
રમેશ ઓઝા
આખું જગત જ્યારે જીર્ણમતવાદી, પૃથકતાવાદી, અસહિષ્ણુ, જમણેરીઓની નાગચૂડનો ભોગ બની રહ્યું છે ત્યારે જગતના દોઢ અબજ કેથલિક ખ્રિસ્તીઓને ઉદારમતવાદી માનવતાવાદી ધર્મગુરુ (પોપ) મળ્યા છે. આ થોડું વિચિત્ર ભાસે છે, પણ રાહત આપનારી મીઠી હકીકત છે. ચર્ચે પોતે અને ચર્ચના સમર્થન સાથે ઈસાઈઓએ વિધર્મીઓ સાથે જે અન્યાય અને અત્યાચારો કર્યા છે તેનો શરમજનક લાંબો ઇતિહાસ છે. પશ્ચિમની સભ્યતાની ખૂબી એ છે કે તે દસ્તાવેજીકરણમાં માને છે અને ઈમાનદારીથી રેકોર્ડ છોડી જાય છે. તેઓ કુકર્મોના પણ દસ્તાવેજ આવનારી પેઢી માટે છોડીને જાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કેવી રીતે ભારતની પ્રજાનું શોષણ કર્યું, કેવી રીતે ગદ્દારી કરીને ભારત પર કબજો કર્યો એના બધા જ દસ્તાવેજો ઉપલબ્ધ છે. એ રીતે ચર્ચે કરેલા અન્યાયો અને જુલ્મોના સિલસિલાબંધ દસ્તાવેજો ચર્ચે જ જાળવી રાખ્યા છે અને એટલે આપણે એમ કહી શકીએ કે ધર્મને નામે તેમણે શું નથી કર્યું!
જગતમાં ખ્રિસ્તીઓની કુલ વસ્તી અંદાજે અઢી અબજ છે, જેમાં કેથલિક ખ્રિસ્તીઓ ૪૮ ટકા વસ્તી ધરાવે છે. પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓની વસ્તી ૨૩.૮ ટકા એટલે કે અંદાજે ૭૫ કરોડ છે. આપણી સમજ એવી છે કે ખ્રિસ્તી ધર્મ માત્ર બે ફાંટાઓમાં વહેંચાયેલો છે; કેથલિક અને પ્રોટેસ્ટન્ટ. પણ એવું નથી. આ સિવાયના અને આ બંનેની અંતર્ગત બીજા સેંકડો ફાંટાઓ છે. ખ્રિસ્તીઓ અને મુસલમાનો એક ખીલે બંધાયેલા સંગઠિત છે અને તેમનો મુકાબલો કરવા હિંદુઓએ સંગઠિત થવું જોઈએ એ ડરનારાઓએ અને ડરાવનારાઓએ જાપ જપીને પેદા કરેલું અસત્ય છે.

પોપ ફ્રાન્સીસ
ટૂંકમાં ખ્રિસ્તીઓમાં બે ફાંટા મુખ્ય છે અને તે જગતની લગભગ ૭૦ ટકા ખ્રિસ્તી પ્રજાને આવરી લે છે. આ બેમાં પ્રોટેસ્ટન્ટ નામ જ સૂચવે છે, એમ સુધારાવાદી છે. ૧૬મી સદીમાં તેમણે કેટલાક સુધારાઓની માગણી કરી જેને ચર્ચે ન સ્વીકારી અને વિભાજન થયું. આનાં સામાજિક-આર્થિક-રાજકીય પરિણામો પણ જોવા મળ્યાં. જગતના ખ્રિસ્તી દેશો પર નજર કરશો તો જેટલા દેશ પ્રોટેસ્ટન્ટોની બહુમતીવાળા છે એ બધા પ્રગતિશીલ વિકસિત દેશો છે અને કેથલિક દેશો ઠીકઠીક પ્રમાણમાં પાછળ છે. વૈજ્ઞાનિક શોધો પ્રોટેસ્ટન્ટ દેશોમાં વધુ થઈ. ઔદ્યોગિક ક્રાંતિ પ્રોટેસ્ટન્ટ દેશોમાં થઈ. જગતના અનેક દેશો પર પ્રોટેસ્ટન્ટ દેશોએ કબજો કર્યો અને ગુલામ બનાવ્યા. એ વિભાજને સાબિત કરી આપ્યું કે તાકાત ધાર્મિકતામાં, ધર્મને વળગીને ચોંટી રહેવામાં, અનુયાયીઓની સંખ્યામાં નથી, પણ મસ્તિષ્કમાં છે અર્થાત વિવેકમાં છે. શંકા કરો, પ્રશ્ન ઉપસ્થિત કરો, પ્રશ્નનો ઉપાય શોધો અને આગળ વધો. જો ઉપાય શાસ્ત્રોમાં ન મળતો હોય તો શાસ્ત્રોને બાજુએ મૂકીને આગળ વધો. કેથલિક અને પ્રોટેસ્ટન્ટ એ માત્ર બે ધાર્મિક સંપ્રદાયો નહોતા, બે અભિગમ હતા જેનું પરિણામ હમણાં કહ્યું એમ તમારી સામે છે.
કેથલિક અભિગમ એટલે કે રૂઢિચૂસ્ત અભિગમ. અલગ પ્રકારનો જાતીય સંબંધ ધરાવનારા તૃતીયપંથીઓ, મારાં શરીર પર મારો અધિકારના નામે સ્ત્રીઓના ગર્ભપાત કરાવવાના અધિકારો, ઈશ્વરને અને ધર્મને નહીં સ્વીકારનારી નાસ્તિકતાના અધિકારો, ઈસાઈ ધર્મ સિવાયના બીજા ધર્મો પણ સાચા ધર્મો છે અને તે પણ મનુષ્યને સ્વર્ગે પહોંચાડે છે એ વાતનો સ્વીકાર વગેરે રુઢિચુસ્તોને કવરાવનારા સવાલો છે. ચર્ચ ઇન્ટર ફેથ કોન્ફરન્સ દાયકાઓથી કરે છે, પણ દરેક ધર્મ સાચા અને સમાન છે એ વાતનો સ્વીકાર કર્યા વિના. આપણે નોખા છીએ, પણ આ ધરતી પર સાથે છીએ એટલે સાથે જીવવાની ભૂમિકા બનાવવી રહી એ રીતે.
પણ આમાં વર્તમાન પોપ ફ્રાન્સીસ નોખા પડે છે. તેઓ સમલિંગીઓના અધિકારનો સ્વીકાર કરે છે. પાદરી સમલિંગી હોઈ શકે એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે જો સમલિંગી ઈશ્વરને માનતો હોય અને તે પોતાને ઈશ્વરનો બંદો માનતો હોય તો આપણે કોણ તેને ગેરલાયક ઠરાવનારા! તેઓ સ્ત્રીઓના ગર્ભપાતના અધિકારોનો સ્વીકાર કરે છે. નાસ્તિક માણસ પણ સ્વર્ગનો અધિકારી છે એમ પણ તેમણે કહ્યું હતું. જો કે રેડીકલ લિબરલ જમાત આટલાથી સંતુષ્ટ નથી. બોલો સ્ત્રીનાં શરીર પર (અર્થાત્ સ્ત્રીના ગર્ભમાં અંકુરિત થતાં જીવ પર પણ) સ્ત્રીનો અધિકાર છે. બોલો લિંગ (સ્ત્રી અને પુરુષ) માત્ર બે નથી, બે કરતાં વધુ છે અને ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે એ ખોટું છે. રેડીકલ લિબરલોની સમસ્યા એ છે કે જો કોઈ માણસ સમાજને માનવતા અને ઉદારતાની દિશામાં એક ડગલું આગળ લઈ જાય તો તેનાથી તેમને સંતોષ થતો નથી, સૌ પહેલાં તેઓ એમ કરનારની જ અગ્નિપરીક્ષા લે છે, જેમ આપણે ત્યાં ગાંધીજીની લેવામાં આવે છે. અસ્પૃશ્યતા હિંદુઓ માટે કલંક છે એમ કહીને જતા રહો એ ન ચાલે, અસ્પૃશ્યતાનું સમર્થન કરનારા ધર્મગ્રંથો પણ નિંદનીય છે એમ કહો અને ધર્મગ્રંથોની નિંદા પણ કરો. ગાંધીજીને માનવતાના શત્રુઓએ જેટલા બદનામ નથી કર્યા એટલા આ રેડીકલ લિબરલોએ કર્યા છે. પ્રજાકલ્યાણની ઠેકેદારી સમસ્યારૂપ છે પછી એ ધર્મની હોય, ધર્મગ્રંથોની હોય, ધર્મપીઠની હોય, ધર્મગુરુની હોય, ધર્મરક્ષક નેતાની હોય, રાજકીય પક્ષની હોય કે પછી માનવતાના ઠેકેદાર રેડીકલ લિબરલ હોય.
ઘણા રેડીકલ લિબરલો એમ માને છે કે વર્તમાન પોપ જોઈએ એટલા ઉદારમતવાદી નથી અને એ શક્ય પણ નથી, કારણ કે ઉદારમતવાદી માનવતાવાદી બનવું હોય તો ધર્મ અને ધાર્મિકતા છોડીને શુદ્ધ માનવ બનવું પડે. ધર્મ અને ધાર્મિકતા માણસાઈનો છેદ ઊડાડે છે. બીજા છેડે ધાર્મિક કેથલિકો પણ અસ્વસ્થ છે. પરિવારમાં જે શીખવવામાં આવ્યું છે અને ચર્ચમાં જે શીખવવામાં આવે છે એના કરતાં આ કશુંક જુદું બોલે છે. તેમને તો એવો ધર્મગુરુ જોઈએ છે જે આપણા ધર્મની સર્વોપરિતાની વાત કરતો હોય. સહિષ્ણુતાનો માત્ર એટલો જ અર્થ લેવાનો કે આ ધરતી પર જીવવાનો અધિકાર ‘બીજા’ પણ ધરાવે છે, પણ એ ‘બીજા’ છે, ‘આપણે’ નથી ‘આપણે’ વિશેષ છીએ. ડાબે અને જમણે બંને છેડાના રેડીકલો મધ્યમમાર્ગ વિકસવા દેતા નથી.
કેથલિક ખ્રિસ્તીઓ ત્યારે વિમાસણમાં પડી ગયા જ્યારે અમેરિકામાં યોજાઈ રહેલી પ્રમુખપદની ચૂંટણી વખતે પોપે કહ્યું કે સમાજમાં દીવાલો ઊભી કરનારાઓને મત નહીં આપવો જોઈએ. ઈશારો ડોનાલ્ડ ટ્રમ્પ વિષે હતો, જ્યારે કે અમેરિકન કેથલિક ખ્રિસ્તીઓ પરંપરાગત રીતે રીપબ્લિકન પક્ષના ટેકેદારો છે. પરિણામ બતાવે છે કે કેથલિક મતદાતાઓએ પોપની વાત સાંભળી નહોતી. તેજ હવા જે દિશામાં વહેતી હોય તેની વિરુદ્ધ દિશાની જો કોઈ વાત કરતું હોય તો લોકો તેને સાંભળતા નથી, પછી એ પોપ હોય કે ગાંધી, બુદ્ધ હોય કે ઈશુ. આપણે ત્યાં પણ આ જોવા મળી રહ્યું છે. ગઈ કાલ સુધી જે લોકો માનવતાની આહલેક લઈને ફરતા હતા એ લોકો અત્યારે લોકોને ગમે એવી વાત કરતા થઈ ગયા છે.
પણ વર્તમાન પોપ પ્રવાહપતિત નથી એ ફરીવાર તેમણે સાબિત કરી આપ્યું છે. ઇઝરાયેલના ગાઝા પરના હુમલાઓને તેઓ યુદ્ધ તરીકે ઓળખાવવાની ચોખ્ખી ના પાડે છે અને સ્પષ્ટ શબ્દોમાં કહે છે આ નરસંહાર છે, નિંદનીય કૃત્ય છે, માનવતા માટે કલંક છે. આની કોઈ અસર થાય કે ન થાય, એક ધર્મપીઠે માનવતાની તરફેણમાં અવાજ ઉઠાવ્યો એનું મહત્ત્વ છે. જો કે ઇઝરાયેલ આને કારણે વિચલિત જરૂર થઈ ગયું છે. દરમિયાન તટસ્થતા માટે વૈશ્વિક ખ્યાતિ ધરાવનાર બી.બી.સી.માં પણ બળવો થયો છે. માણસાઈકેન્દ્રી પત્રકારત્વનો આગ્રહ રાખનારાઓએ રાજીનામાં આપીને નીકળી જવાની જગ્યાએ ઊઘાડો બળવો કર્યો છે. બી.બી.સી.ની શાખ દાવ પર લાગી છે.
આ નાતાલના સપ્તાહમાં પોપ ફ્રાન્સીસને સલામ.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 29 ડિસેમ્બર 2024