Opinion Magazine
Number of visits: 9456943
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ

દીપક મહેતા|Opinion - Opinion|8 July 2024

ગુજરાતમાં નવયુગની નાંદી સમા એલેક્ઝાન્ડર કિન્લોક ફોર્બ્સનો આજે [07 જુલાઈ] જન્મ દિવસ. એમને વિષે ઘણું લખાયું છે, સાચું, અડધું સાચું, તેનાથી ય ઓછું સાચું હોય એવું પણ. અહીં તેમના જીવનનો અને કાર્યનો વિગતવાર પરિચય આપવા ધાર્યું છે. લખાણ ઘણું લાંબુ છે એટલે ક્રમશ; રજૂ કરવું પડશે. જેમનામાં ધીરજ હોય તે વાંચશે. 

૧

કરેલ કીર્તિમેર, દુનિયામાં તે દેખવા

ફાર્બસ રૂપે ફેર, ભોજ પધાર્યો ભૂમિમાં.

અર્વાચીન ગુજરાતની પ્રતિષ્ઠા કરવામાં એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે (7 જુલાઈ 1821 – 31 ઑગસ્ટ 1865) જે મહત્ત્વનો ફાળો આપ્યો, તેને પરંપરાગત ઉપમાનો દ્વારા, કોઈ અજ્ઞાત કવિની આ પંક્તિઓ સચોટ રીતે દર્શાવે છે. ગુજરાત બહાર ફાર્બસ મુખ્યત્ત્વે ‘રાસમાળા’ના કર્તા તરીકે જાણીતા છે. પણ અર્વાચીનતાની જે ગંગા ઓગણીસમી સદીના મધ્યભાગમાં ગુજરાતમાં – અને ખાસ કરીને અમદાવાદમાં – અવતરી તેના ભગીરથ હતા ફાર્બસ. નવા વિચારો, નવી સંસ્થાઓ, નવાં સાધનો, નવી સગવડો, વગેરેનો તેમણે પુરસ્કાર કર્યો, તો સાથોસાથ ગુજરાતનાં ઇતિહાસ, કળા, સંસ્કૃતિ, ભાષા, સાહિત્ય, વગેરેનો અભ્યાસ કરી તેનું ઉચિત ગૌરવ કર્યું અને ‘રાસમાળા’ના બે દળદાર ગ્રંથ દ્વારા ગુજરાતના ભૂતકાળની મહત્તા પહેલીવાર અંગ્રેજીભાષી વિદ્વાનો અને અભ્યાસીઓ આગળ રજૂ કરી.

આજે કદાચ આપણને ખ્યાલ ન આવે, પણ ફાર્બસના જમાનાનું ગુજરાત એ રાજકીય રીતે એક એકમ નહોતું, પણ અનેક નાનાં નાનાં દેશી રાજ્યોમાં વહેંચાયેલું હતું. ગુજરાતનો કેટલોક પ્રદેશ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન હેઠળ હતો. જ્યારે બાકીનો પ્રદેશ ૨૦૦ કરતાં વધુ દેશી રાજ્યો વચ્ચે વહેંચાયેલો હતો. બ્રિટિશ સરકારે આ રાજ્યોને જુદા જુદા વર્ગોમાં વહેંચી નાખ્યાં હતાં. તેમાં જે રાજ્યો પહેલા વર્ગમાં હતાં તે રાજ્યોના રાજવીઓના હાથમાં સારી એવી સત્તા હતી. પણ બાકીનાં બધાં રાજ્યો તો બ્રિટિશ સરકારના રેસિડન્ટ કે પોલિટિકલ એજન્ટના લગભગ તાબેદાર જેવા હતા. આ રાજવીઓ માહોમાહે લડ્યા કરતા, પણ તેમાંના ઘણાખરા અર્વાચીનતાના, અને તેના પ્રતિનિધિ જેવાં બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ, મુદ્રણ, પુસ્તક પ્રકાશન, અખબારો, વગેરેના વિરોધી હતા. ઓગણીસમી સદીની હજી તો શરૂઆત થઇ ત્યારે જ મુંબઈ શહેરનું તો એક નવા, પચરંગી, અર્વાચીન નગરમાં રૂપાંતર થવાનું શરૂ થઇ ગયું હતું. પણ અમદાવાદ, કે આજના ગુજરાતના બીજા કોઈ શહેર વિષે એમ કહી શકાય નહિ. મધ્યકાલીન જીવનનું ઘારણ હજી એમની આંખોમાં હતું. ગોરાઓ ‘માઈબાપ’ હતા, પણ તેમની જીવન શૈલી અપનાવવા જેવી લાગતી નહોતી. પણ હવે જમાનો બદલાયો છે, નવા વિચારો, નવાં સાધનો, નવી સંસ્થાઓનો સમય આવી પહોંચ્યો છે એ વાતનો ખ્યાલ ફાર્બસે ગુજરાતને – અને ખાસ કરીને અમદાવાદને – આપ્યો.

ફાર્બસના બાપ્તિસ્માની નોંધ 

ફાર્બસનો જન્મ લંડન શહેરમાં ૧૮૨૧ના જુલાઈ મહિનાની સાતમી તારીખે થયો હતો. જોન ફાર્બસ-મિચેલ અને એન પોવેલને કુલ છ સંતાનો. તેમાં એલેક્ઝાન્ડર સૌથી નાના. તેમના બીજા ભાઈઓનાં નામ આ પ્રમાણે હતાં : ડંકન, મેજર જોન જ્યોર્જ, આર્થર એન્ડ્રુઝ ચાર્લ્સ, ડેવિડ અર્સ્કિન, અને ફ્રેડરિક ફોર્બ્સ. યુવાન વયે એલેક્ઝાન્ડરની આંખોમાં સ્થાપત્ય વિશારદ થવાનું સપનું અંજાયું હતું. પ્રખ્યાત અંગ્રેજ સ્થપતિ બસેવી પાસે તેમણે આઠેક મહિના અભ્યાસ પણ કર્યો. પણ પછી તેમણે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં જોડાવાનું પસંદ કર્યું. તે માટે ઇસ્ટ ઇન્ડિયા કોલેજમાં જોડાવાનું જરૂરી હતું. 

એ વખતે આ કોલેજમાં પ્રવેશ માટેની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાતી. ૧૮૪૧ના જાન્યુઆરીની ૭, ૮, અને ૯ તારીખે લેવાયેલી પરીક્ષામાં ફાર્બસ બેઠા અને બીજા સોળ પરીક્ષાર્થીઓ સાથે એ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. પછીથી તેઓ કંપનીની સિવિલ સર્વિસમાં જોડાયા અને હેલબરી અને ઈમ્પિરિયલ સર્વિસ કોલેજમાં અભ્યાસ કર્યો. અહીંના અભ્યાસકાળ દરમ્યાન તેઓ પ્રખ્યાત ઇન્ડોલોજિસ્ટ સર વિલિયમ જોન્સનાં પુસ્તકોના પરિચયમાં આવ્યા. અગાઉ સ્થાપત્યકલાનો ભલે થોડો, પણ અભ્યાસ કર્યો હતો, અને હવે આ પુસ્તકો દ્વારા તેઓ ભારતનાં ઇતિહાસ અને સંસ્કૃતિના પરિચયમાં આવ્યા. હિન્દુસ્તાનમાંના લાંબા વસવાટ દરમ્યાન તેનાં ઇતિહાસ, સંસ્કૃતિ, ભાષા, અને સાહિત્યમાં જે ઊંડો રસ ફાર્બસે લીધો તેનાં મૂળ આ બે ઘટનામાં શોધી શકાય. તાલીમ પૂરી થયા પછી બોમ્બે પ્રેસિડેન્સીની સિવિલ સર્વિસમાં ફાર્બસ ૧૮૪૨ના ડિસેમ્બરની ૩૦મી તારીખે જોડાયા. ત્યારે તેમની ઉંમર હતી ૨૧ વર્ષની. પણ તે પછી લગભગ એક વર્ષે, ૧૮૪૩ના નવેમ્બરની ૧૫મી તારીખે તેમણે પહેલી વાર હિન્દુસ્તાનની ધરતી પર – મુંબઈના બારામાં — પગ મૂક્યો. અહીં આવ્યા પછી મુંબઈમાં જ ૧૮૪૬ના માર્ચની પચ્ચીસમી તારીખે માર્ગારેટ મોઇર ફોર્બ્સ-મિચેલ સાથે ફાર્બસનાં લગ્ન થયાં. લાંબા લગ્ન જીવન દરમ્યાન તેમને છ સંતાનો થયાં : માર્ગારેટ થિયોડોરા લોરેન્સ ફોર્બ્સ-મિચેલ, એમેલાઇન મારિયા એલિઝાબેથ ફોર્બ્સ-મિચેલ, રેવરન્ડ જોન ફ્રેઝર ફોર્બ્સ-મિચેલ, હેન્રી ડેવિડ અર્સકિન ફોર્બ્સ-મિચેલ, એલેક્ઝાન્ડર એબરનેથી ફોર્બ્સ-મિચેલ, રેવરન્ડ એડવર્ડ એસ્મે ફોર્બ્સ-મિચેલ. સરકારી નોકરીમાંથી રજા લઇ ફાર્બસ થોડા વખત માટે સ્વદેશ પાછા ગયેલા તે સમય ગાળાને બાદ કરતા જિંદગીનાં બાકીનાં બધાં વર્ષો તેમણે હિન્દુસ્તાનમાં, બલ્કે બોમ્બે પ્રેસિડેન્સીમાં જ વિતાવ્યાં હતાં. પૂના ખાતે ૪૪ વર્ષની ઉંમરે ૧૮૬૫ના ઓગસ્ટની ૩૧મી તારીખે તેમનું અવસાન થયું. ત્યાર બાદ તેમનાં પત્ની માર્ગારેટ સ્વદેશ પાછાં ગયાં હતાં. ૧૯૦૪ના નવેમ્બરની પહેલી તારીખે ૭૯ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું.

હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂક્યા પછી ફાર્બસે પહેલું કામ કર્યું તે હિન્દુસ્તાની ભાષા શીખવાનું. આ માટે તેમને અહમદનગર મોકલવામાં આવ્યા. ૧૮૪૩ના નવેમ્બરની ૨૦મી તારીખે તેઓ અહમદનગર પહોંચ્યા તે પછી બે મહિનાના ટૂંકા ગાળામાં તેમણે હિન્દુસ્તાની ભાષાની પરીક્ષા આપી હતી અને તેમાં સફળ થયા હતા. ત્યાર બાદ અહમદનગરના થર્ડ આસિસ્ટન્ટ કલેકટર તરીકે તેમની નિમણૂક થઇ હતી. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના લંડનમાં બેઠેલા ડિરેક્ટરોએ ઘડેલા નિયમો પ્રમાણે હિન્દુસ્તાનમાં કામ કરવા આવનાર દરેક બ્રિટિશ અધિકારી માટે હિન્દુસ્તાની ભાષાનું જ્ઞાન ફરજિયાત હતું. પણ ડિરેકટરોને એ હકીકતનો ખ્યાલ નહોતો કે દેશના ઘણા મોટા ભાગોમાં હિન્દુસ્તાનીનું નહિ, પણ બીજી ‘દેશી’ ભાષાઓનું ચલણ છે. ૧૮૧૯માં માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન જ્યારે બેમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર બન્યા, ત્યારે તેમના ધ્યાનમાં આ હકીકત આવી. આથી તેમણે વધારાનો નિયમ બનાવ્યો કે આ વિસ્તારમાં કામ કરનાર દરેક બ્રિટિશ અધિકારીને હિન્દુસ્તાની ઉપરાંત ઓછામાં ઓછી બીજી એક ‘દેશી’ ભાષા (મરાઠી, ગુજરાતી, કાનડી વગેરે) આવડતી હોવી જોઈએ. આવી જાણકારી મેળવનારને જ નોકરીમાં બઢતી મળે એવો નિયમ પણ તેમણે કર્યો. ૧૮૪૪ના ઓક્ટોબરની ૧૦મી તારીખે ફાર્બસે મરાઠી માટેની પરીક્ષામાં પણ સફળતા મેળવી. પરિણામે ૧૮૪૪ના નવેમ્બરની આઠમી તારીખથી તેમને બઢતી મળી, અને તેમની નિમણૂક ખાનદેશના ‘સેકન્ડ આસિસ્ટન્ટ કલેકટર’ તરીકે થઇ. ૧૮૪૬ના એપ્રિલ સુધી તેઓ આ પદે રહ્યા. એ વર્ષના એપ્રિલની છઠ્ઠી તારીખે ફાર્બસની નિમણૂક મુંબઈની સદર અદાલત (બોમ્બે હાઈ કોર્ટની પુરોગામી અદાલત)ના એક્ટિંગ ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે થઇ. પણ બે જ દિવસ પછી, આઠમી એપ્રિલે તેમની નિમણૂક અમદાવાદના આસિસ્ટન્ટ જજ તરીકે થઇ. જો કે એ વર્ષના નવેમ્બર સુધી તેઓ મુંબઈમાં જ રહી સદર અદાલતનું કામ કરતા રહ્યા. એ પછી નવેમ્બર મહિનામાં તેઓ અમદાવાદ ગયા. અને ત્યારથી તેમના ગુજરાત સાથેના પરસ્પર હિતકારી સંબંધની શરૂઆત થઇ. 

અમદાવાદ બ્રિટિશ હકૂમત નીચે આવ્યું છેક ૧૮૧૮માં. પરિણામે મુંબઈ કે પૂનાની સરખામણીમાં અર્વાચીનતાનો વાયરો અમદાવાદમાં પ્રમાણમાં મોડો વાયો. ૧૮૧૮માં જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અમદાવાદ હસ્તગત કર્યું ત્યારે તે એક મૃતપ્રાય શહેર હતું. A History of Gujarat : from the Earliest Period to the Present Times નામના પુસ્તકમાં એદલજી ડોસાભાઈ લખે છે : “જ્યારે કંપની સરકારના તાબા હેઠળ અમદાવાદ આવ્યું ત્યારે તે એક ખંડિયર જેવું શહેર હતું. કેટલાં ય મકાનો, મસ્જિદો, વગેરે સાવ બિસ્માર હાલતમાં હતાં અને તેમાં ચોર-લૂંટારા વાસ કરતા હતા. કરવેરા એટલા તો આકરા હતા કે તેને પરિણામે વેપાર-ધંધા લગભગ પડી ભાંગ્યા હતા. કેટલીક વસ્તુઓ પર તો તેની કિંમતના પચ્ચીસ ટકા જેટલો વેરો ઉઘરાવાતો હતો.”૧ જ્યારે ‘અમદાવાદનો ઇતિહાસ’(૧૮૫૧)માં મગનલાલ વખતચંદ નોંધે છે : “ગાયકવાડ સરસૂબાની વખતમાં અમદાવાદમાં ગમે તેવો શાહુકાર હોએ પણ ધાયાધોયાં લૂગડાં તથા મોહોટા પહનાના જાડાં થેપાડાં તેહેનાથી પહેરાતાં નહિ પણ ઢેંચણ સમું પોતીયું, તેહેના ઉપર બાસ્તાનો જાંમો ને માથે છીંટની વગર તોરાની પાઘડી પેહેરાતી. ને કદી કોઈ એથી લગીર સારાં લૂગડાં પહેરે તો સરસુબાના રાખેલા ચાડીઆ ચાડી ખાએ એટલે તે માણસને બોલાવી તેહેને કેહે કે ‘તમારી પાસે પુંજી ઘણી છે માટે પાંચ-દશ હજાર સરકારને આપો.’ કદી તે ના કેહે તો તેની છાતીએ પથ્થર મૂકીને લે, તેથી કોઈ ખુલ્લી રીતે ઉઘરાણી કરી શકતું નહિ. ચોરીઓ પણ પ્રમાણમાં પુષ્કળ અને ધોળે દહાડે થતી કેમ કે હાકેમને તેમાંથી ચોથાઈ મળતી, અને ન્યાય પણ એ રીતે છચોક વેચાતો.”  

૧૮૪૬ના અંત ભાગમાં ફાર્બસ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે ત્યાં નહોતી બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી ઝાઝી નિશાળો, નહોતાં ઝાઝાં છાપખાનાં, નહોતી કોઈ સાહિત્યિક કે સાંસ્કૃતિક સંસ્થા. એ વખતે અમદાવાદમાંથી નહોતાં પ્રગટ થતાં પુસ્તકો, અખબારો, કે સામયિકો. અમદાવાદ અને મુંબઈ વચ્ચેની સીધી રેલવે સેવા પણ છેક ૧૮૬૪માં શરૂ થઇ. એ વખતના ગુજરાતની મનોદશા દર્શાવતો એક પ્રસંગ  ‘સ્મરણમુકુર’માં નરસિંહરાવ દિવેટિયાએ આલેખ્યો છે : “મારા પિતાની કોર્ટમાં બે કારકૂનો ટપાલની રાહ જોતા બેઠા છે. ટપાલ આવી, દરેકના પોતપોતાના ‘બુધાવારીયાં’ (એ વખતે અમદાવાદથી દર બુધવારે પ્રગટ થતું એકમાત્ર અખબાર ‘બુધવારીયું’ તરીકે ઓળખાતું) આવ્યાં. (એક જ પત્રની પ્રતો) પાણી પીવાની ઓરડીમાં બંને ઉત્સાહભેર જાય છે, અને એક વાંચે છે અને બીજો પોતાની પ્રત તપાસે છે. અંતે ‘વાહ! શબ્દે શબ્દ બરોબર છે, લગારે ભૂલ નથી. તારી ને મારી નકલ બરોબર છે;’ એમ આશ્ચર્ય તથા માનનો ભાવ દર્શાવતા બંને પાછા જાય છે.” (જોડણી હાલની વ્યવસ્થા પ્રમાણે કરી લીધી છે). હા સુરત, ભરૂચ, અમદાવાદ જેવાં કેટલાંક શહેરોમાં બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી રડીખડી નિશાળો હતી ખરી, પણ આ નિશાળોમાં ભણાવતા માસ્તરોને પોતાને જ જે ભણાવતા હતા તેમાં વિશ્વાસ નહોતો. ‘દુર્ગારામ ચરિત્ર’માં મહીપતરામ નીલકંઠ કહે છે : “મુંબઈમાં મહેતાજીઓએ ભૂગોળ તથા ખગોળ વિદ્યાઓમાં પ્રવેશ કર્યો હતો, ને ઉપરીના હુકમથી હવે તે બાબતો નિશાળમાં ચલાવી. પુરાણોમાં લખ્યા પ્રમાણે એ વિદ્યાઓ નહિ હોવાથી લોકમાં નિંદા ચાલી. નિત્યાનંદ અને પરમાનંદના સંવાદ રૂપે છપાયેલી એ વિશેની ચોપડી ભણે તે લોકને ગમે નહિ. પ્રાણશંકર છોકરાને કહેતા કે સાહેબ પરીક્ષા લેવા આવે ને પૂછે ત્યારે કહેવું કે પૃથ્વી ગોળ છે, ને ફરે છે. પણ તે તમે માનશો નહિ, કેમ કે પૃથ્વી ગોળ હોય ને ફરે તો આપણાં ઘર પડી જાય. તે પડતાં નથી માટે એ વાત ખોટી છે. પ્રાણશંકર મહેતાજીના સમજવામાં આ વિદ્યાઓ આવી ન હતી. પણ બુદ્ધિવાન દુર્ગારામથી તે સમજાઈ હતી, ને તે નિશાળીઆઓને સમજણ પાડી બરોબર શીખવતા. એથી લોક તેને ધર્મ ભ્રષ્ટ કહી નીંદવા લાગ્યા.” (રમેશ મ. શુક્લ સંપાદિત મહીપતરામ ગ્રંથાવલી, ખંડ ૧) 

૨

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ 

ફાર્બસે પોતાની આસપાસ જે જોયું તેનાથી એક વાત તો તેમના મનમાં ઠસી ગઈ : આ સમાજને અર્વાચીનતા તરફ લઇ જવા માટે કામ કરવાની જરૂર છે. શરૂઆત ભલે ગમે તેટલી નાની હોય, પણ શરૂઆત કરવી તો પડશે જ. પણ લોકોની ભાષા – ગુજરાતી – જાણ્યા વગર આ દિશામાં ઝાઝું કામ થઇ શકે નહિ એ હકીકતથી પણ ફાર્બસ સભાન હતા. અમદાવાદમાં ૧૮૪૬માં પહેલવહેલી અંગ્રેજી સ્કૂલ શરૂ થઇ તેમાં ભોગીલાલ પ્રાણવલ્લભદાસ ‘માસ્તર’ તરીકે કામ કરતા હતા. એટલે ફાર્બસે તેમની પાસેથી ગુજરાતી ભાષા શીખવાનું શરૂ કર્યું. ત્યાર પછી અમદાવાદના ઉત્તમરામ, વિજાપુરના એક બારોટ, નડિયાદના કવિ રણછોડ, વગેરેને અજમાવી જોયા, પણ ફાર્બસને એકેથી સંતોષ ન થયો. 

દલપતરામ કવિ

ભોળાનાથ સારાભાઈ અમદાવાદની દીવાની અદાલતમાં મુનસફ હતા અને તેમની સાથે ફાર્બસને સારો પરિચય હતો. આથી કોઈ સારું નામ સૂચવવા ફાર્બસે ભોળાનાથભાઈને વિનંતી કરી. અગાઉ દલપતરામ પાસે ભોળાનાથભાઈ પિંગળ ભણ્યા હતા, અને તેમને દલપતરામનો સારો પરિચય હતો. ભોળાનાથભાઈની સૂચનાથી ફાર્બસે વઢવાણથી કવિ દલપતરામને મળવા બોલાવ્યા. પોતાના શિક્ષક અંગે ફાર્બસની અપેક્ષાઓ કેવી હતી તે અંગે કવિ નાનાલાલ કહે છે : “કર્નલ ટોડે રાજસ્થાનની ગાથા લખી ત્યારે તેમની કને એક જતી હતા … રાસમાળા રચવામાં એવા સહાયક ને ઉદ્બોધક ગુર્જર યતીજી ફાર્બસને જોઈતા હતા, કે જે વ્રજ ભાષા અને ચારણી ભાષામાંના જૂના રાસાઓનાં અને સંસ્કૃત, પ્રાકૃત, ને જૂની ગુજરાતીમાંના જૈન રાસાઓના અર્થ ઉકેલાવે, ને પ્રજાના અણસમજાતા રીતરિવાજ, સંસ્કાર-પ્રકરણો અને સંસ્કૃતિના થર ઉપર લખેલા કાળમંત્રો ભણાવે. આપણો પ્રાચીન ઇતિહાસ રાસાઓના કાવ્યગ્રંથોમાં હતો, એટલે ઇતિહાસ સંશોધનને અંગે કવિતાનો શોખ પણ ફાર્બસને જાગ્યો હતો. કવિતા સમજનાર અને સમજાવનાર, ઇતિહાસ ઉકેલાવનાર, દેશાચારનાં અંતર રહસ્ય ભાખનાર, પ્રજાની કાળપગલીઓમાંની રેખાઓમાંના અક્ષર વાંચીને વંચાવનાર, કર્નલ ટોડને મળ્યો હતો તેવો દેશની સંસ્કૃતિનો ભોમિયો ફાર્બસસાહેબ શોધતા હતા.” (કવીશ્વર દલપતરામ, ભાગ ૧) ફાર્બસના અવસાન પછી ‘આનરએબલ ફારબસસાહેબનું મરણ’ નામની દલપતરામની લાંબી લેખમાળા ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થઇ હતી. તેમાં ફાર્બસ સાથેના પહેલા મેળાપ અંગે તેઓ કહે છે : “તેને (ફાર્બસને) અંગ્રેજી કવિતાના ગ્રંથોનો અભ્યાસ હતો, તેથી ગુજરાતી કવિતાના ગ્રંથો ભણવાની મરજી થઇ, ત્યારે અમદાવાદમાંથી તથા વિજાપુરમાંથી બ્રાહ્મણ, ભાટ, વગેરે કેટલાએક કવિઓને બોલાવ્યા, પણ પોતાને કોઈ પસંદ પડ્યો નહિ. પછી રાવસાહેબ ભોળાનાથ સારાભાઈને પૂછ્યાથી તેઓએ મારું નામ બતાવ્યું. તે વખતે હું મારી જન્મભૂમિમાં વઢવાણમાં રહેતો હતો, ત્યાંથી મને તેડવા સારૂ શેઠ પ્રેમાભાઈ હિમાભાઈની મારફતે વઢવાણ મખસુદ માણસ મોકલ્યું. તેથી હું અમદાવાદમાં હાજર થયો … સન ૧૮૪૮ના નવેમ્બર મહિનાની તા. ૧ને રોજ સાહેબની મારે મુલાકાત થઇ, અને મારી બનાવેલી કવિતા સંભળાવી તેથી તે ઘણા ખુશ થયા. અને રૂ. ૨૪૦નું વર્ષ કરીને મને પોતાની પાસે રાખ્યો.” (દલપત ગ્રંથાવલી, ભાગ ૫) અહીં નોંધવું જોઈએ કે ‘કવીશ્વર દલપતરામ’માં કવિ નાનાલાલે આ વાત જે રીતે રજૂ કરી છે તે રીતે ખુદ દલપતરામ રજૂ નથી કરતા. દલપતરામે તો માત્ર એટલું જ કહ્યું છે કે રૂ. ૨૪૦ના વાર્ષિક પગારે તેઓ નોકરીમાં રહ્યા. જ્યારે નાનાલાલ આખી વાત આ રીતે રજૂ કરે છે: “પછી પગાર વાર્તાની ઘડીક ગમ્મત જામી. ત્યારે .. એ … એ શો પગાર તમે લેશો? છેવટે ફાર્બસે વ્યવહાર પ્રશ્ન પૂછ્યો. સાહેબ આપશે તે. અમે બે માણસ અને એક બાળકી છીએ. સો-સવાસોએકનું ખર્ચ છે. દલપતરામે ઉત્તર વાળ્યો … સાહેબ બોલ્યા : જુવો ને કવેશર! મારે તો મારા પગારમાંથી પગાર આપવાનો છે. મને જ આઠસોક રૂપિયા મળે છે. હું તો માસિક વીસ રૂપિયા આપી શકું … દલપતરામે ફાર્બસને સમજાવ્યું : સાહેબ! અમારે ત્યાં વાણોતરીની વરસૂણ હોય છે. ને સાહેબને મેં તો સો-સવાસોનો વરસૂણીયો પગાર કહ્યો હતો. મેં તો સો-સવા સો માગ્યા હતા. આપ તો મને બમણા આપવાનું કહો છો. સાહેબ ખડખડાટ હસી પડ્યા.” (કવીશ્વર દલપતરામ, ભાગ ૨, પૂર્વાર્ધમાંથી સંકલિત અંશ)    

થોડા વખતમાં ફાર્બસ ગુજરાતી વાંચતાં અને બોલતાં શીખી ગયા. ફાર્બસ અને દલપતરામ મળ્યા તે પહેલાં દલપતરામે વ્રજ અને ડિંગળમાં પદ્યરચનાઓ કરી હતી. ભાટ-ચારણો પણ મોટે ભાગે આ બે બોલીમાં રચનાઓ કરતા. ફાર્બસને ઉપયોગી થાય તેવા ઘણા ગ્રંથો આ બે બોલીમાં લખાયેલા હતા. આથી ફાર્બસે એવા કેટલાક ગ્રંથોનો દલપતરામ પાસે ગુજરાતીમાં અનુવાદ કરાવ્યો. પણ ભાટ-ચારણની આવી કૃતિઓ હસ્તપ્રતો રૂપે જ ઉપલબ્ધ હતી. જેમની પાસે હોય તે સહેલાઈથી બીજા કોઈને જોવા પણ ન દે, ત્યાં તેની નકલ કરવા તો દે જ ક્યાંથી? દલપતરામ સ્વામિનારાયણ પંથના અનુયાયી હતા, તેમણે સારો એવો પ્રવાસ ખેડ્યો હતો, અને કેટલાક ભાટ-ચારણોના પરિચયમાં પણ હતા. એટલે તેઓ કંઈ નહિ તો નકલ કરી લેવા માટે હસ્તપ્રતો મેળવી શકે એમ હતું. આથી ફાર્બસે દલપતરામને હસ્તપ્રતો (કે તેની નકલો) એકઠી કરવાનું કામ પણ સોંપ્યું. તે માટે દલપતરામે સારા એવા પ્રવાસો ખેડ્યા. ફાર્બસ અને દલપતરામ વચ્ચે ઉંમરનો ઝાઝો તફાવત નહોતો, અને ફાર્બસ સ્વભાવે વિનમ્ર, વિવેકી, અને માયાળુ સ્વભાવના હતા. આથી થોડા વખતમાં જ દલપતરામ અને ફાર્બસ વચ્ચેનો સંબંધ સાહેબ અને તેના નોકરનો નહિ, પણ મિત્રો જેવો બની રહ્યો.

e.mail : deepakbmehta@gmail.com

Loading

એક ખૂબસૂરત અમેરિકન સપનાં જેવી ટેલર સ્વિફ્ટ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|8 July 2024

રાજ ગોસ્વામી

જે લોકોને સમાચારપત્રોના ન્યૂઝરૂમમાં કેવી રીતે કામ થાય છે તેની ખબર હશે, તેમના માટે બીટ શબ્દ અજાણ્યો નહીં હોય. બીટ એટલે કોઈ એક વિષય પર નિયમિત કામ કરવું તે. તેને બીટ રિપોર્ટીંગ કહે છે. જેમ કે, ન્યૂઝરૂમમાં ક્રાઈમ બીટ હોય, પોલિટીકલ બીટ હોય, કોર્પોરેશન બીટ હોય. સમાચારપત્રની, શહેરની અને વાચકોની તાસીર પ્રમાણે બીટ નક્કી થાય છે. મુંબઈ જેવા શહેરોમાં બોલિવૂડ અને એવિયેશન બીટ હોય છે અને દિલ્હી જેવાં શહેરોમાં પાર્લામેન્ટ અને ઇન્ટેલિજન્સ બીટ હોય છે. લંડન જેવાં શહેરોમાં ઇન્ટરનેશનલ અફેર અને વોર બીટ પણ હોય છે.

આ તો વાચકોનો જેમાં વ્યાપક રસ હોય તેવા વિષય પ્રમાણે બીટની વાત થઇ, પણ કોઈ સમાચારપત્રમાં વ્યક્તિ વિશેષ બીટ હોય તો કેવું લાગે? જેમ કે અમિતાભ બચ્ચન બીટ અથવા વિરાટ કોહલી બીટ! આવું પણ શક્ય છે.

અમેરિકામાં, 45 વર્ષ જૂનું ‘યુએસ ટૂડે’ નામનું એક દૈનિક પત્ર છે. લગભગ 26 લાખ વાચકો ધરાવતું આ અમેરિકાનું ચોથા નંબરનું સૌથી મોટું પત્ર છે. ગયા વર્ષે, આ પત્રએ તેની વેબસાઈટ પર ‘નોકરી ખાલી છે’ની જાહેરાત કરી હતી. તેમાં લખ્યું હતું, “અમે એક એવા ઉત્સાહી લેખક, ફોટોગ્રાફર અને સોશિયલ મીડિયાના અનુભવીની તલાશમાં છીએ, જે ટેલર સ્વિફ્ટને લગતી દરેક બાબતમાં લોકોની જે ભૂખ છે, તેને અમારાં બહુ બધાં પ્લેટફોર્મ પર નિયમિત સામગ્રી પૂરી પાડીને સંતોષી શકે.”

‘યુએસ ટુડે’ને ટેલર સ્વિફ્ટ બીટ માટે રિપોર્ટરની જરૂર હતી!

એમાં પગારની પણ ઓફર હતી : એક કલાકના 50 ડોલર!

ઘણા બધા લોકોએ તેના માટે અરજી કરી હતી, અને અંતે બ્રાયન વેસ્ટ નામના એક 40 વર્ષીય પત્રકારને આ નોકરી પર રાખવામાં આવ્યો હતો. અમેરિકામાં (અને કદાચ દુનિયામાં), એક સેલિબ્રિટી કલાકારના માટે એક મોટા સમાચારપત્રએ બીટ શરૂ કરી હોય તેવો આ પહેલો કિસ્સો હતો.

આ સાબિત કરે છે કે અમેરિકન સમાજમાં ટેલર સ્વિફ્ટનો પ્રભાવ કેટલો છે! એટલું જ નહીં, 2022માં ન્યૂ યોર્ક યુનિવર્સિટીની ક્લાઇવ ડેવિસ ઇન્સ્ટિટયૂટમાં સ્વિફ્ટના સંગીત પર એક કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો. આ ઇન્સ્ટિટયૂટે સ્વિફ્ટને ફાઇન આર્ટ્સમાં માનદ્દ ડોક્ટરેટની પદવી પણ આપી હતી.

વિશ્વભરની અન્ય યુનિવર્સિટીઓએ પણ સ્વિફ્ટને સમર્પિત અભ્યાસક્રમો શરૂ કર્યા છે, જેમ કે, ધ સાયકોલોજી ઓફ ટેલર સ્વિફ્ટ, ધ ટેલર સ્વિફ્ટ સોંગબુક અને લિટરેચરઃ ટેલર વર્ઝન.

સંગીતકારો અને સેલિબ્રિટીઓ દુનિયાભરના સમાજોમાં આકર્ષણનો વિષય રહ્યા છે, પણ કોઈ એક શખ્સિયતને આવું મહત્ત્વ આપવામાં આવે તેવું બન્યું નથી. અમેરિકન લોકો સ્વિફ્ટની પ્રભાવશાળી કારકિર્દીનો અભ્યાસ તેના પ્રત્યેની ચાહના, તેનું માર્કેટિંગ, તેનો બિઝનેસ અને તેના ગીતલેખન સહિત અનેક દૃષ્ટિકોણથી કરે છે.

કોણ છે આ ટેલર સ્વિફ્ટ? તે એક આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી છે. અમેરિકાના એક નાના શહેરમાં જન્મેલી ટેલર સ્વિફ્ટ તેના પ્રથમ આલ્બમના લોન્ચિંગથી જ સંગીતની દુનિયામાં સનસનાટી બની ગઈ છે. તેનાં ગીતો રિલીઝ થતાં જ હિટ થઈ જાય છે. તેની 12 વર્ષની કારકિર્દીમાં તેણે અત્યાર સુધીમાં 340 એવોર્ડ જીત્યા છે. તેમાં ગ્રેમી, બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ અને અમેરિકન મ્યુઝિક એવોર્ડનો સમાવેશ થાય છે. બહુ ઓછા લોકો જાણે છે કે તે જેટલું સારું ગાય છે, તેટલું સારું લખે છે. ઇન ફેક્ટ, તેનો આગ્રહ હોય છે કે તે તેનાં લખેલાં ગીતો જ ગાશે.

ભારતમાં પણ તેના ઘણા ચાહકો છે. ગયા માર્ચ મહિનામાં, ‘ધ હિંદુ’ નામના અંગ્રેજી સમાચાર પત્રમાં એક સમાચાર હતા કે સ્વિફ્ટના સિંગાપોર કોન્સર્ટમાં ભાગ લેવા માટે ચેન્નાઈની એક લો સ્કૂલની એક વિધાર્થિની સંજના શંકરે 65 હજાર રૂપિયા ખર્ચી નાખ્યા હતા. ત્યાં કોન્સર્ટમાં 25 ભારતીય ચાહકો હતા.

ખાલી સંગીતની દૃષ્ટિએ, સ્વિફ્ટે ઘણા રેકોર્ડ તોડ્યા છે. સ્પોટિફાઈ નામના ઓડિયો પ્લેટફોર્મ પર, દર મહિને 10 કરોડ શ્રોતાઓ ધરાવતી તે પહેલી મહિલા ગાયક બની હતી. તે ફીયરલેસ (2009), 1989 (2015) અને ફોકલોર (2020) માટે ત્રણ વખત આલ્બમ ઓફ ધ ઈયર ગ્રેમી જીતવા વાળી પહેલી અને એકમાત્ર મહિલા કલાકાર છે. દુનિયાભરમાં થઈને તેનાં ગીતોની 20 કરોડ રેકોર્ડ્સ વેચાઈ છે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને હવે ચૂંટણીમાં ફરીથી ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે તેમના એક તાજા પુસ્તકમાં કહ્યું છે કે, “ટેલર સ્વિફ્ટ આજના સમયની સૌથી મોટી સેલિબ્રિટી છે. તે બેહદ ખૂબસૂરત છે. તે લિબરલ છે અને તેને કદાચ ટ્રમ્પ પસંદ નથી.”

લગભગ 100 કરોડ ડોલરની નેટ વર્થ ધરાવતી 34 વર્ષની સ્વિફ્ટ સંગીતના બિઝનેસ, લોકપ્રિય સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થા પર સૌથી મોટો પ્રભાવ ઊભો કરનારી કલાકાર ગણાય છે. તે 11 વર્ષની હતી ત્યારથી ગીતો લખતી હતી અને ગાતી હતી. અમેરિકાની સંગીતની દુનિયા બહુ જાલિમ છે. તે ભલ ભલા પ્રતિભાવંત લોકોને તોડી નાખે છે. ટેલર તેની અપ્રતિમ સંગીત પ્રતિભા અને કુશાગ્ર બિઝનેસ વૃત્તિના આધારે તમામ અડચણો પાર કરીને ટોચ પર પહોંચી છે.

ગયા વર્ષે, 2023માં, તેને ‘ટાઇમ મેગેઝી’નના કવર પેઈજ પર ‘પર્સન ઓફ ધ ઈયર’ ઘોષિત કરવામાં આવી, ત્યારે ભારતના સમાચાર પત્રોમાં એક સમાચાર છપાયા હતા. ન્યૂજર્સીની એક હોસ્પિટલમાં, બ્રેન સર્જરી દરમિયાન, ડોકટરે દર્દીને ભાનમાં રહેવા માટે પ્રયાસ કરતા રહેવાનું કહ્યું હતું, અને ચાલુ સર્જરીએ એ દર્દીએ ટેલરનાં ગીત ગણગણવાનું શરૂ કરી દીધું હતું.

કોરોનાની મહામારી દરમિયાન અમેરિકન જ્યારે બંધ પડ્યું હતું અને તેના પ્રવાસન ઉદ્યોગને પારાવાર ઘણું નુકસાન થયું હતું, ત્યારે જ્યાં પણ ટેલર સ્વિફ્ટના શો યોજાયા, ત્યાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો હતો. આનું મુખ્ય કારણ ટેલર સ્વિફ્ટના કાર્યક્રમોમાં દૂર દૂરથી લોકો આવતા હતા. ટેલર જેવી પોપ સ્ટાર અમેરિકા જેવા મોટા દેશના અર્થતંત્ર પર પણ અસર કરી શકે છે. 

ટેલર સ્વિફ્ટના ચાહકો તેને આજના સમયની દેવી ડાયેના માને છે. પૌરાણિક રોમન કથાઓમાં ડાયેના નામની જંગલની દેવીની કલ્પના છે, જે સમાજનાં બંધનો ફગાવી દઈને હાથમાં ધનુષ-બાણ લઈને જંગલમાં ઘુમતી રહે છે અને શિકાર કરતી રહે છે.

ડાયનાની જેમ, ટેલર સ્વિફ્ટ પણ સ્વતંત્રતાનો પર્યાય બની ગઈ છે. ટેલરે હંમેશાં પુરુષ પ્રધાન સમાજમાં પોતાની કારકિર્દી માટે પોતાની રીતે જ માર્ગ બનાવ્યો છે. તે કહે છે કે તે તેની વાત કહેતાં ડરતી નથી.

આપણે ત્યાં એક શબ્દ છે; મંત્રમુગ્ધ. એટલે આભા થઇ જવું, દિગ્મૂઢ થઇ જવું, મોહિત થઇ જવું, વશ થઇ જવું. જરા કલ્પના કરો, તમે ઘણા પૈસા ખર્ચીને વરસતા વરસાદમાં તમારા ગમતા કલાકારનો જીવંત કાર્યક્રમ જુવો છો. ત્રણ-ચાર કલાક પછી તમે ઘરે જાવ, પછી તમને કશું યાદ ના આવે તો કેવું લાગે? ટેલર સ્વિફ્ટના ચાહકો સાથે આવું થાય છે. તેમનો દાવો છે કે તેનો કોન્સર્ટ જોયા પછી તેમને ‘પોસ્ટ-કોન્સર્ટ સ્મૃતિભ્રંશ’નો અનુભવ થાય છે. મતલબ કે ટેલર તેમની પર એવી ભૂરકી છાંટે છે કે તેમને કોન્સર્ટમાં શું થયું હતું તે યાદ રહેતું નથી. કદાચ એટલા માટે જ, ટેલર સ્વિફ્ટ એક ખૂબસૂરત સપનાં જેવી છે!

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 07 જુલાઈ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સાધારણ માણસને હક જ નથી ડૉક્ટર થવાનો કે દર્દી થવાનો –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 July 2024

રવીન્દ્ર પારેખ

શિક્ષણ ધંધો થયું છે, ત્યારથી સાધારણ માણસને, તેનાં સંતાનોને ભણાવવાનું અઘરું થયું છે. તેમાં પણ ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય તો તે આભારવશ કે લાચાર થયા વગર લગભગ અશક્ય છે. આમે ય સ્વમાનભેર જીવવાનું ઉત્તરોત્તર મુશ્કેલ થતું આવે છે, ત્યારે કોઇની કંઠી પહેર્યાં વગર કે કોઈનો વિરોધ કર્યા વગર જીવવાની જાણે જગ્યા જ બચી નથી ! યાચના વગર યાતના જ બચે છે. પળેપળ સંઘર્ષ, શાંતિ હણતો રહ્યો છે. માંગ્યા વગર, વિરોધ વગર, કોર્ટકચેરી કર્યા વગર હક મળે જ નહીં એવી સ્થિતિ છે. એવું સાધારણ કે એકલો માણસ ન કરી શકે, એટલે તેણે ક્યાં તો બધું જતું કરવું પડે અથવા તો જીવન ટૂંકાવવું પડે. એક પ્રકારનો અજંપો જ બધે જણાય છે ને તેમાં ઉત્તરોત્તર વધારો જ થતો આવે છે. બીજી તરફ માંડ સરખું ચાલતું હોય ત્યાં ડિંગલી કર્યા વગર સત્તાધીશોને ચાલતું નથી. ઉપદ્રવ અને અશાંતિ રાજકીય લક્ષણો છે ને તેમાં ગુજરાત મોખરે છે. શિક્ષણ વગર શિક્ષણમાં અખતરાઓ કરવામાં ગુજરાતને કોઈ પહોંચે એમ નથી. તેમાં પણ સરકારનો હેતુ તો શિક્ષણ દ્વારા કમાણી કરવાનો જ વિશેષ છે. લૂંટનું ગુજરાતી હવે ફી થાય છે ને ફી વધારો ચેપી રોગની જેમ ફેલાય છે.

તાજેતરમાં જ મેડિકલની ફી એવી તોતિંગ વધી છે કે એટલી ઝડપથી તો મોંઘવારી પણ નથી વધતી. NEETની પરીક્ષાનું ગાડું તો ઘોંચમાં પડેલું જ છે ને બીજી તરફ જે પરિણામ આવ્યું છે તે પણ રેકોર્ડ બ્રેક છે. એને લીધે મેરિટનો કટ ઓફ પણ ઊંચો ગયો છે. આટલું ઓછું હોય તેમ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી(GMERS)એ રાક્ષસી રીતે ફી વધારી છે. આ વધારો કરવામાં માણસાઈ અને વિવેક બાજુ પર મુકાયાં છે. એક કાળે કુલ ફી જેટલી ન હતી, એટલો તો હવે ફી વધારો માથે મરાય છે. આમ પણ સરકારી મેડિકલ કોટાની વાર્ષિક ફી 3.30 લાખ જ વધારે છે, તેની સામે ફી વધારો 2.20 લાખનો કરીને વાર્ષિક ફી 5.50 લાખ કરી દેવાઈ છે. આ વધારો 66 ટકાથી પણ વધુ છે. આમાં પાછા કોટા પણ હોય છે. જેમ કે મેનેજમેન્ટ કોટા. તેની વાર્ષિક ફી 9 લાખ હતી, તેમાં પૂરી બેશરમીથી એક બે નહીં, પૂરા 8 લાખ વધારીને ફી 17 લાખ કરી દેવાઈ છે. સીધો 88 ટકાનો વધારો. NRI સીટની ફી 22,000 ડોલર હતી, તેની ફી 3,000 ડોલર વધારીને 25,000 ડોલર કરી દેવાઈ છે. આ વધારો લગભગ 14 ટકાનો છે. NRI પર બોજ ઓછો છે, જ્યારે દેશી વિદ્યાર્થીઓ પર ફીનો 80 ટકા જેવો બોજ અસહ્ય છે. આ વધારો અમાનવીય છે, નિષ્ઠુર ને નિર્દયી છે. આ અગાઉ પણ ફી વધારો થયેલો, પણ વિદ્યાર્થીઓના વિરોધને કારણે ફી વધારો પાછો ખેંચાયેલો.

આ વખતે પણ વાલીઓ ને વિદ્યાર્થીઓ આ અવિચારી ને હિંસક ફી વધારાનો સખત વિરોધ કરી રહ્યા છે. સુરત, અમદાવાદ અને અન્ય શહેરો, જિલ્લાઓમાં વિદ્યાર્થીઓએ અને વાલીઓએ કલેકટરને આવેદનપત્ર આપીને ફી વધારો પાછો ખેંચવાની અપીલ કરી છે ને બે દિવસમાં એ વધારો પાછો નહીં ખેંચાય તો મામલો કોર્ટમાં પહોંચાડવાની ચીમકી પણ ઉચ્ચારી છે. કરોડ રૂપિયા જો ફીમાં જ જવાના હોય ને બીજા તેને લગતા ખર્ચ બાકી જ રહેતા હોય તો તબીબી શિક્ષણ અબજોપતિઓને જ પરવડે એમ છે એ સ્પષ્ટ છે. આ સ્થિતિ હોય તો એટલું પણ સ્પષ્ટ છે કે ભણતર હવે ગરીબો માટે રહ્યું નથી.

આમે ય આપણે ત્યાંની તબીબી શિક્ષણની ફી એટલી વધારે છે કે ઘણા વિદ્યાર્થીઓ વિદેશ જઈને એ શિક્ષણ લેવાનું સ્વીકારે છે. એથી એટલું તો સૂચવાય છે કે શિક્ષણ એટલું ઊંચું છે કે કેમ, તેની તો ખબર નહીં, પણ વિદેશની ફી કરતાં અહીંની ફી ઊંચી છે તે નિર્વિવાદ છે. કેટલા ય વાલીઓની સ્થિતિ એવી છે કે આ ફી વધારાને પહોંચી વળવા ઘરબાર વેચવા પડે અથવા તો સંતાને ડૉક્ટરીનું શિક્ષણ છોડવું પડે. એ પણ એટલે વધારે અઘરું છે કે તબીબ બનવાની સફરનાં ત્રણ વર્ષ થઈ ચૂક્યાં છે ને આટલે આવ્યા પછી વધેલી ફીને કારણે પાછા વળવું તો વધારે મુશ્કેલ છે, એટલે ખરેખર તો સ્થિતિ સાપે છછુંદર ગળ્યાં જેવી જ થઈ છે.

એક તરફ NEETની પરીક્ષાઓમાં ચોરી કરાવવાના દસ દસ લાખ પડાવાતા હોય ને એ આપનારાઓની ખોટ ન હોય તો તેવી રીતે પાસ થનારાઓ કેવાક ડોકટરો થશે તે સમજી શકાય એમ છે ને બીજી તરફ કરોડ રૂપિયા ફી ભરીને જ ડૉક્ટર થવાનું હોય તો તે ડોકટરો પણ ભવિષ્યમાં કેવાક ડોકટરો હશે તેની કલ્પના કરવાનું અઘરું નથી. એ અત્યંત દુ:ખદ છે કે શિક્ષણનો ગુજરાતમાં અનેક સ્તરે ધંધો ચાલે છે ને જ્યાં સરકાર જ ધંધો કરતી હોય ત્યાં એવું ધંધાદારી શિક્ષણ લઈને ડોકટરો પણ ધંધો કરે તો તેમનો શો વાંક કાઢીશું? આમ તો સરકારી સીટોની સંખ્યા 1,500 છે. મેનેજમેન્ટ કોટાની ને NRIની સીટો અનુક્રમે 210 અને 315 છે. આ સીટો વધારવાની જરૂર હતી, તેને બદલે GMERS દ્વારા 80 ટકાનો ફી વધારો ઝીંકાયો. આ વધારો કોઈ પણ રીતે યોગ્ય નથી ને તે તાત્કાલિક ધોરણે પાછો ખેંચાવો જ જોઈએ. જો કે, ફી વધારાના વિરોધમાં ઇંડિયન મેડિકલ એસોસિયેશન પણ જોડાયું છે ને તેણે મુખ્ય મંત્રીને પત્ર લખીને ફી વધારો પાછો ખેંચવાની માંગ કરી છે. આના પરથી પણ ફી વધારો ન્યાયી નથી તે સમજાય એવું છે. ફી વધારો નહીં ખેંચાય તો જે ડોકટરો પછી સામે આવશે તે માનવીય સંવેદના ધરાવતા નહીં જ હોય. કરોડ રૂપિયા ખર્ચીને દાકતર થનારા પછી ભગવાન ઓછા ને ભગવાનને ત્યાં મોકલનાર વધારે હશે. આટલી ફી ભરીને ડૉક્ટર થવા કરતાં વગર ડિગ્રીએ જ દવાખાનું ખોલનારા ઘણા ફૂટી નીકળશે ને એ બધું જ દર્દીના જીવ પર થશે. આમે ય લેભાગુ ડોકટરોની ખોટ નથી, ત્યાં આવા ફી વધારાથી એવા ડોકટરોની જમાતમાં વધારો જ થશે તે કહેવાની જરૂર નથી.

આટલા ભ્રષ્ટ વ્યવહારો વચ્ચે આજે પણ કેટલા ય સેવાભાવી ડોકટરો પૂરી નિષ્ઠાથી તેમની ફરજો બજાવે છે ને તે એ હદ સુધી કે મફતમાં દવા આપ્યા પછી, જરૂરી ખોરાકની વ્યવસ્થા પણ સહજ ભાવે કરે જ છે ને એવા ય છે જે દર્દીને નોટ છાપવાનું મશીન સમજે છે ને દર્દીની જિંદગી પરનું જોખમ વધારે છે. એક ચેનલમાં પબ્લિશ્ડ રિસર્ચ સ્ટડી મુજબ ભારતમાં 44 ટકા સર્જરી ફક્ત કમાણી કરવાના હેતુથી એમ જ કરવામાં આવે છે. કેન્સર, હાર્ટ, યુટરસ, ની રિપ્લેસમેન્ટને નામે કેટલી ય ખોટી સર્જરીઓ થાય જ છે. એમાં દર્દી તો લૂંટાય જ છે ને તે સાથે તેની જિંદગી જોડે ચેડાં થાય છે તે નફામાં. આવું કદાચ હોસ્પિટલ્સમાં વધારે થાય છે. હોસ્પિટલ્સ હવે ઇન્ડસ્ટ્રીની જેમ ચાલે છે. સેવા ત્યાં આઉટડેટેડ ગણાય છે ને નફો ટોપ પ્રાયોરિટી પર હોય છે. દર્દીઓ તેમને માટે ટાર્ગેટ્સથી વધારે કૈં નથી. ડોકટરોને અમુક ટાર્ગેટ્સ અપાય છે. એ પૂરા કરવામાં દર્દીઓનાં જરૂરી નહીં એવાં ઓપરેશન્સ થાય છે. એથી વધુ કમાણી મરેલાં દર્દીને જીવતો બતાવીને, તેની સારવારના ખર્ચને નામે દર્દીઓનાં સગાંને ખંખેરવામાં થાય છે. આ ઉપરાંત ડૉક્ટરોની બેદરકારીને કારણે દર્દીઓનાં થતાં મૃત્યુના બનાવો છાપે ચડતાં જ રહે છે.

આપણને આવા ડોકટરો પર નફરત થાય તે સ્વાભાવિક છે, પણ જરા વિચારીએ કે જે કરોડ રૂપિયા ફી ભરીને કે NEET જેવામાં રેન્ક મેળવવા લાખો લૂંટાવીને ખર્ચાઈ, ખવાઈ ગયો હોય તે લોન ભરવા કે ઉધારી ચૂકવવા દર્દીને વેતર્યા વગર ક્યાં સુધી રહેશે? તે ડિસ્ટિલ્ડ વૉટરનાં ઇન્જેક્શન્સ નહીં મૂકે તો બીજું કરશે શું? છાતીમાં થતા દુખાવાનો બાયપાસ સર્જરીમાં ઉકેલ બતાવીને, ડૉક્ટર, દર્દીને ડરાવશે નહીં તો આ સિસ્ટમ ચાલશે કેવી રીતે? દુ:ખદ તો એ છે કે સાધારણ માણસ ડૉક્ટર થઈ શકે એમ નથી, એ જ રીતે સાધારણ માણસ દર્દી પણ થઈ શકે એમ નથી, કારણ મફતનું તેને ખપતું નથી ને વધારે ફી તે ડૉક્ટરને ચૂકવી શકે તેમ નથી. આવા સાધારણ દર્દી હોસ્પિટલમાં ઈલાજ કરાવવા જાય તો, ત્યાં દવા કરાવવાને કારણે વધારે માંદો પડે એવી સ્થિતિ છે. ટૂંકમાં, સિસ્ટમ જ એવી છે કે શિક્ષણ અનીતિ પર જ ઊભું છે, પછી એમાંથી બહાર પડનારા શિક્ષિતો ઈચ્છે તો પણ નીતિ મુજબ જીવી શકે એમ જ નથી. આ બધું ઘટે એમ નથી? ઘટે એમ છે જ, પણ કોઈએ ઘટાડવું નથી, કારણ હરામનું હવે બધાંને જ પચી  જાય છે. કરુણતા એ છે કે હવે મહેનતનું પચતું નથી. સચ્ચાઈનો વિકલ્પ જ લુચ્ચાઈ હોય ત્યાં બીજું કરવાનું શું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 જુલાઈ 2024

Loading

...102030...509510511512...520530540...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved