Opinion Magazine
Number of visits: 9664755
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંધારણના નિર્દેશક સિદ્ધાન્તોને લાગુ કરવા જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|22 December 2024

૧.

રમેશ ઓઝા

બંધારણના ચોથા વિભાગમાં માર્ગદર્શક સિદ્ધાંતો કે નિર્દેશક સિદ્ધાંતો છે જેનું અંગ્રેજીમાં શીર્ષક છે; ‘ધ ડાયરેક્ટીવ પ્રિન્સીપલ્સ ઑફ સ્ટેટ પોલિસી’. અહીં સ્ટેટનો અર્થ ગુજરાત મહારાષ્ટ્ર એવાં રાજ્યોનો નથી લેવાનો પણ રાજ્ય અર્થાત શાસન લેવાનો. કેટલીક ચીજો રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે અને આધુનિક માનવીય સમાજની રચના માટે નિતાંત આવશ્યક છે, પણ અત્યારે તેને બંધારણનો ભાગ નથી બનાવવામાં આવ્યો, કારણ કે જે તે સમાજ આજે તેને માટે અનુકૂળ નથી. આને માટે સંબંધિત સમાજને તૈયાર કરવાનો છે અને પછી તે બધી હોવી જોઈતી જોગવાઈ લાગુ કરવાની છે. આ વખતે જોરજબરદસ્તી કરવી યોગ્ય નથી. ટૂંકમાં લક્ષ બતાવી આપવામાં આવ્યું હતું, વળી તે અફર હતું અને એક દિવસ ભવિષ્યના શાસકોએ તે પ્રાપ્ત કરવાનું છે એવો નિર્દેશ તેમાં કરવામાં આવ્યો છે. 

ત્રણ સવાલ હતા; ૧. ભવિષ્ય એટલે કેટલું લાંબુ ભવિષ્ય? ૨. જે તે સંબંધિત સમાજ બંધારણમાં બતાવવામાં આવેલી જોગવાઈ સ્વીકારવા તૈયાર થાય એ માટે પ્રયાસ કોણ કરે? ૩. સમાજ તૈયાર થયો છે કે નહીં અને અધૂરા રહેલા લક્ષને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે કે નહીં એ કોણ નક્કી કરે? નક્કી કરવાના માપદંડો શું હોઈ શકે? આના વિષે કોઈ નિર્દેશ આપવામાં આવ્યો નહોતો અને એ શક્ય પણ નહોતું. આ વિવેક અને નિસ્બતનો પ્રદેશ છે. બંધારણ ઘડનારાઓએ એમ માન્યું હતું કે ધીરેધીરે લોકો શિક્ષિત થશે, સારાસાર વિવેક કરતા થશે, વિજ્ઞાની મિજાજ વિકસશે, બંધારણીય મૂલ્યો લોકો સુધી પહોંચશે, લોકો તેને અપનાવતા થશે, તેમાં તેમને લાભ દેખાશે ત્યારે આપોઆપ પરંપરાગત રિવાજો અને માન્યતાઓ ક્ષીણ થતી જશે. 

પણ એવું બન્યું નહીં. આધુનિક શિક્ષણ મેળવ્યા પછી પણ લોકોને સામાજિક રીતિરિવાજ અને પરંપરાનું ભયંકર આકર્ષણ વધ્યું છે અને તેમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થઈ રહ્યો છે. સ્ત્રી પોતાને સૌભાગ્યવતી ગણાવવા તલસે છે, વટસાવિત્રીનું વ્રત રાખે છે, માંગમાં સિંદુર ભરે છે, મંગલસૂત્ર પહેરે છે, કન્યામાં મંગળનો દોષ હોય તો તેનાં ઝાડ કે પ્રાણી સાથે લગ્ન કરીને દોષ દૂર કરવામાં આવે છે, હિંદુ પુત્રીઓ પારિવારિક એકતાના મહાન આદર્શ માટે પૈતૃક સંપત્તિમાં પોતાનો હક જતો કરે છે, મુસ્લિમ સ્ત્રીઓ હિજાબ અને બુરખો પહેરવામાં ગર્વ અનુભવે છે, કેટલીક ઇસ્લામના નામે તીન તલ્લાકનો પણ સ્વીકાર કરે છે, પિતાની મરજી મુજબ લગ્ન કરે છે, જાતપંચાયત પોતાની મરજી મુજબ કરેલાં લગ્નનો વિરોધ કરે અને તેને ફોક કરે તો તેનો સ્વીકાર કરી લે છે, બોહરાઓમાં સ્ત્રીઓને ખતમા કરવામાં આવે છે જેનો સ્ત્રીઓ હોંશેહોંશે સ્વીકાર કરે છે, ધર્મગુરુનો વિરોધ કરનારાઓને જાતબહાર કરવામાં આવે છે, જમીનદારી અને સામંતશાહીને શાન ગણવામાં આવે છે, સામંતશાહી મૂલ્યોનો મહિમા કરવામાં આવે છે, વર્ચસ ધરાવતી પ્રજાની તુમાખી અને રંજાડને શૌર્ય તરીકે ખપાવવામાં આવે છે, દલિતોને મૂળભૂત માનવીય અધિકારો આપવામાં આવતા નથી, ઘોડા પર કે મોટરમાં બેસીને દલિત ગામમાં પ્રવેશી શકતો નથી, સંતાન નહીં થવા માટે કે પુત્ર નહીં જન્મવા માટે માત્ર સ્ત્રીને દોષી ઠેરવવામાં આવે છે, આદિવાસીઓ પોતાનાં કાયદા મુજબ જીવે છે, નરબલિ ચડાવવાની ઘટના પણ બને છે, સતીનો મહિમા કરવામાં આવે છે, વગેરે વગેરે. યાદી બનાવો તો સમાજના કોઈ એક ઘટકને અન્યાય કરનારા અને કેટલાક તો અમાનવીય એવા પરંપરા અને રિવાજ આધારિત અન્યાય કરનારા આવા હજાર ઉદાહરણો મળી આવશે. સમાજ ઊંધી દિશામાં જઈ રહ્યો છે અને એ પણ ગર્વ સાથે. 

ગયા અઠવાડિયે પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને અકાલીદળના નેતા સુખબીર સિંહે બાદલે નતમસ્તક થઈને સીખોની સર્વોચ્ચ પીઠ અકાલ તખ્તે કરેલી સજા સ્વીકારી અને ભોગવી. તેમણે અમૃતસરમાં સુવર્ણમંદિરમાં દરવાન તરીકે કામ કરવાની શિક્ષા કરવામાં આવી હતી. તેમણે તે સજા સાચા સીખ તરીકે સ્વીકારી હતી અને અકાલ તખ્તની સજા કરવાની સત્તા પણ સ્વીકારી. તો પછી દેશના કાયદાનું શું? ન્યાય કરવાનો અને સજા કરવાનો અધિકાર બંધારણીય અદાલતોનો હોવો જોઈએ કે સમાંતરે જે તે કોમની અદાલતો પણ આ કામ કરી શકે?  

એમાં સંસદીય રાજકારણ ઉમેરાયું. જે તે કોમને વોટબેંક બનાવો અને સત્તા મેળવો. જો કોઈ સમાજને વોટબેંક બનાવવો હોય તો તેમાં સબળા નબળાને અન્યાય કરે તો તેની સામે આંખ આડા કાન કરવાના. ખોટી પ્રથાઓ અને કુરિવાજો વિષે નહીં બોલવાનું, બલકે સીધી કે આડકતરી રીતે તેનું સમર્થન કરવાનું. 

આ ઉપરાંત નિર્દેશક સિદ્ધાંતની વિરુદ્ધનું રાજકારણ કરવામાં આવે છે. જેમ કે નિર્દેશક સિદ્ધાંતોમાં હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ ઉત્તર ભરતમાં હિન્દુત્વવાદીઓ હિન્દીનું અને દક્ષિણમાં દ્રવિડો હિન્દી વિરોધનું રાજકારણ કરી રહ્યા છે. એ બન્ને મળીને હિંદીને રાષ્ટ્રભાષા બનાવવા દેતા નથી. તેમને ખબર છે કે તેઓ શું કરી રહ્યા છે, પણ તેઓ જાણીબૂજીને એકબીજાની સામે બોલિંગ અને બેટિંગ કરી રહ્યા છે. બન્ને એકબીજાનું પોષણ કરે છે. ભારતમાં માત્ર મુસલમાન વોટબેંક નથી, જે કોઈ કોમ ખાસ પ્રકારની ઓળખ ધરાવે છે અને વોટની ગણનાપાત્ર સંખ્યા ધરાવે છે એ દરેક વોટબેંક છે અને તેનું તુષ્ટિકરણ કરવામાં આવે છે. આ દેશમાં એવો એક પણ પક્ષ નથી જે વોટબેંકનું રાજકારણ ન કરતો હોય. સુન્ની મુસ્લિમ સ્ત્રીઓને ઇસ્લામિક કાયદાઓથી મુક્ત કરવાનો દાવો કરનારાઓ અને દેશના કાયદાઅંતર્ગત લાવવા માટે શેખી મારનારાઓ દાઉદી બોહરાઓને અને સીખોને ધાર્મિક કાયદાઓથી મુક્ત કરવાની વાત કરતા નથી.  

ભારતમાં બંધારણ ઘડાયું તેને ૭૫ વરસ થયાં. ભારત દેશને અને ભારતીય સમાજને સંપૂર્ણપણે માનવીય અને આધુનિક બનાવવા માટે જે નિર્દેશો આપવામાં આવ્યા છે તે સાકાર કરવામાં આવતા નથી. પરંપરાને જાળવી રાખવામાં લાભ જોનારા જે તે સમાજના વગદાર લોકો અને એ વગદાર લોકોને સાથે લઈને વોટબેંકનું રાજકારણ કરનારાઓ આ થવા દેતા નથી. પરંપરાનું ઓળખ, અસ્મિતા અને સંસ્કૃતિના નામે ઉદાત્તીકરણ કરવામાં આવે છે. આપણે મહાન કારણ કે આપણી સ્ત્રીઓ મર્યાદાઓનું પાલન કરે છે, પુરુષોની આમન્યા રાખે છે, બાળકો વડીલોની આજ્ઞાનું પાલન કરે છે. એમાં રહેલા અન્યાયને જોવામાં આવતો નથી. જો કોઈ ધ્યાન દોરે તો આંખ આડા કાન કરવામાં આવે છે. નિર્દેશક સિદ્ધાંતો સાકાર ન થઈ શક્યા એનું એક કારણ શિક્ષણ પણ છે. આપણી કેળવણી માણસને ઘડવામાં નિષ્ફળ નીવડી છે, તે માત્ર જીવનનિર્વાહ કરી શકે એવા ભણેલાઓને પેદા કરે છે, ટકોરાબંધ માણસને નહીં.

પણ આની વચ્ચે એક રાજકીય દૃષ્ટિકોણ પણ છે જે એમ કહે છે કે વ્યાપક રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને બંધારણમાં બતાવવામાં આવેલા કેટલાક નિર્દેશક સિદ્ધાંતોને લાગુ કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ. અને આવું કહેનારા અત્યંત પ્રમાણિક અને મેધાવી લોકો છે. પહેલી હરોળના સમાજશાસ્ત્રીઓ છે. એ કેટલાક નિર્દેશક સિદ્ધાંતો એટલે કયા? અને શા માટે? આની ચર્ચા હવે પછી. 

૨.

દેશની એકતા અને અખંડિતતા માટેનો માર્ગ શું ?

રમેશ ઓઝા

સીખોની ધર્મપીઠ (અકાલ તખ્ત) ભારતના રાષ્ટ્રપતિ, દેશના ગૃહ પ્રધાન, પંજાબના એકથી વધુ આજી-માજી મુખ્ય પ્રધાન અને બીજા બે ડઝન નેતાઓને ધર્મદ્રોહ કે સીખ કોમ સાથે દ્રોહ માટે અપમાનજનક શિક્ષા કરે, વ્હોરાઓના ધર્મગુરુ દાઉદી વ્હોરાઓ ઉપર સમાંતરે શાસન કરે, તેમને શિક્ષા કરે, દક્ષિણના કેટલાક લોકો હિન્દીને દેશની રાષ્ટ્રભાષા બનવા ન દે, આદિવાસીઓ પોતાનાં અલગ કાયદાઓનું પાલન કરે અને તે જાળવી રાખવાનો આગ્રહ કરે, મુસલમાનો પર્સનલ લોઝનો આગ્રહ રાખે, ઈશાનનાં રાજ્યો તેમની અસ્મિતા જાળવી રાખવાનો આગ્રહ કરે, કાશ્મીરીઓ આર્ટીકલ ૩૭૦ અને સ્વાયત્તતાનો આગ્રહ કરે, એક જ ભાષા બોલનારા લોકો હજુ વળી પેટા અસ્મિતાના નામે અલગ રાજ્યની માગણી કરે, કોઈ પણ જાતિ ધારે ત્યારે પોતાને પછાત જાહેર કરીને અનામતની જોગવાઈની માગણી કરે, કોઈ વળી દેશના કાયદા કરતાં જ્ઞાતિના કાયદાઓને કે રિવાજોને સર્વોપરી ગણે તો દેશની અખંડતા અને એકતા સધાય કેવી રીતે અને સાધી પણ લઈએ તો જળવાય કેવી રીતે? ભારતની અનેક પ્રજાને એક સરખા કાયદા અને એક સરખાં બંધારણીય જીવનમૂલ્યો સાથે જીવવું નથી અને તેમને પોતાનું નોખાપણું કે પોતાપણું જાળવી રાખવું છે. ચર્ચાનો આ મુખ્ય મુદ્દો છે. બંધારણ ઘડનારાઓ તો કહેતા ગયા છે કે જે કામ અમે નથી કરી શક્યા અથવા વ્યાપક દેશહિતમાં અત્યારેને અત્યારે જ કરવું હિતાવહ નથી લાગ્યું એ કામ તમે ભવિષ્યમાં કરજો, પણ કરજો અચૂક. દેશને જોડવાનો છે.

પોણી સદીનો અનુભવ એવો છે કે અનુકૂળતા પેદા તો નથી થઈ, પણ કેટલીક બાબતે પ્રતિકૂળતા પેદા થઈ છે. ચૂંટણી જીતવા માટેના અને સત્તા માટેના સંસદીય રાજકારણે પોતાપણાને નામે નોખાપણાને પ્રોત્સાહન આપ્યું છે. દરેકની પોતપોતાની વોટબેંક છે. ભા.જ.પ.ની પણ છે. એ મુસલમાનોની વાત આવશે તો એક દેશ એક કાનૂનની વાત કરીને રાષ્ટ્રવાદી બની જશે, પણ સીખોની બાબતે ચૂપ રહેશે.

તો આનો ઉપાય શું એ ચર્ચાનો બીજો મુદ્દો છે. ધીરજ ધરો એમ કોઈ કહેશે તો ક્યાં સુધી અને કેટલી ધીરજ રાખવાની? એમાં કોઈ શંકા નથી કે દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે ભારતનો પ્રત્યેક નાગરિક માત્ર બંધારણ દ્વારા શાસિત હોવો જોઈએ. દેશની એકરાષ્ટ્ર ભાષા હોવી જોઈએ, એક સરખી રાષ્ટ્રીય નિષ્ઠા હોવી જોઈએ. આ ઉપરાંત અને આનાથી પણ વધારે નાગરિકને તેની અંગત સ્વતંત્રતા હોવી જોઈએ. આ તેનો અધિકાર છે. એમાં તેનું ગૌરવ રહેલું છે અને ગૌરવ જાળવવાનો તેનો અધિકાર છે અને રાજ્યની ફરજ પણ છે. ધર્મગુરુઓ અને ધર્મપીઠોને કે જાતિના ઠેકેદારોને કોણે સત્તા આપી કે તેઓ સમાંતરે ચોક્કસ પ્રજા પર રાજ કરે?

આ પ્રશ્નના ઉત્તરમાં બે ફાંટા પડે છે અને તે સમજવાની જરૂર છે. એક અભિપ્રાય એવો છે કે રાષ્ટ્રના ઇતિહાસમાં ૭૫ વરસ એ કોઈ બહુ મોટો સમયગાળો ન કહેવાય. સામાજિક રસાયણો રાતોરાત પેદા નથી થતાં. કાયદા ઘડવાથી નથી થતા. એની સ્વાભાવિક પ્રક્રિયાને સમય આપવો જોઈએ. તેઓ એ વાતે ચિંતિત છે કે જો એ પ્રક્રિયાને પૂરતો સમય આપવામાં નહીં આવે અને તેના પર તાકાત અજમાવવામાં આવશે તો ફાયદા કરતાં નુકસાન વધુ થશે. સીખોની ધર્મપીઠ સીખો પર સમાંતરે શાસન કરે અને ભારતના રાષ્ટ્રપતિ અને મુખ્ય પ્રધાનને સજા કરે એ સેક્યુલર લોકતાંત્રિક દેશ માટે કલંક છે, પરંતુ સીખોમાં નોખાપણાની માનસિકતા પ્રબળ છે એટલે થોડો સમય આપવો જોઈએ. જબરદસ્તી કરવામાં ફાયદા કરતાં નુકસાન વધુ છે એમ કહેતી વખતે તેઓ દલીલ કરશે કે મૂળમાં સીખોમાં નજીવી પોતાપણાની ભાવના જ માત્ર હતી જેને પંજાબના હિન્દુત્વવાદી આર્યસમાજીઓએ દિવસરાત સીખોની નિંદા કરીને પોતાપણાની ભાવનાને નોખાપણામાં ફેરવી. રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાના ઠેકેદારો દિવસરાત જે તે પ્રજા પર નજર રાખે છે, તેને રાષ્ટ્રવાદ અને દેશપ્રેમને ત્રાજવે તોળતા રહે છે, તેને બારોબાર દેશદ્રોહી જાહેર કરે છે, તેમની નિંદા કરતા રહે છે, વગેરે. ચોવીસ કલાક મેળવેલા દૂધમાં આંગળી નાખીને તપાસ્યા કરો તો દહીં જામે કઈ રીતે? ટૂંકમાં દેશની એકતા અને અખંડતામાં બાધા નાખવાનું કામ તેના બની બેઠેલા ઠેકેદારો પણ કરે છે.

કાઁગ્રેસના શાસકોનું વલણ એવું હતું કે ઉપરની દરેક બાબતે જે તે પ્રજાને સમય આપવો. એટલે તો તેમણે બંધારણ ઘડતી વખતે કેટલીક બાબતો ભવિષ્ય પર છોડી હતી. તેઓ એ સાથે જે તે પ્રજાની અલગ જોગવાઈને પાતળી પાડતા જતા હતા. જેમ કે આર્ટીકલ ૩૭૦માં હવે બચ્યું છે શું? એવો સવાલ દેશના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે પૂછ્યો હતો. કાઁગ્રેસના શાસકોએ ધીરેધીરે આર્ટીકલ ૩૭૦ને નિષ્પ્રાણ બનાવી નાખ્યો હતો. તમારે મમમમ સાથે કામ છે કે ટપટપ સાથે? આવું જ ઇશાનરાજ્યોની બાબતમાં. આવું જ હિન્દીની બાબતે. જોગવાઈ કાયમ ભલે રહે, પણ તેમાંથી અસ્થીમજ્જા ઘટાડતા રહો. કાઁગ્રેસીઓની આવી ચાલાકી જોઇને તેનો વિરોધ કરવા માટે જે તે અસ્મિતાઓને બચાવવાના નામે પ્રાદેશિક પક્ષો ફૂટી નીકળ્યા હતા. જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સથી લઈને દક્ષિણમાં દ્રવિડ મુનેત્ર કળગમ્‌ અને મહારાષ્ટ્રમાં શિવસેનાથી લઈને મણિપુરમાં નેશનલ પીપલ્સ પાર્ટી સુધીના સેંકડો પક્ષો અસ્તિત્વમાં આવ્યા છે. આ બધા પક્ષો કાઁગ્રેસના રાષ્ટ્રીય એકતાના છૂપા એજન્ડાનો વિરોધ કરવા પેદા થયા હતા.

બી.જે.પી.નું વલણ આનાથી બીજા છેડાનું હતું અને વધારે ચાલાકીવાળું હતું. બહુ ઘોંઘાટ કર્યા વિના અને જોગવાઈનો ઊઘાડો વિરોધ કર્યા વિના જે તે જોગવાઈમાંથી અસ્થી-મજ્જા કાઢી લેવાના કાઁગ્રેસના ચાલાકીયુક્ત પણ સપાટી પરના લચીલાપણાને ભા.જ.પે. કાયરતા તરીકે ખપાવવાનું શરૂ કર્યું. કાઁગ્રેસીઓ નમાલા છે એટલે દેશની એકતા અને અખંડતાનો વિરોધ કરનારા દેશદ્રોહીઓ છાતી પર ચડી બેઠા છે, તેમને લાડ કરવામાં આવે છે એટલે આ નમાલાઓ શું દેશને સુરક્ષિત અને અખંડ રાખવાના! એમાં વોટ્સેપ યુનિવર્સિટી આવી એટલે એમાં સ્નાતક થયેલા અલ્પબુદ્ધિ દેશભક્તો વાજિંત્ર બની ગયા. આ બાજુ બીજા છેડે ભા.જ.પ.ના નેતાઓ અસ્મિતાઓનું રાજકારણ કરનારા અને માત્ર પોતાપણાનું નહીં, નોખાપણાનું રાજકારણ કરનારા પ્રાદેશિક પક્ષો સાથે ચૂંટણી સમજુતી કરતા હતા અને હજુ કરે છે. કાઁગ્રેસીઓ નમાલા છે, પણ નોખાપણાનું રાજકારણ કરનારાઓ અમારા મિત્રો છે. અને દેશની એકતા અને અખંડિતતાનાં મહાન યજ્ઞમાં બાધા નાખવા માટે લલકારવાના કોને? માત્ર મુસલમાનોને. મુસલમાનોને લલકારશો એટલે અલ્પબુદ્ધિ દેશભક્તો નશામાં રહેશે કો કોઈ દેશનો વાળ પણ વાકો કરી શકે એમ નથી. જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટીકલ ૩૭૦ હટાવ્યો એ તો મરેલાને મારી નાખવાનું પરાક્રમ હતું.

આની સામે પ્રબુદ્ધ નાગરિક સમાજની પણ એક ભૂમિકા રહી છે. જયપ્રકાશ નારાયણ આમાં પહેલા હતા. એકંદરે તેમનો મત એવો છે કે મરાઠાઓ અને પટેલો અનામતની જોગવાઈની માગણી કરે તો તેનો વિરોધ કરો, પણ છેવાડાની પ્રજા અને સરહદી રાજ્યોની પ્રજાના આગ્રહોની બાબતે ઉદારતા દાખવો. તેઓ તો જે તે જોગવાઈમાંથી અસ્થી-મજ્જા કાઢી લેવાના કાઁગ્રેસીઓના વલણનો પણ વિરોધ કરતા હતા. આ છેતરપિંડી છે અને છેતરપિંડીની પણ કિંમત ચૂકવવી પડશે. દેશ ક્યાં હાથમાંથી સરકી ગયો છે કે સરકી જવાનો છે! જે તે પ્રજા અને પક્ષો કરતાં રાજ્ય (લશ્કર અને શસ્ત્રસરંજામ વાંચો) હજારગણી તાકાત ધરાવે છે. અનેક વિદ્રોહને કચડી નાખ્યા છે અને ભવિષ્યમાં કચડી શકે એમ છે. ન છેતરપિંડી કરો કે ન દેશપ્રેમના નામે આળા થઈને નિંદાજન્ય ઘોંઘાટ કરો. આના દ્વારા ફાયદા કરતાં નુકસાન વધુ થશે. સમય આપો. એકાદ સદી રાષ્ટ્રના ઇતિહાસમાં બહુ લાંબો સમય ન કહેવાય. અને એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ભા.જ.પ.ના નેતાઓએ જયપ્રકાશ નારાયણની પણ આંગળી પકડી લીધી હતી!

વાચાળતા અને ઘોંઘાટ છીછરા દેશપ્રેમનો સ્થાયીભાવ છે. પણ તમે વિચારો કે દેશહિતમાં કેવું વલણ અપનાવવું જોઈએ? ક્યાં અસહિષ્ણુ બનવું જોઈએ અને ક્યાં સહિષ્ણુ બનવું જોઈએ? ક્યાં ધીરજ ધરવી જોઈએ અને ક્યાં ઉતાવળા થવું જોઈએ? દેશની એકતા અને અખંડિતતા માટેનો માર્ગ શું હોઈ શકે?     

 પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 15 તેમ જ 22 ડિસેમ્બર 2024

Loading

ઉસ્તાદ ઝાકીર હુસૈનઃ સાક્ષાત શિવ સમા કલાકારની વિદાયથી પૃથ્વી પણ તાલ ચૂકી ગઇ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 December 2024

ઝાકીર હુસૈનની પ્રતિભા તેમના ઝુલ્ફાં જેવી હતી, બિંધાસ્ત, બેબાક, રોમેન્ટીક, બેકાબૂ, તોફાની અને મુક્ત. તેમના તબલા નાદબ્રહ્મ હતાં તો તેમનો પોતાનો અવાજ રેશમ કોઇની શામળી ત્વચા પરથી સરી જતું હોય તેવો હતો

ગયા વર્ષે, ડિસેમ્બરમાં મુંબઈના ષણ્મુખાનંદ હૉલમાં ઉસ્તાદ ઝાકીર હુસૈનને સાંભળ્યા ત્યારે સ્વપ્ને પણ કલ્પના નહોતી કે એક વર્ષ પછી આ ચમત્કાર નરી આંખે ફરીથી જોવાનો મોકો હાથમાંથી જતો રહેશે. ઝાકીર હુસૈનનું ન હોવું એટલે શું એ સમજી શકાય પણ એ લાગણીને અભિવ્યક્ત કરવી એટલે ધમાર જેવા સંકુલ તાલને ચપટીમાં કળી જવાની અશક્યતાઓ જેવું છે. ઝાકીર હુસૈનની શ્રધ્ધાંજલી આઠ કૉલમની મર્યાદામાં બાંધવા બેસીએ તો ક્યાંક બે-તાલ થઇ જવાનો ડર રહે પણ આખરે તાલનું આવર્તન પૂરું થાય અને સમ પર અંત આવે એ પણ અનિવાર્ય છે. આ કારણે જ ઉસ્તાદની સ્મરણાંજલીના આવર્તનને વિલંબિત, મધ્ય અને દ્રુતમાં ઉતારવાનો પ્રયાસ કરવો જ રહ્યો.

ઝાકીર હુસૈન – નામ કાને પડે એટલે સૌથી પહેલાં તો તેમના હવામાં લહેરાતા, ફેંકાતા, ઉછળતા વાળ યાદ આવે, સાથે તાજ મહેલ ચાયની ‘વાહ ઉસ્તાદ’ વાળી જાહેરાત તો મનમાં એક વાર ઝબકી જ જાય, તેમની આંખોમાં એક ગજબની નિર્દોષતા હતી પણ સાથે એક આકર્ષણ, રોમાન્સ અને ગહેરાઈ પણ હતાં. તેમની આંગળીઓના જાદુને ચુંબન કરીને અમૃતપાન કર્યું હોવાનો આભાસ થતો હશે તેની મને ખાતરી છે. ભારતીય શાસ્ત્રીય સંગીતના ફલક પર ઝાકીર હુસૈનનું હોવું એટલે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ફલક પર સંગતના વાદ્ય તબલાની ઓળખનું બેઠું થવું. વારસામાં મળેલી કળાને એટલી વિસ્તારવી કે તેનું એક આગવું બ્રહ્માંડ રચાય એ રીતે ઝાકીર હુસૈને તબલા વાદનને માટે અલાયદું સ્થાન બનાવ્યું.

તબલાના વિશ્વમાં, હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત વિશ્વમાં અને અન્ય પ્રકારના સંગીતની સાથે તાલ મેળવીને સાધેલા સંવાદને માટે ઝાકીર હુસૈનને જેટલી કુરનીશ બજાવીએ એટલી ઓછી છે.

અત્યાર સુધીના ઇતિહાસમાં તબલા વાદક, વિશેષજ્ઞો ઘણાં થઈ ચૂક્યાં છે, ઝાકીર હુસૈનનાં પિતાજી ઉસ્તાદ અલ્લા રખા કુરેશી પણ એવો જ એક ચહેરો હતા પણ છતાં ય ઝાકીર હુસૈને તબલા વાદનમાં જે પ્રસ્તુતીઓ કરી, જે પ્રયોગો કર્યા, જે પ્રકારની રચનાઓ કરી તેના જેવું, તેની સમાંતર કહી શકાય એવું તો કંઇ ક્યારે ય થયું નથી અને થશે નહીં.  સદ્નસીબે ઉસ્તાદ ઝાકીર હુસૈનનાં કામનું દસ્તાવેજીકરણ સારી પેઠે થયું છે પણ તેમના દૃષ્ટિકોણને, તેમનાં કામની પહોંચને સમજવા માટેની ગહેરાઈ લાવવાની જહેમત તેમના ચાહકો, રસિકો અને સંગીતજ્ઞોએ કરવી રહી.

પંડિત રવિ શંકર, જ્યોર્જ હેરિસન, વૅન મોરિસન, જ્હોન મૅકલૉક્લિન, ફારોઆ સેન્ડર્સ, મિકી હાર્ટ જેવા કલાકારોની સાથે અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરી ચૂકેલા ઝાકીર હૂસૈને ભારતમાં એક કિશોરવયના કલાકાર તરીકે પ્રચલિત થવાથી શરૂઆત કરી. એ સફરનો હાઇ પોઇન્ટ હતો 2024 ફેબ્રુઆરીમાં જ્યારે તેમને એક જ રાતમાં ત્રણ ગ્રેમી એવોર્ડ્ઝ મળ્યા – કોઇપણ ભારતીય કલાકારને મળેલું આ પહેલવહેલું ગ્રેમી સન્માન હતું. ઝાકીર હુસૈનની શાસ્ત્રી સંગીતની દુનિયામાં કલાકાર તરીકેની શરૂઆત કોઇ યોજનાનો હિસ્સો નહોતી. તેમના પિતાજીની તબિયત ઠીક નહોતી અને પંડિત રવિ શંકર સાથે વિદેશના કાર્યક્રમોમાં તેમણે પોતાના દીકરાને લઇ જવા કર્યું અને પછી જે સિલસિલો શરૂ થયો તેમાંથી નવા રસ્તા, નવા મંચ અને નવા આયામો સર્જાતા રહ્યા. તેમણે અલી અકબર ખાન, શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા જેવા વાદ્ય ઉસ્તાદો સાથે પણ સતત કામ કર્યું. વિદેશમાં સ્થાયી થઇ ત્યાં યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટન, સિએટલમાં અને બાદમાં સાન ફ્રાન્સિસ્કોમાં સંગીત શીખવવા સ્થાયી થયેલા ઝાકીર હુસૈને પશ્ચિમી શાસ્ત્રીય સંગીતના કલાકારોની સંગત કરીને અફલાતૂન પ્રોજેક્ટ્સ પાર પાડ્યા. આ સાથે પંડિત રવિ શંકર સાથેના તેમના કાર્યક્રમો પણ સતત ચાલુ રહ્યા. પશ્ચિમ અને પૂર્વ બન્ને દિશાઓમાં ઝાકીર હુસૈનના તબલાનો નાદ પહોંચતો રહ્યો, સર્જાતો રહ્યો.

ઉસ્તાદ અલ્લા રખાનું મૂળ લાહોર, ત્યાંથી તે દિલ્હી આવ્યા અને પછી મુંબઈ. મહારાષ્ટ્રમાં દિલ્હી, અજરડા અને ફારુખાબાદ ઘરાનાની તબલા પરંપરા પ્રચલિત હતી. ઉસ્તાદ અલ્લા રખાએ તબલાનો નવો શબ્દકોષ, નવી ભાષા દર્શકો સામે રજૂ કરી, તાલનો એક નવો દૃષ્ટિકોણ રચાયો. એ સમયે ઓળખ મેળવવી, સ્થાન ખડું કરવું સરળ નહોતું પણ તે પોતાની કળાની લીટી લાંબી કરતા રહ્યા. દીકરા ઝાકીરે પણ એ જ વાટ પકડી અને સંગતના વાદ્યાને અલાયદી ઓળખ અપાવી. તેમણે પિતા પાસેથી વારસામાં મળેલા પંજાબ ઘરાના ઉપરાંત અન્ય ઘરાનાની વાદન છટાને પણ પોતાના સર્જનોમાં ઉતારી. તેમણે મંચ પર તબલાવાદનમાં કરેલા પ્રયોગો તેમની પ્રતિભાનો ભાગ બનતા ગયા. શાસ્ત્રીય સંગીતનું વિશ્વમાં ઘરાનાઓ અને પરંપરાની વાડાબંધી બહુ કઠોર હોય છે. પણ તબલા પર પાણીના રેલાની માફક ફરતી ઝાકીર હુસૈનની આંગળીઓ અને હથેળીની થાપે આ મર્યાદાઓ તોડી. તબલા વાદનની પરંપરાઓની વાડ વચ્ચેથી ઝાકીર હુસૈનના તબલાનો નાદ પોતાનો માર્ગ એ રીતે કરતો ગયો જાણે કોઈ નદી સાગરમાં ભળવા પોતાનો રસ્તો શોધી લેતી હોય. તેમના આ પ્રકારના કામને કારણે ભારતીય શાસ્ત્રી સંગીત વિશ્વમાં લોકોએ તબલા વાદનને અલાયદી પ્રસ્તુતી તરીકે માણવાનો રસ કેળવ્યો. પંરપરા બદલવા માટે ઘોંઘાટ કે દેકારા નહીં પણ સાતત્યપૂર્ણ તાલબદ્ધ પ્રયોગ કરનારા ઉસ્તાદનો આપણે જેટલો પાડ માનીએ એટલો ઓછો છે. સંગીતના વિવિધ સ્રોતના પ્રભાવને પોતાના સંગીતમાં ભેળવવાની ઝાકીર હુસૈનની હિંમત અને સર્જનાત્મકતાને મોકળાશ સાંપડી કારણ કે તેમણે યુ.એસ.એ. જઇને સ્થાયી થઇ ત્યાં ઘણું કામ કર્યું. જો તે ભારતમાં જ રહ્યા હોત તો વિદેશના જાઝ અને રોક સંગીતને આપણાં શાસ્ત્રીય સંગીત સાથે ભળતું જોવાનું આપણે ચૂકી ગયા હોત. વળી ભારતમાં કદાચ વાડાબંધીનો બોજ તેમના વાદન પર આવી જાય એવી શક્યતાઓ પણ ખડી થઇ હોત.

તેમના સ્ક્રીન સાથેના સબંધને પણ આપણે મમળાવવો જોઇએ. ‘અરે હુઝુર વાહ તાજ બોલીએ’ વાળી જે જાહેરાતે તેમના ચહેરાની ચાહનાને ચિરંતન કરી દીધી એ જાહેરાત માટે તે યુ.એસ.એ.થી પોતાના ખર્ચે આવ્યા હતા કારણ કે તાજ મહેલ પૃષ્ઠભૂમિમાં હોય એ વિચાર માત્રએ તેમને રોમાંચિત કર્યા હતા. શૂટિંગ જોવા ભેગા થયેલા લોકોને તેમણે કહેલું કે પોતે મિથુન ચક્રવર્તીના નાના ભાઈ છે અને અભિનેતા અહીં શૂટ કરવા આવવાના છે. સ્ક્રીન પર તેઓ જેમ્સ આઇવરીના બ્રિટિશ હિસ્ટોરિકલ રોમાન્સ હીટ અને ડસ્ટમાં દેખાયા હતા તો સાઇ પરાંજપેની સાઝમાં તેમણે અભિનય કર્યો હતો. આ ઉપરાંત ધી પરફેક્ટ મર્ડર, મિસ બેટ્ટીઝ ચિલ્ડ્રન, થંન્ડુવિટાએન એન્નાઈ જેવી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો. ઝાકીર એન્ડ હિઝ ફ્રેન્ડ્ઝ ડોક્યુમેન્ટરીમાં પણ તેમણે પોતાની વાત માંડી તો છેલ્લે દેવ પટેલની ફિલ્મ મંકી મેનમાં તેમણે કેમિયો કર્યો હતો. તેમણે ફિલ્મોમાં સંગીત પણ આપ્યું હતું જેમાં વાનપ્રસ્થાન, ધી લાસ્ટ ડાન્સ, સત્યમ શિવમ સુંદરમ, ધી મિસ્ટિક મેસ્યુર, મિસ્ટર એન્ડ મિસિઝ ઐયર, પરઝાનિયા, મન્ટો અને મંકી મેનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની એપોકેલિપ્સ નાઉ, બર્નાર્ડો બેર્ટોલુચીની લિટલ બુદ્ધામાં તેમણે સંગીત આપ્યું હતું.

જો તમે એમ માનતા હો કે ઉસ્તાદની સતત વાહવાહી જ થઇ છે તો તે પણ ખોટું છે કારણ કે ઝાકીર હુસૈન પર બેતાલી ટીકાઓનો વરસાદ પણ વરસ્યો હતો. જે મામલે તેમના ખોબલે ખોબલે વખાણ થાય છે તે જ પ્રયોગો અને મોકળાશ, તેમની તકનિક અને તબલાને આપેલા નવા તાલ કોષ અંગે તેમને હંમેશાં પ્રશસ્તિ નહોતી મળતી. ટીકાઓથી રોકાય એ ઝાકીર હૂસૈન નહોતા જ અને માટે જ તેમણે સતત નવાની દિશામાં પગલાં માંડવાનું ચાલુ જ રાખ્યું અને આખરે ટીકાઓ અધવચ્ચે કોઇ અધ કચરા તાલની માફક ખાલી પર જ અટકી ગઇ.

કલાકાર પિતાના યુવાન દીકરાની ઓળખ વૈશ્વિક આઇકોન સુધી પહોંચી. તેમને હૉસ્પિટલમાંથી ઘરે લાવ્યા પછી તેમના કાનમાં પિતાએ તબલાના બોલ કહ્યા હતા કારણ કે એ જ તેમને માટે પ્રાર્થના હતી એ વાત આપણે બધાં જ જાણીએ છીએ. વારસામાં જે મળે તેનું વૈશ્વિક વટવૃક્ષ બનાવવાની ક્ષમતા કેવી રીતે કેળવાય તે ઉસ્તાદની જિંદગી પરથી શીખી શકાય. બાર વર્ષની વયે પહેલીવાર કોન્સર્ટમાં ભાગ લેનાર ઝાકીર પોતાના સ્કૂલના વર્ગ ચાલુ થાય તે પહેલાં મદરસામાં કુરાન પણ વાંચતા અને રોમન કેથલિક ચર્ચમાં હિમ્સ પણ ગાતા, વળી ઘર નજીકના મસ્જિદમાંથી સંભળાતી સૂફી કવ્વાલી પણ તેમણે માણી છે. તેમના ઉછેરમાં તેમને મળેલી વૈવિધ્યતામાં માત્ર કલાના સ્વરૂપો હતા, સંગીત હતું , તાલ હતા અને માટે જ તેમનું આસમાન મોકળાશ શ્વસતું હતું.

ઝાકીર હુસૈને સંગીતની પરંપરાના બધા જ તાલ શીખ્યા એટલું જ નહીં નવાનું સર્જન પણ કર્યું. ઝાકીર હુસૈન પોતે કદાચ ત્રિતાલ જેવા હતા એમ કહી શકાય કારણ કે તે પણ ત્રિતાલની માફક સરળ, સમજી શકાય એવા હોવા છતાં ય અનંત સંભાવનાઓ અને સર્જનોમાં મહાલતા રહેતા. સલામ ઝાકીર સાહેબ. આ વિશ્વમાં જન્મ લેવા બદલ અને સંગીતના વિશ્વને શાશ્વત ભેટ આપવા બદલ તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.

બાય ધી વેઃ 

તાલની બારીકીઓ પર ઝાકીર હુસૈનની હથોટી, પકડને અનંત માત્રાઓમાં પણ બાંધી શકાય તેમ નથી. કલાકારોની વર્તમાન અને ભવિષ્યની પેઢી ઝાકીર હૂસૈનનીની સર્જનાત્મકતાની ભૂખ, તેમનામાં સતત રહેલું કુતૂહલ, તેમની સ્વયં સ્ફુરીતાને કેળવવાનો પ્રયાસ કરશે તો તેમણે જે આપ્યું છે તે કંઇક અંશે આપણે રસિકજન તરીકે, તેમના ચાહક તરીકે અને કળાના રખેવાળ તરીકે તેમને પાછું આપ્યું એમ કહેવાની હિંમત કરી શકીશું. ઝાકીર હુસૈનની પ્રતિભા તેમના ઝુલ્ફાં જેવી હતી, બિંધાસ્ત, બેબાક, રોમેન્ટિક, બેકાબૂ, તોફાની અને મુક્ત. તેમના તબલા નાદબ્રહ્મ હતાં તો તેમનો પોતાનો અવાજ રેશમ કોઇની શામળી ત્વચા પરથી સરી જતું હોય તેવો હતો. આ હતા ઝાકીર હુસૈન, તોફાની કૃષ્ણ સમા પણ તબલા પર આંગળીઓ ફરે ત્યારે લાગે જાણે સાક્ષાત ભગવાન શિવ આવીને તબલા વગાડી રહ્યા છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ડિસેમ્બર 2024

Loading

કોઈને ય મોક્ષ જોઈતો નથી, સત્તા જોઈએ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|22 December 2024

રમેશ ઓઝા

ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે “આખો દિવસ આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર કરો છો, તેની જગ્યાએ જો ભગવાનનું નામ લીધું હોત તો મોક્ષ મળત.”

આના પ્રતિવાદમાં એમ કહી શકાય કે આખો દિવસ અને આખી જિંદગી મુસલમાન મુસલમાન મુસલમાન મુસલમાન કરો છો તેની જગ્યાએ જો ઈશ્વરનું નામ લીધું હોત તો માણસ તરીકેનું આયખું સાર્થક થાત અને મોક્ષ મળત.

પણ બંનેમાંથી કોઈને ય મોક્ષ જોઈતો નથી, બંનેને સત્તા જોઈએ છે. એક સત્તા સારુ આંબેડકર આંબેડકર કરે છે અને બીજા સત્તા સારુ મુસલમાન મુસલમાન કરે છે. બી.જે.પી. વિશેની સર્વસાધારણ ઈમેજ એવી છે કે તે સવર્ણોનો સવર્ણોનાં હિત માટેનો પક્ષ છે જે મનુસ્મૃતિ આધારિત બ્રાહ્મણી મUલ્યોમાં શ્રદ્ધા ધરાવે છે. તે બહુજન સમાજ, દલિત, સ્ત્રીઓ અને ગૈરહિંદુઓ વિરોધી વિચાર ધરાવે છે. ભારતનું બંધારણ ભેદભાવ વિના દરેકને સમાન સ્થાન અને સમાન અવસર આપે છે એ તેમને માટે તેમની કલ્પનાના ભારતની રચના કરવામાં આડે આવે છે, એટલે તેઓ તેને બદલવા માગે છે. જ્યાં સુધી સહિયારા ભારતની બાંયધરી આપનારા વર્તમાન બંધારણને ખતમ કરવામાં ન આવે ત્યાં સુધી હિંદુ સવર્ણોની સર્વોપરિતાવાળા બંધારણીય હિંદુ ભારતનું નિર્માણ કરવું શક્ય નથી. ટૂંકમાં તેમના હાથમાં ભારતનું બંધારણ સુરક્ષિત નથી અને માટે તેઓ આંબેડકર વિરોધી છે. વિરોધ પક્ષો બી.જે.પી.ની આ જે ઈમેજ છે તેને વટાવી ખાવા માગે છે. બંધારણ ખતરે મેં હૈ અને માટે તેઓ આંબેડકર આંબેડકર કરે છે.

બી.જે.પી.ને ખબર છે કે જ્ઞાતિગ્રસ્ત વિભાજીત હિંદુ સમાજને સંગઠિત કરવો હોય તો તેને કોઈકનો ડર બતાવવો જરૂરી છે અને મુસલમાન હિંદુઓને ડરાવવા માટેની હાથવગી કોમ છે. આમ તો હિંદુ શૂરવીર છે, તેનો ઇતિહાસ શૌર્યથી છલકાય છે, પણ મુસલમાનોથી ડરે છે. મુસલમાનોએ શૂરવીર હિંદુઓને ભૂતકાળમાં સતાવ્યા છે તેને યાદ કરીને તેઓ માતમ કરે છે. તેમને એક એવા હિંદુની જરૂર છે જે ટોળાંમાં દુ:શ્મનને લલકારે, પણ એકલો ડરે. ટોળાંમાં ગર્જના કરે, પણ એકલો રડે. અંગ્રેજીમાં કહીએ તો તેઓ બાયપોલાર ડિસઓર્ડર ધરાવતો હિંદુ પેદા કરી રહ્યા છે. તેઓ હિંદુઓની કુસેવા કરી રહ્યા છે, પણ તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેમને હિંદુ સાથે કોઈ લેવાદેવા નથી, તેમને તો માત્ર સત્તા જોઈએ છે.

ટૂંકમાં એક બંધારણ બચાવવાના નામે આંબેડકરનો ઉપયોગ કરે છે અને બીજા મુસલમાનોનો ડર બતાવીને હિંદુનો ઉપયોગ કરી રહ્યા છે.

આંબેડકર એટલે બંધારણ અને બંધારણ એટલે આંબેડકર એવું સમીકરણ તેમ જ સરળીકરણ બંધારણીય મૂલ્યોની અને ભારતની કલ્પનાની વિરુદ્ધ છે. ભારત વિશેની કલ્પના રાજા રામમોહન રોયથી લઈને દોઢસો વરસમાં ક્રમશઃ વિકસી હતી, જેને બંધારણમાં લેખિત સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એની પૃષ્ઠભૂમિમાં વેદો ઉપનિષદો, શ્રમણદર્શન, નાસ્તિક પરંપરા, મધ્યકાલીન સંતો અને સૂફીઓ, ન્યાય અને સમાનતા જેવાં પાશ્ચાત્ય મૂલ્યો, અંગ્રેજોએ વિકસાવેલું ન્યાયતંત્ર તેમ જ વહીવટીતંત્ર, આધુનિક  રાજ્યવ્યવસ્થા વગેરેનો પણ ફાળો હતો. આ સિવાય મહાત્મા ફૂલે, ડૉ. આંબેડકર પોતે, પેરિયાર રામસ્વામી નાયકર જેવા અસંમતિના અવાજોનો પણ ફાળો હતો. દોઢસો વરસ વલોણું ચાલ્યું હતું, વૈચારિક અને જમીન પર સંઘર્ષો અને અથડામણો થઈ હતી અને તે ત્યાં સુધી કે અંગ્રેજો ભારતીય નેતાઓને ટોણો મારતા હતા કે આઝાદી માગતા પહેલાં એકતા સાધી આવો અને એક અવાજમાં આઝાદ ભારતની કલ્પના માંડો.

પણ આ થયું, કારણ કે તેની પાછળ દોઢસો વરસનું વલોણું હતું. દોઢસો વરસ સુધી સામસામે રવાઈઓ તાણીને ઘમઘમાટ ચાલે અને નવનીત ન નીકળે એવું બને ખરું? એ નવનીત એટલે ભારતનું બંધારણ. એ કોઈ એક વ્યક્તિએ ઘરમાં બેસીને રચ્યું નથી જે રીતે આઇવર જેનિંગે શ્રીલંકા(ત્યારે સિલોન)નું બંધારણ ઘડ્યું હતું. વિશ્વપ્રસિદ્ધ બંધારણવિદ સર જેનિંગે ઘડેલું બંધારણ ૧૪ વરસ પણ નહોતું ટક્યું, શ્રીલંકાનાં શાસકોએ તેને રદ્દ કર્યું હતું. ભારતનું બંધારણ ઘડવાનું કામ સર જેનિંગને સોંપવું જોઈએ એવું સૂચન પણ કરવામાં આવ્યું હતું, જેનો સ્વીકાર કરવામાં નહોતો આવ્યો. દોઢસો વરસ સુધી જેણે રવાઈ તાણી હોય અને હાથમાં ફોલ્લા પાડ્યા હોય તે પોતાનું બંધારણ ન ઘડી શકે? બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદ થયેલા દેશોમાંથી કેટલાક દેશો બંધારણ ઘડી જ શક્યા નથી અને જેણે ઘડ્યું એ ટકાવી શક્યા નહીં એનું કારણ મુક્ત વલોણાનો અભાવ હતો. એ વલોણામાં હિંદુહિતના ઠેકેદારોએ ભાગ નહોતો લીધો. દૂરદૂર સુધી તેઓ નજરે નહોતા પડતા. એવું નથી કે તેઓ અસ્તિત્વ નહોતા ધરાવતા, કાનાફૂસી તો ચાલુ જ હતી. બાયપોલર ડિસઓર્ડર ધરાવતા હિંદુને પેદા કરવાની પ્રવૃત્તિ તેઓ કરતા હતા, પણ ખુલ્લા વિમર્શમાં ક્યાં ય નજરે નહોતા પડતા.

તો વાતનો સાર એ કે ભારતનું બંધારણ દોઢસો વરસ લાંબા મંથનનું પરિણામ છે, લેખિત સ્વરૂપ છે. એનાં જુદાંજુદાં અંગોનો ચોક્કસ ઘાટ ઘડવા માટે બંધારણસભાના સભ્યોમાંથી ખાસ સમજણ અથવા ખાસ હિત ધરાવતા લોકોની પેટા સમિતિઓ રચવામાં આવી હતી. એ પેટા સમિતિઓમાં જુદાં જુદાં અંગોનો ઘાટ ઘડાતો જતો હતો તેમ તેને મુસદ્દા સમિતિ (ડ્રાફ્ટિંગ કમિટી) લેખિત રૂપ આપતી હતી. એ લેખિત મુસદ્દો બંધારણસભામાં રજૂ કરવામાં આવતો હતો, તેના પર ચર્ચા થતી હતી, સુધારા સૂચવવામાં આવતા હતા અને મંજૂરી આપવામાં આવતી હતી. ટૂંકમાં ભારતનું બંધારણ કોઈ એક વ્યક્તિનું સર્જન નથી. દોઢસો વરસના મંથન પછી નિકળેલા નવનીતને એક પ્રક્રિયા દ્વારા આપવામાં આવેલું લેખિત સ્વરૂપ છે.

બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદને ભંધારણનો મુસદ્દો સુપરત કરતા બંધારણ સમતિના વડ બીમરાવ આંબેડકર

પણ ડૉ આંબેડકરને બંધારણના શિલ્પકાર તરીકે ઓળખાવવામાં આવે છે. એમાં બે ફાયદા છે. એક તો જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, મૌલાના આઝાદ, ડૉ રાજેન્દ્ર પ્રસાદ, આચાર્ય કૃપાલાની જેવા કાઁગ્રેસીઓના ફાળાને ભૂલાવી શકાય અને દલિતો રાજી થાય. ડૉ આંબેડકરને બંધારણના શિલ્પકાર તરીકે સ્થાપિત કરવામાં દલિતો કરતાં હિન્દુત્વવાદીઓ વધારે અગ્રેસર હતા. સરદારની જેમ આંબેડકરને પાંખમાં લેવાનો તેમણે પ્રયાસ કર્યો હતો.

પણ હવે તેમની સામે સમસ્યા પેદા થઈ છે. બંધારણના રચયિતા આંબેડકર છે અને આંબેડકરે રચેલું બંધારણ સહિયારા ભારતનું છે જે તેમને ખપનું નથી. આ બાજુ દલિતોએ અને અન્ય પછાત સમાજોએ પણ ભારતનાં બંધારણને આંબેડકર રચિત બંધારણ માની લીધું છે એટલે તેઓ તેને હાથ લગાડવા દેતા નથી. વિરોધ પક્ષો આ જાણે છે એટલે તેઓ પણ ડૉ આંબેડકરનું બંધારણ ખતરામાં છે એવો શોરબકોર કરી રહ્યા છે.

આ સત્તા માટેની રમત છે, બંધારણ માટેની નથી. જો સહિયારા ભારતની કલ્પનાને સ્વીકારનારા દેશના મધ્યમમાર્ગી પક્ષોએ બંધારણ નિષ્ઠા બતાવી હોત તો આજે તેમને અને દેશને જે દિવસો જોવા મળી રહ્યા છે તે જોવાનો વારો ન આવ્યો હોત.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ડિસેમ્બર 2024

Loading

...102030...449450451452...460470480...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved