-1-
લોકોત્તર મહાત્માઓની જીવનકલા વિશ્વની એક અદ્ભુત ઘટના છે. એને યથાર્થ રીતે સમજવી, એનું મૂલ્યાંકન કરવું સરળ નથી. ગાંધીજી વિષે આટઆટલું લખાયું છે, એમણે પોતે જ એમના જીવનની કિતાબ આપણી સમક્ષ ખુલ્લી મૂકી છે, છતાં આપણે હજી એમના વિષે કેટલું ઓછું જાણીએ છીએ, અને જાણીએ છીએ તેમાંથી કેટલું ઓછું સમજીએ છીએ! એમના જીવનના આંતરતમ પ્રદેશો ઉપર, એમની ગહનતમ મન પ્રક્રિયા ઉપર પ્રકાશ તો એમના પરમ અંતેવાસી પાસેથી જ મળે ને ! સદ્ભાગ્યે મહાદેવભાઈની ડાયરી મળ્યા પછી ગાંધીજીના મનનાં કેટલાંક ઊંડાં ઊંડાં પડો ઉકેલાય છે.
ગાંધીજીના વ્યક્તિત્વનું ઘડતર એક અતિ રસપ્રદ વિષય છે. ચીવટ, ચોકસાઈ, આગ્રહ, બાહ્યાન્તર સ્વચ્છતા, પવિત્રતા, ભલાઈ એમને વારસામાં મળ્યાં હતાં. ગુજરાતની સંસ્કૃતિના લાક્ષણિક સદ્ગુણો-ઊંડી વ્યવહાર-બુદ્ધિ (Common-Sense), સમાધાનવૃત્તિ, અહિંસાવૃત્તિ, કર્મશીલતા – એમનામાં પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા. જાણે ગુજરાતની હજાર વર્ષની સંસ્કૃતિએ ગાંધીરૂપે માનવદેહ ધારણ કર્યો હતો!
ગુજરાતના વૈષ્ણવ સંપ્રદાયની ભક્તિ, નિરભિમાન, નમ્રતા, કોમળતા તો એમને ગળથૂથીમાંથી મળ્યાં હતાં. એમાં શ્રીમદ્ રાજચંદ્રજીના સંસર્ગે દ્વારા જૈન ધર્મના, વિશેષતઃ અહિંસાના, સંસ્કારો ભળ્યા. મુસ્લિમ મિત્રોના સંપર્ક દ્વારા એમણે ઈસ્લામની ઈમાનદારી અપનાવી. ખ્રિસ્તી મિત્રો દ્વારા અને બાઈબલના સતત અભ્યાસે ખ્રિસ્તી ધર્મચિંતનની ગાઢ છાયા એમના જીવન પર પડી. ખ્રિસ્તી ધર્મનાં અહિંસા, બંધુપ્રેમ અને સેવાભાવ એમના અંતરમાં વસી ગયાં અને જીવનમાં મૂર્ત થયાં—એટલે સુધી કે દીનબંધુ ઍન્ડ્રૂઝ અમેરિકાના હોમ્સ જેવા પરમ ભાવિક ખ્રિસ્તીઓએ એમને ઈસુ ખ્રિસ્તના જ આધુનિક અવતાર સમા ગણ્યા. પણ વસ્તુત: તો એમનામાં હિંદુ ધર્મ જ અતીવ સંસ્કા૨ પામીને, અન્ય ધર્મના સંપર્કે પરિશુદ્ધ બનીને, એક માનવધર્મ કે વિશ્વધર્મ રૂપે ભવ્ય આવિષ્કાર પામ્યો હતો. આ સર્વે કુલક્રમાગત, ધર્મપ્રાપ્ત, સહવાસજન્ય સંસ્કારોનું અપૂર્વ મિલન, અદ્ભુત સુમેળ એમના આત્મામાં સધાયો હતો.
આટલી બધી આધ્યાત્મિક સંપત્તિનો વિનિયોગ એમણે આપણા રાષ્ટ્રના રાજકીય અને સામાજિક પુનરુત્થાનમાં કર્યો. એનાં પ્રથમ પગરણ દક્ષિણ આફ્રિકામાં મંડાયાં, ત્યાં હિંદી કોમના હિતાર્થે શું સહન કર્યું છે એમણે !* પણ એ તપશ્ચર્યાનો ઈશારો સરખો એમની આત્મકથામાં નથી. આત્મશ્લાઘાનો આછો ૫ડછાયો પણ એમના સત્યપ્રિય આત્માને ન ખપે. આફ્રિકામાં એમણે હિંદી કોમને સંગઠિત કરી, એનામાં સ્વાભિમાન પ્રેર્યું, અને એના ઉત્થાન માટેના પ્રયાસો કરતાં પોતાના ઐતિહાસિક સત્યાગ્રહ શસ્ત્રને બરાબર ઘડ્યું.
* જુઓ: ‘મહાદેવભાઈની ડાયરી’ પુસ્તક પહેલું. પૃ. ૧૮-૯.
[10 જાન્યુઆરી 2025]
•
-2-
ભારતવર્ષમાં આવીને એમણે ભારતના આત્માને બરાબર ઓળખ્યો, અને એની સાથે તદ્રુપ થઈને રહ્યા. ભારતવર્ષ એટલે કોટ્યાવધિ દરિદ્રનારાયણો. ગાંધીજીનાં ભોજન, વસ્ત્ર, પરિગ્રહ વગેરે જુઓ; એમની ખાદી, ગ્રામોદ્યોગ, અસ્પૃશ્યતાનિવારણ ઈત્યાદિ પ્રવૃત્તિઓ તપાસો. એ સહુમાં દરિદ્રનારાયણ સાથે એકરૂપ થવાનો, એમનામાંના એક બની રહેવાને પ્રયત્ન નથી શું ? પ્રસિદ્ધ હિંદી કવિ મૈથિલીશરણ ગુપ્ત એક કાવ્યમાં રામનું વર્ણન કરતાં કહે છે કે, શસ્યશ્યામલા ધરિત્રી જાણે રામરૂપે નરદેહ ધારણ કરીને પ્રગટ થઈ. આપણે કહી શકીએ કે, અકિંચન પણ ગૌરવવંત, પદદલિત છતાં સંસ્કારશોભન, પુરાતન ભારતવર્ષ જાણે ગાંધીરૂપે મૂર્તિમંત થયો.
ગાંધીજીની લાક્ષણિકતા આપણા રાષ્ટ્રજીવનનાં મૂલ્યોનાં સર્વાંગીણ ઊર્ધ્વીકરણમાં છે. બધા પયગંબરોમાં હોય છે તેમ માટીમાંથી માનવી સરજાવવાની, કથીરમાંથી કંચન બનાવવાની અદ્ભુત શક્તિ એમને વરી હતી. એ ઊંડી મનુષ્યપરીક્ષા કરી શકતા, અને સામાન્ય માણસમાં પણ ઊંડે ઊંડે ગૂઢ રહેલાં ઉચ્ચ તત્ત્વોને પારખી શકતા. પ્રેમથી માણસોને વશ કરીને, એમની પ્રાકૃતતા ગાળી નાખી, એમનાં પાર્થિવ મૂલ્યો વિસરાવી, એમને જીવનનાં ઉન્નત મૂલ્યો આપતા. આ રીતે એમના સ્પર્શમાત્રે માણસની આાત્મિક કાયાપલટ થઈ જતી અને એનામાં અપૂર્વ સામર્થ્ય પ્રગટતું. સામાન્ય મનુષ્યોએ પણ એમની રાહબરી નીચે અકલ્પ્ય બલિદાનો આપ્યાં છે અને અપૂર્વ નૈતિક બળ દર્શાવ્યું છે. આ રીતે ગાંધીજીએ આમ જનતામાં સ્વાભિમાન, આત્મવિશ્વાસ પ્રગટાવ્યાં, કિસાનોને જાગ્રત કર્યા, અને સદીઓ થયાં અજ્ઞાન અને હીનદશામાં રહેલી નારીશક્તિનો પુનઃપ્રતિષ્ઠા કરી. આમજનતાને ઉત્થાન પંથે લાવવાને ગાંધીજી એમની દુન્યવી કક્ષા સુધી પહોંચી એમના હૃદયને, આત્માને સ્પર્શતા. ગાંધીજીના જીવનની પરમ ઋજુતા અને સાદાઈ એમને સરળતાથી દરિદ્રનારાયણોના આત્મા સાથે તન્મયતા સધાવી આપતી.
આમજનતાને દોરવાને માટે, એમની પ્રવૃત્તિઓમાં સળંગસૂત્રતા આણવા માટે સ્વદેશપ્રેમી ત્યાગવૃત્તિવાળા સમર્થ નેતાઓની જરૂર હતી. એ માટે ગાંધીજીએ જ્યાં જ્યાં સત્ત્વ જોયું ત્યાં ત્યાં, પોતાના વ્યક્તિત્વના પ્રભાવે, પોતાના પ્રેમના બળે તેને આકર્ષ્યું અને રાષ્ટ્રના સ્વાતંત્ર્યયજ્ઞમાં નિયોજ્યું. વ્યક્તિની શક્તિ અને મર્યાદાની એ અચૂક પરીક્ષા કરતા, અને સૌને બરાબર ઘટતું – સાહિત્યપ્રેમીને રાષ્ટ્રીય સાહિત્યનિર્માણનું, વ્યવસ્થાનિપુણને ભિન્ન ભિન્ન રાષ્ટ્રીયસંસ્થાઓના સંચાલનનું, સેવાપ્રેમીને અસ્પૃશ્યાદિ જાતિઓના સમુદ્ધારનું—કામ સોંપતા. જ્યાં ગૂંચવણ પડે, વિસંવાદ કે ઘર્ષણ થાય, ત્યાં એમની અમોઘ પ્રેમશકિત બધું બરાબર કરી દેતી. આથી જ ભારતનાં નરરત્નોના એ સૂત્રસ્થાને હતા.
એમની ક્રાન્તદષ્ટિએ જોયું કે, રાષ્ટ્રના સર્વતોભદ્ર ઉષ્કર્ષ માટે સ્વાતંત્ર્યની આવશ્યકતા છે. એથી એમણે પ્રથમ રાષ્ટ્રના સ્વાતંત્ર્ય માટે પ્રચંડ ઝુંબેશ ઉપાડી. એમની પહેલાં પણ સ્વદેશપ્રેમી નેતાઓએ દેશની સ્વાધીનતા માટે ચળવળ શરૂ કરી હતી, પણ એ બહુ મંદ અને વિનીત – કોન્ફરન્સો, ભાષણો અને ઠરાવોમાં જ સમાપ્ત થઈ જનાર – હતી. ગાંધીજીના હાથમાં રાષ્ટ્રીય ચળવળની કાયાપલટ થઈ ગઈ. એમણે કાઁગ્રેસને થોડા સુશિક્ષિતોનું જ વાહન ન રહેવા દેતાં સમસ્ત આમજનતાની પ્રતિનિધિ બનાવીને એમાં નવા પ્રાણ રેડ્યા, અને સમસ્ત જનતાને જાગ્રત કરીને સમગ્ર લોકશક્તિનો મોરચો વિદેશી સત્તા સામે ખડો કરી દીધો. ૧૯૨૦, ૧૯૩૦, ૧૯૪૨-ચંપારણ, બારડોલી, દાંડીકૂચ ઈત્યાદિ એ સ્વાતંત્ર્ય સંગ્રામનાં સીમાચિહ્નો બની રહ્યાં. ધીમે ધીમે વિદેશી સત્તાના પાયા હચમચતા ગયા. અને છેવટે તો એને પોતાનું સ્થાન ટકાવી રાખવું અશક્ય થઈ પડયું, અને દેશને સ્વાધીનતા પ્રાપ્ત થઈ. ગાંધીજીની રાહબરી વિના આ મુક્તિયાત્રા સફળ થઈ હોત એમ કોણ કહી શકે?
[11 જાન્યુઆરી 2025]
•
-3-
ગાધીજીનું જીવનદર્શન સર્વતોમુખ હતું. રાજકીય સાથે સમાજસુધારણાનું, ગ્રામોદ્ધારનું, ધર્મશોધનનું એમણે થોડું કામ કર્યું નથી. રાજકીય પ્રવૃત્તિની સાથે સાથે આ પ્રકારનાં રચનાત્મક કાર્યમાં એમણે સમસ્ત જીવન રેડી દીધું, અને જ્યાં જ્યાં એમનો વરદ હસ્ત ફર્યો ત્યાં ત્યાં અપૂર્વ નવનિર્માણ થયું. ગાંધીજીએ સૂચવેલો રચનાત્મક કાર્યક્રમ રાષ્ટ્રે સંપૂર્ણપણે અપનાવ્યો હોત તો રાષ્ટ્રની સુરત ફરી જાત. તો પણ ગાંધીજી પૂર્વેનું હિંદ અને હાલનું હિંદ સરખાવતા, સમાજજીવનમાં સ્ત્રીઓનું, દલિતોનું, પીડિતોનું સ્થાન ત્યારનું અને હાલનું (1972) સરખાવતાં, સમાજશોધનમાં સારી પેઠે પ્રગતિ થઈ છે, એમ પ્રતીત થયા વિના રહેશે નહીં. ભારતવર્ષમાં છેલ્લી પચીસીમાં સામાન્ય માનવીનું જે આશ્ચર્યજનક ઉત્થાન થયું છે એનું શ્રેય ગાંધીજીને છે.
ગાંધીજીએ ભારતનો આત્મા જાગ્રત કર્યો એનું એક શુભ પરિણામ એ થયું કે, ભારતીય સંસ્કૃતિ માટે સ્વાભિમાનની ભાવનાને વેગ મળ્યો. ઓગણીસમી સદીના અંતભાગથી ભારતીય સંસ્કૃતિના પુનર્જીવનનો પ્રારંભ તો થયો જ હતો. યુરોપીય સંસ્કૃતિના પ્રથમ આઘાતે જેમાં કેવળ હીન તત્ત્વો જ જણાતાં હતાં તે ભારતીય સંસ્કૃતિ ધીમે ધીમે મહાશાળા, શાળાઓમાં સંસ્કૃતનો વ્યાપક અભ્યાસ થવાથી, યુરોપીય વિદ્વાનોના સંસ્કૃત સાહિત્ય અને ભારતીય તત્ત્વજ્ઞાન માટેના આદરનું આપણને ભાન થવાથી, અને સંસ્કૃતિપ્રેમી વિદ્વાનોના ઉદ્બોધનોથી, તત્ત્વોથી સભર, ગૌરવવંત લાગવા માંડી હતી. ગાંધીજીએ રાજકીય પ્રવૃત્તિની સાથે ભારતીય સંસ્કૃતિનુ રક્ષણ અને પુનરુજ્જીવન જોડી દીધું, ભરતીય સંસ્કૃતિની ઉપાસનાને રાજકીય ઉત્થાનનું પ્રતીક બનાવી દીધી, એથી ભારતીય સંસ્કૃતિ સત્વર પુન: પ્રતિષ્ઠા પામી. ગાંધીજીએ આપણું રાષ્ટ્રીય સ્વમાન જાગ્રત કરીને આપણું પ્રાચીન સંસ્કારધન કેટલું મૂલ્યવાન છે એ બતાવી પશ્ચિમના અંધ સંસ્કારદાસત્વમાંથી દેશને મુક્ત કર્યો. એ રીતે ભારતીય ભાષાઓ, ભારતીય પોશાક, ભારતીય જીવનપ્રણાલી, એ સર્વ ફરી આદરણીય મનાયા. પણ સાથે સાથે જ હિંદુ ધર્મ અને ભારતીય જીવનના ઘણાં અંગોને ગાધીજીએ સંસ્કારી લીધા. હિંદુ ધર્મમાં રહેલાં સત્ય, માનવપ્રેમ, અહિંસા, સેવા, અપરિગ્રહ, સ્વાશ્રય વગેરે સનાતન તત્ત્વોને એમણે વિકસાવ્યા, અને સાંપ્રદાયિકતા, અસ્પૃશ્યતા આદિ અનિષ્ટોને એમણે દૂર કરવાના પ્રયત્નો કર્યાં. એમણે આપેલા સત્ય અને અહિંસાનાં નવાં મૂલ્યો ભારતે જેટલે અંશે પચાવ્યાં, તેટલે અંશે રાષ્ટ્રનું આધ્યાત્મિક સત્ત્વ વધ્યું.
એમનું સત્ય એ માત્ર વાણીનું જ સત્ય નહોતું, પણ સમસ્ત આચરણનું સત્ય, જીવનનું ઋણુ હતું. એમાં રુક્ષતા નહોતી, પણ હૃદયની વિશાળતા હતી, માનવપ્રેમની કોમળતા હતી. ખરું જોતા આ પ્રેમ અને કોમળતા એમને ભારતીય સંસ્કૃતિ પાસેથી મળ્યા હતા — આપણા મધ્યકાલીન ભક્તજનોમાં એ વિપુલ પ્રમાણમાં હતા. આ જ રીતે એમની અહિંસા પણ વ્યાપક સ્વરૂપની હતી. અહિંસા અને પ્રેમ, અહિંસા અને બ્રહ્મચર્ય, અહિંસા અને અપરિગ્રહ એમને મન સમાનાર્થ છે. અહિંસા એટલે જીવનના વિલાસમાત્રનો ત્યાગ, માનવ માટે ઉત્કટ પ્રેમ અને હૃદયની ઉદારતા. આ અહિંસાને એમણે પોતાના જીવનમા વણી લીધી અને પોતાની સમસ્ત પ્રવૃત્તિઓમાં આચરી બતાવી.
[12 જાન્યુઆરી 2025]
•
-4-
રાષ્ટ્રના સાંસ્કૃતિક પુનરુત્થાનના એક અંગ રૂપે ગાંધીજીએ ભારતીય ભાષાઓનું પ્રતિષ્ઠાપન કર્યું.
એમણે આપણા દૈનિક વ્યવહારમાં અંગ્રેજીના ઉપયોગની શરમજનક વિચિત્રતા દર્શાવીને એને સ્થાને રાષ્ટ્રભાષા તરીકે હિંદી-હિંદુસ્તાનીની અને અન્ય વ્યવહારમાં પ્રાન્તિક ભાષાઓની મજબૂત હિમાયત કરી. એમણે પોતે જ કાઁગ્રેસના મંચ ઉપરથી, શિષ્ટ સમારંભોમાં, વાઈસરોયની સભામાં રાષ્ટ્રની ભાષા હિંદીમાં જ બોલવાનો આગ્રહ રાખી આ દિશામા પ્રથમ પ્રસ્થાન કર્યું. એમાંથી કેવું શુભ પરિણામ આવ્યું ! આજે (1972) હિંદી-હિંદુસ્તાની ત્વરિત ગતિએ રાષ્ટ્રભાષાનું સ્થાન પ્રાપ્ત કરતી જાય છે, અને પ્રાન્તિક ભાષાઓમાં વિપુલ પ્રમાણમાં સત્ત્વશાલી સાહિત્ય નિર્માણ થતું જાય છે.
ભારતની સર્વે ભાષાઓમાં ગુજરાતી સૌથી બડભાગી છે કે એને ગાંધીજી સમા ઘડવૈયા મળ્યા. પાંડિત્યના ભાર તળે કચરાતી ગુજરાતી ભાષાને આડંબરમાંથી મુક્ત કરી સરળ અને ખૂબ સામર્થ્યવાળી એમણે બનાવી. પ્રથમ ‘નવજીવન’ અને પછી ‘હરિજનબંધુ’ દ્વારા એમને હાથે ગુજરાતી ઘડાઈ; અને એમની ‘આત્મકથા’ એ તો એમણે પોતાની માતૃભાષાને ચરણે ધરેલું અણમોલ રત્ન છે.
એમના અનુયાયીગણે—સદ્દગત મહાદેવભાઈ, કાકાસાહેબ, નરહરિ પરીખ, કિશોરલાલ મશરૂવાળા અને અન્ય વિદ્વાનોએ, અને વિદ્યાપીઠની અસર તળે આવેલી આખી નવલોહિયા યુવાન લેખકોની પેઢીએ આ દિશામાં ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવામાં મણાં રાખી નથી. આ લેખકોના ગંભીર વાઙમય સર્જને લલિત સાહિત્યસર્જનની સમતુલા જાળવી છે. પરિણામે આજે હિંદની ભાષાઓમાં ગદ્ય પરત્વે ગુજરાતીનું સ્થાન જો મોખરે હોય તો તેનો યશ મહદંશે ગાંધીજીને છે.
ગાંધીજીની શૈલીમાં સૌન્દર્ય કરતાં સરળતા અને સામર્થ્ય વધારે છે. એમાં ઉદ્યાનનાં ફૂલોની પરિમલ નહિ હોય, પણ નવવર્ષાએ મહેક મહેક થતી ધરતીની મીઠી સુવાસ ફોરી રહે છે. ઘણી વાર વિના પ્રયાસે, અનિચ્છાએ પણ, એમના જીવનનું મહાકાવ્ય, એમના આત્માનું કલગાન એમનાં લખાણોમાં પ્રગટ થયા વિના રહેતું નથી.
એમના તપસ્વી જીવને ઘણાંને એમ માનવાને પ્રેર્યાં છે, કે એમને સાહિત્યમાં રસ નહોતો, એમના જીવનમાં લલિત કલાઓને સ્થાન નહોતું. પણ એ વાત સાચી નથી. એ પોતે પણ એમની સ્વભાવસિદ્ધ વિનીતતાથી-નમ્રતાથી કહેતા કે, પોતે સાહિત્યકાર નથી, કલાપ્રેમી નથી. એનું તાત્પર્ય એટલું જ કે, સાહિત્યના અને કલાના આનંદો કરતાં એમને માનવતાની સેવા કરવી વધુ ગમતી હતી. રાષ્ટ્ર સ્વતંત્ર ન થાય ત્યા સુધી સાહિત્યસર્જન કરતાં રાષ્ટ્રના નવવિધાનના પ્રયાસો એમને મન વધારે મહત્ત્વના હતા. બાકી તો જેલનિવાસ દરમિયાન ફરજિયાત વિશ્રાન્તિના સમયમાં એમની સાહિત્યરસિકતા મુક્તપણે પ્રકાશતી. ‘મહાદેવભાઈની ડાયરી’માંથી થોડાક પ્રસંગો જ જોઈએ એટલે એમની સાહિત્યપ્રિયતાની પ્રતીતિ થશે.
[13 જાન્યુઆરી 2025]
•
-5-
મહાદેવભાઈની ડાયરી(પ્રથમ ભાગ)માં એમણે જેલમાં નવરાશે વાંચવાને મંગાવેલાં પુસ્તકોની યાદી જુઓ તો પણ ગાંધીજીની સાહિત્યપ્રિયતા છતી થશે.
સુપ્રસિદ્ધ અમેરિકન લેખક અપ્ટન સિન્કલેર વિશે તેઓ અભિપ્રાય આપે છે : “આ માણસ તો અદ્ભુત સેવા કરી રહ્યો લાગે છે. સમાજનો એક એક સડો લઈને બેઠો છે અને એને આબાદ રીતે ઉઘાડો પાડે છે.”
ગોવર્ધનરામની કલાનું એમનું મૂલ્યાંકન મિતાક્ષરી છતાં કેવું સંગીન છે! “(સરસ્વતીચંદ્રના) પહેલા ભાગમાં એમણે પોતાની શક્તિ ઠાલવી. નવલકથાનો રસ પહેલામાં ભરેલો છે. ચરિત્રચિત્રણ એના જેવું ક્યાં ય નથી. બીજામાં હિંદુ સંસાર સરસ ચીતરાયો છે. ત્રીજામાં એમની કળા ઊડી ગઈ, અને ચોથામાં એમને થયું કે હવે મારે જગતને જેટલું આપવું છે તે આ પુસ્તક દ્વારા જ આપી દઉં તો કેવું સારું!”
હિંદી સાહિત્યનો પણ એમને શોખ હતો. મૈથિલિશરણ ગુપ્તનું ‘સાકેત’ એમણે જ વાંચીને મહાદેવભાઈને એ વાંચી જવાની ભલામણ કરી હતી. પછી મૈથિલીબાબુનું ‘અનઘ’ નામનું મઘ વિષેનું એક સુંદર દીર્ઘકાવ્ય એક દિવસમાં પૂરું કર્યું, અને મહાદેવભાઈને પણ એ વાંચી જવાનો આગ્રહ કર્યો.
ગાંધીજી જે વાંચતા એ આરૂઢ સાહિત્યરસિકના રસથી વાંચતા. એમના સાહિત્યના રસ અને અધ્યયનનું ફલક કેટલુ વિશાળ હતું ! હવે આપણે ગાંધીજીને અરસિક કહી શકીએ ખરા ? સારા સાહિત્યાભ્યાસીને શરમાવે એવું તો ઘણું સાહિત્ય એમણે વાંચ્યું છે, અને જે વાંચ્યું છે તે સર્વ આત્મસાત્ કર્યું છે. ‘ગીતા’ કે ‘Unto This Last’ (‘સર્વોદય’) વાંચીને એમણે જેમ જીવનમાં ઉતાર્યા તેમ બીજા કોણે એવા મહાગ્રંથોને જીવનમાં ઉતાર્યા છે ?!
[14 જાન્યુઆરી 2025]
•
-6-
ખરું જોતાં એમનો આત્મા આજન્મ સાહિત્યકારનો, સર્જકનો હતો; પણ એમનું મિશન, એમનું જીવનકર્તવ્ય સાહિત્યરચના કરતાં ઘણું વધારે વિશાળ અને ઉન્નત હતું. નીચેના એમના લખાણોમાંથી ઉપાડેલા અવતરણો જુઓ :
વેરિયર એલ્વિનને લખેલા એક પત્રમાં તેઓ કહે છે :
Your church is in your heart. Your pulpit is the whole earth. The blue sky is the roof of your church. And what is this Catholicism ? It is surely of the heart. But my testimony is worth nothing if when you are alone with your Maker, you do not hear the Voice saying; ‘Thou art on the right path.’
That is the unfailing test and no other.’
અહીં તમને સામ(psalm)ના મધુર સૂર નથી સંભળાતા?
આવો જ મંજુલ ધ્વનિ મિસ એસ્થર ફેરિંગને લખેલા નાના પત્રમાં શ્રવણે પડે છે :
‘If we simply make ourselves Instruments of His will, we should never have an anxious moment.
Yes, there is no calm without a storm. There is no peace without strife. Strife is inherent in peace. Life is a perpetual struggle against strife, whether within or without. Hence the necessity of realizing peace in the midst of strife.’
જિજ્ઞાસુઓને તેઓ ઈશ્વરનું સ્વરૂપ સમજાવે છે :
‘ઈશ્વરનું સંપૂર્ણ વિશેષણ તો સત્ય જ છે, બાકીનાં બધાં વિશેષણ અપૂર્ણ છે. ઈશ્વર શબ્દ પણ વિશેષણ છે, અને એ અનિર્વચનીય મહાન તત્ત્વને એાળખાવનારું એક વિશેષણ છે. ઈશ્વર સત્ય છે એમ કહેવું એ પણ અધૂરુ વાક્ય છે. સત્ય એ જ ઈશ્વર છે, એ માણસની વાચા પહોંચી શકે ત્યાં લગીનું પૂર્ણ વાકય છે.’
‘આત્મા એ પોતે જ બુદ્ધિથી પર છે. જેણે આત્માને અને ઈશ્વરને બુદ્ધિથી જ જાણ્યો તેણે કાંઈ જ જાણ્યું નથી. આત્મા કે ઈશ્વર જાણવાની વસ્તુ નથી; તે પોતે જાણનાર છે. અને તેવી જ તે બુદ્ધિથી પર છે. ઈશ્વરને ઓળખવો એ ઈંદ્રિયોનો કે બુદ્ધિનો વિષય નથી. એને સારુ નોખી શક્તિ જોઈએ અને તે છે અચળ શ્રદ્ધા.’
આમ એમની વાણી સૌન્દર્ય શોધતી ન હોવા છતાં ઘણીવાર અનાયાસ સહજ ભાવે એમાં મધુર સૌન્દર્ય પ્રવેશે છે. પણ સૌન્દર્યનું દર્શન અને નિરૂપણ એમનું ધ્યેય નથી. એઓ તો વાંછે છે પરમ સત્ય, ‘જેના મઅંગલરૂપમાં’ સમસ્ત સૌન્દર્ય લય પામે છે.
[15 જાન્યુઆરી 2025]
•
−7−
ગાંધીજીના અતિ સમૃદ્ધ જીવનનાં વિવિધ પાસાં આપણે જોયાં અને એમનાં જીવનકાર્ય ઉપર ઊડતી નજર નાખી. જે જે ક્ષેત્રમાં એમણે પ્રવૃત્તિ કરી તે તે ક્ષેત્રને એમણે દીપાવ્યું. પણ એમણે આપણા સામાજિક અને રાજકીય જીવનનાં મૂલ્યોમાં જે પરિવર્તન આણ્યું, અને પરંપરાગત મૂલ્યોનું જે શોધન અને ઊર્ધ્વીકરણ કર્યું, એ જ એમનું સૌથી મૂલ્યવાન પ્રદાન ગણાશે એમાં શંકા નથી.
સત્ય અને અહિંસા, પ્રેમ અને સેવા, સ્વાશ્રય અને અપરિગ્રહ—એ નવાં મૂલ્યો એમણે સ્વીકાર્યાં, જીવનમાં ઉતાર્યાં, અને રાષ્ટ્રની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં પ્રયોજ્યાં. એમની પ્રજ્ઞા ઘણી સતેજ હતી. જીવનની ઘણી બાબતોમાં એમનાં જ્ઞાનનું ઊંડાણ અને વ્યાપકતા આશ્ચર્ય પમાડે તેવાં હતાં. પણ એમના નૈતિક જીવનની ભવ્યતા અને મહત્તા તો વર્ણનાતીત હતી. એ નૈતિક બળે એમને સર્વત્ર વિજય અપાવ્યો, અને એમના આદર્શોને એમના જીવનકાળમાં સિદ્ધ કર્યા. રાષ્ટ્રને એમણે આપેલાં નવાં મૂલ્યોની પાછળ કેટલી બધી ક્રાન્તદૃષ્ટિ હતી, એમણે રાજકીય જીવનમાં સ્થાપેલી અહિંસાની મહત્તા કેટલી વાસ્તવિક હતી, એ આજે (1972) ચીન અને બ્રહ્મદેશના હાલ જોતાં સ્વયંસ્પષ્ટ જણાય છે. અહિંસા અને પ્રેમ જેવી સાત્ત્વિક વૃત્તિઓનાં ફળ મોડાં, પણ ચિરસ્થાયી અને કલ્યાણકર; ભય અને હિંસાનું પરિણામ તાત્કાલિક પણ ક્ષણજીવી અને અંતે વિનાશકર. એ આજે હવે પ્રતીત નથી થતું શું?
ગાંધીજી તો હવે ગયા, ભયને હિંસાને મૃત્યુને જીતીને જગતને પેલે પાર, જ્યાં સત્ રૂપે પરમ તત્ત્વ સદૈવ વિલસે છે. પણ એમની ભાવનાઓ, આદર્શો, અને જીવનમૂલ્યોનો અમૂલ્ય વારસો આપણને આપતા ગયા છે.
એમણે આપેલા એ મહામૂલ્યવાન વારસાને આપણે લાયક નીવડીએ, એથી અન્ય કઈ વધારે સુયોગ્ય અંજલિ આપણે એમને અર્પી શકીએ ?
[16 જાન્યુઆરી 2025]
(સમાપ્ત)
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક 207, 208, 209, 210, 211, 212 તેમ જ 213