Opinion Magazine
Number of visits: 9456787
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલતે ચલતે …. યૂ હી કોઈ મિલ ગયા હૈ.

અશોકપુરી ગોસ્વામી|Diaspora - Features|25 September 2024

આજે ઇંગ્લેન્ડના ઇસ્ટ હામ સ્ટેશન સાઇડના ફૂટપાથ પર બંને હાથમાં સામાન ભરેલી પ્લાસ્ટિકની બેગ્સ સાથે ઘેર તરફ આવતો હતો. અહીં આવીને અમારું ચાલવાનું વધી ગયું છે. વતનમાં વાતે વાતે બાઇક લઇને બધે ફરી વળવાની ટેવવાળા મને અને અનસૂયાને કાઠું પડે છે. જો કે દીકરાએ બસ, ટ્રેન, ટ્યુબમાં જવા આવવા માટે બે ડેબિટ કાર્ડ દઇ રાખ્યાં છે. છતાં, થોડે થોડે કરી અમે રોજ ત્રણ ચાર કિલોમીટર ચાલીએ છીએ.

આજે હું એકલો ઇસ્ટહામ સ્ટેશનના ભરચક રોડ પર ચાલું છું. મારા બે હાથમાં ચાર થેલા છે. સ્ટેશન વિસ્તાર ચાલવાવાળાઓથી ભરચક છે. રોડની બંને તરફની નાની મોટી બ્રાન્ડેડ શોપ્સમાં મેં જોઇ રાખેલી, મનમાં નક્કી કરી રાખેલી એ ચીજ વસ્તુઓ ખરીદી, તેના થેલા લઈ હું ચાલતો આવતો હતો, ત્યાં મેં જોયું કે, મારા જમણા બૂટની લેસ છૂટી ગઇ છે. ભરચક એવા ફૂટપાથ પર ઊભા રહી બૂટની લેસ બાંધી શકાય તેવી જગ્યા ખાસું ચાલ્યા પછી મને મળે છે. હું એક સુપરસ્ટોરની બહાર ટ્રોલીઓ મુકવાની બે ફૂટ ઊંચી પાળી પાસે થેલા મૂકી બેસીને બૂટની લેસ બાંધી. ચડી ગયેલા શ્વાસને હેઠો મૂકી બાજુએ જોઉં છું તો એ જ પાળી પર મારી ડાબે પાળી ઉપર, એક ફૂટપાથ ક્લિનર એના યુનિફોર્મમાં બેઠેલો. મારી જેમ તે પણ થાક્યો હશે કે પછી તરસ લાગતાં પાણી પીવા બેઠો હશે તેવું, તેની સામેની અડધી પાણીની બોટલ જોઇ અનુમાન મેં કર્યું. જમણે તેની કચરો ભરવાની ઠેલણગાડી. અમારી નજર મળતાં હું : “આયમ ટાયર્ડ, આઇ સીટ લિટલ, એન્ડ …” વધું બોલવું ન ફાવતાં હું, થોડીવાર બેસી અને ચાલ્યો જઈશ એવું તેને સમજાવા સફળ થાઉં છું.

એ પણ ઈશારામાં “વાંધો નહીં, બેસ. બેસાય.” કહે છે. હવે અમે એકબીજાને જોઈએ છીએ. એ ચાલીસ પચાસનો આછી ધોળી દાઢી મૂછ વધેલી-વાળો જણ મને ઘઉંવર્ણો જણાતાં મેં એને પૂછ્યું : “India…?” એણે ડોકું હલાવી હા પાડી. હવે હું હિન્દીમાં પૂછું છું. “कहां से …? पंजाब से ..?”

એ દબાતે અવાજે બોલે છે  :  “ગુજરાતથી.”

એટલે મેં ય : હું ય ગુજરાતથી.” અને પછી તો …

જે … જે … વાતો થઇ, જેટલી વાત થઈ, એ ત્યાં વસેલા લગભગ ગુજરાતીઓની વારતા છે. મિત્રો, હરતે ફરતે રસ્તે રખડતી વારતા …ના, વાર્તા નહીં વિતકકથા સાંભળવી છે …?! લ્યો, સાંભળો ત્યારે ….

અમિત સાથે મેં લીધેલી સેલ્ફી

આ … ભાઇનું નામ અમિત. ગામ નડિયાદ. નડિયાદના કાકરખાડનો પટેલ. નડિયાદનું કાકરખાડ, તોફાની ખાડિયા જેવું જબરું. આવા કાકરખાડનો એ પટેલ પણ, આ અમિત, એવો તોફાની કે ડાંડ નથી દીસતો. નરમ અને ઢીલો – વીલો દીસે છે. એ વીસ વીસ વરસથી ઇંગ્લેન્ડમાં છે. છે નડિયાદનો પાટીદાર પણ, ઝેરી દાઢ પડી ગયા પછી શિયાવિયા થઈ ગયેલ સર્પ જેવો નરમ ટાઢોબોળ, ઉત્સાહ ઉમંગ વગરનો લાગે છે. અત્યારે કલાકના પંદર લેખે મહિને દહાડે ૨,૦૦૦ થી ૨,૪૦૦ પાઉન્ડ એ (એમના કહ્યા મુજબ) કમાય છે, તેમને ઘેરથી ક્યાંક શિક્ષિકા છે. (એમના કહ્યા મુજબ) દીકરો પણ ક્યાંક સારી જગ્યાએ ગોઠવાયો છે‌‌. (એમના કહ્યા મુજબ) છતાં એમનું પદરનું કહેવાય તેવું પોતાનું ઘર નથી. મેં એને બાળપણના ભેરુની જેમ ઘઘલાવી નાખતાં : “વીસ વીસ વરસથી અહીં છો અને તમે ઘરનું ઘર ખરીદી નથી શક્યા …?! કર્યું શું …?!” એમ કહી એને, દારૂ પીવા અને જુગાર રમવા માટે કરાતી સાઇન કરી. તો, એ એની ઝળઝળિયાળી આંખે મને કહે : “પચાસ હજાર પાઉન્ડ મારા ઇમિગ્રેશનમાં લડવા અને વકીલોને આપવામાં ગયા. મેં દીકરીને લગનમાં સાઇઠ તોલા (૬૦) સોનું આપી પરણાવી. (એમના કહ્યા મુજબ) અત્યારે એ કેનેડા છે. એના લગનનું રિસેપ્શન ન’તું થયું મારાથી પણ, એણે ને જમાઈએ કેનેડામાં “સબવે”ની ફ્રેન્ચાઇઝી લીધી એમાં એને પંદર હજાર પાઉન્ડ આલ્યા. એ નરમ અને ટાઢું બોલે‌. મારી અંદરનો લેખક જાત જાતનું એને પૂછી જોઇતી માહિતી કઢાવે.

ચાર ચાર થેલા લઈ અત્યાર લગી કડેધડે ચાલતો હું, એની સાચી ખોટી અને ભળતી વાતે ઢીલો પડી જાઉં છું. પગનો  થાક તો ઉતરે છે, પણ મનનો થાક વધે છે. મનમાં ઘેરી ઉદાસી છવાઈ જાય છે. પાણીથી ય ન છીપે તેવી તરસ મને લાગે છે. હું મારી પાણીની બૉટલ થેલામાંથી કાઢવા જાઉં છું ત્યાં, અમિત લાગણીથી કહે છે : “આ ઉમ્મરે આટલું બધું ઊંચકીને જાવ છો તો … રોજ થોડું થોડું … લેવાનું રાખતા હો તો ..?”

અને, હું અમિતને અમારી અહીં આવ્યાની કથા ટૂંકમાં કહીને જણાવું છું કે : “આવતા રવિવારે દેશમાં જવાનું છે એટલે આ બધું …” એમ કહી ઉમેર્યું કે : આપણે ત્યાં ભજન મંડળમાં ગવાતા ભજન પહેલાં ગવાતી સાખીમાં ગાનાર ભગત એવું ગાય છે અમિત કે : “સંપત હોય તો ઘર ભલું … અને; નહીં તો ભલો પરદેશ.” ઘેર નડિયાદ ખાતે થોડી ઘણી જોગવાઈ હોય તો ચાલો ઘેર નડિયાદ પાછા.” ત્યારે, મારી વાત સમજ્યા વિના અબુધ અમિત કહે છે : “ઇન્ડિયા તો હું પાંચ વાર આવી ગયો છું.”

હવે,  એની સાથે હાથ મિલાવી ઊભો થવા જાઉં છું, ત્યાં,એ મને પૂછે છે : “તમને તરસ લાગી છે ને …! ? લો; પાણી આપું …” એમ કહે છે ત્યારે, જે તરસ હવે પાણીથી છીપવાની જ નથી, જાણી  હું એને કહું છું : “પાણી નથી પીવું પણ કશુંક સોફ્ટ ડ્રીંક … કેન … બેન … લઇ લઈશ.” એમ કહી મારા થેલા ઉપાડવા જાઉં છું ત્યાં, નડિયાદના કાકરખાડનો પાટિદાર ઊભો થઇ, એની કચરાની ઠેલણગાડીમાંના એની વસ્તુઓ મુકવાના ખાનામાંથી ચીલ્ડ સોફ્ટ ડ્રીંકનું કેન કાઢી મને ધરે છે. હું અવાક પણે : “મને આ ટીન ખોલતાં નહીં ફાવે …” બોલી અમિતને પાછું દઉં છું, ત્યારે એ ફટાફટ કૅન ખોલી મને પાછું ધરે છે, અને મને સાંદીપનિના આશ્રમનો પેલો સુદામો યાદ આવે છે, જે દાયકાઓ પછી એના ભેરુને તાંદુલ ધરતો હતો.

ત્યાં તે વખતે તો કૃષ્ણ હતા. પણ અહીં હું સાવ અકિંચન. સુદામા જેવા અમિતનું કશું પણ ભલું નહીં કરી શકનાર રાંક હું મનોમન દ્વારકેશને પ્રાર્થું છું : “દ્વારિકાથી પાછા ગયેલા સુદામાની સ્થિતિ; પરિસ્થિતિ જેમ બદલાઈ તેવું આ ભલા ભોળા અમિતનું થાઓ પ્રભુ.”

હું હવે ઉતાવળે ટીન પી જાઉં છું. મારાથી એની ઝળઝળિયાળી આંખો જોવાતી નથી. ખાલી થયેલ ટીન એની જ ઠેલણગાડીમાં નાખી તેની સાથે હાથ મિલાવી : “અમિત, દોસ્ત … જાઉં. તો; મલ્યા ફરી પાછા.” કહી, ક્ષણવાર પણ હવે ઊભું રહેવું ન પોસાતું હોય એમ થેલા ઉંચકીને ચાલવા માંડું છું. અમિત મને ચાલતાં જુએ છે. ચાલતાં ચાલતાં પાછું વળીને અમિતને એકવાર જોઇ લેવાનું મન થાય છે, પણ કોણ જાણે કેમ હું તેવું નથી કરતો. એના જીવનના બધા ખોટા પડેલા દાખલાઓ જેમ મારું આમ મળવું પણ એને એના જીવનના ખોટા દાખલા જેવું જ લાગશે.

ચાલતાં ચાલતાં અચાનક મને અમિતના સ્થાને દીકરો આયુષ્યમાન દેખાઈ જાય છે. અને, મારાથી રડી પડાય છે. મારા થેલાઓ અજાણ્યા ભારથી હવે ભારે થઈ ગયા છે. મણ મણની બેડીઓ સાથે ચાલવું હવે અઘરું પડે છે. પગે ખાલી ચડી જાય છે, બેસી પડવાનું મન થાય છે પણ, બેસી નથી શકાતું કે, નથી સરખું ચલાતું. હું પેલા શાપિત અશ્વસ્થામા જેવો મને લાગું છું. શું હું ય …????

સૌજન્ય : અશોકપુરીભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભગતસિંહ અને ગાંધી : કોણ સૌથી લોકપ્રિય?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 September 2024

ભગતસિંહ 

(27 સપ્ટેમ્બર, 1907 : 23 માર્ચ, 1931) 

ગાંધીજી 

(2 ઓક્ટોબર, 1869 : 30 જાન્યુઆરી, 1948)

આવતા દિવસો, આપણી સ્વરાજલડત સંદર્ભે એક તબક્કે લગભગ સરખી લોકપ્રિયતાના મોજા પર સવાર હોઈ શકતી બે વિરલ પ્રતિભાઓના જયંતી પર્વના છે : ભગતસિંહ અને ગાંધીજી. 1920ની અસહકાર ચળવળ અને 1930ની દાંડીકૂચ સાથે દેશના રાજકીય જીવનમાં ઊપસી રહેલું કેન્દ્રીય વ્યક્તિત્વ સતત તો સ્વાભાવિક જ ગાંધીજીનું હતું. બીજી સંસ્થાઓ નહોતી એમ તો નહીં કહી શકાય, પણ રાષ્ટ્રીય ચળવળનું પ્લેટફોર્મ ત્યારે અલબત્ત કાઁગ્રેસ જ કાઁગ્રેસ હતું.

પ્રકાશ ન. શાહ

સન સત્તાવનની ધારા એક રોમહર્ષક ઉઠાવ પછી શમી ગઈ હતી, ને 1905માં બંગભંગ સાથે લાલ-બાલ-પાલ ફરતે લોકજુવાળ બાદ રાજકીય તખ્તે 1915માં ગાંધીપ્રવેશ સાથે એક તરેહના નવજીવનનો ઉન્મેષ વરતાવા લાગ્યો. 1920માં તિલક ગયા : એમની અર્થીને ખભો આપનારા પૈકી ગાંધીજી સર્વથી મોખરે હતા. સ્વતંત્રતાના સાદ સાથે હવે સમતાનો મંત્ર પણ ગુંજવા લાગ્યો. દરમ્યાન, ક્રાંતિધારાને નવજીવન મળ્યું તે સાથે ગુંજેલો નારો ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’નો હતો. આ ક્રાંતિધારાનો સ્વાભાવિક જ એવો કોઈ મોટો વ્યાપ હોઈ શકતો નહોતો. એની અપીલ અલબત્ત પ્રભાવક હતી, પણ લોકહિસ્સેદારીનું જે નવું વ્યાકરણ ગાંધીયુગમાં વિકસ્યું એનો આગળ-પાછળ કદાચ કોઈ જ જોટો નહોતો.

1930-31માં ભગતસિંહનો વિરલ ને વિશિષ્ટ પ્રવેશ અલબત્ત એમણે વડી ધારાસભામાં ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ સરખો જે હલકો-ફુલકો બોંબ પ્રયોગ કીધો એને આભારી હતો. અફરાતફરીમાં આઘાપાછા નહીં થતા, કેમ કે અદાલત મારફતે પોતાની ભૂમિકા લોક લગી પહોંચે, એમણે પકડાવું પસંદ કર્યું … જેમ ન પકડાવું તેમ પકડાવું પણ એક ક્રાંતિઘટના હોઈ તો શકે! 

જે સજા થઈ ભગતસિંહને, એ કંઈ બોંબ ઘટનાને કારણે નહોતી. એમાં તો સોન્ડર્સની હત્યાનું નિમિત્ત હતું. એક ગોરા અફસરને બદલે ભળતો ગોરો અફસર ગોળીએ દેવાયો એ ચર્ચામાં નહીં જતાં અહીં આપણે એટલું જ નોંધીશું કે આ હત્યાનો હેતુ લાલા લાજપતરાય પર સાઈમન કમિશન સામેના વિરોધ સરઘસ દરમ્યાન અંધાધૂંધ લાઠીમારથી આગળ ચાલતાં નીપજેલ મોતનો બદલો લેવાનું હતું. 

આ મુદ્દો જરી પોરો ખાઈને સમજવા જેવો છે. લાજપતરાય કાઁગ્રેસ નેતા હતા. એમના રાજકારણના કેટલાક અંશ ભગતસિંહ અને સાથીઓને કંઈક નાપસંદ પણ હતા. પણ રાષ્ટ્રીય ચળવળના એક સન્માન્ય નેતા સાથેના પોલીસ દુર્વર્તાવને કેવી રીતે સાંખી શકાય, એ સવાલ હતો. માટે, ભગતસિંહ ને સાથીઓએ જાન પર ખેલવાનો રસ્તો લીધો.

બાકી, ચંદ્રશેખર આઝાદનો દાખલો તો આપણી સામે જ છે. જ્યારે પોલીસથી ઘેરાયા ત્યારે પકડાવાની પળે પોતે મોત વહોરવું પસંદ કર્યું. અહીં આઝાદ અને બિસ્મિલને સંભારીને એક બીજોયે મુદ્દો કરવા જેવો છે. ક્રાંતિકારી પ્રવૃત્તિના ઉત્તરકાળમાં એ બંને ખુલ્લા શાંતિમય પ્રતિકારના વિકલ્પની તરફેણમાં વિચારવા લાગ્યા હતા. કોઈ પલાયની મનોવલણ એની પાછળ નહોતું, પણ સંદેશો લોકમાં સંક્રાન્ત થવો અને એની ફરતે લોકનું ઉદ્યુક્ત થવું એ ચાલના મુખ્ય હતી.

આરંભે મેં 1930-31ના કેટલાક મહિના ગાંધીજી અને ભગતસિંહની લોકપ્રિયતા સરખેસરખી સરસાઈ પર હતી એમ કહ્યું તે વાસ્તવમાં કાઁગ્રેસના અધિકૃત ઇતિહાસકાર પટ્ટાભિ સીતારામૈયાનું વિધાન છે. સરખેસરખી સરસાઈના, ખાસ તો ભગતસિંહને છેડેથી જોતાં જેટલા ટૂંકા એટલા જ તેજતર્રાર ગાળા બાદ સતત સંકળાયેલો એક વિવાદમુદ્દો ગાંધીજી ભગતસિંહને કેમ બચાવી ન શક્યા એ છે. એને અંગે ચર્ચાને અવશ્ય અવકાશ હોઈ શકે, પણ એ માટે ગાંધીજીને નાના કે ક્ષુદ્ર મનના દેખાડવાની ગણતરીથી ઊંચે ઊઠી ઇતિહાસ સમગ્રને જોવો પડે.

વાત એ છે કે ગાંધી-અરવિન સમાધાનીને અન્વયે જેમને છોડી મૂકવાના હતા એ સૌ શાંતિમય પ્રતિકાર સર પકડાયેલા હતા. એટલે સમાધાન સમજૂતીનો એક હિસ્સો આ માંગ બની શકે નહીં. સુભાષબાબુ જેવાને લાગતું હતું કે ગાંધીજીએ ભગતસિંહની ફાંસી રોકવાને મુદ્દે બાજી ફિટાઉસ કરી નાખવી જોઈએ. જો કે, તેમ છતાં, એમણે પણ નોંધ્યું છે કે ગાંધીજીએ પોતાના તરફથી અરવિનને કહેવામાં કોઈ કસર છોડી નહોતી. એમણે એક વહેવારુ મુદ્દા તરીકે એ પણ ધ્યાન દોર્યું હતું કે ભગતસિંહ અંગેની તીવ્ર લોકલાગણીને તમે માન આપશો તો સમાધાની સાથે અપેક્ષિત પરિસ્થિતિને પણ મદદ મળશે. અરવિનની (લોર્ડ હેલિફેક્સની) એ ગાળાની ડાયરી બોલે છે કે અહિંસાના પૂજારીને એક હિંસાના આરાધકને બચાવવાની આટલી બધી શું કામ પડી છે તે મને સમજાતું નથી.

આંબેડકર ત્યારે મરાઠીમાં ‘જનતા’ પત્ર ચલાવતા. માત્ર, વર્ણવાસ્તવ નહીં પણ વર્ગવાસ્તવને અનુલક્ષીને વ્યાપક – એક અર્થમાં સમાજવાદી રુઝાન – એવી ભૂમિકા હતી. એમણે ફાંસી પ્રકરણની જે ચર્ચા કરી છે તે મરાઠીમાં હોઈ વ્યાપક સમાજનું ધ્યાન એ તરફ ગયું નથી. પણ આનંદ તેલતુંબડેએ તાજેતરનાં વર્ષોમાં એ અંગ્રેજીમાં સુલભ કરી એમાં પ્રધાન મુદ્દો એ છે કે બ્રિટનની તે વખતની સરકાર માટે ઘરઆંગણાના રાષ્ટ્રવાદી ઉછાળ સામે, ચૂંટણીને લક્ષમાં રાખી ભગતસિંહની સજા મોકૂફ રખાવી શક્ય નહોતી. પ્રશ્ન ગાંધી-અરવિનના વશનો નહોતો. હિંદની અંગ્રેજ અફસરશાહી અને બ્રિટનમાં વિરોધમત, એ બે મુખ્ય ચાલક બળ હતાં. ગાંધીજીને છોડવાનું ને મંત્રણા માટે બોલાવવાનું પગલું જ બ્રિટનની સરકારને વિરોધમતની બીકે નામોશીભર્યું લાગતું હતું, અને એમાં જો ભગતસિંહને બક્ષ્યા તો –

વસ્તુત: સ્વરાજલડત અને સ્વરાજનિર્માણની દૃષ્ટિએ લોકહિસ્સેદારીનું વ્યાકરણ ને વિજ્ઞાન કેમ વિસ્તરે અને દૃઢમૂળ બને એ પાયાનો પ્રશ્ન છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 25 સપ્ટેમ્બર 2024 

Loading

લેટરલ એન્ટ્રીથી નોકરશાહીમાં પાર્શ્વપ્રવેશનું સમર્થન અને વિરોધ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 September 2024

ચંદુ મહેરિયા

ભારત સરકારના ચોવીસ મંત્રાલયોમાં સંયુક્ત સચિવ, નિયામક અને નાયબ સચિવની પિસ્તાળીસ ખાલી જગ્યાઓ લેટરલ એન્ટ્રીથી ભરવા યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ૬૦ પાનાંની જાહેરાત ક્રમાંક ૫૪/૨૦૨૪, તા.૧૭મી ઓગસ્ટના રોજ પ્રગટ થઈ હતી. લેટરલ એન્ટ્રી એટલે સરકારી સેવામાં મોટા હોદ્દાઓ પર કોઈપણ પ્રકારની પરીક્ષા વિના બહારના નિષ્ણાતો કે વિશેષજ્ઞોની સીધી ભરતી. આ પ્રકારની ભરતીમાં અનામત નીતિ લાગુ પડતી નથી. છેક નહેરુના જમાનાથી આ પ્રકારે નિમણૂકો થતી આવી છે. પરંતુ વર્તમાન સરકારે તેને સંસ્થાગત રૂપ આપ્યું છે. અગાઉની સરકારોમાં રાજકીય રીતે થતી એકલદોકલ નિમણૂકો હવે મોટાપાયે અને યુ.પી.એસ.સી. દ્વારા થાય છે. એટલે કાઁગ્રેસ સહિતના વિપક્ષોએ જ નહીં સરકારના સહયોગી પક્ષોએ પણ અનામતના મુદ્દે તેનો વિરોધ કરતાં સરકારે પારોઠનું પગલું ભરી આ ભરતી પ્રક્રિયાની જાહેરખબર રદ્દ કરાવી છે.

કેન્દ્ર સરકારના પ્રવક્તા મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર વાર્તામાં કહ્યા પ્રમાણે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામાજિક ન્યાય પ્રતિ પ્રતિબધ્ધ છે’, તેથી સરકારે યુ.પી.એસ.સી.ને આ વિજ્ઞાપન રદ્દ કરવા જણાવ્યું છે. સરકારના કોઈ સચિવે નહીં, પણ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર પર્સોનલ, પબ્લિક ગ્રિવેંન્સિસ એન્ડ પેન્શન્સે સંઘ લોક સેવા આયોગને લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે “સમાજના નબળા વર્ગોને સરકારી સેવાઓમાં તેમનું સાચું પ્રતિનિધિત્વ મળી શકે તે માટે” વિજ્ઞાપન રદ્દ કરો. સરકારે આમ કરીને લેટરલ એન્ટ્રી અનામતને ખતમ કરશે કે તે અનામત છીનવી લેવાનો પ્રયાસ છે તેનો જવાબ આપ્યો છે.

છેક ૧૯૫૪માં ઈન્ટરનેશનલ મોનિટરીંગ ફંડમાંથી આઈ.જી. પટેલને નાયબ આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારથી લેટરલ એન્ટ્રી અસ્તિત્વમાં છે. વિરપ્પા મોઈલીના અધ્યક્ષપદ હેઠળના બીજા વહીવટી સુધારણા પંચે સિવિલ સેવાઓના વહીવટમાં સુધારાની જરૂર જોઈ, બહારથી નિષ્ણાતોની સીધી ભરતી કરવા ભલામણ કરી હતી. છઠ્ઠા પગાર પંચે હાલની વહીવટી પ્રણાલીમાં સુધારા માટે ઊંચા કે વરિષ્ઠ પદો પર લેટરલ એન્ટ્રીથી ભરતી સિવાય અધિક પરિણામોન્મુખી વલણ અપનાવવા સૂચવ્યું હતું. નીતિ આયોગ સાથે સંકળાયેલા સચિવોના સમૂહે લોકશક્તિની ઉપલબ્ધતામાં વૃદ્ધિ અને નવી પ્રતિભાના ઉપયોગ માટે મધ્યમ અને વરિષ્ઠ સ્તર પર લોકોને સામેલ કરવા જણાવ્યું હતું. વર્તમાન સરકારે ૨૦૧૭માં લેટરલ એન્ટ્રી અંગે વિચારણા કરી ૨૦૧૮થી તેનો અમલ કર્યો છે. તાજેતરની ૪૫ જગ્યાઓની જાહેરાત પૂર્વે ત્રણ વખત હાલની સરકારના કાર્યકાળમાં લેટરલ એન્ટ્રીથી નિમણૂકો થઈ છે. સંસદના વર્ષાસત્રમાં આપેલ માહિતી મુજબ છેલ્લાં પાંચ વરસોમાં ૬૩ નિષ્ણાતોની ઉચ્ચ પદો પર લેટરલ એન્ટ્રીથી નિયુક્તિઓ થઈ છે. ભારત ઉપરાંત અમેરિકા, યુનાઇટેડ કિંગ્ડમ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને બેલ્જિયમમાં  આ પ્રકારે ભરતી થાય છે. અમેરિકામાં તો વળી કાયમી સિવિલ સર્વન્ટ અને મિડ કેરિયર પ્રોફેશનલ્સનું ચલણ  છે.

લેટરલ એન્ટ્રીના સમર્થકો તેના અત્યાર સુધીના સારા અનુભવોની દુહાઈ દઈ ઉમદા ઉદ્દેશો જણાવે છે. દેશની વહીવટી પ્રણાલીને વધુ અસરકારક બનાવવા તે જરૂરી છે. નવા અને બહેતર વિચારોનો લાભ મેળવવાનો પણ તેનો હેતુ છે. વિશેષ જ્ઞાન અને કૌશલ ધરાવતા લોકોને વહીવટમાં સામેલ કરવાથી વહીવટ સુધરે છે. વહીવટની બહારના લોકોના જ્ઞાન અને અનુભવનો લાભ મળે છે. સમર્થકોની એક દલીલ એ પણ છે કે અર્થવ્યવસ્થાનો આકાર અને જટિલતામાં વૃદ્ધિ સાથે અસરકારક નીતિગત હસ્તક્ષેપ માટે વિભિન્ન ક્ષેત્રોની જાણકારી આવશ્યક છે. વર્તમાન આઈ.એ.એસ. કદાચ તે માટે સજ્જ નથી. તેથી વિશેષ પ્રતિભાની આવશ્યકતા છે. બદલાયેલી પરિસ્થિતિ અને જરૂરિયાતોમાં તકનિકી નિષ્ણાતોની જરૂર ઊભી થઈ છે. નવા અને તાજા વિચારો વહીવટને વધુ જીવંત અને ઉપયોગી બનાવશે. ઉદ્યોગ નિષ્ણાતો અને બિનસરકારી સંસ્થાઓને લેટરલ એન્ટ્રીથી વહીવટી પ્રક્રિયામાં સીધા સામેલ થવાની તક મળે છે.

અનામત નીતિને લેટરલ એન્ટ્રીથી વિશેષ અસર થાય છે. તેથી તેનો વ્યાપક વિરોધ થયો છે. અનામત વર્ગના અધિકારીઓની આ જગ્યાઓ પર પ્રમોશનની તક ઘટે છે. તો નવી નિમણૂકમાં આટલી જગ્યાઓ ઓછી થાય છે. ૧૫મી ડિસેમ્બર ૨૦૨૨ના લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલ માહિતી પ્રમાણે ભારત સરકારમાં જોઈન્ટ સેક્રેટરી અને સમકક્ષ જે ૩૨૨ જગ્યાઓ ભરાયેલી છે તેમાં સામાન્ય વર્ગના ૨૫૪, ઓ.બી.સી. ૩૯, એસ.સી. ૧૬ અને એસ.ટી. ૧૩ અધિકારી છે. અર્થાત આ જગ્યાઓમાં અનામત વર્ગનું હાલનું પ્રતિનિધિત્વ પણ ઓછું છે. જો જગ્યાઓ ઘટશે તો તેથી પણ ઓછું થશે. યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં આ જગ્યાઓ માટે અનુસૂચિત જાતિ/જનજાતિની વય મર્યાદા ૩૭ વરસ છે અને તકની કોઈ મર્યાદા નથી. જ્યારે ઓ.બી.સી. વર્ગના ઉમેદવારો માટે નવ તક અને ૩૫ વરસની વય મર્યાદા ઠરાવેલ છે. પરંતુ લેટરલ એન્ટ્રીથી આ જગ્યાઓની ભરતીની જાહેરખબરમાં આવશ્યક ઉંમર ૪૦થી ૫૫ વરસ છે. જે તમામ અનામત વર્ગના ઉમેદવારો કરતાં વધુ છે. તેથી અનામતના મુદ્દે લેટરલ એન્ટ્રીનો વિરોધ વાજબી છે.

પ્લાનિંગ કમિશનના પૂર્વ સદસ્ય અરુણ માયરા લેટરલ એન્ટ્રીમાં બજારના પરિબળના યોગદાનની ચર્ચા કરે છે. તેમના મત મુજબ, “એકવીસમી  સદીના વહીવટી તંત્ર સામે બજાર, સમાજ અને સરકારના સ્તરે પડકાર છે. બજાર સમર્થક આર્થિક સુધારાની અમેરિકી વિચારધારાના બીજ ભારતની રાજનીતિમાં વાવવા અર્થશાસ્ત્રીઓને લેટરલ એન્ટ્રીથી દેશના નાણાં અને આર્થિક સંસ્થાનોમાં ઉચ્ચ પદે બેસાડવામાં આવ્યા હતા. હાલની સરકારે મુખ્ય આર્થિક સલાહકાર, નીતિ આયોગના ઉપાધ્યક્ષ, રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર અને નાણાં પંચના ઉપાધ્યક્ષની નિમણૂક લેટરલ એન્ટ્રીથી કરી છે. બહારથી આવી સીધી ભરતીથી આ ઉચ્ચ પદો પર વિરાજમાન મહાનુભાવો દેશની આર્થિક નીતિઓ ઘડે છે, આર્થિક નીતિની દિશા નક્કી કરે છે.”

“હાલની વહીવટી પ્રણાલીમાં સમસ્યા શું છે જે લેટરલ એન્ટ્રીથી ઉકેલાઈ જશે?” તેવા સવાલ સાથે યુ.પી.ના નિવૃત્ત મુખ્ય સચિવ આલોક રંજન સ્પષ્ટ કરે છે કે “પ્રશ્ન જ્ઞાન કે અનુભવના અભાવનો નથી. સમસ્યા નોકરશાહી સંરચના અને સરકારી કાર્યપ્રણાલીનો છે. જે સર્વશ્રેષ્ઠ સિવિલ સેવક નોકરીના આરંભે ગતિશીલ અને ઉત્સાહી હોય છે તે સમય જતાં સી.એ.જી., સી.વી.સી., સી.બી.આઈ. અને કોર્ટના ડરે નરમ પડી જાય છે. અને કોઈપણ નિર્ણય લેતાં પહેલાં પોતાની નોકરીની સલામતી વિચારે છે. લેટરલ એન્ટ્રીથી નિમાયેલા અધિકારીઓ આ સ્થિતિથી બચીને નિર્ણયો કઈ રીતે લેશે?” અરુણ માયરા પણ કહે છે કે, “આજે સામાજિક, આર્થિક, પર્યાવરણીય સમસ્યાઓ જટિલ બની છે. લેટરલ એન્ટ્રીથી નિમાયેલ કોઈ પર્યાવરણવિદ્દ પર્યાવરણની સમસ્યા ઉકેલી નાંખે પણ શાયદ સામાજિક-આર્થિક નુકસાન પહોંચાડે. તેનો હલ શું હશે?”

એટલે વહીવટને અનુભવ, જ્ઞાન અને નિષ્ણાતપણાની ચોક્કસ જ જરૂર છે. પરંતુ તે લેટરલ એન્ટ્રીથી ઉકેલાશે તેમ માનવાની જરૂર નથી. હાલના વહીવટમાં જે સમસ્યાઓ છે તેનો રામબાણ ઈલાજ લેટરલ એન્ટ્રી નથી. વર્તમાન આઈ.એ.એસ. આઈ.પી.એસ. અધિકારીઓને જરૂરી તાલીમ આપીને પણ આ ખોટ પૂરી શકાય છે. લેટરલ એન્ટ્રીથી જ ભરવાપાત્ર જગ્યાઓ અનામતના અમલ સાથે, શૈક્ષણિક લાયકાત અને અન્ય આવશ્યકતાઓ જણાવી, વગર પરીક્ષાએ સીધી ભરતીથી ભરવાને બદલે, નિષ્પક્ષ અને પારદર્શી રીતે યુ.પી.એસ.સી. દ્વારા લેખિત પરીક્ષાથી ભરી શકાય છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...421422423424...430440450...

Search by

Opinion

  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved