Opinion Magazine
Number of visits: 9457072
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—254

દીપક મહેતા|Opinion - Opinion|29 June 2024

એક જમાનો હતો જ્યારે GPOની સોએ સો બારી ધમધમતી રહેતી  

જી.પી.ઓ. કહેતાં જનરલ પોસ્ટ ઓફિસના ત્રણ નંબરના ગેટમાંથી દાખલ થઈ થોડાં પગથિયાં ચડીએ એટલે સામે આવે એક સો ‘બારી’વાળો ભવ્ય વિશાળ હોલ, જે ઓળખાય ‘રોટુન્ડા’ નામે, કારણ ઉપરના ઘુમ્મટની જેમ આ હોલ પણ ગોળ છે. પણ તેમાં જે એક સો ‘બારી’ કહેતાં વિન્ડો છે તે હવાની આવનજાવન માટે નહિ, ટપાલની આવનજાવન માટે છે. એક જમાનામાં મોડી રાત સુધી આ સોએ સો બારીઓ ધમધમતી રહેતી. લોકલ ટપાલ માટેની બારીઓ જુદી, બહારગામ માટે જુદી, પરદેશની ટપાલની અલગ. તો ટપાલ ટિકિટ વેચવા માટે, મની ઓર્ડર લેવા માટે, પાર્સલ લેવા માટે જુદી જુદી બારીઓ. સાંજ પછી તો ઘણી બારીઓ સામે લાંબી લાઈનો લાગે. આખા કોટ વિસ્તારની ઓફિસો, દુકાનો, વગેરેના પટાવાળા કે ગુમાસ્તા ટપાલના, નાનાં પાર્સલના થોકડા લઈને ઊભા હોય. રોજે રોજ આવનારા પણ એ, અને બારી પર બેસનારા પણ એ. એટલે ઘણીવાર ઝડપથી એકબીજાના ખબરઅંતર પણ પૂછી લે.

એક સો ‘બારી’વાળું રોટુન્ડા

આ લખનારને બરાબર યાદ છે. દિવાળીના પાંચ-સાત દિવસ પહેલાં ‘સાલ મુબારક’નાં રંગબેરંગી પોસ્ટ કાર્ડનો થોકડો લઈને લાઈનમાં ઊભા રહી જવાનું. દરેક કાર્ડ પર ઘરે જ જરૂરી ટિકિટ ચોડવાની. ઘરથી નજીકમાં નજીકની પોસ્ટ ઓફિસ ઠાકુરદ્વારની. ત્યાંથી જરૂરી ટિકિટનાં શીટ પહેલાં લઇ આવવાનાં. પાછલી બાજુના ગુંદરને સહેજ ભીનો કરવાનો. શીટમાંથી એક-એક ટિકિટ છુટ્ટી પાડી હળવે હાથે પોસ્ટ કાર્ડ પર ચોડવાની. પછી ઉપર કપડાનો કટકો દાબવાનો. ટિકિટ વધુ પડતી ભીની થાય તો ફાટી જાય. એટલે સ્પોંજ કહેતાં વાદળીવાળી દાબડીમાં થોડું પાણી નાખવાનું અને એ વાદળી પર મૂકીને ટિકિટ થોડી ભીની કરવાની.

સ્મૃતિશેષ કલમ અને ખડિયો

સમય બદલાયો એમ ઘણું બદલાયું. હવે સ્પોંજવાળી દાબડી, ટાંકણી રાખવાનાં ‘પીન કુશન’, લાલ, કાળી ભૂરી શાહીના જાડા કાચના ખડિયા, અને તેમાં બોળીને લખવા માટેનાં ટાંકવાળાં હોલ્ડર, શાહી વધુ પડતી વપરાઈ હોય તો એ ચૂસી લેવા માટેના બ્લોટિંગ પેપર, — ઘણું બધું હવે સ્મૃતિમાં જ સચવાયું છે. અરે! હવે તો દિવાળી, નાતાલ, જન્મ દિવસનાં રંગબેરંગી છાપેલાં કાર્ડ પણ ઘરે કોણ લાવે છે? દિવાળી અને નાતાલ પહેલાં એકાદ મહિનાથી કેટલીયે દુકાનો આવાં કાર્ડ વેચતી. સ્ટેશનરીની દુકાનોમાં જન્મ દિવસ, પારસી નવું વરસ, વગેરેનાં કાર્ડ આખું વરસ વેચાય. તો પ્રેમપત્રો લખવા માટેના ‘ખાસ’ રંગબેરંગી લેટર હેડ અને કવર પણ આખું વરસ મળે. અદરાયેલાં કે નવાં પરણેલાં જાણે બહુ મોટું પરાક્રમ કરતાં હોય તેમ એ લઈ આવે અને ઘરમાં છાનામાના બેસી એકબીજાને પ્રેમપત્રો લખે. આ પત્રો વાંચવાના પણ છાનામાના. અને એ વાંચ્યા પછી ‘તૂ મેરા ચાંદ, મૈં તેરી ચાંદની’વાળાઓનાં મોઢાં બીજમાંથી પૂનમના ચાંદ જેવાં બની જાય!

પણ આજે આવો ટાઈમ કોને છે? પ્રેમપત્રની રાહ જોવાની ધીરજ કોનામાં છે? હવે તો ખોલો WA અને ટાઈપ કરો : I ♥U. વાત પૂરી. કોઈનો જન્મ દિવસ છે? Happy Birthday to You – એટલું લાંબુ લખે કોણ, અને વાંચે કોણ? લખી નાખો : HBD. અને આવાં અનેક કામ માટે મોબાઈલ નામનો અલ્લાદિનનો જાદૂઈ ચિરાગ હાજરાહજૂર છે. પછી આજે પોસ્ટ ઓફિસમાં જાય કોણ? શા માટે? એટલે જ આજનાં બાળકોને ધૂમકેતુની પ્રખ્યાત વાર્તા ‘પોસ્ટ ઓફિસ’ ગળે જ ન ઊતરે. મરિયમના કાગળની આટલી રાહ કેમ જોવી પડે? એ માટે ડોસાએ રોજ પોસ્ટ ઓફિસ જવું કેમ પડે? દીકરીને WA પર મેસેજ કે વીડિયો કોલ કરીને ડોસો પૂછી કેમ ન લે કે બેટા, તું મજામાં તો છો ને?

અરે! બાળકોની વાત ક્યાં કરો છો? સાચું કહું? આ લખનાર જેવા બુઢ્ઢાએ વરસોથી હાથમાં બોલ પેન પકડી હોય તો તે ક્યાંક સહી કરવા માટે જ. એટલે જન્મજાત ખરાબ અક્ષર વધુ ખરાબ બન્યા છે. કારણ વરસોથી PC કે મોબાઈલ પર જ ટાઈપ કરવાની ટેવ પડી ગઈ છે. અને હવે તો ટાઈપ કરવા આંગળીઓ વાપરવાની પણ જરૂર નહિ! બોલતા જાવ, અને સ્ક્રીન પર ટાઈપ થતું જાય! એટલે પછી પોસ્ટ ઓફિસ, પોસ્ટ કાર્ડ, ટપાલ ટિકિટ, વગેરેને તો અમિતાભ બચ્ચનના અવાજમાં કહેવાનું રહે : ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ?’

પણ જે વાતમાં રહસ્ય ન હોય એ વાત તે કંઈ વાત કહેવાય? GPOના મકાનની વાતમાં પણ રહસ્ય છે. અને એ પણ એક નહિ, ત્રણ ત્રણ. આ રહસ્યોની વાત આપણા આંગણામાં લઈ આવશું હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 29 જૂન 2024)

Loading

મને લાગે છે કે હવે તું પણ છે બીજાં બધાંની જેમ જ

નાઝિમ હિકમેત (અનુવાદક : નંદિતા મુનિ)|Poetry|28 June 2024

આજે ટર્કિશ કવિ નાઝિમ હિકમેતના એક કાવ્ય ‘Bence şimdi sen de herkes gibisin’ (‘મને લાગે છે કે હવે તું પણ છે બીજાં બધાંની જેમ જ’)નો અનુવાદ પ્રસ્તુત કરું છું. 

મને લાગે છે કે હવે તું પણ છે બીજાં બધાંની જેમ જ.

મારી આંખોને નથી દેખાતો તારી આંખોમાં પ્રેમ,

એમાંથી પ્રેમ મારા હૈયા સુધી નથી પહોંચતો,

હું થાકી ગયો છું, તું પણ

મારા આત્માને થકવી દે છે જરાક, કારણ કે 

મને લાગે છે કે હવે તું પણ છે બીજાં બધાંની જેમ જ.

   

હજી ગઈ કાલે રાતે હું તારી રાહ જોતો હતો ત્યારે,

છૂપોછૂપો દૂર પણ ભાગતો હતો તારાથી,

આજે મેં મારા હૈયામાં નિહાળ્યું ને જાણ્યું 

કે તું પણ છે બીજાં બધાંની જેમ જ.   

 

વિશ્વાસ છે મને કે તને હું ભૂલી ગયો છું સાવ જ, 

ભૂતકાળ બની ચૂક્યું છે બધું હવે, સોગંદથી,

મારા મનમાં નથી કોઇ ફરિયાદ પણ તારા માટે હવે,

મને લાગે છે કે હવે તું પણ છે બીજાં બધાંની જેમ જ.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ડ્રગ્સ વિરોધી દિવસે જ ડ્રગ્સની રેલમછેલ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 June 2024

રવીન્દ્ર પારેખ

દ્વારકા દેવભૂમિ ગણાય છે, પણ તે હવે ડ્રગ્સભૂમિ તરીકે પણ ઓળખાય છે. 26 જૂન ડ્રગ્સ વિરોધી દિવસ તરીકે ઉજવાય છે ને એ દિવસે જ ક્યાંક ડ્ર્ગ્સથી ઉજવણું થતું હોય તો નવાઈ નહીં, કારણ કે એ જ દિવસે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામના એક રહીશ પાસેથી ચરસના 42 કિલોના 21.06 કરોડની કિંમતનાં 40 પેકેટ્સ પોલીસે કબજે કર્યાં. આપણે આમ તો દેખાડો કરવામાં જ માનીએ છીએ. કશુંક  બીજાને માટે નહીં, પણ પોતાને માટે હોય, અંગત હોય, એવું તો ખાસ રહ્યું જ નથી. જે આવે છે તે જોતો નથી, પણ દેખાડે તો છે જ ! યોગ દિવસ આવે છે તો એ દિવસે યોગ, રોગની જેમ ફાટી નીકળે છે, એ હિસાબે ડ્રગ્સ વિરોધી દિવસ, ડ્રગ્સનું સેવન કરીને ઉજવવાનો હોય તેમ ડ્રગ્સ પકડાય છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ડ્રગ્સ પકડાયાનો હરખ તો કરે છે, પણ દરિયા કિનારે ઊતરતાં ડ્રગ્સનો પ્રવાહ રોક્યો રોકાતો નથી ને લગભગ રોજ જુદા જુદા દરિયા કિનારાઓ પર ડ્રગ્સ ઊતરે છે ને કેટલુંક તો નધણિયાતું ય મળી આવે છે. પોલીસ તે પકડે તો છે, પણ ન પકડાયેલું રાજ્યની ગલીઓમાં ઘૂસ્યું છે ને ગુજરાતનું યુવાધન તેમાં સપડાઈ રહ્યું છે એની ચિંતા કરવા જેવી છે. ડ્રગ્સ ઉતારુઓને ગુજરાતનો દરિયા કિનારો માફક આવી ગયો છે ને છાશવારે કરોડોનું હજારો કિલો ડ્રગ્સ ઊતરી રહ્યું છે તે શરમજનક છે.

છેલ્લાં પાંચેક વર્ષમાં રાજ્યમાં 93,691 કિલો ડ્રગ્સ, 2,229 લિટર પ્રવાહી ડ્રગ્સ ને 73,163 ડ્રગ્સ પિલ્સ ને ઇન્જેક્શન્સ પકડાયાં છે. છેલ્લા 6 મહિનામાં જ ચારેક હજાર કરોડનું હજારો કિલો ડ્રગ્સ પોલીસને હાથ લાગ્યું છે. છેલ્લા બાર દિવસમાં જ જુદા જુદા દરિયા કાંઠેથી ડ્રગ્સના 242 પેકેટ્સ પોલીસને હાથ લાગ્યા છે, એ ગુજરાતમાં વધી રહેલી ડ્રગ્સની હેરાફેરી સૂચવે છે. આપણી મુશ્કેલી એ છે કે બધું ભરપૂર હોય છતાં કારણ વગરની કંજૂસાઈ કોઠે પડી ગઈ છે. શિક્ષકો નોકરી માટે રાહ જુએ છે, પણ કાયમી ભરતી કરતાં સરકારને ઠંડી ચડે છે ને બીજી તરફ હજારો સ્કૂલ એકાદ શિક્ષકથી ચલાવવાની નાનમ નથી લાગતી. એવી જ રીતે સરેરાશ એક લાખની વસ્તી સામે 127 પોલીસથી કામ કઢાય છે. આ સ્થિતિ હોય તો અસલામતી ન વધે તો બીજું થાય શું? ગુજરાતમાં દારૂબંધી હોય ને તે ડ્રગ્સનું પ્રવેશદ્વાર અને એપી સેન્ટર બન્યું હોય ત્યારે પૂરતી સંખ્યામાં પોલીસો ન હોય તો ડ્રગ્સ ગલી મહોલ્લામાં જ પહોંચશે કે બીજું કૈં? સારું છે કે પોલીસ આટલું ડ્રગ્સ કબજે કરે છે, છતાં ડ્રગ્સને રવાડે યુવકો ચડ્યા છે તેની નોંધ લેવી ઘટે. આમ તો દારૂબંધી નામની રહી છે, એમ જ ભવિષ્યે ડ્રગ્સબંધી પણ નામની જ રહે તો નવાઈ નહીં. રાજ્ય સરકાર દારૂ-ડ્રગ્સ સામે લડત તો આપે છે, પણ તે ય નામની જ હોય એવું એટલે લાગે છે, કારણ સરકારે દારૂ-ડ્રગ્સ સામે લડત આપતી 75 જેટલી સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે. બીજી તરફ ગરીબી, બેકારી અને મોંઘવારીને કારણે બાળકો ને મહિલાઓ ડ્રગ્સની તસ્કરીમાં સંડોવાયાં છે ને તેઓ એકાએક પોલીસનાં ધ્યાનમાં ન આવે એટલે ડ્રગ્સ માફિયાઓ પણ તેમનો ઉપયોગ વધારી રહ્યા છે.

લેટેસ્ટ આંકડાઓ તો મળતા નથી, પણ 2018ના એક રાષ્ટ્રીય સર્વે મુજબ ગુજરાતનાં 17.35 લાખ પુરુષો અને 1.85 લાખ મહિલાઓ ડ્રગ્સના બંધાણી છે. આ આંકડાઓ છેલ્લાં છ વર્ષમાં વધ્યા જ હશે. રાજ્યમાં  પોલીસ, એન.સી.બી., ડી.આર.આઈ. જેવી સંસ્થાઓ, પેટ્રોલિંગ, સર્વેલન્સ, સી.સી.ટી.વી. કેમેરાઓ જેવી ટેકનોલોજી છતાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાઈ રહ્યું છે તે યુવા પેઢીનો કેવો વિનાશ કરશે તેની કલ્પના જ કરવાની રહે છે. સરકાર જે ગતિએ કામ કરે છે, તેનાથી આ વિનાશ રોકાય એમ લાગતું નથી, તેણે સઘન અને સજીવ રીતે સક્રિય થયા વગર છૂટકો નથી. સરકાર વાતો તો ઘણી કરે છે, પણ તે પરિણામો આપે એ અપેક્ષિત છે. ડ્રગ્સ વિરોધ દિને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું તો છે કે ભારતને નશામુક્ત રાષ્ટ્ર બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે ને એ લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. જે પરિસ્થિતિ અત્યારની છે એ જોતાં આ શબ્દો ગમ્મત જેવા લાગે, કારણ, સરકાર તો આગળ વધી જ રહી છે, ભલે વધે, પણ થોડું પાછળ પણ જોઈ લે તો આવનારી પેઢીને તંદુરસ્ત અને સ્વસ્થ ભારત જોવા મળે.

સરકારને એ ખબર છે કે નશાખોરી વધી છે ને ગુજરાતમાં જ છેલ્લા દાયકામાં ડ્રગ્સને કારણે હજારથી વધુ લોકોના જીવ ગયા છે, જેમાં 711 વ્યક્તિઓએ જીવન ટૂંકાવ્યું છે ને એમાં ય 66 તો મહિલાઓ છે. વળી ડ્રગ્સના ઓવરડોઝને કારણે 371 વ્યક્તિઓનાં મોત થયાં છે. ડ્રગ્સનાં સેવન બદલ ત્રણેક વર્ષમાં જ ગુજરાતમાં 528 લોકોની ધરપકડ થઈ છે. આ બધું છતાં ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના પ્રયત્નોમાં ઓટ આવી નથી. એ ખરું કે સુરત ક્રાઇમ બ્રાન્ચે બે વર્ષથી વોન્ટેડ આરોપીને 59 લાખના 590 ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડી પાડ્યો છે. એટલે કામ થાય તો છે, પણ ગુનેગારો એક રસ્તો બંધ થાય તો બીજા નવા માર્ગો શોધી લે છે. એવું નથી કે ડ્રગ્સ દરિયાઈ માર્ગે જ ઘૂસાડવામાં આવે છે, તે હવાઈ માર્ગે પણ શહેરોમાં પહોંચે છે.

23 જૂને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે ફોરેન પોસ્ટ ઓફિસમાં સ્નિફર ડોગની મદદથી તપાસ કરી, તો ફરી એક વખત ગાંજાનો જથ્થો હાથ લાગ્યો. પોલીસે 58 પાર્સલોમાંથી હાઇબ્રીડ અને 2 પાર્સલોમાંથી લિક્વિડ ગાંજો કબજે કર્યો છે. રમકડાં, ડાઇપર, કાર્ટૂન કેરેક્ટર, લંચ બોક્સ, સ્પીકર, સાડી, પુસ્તકો, ફોટોફ્રેમ … વગેરેમાં સંતાડીને ગાંજાની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું છે. આ પાર્સલો અમેરિકા, યુ.કે. અને કેનેડાથી આવ્યાં છે. જો કે, ડિલિવરી પહેલાં જ પાર્સલો કબજે લેવાયાં હોવાથી તે કોણે મંગાવ્યાં તેની માહિતી મળી નથી, પણ ફોરેન ઓફિસમાંથી 3.48 કરોડનો ગાંજો ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો છે તે હકીકત છે. 31 મે, 2024 ને રોજ કરેલ આ જ પ્રકારના કેસમાં પોલીસને માહિતી મળી હતી કે પંદરથી સત્તર વર્ષનાં સગીરોએ પેડલરો થકી ગાંજો મંગાવ્યો હતો. એ 20 સગીરો સાથેની પૂછપરછમાં જ વધુ એક કન્સાઈન્મેન્ટ આવવાનું છે એ વાત પણ ખૂલી હતી અને એને આધારે ફોરેન પોસ્ટ ઓફિસમાં તપાસ કરતાં 3.48 કરોડનો ગાંજો પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. પોલીસે આ મામલો ગંભીરતાથી લીધો છે ને નશાને રવાડે ચડેલા દોઢસો તરુણોનું કાઉન્સેલિંગ કરી આ દૂષણથી દૂર રહેવા સમજાવ્યા છે, તો માલેતુજારોના આ નમૂનાઓમાંના કેટલાક તો વિદેશ પણ ભાગી ગયા છે. એમનાં માબાપ આ વાત જાણતા હશે કે કેમ તે નથી ખબર, પણ આ વાતને હળવાશથી લઈ શકાય એમ નથી. ગૃહ રાજ્ય મંત્રી દ્વારા એન્ટિ ડ્રગ્સ કેમ્પેઇન શરૂ કરાવવાની વાત પણ છે. જો કે, આ તપાસે એ જાહેર કરી દીધું છે કે ગાંજાની લતમાં સગીરો સપડાયા છે અને સૌથી આઘાતજનક કોઈ વાત હોય તો એ છે. એ આઘાતજનક છે કે 10માં, 12માં ધોરણના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ડ્રગ્સ ઓર્ડર કરે છે. પોલીસે આ મામલે વાલીઓને પણ ચેતવણી આપી છે કે પોતાનાં બાળકો કોની સંગતમાં છે તેનું ધ્યાન રાખે. આ પ્રકારના ચાર કેસ પોલીસે કર્યા હોવા છતાં પાર્સલમાં આવી રહેલાં ડ્રગ્સ ઘટવાને બદલે વધી રહ્યા છે એ સૂચવે છે કે ડ્રગ્સ કેટલું ઊંડે ગુજરાતનાં લોહીમાં ઊતરી રહ્યું છે.

એક વાત બહુ સ્પષ્ટ છે કે સરકારે જરા જેટલો પણ દેખાડો કર્યા વગર ડ્રગ્સને મામલે લોખંડી તાકાતથી કામ લેવાનું રહે છે, કારણ એમાં સગીરો સપડાઈ રહ્યા છે ને કોઈ ઇરાદાપૂર્વક ગુજરાતની યુવા પેઢીને ટાર્ગેટ કરી રહ્યું હોવાનું એટલે લાગે છે, કારણ તેમને સંડોવીને તરુણ પેઢીને ખતમ કરવાનું સહેલું છે. આમાંના મોટે ભાગના અમીરોનાં ફરજંદો છે ને તેમને માબાપ જોઈતા પૈસા આપીને છૂટી જાય છે. એમના સંતાનો એકલાં છે ને દિશાવિહીન છે. નિરાશ છે અને માબાપની હૂંફ વગર સોરાય છે. એમને કોઈ પણ રવાડે ચડાવવાનું સહેલું છે. એમને ધનની ખોટ નથી, મનની છે, એટલે થોડું પણ વ્હાલ તેમને કોઈ પણ રસ્તે વાળી શકે એમ છે. એ જો ખોટે રસ્તે વળશે તો તે પોતાનો તો કરશે જ અન્યોનો પણ ઓછામાં ઓછો, સર્વનાશ તો કરશે જ ! એ થવા દેવાનો છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 જૂન 2024

Loading

...102030...520521522523...530540550...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved