Opinion Magazine
Number of visits: 9664884
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણે માણસ મટી જવાનું નથી !

રમેશ સવાણી|Opinion - Opinion|26 December 2024

રમેશ સવાણી

પત્રકારનું શું મહત્ત્વ છે તે અંગે એક કથા છે. એક પત્રકારનું મૃત્યુ થતાં તેનો જીવ પહોંચ્યો સ્વર્ગના દ્વારે. દ્વારપાળે ઝાટકીને કહી દીધું કે ‘મહાશય ! તમારા માટે અહીં દ્વાર બંધ છે !’ પત્રકાર ગાંઠે તેવો ન હતો, એ પહોંચ્યો નરકના દ્વારે. દ્વારપાળ કહે : ‘મહાશય, અહીં પણ તમારા માટે જગ્યા નથી !’ એ પત્રકાર એવો હતો જેણે રાજકીય / ધાર્મિક / સામાજિક નેતાઓની રીમાન્ડ લીધી હતી. તે મૂંઝાયો નહીં. તેણે આજુબાજુ નજર કરી. ત્યાં એક અલગ નિર્જન ટાપુ હતો. પત્રકારનો જીવ ત્યાં પહોંચ્યો અને છાપખાનું ઊભું કરી અખબાર શરૂ કર્યું. એક મહિનામાં તેને સ્વર્ગના અને નરકના મફત આજીવન પાસ મળી ગયાં !

પત્રકારત્વમાં ગ્લેમર છે. લોકો પત્રકારને માનપાન આપે છે. રાજકીય / ધાર્મિક / સામાજિક નેતાઓ પત્રકારને સાચવે છે. પરંતુ આ પ્રકારનું માન પ્રાપ્ત કરવા પરિશ્રમ કરવો પડે, ત્યાગ કરવો પડે. પત્રકારત્વ બે પ્રકારનું છે : સામાજિક અને અસામાજિક ! સામાજિક પત્રકારત્વ સમાજને / લોકોને / માનવમૂલ્યોને પ્રતિબદ્ધ હોય છે. અસામાજિક પત્રકારત્વ તોડ-પાણીનું હોય છે. તેને ‘યલો જર્નાલિઝમ’ પણ કહેવાય છે. તેમાં બ્લેક મેઈલનું તત્ત્વ વધુ હોય છે. પોલીસ લોકો પાસેથી તોડ કરે છે, પત્રકાર પોલીસનો તોડ કરે છે ! તમારે નક્કી કરવાનું છે કે સામાજિક પત્રકાર બનવું છે કે અસામાજિક? તમારે સુધીર ચૌધરી / મહેશ લાંગા / સૌરભ શાહની જેમ જેલમાં જવું છે કે પ્રશાંત દયાળની જેમ સત્યનિષ્ઠ પત્રકારત્વ કરવું છે? 

પત્રકારત્વ એક વ્યવસાય છે. દરેક વ્યવસાય માટે આચારસંહિતા જરૂરી છે. આચારસંહિતા એટલે શું કરવું અને શું ન કરવું? શું સાચું અને શું ખોટું? દરેકને નૈતિક બંધન હોય છે. સાધ્ય જ નહીં સાધનશુદ્ધિ પણ હોવી જોઈએ.

જો કે પત્રકારો માટે કોઈ લેખિત આચારસંહિતા નથી. આવી લેખિત આચારસંહિતાની જરૂર પણ નથી. વાંચક / શ્રાતાઓનું હિત જોવું પડે. સત્યનું રક્ષણ કરવું પડે. અમેરિકામાં પત્રકારોએ મળીને આચારસંહિતા ઘડી કાઢી છે, તેની વિગત બ્રુસ સ્વાઈને ‘રીપોર્ટર્સ એથિક્સ’ પુસ્તકમાં આપી છે.

પત્રકાર ધારે તો આગ લગાડી શકે છે અને આગ ઠારી શકે છે. પત્રકાર ધારે તો ન્યાય અપાવી શકે છે. તટસ્થતા ભ્રામક છે. તટસ્થતા એ સત્ય આચરણમાંથી છટકવાની છટકબારી છે. તટસ્થતા નહીં, સત્યનિષ્ઠા. સિદ્ધાંતનિષ્ઠા વિનાની સ્વતંત્રતા અર્થહીન છે. નિરંકુશ ધોધ વિનાશ સર્જે છે. 

કરસનદાસ મૂળજી સત્યનિષ્ઠ પત્રકાર હતો. 22 એપ્રિલ 1862ના રોજ, મહારાજ લાઈબલ કેસમાં ચૂકાદો આપતા જજ સર જોસેફ આર્નોલ્ડે લખ્યું હતું : “A public journalist is a public teacher ! To expose and denounce evil and barbarous practices, to attack usages and customs inconsistent with moral purity and social progress, is one of its highest, its most imperative duties. પત્રકાર તો જાહેર શિક્ષક છે ! દુષ્ટ અને અસંસ્કારી પ્રથાઓનો પર્દાફાશ કરવો અને તેની નિંદા કરવી, નૈતિક શુદ્ધતા અને સામાજિક પ્રગતિ સાથે અસંગત ઉપયોગો અને રિવાજો પર હુમલો કરવો; તે તેની સર્વોચ્ચ, સૌથી આવશ્યક ફરજોમાંની એક છે.”

દરેક પત્રકારે યાદ રાખવાનું છે કે ‘પત્રકારે માણસ મટી જવાનું નથી ! આમાં દુનિયાની સઘળી આચારસંહિતા આવી ગઈ !

ક્રાઈમ રીપોર્ટિંગ એટલે? પોલીસ કાર્યવાહી / અદાલતની કાર્યવાહીનું રીપોર્ટિંગ. આમાં શું તકેદારી રાખવી જોઈએ? 

[1] કાયદાઓનું ધ્યાન રાખવાનું છે. બાળ ગુનેગારો / સગીરના નામ જાહેર કરવાના નથી. યૌન શોષણના કેસમાં પીડિતાનું નામ /ઓળખ જાહેર કરવાનું નથી. 

[2] પીડિતો સાથે માનવીય વ્યવહાર કરવાનો છે. માનવ ગૌરવ જાળવવાનું છે. પીડિતનો વિશ્વાસ જીતવાનો છે. 

[3] ગુનાની મોડસ ઓપરેન્ડી / ગુનાનો મોટિવ / ગુના પહેલાનું વર્તન અને ગુના પછીનું વર્તન / ઓળખ પરેડ / ચાર્જશીટ / કોર્ટના આદેશો વગેરેની સમજણ હોવી જોઈએ. 

[4] સંશયની સાધના કરવી પડે. આંખ કાન ઉઘાડા રાખવા પડે. Nose for the News-સમાચાર સૂંઘવાની કળા વિકસિત કરવી પડે. 

[5] પત્રકારત્વના 7 C’s યાદ રાખો : Clear, Concise, Concrete, Correct, Coherent, Complete, and Courteous – સ્પષ્ટ, સંક્ષિપ્ત, નક્કર, સાચો, સુસંગત, સંપૂર્ણ અને નમ્ર. 

[6] વાંચકો શું જાણવા ઈચ્છે તે સઘળા મુદ્દાઓ આવરી લેવા પડે. મોં-માથા વગરનું રીપોર્ટિંગ વેઠ કહેવાય. એક વખત રીપોર્ટને રસ્તામાં સાંભળ્યું કે તિલક ગુજરી ગયા ! રીપોર્ટર પરત ફર્યો. ફ્રન્ટ પેજ પર આઠ કોલમમાં તિલકના મૃત્યુના સમાચાર છાપી નાખ્યા ! એ પછી તિલક 15 દિવસ સુધી જીવતા રહ્યા હતા ! ચોક્કસાઈ રાખવી પડે. અનુમાન ન ચાલે. 

[7] સ્રોતની ગોપનીયતા જાળવવી પડે. 

[8] પક્ષપાત નહીં. સિલેક્ટિવ રિપોર્ટિંગ નહીં. સત્યને વળગી રહેવું. સત્યની જાણ કરો તો બદનક્ષી ન થાય. 

[9] સરકાર પોતાને દેશ માને છે. એટલે રાજદ્રોહનું શસ્ત્ર પત્રકાર સામે ઉપાડે છે. UAPA-Unlawful Activities (Prevention) Act, 1967માં ફિટ કરે છે. એટલે ખોટી માહિતીથી ચેતો. બાઈટ લો. રીપોર્ટને આધારભૂત બનાવો. 

[10] ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ માટે હિંમતની / સાહસની જરૂર પડે. એક્ટિવિસ્ટ, વ્હિસલ બ્લોઅરનો વિશ્વાસ સંપાદન કરવો પડે. 

[11] વિવેક જાળવો : કુટણખાનાનું રીપોર્ટિંગ એની ગાઈડ ન બનવી જોઈએ !

[નવજીવન પત્રકારત્વ સ્કૂલ, 25 ડિસેમ્બર 2024]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વસ્તીગણતરીની મથામણ, માયાજાળ અને મતભેદ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 December 2024

ચંદુ મહેરિયા

સંયુક્ત રાષ્ટ્રસંઘની વિશ્વના તમામ દેશોને, દર દસ વરસે, વસ્તીગણતરી કરી તેનો અહેવાલ પ્રગટ કરવાની ભલામણ છે. તે પ્રમાણે વર્તમાન દાયકે ૧૪૩ દેશોએ વસ્તીગણતરીનું કાર્ય પૂર્ણ કરી દીધું છે. જે ૪૪ દેશોએ હજુ આ કામ હાથ ધર્યું નથી તેમાં ભારતનો સમાવેશ થાય છે.  યુક્રેન, સીરિયા, મ્યાંમાર, યમન, અફઘાનિસ્તાન અને શ્રીલંકા જેવા યુદ્ધગ્રસ્ત, રાજકીય ઊથલપાથલ, આંતરિક સંઘર્ષ અને આર્થિક સંકટ સહેતા દેશોમાં વસ્તીગણતરી આરંભાઈ નથી. તેમાં ભારતનું પણ નામ છે! આપણે ૨૦૨૧માં વસ્તીગણતરી કરવાની હતી. પરંતુ કોવિડ મહામારીને કારણે હજુ તેની શરૂઆત થઈ શકી નથી. અગાઉ બ્રિટિશ ભારતમાં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કે આઝાદ ભારતમાં ચીન-પાકિસ્તાન સાથેના યુદ્ધો વખતે પણ જે પ્રક્રિયા અટકી નહોતી, તેને મહામારીએ અટકાવી છે. હવે ૨૦૨૫માં તે શરૂ થશે અને ૨૦૨૭ સુધીમાં પૂર્ણ  થશે તેવી આશા બંધાઈ છે.

એવું નથી કે આપણે વસ્તીગણતરી માટે પૂર્વ તૈયારીઓ કરી નહોતી. ૨૦૧૯માં રૂ. ૯,૦૦૦ કરોડનો ખર્ચ અને ૩.૫ મિલિયન અધિકારી/કર્મચારીઓનો ઉપયોગ થવાના અંદાજ સાથે કાર્ય શરૂ થવાની ગણતરી હતી. પરંતુ કોરોનાને કારણે સ્થગિત રાખવું પડ્યું છે. વસ્તીગણતરીની પ્રક્રિયા આરંભાય તે પહેલાં ગામ, નગર, તાલુકા, પ્રાંત, જિલ્લાના વહીવટી સીમાડા નક્કી થઈ જવા જોઈએ. જેથી ચોક્કસ માહિતી મળી શકે. આ બધામાં ફેરફારની સમયસીમા નક્કી કરવી તે વસ્તીગણતરીની પ્રક્રિયાની શરૂઆત પહેલાનું મહત્ત્વનું વહીવટી પગલું છે. અત્યાર સુધીમાં આ સમય સીમા અગિયાર વખત લંબાવવામાં આવી છે. હવેની સમય મર્યાદા ડિસેમ્બર-૨૦૨૪ છે. એટલે ૨૦૨૫ના ફેબ્રુઆરીમાં વસ્તીગણતરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા જણાય છે.

ભારતમાં વસ્તીગણતરીનો દીર્ઘ અને સમૃદ્ધ ઇતિહાસ છે. ઈ.સ. પૂર્વે ૮૦૦ થી ૬૦૦ પૂર્વે કોઈક પ્રકારની વસ્તીગણતરી કરવામાં આવતી હોવાનો ઋગ્વેદમાં ઉલ્લેખ જોવા મળે છે. અર્થશાસ્ત્રના રચયિયા ચાણક્ય(કે કૌટિલ્ય)એ ઈ.સ. પૂર્વેની ત્રીજી સદીમાં કર ઉઘરાવવા માટે વસ્તી ગણતરી કેટલી અગત્યની છે તે સમજાવ્યું હતું. મોગલ બાદશાહ અકબરના શાસનના વહીવટી અહેવાલ ‘આઈ-ને- અકબરી’માં રાજ્યની વસ્તીની મહત્ત્વની માહિતી સામેલ હતી.

માહિતી કે આંકડાપ્રેમી બ્રિટિશરોએ ઈ.સ.૧૮૦૦માં બ્રિટનમાં વસ્તીગણતરી શરૂ કરી હતી. પણ આશ્રિત દેશોમાં એ વખતે વસ્તી ગણતરી કરી નહોતી. અંગ્રેજ શાસન કાળના ભારતમાં પહેલાં અલ્હાબાદ, બનારસ અને ઢાકાની વસ્તીગણતરી થઈ હતી. સમગ્ર ભારતની પૂર્ણ વસ્તીગણતરી લોર્ડ રિપનના વાઈસરોય કાળમાં ૧૮૮૧માં થઈ હતી. ત્યારથી ભારતમાં દર દાયકે વસ્તીગણતરી થતી રહી છે. બ્રિટિશ ભારત અને આઝાદ ભારતમાં સાત-સાત વખત એમ કુલ ચૌદ વસ્તીગણતરી થઈ છે. ૨૦૨૧માં સળંગ પંદરમી અને સ્વતંત્ર ભારતની આઠમી વસ્તીગણતરી હવે થવાની છે.

કોઈ દેશ કે તેના ચોક્કસ ભાગની વ્યક્તિઓની વસ્તી સંબંધી, સામાજિક-આર્થિક માહિતી અને વિગતો એકઠી કરવી, તેનું સંકલન કરવું, મૂલ્યાંકન અને વિષ્લેષણ કરવું અને તે પ્રકાશિત કરવાની સમગ્ર પ્રક્રિયા એટલે વસ્તીગણતરી. વસ્તીગણતરીમાં માહિતીનો ખજાનો હોય છે. દેશના લોકોની માહિતીનો તે સૌથી મોટો ભંડાર છે. ગામ, કસબા, વોર્ડ, વસ્તીથી લઈને સમગ્ર દેશની જાતભાતની માહિતી તેમાંથી મળી રહે છે. તેના આધારે નીતિઓ ઘડાય છે, કલ્યાણ યોજનાઓના લાભ પહોંચાડાય છે અને સંશોધનો થાય છે.

બંધારણ અન્વયે વસ્તીગણતરી સંઘ યાદીનો વિષય છે. એટલે કેન્દ્રના ગૃહ મંત્રાલય હેઠળ વસ્તી ગણતરીનું કામ હાથ ધરાય છે. તેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સમર્થન અને સહયોગની આવશ્યકતા છે. વસ્તીગણતરીનું ગંજાવર કામ રાજ્યોની મદદ વિના પાર પાડવું શક્ય નથી. રાજ્યોમાં વસ્તી ગણતરીના નિયામકોના ક્ષેત્રિય કાર્યાલયો હોય છે. જે તે જિલ્લાના કલેકટર જિલ્લા વસ્તીગણતરી અધિકારી હોય છે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આશરે અઢાર મહિના વસ્તીગણતરીનું કાર્ય ચાલે છે.

૨૦૨૫ની વસ્તી ગણતરી અનેક રીતે વિશિષ્ટ હશે. દેશમાં પહેલી વાર ડિજિટલ વસ્તીગણતરી થવાની છે. એટલે આ વખતે કોઈ કર્મચારી કશા કાગળિયા કે ચોપડા લઈને નહીં ટેબલેટ કે સ્માર્ટ ફોન લઈને વસ્તી ગણતરી કરવા આવશે. ઘરેઘરે ફરીને તે પોર્ટલમાં માહિતી એકત્ર કરશે. કોઈ પણ દેશવાસી જાતે પોતાની માહિતી એપમાં આપી શકશે.

હાલની વસ્તી ગણતરીની મથામણ માયાજાળ પણ છે અને તેના અંગે ઘણાં મતભેદો પણ છે. વસ્તીગણતરીમાં થયેલા વિલંબ માટે મહામારી એક માત્ર કારણ નથી. ઘણા પડકારોનો સામનો આ વખતની વસ્તી ગણતરી સામે છે.

માહિતી મુજબ સ્ત્રી-પુરુષ ઉપરાંત ટ્રાન્સજેન્ડરની માહિતી પ્રથમ વખત લેવામાં આવશે. સપ્ટેમ્બર ૨૦૨૩માં સંસદે વિધાનગૃહોમાં મહિલા અનામતનું બિલ પસાર કર્યું છે. પરંતુ તેનો અમલ વસ્તીગણતરી પછી જ થઈ શકે તેમ છે. એટલે મહિલાઓ તેમના રાજકીય પ્રતિનિધિત્વ માટે જલદીથી વસ્તી ગણતરી થાય તેમ ઈચ્છે છે. લોકસભા અને રાજ્યોના વિધાનગૃહોની હાલની બેઠકોમાં પણ આ વસ્તીગણતરી પછી સુધારો થવાનો છે. વસ્તીગણતરી પછી જ લોકસભા અને વિધાનસભાની બેઠકોનું સીમાંકન હાથ ધરાશે. એટલે બેઠકોમાં વધારો અને મહિલા અનામત માટે વસ્તીગણતરી વિના વિલંબે થવી જોઈએ.

કાઁગ્રેસ અને બીજા વિપક્ષો લાંબા સમયથી જ્ઞાતિવાર વસ્તીગણતરીની માંગ કરી રહ્યા છે. સત્તાપક્ષ તેનો સીધો વિરોધ કરી શકતો નથી. બિહારે જાતિ જનગણના કરીને તેનો અહેવાલ પણ જાહેર કર્યો હતો. બિહાર, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને ઓડિશાની રાજ્ય વિધાનસભાઓએ જાતિ જનગણનાની તરફેણમાં પ્રસ્તાવો પસાર કર્યા છે. પરંતુ સરકાર માટે નિર્ણય લેવો કઠિન છે.

હાલની વસ્તીગણતરીમાં અનુસૂચિત જાતિ, જનજાતિની ગણના થાય છે. તેના આધારે તેમની અનામતની ટકાવારી નક્કી થાય છે. પરંતુ અન્ય પછાતવર્ગોની ગણતરી થતી નથી. આ માટે ૧૯૪૮ના વસ્તીગણતરી અધિનિયમનમાં સુધારો કરવો પડે તેમ છે. એક તરફ વિપક્ષોનું દબાણ અને બીજી તરફ સરકારની અસમંજસ સ્થિતિમાં વસ્તી ગણતરીનું કામ થવાનું છે.

સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ, જનજાતિની અનામતમાં પેટા વર્ગીકરણ દાખલ કર્યું છે. જો તેનો અમલ કરવો હોય તો તે જ્ઞાતિઓમાં રહેલી પેટા જ્ઞાતિઓની ગણતરી કરવી પડે અને જાતિ જનગણના માટે તમામ ભારતીય નાગરિકોની જ્ઞાતિ જાણવી પડે. યાદ રહે ભારતમાં અગાઉ જાતિ જનગણના થતી હતી. છેલ્લે ૧૯૩૧ની વસ્તીગણતરીમાં જાતિ જનગણના થઈ હતી. તે પછી ૨૦૧૧માં સામાજિક, આર્થિક અને જ્ઞાતિ ગણના થઈ હતી. પરંતુ તેનો અહેવાલ જાહેર થયો નથી. એટલે હાલમાં તો ૧૯૩૧ના આંકડાઓને આધાર માનવામાં આવે છે.

કેન્દ્ર સરકારે સી.એ.એ. અને એન.આર.સી.ને લગતા કાયદા ઘડ્યા છે. એટલે આ વખતની વસ્તીગણતરીમાં NRIC અને NPR લાગુ પાડવાનો પણ સવાલ છે. નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અપડેટ કરવું અને ભારતના નાગરિકો ન હોય તેમને જુદા તારવવાનું  કામ આ વસ્તી ગણતરીમાં થવાની શક્યતા છે.

જો વસ્તીગણતરીનો અહેવાલ ૨૦૨૭ સુધીમાં પ્રગટ થવાનો હોય તો તે પછીની વસ્તીગણતરી માત્ર ત્રણ જ વરસ પછી ૨૦૩૧માં કદાચ હાથ ધરવાને બદલે વસ્તીગણતરીનું ચક્ર બદલાય અને તે ૨૦૩૫માં હાથ ધરવામાં આવે અને તે પછી તે પ્રમાણે જ વસ્તી ગણતરી થાય તેમ બનવા જોગ છે.

ભારતની વસ્તીગણતરીનો દોઢસો વરસોનો ગૌરવશાળી ઇતિહાસ છે. તેમાં પહેલીવાર વિક્ષેપ ઊભો થયો છે. આ વિલંબે ઘણી પ્રતિકૂળ અસરો જન્માવી છે. એટલે હવે વધુ સમય ન લેતાં ૨૦૨૫માં વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ.

સામાન્ય રીતે વસ્તીગણતરીના આંકડા જાહેર થાય તે પછી તેના પર રાજકારણ ખેલાય છે. આ વેળાની વસ્તીગણતરી તેમાં પણ અપવાદ છે. વસ્તીગણતરીમાં વિલંબના કારણો અને સમાવવાના મુદ્દા અંગે હાલની જનગણના અત્યારથી જ રાજકારણનો ભાગ અને ભોગ બની છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

કથની અને કરણીમાં અંતર છે

રમેશ ઓઝા|Opinion - Opinion|26 December 2024

રમેશ ઓઝા

એક પ્રસંગ તો બહુ જાણીતો છે અને કદાચ તમે પણ સાંભળ્યો હશે. ૧૯૪૨ની ભારતછોડો લડત વખતે મુંબઈમાં ગોવાળિયા ટેંક(આજનું ઑગસ્ટ ક્રાંતિ મેદાન)માં પોલીસે સત્યાગ્રહીઓ ઉપર લાઠીચાર્જ કર્યો અને અનેક સત્યાગ્રહીઓની ધરપકડ કરી એમાં એક મહિલા પણ હતી અને તેનાં શરીર પર સોનાનાં આભૂષણ હતાં. એ બહેને તરત એ સોનાનાં દાગીના કાઢીને બાજુમાં ઊભેલા એક ભાઈને આપ્યા અને કહ્યું કે ફલાણી જગ્યાએ મારું ઘર છે એટલે તમે આ દાગીના મારા ઘરે આપી આવજો. એ ભાઈએ અચંબો પામીને એ બહેનને કહ્યું કે, બહેન, તમે મને ઓળખતાં પણ નથી, અને તમે એક અજાણ્યા આદમી પર ભરોસો કરીને મૂલ્યવાન દાગીના આપો છો? એ બહેને કહ્યું કે તમે ખાદી પહેરો છો, ગાંધીજીના માણસ છે અને એટલી ઓળખ પૂરતી છે. મને ખાતરી છે કે આ દાગીના તમે મારા ઘરે પહોંચાડી દેશો.

આને કહેવાય શાખ. અમુક પ્રકારની જીવનદૃષ્ટિ, ફિલસૂફી અને મૂલ્યનિષ્ઠા જે લોકો સ્વીકારે છે તેનાં આચરણમાં તે ઉતરે છે અને એવા લોકો તેને આત્મસાત કરી લે છે. એમાં માનનારાઓનો એક પરિવાર બને છે અને એ પરિવારની એક શાખ બને છે. ગાંધીનો પરિવાર ઉપર કહી એવી એક શાખ ધરાવતો હતો. એમાં ખોટ્ટા સિક્કા ન જ નીકળે એવું નથી, ઘણાં નીકળતા હતા, પણ ગણ્યાગાંઠ્યા. શાખ જે તે સમૂહના એકંદર આચરણ દ્વારા બને છે અને તે સારી અને નરસી બંને હોઈ શકે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ૧૯મી ડિસેમ્બરે પૂનામાં ‘ભારત એક વિશ્વગુરુ’ વિષય પર બોલતા કહ્યું હતું કે, “આપણે સદીઓથી એક સાથે સામંજસ્યપૂર્વક રહીએ છીએ અને એ જ તો વિશ્વને આપવા માટેની આપણી પાસે અમૂલ્ય વસ્તુ છે. આપણે આ (સામંજસ્યપૂર્વકનું સહઅસ્તિત્વ) વારંવાર, ફરીફરી જીવી બતાવીને વિશ્વને ઉદાહરણરૂપે આપતા રહેવાનું છે. રામ મંદિર બન્યા પછી કેટલાક લોકોને એમ લાગવા માંડ્યું છે કે તેઓ જ્યાં ત્યાં વિવાદો પેદા કરીને હિંદુઓના નેતા બની જશે. આ સ્વીકાર્ય નથી.” મોહન ભાગવતે આ પહેલાં અનેકવાર કહ્યું છે કે મુસલમાનો વિનાનો દેશ અધૂરો છે. વિરોધ પક્ષ વિરોધ કરવા માટેનો પક્ષ નથી, પણ પ્રતિવાદ કરનારો પ્રતિપક્ષ છે. જ્યાં પક્ષ હોય ત્યાં પ્રતિપક્ષ હોવાનો જ અને તેનું સ્વાગત કરવું જોઈએ. લોકતાંત્રિક સભ્ય સમાજની આ જરૂરિયાત છે.

મોહન ભાગવત વર્ષોથી વખતો વખત ઉપનિષદના ઋષિઓની, બુદ્ધ અને મહાવીરની, વિવેકાનંદ અને ગાંધીની યાદ અપાવે તેવાં નિવેદનો કરતા રહે છે. પણ પેલા ગોવાળિયા ટેંકના સત્યાગ્રહી બહેનને બાજુમાં ઊભેલા ખાદીધારી ગાંધીજન ઉપર જેટલો ભરોસો હતો એટલો ભરોસો તમને બેસે છે? નથી બેસતો, કારણ કે સંઘની શાખ જુદી છે. કથની અને કરણીમાં અંતર છે. ઉપર કહ્યા એવા ઋષિ મુનિ અને સંતોની યાદ અપાવનારાં એક બે નહીં સેંકડો નિવેદનો સંઘ પરિવારના નેતાઓએ કર્યા છે, પણ પ્રત્યક્ષ આચારણ જુદું હોય છે. ‘બંચ ઓફ થોટ્સ’ નામના પુસ્તકમાં ગોલવલકર ગુરુજી જે લખી ગયા છે એ મોહન ભાગવત કહે છે એના સામેના છેડાનું છે તો વિશ્વાસ કોના પર કરવો? ગોલવલકર ગુરુજીના અમુક અમુક વિચારો કાલબાહ્ય છે અથવા તો તે તેમનો અંગત અભિપ્રાય હતો અથવા સંઘે પોતાની વિચારધારા હવે બદલી છે એમ આજ સુધી કોઈએ કહ્યું નથી. ‘બંચ ઓફ થોટ્સ’ તેઓ છાપે છે અને વેચે છે. મોહન ભાગવત જે કહે છે એનાથી બિલકુલ સામેના છેડાના લેખો સંઘના મુખપત્રોમાં છપાતા રહે છે. ખાતરી કરી શકો છો.

દરેક વખતે ચૂંટણી જીતવા માટે જે તે મુદ્દો ચગાવીને કે સળગાવીને મુસ્લિમ વિરોધી વાતાવરણ પેદા કરવામાં આવે છે એ ક્યાં અજાણ્યું છે. લોકસભાની ગત ચૂંટણી વખતે વડા પ્રધાને મુસલમાનોનું નામ લઈને જે પ્રચાર કર્યો હતો એ તો તાજી ઘટના છે. “ખરા અર્થમાં વિશ્વગુરુ બનવું હોય તો સામંજસ્યપૂર્વકના સહઅસ્તિત્વનો ઉજ્વળ દાખલો ભારતે વિશ્વને આપતા રહેવું જોઈએ” એવો મોહન ભાગવતે આપણને જે બોધ આપ્યો એનાથી બિલકુલ વિસંગત પ્રચાર અને પ્રવૃત્તિ તેમનો પરિવાર કરે છે. મને યાદ નથી કે મોહન ભાગવતે ક્યારે ય કોઈને વાર્યા હોય કે ટપાર્યા હોય. ખેલ પૂરો થાય એ પછી ખેલદિલીની વાતો કરવાની, પણ ખેલ ખેલાતો હોય ત્યારે ગમે તે માર્ગ અપનાવવામાં આવે મૂંગા રહેવાનું. લોકસભાની ચૂંટણી પછી આપણને મોહન ભાગવતની મંગલવાણી સાંભળવા મળી હતી.

૧૯૯૨માં અયોધ્યા આંદોલન વખતે તે સમયના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસના નાના ભાઈ ભાઉરાવ દેવરસે વડા પ્રધાન નરસિંહ રાવને મળીને ખાતરી આપી હતી કે ચિંતા નહીં કરતા, આ માત્ર પ્રતીકાત્મક કારસેવા છે, મસ્જીદને હાથ લગાડવામાં નહીં આવે. ઉત્તર પ્રદેશના બી.જે.પી.ના મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહે સર્વોચ્ચ અદાલતને સોગંદનામું કરીને કહ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં મસ્જીદની રક્ષા કરવામાં આવશે. પણ એ પછી ૬ઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨નાં રોજ જે બન્યું એ તમે જાણો છો. લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે મસ્જીદ તોડી નખાઇ એ તેમના લલાટ પર ન ભૂંસી શકાય એવું લાગેલું કલંક છે. મુરલી મનોહર જોશી જ્યારે મસ્જીદ તોડવામાં આવી ત્યારે રાજી થઈને હસતા હતા. એ પછી તરત જ યોજાયેલી ત્રણ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં ભા.જ.પ.ના પ્રચારનું સૂત્ર હતું; ‘જો કહા વહ કિયા.’

તો ગાંધીપરિવારથી ઊલટું સંઘપરિવારની આ શાખ છે. તેમણે જે વિચારધારા, જીવનમૂલ્યો અને અભિગમ અપનાવ્યાં છે અને આત્મસાત કર્યા છે એમાં સાધનશુદ્ધિ, ટેકીલાપણું, એકવાક્યતા, પારદર્શકતા નથી. સદ્દગુણ એ માણસની નબળાઈ છે અને સદ્દગુણ ઉપાસ્ય નથી એમ હિન્દુત્વવાદીઓના આદ્ય વિચારક વિનાયક દામોદર સાવરકર કહી ગયા છે. ગાંધીનો માર્ગ જુદો હતો. લોકો હિંસા કરે તો ગાંધીજી ઉપવાસ કરતા. તેમના કોઈ સાથીની શિથિલતા નજરે પડે તો ગાંધીજી પ્રાયશ્ચિત કરતા. પોતાના સગા પુત્ર મણિલાલ ગાંધીએ કરેલી ભૂલ માટે ગાંધીજીએ ઉપવાસ કરેલા.

એક એ પરિવાર હતો, એક આ પરિવાર છે. એક એ શાખ હતી, એક આ શાખ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 26 ડિસેમ્બર 2024

Loading

...102030...445446447448...460470480...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved