Opinion Magazine
Number of visits: 9665051
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યાદો અતિતની

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|15 January 2025

રાજેશ આજે ખૂબ ખુશ હતો. વતન જવા માટે જે દિવસની કાગ ડોળે રાહ જોતો હતો એ દિવસ, આજ થઈ સામે ઊભો હતો. 

રાજેશ, ગુજરાતનાં નાના ગામડાનો વતની હતો. અહીંનું ભણતર પૂરું કરી આગળ અભ્યાસ માટે અમેરિકા 20 વર્ષ પહેલાં ગયો હતો. આગળ ભણવાની ધગશ, આગળ વધવાની તમન્ના અને કંઈક બનાવની મહેચ્છામાં આટલો સમય ક્યાં વહી ગયો ખબર ન પડી. રાજેશને વતનની યાદ સતત આવ્યા કરતી હતી. અમેરિકાના નિવાસ દરમ્યાન તેણે પોતાના જ વતનની પણ અમેરિકામાં સ્થાયી થયેલા કુટુંબની કન્યા સાથે લગ્ન પણ કર્યા હતા. વતનમાં બા, બાપુજી પણ તે કુટુંબને જાણતા હોવાથી રાજી ખુશીથી તેમણે લગ્નની સંમતિ આપેલી. રાજેશની પત્ની રેખા પણ નાના ગામડાની વતની હતી, સાથે સાથે રાજેશની જેમ વતન પ્રેમી અને નખશીખ ગુજરાતી હતી. ઘરમાં વાતચીત પણ ગુજરાતીમાં જ કરતાં. તેમના બે પુત્રો, મિતુ અને અમરને પણ ગુજરાતીનું જ્ઞાન આપવાનું રાખ્યું હતું. તેમને પણ ઘરમાં વાતચીત ગુજરાતીમાં જ કરવાની ટેવ પાડી હતી. ગુજરાતી, માતૃભાષામાં લખતા વાંચતા પણ શીખવતા હતા. જેથી વતન સાથે નાતો જોડાઈ રહે, વતનની સંસ્કૃતિ જળવાઈ રહે.

રાજેશ અમેરિકામાં જ સ્થાયી થવાનો હોવા છતાં તેણે વતન પ્રેમ અને ગુજરાતીપણું છોડ્યું નહોતું. ખાસ તો તે તેના બાળકોને વાર્તા પણ ગુજરાતીમાં જ કહેતો અને ગુજરાતની, ભારતની અસ્મિતાનો ઇતિહાસ, મહાન વ્યક્તિઓ, મહાન સંતો વિશેની વાત કરતો. દાદા, દાદી, નાના, નાની બીજા સગાં સંબંધીઓ સાથેની વાત, વીડિયો કોલ સમયે થતી વાતચીત પણ બાળકો ગુજરાતીમાં જ કરતા. આથી દાદા, દાદી વગેરેને બાળકો સાથે પોતાપણું લાગતું અને મળ્યા જેટલો આનંદ થતો.

આજે રાજેશ વારંવાર ઘડિયાળમાં સમય જોયા કરતો હતો. તેણે બે-ત્રણ વખત રેખાને પણ પૂછ્યું, “આજે ઘડિયાળ કંઈક ધીમી ચાલે છે.” રેખા હસીને જવાબ આપતી, “તમને એવું એટલે લાગે છે કે વીસ વર્ષના અંતરાલનો સમય તમારે એક સાથે સમેટી લેવો છે; બાકી ઘડિયાળ બરોબર ચાલે છે. અને આપણી ટિકિટ રાત્રીના નવ વાગ્યાની છે. આપણે સાત વાગે એરપોર્ટ ઉપર પહોંચવાનું છે. અત્યારે બાર વાગ્યા છે. તમે ગમે તેટલી ઉતાવળ કરશો સમય તો તેની રફતારથી જ ચાલશે.”

એકલા રાજેશને જ સમય સ્થંભી ગયો એમ નહોતું લાગતું. રાજેશના બાળકોને પણ જલદી વતન પહોંચી રાજેશે, જે તેની બાળપણની રમતોની વાત કરી હતી તે વિશે જાણવાની અને માણવાની ઈચ્છા હતી, તાલાવેલી હતી. રાજેશ જ્યારે વાત બાળકોને કરતો ત્યારે રેખા કહેતી તમે જે વાત કરો છો એ સમય ઉપર તો સમયની ધૂળ ચડી ગઈ હશે. આજે વતનમાં ઘણું ઘણું બદલાઈ ગયું હશે. તમને અમેરિકા આવ્યા પછીના સમય પર વીસ વરસનાં પડળ ચડી ગયાં છે. કોણ જાણે કેમ! રાજેશ આ વાતને માનતો અને સમજતો હોવા છતાં તેને અતિતનાં સ્મરણોને વાગોળવું ગમતું અને બાળકો સાથે વાત કરી આનંદ મેળવવો પણ ગમતો. ઘણી વખત બાળકો સાથે વાત કરતા કરતા ગામડાની વાત સાથે પોતાના ખેતર-ખેતીની વાત કરતો અને ગામ, ખેતરમાં ખોવાઈ જતો. રાજેશ બાળકોને વાત કરતો કે ગામમાં ચોરો હોય. ત્યાં બધા વડીલો ભેગા થઈ અલક મલકની વાતો કરતા હોય. ગામનાં પાદરે કૂવો હોય, ત્યાં બેનું, દીકરિયું, અને વહુઓ પાણી ભરવા જતી હોય. ગાય, ભેંસ, વગેરે પશુઓનું ઘણ સવારે ચરવા જાય અને સાંજે દિવા ટાણે ગૌધીલિક સમયે ઘણ પોતાના ઘરે ધૂળની ડમરી ઉડાડતું પાછું ફરે. આ આખા ય દૃશ્યનું વર્ણન કરી બાળકો પાસે એક શબ્દ ચિત્ર ઊભું કરતો અને એ શબ્દ ચિત્રમાં ખોવાઈ જતો.

રાજેશ, ગામડાંની સંસ્કૃતિ સમજાવતા કહેતો કે રોજ સવારે અને સાંજે ઠાકોરજી, માતાજી, ભોલેનાથનાં મંદિરે આરતી થાય અને સર્વત્ર વાતાવરણ પવિત્ર થઈ જાય પછી રાત્રે ગામ જંપી જાય. પોતાની ખેતી વાડીની, વાડીમાં ભાઈબંધ સાથે આંબલી પીપળીની રમતની, આંધળા પોટાની, ગિલ્લી દંડાની રમત વિશે વાત કરતો. બાળકોને વચ્ચે ઘણા શબ્દોની સમજણ ન પડે ત્યારે રાજેશ, રેખાને પૂછી લેતા પણ વાત ખૂબ રસથી સાંભળતા. રાજેશ જ્યારે વાત કરતો ત્યારે ભાવવિભાર થઈ ગામડામય બની જતો. રેખાને પણ ગામડાં પ્રત્યે લગાવ હતો. એ પણ વચ્ચે તાપસી પુરાવતી. આમ તો બાળકો પૂરા અમેરિકન હતા પણ રાજેશનાં ગામડાંનાં આ શબ્દ ચિત્રથી બાળકોમાં ગામડું જોવાની ઉત્કંઠા ખૂબ વધી ગઈ હતી. બાળકોને પણ વતન પહોંચી ગામડું જોવું હતું, એટલે તે પણ વારંવાર પૃચ્છા કરતા હવે આપણે ક્યારે નીકળવાનું છે.

રાજેશના વતન પ્રેમથી વતનમાં તેના બા, બાપા પણ ખુશ હતાં કે રાજેશ એક દિવસ વતન જરૂર પાછો આવશે અને રાજેશને પણ અંદરથી કોઈક વાર તીવ્ર ઈચ્છા વતન પાછા ફરવાની થતી પણ મહત્ત્વાકાંક્ષા અને ડોલરનો પ્રેમ, ઈચ્છા ઉપર હાવી થઈ જતો અને નિર્ણય બદલાઈ જતો.

પાછો નિર્ણયમાં ફેરફાર આવતો અને બદલાતો એમ કરતાં પછી અમેરિકામાં જ કાયમી વસવાટ કરી લીધો હતો. પણ આજની વતન તરફની મુસાફરી એ અતિતનાં સ્મરણોને તાજાં કરી, સ્મરણોમાં જીવવાની હતી અને જૂનાં સ્મરણો સાથે નવાં સ્મરણોનું ભાથું ભરવાની હતી. એટલે સમય અને ઘડિયાળ ધીમા ચાલતા લાગતા હતા. એવું રાજેશને લાગ્યા કરતુ હતું. અંતે નિર્ણાયક ઘડી આવી ગઈ અને પ્લેને ઇન્ડિયા માટે ટેક ઓફ કર્યું. ચારેયના ચહેરા ખુશી ભર્યા સ્મિતથી ચમકી ઉઠ્યા. 

રાજેશ વિચારતો હતો કે તમે વતનથી ગમે તેટલા દૂર રહો, વતનની યાદો અને વતનની માટીની મીઠી સુગંધ ક્યા રેય ભૂલાતી નથી. વતનએ વતન છે એટલે જ કહેવાય છે કે ધરતીની છેડો ઘર એટલે વતન.

(ભાવનગર, ગુજરાત)
e.mail : Nkt7848@gmail.com

Loading

કોઈ શું કહેશે …? 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 January 2025

રવીન્દ્ર પારેખ

સામાન્ય રીતે સંતાન છોકરો થશે કે છોકરી તે નક્કી કરવામાં પુરુષ જવાબદાર છે, છતાં આજે પણ દીકરી જન્માવવા માટે સ્ત્રીને જવાબદાર ઠેરવાય છે ને કારણ વગર જ માતા દંડાતી રહે છે, તે ત્યાં સુધી કે સાસુ પણ દીકરીને જન્મ આપવા બદલ વહુને સંભળાવતી રહે છે. એ ખરું કે હવે દીકરી જન્મની છોછ બહુ રહી નથી. ઘણાં કુટુંબોમાં એ સમજાઈ ચૂક્યું છે કે દીકરી કે દીકરો સરખાં જ મહત્ત્વનાં છે. સમાજે એ પણ જોયું છે કે દીકરો વધુ કમાવા વિદેશ દોડતો હોય ત્યારે મા-બાપની કાળજી દીકરી જ રાખે છે. તે પરણેલી હોય તે સંજોગોમાં તે સાસુ-સસરાને તો સાચવે જ છે, પણ પિયરમાં પડેલાં માબાપને પણ રઝળાવતી નથી. હજી ક્યાંક દીકરા-દીકરીના ઉછેરમાં ભેદ થતો હશે, પણ ઘણાં કુટુંબોમાંથી એવો ભેદ દૂર થયો છે તે આવકાર્ય છે.

દીકરા-દીકરીના ઉછેરમાં ભેદ નહીં રખાતો હોય, પણ બંનેનો ઉછેર માબાપ પોતાને માટે કરે છે કે બીજાને માટે તે પ્રશ્ન જ છે. આપણું સંતાન આપણે માટે ઉછેરાવું જોઈએ, તેને બદલે તે જાણે બીજા માટે ઉછેરાતું હોય એવું વધારે જોવા મળે છે. જેમ કે, કોઈ ડ્રેસ મમ્મીને કે પપ્પાને ગમે ને તે જ બાળક માટે ખરીદાય તે ઉત્તમ સ્થિતિ છે, પણ ક્યારેક તે આજુબાજુવાળાઓને કેવો લાગશે તે ધ્યાનમાં રાખીને પણ ખરીદાય છે. વળી આજ મમ્મીઓ એમ પણ કહેતી હોય છે કે એમ કોઈ કૈં જોવા નવરું નથી, પણ ઊંડે ઊંડે કોઈ શું કહેશે એ વાત અનેક ગમતા નિર્ણયોને બદલાવતી હોય તે હકીકત છે. વળી આ સમજ બાળકો માટે જ નહીં, પણ માબાપે પોતાને માટે પણ કેળવેલી હોય છે. મોટા ભાગની પસંદગીઓ બીજાને કેવું લાગશે કે બીજા શું કહેશે એ રીતે જ થતી હોય છે. એ ખરું કે જાહેરમાં એવી રીતે ન વર્તાય જે સમાજ માન્ય ન હોય, પણ સંતાનોના ઉછેરનો પ્રશ્ન છે, ત્યાં માબાપ પોતાની રીતે ઉછેરે એ ઉત્તમ સ્થિતિ છે. જો કે, માબાપો જ સમાજની ચિંતા કરીને બાળકોને ઉછેરતાં હોય એવું ઘણીવાર બને છે, એટલું જ નહીં, એ માટે બાળકો પર દબાણ પણ ઊભું કરતાં હોય છે. ખાસ કરીને પરીક્ષાનાં પરિણામો એમાં મોટો ભાગ ભજવતાં હોય છે. પડોશીના દીકરા કે દીકરીના વધારે ટકા આવે તે પોતાનાં દીકરા કે દીકરી કરતાં માબાપને વધુ શરમમાં નાખે છે. એમાં જો પડોશીની દીકરીના ટકા વધુ આવ્યા તો દીકરા પર તવાઈ આવ્યા વગર ભાગ્યે જ રહે છે.

કોણ જાણે કેમ પણ પોતાનું સંતાન બધાંમાં જ પહેલું હોય એવું દરેક માબાપ ઈચ્છતાં હોય છે, ભલે પછી માબાપ પોતાની કેરિયરમાં છેલ્લે રહ્યાં હોય ! એ હિસાબે તો આજનું કોઈ બાળક બીજે નંબરે હોઈ જ ન શકે, પણ હોય છે. કોઈ તો બીજે નંબરે આવેને ! બન્યું છે એવું કે પહેલા નંબરની લહાયમાં બાળકોનું બાળપણ છીનવાઈ ગયું છે. એ મજૂરની જેમ ભણતર ઉપાડવામાં અકાળે જ બેવડ વળી જાય છે. બાળક પાસે રમવાનો, મસ્તી કરવાનો ઉલ્લાસ જ બચતો નથી. એ સતત ટકટકની નીચે જ જીવતું હોય છે. જે આવે છે તે એને ટોકે છે કે સોનેરી સલાહો આપે છે. આમ કરવું, આમ તો ન જ કરવું, આમ જ થાય, આમ તો થાય જ નહીં – જેવું સાંભળી સાંભળીને એનાં કાન પાકી જાય છે ને એ ઉપદેશોમાં ઘરનાં જ નહીં, બહારનાં પણ ભાગ ભજવતાં હોય છે.

કોઈ માબાપ પોતાના બાળકને ડફોળ બનાવવા ન જ ઈચ્છે, પણ તેમણે એવું દબાણ પણ ઊભું ન કરવું જોઈએ કે બાળકે બધાંમાં અવ્વલ જ આવવું. બાળક પાસેથી અપેક્ષા રાખનાર માબાપે, પોતાનો ભૂતકાળ વિચારી લેવો જોઈએ કે પોતે ક્યાં હતાં ને બાળક પાસેથી તેઓ કેટલું વધારે ઇચ્છી રહ્યા છે? બાળકની શક્તિ કેટલી છે ને તેનાં પ્રમાણમાં પોતે કેટલું વધારે માંગી રહ્યાં છે, આટલું વિચારાશે તો બાળક ઘણાં ટેન્શનોથી દૂર રહેશે. એ પણ છે કે માબાપે બાળક પર નજર રાખવાની છે. તેની ચોકી કરવાની નથી. એમ થશે તો માબાપ પણ દાંતિયા કરવાથી બચશે. બાળકને ટેન્શન ઓછું હશે તો એક્ટિવ વધુ થશે ને તેનું પરિણામ દરેક પ્રવૃત્તિમાં જણાશે. માબાપ એ ફેરફાર નોંધશે ખરા, પણ તેમણે બાળકને સ્વસ્થ ને હોંશિયાર જોવું છે તે કરતાં, બીજાને પ્રગતિ બતાવવાનો લોભ તેમને વધુ હોય છે. બતાવવા કરતાં પણ બતાવી દેવાની ઈચ્છા કદાચ વધુ હોય છે. બાળક નબળું હોય તો કોઈ શું કહેશે એ ચિંતા વધુ હોય છે ને હોંશિયાર હોય તો બતાવી દેવું હોય છે કે કેવું રતન પોતાની પાસે છે. એ દેખાડવું હોય છે કે બાળક કેવું કાબૂમાં છે ! ઊઠ કહેતાં ઊઠ ને બેસ કહેતાં બેસી જતું શિસ્તબદ્ધ બાળક બતાવવું હોય છે – આજુબાજુના લોકોને કે સંબંધીઓને.

બાળક સમજીને કોઈ વાત સ્વીકારે તે અપેક્ષિત હોવું જોઈએ, પણ તે હુકમ ઉઠાવનાર ગુલામ બની રહે તો તેનો આનંદ લઈ ન શકાય. બાળક ઢીંગલા જેવું હોય તો પણ, તે રમકડું નથી. તે જીવંત છે. તેને ગમો, અણગમો છે. તે હુકમ ઉઠાવતો રોબોટ નથી. તે શો-પીસ નથી. તેને હરખ છે. આંસુ છે. માબાપ તેને આ દુનિયામાં લાવે છે તે પોતાની ઈચ્છા પૂરી કરવા નહીં, પણ તે તેનું જગત વિકસાવી શકે તેમાં સહાય કરવા. તે માબાપની ઈચ્છા પૂરી કરે પણ ખરું, પણ તેના હોવાનો અર્થ એટલો જ નથી. માબાપ જો એટલું સમજશે, તો બાળક પણ સમજશે.

માબાપે બાળકને જીવતાં શીખવવાનું છે. તે જગતમાં આવે છે ત્યારે તે જગતથી અજાણ છે. તે જગતથી પરિચિત થાય તેટલું માબાપે કરવાનું છે. માબાપને જોઈને બાળક જગતને શીખે છે. માબાપ ડરતાં હશે, તો તે પણ ડરશે. માબાપ સામનો કરશે તો તે પણ કરશે. શરૂઆતનો આ તબક્કો બાળક વટાવે, પછી તે પોતાની રીતે આગળ વધે છે. હવે તે માબાપનું એક્સટેન્શન નથી. માબાપે પણ એ સમજી લેવાનું રહે કે હવે તેમણે બાળકને મોકળાશ આપવાની છે. તેમની જોહુકમીથી બાળકને રૂંધવાનું નથી. બાળક નકલખોરીમાંથી અકલખોરીમાં પ્રવેશે ત્યારે તેની શક્તિને પ્રમાણીને માબાપે માર્ગ ચીંધવાનો છે ને તેના પર ભરોસો મૂકવાનો છે, પણ થાય છે એવું કે બાળકને બીજાને બતાવવા કે બતાવી આપવા તૈયાર કરાતું હોય છે. જેમ માબાપ હંમેશ સાચાં નથી હોતાં, એમ જ બાળક પણ દરેક વખતે સાચું ન હોય એમ બને. એ વખતે એની ભૂલ સુધારવાની કોશિશ કરવાની રહે. બાળકમાં રસ લઈને એની ભૂલ સુધારી શકાય, પણ બને છે એવું કે બાળકનાં ગુણદોષ બીજાનાં બાળકની તુલનામાં સુધારવાનું થાય તો તેની સવળી અસર ન થાય. અમુકનો દીકરો કેવો હોંશિયાર છે, જ્યારે આપણો તો સુધરતો જ નથી – આવી તુલના માબાપે ટાળવાની રહે. અમુક રીતે બાળક વર્તે તો માબાપને ચિંતા એ થાય છે કે કોઈને આની ખબર પડે તો કેવું લાગે? કોઈને કેવું લાગે કે કોઈ શું કહેશે એ બિન્દુએથી બાળકને મૂલવવાનું બંધ થવું જોઈએ. એ કોઈનું બાળક નથી, તો કોઇની નજરે જોવાની જરૂર જ શી છે?

કોઈનું બાળક વધારે એક્ટિવ હોય કે વધુ હોંશિયાર હોય તે પરથી માબાપ પોતાનાં બાળકને ઓછું આંકે એ બાળકને અન્યાય કરવા જેવું છે. કોઈ બાળક હોંશિયાર હોય તે સદા હોંશિયાર જ રહે એવું નક્કી નથી. એ જ રીતે કોઈ બાળક શરૂઆતમાં નબળું હોય તે આગળ જતાં હોંશિયાર બને એવું પણ શક્ય છે. એવું બન્યું છે. એટલા પરથી માબાપે પોતાનાં બાળકને બીજા બાળક સાથે સરખાવવાથી દૂર રહેવું જોઈએ ને બાળક તેની શક્તિ મુજબ યોગ્ય રીતે વર્તતું હોય તો તેનો સંતોષ માનવો જોઈએ. બાળકને એ મામલે ટોકવાનો કે તેને વધુ દબાણમાં રાખવાનો કોઈ અર્થ નથી. એક વસ્તુ માબાપે સમજી લેવાની રહે કે કોઈ ને કોઈ તો કોઇની આગળ કે પાછળ રહેતું જ હોય છે. બધાં જ મોખરે રહે કે બધાં જ પાછળ રહે એવું બનતું નથી. આ સ્થિતિ હોય ત્યાં બાળકને કુદરતી રીતે વિકસવા દેવું જોઈએ. તેનો સર્વાંગી વિકાસ થાય એટલું માબાપ જોશે તો બાળકને કદાચ થોડી વાર લાગશે, પણ તે પાછળ નહીં જ રહે તે નક્કી છે. માબાપે બાળકને સમજાવવાની સાથે જ પોતે પણ સમજવાનું છે, એટલું થશે તો માબાપે કે બાળકે નિરાશ થવાનું કોઈ કારણ નહીં રહે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 12 જાન્યુઆરી  2025

Loading

એક પતંગ

રવીન્દ્ર પારેખ|Poetry|15 January 2025

હૈયું રાખે તંગ ને કે’છે તું છે અંગ,

દોર છે મારા હાથમાં તો થા એક પતંગ ….

પતંગિયાં કે પતંગનો ઊડવું એ જ સ્વભાવ,

રંગે એ આકાશ પણ જીવન ટૂંકું સાવ,

તું જો હૈયું છે જ તો હૈયે રહે સળંગ …

એમ તો હૈયે હોય છે ધરતી-આભ અનંત,

પંખી તારા હોય નૈ તો છે એનો અંત,

અંતર વચ્ચે હોય જો અંતર તો ના સંગ …

હું તારે હૈયે રહી તલ તલ ગૂંથું આશ,

તારે ઊડવું હોય તો હું થઉં છું આકાશ,

કાગળ જેવી જિંદગી પણ દેખાડે કૈં રંગ …

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...423424425426...430440450...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved