Opinion Magazine
Number of visits: 9664849
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુનશી અને આદિત્યનાથ : બે જુદી સ્કૂલોની માનવ પ્રજાતિ!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|8 January 2025

કનૈયાલાલ મુનશી – જન્મ : 30-12-1887, મૃત્યુ : 8-2-1971

પ્રકાશ ન. શાહ

કુલપતિ ક.મા. મુનશીનો 138મો જન્મદિવસ ગયો, ત્યારે સ્વાભાવિક જ થોડા દિવસ પરની એક અખબારી નુક્તેચીની સાંભરી આવી. વીતેલા વરસમાં લોકસભાની ચૂંટણીના વારાથી યોગી આદિત્યનાથનું ખાસું ગાજેલું સૂત્ર ‘બટેંગે તો કટેંગે’ રહ્યું છે.

એક મિત્રે તે સંદર્ભે મુનશીને યાદ કરવાપણું જોયું. મુનશીની કીર્તિદા નવલત્રયી માંહેલો મુંજાલ અને કીર્તિદેવ વચ્ચેનો સંવાદ આ નિમિત્તે તરત સંભારવો એ કદાચ સહજ પણ છે. યવન આક્રમણકાર સામે સૌ એક થઈએ એવી આર્ષ આરત કીર્તિદેવની છે, તો પાટણના મહાઅમાત્ય મુંજાલનું વાસ્તવદર્શન પોતાની મઢુલી સાચવવા પર કેન્દ્રિત છે.

યોગી આદિત્યનાથ – જન્મ : 5-6-1972

કીર્તિદેવનું અને મુંજાલનું પોતપોતીકું લોજિક છે. પણ આદિત્યનાથ પ્રકરણને અને આ ચર્ચાને પરસ્પર પૂરક ને સમર્થક ધોરણે સાથે મૂકવાની રીતે, કહો કે એમની સહોપસ્થિતિના ધોરણે મૂકીએ એમાં હું કંઈક ખચકાટ અનુભવું છું. એનાં બે કારણ છે. એક તો, આદિત્યનાથનું રાજકારણ વિભાજનપૂર્વ મુસ્લિમ લીગના હિંદુ અડધિયાનું છે. બીજી બાજુ, મુનશી લખે છે એ કથાનક સોલંકી યુગનું છે, પણ લેખક પંડે તો સંકેલાતી ઓગણીસમી સદીનું ને વિકસતી-વિલસતી વીસમી સદીનું સંતાન છે. કાનૂનવિદ્દ છે. જિંદગીની સફરમાં એક મુકામ પર એ સ્વતંત્ર ભારતના બંધારણની મુસદ્દા સમિતિ પર હોવાના છે. સાત-આઠ સૈકા પરનું વસ્તુ હાથમાં લીધું છે, પણ ‘મોડર્ન સ્ટેટ’ એ શું તે જાણે છે. બંધારણનાં મૂલ્યોનો સહજ સ્પંદ પણ છે અને તમે એમનો વિવેક પણ જુઓ. સરદારે ભળાવ્યા એમણે નિઝામના હૈદરાબાદમાં ભારત સરકારના એજન્ટનું દાયિત્વ સાહ્યું છે, તો નેહરુ પ્રધાનમંડળના સભ્ય પણ રહ્યા છે. પણ કાઁગ્રેસથી છૂટા પડ્યા છતાં, જનસંઘનો વિકલ્પ સુલભ છતાં, એ સ્વતંત્ર પક્ષમાં પસંદગીપૂર્વક જોડાયા છે. આ વૈકલ્પિક પસંદગી એમની પ્રાચીન ભારત માટેની ભક્તિ, આગળ જતાં વિશ્વ હિંદુ પરિષદના સ્થાપક સભ્યો પૈકી એક હોવા છતાં, રાષ્ટ્રવાદ અને રાજકારણની સાંકડી ને કોમી વ્યાખ્યા પરત્વે કંઈક અંતર સૂચવે છે.

તો, એકવીસમી સદીના પહેલા ચરણમાં યોગી આદિત્યનાથની બડકમદારી નહીં તો પણ સાહેદીમાં એમને ખડા કરવા બાબતે મને ચોક્કસ જ એક ખચકાટ છે. બટેંગે-કટેંગે એ લોકલુભાવન સૂત્ર વાસ્તે મુનશીની સર્વપ્રિય ત્રયીમાંથી મને અનુમોદના જરૂર મળે છે, પણ એનો સ્રોત જરી જુદો છે.

બે પાત્રો હું સંભારું, એમનાં આનંદસૂરિ અને ખતીબ; ને મારી વાત સ્પષ્ટ કરું. મોડેથી દાખલ થતા ખતીબની જિકર કરી વહેલા કરવા ઈચ્છું છું. ખંભાતમાં, ઉદયન મંત્રીના ઈલાકામાં, વિધિવત પ્રવેશ પૂર્વે કાક વૃક્ષ નીચે આરામ ફરમાવી સ્વયંપાક સારુ ઈંધણાંની વેતરણમાં હશે એવામાં ઉપરથી કંઈક ખખડાટ અનુભવાય છે. બીતી, નહીં ઓળખાતી આકૃતિ નીચે ઉતરે છે. 

આ તે જન કે જનાવર, કેમ જાણે કાક વિમાસે છે. ઓળખાય નહીં એથી ને અન્યથા એ ઈતર છે – ધ અદર. વાત એમ છે કે મ્લેચ્છો વિશે સાંભળ્યું હશે, પણ આ પ્રથમ દર્શન છે. ઉદયન મંત્રીએ ખંભાતની મ્લેચ્છ વસ્તી પર ત્રાસ વરતાવ્યો તેમાંથી બચીને બીધેલો ભાગેલો આ જણ છે પાટણની રાજનીતિના પેચમાં ભૃગુકચ્છ પંથકના કાકના ને બીજાઓના પવિત્રામાં નહીં જતાં અહીં એટલું જ નોંધ‌વું બસ થશે કે પાટણ દરબારમાં, ઉદયન મંત્રીના કેર સામે ખતીબને ન્યાય અપાવવાનો કાકનો અભિગમ જયદેવને ‘ગુજરાતનો નાથ’ સ્થાપવામાં – કહો કે જયસિંહદેવના ગ્રેજ્યુએશનમાં ઉપયોગી થઈ પડે છે. મોડર્ન કોન્સ્ટિટ્યૂશનલ સ્ટેટની જે રગ મુનશી પેઢીમાં કેળ‌વાઈ એમાં ખતીબને (એક લઘુમતી નાગરિકને) ન્યાય મળે એ જરૂરી છે. જેમ ઉદયન કાક, ખતીબ તેમ ખુદ જયસિંહદેવ પણ મોડર્ન કોન્સ્ટિટ્યૂશનલ સ્ટેટની રૂએ નાગરિક છે, સાથી-નાગરિક છે, એમના લટિયા, જટિયા ગુંથાયેલ છે. સમજ્યા, ભાઈ? બટેંગે તો કટેંગે.

હવે આનંદસૂરિ વિશે ને મિશે. મીનળદેવીના પિયર પક્ષના (ચંદ્રાવતીના) આ સૂરિ, મુંજાલને ઠસાવવા મથે છે કે તમે જૈન, અમે જૈન, એવું ધર્મઝનૂન જગવીએ આપણે કે એની સામે યવનો ભાંગીને ભુક્કો થઈ જાય. પ્રતિકાર માટે એની લાગણી, માગણી ને વ્યૂહરચના બલકે એકંદરે માનસિકતા સહજ સ્વદેશવત્સલ નહીં પણ નિતાન્ત નિ:શેષ ઘોર ઝનૂની છે. મુંજાલ પટણી હોવાથી (નાગરિક હોવાથી) રાજી છે. એને ધર્મઝનૂની પેચપવિત્રા સ્વીકાર્ય નથી … અને આનંદસૂરિ? એમની જે ગતિ એટલે કે અવગતિ મુનશીએ કરી છે! ગુજરાતની અસ્મિતાની જે એક ખાસ સ્કૂલ છેલ્લા દાયકાઓમાં આપણી સામે આવી છે એને આ મુનશીવિવેકની સૂધબૂધ નથી.

મુનશીએ તો સોજ્જું વળતું પ્રતિમાન પણ મૂક્યું છે આપણી સામે – હેમચંદ્ર રૂપે. અલબત્ત, મુનશીએ પોતે હૈમસારસ્વત સત્ર જેવા આયોજન થકી કે ધૂમકેતુએ હેમચંદ્રાચાર્યના જીવનચરિત્રમાં વિગતે કરેલી માંડણીને અહીં નવલ અવકાશ નથી મળ્યો. પણ આનંદસૂરિ-હેમચંદ્ર વચ્ચે વિવેક કરવો અઘરો નથી.

થાય છે, ભેગંભેગું, લગરીક ‘જય સોમનાથ’ વિશે કહી દઉં. સરદારની પહેલ મુનશીએ પાર પાડી. એમની નવલકથાના અડવાણી સહિતના આશકોનો સુમાર નથી. અડવાણીને અયોધ્યા યાત્રા માટે જડી રહેલ પ્રસ્થાન તીર્થ પણ સોમનાથ હતું. માત્ર, સરદારે અયોધ્યામાં તાળાં મરાવવાનો અને સોમનાથમાં નિર્માણનો જે નિર્ણય લીધો એ બે વચ્ચેનો એમનો વિવેક (અલબત્ત, મુત્સદ્દીગીરી સમેતનો) વિભાજનપૂર્વ હિંદુ અડધિયાની રાજનીતિને નયે પકડાય. 

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 08 જાન્યુઆરી 2025

Loading

અધ્યાપકોને સરકારના કહ્યાગરા કંથ બનાવી દેવાયા છે

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|7 January 2025

‘સુરેશ જોષીનું પુનર્વાચન’ વિષય હેઠળ ગઈ કાલે વડોદરામાં બે સંસ્થાઓ દ્વારા એક સેમિનાર યોજાયો. તેમાં વિખ્યાત ગુજરાતી સાહિત્યકાર સુરેશ જોષી(૧૯૨૧-૮૬)ના ઉચ્ચ શિક્ષણ વિશેના વિચારો રજૂ કરતા પુસ્તક ‘વિદ્યાવિનાશને માર્ગે’ વિશે વાત કરી. ૭૫ પાનાંના ૧૫ પ્રકરણના આ નાના પુસ્તકમાં આશરે પચાસેક વર્ષ અગાઉ સુરેશ જોશીએ ઉચ્ચ શિક્ષણ વિશે જે કંઈ લખ્યું છે તેમાંથી મેં તારવેલાં ૭૦ અવતરણમાંથી કેટલાંક આ મુજબ છે :

(૧) વિદ્યાપીઠો કેવળ ઉપલબ્ધ જ્ઞાનનું વિતરણ કરનારી અને પરીક્ષા લેનારી સંસ્થા નથી.

(૨) વિદ્યાપીઠો પરંપરાની જાળવણીને નામે નવા સંદર્ભમાં ઊભા થતા સંઘર્ષોને ટાળે નહિ, ઊલટાનું એ સંઘર્ષોનું સાચું સ્વરૂપ, અનુચિત અભિનિવેશથી મુક્ત રહીને, ઉપસાવી આપે.  

(૩) આજના શિક્ષકો ખરેખર તો અધ્યાપકો નથી પણ ‘ટ્યુટરો’ છે. ફ્રેન્ચ ભાષામાં ‘ટ્યુટર’ માટેનો જે શબ્દ છે તેનો અર્થ થાય ‘પુનરાવર્તન કરનાર’ એવો થાય છે. 

(૪) સરમુખત્યારશાહીમાં કે રાજકીય અને સામાજિક ક્રાંતિ લાવવાને અધીરા સમાજમાં વિદ્યાપીઠોનું શાસકો દ્વારા નિયંત્રણ અનિવાર્ય બની રહે છે. 

(૫) અધ્યાપકો પોતાની વિચારણાને સરકારસંમત વિચારણાનાં ચોકઠાંમાં ગોઠવે અને હકીકતોનું અર્થઘટન એને અનુકૂળ રહીને કરી આપે એવી અપેક્ષા એમની પાસે રાખવામાં આવે છે. 

(૬) કોઈ પણ વિદ્યાપીઠ પોતાના વિદ્યાર્થીને એની સમકાલીન વિચારણાને આલોચનાત્મક રીતે તપાસીને પોતાના વ્યવહાર માટે વિવેક કરવાની શક્તિ આપી શકતી ન હોય તો તે એ પોતાના મૂળભૂત ઉદ્દેશમાં નિષ્ફળ ગઈ છે એમ જ કહેવાનું.

(૭) સત્યને જોવાની અવિચલિત સ્થિર દૃષ્ટિ કેળવી આપવાનું કામ વિદ્યાપીઠોનું છે. 

સુરેશ જોષીના વિચારોને આધાર ગણીને મેં આજના સંદર્ભની વાત કરતાં સેમિનારમાં રજૂ કરેલા કેટલાક મુદ્દા :

(૧) નવી શિક્ષણ નીતિમાં critical thinking એટલે કે ટીકાત્મક કે આલોચનાત્મક વિચારણા એવા બે શબ્દો આઠ વખત લખેલા છે. પણ અધ્યાપકોને સામાજિક, આર્થિક કે રાજકીય સંદર્ભો અંગે ટીકાત્મક વિચારણા કરવા દેવાતી જ નથી. Thinking જ બંધ કરી દેવાયું છે, તો પછી critical thinkingનો તો સવાલ જ નથી ઊભો થતો. 

(૨) એક મિટિંગમાં સમાજશાસ્ત્રના એક અધ્યાપકે એમ કહેલું કે અધ્યાપકો ડરી ગયા છે એટલે તેઓ સંશોધન કરતાં કે લખતાં ડરે છે. જો આવું જ હોય તો અધ્યાપકો વિદ્યાર્થીઓ વિચાર કરતા થાય એવું કેવી રીતે શીખવી શકે? અધ્યાપકો જ સરકારના કહ્યાગરા કંથ જેવા થઈ ગયા છે! 

(૩) શિક્ષણ જેવું ભાગ્યે જ ઉચ્ચ શિક્ષણમાં હવે થાય છે. એક અધ્યાપક કહેતા હતા કે ઝંડે સે ઝંડા. એટલે કે ૧૫ ઓગસ્ટથી ૨૬ જાન્યુઆરી જ શિક્ષણ ચાલે છે. નવી CBCS વ્યવસ્થા ૨૦૧૧માં દાખલ કરવામાં આવી ત્યારથી કોલેજો અને યુનિવર્સટીઓમાં શિક્ષણ ઓછું અને પરીક્ષાઓ વધારે એવો ઘાટ થયો છે. 

(૪) કોલેજોમાં હવે વર્ગો ભાગ્યે જ રહ્યા છે, બધે સભાઓ થઈ ગઈ છે.

(૫) શિક્ષણના ખાનગીકરણને કારણે એ એટલું બધું મોંઘું થયું છે કે સામાન્ય લોકોને એ પોસાતું જ નથી. ગુજરાતમાં સરકારી યુનિવર્સટીઓ ૧૮ છે પણ ખાનગી ૬૩ છે! 

(૬) વિદ્યાવિનાશનો માર્ગ લગભગ પૂરો થઈ ગયો છે, હવે વિદ્યાનો વિનાશ લગભગ થઈ ચૂક્યો છે. 

તા. : ૦૬-૦૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પગ નથી તો શું?

સુરેશ જાની|Opinion - Opinion|6 January 2025

સુરત – ૧૯૮૫

કાળીડિબાંગ મધરાતમાં, ધગધગતા તાવમાં એ પાંચ જ મહિનાનું કૂમળું ફૂલ શેકાઈ રહ્યું હતું, બાપુએ તાવ માપ્યો – ૧૦૫ અંશ ફેરનહાઇટ. મા તો બિચારી સતત એને પાણીનાં પોતાંથી શાતા આપવામાં વ્યસ્ત હતી. બન્નેની દુઆ કામ કરી ગઈ અને સદ્દભાગ્યે બીજા દિવસે કલ્પેશનો તાવ તો ઊતરી ગયો. પણ હવે તે પગ હલાવતો બંધ થઈ ગયો હતો. બે ત્રણ દિવસ તો બા-બાપુએ રાહ જોઈ કે, તાકાત આવશે એટલે પહેલાંની જેમ કલ્પેશ કિલ્લોલતો થઈ જશે.

પણ એ આશા ઠગારી નીવડી. કલ્પેશને કાળઝાળ પોલિયો ડસી ગયો હતો. હવે જિંદગી ભર અપંગ રહેવાની જ તેની નિયતિ હતી. પણ તેને ક્યાં એવી કશી સૂઝ જ હતી?  મોટો થતાં કલ્પેશને સમજ તો આવી કે, તે બીજાં બાળકો કરતાં જુદો છે. પણ સામાન્ય સ્થિતિનાં માવતરે તેને આ પંગુતા કદી સાલવા ન દીધી. પેટે પાટા બાંધીને અગિયાર વર્ષનો થયો, ત્યાં સુધી તેને ભણાવ્યો.

એના બાપુ આમ તો હીરાની લે-વેચનો ધંધો કરતા હતા, પણ એમાં એમના ઘરનો ખર્ચ માંડ નીકળતો હતો. કલ્પેશને હવે એના બાપુના ધંધામાં વધારે રસ પડવા લાગ્યો. ઘરમાં થતી વાતચીત એ ધ્યાનથી સાંભળતો. એક વખત સાંજે બાપુ ઘરાક સાથેની કોઈક નાનકડી તડાફડીની વાત કરતા હતા. કલ્પેશે કહ્યું. “પણ તેને પાંચ ટકા ઓછા કરી આપો ને.”

બાપુને તરત ખબર પડી ગઈ કે, કલ્પેશ ભણવા કરતાં ધંધામાં વધારે ઉકાળશે. બીજા દિવસે તેને પોતાની સાથે લઈ ગયા. ઘરાક સાથે થતી વાતો કલ્પેશ બરાબર ધ્યાનથી સાંભળતો રહ્યો. ઘરાક સાથે થોડીક દલીલો તેણે પણ કરી. ખરેખર તો ઘરાકને પણ આટલો નાનો છોકરો આવી સમજદાર વાતો કરતો જોઈ આશ્ચર્ય થયું. તે દિવસે બાપુનો સોદો પાર પડી ગયો.

બસ, એ દિવસથી કલ્પેશની નિશાળની બધી જફાઓનો અંત આવી ગયો. હવે બાપુ સાથે બજારમાં જવાનો તેનો નિત્યક્રમ બની ગયો. ધીમે ધીમે તેને હીરાના વેપારની આંટીઘૂંટી સમજાવા લાગી. ૧૯૯૬માં એક સંબંધીના હીરા ઘસવાના કારખાનામાં પણ મહિને એક હજાર રૂપિયાના પગારે કલ્પેશે થોડોક વખત કામ કર્યું હતું. કામમાં તેની ધગશના કારણે તેનો પગાર મહિને ૫૦૦૦ રૂપિયાનો પણ થવાનો હતો. પણ પિતાના અવસાનના કારણે તેણે એ નોકરી છોડી દીધી અને બાપુના ધંધામાં ઝુકાવી દીધું. અઢાર જ વર્ષની ઉમરે કલ્પેશે બાપુનું છત્ર કલ્પેશે ગુમાવ્યું. હવે ધંધો તેણે નિભાવવાનો હતો. તે વખતે તેના બાપુ માંડ હજાર રૂપિયા ઘેર લાવી શકતા હતા.

મુંબાઈ – ૨૦૧૬

હીરા બજારમાં આવેલી, નાનકડી પણ ઝળહળતી સજાવટ વાળી ઓફિસમાં અત્યંત આધુનિક અને બેટરીથી ચાલતી વ્હીલ ચેરમાં કલ્પેશ બેઠો છે. તેની સાથે બે મદદનીશો છે. વર્ષે દસ બાર કરોડનો વકરો તો તે સાવ સહેલાઈથી પાડી લે છે. ધંધાનાં કામ માટે તે સુરતથી ઘણી વાર અહીં આવી જાય છે. અલબત્ત તેની સુરતની ઓફિસ આના કરતાં ઘણી વધારે વિશાળ છે !

બહુ રોકાણ અને જફાઓ વાળા હીરા ઘસવાના ઉદ્યોગમાં કલ્પેશે સમજીને જ ઝુકાવ્યું નથી.  હીરાની લે-વેચના ધંધામાં બે માણસોનો સ્ટાફ પૂરતો છે. પણ આ તેર વર્ષ કાંઈ તકલીફ વિના થોડાં જ પસાર થયાં છે? કેટકેટલા સંઘર્ષો વેઠીને કલ્પેશે પોતાના ધંધાનું સામ્રાજ્ય આપમેળે ખડું કર્યું છે ? અને તેની સાથે સાથી બે બહેનોને સારી રીતે પરણાવી છે. નાના ભાઈને પણ ભણી ગણીને ઠેકાણે પાડ્યો છે. વિશ્વાસ મુકી શકાય તેવા વેપારી તરીકે, સુરત અને મુંબાઈના હીરા બજારોમાં કલ્પેશનું નામ છે. તેનો મોટા ભાગનો ધંધો ફોનથી જ પાર પડે છે. પણ જરૂર પડે તો આખા દેશમાં  કોઈ પણ જગ્યાએ પહોંચી જવા માટે કલ્પેશને એના પગ અટકાવતા નથી.

તેની જીવનસંગિની દીપાલીએ તેને આપેલ સાથને પણ યાદ કરવો જ પડે. તે પણ કલ્પેશની જેમ પોલિયો ગ્રસ્ત છે. એ તો વળી બી.કોમ. સુધી ભણેલી પણ છે. તેમનાં બે બાળકો શાળામાં ભણે છે.

પોતાના જેવી તકલીફો વાળા લોકોને મદદરૂપ થવા કલ્પેશ હમ્મેશ તત્પર હોય છે. વોટ્સએપ પર એ આવા બધાંનું સરસ ગ્રુપ પણ ચલાવે છે. અને એ માત્ર ઓફિસથી ઘર અને ઘરથી ઓફિસમાં જ આવ જા કરનાર બાબુ નથી. પોલિયોગ્રસ્તોની દોડવાની એક પણ રેસમાં ભાગ લેવાનું તે ચુકતો નથી. ઓગસ્ટ -૨૦૧૫માં મુંબાઈમાં યોજાયેલી મિસ્ટર વ્હીલચેર હરીફાઈમાં કલ્પેશ છેવટ સુધી પહોંચ્યો હતો. કોઈ વર્ષ એવું નથી ગયું કે જ્યારે નવરાત્રિના ગરબામાં તેણે અને દીપાલીએ ભાગ ન લીધો હોય! સમય મળ્યે સ્વીમીંગ પુલમાં પણ કલ્પેશ તરી લે છે.

ગુજરાતી સમાચારોમાં પણ કલ્પેશ અવારનવાર ઝળકે છે . આ એક ઝલક …

કોણ કહે છે કે,

પગ ન હોય તો તમે નાચી નથી શકતા?

પગ વગરનાં લોકોને દિવસે સ્વપ્નો નથી આવતાં?!

કલ્પેશના જ શબ્દોમાં …

જીવનમાં ક્યારે ય આશા ન છોડવી. મહેનત અને સંઘર્ષનો એક સુખદ અંત આવતો જ હોય છે. કલ્પેશના જ શબ્દોમાં તેમની લાગણી જાણીએ જાણીએ તો : 

“I have not been handicapped by my condition. I’m physically challenged and differently able.”

સંદર્ભ –

http://www.thebetterindia.com/33245/diamond-trader-surat-disability-polio

e.mail : surpad2017@gmail.com

Loading

...102030...432433434435...440450460...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved