Opinion Magazine
Number of visits: 9457121
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતને સર્વસ્વ સમર્પિત કરનાર ભગિની નિવેદિતા

સોનલ પરીખ|Opinion - Opinion|12 July 2024

આદર્શમય જીવન મહાન હોય છે. પ્રકાશ ન પ્રગટે તો જીવનનો શો અર્થ? જેમણે અંગત સ્વાર્થ છોડી માનવકલ્યાણ માટે અહોરાત્ર અખંડ પરિશ્રમ કરવામાં જ જીવનની ઇતિશ્રી માની છે તેઓ જ સમાજને અને સ્વયંને આગળ વધારી શક્યા છે

— ભગિની નિવેદિતા

લંડનને અડીને પથરાયેલા ગાઢ જંગલમાં પહાડના ઢોળાવ પાસે એક મકાન હતું. 1895માં ત્યાં એક ભારતીય સંન્યાસી થોડો વખત રહ્યા હતા. ભક્તોનાં નાનાં જૂથ જતાં-આવતાં. ધર્મવાર્તા થતી. સંન્યાસી કોઈ કોઈને દીક્ષા પણ આપતા. લેન્ડઝ બર્ગ અને મેરી લૂઈ કૃપાનંદ અને અભયાનંદ બન્યા હતાં. આ યુવાન સંન્યાસીનું નામ સ્વામી વિવેકાનંદ.

ભગિની નિવેદિતા

એ વખતે લંડનમાં એક યુવતી રહેતી. સેવાભાવી પાદરી પિતાને દસેક વર્ષની વયે ગુમાવી બેઠેલી, નાનાં ભાઈબહેનોનાં ભણતર માટે વહેલી વયથી કમાવા લાગેલી, હૃદયભંગ પછી પણ અંદરનું તેજ અકબંધ રાખી શકેલી આ યુવતી નાનાં બાળકો માટે સુંદર શાળા ચલાવતી. એનું વતન આયર્લેન્ડ પણ બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે જંગે ચડ્યું હતું એટલે ભારત માટે એના મનમાં સહાનુભૂતિ હતી. એનું નામ માર્ગરેટ એલિઝાબેથ નોબેલ. 25 માર્ચ 1898ના દિવસે સ્વામી વિવેકાનંદે આ માર્ગરેટ નોબેલને દીક્ષા આપી ‘નિવેદિતા’ નામ આપ્યું હતું. યાદ કરીએ ભગિની નિવેદિતા અને એમના ગુરુ સ્વામી વિવેકાનંદને.

બારમી સદીના સેંટ ફ્રાન્સિસ અને સેંટ ક્લેર, મધ્યયુગના સંત દેવીદાસ અને અમરબાઈની જેમ 19-20મી સદીમાં સ્વામી વિવેકાનંદ-ભગિની નિવેદિતા અને મીરાંબહેન-મહાત્મા ગાંધી જેવી ગુરુ-શિષ્યાઓની અદ્દભુત જોડીઓ લોકહૃદયમાં હંમેશ માટે જડાઈ ગઈ છે. આ ગુરુઓની કૃપા અને શિષ્યાઓની શ્રદ્ધા વિષે વિચારતાં માથું નમે, પણ એમના જીવનનો અને સાધનાનો પંથ એટલો સરલસુગમ હોતો નથી. સ્વામી વિવેકાનંદ અને સિસ્ટર નિવેદિતા વચ્ચે ઉંમરમાં પાંચ જ વર્ષનો તફાવત હતો. બંને અસામાન્ય પણ સ્ત્રીપુરુષ તો હતાં. એમનો માર્ગ સેવસાધનાનો, આધ્યાત્મિક હતો; પણ બંને મનુષ્યો તો હતાં. કેવા રહ્યાં હશે એમની વચ્ચેનાં સમીકરણો? સિસ્ટર નિવેદિતાએ લખેલું ‘ધ માસ્ટર એઝ આઈ સો હિમ’ અને રેબા સોમે સિસ્ટર નિવેદિતા પર લખેલું ‘માર્ગોટ-સિસ્ટર નિવેદિતા ઑફ સ્વામી વિવેકાનંદ’ પુસ્તકો આ સંદર્ભે વાંચવા જેવાં.

નવેમ્બર મહિનાની એક ઠંડી સાંજે માર્ગરેટે પહેલી વાર સ્વામી વિવેકાનંદને જોયા-સાંભળ્યા. ફાયરપ્લેસમાં બળતાં લાકડાં તરફ પીઠ કરીને તેઓ બેઠા હતા. કમરબંધવાળો મરુન ઝભ્ભો, ટટ્ટાર કરોડરજ્જુ, ભરેલો સ્વચ્છ ચહેરો, મોટી આંખોમાં દિવ્ય તેજ. વચ્ચે વચ્ચે ‘શિવ!’ શબ્દથી વિરામ લેતી અસ્ખલિત વાક્ધારા. પૂર્વ અને પશ્ચિમના સમન્વય વિષે તેઓ બોલતા હતા. વ્યાખ્યાન પૂરું થયે માર્ગરેટને થયું, લોકો આ સંન્યાસી પાછળ કેમ ગાંડા થયા હશે? મને તો કોઈ નવું સત્ય લાધ્યું નહીં.

પણ ઘેર આવીને તેને થયું કે અપરિચિત સંસ્કૃતિમાંથી આવતી એક નવી વ્યક્તિ માટે એક જ વારમાં અભિપ્રાય બાંધવો એમાં ઉતાવળ, અવિવેક અને અન્યાય છે. એમણે એક જ કલાકમાં અનેક દિશાઓને સ્પર્શ કર્યો હતો એ પણ સત્ય હતું. બીજા રવિવારે એ વ્યાખ્યાનમાં હાજર હતી. આ વખતે પણ અનેક ‘જો’ અને ‘તો’એ એને પજવી, પણ હવે ઉપેક્ષા કરવાનું સંભવ રહ્યું નહીં.

માર્ગરેટે પોતાના સંશયો વ્યક્ત કરતો પત્ર લખ્યો. આશ્ચર્ય વચ્ચે જવાબ પણ આવ્યો, ‘પવિત્રતા, ધૈર્ય અને દૃઢ નિશ્ચયથી સંશય દૂર થાય છે. સ્નેહાશિષ, સ્વામી વિવેકાનંદ.’ પછી તો માર્ગરેટ સ્વામીજીનાં ભક્ત બની ગયાં. 1896માં સ્વામીજીએ હિંદુ ધર્મના વર્ગો શરૂ કર્યા, તેમાં જોડાયાં. સ્વામીજીએ લંડન છોડ્યું ત્યાં સુધીમાં માર્ગરેટે એમણે ‘માસ્ટર’ એટલે કે ગુરુ કહીને સંબોધવા માંડ્યા હતા. સ્વામીજીનો પોતાના દેશવાસીઓ પ્રત્યેનો પ્રેમ જોઈ માર્ગરેટ મુગ્ધ થયાં અને સેવાનો જે અખંડ યજ્ઞ તેમણે શરૂ કર્યો હતો તેમાં પોતાની જિંદગીનું સમિધ હોમવાનો નિર્ણય કર્યો. સ્વામીજી તેમણે ઇંગ્લેંડમાં રહીને જ સેવા કરવાનું સૂચવ્યું.

ભારત આવ્યા બાદ સ્વામીજીએ બેલુર મઠની સ્થાપના કરી. લોકોમાં પુષ્કળ નિરક્ષરતા વ્યાપેલી જોઈ તેઓ વ્યથિત હતા. તેમને થયું, સ્ત્રીઓને પહેલી કેળવવી જોઈશે. મા શિક્ષિત થાય તો સંતાનો કુસંસ્કારમુક્ત, નિર્ભય, યોગ્ય માનવ બને પણ એ માટે સ્ત્રીઓ વચ્ચે રહીને કામ કરે એવી સ્ત્રી જોઈએ. તેમને માર્ગરેટ યાદ આવતી. માર્ગરેટ ભારત આવવા આતુર પણ હતી, પણ એને દૂર દેશમાં, જુદી સંસ્કૃતિમાં, ગરમ આબોહવા અને અસ્વચ્છતા વચ્ચે લાવવામાં સ્વામીજીને સંકોચ થતો હતો. છેવટે માર્ગરેટની વધતી આતુરતા જોઈ 1898માં એમણે તેને ભારત આવવાની અનુમતિ આપી અને પોતે કોલકાતા બંદર પર એને લેવા પણ ગયા. માર્ગરેટે કૉલકાતાના બેલૂરના એક મકાનમાં રહેવાનું શરૂ કર્યું. બંગાળી શીખ્યા. સ્વામીજી સાથે અલમોડા, અમરનાથ અને કાશ્મીરનો પ્રવાસ કર્યો. ભારતનાં ધર્મ, ઇતિહાસ, રીતરિવાજો, સંસ્કૃતિ વિશે જાણકારી મેળવી. યોગ, ધ્યાન અને સમાધિ પણ શીખ્યાં. તેમને દીક્ષા આપતાં સ્વામીજી કહ્યું, ‘તમે ભારતમાં હંમેશ માટે રહેવા અને ભારતની પ્રજાના ઉત્કર્ષ માટે તન, મન અને પ્રાણ અર્પણ કરવા આવ્યાં છો. આજથી તમે નિવેદિતા છો – સિસ્ટર નિવેદિતા.’

સિસ્ટર નિવેદિતાએ બોઝપરા વિસ્તારમાં કન્યાઓ માટે પ્રાથમિક શાળા શરૂ કરી, ‘ભગિની નિવેદિતા ગર્લ્સ સ્કૂલ’. દીન-હીન સ્થિતિમાં સબડતી ભારતની સ્ત્રીઓ અને બાલિકાઓનાં શિક્ષણ અને ઉત્કર્ષ માટે તેમણે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી. બાલવિધવાઓ, ત્યક્તાઓ, મોટી ઉંમરની સ્ત્રીઓ પણ આશ્વાસન, સહાય અને જ્ઞાન મેળવવા આવતી. એમાંથી જ ‘બહેનોના ઘર’ની યોજના જન્મ પામી. તેમાં શિક્ષણ, ચિત્રકામ, સીવણવર્ગ ચાલતા અને વિધવાઓનું જીવન પ્રવૃત્તિમય રહે, આવક વધે, જ્ઞાન મળે એવી યોજનાઓ થતી રહેતી. શાળાની આર્થિક મુશ્કેલીમાં તેમણે યુરોપ-અમેરિકાના પ્રવાસે જઈ ફંડ પણ એકઠું કર્યું.

એમનો સંકલ્પ એટલો પ્રબળ હતો કે તેઓ ઘેર ઘેર જઈ કન્યાશિક્ષણનું મહત્ત્વ સમજાવતા અને દીકરીઓને ભણાવવા અનુરોધ કરતાં. પોતાની શાળામાં દેશપ્રેમના સંસ્કાર આપતાં, ‘મંદિરમાં જઈ ઘંટ વગાડવાને બદલે કોઈ પ્રાંગણમાં રાષ્ટ્રચિંતન કરીએ. યજ્ઞકુંડો અને હવનશાળાઓ બનાવવાને બદલે વિશ્વવિદ્યાલય અને પ્રયોગશાળાઓ બનાવીએ. ગુરુઓની પૂજા કરવાને બદલે ભારતમાતાની પૂજા કરીએ. માળા જપતા બેસવાને બદલે સમાજના અભાવગ્રસ્ત લોકોને સગવડો અપાવીએ.’ એમની શાળામાં પ્રાર્થના સાથે ‘વંદે માતરમ્‌’ પણ ગવાતું.

તેજસ્વી વ્યક્તિત્વો વચ્ચે ઘર્ષણ પણ થતું. નિવેદિતાનો સ્વભાવ વિદ્રોહી હતો. ખૂબ પ્રશ્નો અને ચર્ચાઓ કરે. સ્વામીજી પણ કદીકદી કઠોર થઈ જાય. કદાચ આ સમર્પિત છતાં સ્વતંત્રમિજાજી અને બુદ્ધિમાન શિષ્યા સાથે થોડું અંતર રાખવું સ્વામીજીને જરૂરી લાગતું હશે. પછીથી નિવેદિતાને એ પ્રતીતિ થઈ કે મહાપુરુષો શિષ્યોમાં રહેલા અહંકારને ઓગાળવા માટે અને એના વ્યક્તિનિષ્ઠ મનને વ્યક્તિનિરપેક્ષ બનાવવા માટે કેટલીક વાર કઠોર થતા હોય છે. રોમાં રોલાંએ લખ્યું છે, ‘સ્વામીજીની કઠોરતા એ નિવેદિતાની ભક્તિપૂર્ણ આસક્તિનો પોતાની રીતનો પ્રતિકાર હતો.’

ભગિની નિવેદિતાએ આપેલાં ભાષણોમાં આલ્બર્ટ હૉલમાં અપાયેલું ‘કાલી’ વિશેનું અને કાલિઘાટ મંદિરમાં અપાયેલું ‘કાલીપૂજા’ વિશેનું ભાષણ નોંધપાત્ર છે. તેમણે ‘કાલી ધ મધર’ પુસ્તક પણ લખ્યું હતું. રામકૃષ્ણ પરમહંસનાં પત્ની મા શરદામણિદેવી સાથે એમનો નિકટનો સંબંધ હતો. અરવિંદ ઘોષ, ગોપાલકૃષ્ણ ગોખલે, રવીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, જગદીશચંદ્ર બોઝ વગેરે સાથે તેમને સારા સંબંધો હતા.

પ્લેગ પૂર, દુકાળ જેવી આફતોમાં અવિરત શ્રમ લઈ સેવાકાર્ય કરવા સાથે બંગભંગની લડતમાં અને સ્વદેશીની ચળવળમાં તેઓ સક્રિય હતાં. કૉલકાતાનાં કલાકેન્દ્રોમાં, સભાસ્થાનોમાં, શિક્ષણસંસ્થાઓમાં, સાધનામંદિરોમાં કે પછી ગંદી ગલીઓમાં ને મજૂરોનાં ઝૂંપડાંમાં સર્વત્ર તેમનું સ્થાન ને માન હતાં. તેમણે ‘માસ્ટર ઍઝ આઈ સૉ હિમ’, ‘ધ વેબ ઑફ ઇન્ડિયન લાઇફ’, ‘ક્રેડલ સૉંગ્ઝ ઑફ હિન્દુઇઝમ’ સહિત અગિયારેક પુસ્તકો લખ્યાં હતાં. 1911માં માત્ર 43 વર્ષની ઉંમરે એમણે પાર્થિવ દેહ ત્યજ્યો.

‘આદર્શમય જીવન મહાન હોય છે. પ્રકાશ ન પ્રગટે તો જીવનનો શો અર્થ? જેમણે અંગત સ્વાર્થ છોડી માનવકલ્યાણ માટે અહોરાત્ર અખંડ પરિશ્રમ કરવામાં જ જીવનની ઇતિશ્રી માની છે તેઓ જ સમાજને અને સ્વયંને આગળ વધારી શક્યા છે.’ એમના આ શબ્દોમાં જીવનભરનું ભાથું બની શકવાનું સામર્થ્ય છે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 24 માર્ચ  2024

Loading

રેગિંગનું દૂષણ કેમ ડામી શકાતું નથી?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 July 2024

ચંદુ મહેરિયા

૨૦૨૪-૨૫ના નવા શૈક્ષણિક વરસની શરૂઆત થઈ ગઈ છે. કોલેજો, યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણની અન્ય સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા પછી સત્ર શરૂ થતાં જ રેગિંગના સમાચારો પણ આવવા માંડશે. રેગિંગ આમ તો ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશતાં નવાં વિદ્યાર્થીઓને જૂના વિદ્યા ર્થઓ દ્વારા આવકારવાની પ્રથા છે, પરંતુ આવકારની તેમની રીત પરપીડાથી ક્રૂર આનંદ મેળવવાની છે. રેગિંગને કારણે નવા દાખલ થતા વિદ્યાર્થીઓના મનમાં માનસિક ડર, ભય  અને આશંકા જન્મે છે. તેમણે શારીરિક ઈજા, પરેશાની અને હેરાનગતિ સહન કરવી પડે છે. ઘણા વિદ્યાર્થીઓના મનમાંથી રેગિંગનો ડર જીવનભર જતો નથી. ક્યારેક તેમને અભ્યાસ છોડી દેવો પડે છે. ઘણીવાર રેગિંગને કારણે થતી સતામણી એ હદની હોય છે કે ભોગ બનેલ ગંભીર ઈજા કે મૃત્યુ પણ પામે છે. કેટલાક વિદ્યાર્થીઓ આત્મહત્યા પણ કરે છે. રેગિંગ એટલે તો સિનિયર્સ દ્વારા જુનિયર્સની થતી નિર્દોષ મજાક – મશ્કરી અને ધમાચકડી છે. પણ વાત ઈજા, મૃત્યુ અને આત્મહત્યા સુધી પહોંચતા હવે રેગિંગ કુખ્યાત પ્રથા બની ગઈ છે, કાયદેસર ગુનો છે અને માનવ અધિકારનું ગંભીર ઉલ્લંઘન છે.

રેગિંગ મૂળે તો પશ્ચિમની અવધારણા છે. યુરોપના દેશોની યુનિવર્સિટીઓમાં તે આરંભાઈને વિશ્વભરમાં પ્રસરી છે. ભારતમાં બ્રિટિશકાળમાં તે શરૂ થઈ હતી અને તેના મૂળિયાં એટલાં તો ઊંડા છે કે આખી દુનિયામાં રેગિંગનું સૌથી ખરાબ અને ક્રૂર સ્વરૂપ ભારતમાં જોવા મળે છે. જો માનવીની કલ્પનાને કોઈ સીમા ન હોય તો તેની વિકૃત કલ્પના જ્યારે સીમા કે મર્યાદાહીન બને, હાનિરહિત મનોરંજન કે હસી-મજાકનો રેગિંગનો ઉદ્દેશ અમાનવીય અને યાતનાપૂર્ણ બને, શાલીનતા, શિસ્ત અને નૈતિકતાને તડકે મૂકે ત્યારે તે કેટલું ભયાનક હોઈ શકે તેનો અનુભવ રેગિંગપીડિત ભારતીય યુવાઓને વરસોવરસ થાય છે.

કોલેજો અને યુનિવર્સિટીઓમાં જુનિયર્સને સિનિયર્સ દ્વારા માથામાં તેલ નાંખી વિચિત્ર હેરસ્ટાઈલ અને કાળા કે સફેદ વસ્ત્રો પહેરવા કહેવું, અશ્લીલ શબ્દો કે ફિલ્મી ડાયલોગ બોલાવવા, ગામઠી કે અન્ય વસ્ત્રો પહેરવા, પુરુષને સ્ત્રીના કે સ્ત્રીને પુરુષનાં વસ્ત્રો પહેરાવવા, સિનિયર્સને અપમાનજનક ભાષામાં બોલાવવા, જૂના વિદ્યાર્થીના કપડાં ધોવા, કપડાંને ઈસ્ત્રી કરવા, હોસ્ટેલના તેમના રૂમની સફાઈ કરવા, જર્નલ્સ કે એસાઈમેન્ટ લખવા કહેવું, ફિલ્મી કલાકારોની મિમિક્રી કરાવવી, જૂના ભજનો ગવડાવવા જેવા થોડા સહ્ય કે જુનિયર્સને અસહજ લાગે તેવાં કામો કરાવવામાં આવે છે અને બધા સાથે મળી આનંદ માણે છે. પરંતુ ઘણીવાર તેમાં મર્યાદા ભંગ થાય છે અને જુનિયર્સને શરાબ કે નશીલી ચીજોનું સેવન કરાવવામાં આવે છે , મારવામાં આવે છે અને અસહ્ય યાતના આપવામાં આવે છે ત્યારે રેગિંગનું સૌથી ભયાનક સ્વરૂપ સામે આવે છે.

તમિલનાડુના કોઈમ્બતુરની પી.એસ.જી. કોલેજ ઓફ ટેકનોલોજીના એન્જિનિયરીંગના આઠ સિનિયર્સે રેગિંગમાં એક જુનિયર્સ પાસે દારુ પીવા પૈસા માંગ્યા. પેલાએ ના આપ્યા તો તેને બેલ્ટ વડે સખત માર્યો. એનું માથું અસ્ત્રાથી મૂંડી નાંખ્યું, હોસ્ટેલના રૂમમાં તેને કલાકો સુધી ગોંધી રાખ્યો. પીડિત વિદ્યાર્થી માટે આ પીડા અસહ્ય હતી. એટલે તેણે પોલીસ ફરિયાદ કરી. રેગિંગ કરનારા છાત્રોએ માફી માંગી ભૂલ સ્વીકારી અને આવી ભૂલ ફરી ક્યારે ય નહીં કરવાનું વચન આપ્યું. નવેમ્બર-૨૦૨૩ના આ બનાવની મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ એન. વેંકટેશે આરોપી યુવાનોને કહ્યું કે જો ઈજનેરીનું ભણતા છાત્રો આવા ઘૃણિત કાર્યોમાં લિપ્ત હોય તો તમે અભણ રહોને, ભાઈ. તમારા ભણવાનો શું અર્થ છે.

ભારતીય દંડ સંહિતા અને કેટલાક રાજ્યોના રેગિંગ વિરોધી કાયદા પ્રમાણે આરોપી વિદ્યાર્થીઓને  સજા અને દંડ થઈ શકે છે. સર્વોચ્ચ અદાલતે માર્ગદર્શિકા ઘડી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને નિયમો બનાવ્યા છે. હજારો વિદ્યાર્થીઓ પર માઠી અસર કરનાર રેગિંગના દૂષણ અંગે પ્રવેશ ફોર્મમાં જ સ્પષ્ટતા કરવા સુપ્રીમે જણાવ્યું છે. રેગિંગમાં ન જોડાવા વિદ્યાર્થી અને વાલી પાસે લેખિત ખાતરી પણ માંગવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણની તમામ સંસ્થાઓને તેના વડાના અધ્યક્ષસ્થાને એન્ટી રેગિંગ કમિટી બનાવવી ફરજિયાત છે. તેમાં જૂના-નવા વિદ્યાર્થી, વાલી, સંસ્થાના શૈક્ષણિક, બિનશૈક્ષણિક સ્ટાફના પ્રતિનિધિઓ સભ્યો હોય છે. રેગિંગ સંસ્થાની પ્રતિષ્ઠાને ખરડે છે અને તેની છાપ બગડે છે તેથી સંસ્થાઓ પણ રેગિંગ અટકાવવા માટે પૂરતા સાવચેતીના પગલાં લે તે જરૂરી છે.

કેન્દ્ર સરકારનો પ્રિવેન્શન ઓફ રેગિંગ એકટ , ૧૯૯૭ અને તેમાં સુધારા, અડધો ડઝન રાજ્ય સરકારોના કાયદા અને ૨૦૦૧માં સુપ્રીમ કોર્ટે રેગિંગ પર મૂકેલ પ્રતિબંધ છતાં આ દૂષણને ડામી શકાયું નથી. કેનેડા અને જાપાનમાં રેગિંગ સંપૂર્ણ પણે બંધ થઈ ગયું છે. દુનિયાના ઘણા દેશોમાં પણ તે હયાત નથી. પરંતુ ભારત અને શ્રીલંકામાં આજે ય રેગિંગ તેના ભયાનક રૂપે યથાવત છે. માર્ગદર્શિકાઓ અને કાયદા છતાં તે અટક્યું નથી. ઉચ્ચ શિક્ષણની મેડિકલ અને એન્જિનિયરીંગ કોલેજોમાં તે સવિશેષ જોવા મળે છે.

છત્તીસગઢમાં ૫ વરસની, ત્રિપુરામાં ૪ વરસની, કેરળ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના કાયદામાં ૨ વરસની  કેદ અને રૂ.૧૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ ના દંડની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં રેગિંગ વિરોધી કાયદો તો ઘડાયો નથી, પરંતુ તે અંગેની ગાઈડલાઈનમાં ૨ વરસની કેદ અને ૧૦ હજારના દંડની જોગવાઈ છે. ગુજરાતની ગાઈડલાઈનમાં રેગિંગનો ભોગ બનનાર જો ફરિયાદ ન કરે તો તેની સામે કાર્યવાહી કરવાની વિચિત્ર જોગવાઈ પણ છે. ગયા વરસે અમદાવાદના મણિનગર વિસ્તારની નરેન્દ્ર મોદી ડેન્ટલ કોલેજમાં રેગિંગની ઘટના બની હતી. તેમાં ચાર સિનિયર ડોકટર્સે ચાર જુનિયર ડોકટરોનું રેગિંગ કર્યું હતું. આઘાતજનક બાબત એ છે કે ભોગ બનનારા અને સતામણી કરનારામાં મહિલાઓ સામેલ હતી!

દેશની સૌથી પ્રખ્યાત અને શિસ્તમાં ટોચે ગણાતી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગ થાય છે. દેશનો કોઈ ખૂણો કે રાજ્ય રેગિંગના દૂષણથી મુક્ત નથી. એટલે તેને અટકાવવા માટેના માત્ર કાયદાકીય પગલાં જ પર્યાપ્ત નહીં બને. વિદ્યાર્થીઓ,  તેમાં પણ તબીબી-ઈજનેરી શાખાના વિદ્યાર્થીઓ, કેમ આવું વર્તન કરે છે તેના સાચા કારણો શોધવાની જરૂર છે. રેગિંગમાં સંડોવાયેલા પર પ્રવેશથી પરીક્ષા સુધીના પ્રતિબંધના પગલાં કારગર નીવડ્યાં નથી. રેગિંગમાં સિનિયર્સની હક – અધિકાર કે સત્તાની ભાવના કે નવા પર ધાક જમાવવાની અને પ્રભુત્વ સ્થાપિત કરવાની ભાવના કઈ રીતે દૂર કરી શકાય તે વિચારવું રહ્યું. ભોગ બનેલ નવો વિદ્યાર્થી  પછીના વરસોમાં રેગિંગથી દૂર રહેવાને બદલે વધુ ક્રૂર રેગિંગ ટાસ્ક આપતો હોય તો તેમાં પ્રતિશોધ કે બદલાની ભાવના છે. તેનો હલ શોધવાનો છે. પરપીડાના આનંદ અને સંતોષની લાગણી, ભીડનો ભાગ બની જવાની વૃત્તિ કે જો આ બધામાં ભાગ નહીં લે તો એકલા પડી જવાનો ડર પણ રેગિંગ માટે જવાબદાર હોય છે. આખરે આ દેશનો યુવાન કેમ અશિસ્ત્ભર્યું, ઉગ્ર અને છાટકું વર્તન કરે છે તે શોધી શકાય તો તેને ડામવાના માર્ગો હાથ લાગે. આ થોડાક બદમાશ કે તોફાની વિદ્યાર્થીઓનું કૃત્ય હોય છે અને તેમાં બહુમતી વિદ્યાર્થીઓ સામેલ હોતા નથી તેવો આત્મસંતોષ લેવાને બદલે એકાદ વિદ્યાર્થી પણ કેમ આવું વિચારે છે તે દૃષ્ટિએ વિચારીને ઉપાય શોધી શકાશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

શિક્ષણની અંતિમવિધિનો યશ શિક્ષણ વિભાગને જ ઘટે છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 July 2024

રવીન્દ્ર પારેખ

સૌથી વધારે અખતરા શિક્ષણ વિભાગ શિક્ષણમાં કરે છે, પરિણામે ખતરા વધે છે ને વિદ્યાર્થીઓની અનિશ્ચિતતા પણ વધતી જ રહે છે. એવા દિવસો બહુ ઓછા જાય છે, જ્યારે કોઈ ફતવા બહાર ન પડ્યા હોય. 42,000 કાયમી શિક્ષકોની ઘટનો આંકડો હવે વધે નહીં એવું એટલે લાગે છે કે 24,700 શિક્ષકોની ભરતીના સમાચાર સરકારે આપ્યા છે. આ સમાચારથી એમ લાગ્યું છે કે મોડે મોડે પણ સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરવાને મામલે ગંભીર થઈ છે, પણ 9 જુલાઇના છાપાંએ વધામણી ખાધી કે કોમ્પ્યુટર, વ્યાયામ અને ચિત્ર શિક્ષકોની ભરતી કરવા અંગે ગાંધીનગરનાં જૂના સચિવાલય પાસે ઉમેદવારો ભેગા થયા તો પોલીસે દરમિયાનગીરી કરીને તેમને વિખેરવા પડ્યા. આ આંદોલનકારીઓનું કહેવું છે કે રાજ્ય સરકારે કાયમી શિક્ષકોની ભરતીનું જે કેલેન્ડર જાહેર કર્યું એમાં અન્ય વિષયના શિક્ષકોની ભરતીની વાત છે, પણ કોમ્પ્યુટર, વ્યાયામ કે ચિત્ર શિક્ષકોની ભરતીની વાત નથી. સરકારે વર્ષોથી કોમ્પ્યુટર શિક્ષણની જાહેરાત કરી છે, ડિજિટલ ઇન્ડિયાનો ઢંઢેરો પણ પીટ્યો છે ને વર્ષોથી કોમ્પ્યુટર લેબમાં શિક્ષકો વગર જ એ વિષય ભણાવાય છે, તેની પરીક્ષાઓ લેવાય છે ને વિદ્યાર્થીઓ પાસ પણ થાય છે, પણ હકીકત એ છે કે બાર વર્ષથી કેટલી ય સ્કૂલોમાં કોમ્પ્યુટરો ધૂળ ખાય છે કે તેનો ઉપયોગ બીજા જ કરે છે.

એવું જ વ્યાયામનું છે. એક ઉમેદવારના જણાવ્યા મુજબ વ્યાયામની સૌથી વધુ જરૂર પ્રાથમિકના બાળકોને હોય છે, પણ છેલ્લાં 17 વર્ષથી પ્રાથમિકમાંથી વ્યાયામનો વિષય જ કાઢી નાખવામાં આવ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે વ્યાયામ શિક્ષકોની પરીક્ષાઓ લેવાય છે, પણ વ્યાયામ શિક્ષકોની ભરતી થતી નથી. એ જ રીતે ચિત્ર શિક્ષકોની ભરતી પંદર વર્ષથી અટકી છે. રાજ્ય કલા શિક્ષક સંઘ દ્વારા વર્ષોથી રજૂઆત થાય છે, પણ ભરતીનું ઠેકાણું પડતું નથી. એ જ હાલત સંગીત શિક્ષકોની ભરતીની પણ છે. જે વિષયોમાંથી સર્જનાત્મકતા વિકસે એવા વિષયો હાંસિયામાં ધકેલી દેવાય ને જે તે વિષયની ટેટ-ટાટની પરીક્ષાઓ પાસ કરી હોય એવા ઉમેદવારોની વર્ષોથી ભરતી જ ન થાય એ શરમજનક છે. જો કે, સરકારને એનો કોઈ હરખશોક નથી. એ તો એની રીતે જ વર્તે છે. જતે દિવસે શિક્ષકો વગર જ સ્કૂલો ચાલે ને બધા એકલવ્યો જ પાકે એ દિશામાં સરકાર પ્રવૃત્ત છે. ભણતર વગર પણ મંત્રી થઈ શકતા હોય તો ભણીને કે ભણાવીને શું કરવું છે એવું કદાચ સરકારના મનમાં હોય તો ખબર નથી. ભણીને સામે શિંગડાં કરતાં થાય એનાં કરતાં અભણ રહે તો છાનાં તો રહે ! એ અત્યંત દુ:ખદ છે કે સરકાર જ શિક્ષણની અંતિમવિધિ કરવા મથી રહી છે.

સરકારે સૌથી વધુ દાટ વાળ્યો હોય તો પ્રાથમિક શિક્ષણનો, તે એટલે કે સરકારને શિક્ષણ કર જોઈએ છે, પણ શિક્ષણનો ભાર જોઈતો નથી. કદાચ ભાર વગરનાં શિક્ષણમાં માને છે એટલે હશે ! સરકારે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ચાલુ કરી છે. એમાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ જો સ્કૂલ ઓફ એક્સલન્સમાં એડમિશન મેળવે તો તેને 6થી 10 ધોરણ સુધી દર વર્ષે 20,000 રૂપિયાની સ્કોલરશિપ મળે. એટલે કે પ્રાથમિકમાં ભણતો હોય તે વિદ્યાર્થી જો કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં મેરિટમાં આવે તો તેણે સરકારે જે ખાનગી શાળાઓને સ્કૂલ ઓફ એકસેલેન્સ જાહેર કરી છે, તેમાં એડમિશન લેવું પડે. બીજા શબ્દોમાં તેણે પ્રાથમિક શાળા છોડવી પડે, ન છોડે ને પ્રાથમિકમાં જ રહે ને મેરિટમાં આવ્યો હોય તો તેને 20,000ને બદલે 5,000ની જ સ્કોલરશિપ મળે.

સ્કોલરશિપની આખી યોજના જ ખાનગી સ્કૂલોને ઉત્તેજન આપવા ને પ્રાથમિકને અવગણવા થઈ હોય એવું નથી લાગતું? એવું ન હોત તો સ્કોલરશિપમાં ભેદ રખાયો ન હોત. જો પરીક્ષામાં ભેદ નથી, મેરિટમાં કોઈ કન્સેશન નથી, તો સ્કોલરશિપમાં આટલો મોટો તફાવત કેમ? તે એટલે કે 20.000 મેળવવા પ્રાથમિક સ્કૂલ છોડવા વિદ્યાર્થી લાચાર બને? આ બરાબર છે? સ્કૂલની ફી ને બીજા ખર્ચ વાલી ન કરી શકે તો વધારે સ્કોલરશિપ મેળવવા વિદ્યાર્થીએ ન પરવડતું હોય તો પણ ખાનગીમાં પ્રવેશ લેવાનો? ગાંધીનગરના એક અધિકારીનું કહેવું છે કે ખાનગીમાં ન જવું હોય તો કોઈ દબાણ નથી. કબૂલ, પણ ખાનગીમાં ન જાય તો સ્કોલરશિપ તો ઘટવી ન જોઈએને ! એક જ પરીક્ષાની સ્કોલરશિપ ખાનગીમાં 20,000 ને સરકારીમાં 5,000, એવું તો ન હોયને? ખાનગીનો એક વિદ્યાર્થી મેરિટમાં આવે ને બીજો પણ મેરિટમાં એનાથી આગળ હોય, પણ તે ખાનગીમાં ન જાય તો સ્કોલરશિપ સીધી પંદર હજાર ઘટી જાય ને તે 6, 7 અને 8માં ઘટેલા ભાવે જ મળે, એ કેવું? પ્રાઈમરીનો એ જ વિદ્યાર્થી  હાઇસ્કૂલમાં ધોરણ 9-10માં ભણે તો ભાવ એ જ ચાલુ રહેતાં બીજા બે વર્ષ તેણે 30,000ની ખોટ ખાવાની? આમ 6 થી 10 સુધીમાં તેણે વધુ યોગ્યતા છતાં, માત્ર પ્રાથમિકમાં હોવાને કારણે 75,000ની ખોટ ખાવાની? આ અન્યાયકર્તા છે. એક ગરીબ વિદ્યાર્થીને તેના કોઈ વાંક વગર આટલી ખોટમાં નાખવામાં માણસાઈ છે? અહીં પ્રશ્ન એ થાય કે સરકારને ખાનગીની આટલી તરફેણ કરવાનું કારણ શું છે? કારણ એક જ, ખાનગીને ઉત્તેજન આપવું ને સરકારી સ્કૂલોનો મોહ ઘટાડવો. આમ થાય તો જતે દિવસે બધાં જ ખાનગી તરફ વળે ને સરકારી સ્કૂલો બંધ થતાં તેનો બોજ સરકારને માથેથી જાય. કોઈ નફાખોર વેપારી પણ ન વિચારે એવી યુક્તિ સ્કોલરશિપ કે ગ્રેડ સિસ્ટમને નામે શિક્ષણ વિભાગ વિચારે છે. આ કોઈ કાવાદાવાથી જરા ય ઓછું નથી.

પ્રાથમિકમાં આમે ય શિક્ષકોની ભરતી થતી નથી ને બીજી તરફ ખાનગી સ્કૂલોમાં યોગ્યતા વિનાના શિક્ષકો ભણાવે છે, ત્યારે ખાનગી સ્કૂલો ફી કલેક્શન સેન્ટરથી વિશેષ નથી જણાતી. એકલા અમદાવાદમાં જ 105 સ્કૂલો એવી છે, જેમાં 348 શિક્ષકો લાયકાત વગરના છે. એવું જ અન્ય શહેરોમાં ય હશે. ખાનગીમાં લાયકાત વગરના શિક્ષકો છે ને લાયકાતવાળા નોકરી વગર અટવાય છે, ત્યારે પ્રશ્ન થાય કે લાયકાત વગર જ બધે ચલાવવાનું છે? જો લાયકાત વગર જ ચલાવવાનું હોય તો નીટ-નેટ, ટેટ-ટાટ અને બીજી બધી પરીક્ષાઓ લેવાનો અર્થ છે? તે એટલે લેવાય છે કે એમાં પાસ થનારને નોકરી અપાઈ ન જાય ને એ આખો લૉટ નોકરી વગરનો જ રહે? બધો સર્વનાશ શિક્ષણમાં જ કેમ? નીટની પરીક્ષા સુપ્રીમ સુધી પહોંચી છે. સુપ્રીમે પણ કબૂલ્યું છે કે પેપર ફૂટ્યું છે. એક તરફ પરીક્ષાઓ લેવાયે જ જાય છે ને બીજી તરફ ચોરી કરાવવાના, પેપર ફોડવાના લાખો રૂપિયા પડાવાય છે. પરીક્ષાઓ દ્વારા ફી ઉઘરાવવાનો આશય તો પૂરો થાય છે, પણ તેની વિશ્વસનીયતા અંગે કોઈ ખાતરી ક્યાંયથી મળતી નથી. એમાં જે સિન્સિયર છે ને આત્મબળે પ્રમાણિકતાથી કૈં કરવા માંગે છે તેનો મરો થાય છે ને અપ્રમાણિક અમીરો કોઈ પણ ક્ષેત્રે આગળ વધી શકે છે.

રાજસ્થાનના એક વિધાયકે વિધાનસભામાં આક્રોશ સાથે બળાપો કાઢતા કહ્યું કે બિલ પાસ કરવાથી કૈં થવાનું નથી. પરીક્ષાનાં પેપરો ફોડવામાં કોચિંગ ક્લાસવાળાઓનો હાથ છે. એ લોકો ક્લાસમાં વધુ વિદ્યાર્થીઓ આવે એટલે પૈસા વેરીને પેપરો ફોડે છે ને એ પછી કલાસમાં વેચી-વહેંચીને 100 ટકા રિઝલ્ટ આવ્યાની જાહેરાતો છપાવે છે. એને લીધે વિદ્યાર્થીઓ મોંઘી ફી ભરીને કોચિંગ ક્લાસમાં જોડાય છે. આવું જ જાહેર પરીક્ષાઓના કોચિંગ કલાસોમાં પણ થાય છે ને એમ એ બધાનો ધંધો પૂર જોશમાં ચાલે છે. એ જ વિધાયકે આગળ એમ પણ કહ્યું કે સરકારી નોકરીઓ અમીરોને આપી દેવાઈ છે. આની તપાસ કરવામાં આવે તો અડધી નોકરીઓ ખોટી અપાઈ હોવાનું બહાર આવે એમ છે. આ સ્થિતિ રાજસ્થાનની જ છે એવું નથી. ગુજરાત પણ એમાં ક્યાં ય પાછળ નથી. ગોધરામાં નીટની પરીક્ષામાં પૈસા લઈને પાસ કરાવવાનું કૌભાંડ હજી ઉકલ્યું નથી. ગુજરાતમાં પણ કોચિંગ ક્લાસીસની તળિયા ઝાટક તપાસ થાય તો તેનાં ઊંચા પરિણામો કેવી રીતે આવે છે એનો પર્દાફાશ થાય એમ છે.

એક સમય હતો જ્યારે ખાનગી ટ્યૂશન હીણું ગણાતું. હવે એ જ ઉત્તમ ગણાય-ગણાવાય છે. સ્કૂલો ફી ભરવા માટે ને કોચિંગ ક્લાસીસ ભણવા માટે છે. સ્કૂલમાં શિક્ષક હોય કે નયે હોય, કોચિંગ ક્લાસમાં ભણાવનાર કોઈ તો છે ! આવી સ્થિતિ હોય ત્યાં કોચિંગ ક્લાસીસનો મહિમા વધે એમાં નવાઈ નથી. સુરતમાં જ બોગસ સ્ટડી સેન્ટરો ચાલે છે, જે વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીઓમાં પરીક્ષા આપવા લઈ જાય છે ને એનો કારોબાર નકલી ડિગ્રી સર્ટિફિકેટ આપવા સુધી વિસ્તરેલો છે. એક સાદું સીધું શિક્ષણ મેળવવાનું કેટલું ગૂંચવાડાવાળું ને પ્રદૂષિત થઈ ગયું છે તે આના પરથી સમજાય એવું છે. શિક્ષણ જેવી પવિત્ર બાબત માટે ચોમેર લુચ્ચાઈ, બદમાશી ને હરામખોરીનો જ મહિમા થઈ રહ્યો છે ને એમાં સરકાર પણ પાછળ નથી, ત્યારે ગરીબ ને હોંશિયાર વિદ્યાર્થી માટે સ્વબળે આગળ વધવાની ખાસ જગ્યા જ બચી નથી એ કેવી મોટી કરુણતા છે …

 000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 જુલાઈ 2024

Loading

...102030...504505506507...510520530...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved