ.મ ઉપાધ્યાય લિખિત “મહાત્મા ગાંધીજીની શૈક્ષણિક સિદ્ધિઓ” પુસ્તકમાં માહિતી મળે છે. તે પ્રમાણે ગાંધીજીની પહેલી નિશાળ પોરબંદરના તેમના ઘર(આજના કીર્તિમંદિર)થી નજીક આવેલી વીરજી કામદારની નિશાળ હતી. વીરજી કામદારના પગે ખોડ હોવાથી સ્થાનિક લોકો તેમની શાળાને લૂલિયા માસ્તરની નિશાળ તરીકે ઓળખતા હતા.

યુવાન વયે મો.ક. ગાંધી

પિતા કરમચંદ ગાંધી તે પછી રાજકોટ ગયા એટલે ગાંધીજીનું મેટ્રિક્યુલેશન સુધીનું શિક્ષણ રાજકોટમાં થયું હતું. બ્રાન્ચ–સ્કૂલ, પરાની શાળા કે તાલુકા શાળા અને કાઠિયાવાડ હાઈસ્કૂલ (જે ૧૯૦૭થી આલ્ફ્રેડ હાઈસ્કૂલ તરીકે ઓળખાતી) એમ રાજકોટની ત્રણ શાળાઓમાં તે ભણ્યા હતા. તે સમયના નિયમ મુજબ ગુજરાતી શાળામાં એકથી ચાર ધોરણ કરીને પ્રવેશ પરીક્ષા પાસ થયેથી અંગ્રેજી શાળાના એકથી સાત ધોરણમાં ભણવાનું થતું.  કુલ અગિયાર ધોરણના અંતે મેટ્રિકની પરીક્ષા આપવાની રહેતી હતી.

ગાંધીજીનું વિદ્યાર્થી તરીકેનું સ્વમૂલ્યાંકન, “હું ભાગ્યે સામાન્ય કોટિનો વિદ્યાર્થી ગણાતો હોઈશ’, “હું અનુમાન કરું છું કે મારી બુદ્ધિ મંદ હશે અને યાદશક્તિ કાચા પાપડના જેવી હશે”નું છે. પરંતુ તેમના વિદ્યાર્થીકાળના પુરાવા દર્શાવે છે કે તે જેમ તેજસ્વી વિદ્યાર્થી નહોતા તેમ સાવ ઠોઠ પણ નહોતા. તેમને એક મધ્યમ દરજ્જાના વિદ્યાર્થી ગણી શકાય. તે શાળામાં ભણતા ત્યારે જેમ નાપાસ થયા છે, ઝીરો માર્ક્સ મેળવ્યા છે તેમ કોઈ કોઈ વિષયમાં ટોપર કરતાં વધુ માર્કસ મેળવ્યા છે, એક જ વરસમાં બે ધોરણ પાસ પણ કર્યા છે. સત્રાંત પરીક્ષામાં નાપાસ થયા છે અને વાર્ષિક પરીક્ષા સારા ગુણે પાસ કરી છે. પરીક્ષાના સારા પરિણામના આધારે સ્કોલરશિપ મેળવી છે. અઘરી ગણાતી અંગ્રેજી માધ્યમની હાઈસ્કૂલની પ્રવેશ પરીક્ષા, મુંબઈ યુનિવર્સિટી દ્વારા લેવાતી મેટ્રિકની પરીક્ષા, અનિવાર્ય નહીં એવી લંડન મેટ્રિક્યુલેશનની પરીક્ષા અને બેરિસ્ટરીની લેટિન સાથેની પરીક્ષા એક કે બે જ ટ્રાયલે પાસ કરી છે. એટલે તેમને  સાવ સામાન્ય કોટિના કે સરેરાશ વિદ્યાર્થી ગણી શકાય નહીં.

બાળક, કિશોર અને યુવા મોહનદાસ શરમાળ, સંકોચશીલ, ડરપોક, વિષયભક્ત, નરમાખ, મૂઢ, જ્ક્કી જવાન અને આપમતિલો છોકરો હતા. તે છોડી-જાળવીને અહિંસા, સત્ય અને અભયના માર્ગે રાષ્ટ્રપિતા કે મહાત્મા થઈ શક્યા તેમાં તેમના શિક્ષણ અને શિક્ષકોનું યોગદાન કેટલું? કે મોહનદાસનું મહાત્મા તરીકેનું ઘડતર તેમના વિદ્યાર્થીકાળમાં થયું હતું ? તે સવાલનો જવાબ ઘણે ભાગે નકારમાં જ આવે છે. ખ્યાત અમેરિકી પત્રકાર લુઈ ફિશરે ગાંધીજીના જીવનચરિત્રમાં લખ્યું  છે કે , “તેઓ મહત્ત્વની વાતો ભણતરમાંથી નથી શીખ્યા. ખરા ગાંધી, ઇતિહાસના ગાંધી નિશાળના ભણતરમાંથી નથી પાક્યા.”

બાળપણ અને કિશોરાવસ્થામાં ગાંધીજીને બૂરી સંગત વળગી હતી. માંસાહાર, ચોરી અને વ્યસન કરતાં થયા હતા. પરંતુ કાળક્રમે એ જાતે જ છોડ્યું. એટલું જ નહીં બેરિસ્ટર બનવા લંડન જવાનું થયું ત્યારે માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેવાની માતા સમક્ષ લીધેલી પ્રતિજ્ઞા અચૂક પાળી હતી. તેની પાછળ કયું બળ હતું.? હાઈસ્કૂલના અંગ્રેજી ધોરણના પહેલા વરસની પરીક્ષા વખતે કેળવણી ખાતાના ઈન્સ્પેકટરે પાંચ શબ્દોની જોડણી લખાવી હતી. તેમાં એક શબ્દ કેટલ (Kettle) હતો. મોહનદાસે તેની જોડણી ખોટી લખી હતી. એટલે વર્ગશિક્ષકે પોતાના બૂટની અણી મારી સામેના છોકરાની પાટીમાંથી જોઈ લઈ જોડણી સુધારી લેવાનો ઈશારો કર્યો હતો. પણ તેમણે તેમ ન કર્યું અને આખા વર્ગમાં તેમની જ એક શબ્દની જોડણી ખોટી ઠરી. કદાચ પરીક્ષામાં એ નાપાસ થયા પણ નીતિ શિક્ષણમાં પાસ થયા અને તે પણ શિક્ષકની ઉપરવટ જઈને. પિતાએ ખરીદેલ શ્રવણપિતૃભક્તિ નાટકનું વાચન અને હરિશ્ચંદ્રનું આખ્યાન જોવાનું પણ તેમને નિશાળના કોઈ શિક્ષકની દોરવણી વિના જ થયેલું અને તેમાંથી મળેલી શિખામણ તેમણે કાયમ માટે ગાંઠે બાંધી હતી. એટલે જીવન મૂલ્યો તે શાળા શિક્ષણમાંથી નહીં બીજી રીતે શિખ્યાં હતા.

રાજકોટ સ્કૂલ ગાળાના સાથી મહેતાબ શેખ સાથેની દોસ્તીના ઉલ્લેખ વિના ગાંધીજીના વિદ્યાર્થી કાળનું આલેખન અધૂરું છે. મુસ્લિમ મિત્ર મહેતાબ સાથેના સંબંધને ગાંધીજીએ તેમની ‘જિંદગીનું દુ:ખદ પ્રકરણ’  કહ્યું છે. મહેતાબની દોસ્તી ગાંધીજીને પણ કેટલાક દુર્ગુણો તરફ ખેંચી ગઈ હતી. જો કે તેઓ ઝડપથી પાછા વળી ગયા. પણ મહેતાબ સાથેની મિત્રતા લાંબો સમય રહી હતી. ગાંધીજીમાં કાયમ રહેલા હિંદુ-મુસ્લિમ ભાઈચારાના બીજ કદાચ મહેતાબ સાથેની દોસ્તીમાં હતા.

ગાંધીજીના સમગ્ર જીવન સાથે જે મૂલ્યો વણાયેલાં છે તેના અણસાર તેમના વિદ્યાર્થીકાળમાં જોવા મળે છે. ૧૮૯૦માં લેવાયેલી લંડન મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં સામાન્ય જ્ઞાનના પ્રશ્નપત્રમાં એક સવાલ હતો કે સુવર્ણ કરતાં વધારે સુવર્ણમય શું છે? અને એકવીસ વરસના પરીક્ષાર્થી મોહનદાસ ગાંધીનો જવાબ હતો કે, સત્ય એ સુવર્ણમય છે. ભલે ભણતરે ગાંધીજી સામાન્ય કોટિના વિદ્યાર્થી મનાય પણ ગણતરે  જીવન મૂલ્યો સભર માનવી અને સત્યાગ્રહી તરીકે તે અસામાન્ય છે, અસાધારણ છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

એક બીજી પ્રેરણાદાયી કથા –

સુરેશ જાની|Opinion - Opinion|9 October 2024

તામીલનાડુ રાજ્યના છેક દક્ષિણ ભાગમાં આવેલા તિરૂનવેલી જિલ્લામાં દુકાળમાં અધિક માસ આવે તેવી હાલત હતી. પણ આ ‘રાજ્જા’ના પ્રતાપે ત્યાં હરિયાળી લહેરવા લાગી છે.

[ડેવિડ રાજા બેલુઆ પકીઆનાથન]

તામીલનાડુ સરકારના બગાયતી ખાતાના આસિ. ડિરેક્ટર

એક દિવસ ડેવિડ બસ સ્ટેન્ડ પાસે ઊભો હતો. બાજુમાં વેંકટ નામનો એક ખેડૂત જેવો લાગતો માણસ મોગરાનાં ફૂલ વેચવા બેઠો હતો. નાની નાની ઢગલીઓ, પણ દરેકની કિમત સો સો રૂપિયા.

ડેવિડે પુછ્યું, ‘આટલી બધી કિંમત રાખી છે, તે કોણ ખરીદશે?’

વેંકટે ઉદાસ ચહેરે જવાબ આપ્યો, “ સાહેબ!  થોડા વખત પછી, તો આટલાં ફૂલ પણ નહીં મળે.”

ડેવિડ –‘ કેમ એમ?”

“પાણી જ ક્યાં છે, મલકમાં? પંપમાંથી માંડ અડધો કલાક, ટીપે ટીપે પાણી આવે છે, અને તે ય વીજળી વેરણ ન થઈ હોય તો. થોડોક પણ વરસાદ નહીં થાય તો મહિનામાં મોગરાના છોડ મરી જ જવાના. ”

ડેવિડના બાગાયતી મ્હાંયલાને આ પડકાર હતો. બીજે દિવસે શનિવાર હતો. ઓફિસમાં રજા હતી. ડેવિડ તેના ઘરથી વીસેક કિ.મિ. દૂર વેંકટના ગામમાં પહોંચી ગયો. તેના તકનિકી મગજમાં તરત ઝબકારો થયો કે, ‘જમીનમાં પાણી નથી એવું નથી. વીજળી પૂરતી નથી. ’

બીજા અઠવાડિયે ઓફિસમાં હતી, તે બધી સામગ્રી એકઠી કરી તેણે એક સોલર પમ્પ તૈયાર કર્યો અને ફરીથી તે વેંકટના ખેતરમાં પહોંચી ગયો. વીસ ફૂટ જ નાનકડી પાઈપ ઊતારી અને પાણીનું ઝરણું મળી ગયું. સાથે લાવેલી સોલર પેનલ અને પમ્પ સાથે એ પાઈપને જોડી દીધી. થોડાક જ વખતમાં પમ્પ ચાલે એટલી વીજળી બનવા લાગી. સ્વિચ ચાલુ અને પાણીનો શેરડો મોગરાના છોડ પર! મોગરાના છોડના મૂળની આજુબાજુ નારિયેળીનાં છોડાં અને રેસા પાથરી દીધા, જેથી મૂળ પાસે ભેજ જળવાઈ રહે.

સાતેક  કલાક પમ્પ ચાલ્યો, અને મોગરાના પચાસેક છોડવાઓમાં નવજીવન આવી ગયું. ડેવિડે આ પમ્પને નામ આપ્યું – ‘દુકાળ લડત પિચકારી’. આજુબાજુના ખેડૂતોને પણ આ પિચકારી બહુ કામની લાગી. સરકારી સહાયથી, ગામના બધા બગીચા બચી ગયા. ડેવિડે પાણીનો ઉપયોગ કરીને ખેતરમાં જમા થતા ઘાસ, પાંદડાં વગેરેમાંથી ખાતર બનાવવાનું પણ ખેડૂતોને શીખવ્યું. આમ મોગરા તો બચ્યા જ; પણ ખેડૂતોને કરવો પડતો વીજળી, બળતણ અને ખાતરનો ખર્ચ પણ ઓછો થઈ ગયો. ખેતરમાં જ નહીં, વેંકટ અને તેના ગામવાસી મિત્રોના જીવનમાં પણ હરિયાળી લહેરાવા લાગી.

       આ જ રીત મોટા ખેતરોમાં શી રીતે અપનાવી શકાય, તેનો વિચાર આ ‘રાજા’ કરવા લાગ્યો ! પાંચ વર્ષની અથાક મહેનત, અખતરા, નિષ્ફળતાઓ, અને અવનવી તરકીબોના પ્રતાપે તિરૂનવેલી જિલ્લાના ઘણા બધા ખેતરો ફરીથી લીલાં છમ્મ બની ગયાં, આજુબાજુનાં ઝાડ પણ.

છેલ્લાં પાંચ વર્ષમાં ડેવિડે ખેડૂતોને તાલીમ આપવાની ઘણી શિબિરો કરી છે, અને ૧૦૦ ખેડૂતોને નવી તરાહ અપનાવતા કરી દીધા છે. ખેતીના પાકમાં પણ ડેવિડના નિદર્શન હેઠળ ફેરફાર થવા લાગ્યા છે. ઓછું પાણી જોઈએ તેવા કાજુ, કાળા ચણા, મગ, આફ્રિકન ચોળા (cow pea) વગેરેની ખેતી પણ થવા લાગી છે. સો જેટલા બોરવેલ, અને હજારોની સંખ્યામાં હેન્ડ પમ્પ પણ કામ કરતા થઈ ગયા છે. દારૂણ ગરીબાઈમાં નિચોવાઈ જતા ખેડૂતોની આત્મહત્યાના સમાચારો વચ્ચે ડેવિડની પિચકારી રણદ્વીપ જેવી બનવા લાગી છે. દેશમાં બીજે પણ આવી પિચકારીઓ હોળી નહીં પણ ભાદરવાની હેલી સાથે હરીફાઈ કરવા લાગી છે.

       સમૃદ્ધ ખેડૂતો તો સાતમા આસમાનમાં વિહરવા લાગ્યા છે. દસ એકરના ફાર્મના માલિક સેન્ધિલ કહે છે, ”પહેલાં હું વર્ષે માંડ ૩૦,૦૦૦ ₹  કમાતો હતો. નવી તરાહથી કાજુના સો ઝાડ ૩૫,૦૦૦ ₹. , અને મગ કાળા ચણાના છોડ ૩૨,૦૦૦ ₹ કમાવી આપે છે. એમાંથી મળતા ઢોરના ચારાના પ્રતાપે મેં ત્રણ ગાયો પણ રાખી છે – જે મને વર્ષે વધારાના ૩૦,૦૦૦ ₹ કમાવી આપે છે. સાથે સાથે ૧૦,૦૦૦ મરઘીઓ પોષાય છે – એનાથી મળતી ૨,૪૦,૦૦૦ ₹.ની આવક તો આ બધાંયને પાછાં પાડી દે છે ડેવિડ સાહેબની દોરવણી ન મળી હોત તો આ બધું શક્ય ન જ બનત.”

સેન્ધિલે એક દૂધ ઉત્પાદક મંડળી પણ સ્થાપી છે, જે નાના ખેડૂતોને માટે આણંદના ‘અમૂલ’ જેવી અમૂલ્ય સાબિત થઈ છે.

તામીલનાડુના આ ડેવિડે દુકાળના ગોલિયાથને નાથ્યો છે.

સંદર્ભ –

http://www.thebetterindia.com/91464/solar-pumps-drought-farmers-tamil-nadu/
http://www.thehindu.com/sci-tech/agriculture/Project-that-brought-many-farmers-out-of-debts/article15444225.ece
https://en.wikipedia.org/wiki/Cowpea
 e.mail : surpad2017@gmail.com

Loading

આસ્થા

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|9 October 2024

પૂજા આઇ.ટી. એન્જીનિયર હતી. સારી કંપનીમાં સારા હોદ્દા ઉપર હતી. તેને કંપનીના કામકાજે ટ્રાવેલિંગ બહુ કરવું પડતું, પણ પૂજાને એ ગમતું. તેને જુદાં જુદાં સ્થળો, પર્યટન સ્થળો, કુદરતની, પ્રકૃતિની ગોદનાં સ્થળો બહુ ગમતાં. ક્યારેક, ક્યારેક મંદિર, ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લેતી. એવું નહોતું પૂજા ધાર્મિક નહોતી કે ના નાસ્તિક હતી. એ વર્તમાનમાં જીવવામાં માનતી અને એવું માનતી અને કહેતી પણ ખરી કે ભૂતકાળને વાગોળી, ભવિષ્યની ચિંતા કરી, વર્તમાનનું જીવન શું કામ બગાડવું, જે થવાનું હશે, એ થશે, બસ જીવન મોજ મસ્તીથી જીવે જાવ.

એક મંદિરની મુલાકાત દરમ્યાન પૂજાએ જોયું કે એક ઘેઘુર વૃક્ષ પાસે દર્શન કરવા, પ્રદક્ષિણા કરવા, પ્રાર્થના કરવા, લગભગ સોએક લોકોની લાઈન છે. બધાં વૃક્ષની પૂજા કરી, પ્રદક્ષિણા કરી પ્રાર્થના કરતાં હતાં. તેણે કુતૂહલવશ પૂછ્યું, “આ બધાં શેની પૂજા ને પ્રાર્થના કરે છે?” જવાબ મળ્યો “એ આસ્થા વૃક્ષ છે અને જે કોઈ ખરા દિલથી પ્રાર્થના કરી મનની વાત કરે છે એ ફળે છે એટલે બધાં પ્રાર્થના કરી મનની વાત કહેવા માટે ઊભા છે.”

પૂજા પણ લાઈનમાં ઊભી રહી ગઈ, ખાલી કુતૂહલવશ, કોઈ ટીકા ટિપ્પણી કરવા માટે નહીં. પૂજાનો વારો આવ્યો ત્યાં સુધીમાં પૂજાએ મનમાં કંઈ વિચારી રાખ્યું નહોતું પણ અચાનક તેના મનમાં વિચાર આવ્યો અને તેનાથી પ્રાર્થના થઈ ગઈ કે જો મારું અભય સાથેનું બ્રેકઅપ પૂરું થઈ, લગ્ન સંબંધમાં પરિવર્તિત થઈ જશે તો હું અભય સાથે દર્શન કરવા ફરી આવીશ.

પૂજા તો કામના પ્રેસરમાં આ વાત ભૂલી જ ગઈ હતી. અઠવાડિયાં પછી અભયનો ફોન આવ્યો “પૂજા, તું ફ્રી હો તો મારે તને મળવું છે.” પૂજા ઘડીક તો જવાબ ન આપી શકી! કારણ કે બ્રેકઅપ પછી પૂજાએ અભયને ઘણા મેસેજ અને ફોન કર્યાં હતા. એક પણ મેસેજ અને ફોનનો અભયે જવાબ નહોતો આપ્યો. “પૂજા, તારી ઈચ્છા ન હોય તો નહીં મળીએ.”

“ના, ના, એવું નથી. ઘણા સમય પછી તારો અવાજ સાંભળ્યો એટલે વિચારમાં પડી ગઈ હતી.”

“તો ક્યાં, અને ક્યારે મળશું?”

“આ રવિવારે આપણે જ્યાં મળતા હતા એ બગીચામાં પીળાં ગુલાબના છોડના ક્યારા પાસે મળીશું. તને એ બહુ ગમે છે ને.”

“ઓકે …. ડન.”

•

પૂજા અને અભય સ્કૂલમાં સાથે અભ્યાસ કરતાં હતાં. બંને વચ્ચે સારી મિત્રતા હતી અને એકબીજાને પસંદ કરતાં હતાં. એટલું જ બાકી ભવિષ્ય માટે કોઈ પ્લાનિંગ નહોતું. એક વખત અભયે પૂછ્યું, “પૂજા, તારા આગળનાં અભ્યાસ માટે શું વિચારે છે?”

 “હું આઇ.ટી. એન્જીનિયર થઈ સારી કંપનીમાં જોબ કરવા માગું છું.”

 “તારું શું પ્લાનિંગ છે?”

“હું ડૉક્ટર બની લોકોની સેવા કરવા માગું છું.”

 “તારો વિચાર તો સારો છે.”

“પૂજા, એક વાત પૂછું. તું આઇ.ટી. એન્જીનિયર બનીને સારી કંપનીમાં જોબ લઈશ અને સતત આગળ વધવા માટે સખત પરિશ્રમ કરીશ. આપણી જિંદગીની જરૂરિયાત કેટલી? આપણે ઈચ્છા રાખીએ એટલી. સમય જતાં બધું જ મળે પણ ત્યારે જિંદગીને એન્જોય કરવાનો સમય હાથથી જતો રહે. પછી મેળવેલું બધું શું કામનું? હું એમ નથી કહેતો કે તું આઇ.ટી. એન્જીનિયર ન બન, પણ અભ્યાસ પૂરો કરી તું મારી સાથે મારા કાર્યમાં અને મારી જીવનસંગિની રૂપે જોડાઈ શકે, તો આપણે સાથે સાથે જીવન જીવીશું અને જિંદગીનો આનંદ પણ લૂંટીશું. તને કેમ લાગે છે, મારી વાત?” “તારી વાત સારી છે, પણ, હું, તારી વાત સાથે સહમત નથી. હું, મારી જાતને પ્રુવ કરવા અને ખૂબ જ આગળ વધવા માગું છું.”

 “તો પછી આપણા વિચારો અને મિત્રતાને અહીં જ વિરામ આપીએ.” આ રીતે બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. આજે અભયના ફોનથી ભૂતકાળની આખી વાત પૂજા સામે સ્મૃતિ બનીને ઊભી રહી ગઈ હતી. એક ચલચિત્રની જેમ પસાર થઈ રહી હતી.

•

“કેમ, છે, પૂજા? તારી જોબ કેવી ચાલે છે?”

“મજામાં અને જોબ પણ સારી ચાલે છે.”

 “તારી હોસ્પિટલનું તો બહુ સારું નામ છે. ખૂબ મહેનત કરે છે.”

 “બસ, હું, તો દર્દીઓની સેવા કરું છું અને મારાં જ્ઞાનથી સાજા કરું છું. હવે કામ બહુ વધી ગયું છે એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરવા વિચારું છું. અમારી ડૉક્ટરી લાઈનમાં પણ ટેકનોલોજીનું સારું યોગદાન છે.”

“પૂજા, તું એ સમયે સાચી હતી. આપણી પાસે જ્ઞાન હોય, ટેલેન્ટ હોય અને આગળ વધવાનો હોશલો બુલંદ હોય તો ઘરની ચાર દિવારીમાં પુરાઈ રહેવું યોગ્ય નથી. આજે તારી પ્રગતિ જોઈને મને લાગે છે કે મેં તને સમજવામાં ભૂલ કરી હતી.”

“અભય, તારી વાત સાચી છે. આજે હું જોબમાં સારી ઊંચાઈએ પહોંચી ગઈ છું. તેનાથી ખુશ છું, પણ મનમાં, જીવનમાં ખાલીપો લાગે છે, એકલી અટૂલી પડી ગઈ હોય એવું લાગે છે.”

 “એમ કેમ બોલે છે?”

 “અભય, આજે ઘરે થાકીને આવું તો કોઈ એમ નથી કહેતું કે તું થાકી ગઈ હોઈશ, જરા આરામ કર. મારી પાસે મારી ઈચ્છા પ્રમાણેનું બધું જ છે. પણ, મનનું સુખ આપનાર કોઈ નથી. જીવનમાં પ્રગતિ જરૂરી છે સાથે સાથે જીવન જીવવું પણ એટલું જ જરૂરી છે, જે હું નથી જીવી રહી.”

“અભય, તે કહ્યું ને ડૉક્ટરી લાઈનમાં પણ અપગ્રેડેશન અને ટેકનોલોજીનું યોગદાન છે, તો હું એ યોગદાન આપવા તારી જીવનસંગિની બની શકું?”

“ચોક્કસ બની શકે, મારે એવી જ જીવનસંગિની જરૂર છે, જે કામનાં યોગદાન સાથે જીવન જીવવાની ધગશવાળી હોય અને એ તારી સિવાય બીજું કોણ હોઈ શકે. તું ત્યારે ય મને સમજાતી હતી અને તે આજે પણ એ જ સમજણનો પુરાવો આપી દીધો.”

“અભય, મને ખબર નથી કે આસ્થાનાં વૃક્ષ પાસે કરેલી પ્રાર્થના સફળ થઈ કે ભાગ્યએ મને સાથ આપ્યો. હું, ત્યાં, આસ્થાનાં વૃક્ષનાં દર્શન કરવા તારી સાથે જવા ઈચ્છું છું, તું આવીશ ને?”

“ચોક્કસ આવીશ, આપણે સાથે જઈશું”.

“પૂજારીજી, એક વાત પુછવી છે. લોકો આ આસ્થાનાં વૃક્ષ પાસે આવે છે, પૂજા કરે છે, મનની મુરાદ કહે છે, ઘણાની પ્રાર્થના સફળ થતી જોઈ છે, એમાંની હું પણ એક છું. મને તેના રહસ્યની ખબર નથી. આપની પાસેથી જાણવું છે.”

“જો, બેટી, તારી વાત સાચી છે. લોકો આસ્થાનાં વૃક્ષ પાસે પ્રાર્થના કરે છે અને ઘણાને સફળતા મળે છે. પણ, બેટી મારા હિસાબે તો આ આસ્થાનું વૃક્ષ પૂજા, પ્રાર્થના માટેનું એક પ્રતિક છે. ખરેખર લોકો પોતાના જ આત્માને પ્રાર્થના કરતા હોય છે. મનની સુસુપ્ત ભાવનાને પૂજા, પ્રાર્થના દ્વારા ઉજાગર કરતા હોય છે અને સફળતા મળવા માટે સતત સકારાત્મક વિચારો કરતા હોય છે જે ફળીભૂત થતા, પ્રતિક ઉપર આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ વધે છે. હકીકતમાં તો આ સકારાત્મક વિચારોનું પરિણામ હોય છે.”

“તમારી વાત મને સમજાય છે. હું, અહીં અભય વિશે પ્રાર્થના કરીને ગઈ પછી સતત અભય વિશે જ વિચારતી હતી. સતત અભયમય બની ગઈ હતી. એ વિચારોના સ્પંદનો અભય સુધી પહોંચ્યા હશે એટલે તેણે મને ફોન કર્યો, અમે મળ્યા અને અમારી વચ્ચેની ગેરસમજ દૂર થઈ ગઈ.”

“હા, બેટી એ જ આસ્થા, શ્રદ્ધા, કે વિશ્વાસ છે એ બધું જ આપણામાં છે. આસ્થા એટલે આપણા મનની શક્તિ, આત્મશ્રદ્ધા, નકારાત્મકતા પરનો વિજય. પરિણામે સફળતા …”

ભાવનગર (ગુજરાત)
e.mail : nkt7848@gmail.com

Loading

...102030...531532533534...540550560...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved