Opinion Magazine
Number of visits: 9665002
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરમાણુ શસ્ત્ર સામેના અભિયાનને નોબલ શાંતિ પુરસ્કાર

કિરણ કાપુરે|Opinion - Opinion|9 November 2024

કિરણ કાપુરે

31 માર્ચ 1998ના દિવસે દેશના તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પર જાપાનથી એક પત્ર લખાય છે. આ પત્રમાં અરજ છે કે, ‘તમે 19 માર્ચના રોજ વડા પ્રધાન તરીકે શપથ લીધા અને એવી જાહેરાત કરી કે દેશની સુરક્ષા અર્થે આપણે પરમાણુ શસ્ત્રોને વિકલ્પ તરીકે જોઈશું. હિરોશીમા અને નાગાસાકીમાં અમે બચી જનારાઓ ભારતની નવી સુરક્ષા નીતિને લઈને નારાજગી વ્યક્ત કરીએ છીએ. અને પરમાણુ નીતિને પ્રોત્સાહનની નીતિને બદલવા અરજ કરીએ છે, જેથી ફરી વાર હિરોશીમા-નાગાસાકી ન થાય. એવું કહેવાય છે કે પાકિસ્તાનના કારણે ભારત પરમાણુ શસ્ત્રો માટે પ્રેરાયું. જો કે એમ પણ જાણવા મળ્યું છે કે અમેરિકા અને રશિયાના શસ્ત્રની હોડને ત્યજીને ભારત પરમાણુ શસ્ત્રોથી દૂર રહ્યું છે. હાલના તબક્કે વિશ્વમાં પરમાણુ શસ્ત્રોને ઓછા કરવાની નહીં બલકે નાબૂદ કરવાની માંગ છે. અમે તમારી સુરક્ષા નીતિનું ફરી મૂલ્યાંકન માટે વિનંતી કરીએ છીએ.’ 

આ પત્ર લખનારી સંસ્થા છે ‘જાપાન કન્ફડેરેશન ઓફ એ-એન્ડ એચ-બોમ્બ સફરર્સ ઓર્ગેનાઇઝેશન’. ગુજરાતીમાં તેનો અર્થ કરી શકાય જાપાનમાં પરમાણુ હુમલામાં બચી જનારાઓનું સંગઠન. આ સંસ્થા ‘નિહોન હિન્ડેક્યો’ના નામે ઓળખાય છે. જાપાની ભાષામાં આ સંસ્થાનું સંક્ષિપ્ત નામ ‘નિહોન હિન્ડેક્યો’ થાય છે. તેની સ્થાપના 1956માં થઈ હતી. આ સંસ્થા અત્યારે ચર્ચામાં છે; તેનું કારણ કે તેના સાત દાયકાના અવિરત શાંતિના પ્રયાસ અર્થે નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત થઈ છે.

દુનિયામાં જાપાન માત્ર એવો દેશ છે જેણે પ્રત્યક્ષ રીતે પરમાણુ શસ્ત્રોનું પરિણામ ભોગવ્યું અને તેથી જાપાનવાસીઓ એવું દૃઢપણે માને છે કે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ ફરી ક્યારે ય પૃથ્વી પર ન થવો જોઈએ. આ માટે જાપાનની સરકાર પણ પ્રતિબદ્ધ છે અને તે પછી જાપાને પોતાની સુરક્ષા નીતિનો ધરમૂળથી પરિવર્તન લાવી દીધું. આ તર્જ પર જ ‘નિહોન હિન્ડેક્યો’ સંગઠને છેલ્લા સાત દાયકાથી દુનિયાના તમામ પરમાણુ શસ્ત્રો મીટાવી દેવા માટે મુહિમ છેડી છે. આ મુહિમમાં તેઓએ જ્યાં જ્યાં પરમાણુ શસ્ત્રોની હોડ જોઈ કે કોઈ સરકારનું પરમાણુ શસ્ત્રો તૈયાર કરવાનું વલણ જોયું તો તે અટકાવવા માટે પ્રયાસ કર્યા. આ પ્રયાસ અત્યાર સુધી કારગર રહ્યા છે; કારણ કે તે પછી દુનિયામાં પરમાણુ શસ્ત્રો વધ્યા છે પરંતુ પરમાણુ હુમલાની પીડા ભોગવવાની કોઈને આવી નથી.

વિશ્વમાં પરમાણુ શસ્ત્ર વિરોધી અભિયાન જાપાન પર તેના ઉપયોગ પછી સતત આગળ વધતું રહ્યું છે. પણ તેના પર સતત કાર્યરત ‘નિહોન હિન્ડેક્યો’ રહ્યું છે. તેમણે અવારનવાર દુનિયાને યાદ અપાવ્યું કે પરમાણુ શસ્ત્રોથી માનવજાતે દૂર રહેવું જોઈએ. 2005માં આ સંસ્થા તરફથી આવો એક સંદેશ વિશ્વભરના લોકોને સંબંધીને લખાયો હતો. એ સંદેશામાં લખ્યું હતું કે, ‘હિરોશીમા અને નાગાસાકી એ કોઈ ઇતિહાસ નથી. આજે પણ તે વખત પ્રસરેલું રેડિએશન બચી જનારા લોકોને મારી રહ્યું છે. આપણે શાંતિ સ્થાપિત કરવા અને દુનિયાને પરમાણુ શસ્ત્રોથી મુક્ત જોવા ઇચ્છતા હોવા છતાં આજે પણ બદલો વાળવા માટે નફરતની ભાષા બોલાય છે, જેમાં ઘણાં દેશો પરમાણુ શસ્ત્રોના હુમલા કરવા સુધ્ધાની ધમકી આપે છે. જો આ રીતે બદલાવૃત્તિ વારંવાર જાહેર થાય ત્યારે પૃથ્વી પર મોજૂદ 30,000થી વધુ પરમાણુ શસ્ત્રો માનવીના વિનાશ તરફ લઈ જાય તેવી ભીતિ સતત રહેશે. આજના પૂર્વે ક્યારે ય પરમાણુ શસ્ત્રોની તુરંત નાબૂદની આવશ્યકતા વર્તાઈ નહોતી.’ આ પત્ર લાંબો છે પણ તેના સંદેશામાં અનેક આવી વાતો ટાંકવામાં આવી છે; જેના કારણે પરમાણુ શસ્ત્રોની તુરંત નાબૂદીની આવશ્યકતા સૌને જણાય. આ સંસ્થા તરફથી આ રીતે અવારનવાર પત્રો લખાય છે અને તેની અસર પણ જોવા મળી છે. સરકારોએ તે અંગે જવાબ આપવા પડ્યા છે અથવા તેમની વાત ધ્યાને લેવી પડી છે.

સાદકો સાસકી

પરમાણુ બોમ્બની ભયાનકતા અનેક રીતે મૂકી શકાય. સૌથી ભયાવહ રીતે તો માહિતી અને દૃશ્ય માધ્યમથી. આ માટે સંસ્થાએ જે સૌથી દાખલારૂપ કાર્ય કર્યું છે તે પરમાણુ હુમલાઓમાં ઘવાયેલા લોકોની જુબાની છે. આ જુબાનીમાં તેમની પીડા ઝળકે છે. આ હુમલામાં એક ઘવાનાર સાદકો સાસકી [Sadako Sasaki] હતી. હિરોશીમા પર જ્યારે પરમાણુ બોમ્બ નાંખવામાં આવ્યો ત્યારે સાદકો માત્ર બે વર્ષની હતી. આ હુમલામાં તે ઇજાગ્રસ્ત થઈ અને તે પછી તે એક દાયકા સુધી પીડા સાથે જીવીત રહી. હિરોશીમાં પર નંખાયેલા બોમ્બના ગ્રાઉન્ડ ઝીરો અંતરેથી તે માત્ર દોઢ કિલોમીટરના અંતરે હતી. સાદકો હુમલામાં બચી અને નાની-મોટી તકલીફો સાથે તે પછી દસ વર્ષ સુધી જીવી હતી. પરંતુ 1955માં તેને શરીર પર ગાંઠ થવા માંડી અને તેને દવાખાનામાં દાખલ કરી. તે પછી માત્ર એક વર્ષમાં તેનું અવસાન થયું. પરમાણુ હુમલામાં મૃત્યુ પામનારાઓમાં સાદકોને સ્મૃતિરૂપે યાદ કરવામાં આવે છે. 

તેરુમી તનકા

એ રીતે તેરુમી તનકા [Terumi Tanaka] જેઓ હાલ નોબલ સન્માનિત ‘નિહોન હિન્ડેક્યો’ સંસ્થાના પાયાના સભ્ય છે. નાગાસાકી શહેર પર બોમ્બ નાંખવામાં આવ્યો ત્યારે ગ્રાઉન્ડ ઝીરોથી સાડા ત્રણ કિલોમીટરના અંતરે તેઓ હતા. તેમની ઉંમર ત્યારે તેર વર્ષની હતી. તેરુમી તનકાએ પોતાના પરિવારના અનેક લોકોને ગુમાવ્યા. તેઓ પોતે પણ ઇજાગ્રસ્ત થયા, તેમ છતાં આજે પણ 92 વર્ષની ઉંમરે તેઓ સ્વસ્થ છે. તે પછી તેઓ અભ્યાસ પૂરો કરીને ‘ટોહુકો યુનિવર્સિટી’માં અધ્યાપક તરીકે જોડાયા. આ દરમિયાન તેઓ ‘નિહોન હિન્ડેક્યો’ સંસ્થા સાથે જોડાયા. દુનિયામાં જ્યારે જ્યારે પરમાણુ હુમલાનું જોખમ વધ્યું ત્યારે તેઓ પોતાનો અવાજ બુલંદ કરતા. તેમણે ઉત્તર કોરિયાએ પણ પરમાણુ પરીક્ષણ કર્યું તેનો વિરોધ જોરશોરથી કર્યો હતો. પરમાણુ હુમલામાં બચનારાઓનો અવાજ દુનિયાભરમાં પરમાણુ વિરોધમાં ગુંજ્યો તેમાં એક તેરુમી તનકા છે. અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 2016માં હિરોશીમાની મુલાકાત લીધી હતી ત્યારે ઓબામાએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, ‘આકાશમાંથી મૃત્યુ આવ્યું’. આ વાક્યનો તેરુમીએ વિરોધ કર્યો હતો. તેમણે આ વિશે માધ્યમોમાં કહ્યું હતું કે મોત આકાશમાંથી આવ્યું નહોતું બલકે અમેરિકાએ જાપાનીઓને ખતમ કરવા માટે હુમલો સઉદ્દેશ્યથી કર્યો હતો. ‘નિહોન હિન્ડેક્યો’ના બીજા મહત્ત્વના સભ્ય

તોશુયિકી મિમાકી

તોશુયિકી મિમાકી [Toshiyuki Mimaki] છે. તેઓ આ વિશે કહે છે કે, ‘આજે પણ દુનિયાભરમાં પરમાણુ હુમલામાં બચનારા 1,06,000 લોકો જીવી રહ્યા છે. તે પછી પણ ઘણા પરમાણુ પરિક્ષણ થયા અને તેમાંથી લોકોને તેની અસર થઈ તેઓ પણ પોતાને પરમાણુથી બચનારાઓ જ માને છે.’ જાપાનમાં આ રીતે પરમાણુથી બચનારાઓ માટે ‘હિબાકાશુ’ શબ્દનો ઉપયોગ થાય છે. ‘હિબાકાશુ’ લોકો દુનિયામાં કાયમી શાંતિ ઇચ્છે છે. તેઓનું માનવું છે કે દુનિયાભરના રાજકીય આગેવાનો શાંતિની અપીલ કરે છે અને શાંતિ ઇચ્છતા હોય તેમ પોતાના વક્તવ્યમાં સ્થાન આપે છે. પરંતુ જમીની સ્તરે વાત અલગ છે. રશિયા યુક્રેનના યુદ્ધમાં આજે યુરોપ અને અમેરિકા સામેલ છે. ઇઝરાયલ-પેલેસ્ટાઇનના સંઘર્ષમાં પણ અરબના ઘણાં દેશો પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સામેલ થયા છે. આ સંઘર્ષ સતત થઈ રહ્યા છે અને તે સંઘર્ષનું પરિણામ સૌકોઈ જાણે છે; તેમ છતાં યુદ્ધો અટકતા નથી. અને એટલે જ હિબાકાશુ પોતાની શાંતિની જ્યોત સતત જલાવીને રાખે છે, અને અવારનવાર તેવી શાંતિની અપીલ કરતા રહે છે.

આ ઉપરાંત ‘નિહોન હિન્ડેક્યો’ માહિતી દ્વારા પરમાણુની ભયાનકતા મૂકી છે. હિબાકાશુઓની આખરી અપીલ એ છે કે ફરી ક્યારે ય ‘હિબાકાશુ’ દુનિયામાં જોવા ન મળે. અને ક્યારે ય પરમાણુ યુદ્ધ ન થાય. આ ઉપરાંત તેમની કેટલીક માંગ છે. જેમ કે, ક્યારે પણ હિરોશીમા અને નાગાસાકીની ઘટના ન ભૂલાવી જોઈએ. તમારા નાગરિક આ વાતને સારી રીતે જાણે તે માટે પ્રચાર કરો. પરમાણુ શસ્ત્રો પર પૂર્ણ રૂપે પ્રતિબંધ આવે. પરમાણુ શસ્ત્રો ન નિર્માણ થાય તેવા કાયદા બને.

E.mail :  kirankapure@gmail.com

Loading

સબસે મહેંગી સૂરસગાઈ 

સોલી કાપડિયા|Opinion - Opinion|9 November 2024

સોલી કાપડિયા

વહેલી સવારમાં સંગીતનો જલસો હતો.

ઉસ્તાદ અમીર ખાઁ

શ્રોતાગણ પંડિતો અને નાયાબ સુનકારોથી છલોછલ! ઉદ્ઘોષક આવકારના બે શબ્દ બોલ્યા કે તરત જ કાળો ડગલો, સફેદ ચુરીદાર પહેરેલો અત્યંત હેન્ડસમ, ઊંચા કદનો કલાકાર સ્ટેજ ઉપર આવીને બિરાજમાન થાય છે અને ઑડીટોરિયમમાં અચાનક સોપો પડી જાય છે. એવી જબરદસ્ત પ્રતિભા હતી આ મહાન ગવૈયાની. મિત્રો, એ બીજું કોઈ નહીં પણ સૂર-સમ્રાટ ઉસ્તાદ અમીર ખાં સાહેબ હતા. થોડી જ ક્ષણોમાં પહેલો ‘સા’ શ્રોતાખંડમાં રેલાયો. સૂરની લગાવટ એવી મજબૂત હતી કે જાણે સમગ્ર શ્રોતાગણને સમાધિ લાગી ગયી હોય! તમે માનશો નહીં ખાં સાહેબે ‘સા’નું  વાતાવરણ લગભગ ૧૦ મિનિટ સુધી જમાવી રાખ્યું! ક્યારે સાંભળ્યું છે કે માત્ર એક સૂર ઉપર ટકીને આવો અદ્દભુત સમા બાંધી શકાય?!! અને પછી ખાં સાહેબ બોલ્યા : ‘અબ મૈં રાગ ભૈરવ પેશ કરુંગા.’ એટલે અમુક સુનકારો અને પંડિતો બોલી ઉઠ્યા :’ખાં સાબ, આપ કે પેહલે સૂર ને હી પૂરા પ્રોગ્રામ મુકમ્મલ કર લિયા હૈ!’  દોસ્તો, આ છે તાકાત એક સાચા સૂરની! એક સીધો સૂર મનુષ્યના હૃદયને પાર કરી જઈ દિવ્ય અનુભૂતિ કરાવી શકે છે જે હજારો તાન, ગમક કે મુરકી નથી કરી શકતા હોતા. હકીકતમાં આ બધાં આભૂષણો સ્વર-વિલાસ માટે છે જે મનોરંજન માટેનું એક મુખ્ય સાધન છે. આત્મ-તૃપ્તિ માટે આ સાધનની જરૂર નથી પડતી. એને માટે તો એક સૂર જ પુરતો છે !

આપણા સંગીતપટ ઉપર બે પ્રકારના ગાયકો-વાદકો હોય છે.

એક મોટો વર્ગ અસહ્ય તરવરાટ, ચંચળતા, મારફાડ તૈયારી અને ‘તોડી નાખું તબલા ને ફોડી નાખું પેટી’ વાળા ખુન્નસ સાથે ગાયન-વાદન કરનારાઓનો. ગુલાટી, કૂદકા, છલાંગો, લોંગ જંપ, હાઈ જંપ (જેમાં કોઈને જંપ ના હોય!), આડા, ઊભા, ત્રાંસા એમ દરેક પ્રકારના ખેલ ગૌરવભેર પેશ કરે! સ્ટેજ ઉપર લગભગ જિમ્નાસ્ટીક્સનો એક્રોબેટીક શો ચાલતો હોય એવી ફીલિંગ આવે અને આજુબાજુ બેઠેલા એના પ્રશંસકો અંદર અંદરજ દાદ ઉઘરાવી ઉઘરાવીને સ્ટેજ ઉપર ઠાલવતા નજરે પડે અને સુજ્ઞ શ્રોતાનો તો હસવાનો પાર નહીં! આમાં ગાયકનો કંઠ અને દિમાગનું સહિયારું ગણિત કામ કરે છે. હૃદયનું આમાં કોઈ કામ નથી. કહેવાનો મતલબ એ છે કે આવું ગાયન ગાયન મટીને એક આત્મા-વિહીન કસરત બની જાય છે. શાસ્ત્રીય-સંગીતની સ્વર-પ્રધાન પ્રણાલીમાં તો ઠીક પણ ભૂલે ચૂકે જો આવા કલાકારો સુગમ-સંગીત કે કોઈ પણ શબ્દ-પ્રધાન સંગીત રજૂ કરે તો આ બધી જગ્યાઓ અને હરકતોમાં બિચારા શબ્દની ચટણી થઇ જાય! શ્રોતા સુધી પહોંચે એ પહેલાં જ શબ્દ અસંખ્ય ટુકડાઓમાં તીતરભીતર થઇ સ્ટેજની શેતરંજી નીચે ક્યાંક ખૂણામાં પડ્યો હોય ..!! આમ હસવું આવે એવી વાત છે પણ મિત્રો, આ સમસ્યા અતિ ગંભીર છે. સૂર-પ્રધાન અને શબ્દ-પ્રધાન સંગીત વચ્ચેનો ભેદ જાણવો જ રહ્યો.

બીજી બાજુ ચૈનથી સૂર પકડી, એના ઉપર વ્યવસ્થિત ઠેરાવ કરી ગાનારાઓની સંખ્યા જૂજ છે અને અંતે એઓ એક સાચા શ્રોતાને ઊંડે સુધી અડકી શકે છે. પહેલો ‘સા’ લાગે ત્યારથી જ એક અદ્દભુત સમા બંધાય, વાતાવરણમાં એક અજીબોગરીબ કશિશ અને મુસલ્સલ સુકૂનનો માહોલ સર્જાય.

‘એક સીધા સૂર, હઝાર તાન મજબૂર‘ એવું વાક્ય સૂઝે છે. આ સૂરની વાતને લઈ બડે ગુલામ અલી ખાં સાહેબ જેવા આબાદ ફનકારને લતા મંગેશકરનાં વખાણ કરવા માટે ફરજ પડી હતી : ‘કમબખ્ત કભી ભી બેસૂરી નહીં હોતી!’

સૂરને હાસેલ કરવા કંઈ કેટલાં ય જન્મો લેવા પડે છે! સૂરનું સગપણ એ ગળથૂથીમાં હોય તો સધાય છે. સૂર એક એવો આશીર્વાદ છે જે જૂજ હસ્તીઓને જ પ્રાપ્ત થાય છે. જેને સૂર સિદ્ધ થાય એનો તો જન્મારો સફળ! પ્રસિદ્ધિ અને શાનો-શૌકત એને ત્યાં આજીવન નોકરી કરશે!

આ તો સંગીતના ‘સા’ની વાત થઇ. તમારા જીવનનો ‘સા’ કદી શોધવાનો પ્રયત્ન કર્યો છે? મળ્યો છે કોઈ સાચો મુકામ?

જો મળે તો પકડી રાખજો, મારા ભાઈ, 

કેમ કે ….. ‘સબસે  મહેંગી  સૂર–સગાઇ !

તિરકીટ ધા: 

કાર્યક્રમમાં એક ગાયક ખૂબ જોરદાર ગાતા હતા. દરેક ગીત પછી ત્રીજી હરોળમાં બેઠેલા એક શ્રોતા માથું ધુણાવે અને સાથે પોતાનો અંગૂઠો હલાવે. ગાયક વિમાસણમાં. મારું ગાયન પસંદ નથી આવતું કે શું?! આ બાજુ દરેક ગીત પછી ઓડિયન્સ તાલીઓનો વરસાદ વરસાવે! દુવિધામાં કાર્યક્રમ પૂરો કર્યો અને છેવટે ગાયકે પેલા શ્રોતા મિત્રને પૂછ્યું : સાહેબ, આ અંગૂઠો બતાવવાનું રહસ્ય શું છે? કાર્યક્રમ પસંદ ના આવ્યો? શ્રોતા : ‘અરે હોતું હશે, સાહેબ? અંગૂઠો હલાવીને હું એવું કહેવા માગતો હતો કે તમારા જેવું અદ્દભુત કોઈ ગાઈ જ ન શકે!’

e.mail : soli.kapadia@gmail.com

Loading

ગુજરાતીઓ અમેરિકા તરફ કેમ દોડી રહ્યા છે?

રમેશ સવાણી|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|9 November 2024

વડાપ્રધાન વિકાસના બણગાં ફૂંકતા કહે છે કે ‘ગુજરાતનો વિકાસ હાઇવે ઉપર દોડી રહ્યો છે !’

પરંતુ વાસ્તવિકતા જુદી છે. US CBP- Custom and Border Protection મુજબ 1 ઓકટોબર 2023થી 30 સપ્ટેબર 2024 દરમિયાન, એક વર્ષમાં, કુલ 96,917 ભારતીયો અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરતાં પકડાયા તેમાં ગુજરાતીઓ 45,000 હતા ! 2021ના ​​નાણાંકીય વર્ષમાં 30,662 અને 2022ના નાણાંકીય વર્ષમાં 63,927 ભારતીયો પકડાયા હતા. ચિંતાજનક બાબત એ છે કે દેશ છોડવાનું પ્રમાણ વધતું કેમ જાય છે? 

એક વર્ષમાં 45,000 ગુજરાતીઓ અમેરિકામાં ગેરકાયદેસર શા માટે ઘૂસતા હશે? શું તેમને ‘ગુજરાત મોડલ’માં ભરોસો નહીં હોય? સત્તાસ્વાર્થ માટે ગુજરાત મોડલનો પરપોટો ઊભો કર્યો અને મીડિયા દ્વારા તેને લોખંડી બનાવ્યો ! પરંતુ આ લોખંડી પરપોટાની આબરૂ ગુજરાતીઓએ લઈ લીધી છે. 

નકલી ‘ગુજરાત મોડલ’નું પરિણામ પણ નકલી હોય છે ! નકલી નોટો / નકલી ટોલનાકા / નકલી સિંચાઈ કચેરી / નકલી બેંક-બ્રાન્ચ / નકલી શાળાઓ / નકલી ડિગ્રીઓ / નકલી કોર્ટ / નકલી જજ – ટૂંકમાં નકલીનો વાઈરસ ખતરનાક બન્યો છે. 

સરકારી ચોપડે ચડેલા ‘નકલી’ ઉપર એક નજર કરીએ : 

 1. મયંક તિવારી / નકલી PM એડવાઇઝ

 2. કિરણ પટેલ / નકલી PMOનો વરિષ્ઠ અધિકારી 

 3. હિમાંશુ રાય / નકલી કસ્ટમ  

 4. પ્રકાશ નાયક / નકલી ડેપ્યુટી કલેકટર 

 5. હિતેશ્વરસિંહ મોરી / નકલી CBI  

 6. ભરત છબડા / નકલી IAS

 7. પ્રદુમન પટેલ / નકલી IB અધિકારી  

 8. તરુણ ભટ્ટ / નકલી CBI  

 9. સંદિપ રાજપુત / નકલી સિંચાઈ કચેરી 

 10. અમરશી પટેલ / નકલી ટોલનાકુ  

 11. મયૂર તડવી / નકલી PSI 

 12. લવકુશ ત્રિવેદી / નકલી CMO

 13. નિખીલ પટેલ / નકલી SI 

 14. ઓમવીરસિંહ / નકલી ED અધિકારી 

 15. ગુંજન કટારિયા / નકલી NIA અધિકારી

 16. હિરાલી કોરડિયા / નકલી કલેકટર

 17. પુષ્પરાજ રાય / નકલી CBI અધિકારી 

 18. નેહા પટેલ / નકલી કલેકટર 

 19. વિરાજ પટેલ / નકલી CMO 

 20. સંજય રાય / નકલી PMOના અધિકારી

 21. નિકુંજ પટેલ / નકલી CMOના અધિકારી

 22. સેમ્યુમ મોરીસ / નકલી જજ 

 23. પ્રવીણ સોલંકી / નકલી આર્મી કેપ્ટન   

ગુજરાત કાઁગ્રેસના પ્રવક્તા મનહર પટેલે 8 નવેમ્બર 2024ના રોજ સવાલો કરેલ છે કે દૃષ્ટિ કરો ત્યાં નકલી નકલી જ દેખાય છે, શું આ ‘નકલી ગુજરાત મોડલ’ની અસર તો નથી ને? શા માટે ગુજરાતના અશાસ્પદ વિદ્યાર્થીઓ અને વેપારીઓ સુરક્ષિત ભવિષ્ય ખાતર ગુજરાત છોડી રહ્યા છે? જો ‘ગુજરાત મોડલ’ સફળ હોય તો તેઓ માતૃભૂમિમાં કેમ રોકાતા નથી? શું ડબલ એન્જિન સરકાર ‘ગુજરાત મોડલ’ને ધરતી પર ઊતારી શકશે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...496497498499...510520530...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved