Opinion Magazine
Number of visits: 9774225
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Door will open at 6:30

Mahendra Shah|Opinion - Cartoon|1 May 2013

 

 

તમે યાર, વારે ઘડીએ ઘડિયાળ બતાવ બતાવ ના કરો. … કમ્પ્લેઇન કરતાં પહેલાં ફલાયર બરાબર વાંચો. … 

નીચે ફાઈન પ્રિન્ટમાં લખ્યું છે : 'Door will open sharp at 6.30 PM.' It doesn't say concert will start at 6.30 sharp !

e.mail : mahendraaruna1@gmail.com

Loading

અદાલત

અરુણા મકવાણા|Poetry|1 May 2013

હા
મેં હત્યા કરી છે.
ભ્રૂણહત્યા !
એક નાજૂક, કોમળ અને માસૂમ બાળકની,
ઘણું રડી હતી એ,
મા મને બચાવી લે,
મા મને જન્મ આપ,
હું સમાજ સુધારક બનીશ,
સ્ત્રીઓમાં ચેતના પ્રગટાવીશ,
તારું શોષણ કરનારાઓને સજા આપીશ,
મા મને જન્મ આપ,
ઘણી આજીજીઓ કરી હતી પણ ……
મેં એક ન સાંભળી,
એનો શ્વાસ રૂંધાયો હતો,
નિષ્ઠુર સમાજે મને સંવેદનહીન બનાવી દીધી હતી,
મેં એને મારાં જ હાથે …..
શા માટે ?
શા માટે, હું એને લઈ આવું આ સમાજમાં ?
જ્યાં મારું સન્માન નથી,
કારણ … હું સ્ત્રી છું …
તિરસ્કારો વચ્ચે જીવતી,
એક વાંઝણી સ્ત્રી ….
લોકો વાંઝણી કહે છે.
હા વાંઝણી …
કારણ માત્ર એટલું જ ને,
હું એક પુત્રને જન્મ ન આપી  શકી?
કેટલી પીડા આપે છે આ તિરસ્કાર,
મારી જ સ્ત્રી જાતનો,
મારાં પ્રત્યેનો તિરસ્કાર  !
પાંચ પાંચ પુત્રીઓને જન્મ આપવા છતાં પણ,
હું વાંઝણી …?
હા મેં હત્યા કરી છે.
પણ હું હત્યારી નથી.
હું ગુન્હેગાર નથી,
હત્યારો છે આ સમાજ ,જેણે મને હત્યા કરવા મજબૂર કરી,
ગુનેગાર છે આ સમાજ, જેણે મને ગુનો કરવા મજબૂર કરી.
મારે ફરિયાદ નોંધાવવી છે,
આ હત્યારા સમાજ વિરુદ્ધ,
કોઇ મને કહેશો ?
ક્યાં છે,
આ સમાજને સજા આપનારી અદાલત ?

ઈમેઈલ : anjaliparmar@ymail.com
 

Loading

હું માનવી માનવ થાવ તો ઘણું !

કામિની સંઘવી|Opinion - Opinion|30 April 2013

પિયરનું તો કૂતરું મળે તો પણ મન હરખાય. તેવી ઘટના અમારી બન્ને સાથે બની. વાત એમ છે કે હું સૌરાષ્ટ્રની અને મારાં પતિ દક્ષિણ ગુજરાતના. વળી અમે રહીએ સુરતમાં જે દક્ષિણ ગુજરાતનો જ ભાગ છતાં, અમારાં બન્નેનું વતન તો નહીં જ. એટલે અમારાં બન્ને વચ્ચે ‘મારા પ્રદેશના લોકો જ સારા’ તેવા ઝઘડાં કહો કે વાગ્યુધ્ધ થયા કરે. મીઠા ઝઘડાં કહેવા હોય તો કહી શકો, પણ સાથે સાથે પોતાના ‘દેશ‘ કે વતન માટે થોડું અભિમાન પણ ખરું. જેમાં ખાવા–પીવાથી લઈને પહેરવા–ઓઢવા અને રહેણી કહેણીની ભિન્નતા પ્રત્યે થોડો પૂર્વગ્રહ, અને વધુ તો મૂળ વતન પ્રત્યે પ્રેમની સાથે સાથે ‘મારું જ સારું‘ તેવો ભાવ ભારો ભાર. પણ મારાં અને તેમના પ્રદેશમાં સહેજ હાલતાં–ચાલતાં બે અનુભવ થાય, તેણે અમને બન્નેના એકબીજાના વતન પ્રત્યેનો પૂર્વગ્રહ ઓગાળી નાંખ્યો. તેમ જ મારું જ સારું તે ભાવ પણ ઓગળી ગયો. વાસ્તવમાં આમ આદમીમાં માત્રમાં જમીનની સુવાસ હોય જ છે, પછી તે સૌરાષ્ટ્રની ધિંગી ધરા હોય કે દક્ષિણનો લીલોછમ પ્રદેશ. બસ તે બે આમ આદમીની વાત આજે માંડું છું.

અમે અમારી ગાડીમાં સૌરાષ્ટ્ર દર્શને નીકળ્યાં હતાં. પ્રભાસ પાટણ સોમનાથ દાદાના દર્શન કરી, અમે કોડીનાર તરફ જતાં હતાં. ત્યાં રસ્તામાં એક વૃધ્ધ નાનકડાં હૃષ્ટ પુષ્ટ ભૂલકાં સાથે રોડને કિનારે ઊભા હતા. દાદાનો કમ્પલિટ કાઠિયાવાડી ‘લુક’ તથા તેમણે હાથમાં તેડેલું નાનકડું બાળક, ગિરની વનરાજી, આસપાસ વાડી ખેતર, ગોધૂલિ સમય. બધું એકબીજામાં ઓતપ્રોત. એક સંવાગ સંપૂર્ણ રેખાચિત્ર. તેમની છબી મારા મનમાં ક્લિક થઈ. પરફેક્ટ પોઝ હતો. કોઈ પણ છબીકારને છબી પાડવાનું મન થાય તેવો. મારો પત્રકાર જીવ સળવળ્યો. હું અને મારા પતિ તેમના ફોટા પાડવા ગાડી ઊભી રાખી નીચે ઉતર્યા. દાદાની મંજૂરી લઈ ફોટા પાડ્યા. પછી ગાડી તરફ જવા ડગ માંડ્યા ત્યાં દાદા કહે, ‘ભલા માણા, મારી છબીઓ ખેંચીને તે કાંઈ એમને એમ જવાતું હશે? બાજુમાં જ વાડી છે; હાલો, જરા પાણી–બાણી પીતા જાવ.’ અમારા યજમાન કોડિનારમાં રાહ જોતા હશે. ફરી ક્યારેક આવીશું અત્યારે જઈએ, એવા અમારા આવા જવાબને તે વળી સૌરાષ્ટ્રની ધિંગી ધરાનો જીવ ગણકારતો હશે ?

‘વધારે વાર રોકાણ ન‘ઈ કરાવું, પણ પાણી પીતા જાવ.’ હવે તેમના આગ્રહ સામે હથિયાર હેઠાં મુકવા સિવાય કોઈ રસ્તો ખરો? વાડીમાં જતાં જતાં વાતચીત ચાલુ થઈ.આતા(સૌરાષ્ટ્ર તરફ ઉંમરલાયક વડીલને આતા કહેવાનો રિવાજ છે.)એ તેડ્યું હતું તે ભૂલકાં તરફ આગંળી ચીંધી મેં પૂછયું,‘ દીકરો કે દીકરી?’

‘માર મોટા દીકરાની પે‘લા ખોળાની ગગી છે, હજુ પાંચ મ‘ઈનાની થઈ. અઈ રોડ કણે વાહન નીકળ્યા કરે, તે તેને બવ જોવું ગમે. તે સાંજ ટાણે થોડીવાર તેને તેડીને આંઈ ઊભો રહું.’ પરાણે વહાલી લાગે તેવી ‘ગગી‘ને મેં તેડી. વાડી પર જતાં જતાં રસ્તામાં તેમણે માહિતી આપવા માંડી. ‘ઓણ પાક હારો થ્યો છે. શેરડી થઈ ગઈ. માંડવી(મગફળી) હારી થઈ છે અને ઘઉં ફાગણે ઉતરહે. તમે પોક ખાવા થોડા વે‘લા છવ. નહીંતર આઈ‘કણે જ તમને સરસ તાજો પોક શેકીને ખવડાવતે.’ વાડીના તેમના પાકા મકાન પર પહોચ્યાં તેવા જ તેમણે, ‘સવી, ખાટલા પાથર. રજું, ગોંદડાં લાઈ. આય કણે મેમાન આવ્યાં છે.’ તરત જ બે–ચાર યુવાન–યુવતી અમારી સરભરામાં આવી ગયાં. એકે ખાટલા ઢાળ્યા, બીજાએ તેના પર સરસ રંગીન ગોદડાં પાથર્યા. બીજો તરત માટલામાંથી ચળકતા પિત્તળના લોટામાં પાણી લાવીને ઊભો રહ્યો. અમે બધાંએ પાણી પીધું અને ખાટલાં પર બેઠાં. આતાએ તેમના બે દીકરા અને બે દીકરીની ઓળખાણ કરાવી. મોટા દીકરાની વહુ અમારી સાથેના વડીલને પગે લાગી. ત્યાં તો આતાએ ફરી હુકમ કરવા માંડ્યા. ‘ભલાં .. થોડા નાળિયેર ઊતાર તો.’ તરત એક છોકરો નાળિયેરીના ઝાડ પર ચડવા માંડ્યો. અમે આતાને વારવા માંડ્યા કે ભાઈ તમે મહેનત કરાવવી રહેવા દો. અમારે જવું જ છે. પણ આ ગ્રામ્યપિતા અમારી વાત માને ખરો ? ભલાંએ ઝાડ પરથી નાળિયેર ઉતાર્યા. પપૈયાના ઝાડની ડાળખી તોડી નાળિયરમાં કાણું પાડી, ભરાવી અમને નાળિયેર આપ્યા. અમે વિસ્મયથી તાકી રહ્યાં. ફ્રેશ ફ્રેશ કોકોનટ વોટર વીથ નેચરલ સ્ટ્રો. સુરત શહેરમાં રહેનારે તો કે‘દાડે આવા તાજા તરોપાને, વળી, તાજી તોડેલી પપૈયાની ડાળખીથી બનેલી સ્ટ્રો વડે, તરોપાના અમૃતનો સ્વાદ લીધો હોય ? રોમ રોમ અમી પહોંચ્યું. હજુ તો તરોપાનો મીઠો સ્વાદ વાગોળતા બેઠાં ત્યાં આતાની વહુ ભેંસનું દૂધ દોહીને આવીને સીધી જ અમારા માટે ચૂલા પર ચા બનાવવા લાગી. અમે હા ના કહીએ, ત્યાં તો હાથમાં રકાબીઓ અને કીટલી લઈને હાજર! ‘શે‘રના લોકને ચા પીવાની ટેવ હોય ને!’ તેવું આતા બોલ્યા. અમે પણ તાજાં દૂધની દૂધપાક ચા પીધી.(હવે ત્રણ અને ચાર ફેટના દૂધની ચા પીવા ટેવાયેલાને તો આ સાત–આઠ કે વધારે ફેટવાળું દૂધ દૂધપાક જ લાગે ને!) ત્યાં તો તાજાં ચીકુ–જમરૂખની તાસક આવી,’ લ્યો, મારી વાડીનાં જ છે. બહુ મીઠાં છે.’ અમે તેને પણ ન્યાય આપ્યો. માટલાનું ઠંડુ પાણી, તેના પર તરોપા અને હવે કઢિયેલ ચા અને ઉપર ફળાહાર .. થયું યજમાનને ત્યાં પહોંચીને જમી શકાય તો સારું ! આતા ભોળા તેમ જ વાતોડિયા. જાતે રબારી પણ દીકરીને મેટ્રિક સુધી ભણાવી. એકનું આ વર્ષે આણું છે ને બીજીને જરા પગે પોલિયો. એટલે પી.ટી.સી. કર્યા પછી અમદાવાદ કોલેજ કરવા મોકલી છે. પગભર થાય તો સારું ને ! ભાઈ–ભાભીને માથે ન પડે. આવું તો કહેવાતા ભણેલાં શહેરીજીવ પણ ક્યાં સમજે છે ?

ઝાલરટાણું થવા આવ્યું હતું, અમે રજા લેવાની તૈયારી કરી. પણ આતા એમ છોડે ? હવે વાળું કરીને જ જાવ ને ! અમે સમજાવવાનો પ્રયત્ન કર્યો, અમારાં યજમાન રાહ જોતા હશે. અને હવે તો વાળુ થઈ શકે એટલી જગ્યા પણ પેટમાં નથી. પણ આતા માને? હોય કાંઈ એમ ને એમ જવાતા હશે? રજું થોડા રીંગણ તોડીને મેમાનને આપ. રજું પણ આતાની જ દીકરી ને ! એટલે રીંગણની સાથે સાથે મોટો થેલો ભરીને માંડવી પણ લાવી. લો, ત્યે માંડવી લઈ જાવ. ઘરની જ છે. બહુ મીઠી ! અમે તેમના પરોણાગીરીથી સાવ જ અબોલ થઈ ગયાં હતાં. ચીપી–ચીપીને કે જોખી જોખીને બોલવા–સાંભળવા ટેવાયેલા શહેરીજીવને એક આંખની ઓળખાણ પર પાંચ–દસ કિલો મગફળી આપવા તૈયાર થઈ ગયેલો જીવ તો દરેક અર્થમાં ગામડિયો જ લાગે ને! અમે આતાને પગે પડ્યા. બસ, અમે બહુ પામ્યા. મગફળી રહેવા દો. તમારા પ્રેમથી જ તરબર છીએ. અમારી સાથેના વડીલે આતાની ગગીના હાથમાં થોડાં પૈસા મૂકયા. અને આતાએ ભલાંને કહ્યું,‘જા આ માંડવી ઊંચકીને આગળ જા, ને ગાડીમાં મુકીને આવજે.’ અમે કશું કહીએ તે પહેલાં તો આતા,‘મારા હમ, જો તમે હવે માંડવી લઈ જવાની ના પડો તો.‘ શું બોલવું? ભલો અમારી સાથે ગાડી સુધી થેલો ઊંચકીને આવ્યો. આતા અને ગગી પણ અમને આવજો કહેવા રોડ સુધી આવ્યાં. ગગીને ફરી કચકડે કંડારી. ઝવેરચંદ મેઘાણીએ જે સૌરાષ્ટ્રની ધીંગી ધરાની કહાની સૌરાષ્ટ્રની રસધારામાં પાને પાને ઉતારી છે, તેનો સાક્ષાત્કાર કરી, અમે ભર્યા દિલે ગાડીમાં બેઠાં. બેસીને પહેલો સવાલ જાતને પૂછ્યો : આપણે અજાણ્યા માણસને પાણી પણ પીવડાવીએ ખરા ?

દર વર્ષે ચોમાસામાં ડાંગ જંગલમાં એક–બે દિવસ ફરવા જવું તેઓ અમારો નિયમ. મોટાભાગે સાથે સીધુ–સામાન લઈને જઈએ. એકાદ વખત ત્યાંની દેશી રેસ્ટોરન્ટમાં, ત્યાંનું દેશીભોજન માણીએ. ગયા વર્ષે અમે ચાર–પાંચ જણા અઝમલગઢ ગયાં હતાં. વળતાં અઝમલ ગઢની ટેકરી ઉતરતા એક ખેતરમાં દસ–બાર સ્ત્રીઓને ડાંગર વાવતી જોઈ. વરસાદ અલપ ઝલપ પોતાની હાજરી પુરાવતો હતો. ચારેબાજું લીલુંછમ હરિયાણું વાતાવરણ. વળી સાથે હરિયાળા સાથીદાર. પેલી ડાંગર વાવતી સ્ત્રીઓનો હું ફોટા લેવા તેમની નજીક ગઈ. બધી સ્ત્રી મને ફોટો પાડતી જોઈ રાજીના રેડ. પછી મેં પણ તેમની વાંસની ભારેખમ છત્રી ઓઢી ફોટા પડાવ્યા. ઝાઝી વાતચીત ના મેં કરી ના તેમણે. તેઓ તેમના કામમાં પાછા મગ્ન થઈ ગયાં અને હું મારાં. ફરતાં ફરતાં અમે અમારી ગાડી પાસે પહોચ્યાં ત્યાં તો તે બધી સ્ત્રીઓ પણ એક ઝૂંપડી નીચે બેઠી હતી. બાજુના પાકા મકાનમાંથી એક સ્ત્રી આવીને તેમના હાથમાં માટલી અને સૂંડલો મુકી ગઈ. અમને સમજાયું કે તેઓ જમવાના લાગે છે. તેમને સંકોચ ન થાય તેટલા માટે અમે આગળ જવા લાગ્યા. ત્યાં એક સ્ત્રી બોલી,‘બેન તું રોટલો ખાવાની?’ તેમની નજીક જઈને જોયું તો સૂંડલામાં રોટલા અને માટલીમાં કઠોળ. સાથે એક પડિયામાં ચટણી. રોટલો જોઈને હું ઓળખી ગઈ. આ તો ચોખાનો. પાછો ગરમ ગરમ. તે બધી તો એમ જ હાથમાં રોટલો, સૂકી તુવેરનું શાક અને લાલ મરચાંની ચટણી લઈ ખાવા માંડી. મને પણ હાથમાં રોટલો પકડાવ્યો. કઠોળ ખાતા જીવ ન ચાલ્યો. આ અાટલાં બધાં, આવી સખત મજૂરી કદાચ ઘટી પડે તો ? એટલે થોડી ચટણી લીધી. આહ, ચોખાનો રોટલો કોઈ ઢોંસા જેવો પાતળો, વળી સાથે મરચાંની ચટણી. મારા રોટલા પર ચટણી જોઈ, તે બોલી,‘બેન, તને તીખી લાગ હે. થોડી ઓછી ખાજે.’ જીભ પર મુકતા જ ડાંગી લવિંગયાં મરચાંની ચટણીની તીખાશ જીભ પર લાગી. અમે બે વચ્ચે અડધો અડધો રોટલો ખાધો. મને થયું મારે પણ તેમને કશું આપવું જોઈએ. કેટલાં ગરીબ છે, તેવો જ ભાવ! એટલે ગાડીમાંથી થોડા વેફર અને બિસ્કિટના પેકેટ લઈને આવી. અને તેમને આપ્યા. પણ તેણે ના પાડતા કહ્યું, ‘તારી પાહે રાખ, તને ખાવા કામ લાગહે.‘ મેં સમજાવ્યું કે મારી પાસે બીજા ઘણાં છે એટલે આ તમે રાખો. પણ તે ન માની.‘તને અ‘ઈનું ખાવા ન ભાવે. રસ્તે કામ આવ હે.‘ છેવટે મેં ભાર દઈને કહ્યું,‘તારા પોયરા માટે છે. રાખી લે.’ ત્યારે માંડ તેણે એક પેકટ લીધું. હું ભોંઠી પડી. આ અન્નપૂર્ણાને વળી અન્ન આપનાર હું કોણ? ગરીબાઈમાં તેનું ખમીર જીંવત હતું. અંતે તો ધરતીની છોરી ને!

માણસ ધરતીની નજીક રહે તો જ ધરતીની વિશાળતા તેનામાં ધબકતી હશે? મને સૌરાષ્ટ્રનો પહેલો ખમતીધર ખેડૂ યાદ આવી ગયો. તે કે ડાંગની પેલી અકિંચન આદિવાસી સ્ત્રી. તેમનામાં હજુ માણસાઈ ધબકે છે, માણસને જોઈને માણસ બનતા આવડે છે. તેવી વિશાળતાની ખોટ શહેરમાં કેમ કાયમ અનુભવાય છે? કે પછી માનવીનો વિકાસ તેને માનવ બનતા અટકાવે છે?

હવે હું અને મારા પતિ ક્યારે ય એકબીજાના પ્રદેશ વિશે ટીકા કરતા નથી કે મારો દેશના લોકો જ સારા તેવું એકબીજાને સંભળાવતા નથી. અમે પણ હવે માનવ બનવાનો પ્રયત્ન કરીએ છીએ. આખરે જન્મ તો માણસનો લીધો છે ને !

e.mail : kaminiparikh25@yahoo.in

Loading

...102030...4,1824,1834,1844,185...4,1904,2004,210...

Search by

Opinion

  • वह एक रात !
  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved