Opinion Magazine
Number of visits: 9664852
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પોપ ફ્રાન્સીસ કઈ રીતે નોખા પડે છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|29 December 2024

રમેશ ઓઝા

આખું જગત જ્યારે જીર્ણમતવાદી, પૃથકતાવાદી, અસહિષ્ણુ, જમણેરીઓની નાગચૂડનો ભોગ બની રહ્યું છે ત્યારે જગતના દોઢ અબજ કેથલિક ખ્રિસ્તીઓને ઉદારમતવાદી માનવતાવાદી ધર્મગુરુ (પોપ) મળ્યા છે. આ થોડું વિચિત્ર ભાસે છે, પણ રાહત આપનારી મીઠી હકીકત છે. ચર્ચે પોતે અને ચર્ચના સમર્થન સાથે ઈસાઈઓએ વિધર્મીઓ સાથે જે અન્યાય અને અત્યાચારો કર્યા છે તેનો શરમજનક લાંબો ઇતિહાસ છે. પશ્ચિમની સભ્યતાની ખૂબી એ છે કે તે દસ્તાવેજીકરણમાં માને છે અને ઈમાનદારીથી રેકોર્ડ છોડી જાય છે. તેઓ કુકર્મોના પણ દસ્તાવેજ આવનારી પેઢી માટે છોડીને જાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કેવી રીતે ભારતની પ્રજાનું શોષણ કર્યું, કેવી રીતે ગદ્દારી કરીને ભારત પર કબજો કર્યો એના બધા જ દસ્તાવેજો ઉપલબ્ધ છે. એ રીતે ચર્ચે કરેલા અન્યાયો અને જુલ્મોના સિલસિલાબંધ દસ્તાવેજો ચર્ચે જ જાળવી રાખ્યા છે અને એટલે આપણે એમ કહી શકીએ કે ધર્મને નામે તેમણે શું નથી કર્યું!

જગતમાં ખ્રિસ્તીઓની કુલ વસ્તી અંદાજે અઢી અબજ છે, જેમાં કેથલિક ખ્રિસ્તીઓ ૪૮ ટકા વસ્તી ધરાવે છે. પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓની વસ્તી ૨૩.૮ ટકા એટલે કે અંદાજે ૭૫ કરોડ છે. આપણી સમજ એવી છે કે ખ્રિસ્તી ધર્મ માત્ર બે ફાંટાઓમાં વહેંચાયેલો છે; કેથલિક અને પ્રોટેસ્ટન્ટ. પણ એવું નથી. આ સિવાયના અને આ બંનેની અંતર્ગત બીજા સેંકડો ફાંટાઓ છે. ખ્રિસ્તીઓ અને મુસલમાનો એક ખીલે બંધાયેલા સંગઠિત છે અને તેમનો મુકાબલો કરવા હિંદુઓએ સંગઠિત થવું જોઈએ એ ડરનારાઓએ અને ડરાવનારાઓએ જાપ જપીને પેદા કરેલું અસત્ય છે.

પોપ ફ્રાન્સીસ

ટૂંકમાં ખ્રિસ્તીઓમાં બે ફાંટા મુખ્ય છે અને તે જગતની લગભગ ૭૦ ટકા ખ્રિસ્તી પ્રજાને આવરી લે છે. આ બેમાં પ્રોટેસ્ટન્ટ નામ જ સૂચવે છે, એમ સુધારાવાદી છે. ૧૬મી સદીમાં તેમણે કેટલાક સુધારાઓની માગણી કરી જેને ચર્ચે ન સ્વીકારી અને વિભાજન થયું. આનાં સામાજિક-આર્થિક-રાજકીય પરિણામો પણ જોવા મળ્યાં. જગતના ખ્રિસ્તી દેશો પર નજર કરશો તો જેટલા દેશ પ્રોટેસ્ટન્ટોની બહુમતીવાળા છે એ બધા પ્રગતિશીલ વિકસિત દેશો છે અને કેથલિક દેશો  ઠીકઠીક પ્રમાણમાં પાછળ છે. વૈજ્ઞાનિક શોધો પ્રોટેસ્ટન્ટ દેશોમાં વધુ થઈ. ઔદ્યોગિક ક્રાંતિ પ્રોટેસ્ટન્ટ દેશોમાં થઈ. જગતના અનેક દેશો પર પ્રોટેસ્ટન્ટ દેશોએ કબજો કર્યો અને ગુલામ બનાવ્યા. એ વિભાજને સાબિત કરી આપ્યું કે તાકાત ધાર્મિકતામાં, ધર્મને વળગીને ચોંટી રહેવામાં, અનુયાયીઓની સંખ્યામાં નથી, પણ મસ્તિષ્કમાં છે અર્થાત વિવેકમાં છે. શંકા કરો, પ્રશ્ન ઉપસ્થિત કરો, પ્રશ્નનો ઉપાય શોધો અને આગળ વધો. જો ઉપાય શાસ્ત્રોમાં ન મળતો હોય તો શાસ્ત્રોને બાજુએ મૂકીને આગળ વધો. કેથલિક અને પ્રોટેસ્ટન્ટ એ માત્ર બે ધાર્મિક સંપ્રદાયો નહોતા, બે અભિગમ હતા જેનું પરિણામ હમણાં કહ્યું એમ તમારી સામે છે.

કેથલિક અભિગમ એટલે કે રૂઢિચૂસ્ત અભિગમ. અલગ પ્રકારનો જાતીય સંબંધ ધરાવનારા તૃતીયપંથીઓ, મારાં શરીર પર મારો અધિકારના નામે સ્ત્રીઓના ગર્ભપાત કરાવવાના અધિકારો, ઈશ્વરને અને ધર્મને નહીં સ્વીકારનારી નાસ્તિકતાના અધિકારો, ઈસાઈ ધર્મ સિવાયના બીજા ધર્મો પણ સાચા ધર્મો છે અને તે પણ મનુષ્યને સ્વર્ગે પહોંચાડે છે એ વાતનો સ્વીકાર વગેરે રુઢિચુસ્તોને કવરાવનારા સવાલો છે. ચર્ચ ઇન્ટર ફેથ કોન્ફરન્સ દાયકાઓથી કરે છે, પણ દરેક ધર્મ સાચા અને સમાન છે એ વાતનો સ્વીકાર કર્યા વિના. આપણે નોખા છીએ, પણ આ ધરતી પર સાથે છીએ એટલે સાથે જીવવાની ભૂમિકા બનાવવી રહી એ રીતે.

પણ આમાં વર્તમાન પોપ ફ્રાન્સીસ નોખા પડે છે. તેઓ સમલિંગીઓના અધિકારનો સ્વીકાર કરે છે. પાદરી સમલિંગી હોઈ શકે એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે જો સમલિંગી ઈશ્વરને માનતો હોય અને તે પોતાને ઈશ્વરનો બંદો માનતો હોય તો આપણે કોણ તેને ગેરલાયક ઠરાવનારા! તેઓ સ્ત્રીઓના ગર્ભપાતના અધિકારોનો સ્વીકાર કરે છે. નાસ્તિક માણસ પણ સ્વર્ગનો અધિકારી છે એમ પણ તેમણે કહ્યું હતું. જો કે રેડીકલ લિબરલ જમાત આટલાથી સંતુષ્ટ નથી. બોલો સ્ત્રીનાં શરીર પર (અર્થાત્ સ્ત્રીના ગર્ભમાં અંકુરિત થતાં જીવ પર પણ) સ્ત્રીનો અધિકાર છે. બોલો લિંગ (સ્ત્રી અને પુરુષ) માત્ર બે નથી, બે કરતાં વધુ છે અને ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે એ ખોટું છે. રેડીકલ લિબરલોની સમસ્યા એ છે કે જો કોઈ માણસ સમાજને માનવતા અને ઉદારતાની દિશામાં એક ડગલું આગળ લઈ જાય તો તેનાથી તેમને સંતોષ થતો નથી, સૌ પહેલાં તેઓ એમ કરનારની જ અગ્નિપરીક્ષા લે છે, જેમ આપણે ત્યાં ગાંધીજીની લેવામાં આવે છે. અસ્પૃશ્યતા હિંદુઓ માટે કલંક છે એમ કહીને જતા રહો એ ન ચાલે, અસ્પૃશ્યતાનું સમર્થન કરનારા ધર્મગ્રંથો પણ નિંદનીય છે એમ કહો અને ધર્મગ્રંથોની નિંદા પણ કરો. ગાંધીજીને માનવતાના શત્રુઓએ જેટલા બદનામ નથી કર્યા એટલા આ રેડીકલ લિબરલોએ કર્યા છે. પ્રજાકલ્યાણની ઠેકેદારી સમસ્યારૂપ છે પછી એ ધર્મની હોય, ધર્મગ્રંથોની હોય, ધર્મપીઠની હોય, ધર્મગુરુની હોય, ધર્મરક્ષક નેતાની હોય, રાજકીય પક્ષની હોય કે પછી માનવતાના ઠેકેદાર રેડીકલ લિબરલ હોય.

ઘણા રેડીકલ લિબરલો એમ માને છે કે વર્તમાન પોપ જોઈએ એટલા ઉદારમતવાદી નથી અને એ શક્ય પણ નથી, કારણ કે ઉદારમતવાદી માનવતાવાદી બનવું હોય તો ધર્મ અને ધાર્મિકતા છોડીને શુદ્ધ માનવ બનવું પડે. ધર્મ અને ધાર્મિકતા માણસાઈનો છેદ ઊડાડે છે. બીજા છેડે ધાર્મિક કેથલિકો પણ અસ્વસ્થ છે. પરિવારમાં જે શીખવવામાં આવ્યું છે અને ચર્ચમાં જે શીખવવામાં આવે છે એના કરતાં આ કશુંક જુદું બોલે છે. તેમને તો એવો ધર્મગુરુ જોઈએ છે જે આપણા ધર્મની સર્વોપરિતાની વાત કરતો હોય. સહિષ્ણુતાનો માત્ર એટલો જ અર્થ લેવાનો કે આ ધરતી પર જીવવાનો અધિકાર ‘બીજા’ પણ ધરાવે છે, પણ એ ‘બીજા’ છે, ‘આપણે’ નથી ‘આપણે’ વિશેષ છીએ. ડાબે અને જમણે બંને છેડાના રેડીકલો મધ્યમમાર્ગ વિકસવા દેતા નથી.

કેથલિક ખ્રિસ્તીઓ ત્યારે વિમાસણમાં પડી ગયા જ્યારે અમેરિકામાં યોજાઈ રહેલી પ્રમુખપદની ચૂંટણી વખતે પોપે કહ્યું કે સમાજમાં દીવાલો ઊભી કરનારાઓને મત નહીં આપવો જોઈએ. ઈશારો ડોનાલ્ડ ટ્રમ્પ વિષે હતો, જ્યારે કે અમેરિકન કેથલિક ખ્રિસ્તીઓ પરંપરાગત રીતે રીપબ્લિકન પક્ષના ટેકેદારો છે. પરિણામ બતાવે છે કે કેથલિક મતદાતાઓએ પોપની વાત સાંભળી નહોતી. તેજ હવા જે દિશામાં વહેતી હોય તેની વિરુદ્ધ દિશાની જો કોઈ વાત કરતું હોય તો લોકો તેને સાંભળતા નથી, પછી એ પોપ હોય કે ગાંધી, બુદ્ધ હોય કે ઈશુ. આપણે ત્યાં પણ આ જોવા મળી રહ્યું છે. ગઈ કાલ સુધી જે લોકો માનવતાની આહલેક લઈને ફરતા હતા એ લોકો અત્યારે લોકોને ગમે એવી વાત કરતા થઈ ગયા છે.

પણ વર્તમાન પોપ પ્રવાહપતિત નથી એ ફરીવાર તેમણે સાબિત કરી આપ્યું છે. ઇઝરાયેલના ગાઝા પરના હુમલાઓને તેઓ યુદ્ધ તરીકે ઓળખાવવાની ચોખ્ખી ના પાડે છે અને સ્પષ્ટ શબ્દોમાં કહે છે આ નરસંહાર છે, નિંદનીય કૃત્ય છે, માનવતા માટે કલંક છે. આની કોઈ અસર થાય કે ન થાય, એક ધર્મપીઠે માનવતાની તરફેણમાં અવાજ ઉઠાવ્યો એનું મહત્ત્વ છે. જો કે ઇઝરાયેલ આને કારણે વિચલિત જરૂર થઈ ગયું છે. દરમિયાન તટસ્થતા માટે વૈશ્વિક ખ્યાતિ ધરાવનાર બી.બી.સી.માં પણ બળવો થયો છે. માણસાઈકેન્દ્રી પત્રકારત્વનો આગ્રહ રાખનારાઓએ રાજીનામાં આપીને નીકળી જવાની જગ્યાએ ઊઘાડો બળવો કર્યો છે. બી.બી.સી.ની શાખ દાવ પર લાગી છે.

આ નાતાલના સપ્તાહમાં પોપ ફ્રાન્સીસને સલામ.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 29 ડિસેમ્બર 2024

Loading

અતુલ સુભાષની આત્મહત્યાનો કિસ્સો ‘સ્ત્રી-વિરુદ્ધ પુરુષ’નો જંગ નથી 

નેહા શાહ|Opinion - Opinion|29 December 2024

નેહા શાહ

કોઈ પણ કાયદાના ઉપયોગ અને  દુરપયોગની ચર્ચા થવી એ આમ તો સમાજની તંદુરસ્તી માટે જરૂરી છે. પણ, બેંગ્લોર સ્થિત ૩૪ વર્ષના અતુલ સુભાષની દુ:ખદ આત્મહત્યા પછી ભારતના મીડિયા પર ચર્ચા એ તો સ્ત્રી વિરુદ્ધ પુરુષનું રૂપ લીધું છે! અતુલે એની પત્ની તરફથી થતી હેરાનગતિથી થાકીને અંતિમ પગલું લીધું. મીડિયા અને સોશ્યલ મીડિયા પર ઊભી થયેલી ચર્ચામાં સ્ત્રીને રક્ષણ આપતા કાયદાને ‘પુરુષ-વિરોધી’નું બિરુદ આપવામાં આવ્યું. આ ચર્ચા સાંભળી લઈએ તો એવું લાગવા માંડે કે જાણે, સમાજના સત્તાના સમીકરણ બદલાઈ ગયા હોય ! પુરુષો જાણે સ્ત્રીઓના હાથે પ્રતાડિત જાતિ બની ગઈ હોય! દેશભરની સ્ત્રીઓ લાલચુ બની ગઈ હોય અને પતિઓને રંજાડી તેની સંપત્તિ હડપી લેવાના પેંતરા જાણે રોજીંદી વાત બની ગઈ હોય ! આઈ.પી.સી. ૪૯૮ (સ્ત્રીને પતિ તેમ જ સાસરિયા દ્વારા આચરવામાં આવતી ક્રુરતા સામે રક્ષણ આપે છે) અને દહેજ પ્રતિબંધ કરતો કાયદા તો જાણે કુટુંબ વ્યવસ્થાના તાણાવાણા તોડી નાખશે એવા ભયંકર હથિયાર જેવા લાગવા લાગે! પુરુષોના અધિકારની માંગ સાથે રસ્તા પર દેખાવો પણ થયા! ‘નિર્દોષ પતિ’ઓને બચાવવા માટે કાયદામાં સુધારા કરવાની જાહેર હિતની અરજી પણ થઇ ગઈ. અને ‘પુરુષ બચાઓ’ અને ‘કુટુંબ બચાઓ’ જેવા અભિયાન શરૂ થઇ ગયા. 

શું ખરેખર સમાજમાં ૧૮૦ ડિગ્રીનું પરિવર્તન આવ્યું છે? શું દહેજ પ્રથાનું દૂષણ આપણા સમાજમાંથી નાબૂદ થઇ ગયું છે? જવાબ છે – ના. દહેજ વિરોધી કાયદો ભલે ને છેક ૧૯૬૧માં આવ્યો, પણ આજ સુધી દહેજની માંગણી એક યા બીજી રીતે ચાલુ જ છે અને એ સાથે સ્ત્રીઓનું પ્રતાડન પણ ચાલુ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે આજે પણ સરેરાશ દિવસના ૧૮થી ૨૦ સ્ત્રીઓના દહેજ સંબંધી હિંસાને કારણે અપમૃત્યુ થાય છે. દહેજ ઉપરાંત બીજાં અનેક કારણો સર સ્ત્રીઓ ઘરેલુ હિંસાનો ભોગ બનતી રહે છે. રાષ્ટ્રીય આરોગ્ય સર્વે મુજબ ૩૨ ટકા પરિણીત સ્ત્રીઓ ઘરેલું હિંસાનો સામનો કરે છે. જેમાંની ૮૭ ટકા ક્યારે ય કોઈ મદદ માટે પ્રયત્ન કરતી જ નથી. તે હિંસાને પોતાનું નસીબ સમજીને  સહન કર્યે જતી હોય છે! એનો મતલબ એ થયો કે ઘરેલું હિંસાના જે કિસ્સા બહાર આવે છે એ તો હિમશીલાની બહાર દેખાતી ટોચ જેટલાં જ છે. આ સંજોગોમાં ઘરેલું હિંસા અને એ માટે જવાબદાર કારણો સામે લડવા માટે ઘડાયેલા કાયદાની ખૂબ જરૂર છે. 

મહિલાઓ સાથે કામ કરનાર સ્વૈચ્છિક સંસ્થાના અનુભવ એવું બતાવે છે કે ઘરેલું હિંસાના અનેક પ્રકાર છે. ઘણી વાર એવું બનતી હોય છે કે જ્યારે મહિલા આવી હિંસા સામે ફરિયાદ નોધાવે ત્યારે પોલીસ એને ‘દહેજ સંબંધિત હિંસા’ની કલમ લગાવી કેસ નોંધે તો કોર્ટમાં એ કેસ ટકી શકતો નથી, કારણ કે દરેક હિંસા પાછળ દહેજ જ કારણ હોય એ જરૂરી નથી. જ્યારે કોર્ટ આ કેસને બરતરફ કરે તો એનું અર્થઘટન એવું થાય કે પુરુષને ફસાવવા એના વિરુદ્ધ દહેજ વિરોધી કાયદાનો ઉપયોગ કરાયો. હકીકતમાં આવા કેસમાં ફરિયાદ નોંધનાર પોલીસની કાચી સમજ અને બેદરકારી વધુ કારણભૂત હોય છે. શક્ય છે કે તેઓ ફરિયાદી મહિલાનો કેસ મજબૂત બનાવવા કડક કલમનો ઉપયોગ કરતા હોય પણ એના પરિણામે મહિલાને ન્યાય નથી મળતો તેમ જ સમાજમાં મહિલા વિરુદ્ધ માહોલ ઊભું થાય એ વધારાનું. આ ઉપરાંત, કાયદાની કડક જોગવાઈઓ પોલીસ અને ન્યાયતંત્ર સાથે સંકળાયેલા લોકો માટે લાંચ-રુશ્વત માટેનું મોટું બહાનું બની રહે છે. અતુલ સુભાષે પણ આ મુદ્દો એની સ્યુસાઈડ નોટમાં લખી છે. તો ચર્ચાનાં કેન્દ્રમાં કાયદાના અમલ તેમ જ ભ્રષ્ટ તંત્ર હોવા જોઈએ, નહીં કે કાયદાને ‘સ્ત્રી વિરુદ્ધ પુરુષ’ ચીતરતા પ્રયાસ. કાયદાના દુરુપયોગની સામે અલબત્ત પગલાં લેવાવા જોઈએ. પણ, છૂટા છવાયા કિસ્સા અને સામાજિક ધોરણ વચ્ચે વિવેક ભેદ કરવો પડે. દુર્ભાગ્યે ‘કુટુંબ બચાવો’ જેવા અભિયાન આ જટિલતામાં પડતા નથી, અને કાયદાનાં દુરુપયોગનો ઉકેલ કાયદો બદલવામાં શોધે છે. અને આજનું મીડિયાને પણ સનસનાટી ઊભી કરવામાં વધુ રસ છે. 

આમ કહેવાનો મતલબ અતુલ સુભાષ જેવા કિસ્સાની ગંભીરતા ઓછી આંકવાનો બિલકુલ નથી. કારણ કે પુરુષોમાં આત્મહત્યાના વધેલા કિસ્સા ચિંતાનું કારણ છે, જેમાં કૌટુંબિક કંકાસ પણ એક મહત્ત્વનું કારણ છે. અહીં એ નોંધવું જરૂરી છે કંકાસ પાછળનું એક મોટું કારણ યોગ્ય રોજગારનો અભાવ હોય છે. એટલે એને માત્ર સ્ત્રી-પુરુષ વચ્ચેનાં પ્રશ્ન તરીકે જોઈ શકાય નહિ. સામાજિક અને આર્થિક માળખાંને પણ સમજવું પડે. જ્યારે સમાજિક ધોરણો કમાવાની જવાબદારી પુરુષના ખભે નાખે છે, ત્યારે સામાજિક અપેક્ષાઓ પૂરી નહિ કરી શકવાનું દબાણ એના મન પર હોવાનું જોવામાં આવ્યું છે. સામાજિક મૂલ્યોનો શિકાર માત્ર સ્ત્રી જ નહિ પણ પુરુષો પણ છે. જો એ સમજીશું તો સામાજિક વ્યવસ્થાને બદલવા તરફ વધુ ધ્યાન આપી શકીશું. નહીંતર, સ્ત્રી વિરુદ્ધ પુરુષની લડાઈમાં જ અટવાયેલા રહીશું.

સૌજન્ય : નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ડૉ. મનમોહન સિંહ : મૌનની મક્કમતા, કૌશ્યલ્યપૂર્ણ મહત્ત્વાકાંક્ષા અને શાલીનતાના રાજકારણનો પર્યાય

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|29 December 2024

રાજકીય અવકાશ જેમાં આકરું રાજકારણ હતું, ટીકાઓ હતી એ બધાંની વચ્ચે તેમણે પોતાનાં કામનો એવો પ્રભાવ ખડો કર્યો, જેનાથી આપણા આખા દેશને એક માર્ગ મળ્યો. તેઓ વિચારક નહોતા પણ કર્મઠ હતા, મોટી વાતો કરવી એક ચીજ છે, પણ નક્કર અમલીકરણ કરી બતાડવું એ જ ખરું કૌશલ્ય છે.

ચિરંતના ભટ્ટ

મૌનની મક્કમતા શું હોય એ સમજવા માટે ભારતના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહની કારકિર્દી, કામગીરીની શૈલી અને વહેવાર જોવા રહ્યાં. ભારતીય અર્થતંત્રના ઘડતરમાં તેમના સિંહફાળાની યાદી અર્થશાસ્ત્રીની ત્રિરાશીને ચકરાવે ચઢાવી દે તેવી હતી તેમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી. 92 વર્ષની વયે કથળતાં સ્વાસ્થ્યને કારણે તેમનું 26 ડિસેમ્બરે દિલ્હીમાં સારવાર દરમિયાન નિધન થયું. વડા પ્રધાન પદે હતા અને છેલ્લી પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહ્યા હતા ત્યારે 3 જાન્યુઆરી 2014ના રોજ તેમણે કંઇક આવું કહ્યું હતું કે, “હું પ્રામાણિકપણે માનું છું કે અત્યારના મીડિયા અને સંસદભવનના વિરોધપક્ષો કરતાં ઇતિહાસ મારા પ્રત્યે વધુ દયાળુ હશે.” તેમણે આમ કહી ઉમેર્યું હતું કે, “સરકારના કેબિનેટ તંત્રમાં જે પણ થતું હોય તેની વિગતો હું બહાર ન પાડી શકું. અત્યારના સંજોગો અને એક ગઠબંધનના આધારે ઘડાયેલી નીતિને કારણે જે ફરજ પડતી હોય તે તમામને ગણતરીમાં રાખીને મેં મારાથી બનતું શ્રેષ્ઠ કર્યું છે.”

પંજાબના નાનકડા ગામડામાં ધૂળિયા રસ્તા, પાણીની તંગી, અગવડો વચ્ચે પસાર થયેલું બાળપણ અને પછી ત્યાંથી વિશ્વનાં શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાનોના વર્ગ ખંડો, રિસર્ચ, શિક્ષણ, આર્થિક નીતિનું સુકાન અને અંતે વડા પ્રધાન પદ સુધીની સફર – આટલા શબ્દોમાં ડૉ. મનમોહન સિંહનો પ્રોફેશનલ રેઝ્યુમેને વર્ણવવાથી મોટો અન્યાય બીજો કોઇ ન હોઈ શકે. પરંતુ આ તેમની વ્યવસાયિક ઉપલબ્ધિઓ અને ઉપાધિઓની વાત કરવાનો વખત નથી. એક સમયે જેમના વિશે ‘સાઇલન્ટ પી.એમ.’ના ટેગને લઈને બેફામ વાણીવિલાસ કરાયો હતો, આવો વાણી વિલાસ કરનારી એકેએક વ્યક્તિ સારી પેઠે જાણે છે કે તેમણે ભારતના અર્થતંત્રને એવા સમયે બેઠું કર્યું અને વૈશ્વિક ફલક પર પગ માંડતું કર્યું જ્યારે એવી શક્યતાઓની કલ્પના પણ અશક્ય હતી. રાજકીય અવકાશ જેમાં આકરું રાજકારણ હતું, ટીકાઓ હતી એ બધાંની વચ્ચે તેમણે પોતાનાં કામનો એવો પ્રભાવ ખડો કર્યો જેનાથી આપણા આખા દેશને એક માર્ગ મળ્યો. તેઓ વિચારક નહોતા પણ કર્મઠ હતા, મોટી વાતો કરવી એક ચીજ છે પણ નક્કર અમલીકરણ કરી બતાડવું એ જ ખરું કૌશલ્ય છે.

પી.વી. નરસિંહા રાવ જ્યારે વડા પ્રધાન હતા ત્યારે નાણાં મંત્રી ડૉ. મનમોહન સિંહે ભારતમાં આર્થિક ઉદારીકરણનો કાર્યક્રમ અમલમાં મૂકીને ભારતના અર્થતંત્રને ધરમૂળથી બદલ્યું. લાઇસન્સ રાજના રહ્યા સહ્યા કાંગરા આ સાથે ખરી ગયા અને ભારતની સમાજવાદ લક્ષી આર્થિક નીતિઓ ફ્રી માર્કેટમાં વહેતી થઇ. ભારતની એક રાષ્ટ્ર તરીકેની મહત્ત્વાકાંક્ષા વધી. આજે જે વિદેશી નીતિઓ પર અત્યારની સરકાર ડગલાં ભરી રહી છે તેનો પાયો અને શરૂઆત તો ડૉ. મનમોહન સિંહને કારણે જ નંખાયો હતો. ભારતને વિશ્વનું ઝડપથી વધતું અર્થતંત્ર બનાવવાનો શ્રેય ડૉ. મનમોહન સિંહને જ જાય છે. તેઓ પહેલા એવા ભારતીય ટેક્નોક્રેટ હતા જે રાજકીય વિશ્વમાં ટોચે પહોંચ્યા હતા. કાઁગ્રેસ કેન્દ્રમાં હોય ત્યારે ગાંધી-નહેરુ પરિવારના ન હોય પણ વડા પ્રધાન પદ સૌથી લાંબો સમય સફળતાથી જેમણે સંભાળ્યું હોય તે વ્યક્તિ એટલે ડૉ. મનમોહન સિંહ.

ડૉ. મનમોહન સિંહ રાજકારણમાં સૌથી પહેલાં તો નાણાં મંત્રી તરીકે આવ્યા. આર.બી.આઈ.ના પૂર્વ ગવર્નર આઇ.જી. પટેલે જ્યારે એ પદ સ્વીકારવાની ના પાડી તેની પછી ડૉ. મનમોહન સિંહના ભાગે એ દેશનું નાણા મંત્રાલય આવ્યું. 1991માં નેધરલેન્ડ્ઝમાં કોન્ફરન્સ અટેન્ડ કર્યા પછી દિલ્હી પાછા ફરેલા ડૉ. મનમોહન સિંહને પી.વી. નરસિંહા રાવની વિશ્વાસુ વ્યક્તિનો ફોન આવ્યો. એ ફોન કૉલથી ભારતના આર્થિક ભવિષ્યમાં બદલાવ આવવાની શરૂઆત થઇ. કાઁગ્રેસના આંતરીક અને બાહ્ય આકરા પ્રહારોની વચ્ચે કામ શરૂ થયું. અર્થતંત્ર ખાડે ગયું હતું, ફોરેક્સ રિઝર્વ માત્ર 2,500 કરોડ રૂપિયે આવીને અટકેલું જેનાથી માંડ બે અઠવાડિયાની આયાત મેનેજ થાય એવું હતું, વૈશ્વિક બેંકોએ ભારતને લોન આપવાની ના પાડી દીધેલી અને ફુગાવો તો ન પૂછો વાત. આજે પાકિસ્તાનની જે વલે છે આપણે પણ લગભગ એવી હાલત થવાના આરે જ હતા. પણ ડૉ. મનમોહન સિંહને કારણે ભારત લાઇસન્સ રાજને આવજો કહી શક્યો. જે માણસને રાજકારણ સાથે લેવાદેવા જ નહોતાં તેણે નાણાં મંત્રીનં પદ સંભાળ્યું અને મહિનામાં તો પેહલું બજેટ જાહેર કર્યું. નવી ઔદ્યોગિક નીતિ, રૂપિયાનું મૂલ્ય પગલાંવાર ઘટાડવું, ઉદારીકરણ અપનાવવું, સેબીની સ્થાપના કરીને નવા ફેરફારો કરવાની દિશામાં કામ થયું. ડૉ. મનમોહન સિંહનું પહેલું બજેટ નાણાંકીય મજબૂતાઈ ખડી કરવા પર કેન્દ્રિત કરાયું અને નકામા ખર્ચ અટકાવાયા.

2004માં સોનિયા ગાંધીએ યુ.પી.એ.  સરકારમાં વડા પ્રધાન પદ નકાર્યું અને પસંદગીનો કળશ ડૉ. મનમોહન સિંહ પર ઢોળાયો. તેમની સાફ છબી, શાલીનતા અને વહીવટી અનુભવને કારણે તેમને આ પદ માટે પસંદ કરાયા હતા તે સાહજિક હતું. એક અભિપ્રાય અનુસાર સોનિયા ગાંધી પાસે પ્રણબ મુખર્જી કે અર્જુન સિંહ જેવા રાજકારણીઓનો વિકલ્પ પણ હતો, છતાં પણ ડૉ. મનમોહન સિંહ એક એવી પ્રતિભા હતા જે કાઁગ્રેસના અન્ય પ્રમુખ ચહેરાઓને અવગણીને શાસન ન કરત, તેમને સાથે રાખીને કામ કરત. ડૉ. મનમોહન સિંહને રાજકારણનું કે સત્તાનું ઘેલું નહોતું. તેમને માટે સાફ વહીવટ અનિવાર્ય હતો અને માટે જ સોનિયા ગાંધીની સામે નહીં પણ સાથે રહીને રાજકીય સત્તા જરૂર પડે ત્યારે વહેંચીને કામ કરવાની વ્યવહારુતા તેમનામાં હતી.

ડૉ. મનમોહન સિંહને વિરોધ કરવામાં રસ નહોતો, તેમને ખબર હતી કે વડા પ્રધાન પદની ગરિમા જળવાય એ રીતે દેશના હિતમાં કામ કરવું જ તેમનું લક્ષ્ય છે. તે પોતાના લક્ષ્ય પરથી ચળ્યા નહીં. લોકોએ તેમના અને સોનિયા ગાંધી વચ્ચેના સંઘર્ષોને ઉછાળવાનો પ્રયાસ કર્યો, પણ તમામ સંજોગોમાં તેમણે શાલીનતા ન છોડી. આટલા વિરોધ અને ગરમા-ગરમી વચ્ચે તેમણે ઇન્ડિયા-યુ.એસ. સિવિલ ન્યુક્લિયર ડીલ જે રીતે પાર પાડી તેને જેટલી દાદા આપીએ એટલી ઓછી છે. કાઁગ્રેસના અન્ય મોટાં માથાઓને ખાતરી નહોતી કે એ પાર પડશે કે કેમ, વળી ડાબેરીઓ પણ ન્યુક્લિઅર ડીલના વિરોધમાં હતા. આ છતાં પણ વડા પ્રધાન તરીકે તેમને જે રાષ્ટ્રના ફાયદામાં લાગ્યું તે તેમણે કર્યું જ. 2007-8ની વૈશ્વિક મંદીમાં ભારતને ઓછામાં ઓછી અસર થાય તેની તકેદારી રાખવાની જવાબદારી પણ તેમણે ખૂબ સારી પેઠે ઉપાડી. કમનસીબે યુ.પી.એ.-2નું પડી ભાંગવું, સાથે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની ઝાળ, વળી નરેન્દ્ર મોદી હેઠળ ભા.જ.પા.નું મોટા થવું, એન.ડી.એ.નું ગઠબંધન વગેરે કાઁગ્રેસને નબળું પાડતું ગયું. 2014માં સત્તા પલટો થયો. કાઁગ્રેસ છેલ્લે કેન્દ્રમાં હતી ત્યારે તેનો રાજકીય શાસકીય અધિકૃત ચહેરો એટલે ડૉ. મનમોહન સિંહ.

એ સ્વીકારવું રહ્યું કે ડૉ. મનમોહન સિંહની સિદ્ધિઓ તેમના અનુગામીઓ માટે રસ્તા મોકળા કરતી ગઈ છે. તેમના જેવા કુશાગ્ર બુદ્ધિવાળા રાજકારણીઓ હવે મળવા મુશ્કેલ છે. તેમના જેટલા શૈક્ષણિક લાયકાત ધરાવતા રાજકરાણીઓ પણ આંગળીને વેઢે ગણાય એમ છે. તેમના કામ વિશે ઘણું લખાયું છે, લખાતું રહેશે. સાથે તેમની નમ્રતાઓના કિસ્સા પણ ચર્ચાતા રહેશે. તેઓ સમાનતામાં માનતા. કેટલા ય લોકો એવા છે જેમની જિંદગીમાં તેઓ નોકરીને અલવિદા કહી બિઝનેસ કરવાનું વિચાર્યું તેનો શ્રેય તેઓ ડૉ. મનમોહન સિંહની આર્થિક નીતિઓના સુધારાઓને આપે છે.

એક અત્યંત ધારદાર અર્થશાસ્ત્રી જેમણે આર્થિક રીતે ઉદારમતવાદી ભારત દેશ કેવો હોઈ શકે તેની કલ્પના કરી અને તે મહત્ત્વાકાંક્ષાને સાકાર પણ કરી તેમને ગુમાવવું દેશ માટે એક બહુ મોટી ખોટ છે. તેમને ગઠબંધનની સરકારનું રાજકારણ અને વિરોધ પક્ષોનો અસહકાર નડ્યો પણ છતાં ય તેમણે નેશલન ફૂડ સિક્યોરિટી એક્ટ, નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ જેવા કાયદા પસાર કર્યા અને આંતરિયાળ ભારત સુધી પહોંચ્યા. રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ પણ તેમની સરકારમાં અમલમાં આવ્યો, જનતાના હાથમાં સરકારની ચકાસણી કરવાનું આવું શસ્ત્ર આપવાની હિંમત એક સાફ રાજકારણી જ કરી શકે જેને પોતાન કામ પર પૂરેપૂરી આસ્થા હોય. 21મી સદીમાં યુ.એસ.-ભારતના સંબંધો સૌથી ચાવીરૂપ વૈશ્વિક સંબંધ રહ્યા છે અને તેને સ્થિરતા આપવાનું શ્રેય ડૉ. મનમોહન સિંહને જ આપવું રહ્યું.

મૃદુ અવાજમાં વાત કરનાર મનમોહન સિંહ આકરા સવાલોના જવાબ પણ શાલીનતાથી જ આપતા રહ્યા. તેમની સાથે મોન્ટેક સિંહ અહલુવાલિયાથી માંડીને રઘુરામ રાજન જેવા ધારદાર કૌશલ્ય ધરાવનારા લોકો જોડાયા કારણ કે એક બૌદ્ધિક રીતે સબળ વ્યક્તિ જ આ પ્રકારની આવડતને આવકારીને તેનો ખરો ઉપયોગ કરી શકે છે. આટલું બધું કામ કરનારા મનમોહન સિંહને તેમની સરકારી બી.એમ.ડબ્લ્યુ. લક્ઝરી કાર કરતાં પોતના નાનકડી મારુતી 800 વાપરવાનું માફક આવતું – આ સાદગીનું પિષ્ટપેષણ પણ ન હોય કારણ કે એ જ તેમના વ્યક્તિત્વની ઓળખ હતી.

બાય ધી વેઃ 

અસાધારણ વિકાસનાં વર્ષોમાં ભારતનું સુકાન સંભાળનારા ડૉ. મનમોહન સિંહ ગંભીરતાને વરેલા નહોતા. લોકસભામાં ચર્ચાઓ દરમિયાન ગાલિબ, અલ્લામા ઇકબાલના શેર ટાંકીને તંગ સંજોગોમાં માહોલ બદલવાની આવડત પણ ડૉ. મનમોહન સિંહમાં હતી. તેમણે સુષ્મા સ્વરાજ સાથેના સંવાદમાં ટાંક્યું હતું, “માના તેરી દીદ કે કાબિલ નહીં હું હૈં, તૂ મેરા શૌક દેખ, મિરા ઇંતિઝાર દેખ.” તેમના મૌન અંગે સતત ટીકાનો વરસાદ થતો હતો અને કૉલ બ્લોક ફાળવણીના ભ્રષ્ટાચારના આરોપ મુકાયા હતા ત્યરે સંસંદની બહાર મીડિયામાં તેમણે મૌન પર ટોણા મારનારાને જવાબમાં કહ્યું હતું, “હઝારોં જવાબોં સે અચ્છી હૈ મેરી ખામોશી, ન જાને કિતને સવાલોં કી આબરુ રખી.” સુષ્મા સ્વરાજ સાથેની અન્ય એક ચર્ચામાં ગાલિબનો શેર ટાંક્યો હતો, ‘હમ કો ઉનસે હૈ વફા કી ઉમ્મીદ, જો નહીં જાનતે વફા ક્યા હૈ.’  આવી અદાથી રાજકારણ ખેલનારા રાજકારણીઓ હવે ક્યાં? આવી વ્યક્તિના જવાથી એક ઉચ્ચ કક્ષાના દૌર અને માહોલનું બળ ઓછું થતું જાય તેવી લાગણી થતી રહે. “ક્લાસ” અને “માસ”નો તફાવત ઓછા શબ્દોમાં જાણવો હોય તો ડૉ. મનમોહન સિંહ જેવા રાજકારણીની જિંદગીને જાણવાની, તેમને સમજવાની અને શક્ય હોય તો થોડે ઘણે અંશે વહેવારમાં ઉતારવાની કોશિશ કરવી જોઇએ. ધુધવતા જળમાં ખડકનું મૌન ધારણ કરી અચળ રહેવું સરળ નથી જ હોતું પણ રહી શકાય છે તે આપણને ડૉ. મનમોહન સિંહ જેવી વ્યક્તિઓ શીખવી જાય છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 ડિસેમ્બર 2024

Loading

...102030...441442443444...450460470...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved