Opinion Magazine
Number of visits: 9557095
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નર્કાગારમાંથી અલકાપુરી

સુરેશ જાની|Opinion - Opinion|4 November 2024

‘अबे …. ! रास्ते पर ऐसे थूंक मत । पुलिस देख लेगी तो तगडा फाईन देना पडेगा । बोल, मैं पुलिसको हेल्प लाईन पर खबर दे दुं?’

બારી ખોલીને એક ટેક્સી ડ્રાઈવરે બાજુના ઓટો રીક્ષાવાળાને આમ કહ્યું.

શા માટે?

મધ્ય પ્રદેશમાં ઉદ્યોગ અને વેપાર વણજના સૌથી મોટા કેન્દ્ર એવા ઇન્દોરના રસ્તા પરનો આ સંવાદ એક અપવાદ રૂપ સંવાદ નથી. એ હવે રોજ બ રોજની ઘટના બની ગયો છે. ગંદકી કરનારની કાનપટ્ટી પોલિસ નહીં પણ, આમ ઠેર ઠેર લોકો જાતે પકડવા લાગ્યા છે. ૨૦૧૧માં ૩૭ લાખની વસ્તી ધરાવતા ઇન્દોરમાં છેલ્લા અઢાર મહિનામાં એક નાનકડી ક્રાન્તિએ જન્મ લીધો છે. માત્ર અઢાર જ મહિના પહેલાં ઇન્દોર ગંદા શહેરોના લિસ્ટમાં આગળ પડતું સ્થાન ધરાવતું હતું. આટલા ટૂંકા ગાળામાં દેશના બીજા બધા શહેરોને બાજુએ મુકીને સૌથી વધારે સ્વચ્છ શહેર તરીકે ઇન્દોરનો પુનર્જન્મ થયો છે. આજની તારીખમાં જો તમે ઇન્દોરની મુલાકાત લો, તો જાહેર રસ્તા પર તો શું ? નાની નાની ગલીઓમાં પણ ક્યાં ય કચરો, બણબણતી માખીઓ, રખડતા કૂતરા કે ગાયો જોવા નહીં મળે – જાણે કોઈ જાદુગરે ‘ઈલમ કી લકડી’ એની ઉપર ફેરવી દીધી છે.

મનીષ સિંઘ

કોણ છે એ જાદુગર? ૪૯ વર્ષની ઉમરના, ૨૦૦૯ની IAS બેચના, ઇન્દોરના કમિશ્નર મનીષ સિંઘે માત્ર અઢાર મહિનામાં એની કાયાપલટ કરી દીધી છે. તેઓ એક સબળ, અને કલ્પના સભર સામાજિક નેતા અને  કાબેલ અમલદાર સાબિત થયા છે. ૨૦૧૫માં તેમની નિમણૂંક આ પદ પર થઈ ત્યારથી જ તેમણે શહેરના ગંદા વિસ્તારોનું લિસ્ટ બનાવવા માંડ્યું હતું. થોડાક જ દિવસમાં એમની ડાયરીમાં ૧,૮૦૦ જગ્યાઓનાં નામ જમા થઈ ગયાં હતાં ! આ નર્કાગાર જોઈ સફાઈનો કોન્ટ્રાક્ટ ધરાવતી કમ્પની અને મ્યુનિસિપલ કોર્પોરેશના જવાબદાર અધિકારીઓ તરફ એમની રાતી ચોળ આંખ ફરવા લાગી. જાણે કે, ‘તાંડવ નૃત્ય કરતા શિવજી સાક્ષાત ઇન્દોરની ધરતી પર પ્રગટ થઈ ગયા ન હોય?’ – તેમ  બળબળતા ઉનાળામાં પણ કડકમાં કડક શબ્દોની વર્ષા એમની વાણીમાંથી પ્રગટવા લાગી. મનીષ સિંઘ ઇન્દોરના કચરા સામે યુદ્ધે ચઢી ગયા.

ઇન્દોરનાં મેયર માલિની લક્ષ્મણ સિંઘ ગૌડે એમને આપેલું પીઠબળ અને ઉત્તેજનનો ઉલ્લેખ ન કરીએ તો આપણે તેમને અન્યાય જ કર્યો કહેવાય. એ રાજકારણી બાઈ પણ નાગરિકોની  સ્વચ્છતાની સૂઝના અભાવ સામે રાણી લક્ષ્મીબાઈની જેમ રણે ચઢી છે ! ઇન્દોરનો સમાવેશ ભારતના સ્માર્ટ સિટીમાં થાય એ માટે તેમણે  ઇન્દોરના રહેવાસીઓને  એલાન આપ્યું છે.

મનીષ સિંઘે એમના આ યજ્ઞની શરૂઆત ઘેર ઘેરથી કચરો એકઠો કરવાની પદ્ધતિ અમલમાં મૂકીને કરી હતી. શહેરના રસ્તાઓ દિવસમાં ત્રણ વખત વાળવાની અને રોજ રાતે પાણીથી ધોવાની શરૂઆત પણ તેમણે કરાવી હતી. બીજી એક આશ્ચર્યજનક બાબત એ છે કે, તેમણે શહેરમાં ગોઠવેલી ૧,૪૦૦ જેટલી કચરા પેટીઓ ઊઠાવી લેવડાવી હતી ! કારણ એ કે, સંસ્કારી શહેરી જનો પણ ચાલુ વાહને એમાં કચરો ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ ઉશેટતા હતા. ઘણી થેલીઓ ટૂટીને બહાર પડતી. એ કચરાપેટીઓ પોતે જ એક કચરા ધામ બની ગઈ હતી. કચરામાંથી સોનું ગોતતી લઘર વઘર સેના અને ભુખ્યાં કૂતરાં અને ગાયો માટે આ કચરાપેટીઓ બાવા આદમના ખજાના જેવી બની ગઈ હતી ! ઘેર ઘેરથી કચરો ઉઘરાવવાની પદ્ધતિના પ્રતાપે  આ ઉપદ્રવકારક બબાલ ટાળી શકાઈ છે. અલબત્ત, અગત્યની જાહેર જગ્યાઓએ કચરો નાંખવા માટે  ૧૭૫ જેટલી નાની કચરાપેટીઓ અવશ્ય રાખવામાં આવી છે.

જાહેર શૌચાલયો પણ હવે ચોખ્ખાં ચણાંક રાખવામાં આવે છે. સમૃદ્ધ વિસ્તારોમાં પણ ગંદકીનું સામ્રાજ્ય વ્યાપેલું રહેતું હતું; એની જગ્યાએ હવે ઝૂંપડપટ્ટી વિસ્તારો પણ ઉજળા થવા લાગ્યા છે. મુંબાઈની ‘ખાઉધરા ગલી’ કે અમદાવાદના માણેકચોક જેવા ઇન્દોરના ગંદકીથી ઊભરાતા, ‘સરફરા’ વિસ્તારની મુલાકાત ચોખલિયા લોકો લેતા ન હતા. સડતા ખાદ્ય પદાર્થો પર તેમ જ તૈયાર થયેલી વાનગીઓ ઉપર સતત માખીઓ બણબણતી રહેતી. હવે વિદેશી મુસાફરો પણ એ પ્રખ્યાત જગ્યાની મુલાકાત લેતાં થઈ ગયાં છે !

અધધધ ! રોજનો ૧,૧૦૦ ટન કચરો.  શહેરથી દૂર એને ઠાલવવાના સ્થળની પણ મુલાકાત લેવા જેવી છે. કચરો ઠલવાય પછી તેની નિષ્ણાત માવજત કરવામાં આવે છે. ભરાઈ ગયેલી જગ્યા બહુ જ થોડા વખતમાં નંદનવન જેવી બનાવી દેવામાં આવે  છે. એ  જગ્યાઓએ લીલાંછમ ઘાસ અને જાતજાતનાં ફૂલોથી લહેરાતાં ઉધાનો આપણી આંખ ઠારે છે. પાછી ફરતી કચરાની ટ્રકોને પણ પાણીથી ધોઈ ચોખ્ખી ચણાક કરવામાં આવે છે. ખાલી થઈને શહેરમાં દાખલ થતી એ ટ્રકો પણ સદ્યસ્નાતા સુંદરીઓ જેવી લાગે છે ! પ્લાસ્ટિકની થેલીઓને બહુ ચોકસાઈથી જુદી પાડવામાં આવે છે, અને તેમને દબાવીને રિસાયકલ કરતાં કારખાનાંઓ ભેગી કરવામાં આવે છે.

ઇન્દોરની સાવ ટૂંકી મુલાકાત લઈએ તો પણ આવી પીળી ટ્રકો આપણને અચૂક ભટકાતી જ રહે – (માત્ર ૮૦૦ની સંખ્યામાં જ છે !) ૮૫ વોર્ડોનો સફાઈકામનો હવાલો સંભાળતા દરેક અધિકારીને જીપ આપવામાં આવી છે, જેથી સફાઈકામ પર તેઓ ચાંપતી નજર રાખી શકે અને  ફરિયાદ આવે ત્યાં તરત દોડી શકે. આ અઢાર મહિનામાં જાહેર રસ્તા પર કચરો નાંખતાં પકડાયેલા લોકોને દંડ કરવાથી ભેગી થયેલી રકમ જ ૮૦ લાખ ₹ હતી ! જો કે, મ્યુનિસિપાલિટીને હવે બહુ ઓછી દંડની રકમ મળે છે! આ જ રીતે સફાઈકામની ફરજ ન સંભાળતા ૬૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરવાની હિમ્મત પણ મનીષે દાખવી હતી ! સફાઈકામ કરતા એમના લશ્કરમાં અત્યારે ૬,૫૦૦ તરવરતા સૈનિકો છે – જેમના હાથમાં રાઈફલ નહીં પણ ઝાડુ હોય છે ! રાજકીય પક્ષોની રેલીઓ વગેરે જાહેર કાર્યક્રમો યોજતા સૌએ સફાઈ માટેની ખાસ ફી મ્યુનિસિપાલિટીને ભરવી પડે છે. ઝૂંપડપટ્ટીઓ અને રખડતાં ઢોરના માલિકો સામે પણ કોઈ શેહ શરમ વિના અને રાજકીય અને અસામાજિક તત્ત્વોનાં દબાણોની ‘ઐસી તૈસી’ કરીને કડકાઈ અપનાવવામાં આવી છે. આ બધું મેયરનાં આશિર્વાદ અને પીઠબળ વિના શક્ય ન જ બન્યું હોત. આ સાથે વહિવટી કુનેહથી સામૂહિક જાગૃતિ લાવવાના અનેક સેમિનારો યોજી બધા સંબંધકર્તા પરિબળોનો સાથ અને સહકાર પણ મનીષે મેળવ્યાં છે. છાપાં, સ્થાનિક ટી.વી., સ્થાનિક રેડિયો પર સુમધુર ગીત કંડિકા (jingle), સ્થાનિક અખબારોમાં આકર્ષક જાહેર ખબર, જાહેર જનતા માટે શિક્ષણ અને જાણકારી, શાળાઓમાં બાળકોને પાયામાંથી સ્વચ્છતાની ભાવનાનું બીજારોપણ, વગેરે મીડિયા અને કલ્પનાશીલ અભિગમ અપનાવવાનું અને વાપરવાનું પણ આ બાહોશ અધિકારી ચૂક્યા નથી. તેમનું અંગત પ્રદાન પણ આપણે નોંધવું જોઈએ. આ અભિયાનની શરૂઆત કરી ત્યારે મનીષનો દિવસ સવારના સાડા પાંચ વાગે શરૂ થતો અને રાતના દસ વાગે આથમતો ! નાગરિકોએ ભરેલ ટેક્સમાંથી આ અઢાર મહિનામાં ૬૦ કરોડ ₹ જેટલી માતબર રકમ ઇન્દોર શહેરે ખર્ચી છે. ખડી થયેલી રૂપકડી  અમરાપુરીની ગરિમા નાગરિકોના ખિસ્સામાંથી આવેલા આ હિસ્સાના કારણે તો ખરી જ ને?

સૌથી મહત્ત્વની વાત એ છે કે, હવે લોકોમાં પણ આશ્ચર્યજનક રીતે જાગૃતિ આવવા લાગી છે. ગંદકી કરતાં નાગરિકોને હવે એમનાં સ્વજનો, પાડોશીઓ અને સગાંઓ જ ટોકવા માંડ્યા છે – ઓલ્યા ટેક્સી ડ્રાઈવરની કની !

૨૦૧૫માં સફાઈના આંકમાં દેશમાં ૮૬મું સ્થાન ધરાવતા ઇન્દોર શહેરે આજે આખા દેશમાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે.  આ બહુ પાંખિયા, લશ્કરી ઢબના વ્યૂહ અને તેની સફ્ળતા માટે આપણે  મનીષ સિંઘ અને ઇન્દોરનાં મેયરને લશ્કરી સલામ ભરીએ તો? ઇન્દોરના નાગરિકોના નવા જન્મેલા આત્મબળના ‘ક્લોન’નું પ્રત્યારોપણ આપણે આપણા પોતીકા આંગણામાં પણ કરતાં થઈએ તો?

– આ વીડિયો જુઓ અને મનીષ સિંઘની પ્રેરક વાણી સાંભળો –

સંદર્ભ –
https://www.thebetterindia.com/114040/indore-madhya-pradesh-clean-garbage-free-india/
http://www.business-standard.com/article/current-affairs/indore-s-mini-revolution-is-transforming-the-face-of-the-city-117081801557_1.html
http://www.smartcityindore.org/
e.mail : surpad2017@gmail.com

Loading

માણસ આજે (૧૩) 

સુમન શાહ|Opinion - Opinion|4 November 2024

અમેરિકામાં જ્યાં રહું છું એ શ્હૅરમાં પાનખર – ફૉલ – ચાલે છે. થોડી થોડી ઠંડી શરૂ થઈ છે. પંખીઓ દેખાતાં નથી. હું પાર્કમાં ચાલવા જતો હોઉં છું ને જતાં જતાં નીરખું છું તો ઘણાં બધાં વૃક્ષોનાં લીલાં પાન પીળાં પડી રહ્યાં છે, કેટલાંક હળદરિયાં રંગનાં થવા લાગ્યાં છે, કેટલાંક ખાખી કે તપખીરિયાં, કેટલાંક આછાં લાલ, કેટલાંક કંકુવર્ણા, તો કોઈ કોઈ મરૂન પણ. 

મને ખબર છે, જોત જોતાંમાં એવાં સૂકાઇ જશે કે આપણને એમની દયા આવે. 

પછીના દિવસોમાં મેં જોયું તો પાનનું ખરવાનું શરૂ થઈ ગયેલું. રોડ અને વૉક-વે સિવાયની જગ્યાઓ – લૉન્સ – સૂકાં પાનથી ઢંકાવા લાગેલી, ને પવનો, ક્યારેક તો ગાંડા, એમને દૂર દૂર વાળ્યા કરતા’તા – રીતસર ધકેલતા’તા. અમેરિકન-ઘરોનાં બારી-બારણાં ખુલ્લાં ન હોય, વળી, લોક રખડતાં ન હોય, ચોપાસ શાન્તિ હોય. સૂકાં પાનના ખખડાટથી એ શાન્તિના ય ચૂરા થતા’તા. 

મને એ પણ ખબર છે, થોડાક જ દિવસમાં દરેક વૃક્ષનાં હાડપિંજર દેખાશે અને, એ કંકાલોની ડાળો પર પંખીઓએ બાંધેલા માળા ઉઘાડા પડી જશે. કોઈ કોઈ માળા ભૂમિસાત્ થઈ ગયા હશે. પણ રહી ગયા હશે એ માળામાં કોઈ બચ્ચું સૂતું હશે, મને થાય, એનું શું થવાનું … એનો હવામાં ડોલતો વર્તમાન … એનું ટૂંકું કરુણ ભવિષ્ય … 

બીજા વિશ્વયુદ્ધ સમયના ‘હોલોકાસ્ટ’-માં કહેવાય છે કે ૧.૫ મિલિયન બાળકોનાં મૉત થયેલાં, પણ જેનાં મા-બાપ માર્યાં ગયાં હશે અને જે બાળકો નમાયાં કે નબાપાં થયાં હશે એમનું શું થયું હશે? યુક્રેન-રશિયા અને ઇઝરાઇલ-પૅલેસ્ટાઇન યુદ્ધમાં કેટલાં બાળકો અનાથ થયાં હશે? 

એ બન્ને યુદ્ધ શમ્યાં નથી તેથી, અને વૉર ઝોન્સમાંથી ચૉકક્સ ડેટા મેળવવાનું કઠિન હોય છે તેથી, નક્કી નથી થઈ શકતું કે એ સંખ્યાનો આંકડો શું હશે. જો કે ‘યુનિસેફ’ અને ‘સેવ ધ ચિલ્ડ્રન’ સંગઠનો એ બાળકોની સારસંભાળ લઈ રહ્યાં છે, એ એક આશ્વાસન છે. હૉસ્પિટલો, શાળાઓ જેવાં સ્થાનો પર ઍટેક્સ ન થવા જોઈએ, માનવતાના પાયાના સિદ્ધાન્તોનું કે ‘ઈન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લૉ’-નું પાલન થવું જોઈએ, પણ યુદ્ધખોર રાષ્ટ્રો બધું ઘોળીને પી ગયાં છે.

+ +

હરારીએ આ પુસ્તક પૂર્વે, સદીઓ પહેલાંથી શરૂ થયેલી ‘જ્ઞાનપરક ક્રાન્તિ’ને — ‘કૉગ્નિટિવ રીવૅલ્યુશન’ને — મોટી ક્રાન્તિ ગણાવી છે. આજે જ્ઞાન, એક તરફ, માણસને યુદ્ધો તરફ ઢસળી રહ્યું છે, તો બીજી તરફ, ટૅક્નોલૉજિકલ પ્રગતિની દિશામાં. મને મનુષ્યથી મોટામાં મોટી પ્રગતિ-ફાળ ભરાઇ સમજાય છે, તે છે AI. પૉપ્યુલિસ્ટ ઑથોરિટેરિયન નેતાઓ વધી રહ્યા છે એ હકીકત તરફ પણ હરારી આપણું ધ્યાન દોરે છે. હરારી જે તર્ક-પદ્ધતિએ વાતને વિકસાવી રહ્યા છે તે જોતાં લાગે કે ઇન્ફર્મેશન એક ‘વેપન’ રૂપે વપરાય અને ‘ઇન્ફર્મેશન-વૉર’ સરજાય, એમ પણ બને. 

“Nexus”-માં તેઓ જ્ઞાન અને ડહાપણને વિવિધ માહિતી-જાળ રૂંધી રહે છે એમ દર્શાવવા સમ્રાટોને, ધર્મપ્રસારકોને તેમ જ કૉર્પોરેટ્સને જવાબદાર કહી રહ્યા છે. તેઓ એમ પણ કહી રહ્યા છે કે સબ્જેક્ટિવ અને ઑબ્જેક્ટિવ વચ્ચેની એક ઇન્ટર-સબ્જેક્ટિવ રીયાલિટી પણ સરજાઈ રહી છે. તેઓ દર્શાવી રહ્યા છે કે આખી વાતમાં ‘સ્ટોરીઝ’, ‘બ્રાન્ડ્ઝ’, ‘બ્યુરોક્રસી’ વગેરેની શી ભૂમિકા છે.  

હરારી કહે છે, પ્રાચીન ચીનના સમ્રાટો, મધ્ય કાળના કૅથલિક પોપ્સ કે મૉડર્ન કૉર્પોરેટ ટાઇટન્સ – મહિમાવન્ત વ્યક્તિઓ – કલ્પનાઓ નથી પણ જીવતીજાગતી વ્યક્તિઓ છે તેમછતાં એમને લાખ્ખો અનુયાયીઓને જોડનારી શૃંખલા ગણવા જોઈશે. જો કે આ બધા જ દૃષ્ટાન્તોમાં, એકપણ અનુયાયીનું એ સમ્રાટ, એ પોપ કે એ કૉર્પોરેટ-વ્યક્તિ જોડે કશું અંગત જોડાણ નથી હોતું, બલકે અનુયાયીઓએ ચતુરાઇપૂર્વક ઘડી કાઢવામાં આવેલી પેલાની ‘વાર્તા’ સાથે એણે જોડાવાનું હોય છે, અને તે વાર્તામાં જ વિશ્વાસ રાખવાનો હોય છે. 

હરારી કહે છે, સોશ્યલ મીડિયામાં પ્રવર્તમાન સૅલિબ્રિટીઝના લાખ્ખો ઑનલાઇન અનુયાયીઓ હોય છે, પણ એકેય અનુયાયીનું એ મૂર્તિ સાથે ખરેખરું અંગત જોડાણ જરા પણ હોતું નથી. સોશ્યલ મીડિયાના એકાઉન્ટ્સ સામાન્યપણે નિષ્ણાતોની ટીમ ચલાવે છે. એમાં પ્રોડક્ટ વિશેના દરેક શબ્દને કે ઇમેજને વ્યાવસાયિક કૌશલથી રચવામાં આવે છે અને પસંદગીપૂર્વકના ઠાઠમાઠ સાથે મૅન્યુફૅક્ચરને ત્યાં મોકલવામાં આવે છે, જે છેવટે બનીને આવે છે – આજકાલ જેને આપણે ‘બ્રાન્ડ’ કહીએ છીએ. 

‘બ્રાન્ડ’-ને હરારી ‘સ્ટોરી’-નો વિશિષ્ટ તરીકો ગણે છે. કહે છે, બ્રાન્ડ એટલે તે પ્રોડક્ટ માટેની વાર્તા. એવી વાર્તા કે જેને એ પ્રોડક્ટની ગુણવત્તા સાથે જવલ્લે જ કશી લેવાદેવા હોય, તેમછતાં, ખૂબી એ છે કે વપરાશકારો દોડ્યા આવે ને એની સાથે જોડાય. હરારી ‘કોકા કોલા’-નો દાખલો આપીને જણાવે છે કે એની જાહેરાત પાછળ એ કૉર્પોરેશને કરોડો ડૉલર રોક્યા, એ જાહેરાત એટલું જ કહેતી હોય છે કે કોકા કોલા પીવો, બસ વારંવાર પીવો. હરારી ઉમેરે છે કે કેટલાક લોકો એને સ્વાદિષ્ટ જળ કે મજાના સુખ સાથે જોડી દે છે અને યુવાનો દાંતનો સડો, મેદસ્વીતા કે પ્લાસ્ટિક વેસ્ટને ભૂલીને જોડાઇ જતા હોય છે – એનું નામ તે બ્રાન્ડ! 

આપણે ત્યાં થયેલી ‘કોકા કોલા’-ની ‘ઠંડા મતલબ કોલા’ જાહેરાતનો મેં મારા એક લેખમાં ઉલ્લેખ કરેલો. મેં એ શબ્દો, એ વિડીઓ ક્લિપ અને બૉલિવૂડબ્રાન્ડ ઍક્ટરની આકર્ષક અસરની વાત કરેલી. એક બીજા લેખમાં મેં જણાવેલું કે – અગાઉ રોલાં બાર્થે ‘રેડ વાઇન’ વગેરે અનેક પ્રોડક્ટ્સના અવગુણ વીસરાઈ જાય છે અને તે કેવા કેવા પૅંતરાઓથી હરતીફરતી અને વેચાતી થઈ જાય છે, તેની વાત કરી છે. એવી વાતોને બાર્થે ‘મૉડર્ન મિથ’-નો દરજ્જો આપ્યો છે. 

હરારીએ અગાઉ કહેલું કે માણસ માણસનો વિશ્વાસ કરે છે એની પાર્શ્વભૂમાં કલ્પિત વ્યવસ્થાઓ કે ગોઠવણો – Imagined orders – હોય છે. કેમ કે માણસને જ્ઞાન કરતાં, કલ્પિત વાર્તાઓ અને એ-ની-એ વાર્તાઓ વધારે ગમતી હોય છે, વિશ્વસનીય લાગતી હોય છે. માણસો એ વિશ્વાસના માર્યા એકબીજા સાથે તેમ જ અજાણ્યાઓ સાથે સહકારી થઈ જવાને તત્પર થઈ જાય છે. આજે એ સહકારીતા જે કદ-માપમાં અને ત્વરાથી વધી રહી છે, એને હરારી માનવ-ઇતિહાસમાં અ-પૂર્વ લેખે છે.

+ +

“Nexus”-માં હરારી જણાવે છે કે એ વાર્તાઓ વાસ્તવિકતાનું તદ્દન નવું સ્તર પણ સરજી શકે છે. કહે છે, આપણને જાણ છે એ મુજબ, વાર્તાઓના આવિષ્કાર પૂર્વે વિશ્વમાં વાસ્તવિકતાનાં બે જ સ્તર હતાં : સ્વલક્ષી વાસ્તવિકતા અને પરલક્ષી વાસ્તવિકતા : વાર્તાઓ તેમાં ત્રીજા સ્તર રૂપે ઉમેરાઈ. 

પરલક્ષી વાસ્તવિકતામાં પથરા, પર્વતો, સૂર્યની ચોપાસ ફરતા લઘુ ગ્રહો – એવી ચીજો જેની આપણને જાણ હોય કે ન હોય, પણ તે છે અને હશે. 

સ્વલક્ષી વાસ્તવિકતામાં સુખ, દુ:ખ, પ્રેમ – ‘બહાર’ નહીં પણ ‘અંદર’ હોય છે. સ્વલક્ષી ચીજોનો આપણને અનુભવ હોય છે. ‘અનનુભૂત દુખાવો’ એમ બોલવું એ વદતોવ્યાઘાત છે. 

પણ કેટલીક વાર્તાઓ ત્રીજા સ્તરની વાસ્તવિકતા સરજે છે, જેને આન્તર-સ્વલક્ષી – ઇન્ટરસબ્જેક્ટિવ – કહેવી જોઈશે. 

હરારી કહે છે, દર્દ એક જ ચિત્તમાં હોય છે, પરન્તુ કાયદા, ભગવાનો, રાષ્ટ્રો, કૉર્પોરેટ ટાઇટન્સ અને ચલણી નાણાં વગેરે વસ્તુઓ અનેક ચિત્ત માટે ઊભી થયેલી શ્રુંખલામાં, nexus-માં, હોય છે; સ્પષ્ટપણે કહીએ તો લોકો વડે એકબીજાને કહેવાયા કરતી વાર્તાઓમાં હોય છે. આન્તર-સ્વલક્ષી વસ્તુઓની માહિતીનો એ વિનિમય કશું જ રજૂ નથી કરતો, જે એની પૂર્વે હોય, ખરેખર તો એ વિનિમયથી વસ્તુઓ સરજાય છે.

હરારી વાતને પોતાની સાથે જોડીને દાખલો આપે છે : હું દર્દ અનુભવું છું એમ કહું તો એમ કહેવાથી દર્દ નથી જનમતું, પણ એમ કહેવું બંધ કરું એટલે દર્દ જતું રહે એમ પણ નથી થતું. એ જ રીતે, મેં લઘુ ગ્રહ જોયો એમ કહેવાથી લઘુ ગ્રહ નથી જનમતો. લઘુ ગ્રહ વિશે લોકો વાતો કરે કે ન કરે એ છે અને હશે જ. પરન્તુ સંખ્યાબંધ લોકો કાયદા, ભગવાનો, રાષ્ટ્રો, કૉર્પોરેટો અને ચલણી નાણાંની વાર્તાઓ એકબીજાને કહેવા માંડે છે ત્યારે કાયદા, ભગવાનો, રાષ્ટ્રો, કૉર્પોરેટો અને ચલણી નાણાં સરજાય છે. માહિતીના વિનિમયમાં જ આન્તર-સ્વલક્ષી વસ્તુઓ હોય છે. વિનિમય બંધ થાય તો એ વસ્તુઓ અલોપ થઈ જાય છે.

જો આપણે હરારીના આ વિચારપક્ષને સાવધાનીથી અને સમીક્ષાબુદ્ધિથી પૂરેપૂરા સ્વરૂપમાં નહીં સમજી લઈએ તો વિવિધ માહિતી-જાળ વિશેના એમના સમગ્ર વિચારને નહીં પામી શકીએ. 

(ક્રમશ:)
(03Nov24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—261

દીપક મહેતા|Opinion - Opinion|2 November 2024

આંગણ આવ્યો અજવાળાનો અલબેલો તહેવાર

સૌ વાચકને સાલ મુબારક!

હાલ મુબારક, કાલ મુબારક,

સૌ વાચકને સાલ મુબારક!

બેનડિયુંને બાલ મુબારક,

ને મરદોને ટાલ, મુબારક!

મંતરીઓને માલ મુબારક,

નેતાઓને શાલ મુબારક!

ખુરસી પર બેઠેલાં સૌને,

ગેંડા કેરી ખાલ મુબારક!

વેપારીને માલ મુબારક,

ખાનારાંને છાલ મુબારક!

મુર્ગી નહીં તો દાલ મુબારક,

તિલક નહીં, તો ભાલ મુબારક!

દોટ નહીં તો ચાલ મુબારક,

રાગ નહીં તો રોગ મુબારક!

એક પછી બીજો ધરવાને,

જનતાને તો ગાલ મુબારક!

સૌ વાચકને સાલ મુબારક,

ચલ મન મુંબઈ સાલ મુબારક!

                                              – દી.મ. 

*

આજ દિવાળી, કાલ દિવાળી 

દિવાળીના દીવા પ્રગટ્યા છે. શેરીમાં, ઘેર ઘેર, ગોખલે, ટોડલે, એટલે કે છજાની કે વરન્ડીની કિનારે કોડિયાં ઝગમગે છે. નાના છોકરાઓની ટોળી ઊંચા રાખેલા હાથમાં જ્યોત ટમટમતા મેરાયા લઈને ઘર ઘર ઘૂમવા નીકળે છે. લલકારતી જાય છે : 

આજ દિવાળી, કાલ દિવાળી, ગામના છોકરા ખાય સુંવાળી, 

મેઘ મે…ઘ રાજા, દિવાળીના બાજરા…તાજા

સવારે કુંભારને ત્યાંથી મેરાયું લાવી, કપાસિયા ભરી, વાટ ગોઠવી, તેલ પૂરીને સૌએ તૈયાર રાખ્યું હોય. દિવાળીની બધી ધામધૂમ, ઝાકઝમાળ ને રીતરસમોની વચ્ચે આ હતો માત્ર નાના છોકરાઓનો પોતાનો જ નાનકડો ઉત્સવ. ધનતેરસ(કે ધણતેરશ)ના બમ્બૂડા ફેરવવામાં તો મોટા છોકરા પણ ભળે. શેરીના દરેક ઘરે મેરાયું પૂરાવવા જવાનું. આશીર્વાદ પણ શરતી આપવાનો :

ઘી પૂરે એને ઘેટ્…ટા, તેલ પૂરે એને ટેટ્…ટા

મેરાયામાં ઘી પૂરનારાને ત્યાં બેટો ને તેલ પૂરનારાને ત્યાં બેટી આવવાનું આ વરદાન!

નવા વરસને – બેસતા વરસને મળસ્કે બોદા માટલાના ઠબઠબાટ ને થાળીના ધણધણાટ પથારીમાં પડ્યા પડ્યા ઉપરાઉપરી સાંભળ્યા કરવાની અમને કેટલી ઉત્સુકતા રહેતી! ઘરનું દળદાર કાઢવાના ને લખમીજીને નોતરવાના લોકવિધિથી નવા વરસના શ્રીગણેશ થતા. એ વિધિ માટે રાખી મૂકેલું ખોખરું હાંડલું કે એવું કોઈ ભંગાર વાસણ વેલણથી ઠપકારતી ગૃહિણીઓ એક પછી એક ઘરમાંથી નીકળે. ટાઢનો ચમકારો, ક્યાંક ટમટમતાં કોડિયાંનો આછો ઉજાસ. શેરીના ચોકમાં જઈને ઠોબરું ફોડે. ઘરે પાછી વળતાં એ ઠમ ઠમ થાળી વગાડતી આવે. જતી વેળા ગણગણતી જાય :

અડઘો ફોડું, દડઘો ફોડું, કુંવારો ઘર છે એને માથે ફોડું. 

બિચારો કુંવારો! પરણી ન શક્યો, ને ઘરઘી પણ ન શકે! ને વળતી વેળાએ જપતી આવે :

અળશ જાય, લખમી આવે, અળશ જાય, લખમી આવે.

— હરિવલ્લભ ભાયાણી 

(સંસ્મરણાત્મક પુસ્તક ‘તે હિ નો દિવસા:’માંથી) 

*

આંગણ આવ્યો અજવાળાનો અલબેલો તહેવાર

આંગણ આવ્યો અજવાળાનો અલબેલો તહેવાર,

વાળી-ઝૂડી અંધકારને ફેંકો ધરતી બહાર.

ભાંગ્યા-તૂટ્યા મનોરથોનો કાટમાળ હડસેલી,

ઉમળકાનાં તોરણથી શણગારો ઘરની ડેલી.

કાટ-ચડ્યાં ગીતોને પંખીના કલરવથી માંજો,

અણોસરી આંખોમાં નમણાં-નમણાં સપનાં આંજો.

અણબનાવની જૂની-જર્જર ખાતાવહીઓ ફાડો,

નવા સૂર્યની સાખે અક્ષર હેત-પ્રીતના પાડો.

ભોળાં-ભોળાં સગપણની જો ગૂંથીને ફૂલમાળા,

પહેરાવો તો સૂકાં જીવતર બની જશે રઢિયાળાં.

સુખની ઘડીઓ કોઈ ત્રાજવાં-તોલાથી ના જોખો,

આંગણ આવી ઊભું છે અજવાળું, એને પોંખો.

                                                           — રમેશ પારેખ

*

આના કરતાં વધારે પવિત્ર દિવસ બીજો કયો હોઈ શકે?

દિવાળી પછી નવું વરસ બેસે છે અને નવું અનાજ ઘરમાં આવે છે. વેદકાળથી આજ સુધી હિંદુ ઘરોમાં આ નવાન્નનો વિધિ શ્રદ્ધાપૂર્વક પાળવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ દિવસે જમતાં પહેલાં એક કડવા ફળનો રસ ચાખવાની પ્રથા છે. એનો ઉદ્દેશ એમ હશે કે કડવી મહેનત કર્યા વગર મિષ્ટાન્ન મળે નહીં. ભગવદ્દગીતામાં પણ લખેલું છે કે જે શરૂઆતમાં ઝેર જેવું અને અંતે અમૃત જેવું હોય એ જ સાત્ત્વિક સુખ. દક્ષિણ કોંકણમાં દિવાળીને દિવસે પૌંઆનું મિષ્ટાન્ન કરે છે અને જેટલા ઈષ્ટ મિત્ર હોય તે બધાને તે દહાડે નોતરે છે. એટલે દરેક જણે દરેક ઈષ્ટ મિત્રને ઘેર જવું જ જોઈએ. દરેકને ત્યાં ફળાહાર રાખેલો હોય છે, તેમાંથી એક કકડો ચાખી માણસ બીજે ઘેર જાય. વ્યવહારમાં કડવાશ આવી હોય, વેરવિખવાદ થયા હોય, ગમે તે બની ગયું હોય, પણ દિવાળીને દિવસે બધું મનમાંથી કાઢી નાખી ફરી હેતપ્રીતના સંબંધ જોડવાના. જેમ વેપારી દિવાળી પર કુલ લેણદેણ પતાવી દઈ નવા ચોપડામાં બાકી નથી ખેંચતા. તેમ દરેક જણ બેસતા વર્ષે હૃદયમાં કશાં વેરઝેર બાકી નથી રાખતો. જે દિવસે વસ્તીમાંથી નરક નીકળી જાય, હૃદયમાંથી પાપ નીકળી જાય. રાત્રિમાંથી અંધારું નીકળી જાય અને માથા પરનું કરજ દૂર થાય તે દિવસ કરતાં વધારે પવિત્ર દિવસ બીજો કયો હોઈ શકે?

— કાકાસાહેબ કાલેલકર 

(‘જીવતા તહેવારો’માંથી સંકલિત અંશ)

*

પ્રગટાવ દીવો

મૂળથી ભાગે તમસ પ્રગટાવ દીવો,

દેહ છે મોંઘી જણસ પ્રગટાવ દીવો.

વર્ષનો પહેલો દિવસ પ્રગટાવ દીવો,

ઝળહળી ઊઠશે વરસ પ્રગટાવ દીવો.

શક્ય છે સચવાય કસ પ્રગટાવ દીવો,

છે સમય લઈ સ્હેજ રસ પ્રગટાવ દીવો.

કૈંક સૂરજને હતી જેની પ્રતીક્ષા,

એ જ આવ્યો છે દિવસ પ્રગટાવ દીવો.

શ્વાસનાં મિસ્કીન ચોઘડિયાં બજે છે,

છે સમય સૌથી સરસ પ્રગટાવ દીવો.

                                     — રાજેશ વ્યાસ, ‘મિસ્કીન’

*

મફત મીઠાઈઓ!

રાતની બત્તીઓ, મીઠાઈઓ, ફળો, મહેમાનો. પછી શતરંજના ખેલ. પીવાનાં પાણીમાં કેવડાજલ છાંટવામાં આવતું. મોટા જર્મન-સિલ્વરના થાળો ભરીને ખાવા બેસતા. જમવા નહીં, બાકાયદા ખાવા! પહેલો કોર્સ ફક્ત મીઠાઈઓ. પછી કાયદેસર ભોજન. મને ખબર નથી આ રિવાજ અમારે ત્યાં કેવી રીતે આવ્યો. દિવાળીના પાંચ દિવસો, ધનતેરસથી ભાઈબીજ સુધી, મીઠાઈઓ જ ચાલતી. ગદ્દીમાં રહેતા બધા જ આમંત્રિતો હતા. કદાચ આ કારણસર મીઠાઈ પ્રથમ મુકાતી. અમારે ત્યાં ફરસાણનું બિલકુલ મહત્ત્વ ન હતું. બહારથી દાળમૂઠ મગાવી લેવાતી. ઠંડાઈનો સામાન પીસીને ઠંડાઈ બનાવાતી અને એ ચાંદીના ગ્લાસોમાં અપાતી. આજે વિચાર કરું છું ત્યારે લાગે છે કે ફ્રિજ નામના દૈત્યે આવીને એ રઈસી ખતમ કરી નાખી!

વર્ષની શરૂઆત શારદાપૂજનથી થતી હતી. અને ચોપડામાં પૂજાનું પાનું હું બાપાજીની સામે બેસીને ભરતો હતો. સામે ઘી, ચોખા, અને અન્ય દ્રવ્યો ચાંદીની થાળીમાં પડ્યાં હતાં. દીપકો, અગરબત્તીઓ જલતાં હતાં. બે મોટા બલ્બ પ્રકાશ ફેંકતા હતા. કિત્તાથી કંકુમાં બોળીને મેં પ્રથમ લીટી લખી હતી. શ્રીપરમાત્મયે નમઃ … શ્રી ગુરુભ્યો નમઃ … શ્રી સરસ્વત્યેનમ: … બાપાજીએ સૂચનાઓ આપી હતી. કિત્તાથી આ ત્રણ લીટીઓ લખવાની હતી. પછી ‘શ્રી’ શબ્દ ચઢતા-ઊતરતા ક્રમમાં, ફ્રેન્ચ કવિ લૂઈ આરોગોની શિલ્પકવિતાની જેમ પિરામિડ આકારમાં લખવાનો હતો. પછી રૂપિયા મળતા. હું ધારું છું એ દિવસોમાં અમને દસ-દસની નોટ અપાતી. ત્યાં બેઠેલા બીજા, એક-બે રૂપિયા આપતા. મારા નાના ખીસામાં રૂપિયાનો ઢગલો થઈ જતો. પચીસ ત્રીસ રૂપિયા જમા થઈ જતા. પછી સામે પડેલી મીનાકારી કરેલી તશ્તરીઓમાંથી મીઠાઈઓ, સૂકો મેવો, અને શુભેચ્છાઓ એ જ દિવસે, દિવાળીની રાતે જ ‘સાલમુબારક’ કહેવાતું!

— ચંદ્રકાંત બક્ષી 

(‘બક્ષીનામા’માંથી સંકલિત અંશ)

*

નવા વર્ષે

નવા વર્ષે હર્ષે

નવા કો ઉત્કર્ષે, હૃદય, ચલ! માંગલ્ય પથ આ

નિમંત્રે; ચક્રો ત્યાં કર ગતિભર્યાં પ્રેમરથનાં.

નવી કો આશાઓ,

નવી આકાંક્ષાઓ પથ પર લળૂંખી મૃદુ રહી,

મચી રહેશે તારી અવનવલ શી ગોઠડી તહીં!

                                                              — ઉમાશંકર જોશી

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 02 નવેમ્બર 2024

Loading

...102030...459460461462...470480490...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved