Opinion Magazine
Number of visits: 9872296
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટિકિટ માટે સિદ્ધાંત અને વિચારધારાને રામ રામ

સનત મહેતા|Samantar Gujarat - Samantar|13 March 2014

વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં કલંકિત ઉમેદવારો, પક્ષપલટો કે ભ્રષ્ટાચાર દૂર ન કરી શકાયા

એપ્રિલ અને મેમાં આવનારી ચૂંટણી રોજ ભાતભાતના રંગ બદલી રહી છે. આપણી લોકશાહી શાંતિપૂર્વક મતદાન સંપન્ન કરવાની બાબતમાં વિશ્વની સૌથી મોટી છતાં કાબેલ સાબિત થઈ છે. એક જમાનામાં મતમથક પર સશસ્ત્ર હુમલાઓ કરી કે મતપેટીઓ લઈ જતાં સ્ટાફ પર હુમલા કરી મતપેટીઓ ગાયબ કરવાનું હવે ભાગ્યે જ થાય છે. છેલ્લે છેલ્લે નકસલ વિસ્તારોમાં પણ શાંતિથી મતદાન કરી શકાય એવો કાયદો અને વ્યવસ્થાનો બંદોબસ્ત, પોલિસ, ચૂંટણીતંત્ર અને લશ્કર કે અર્ધલશ્કરી દળોની સહાયથી ચૂંટણીપંચ કરી શકે છે. નક્સલ વિસ્તારો જેવી સ્થિતિ એક જમાનામાં જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનમાં ત્રાસવાદી કરતા હતા તેના પર કાબૂ કરાયો છે.

શાંતિપૂર્ણ લગભગ બધાને સંતોષ થાય એવી મતદાનની વ્યવસ્થા કરતાં ય મુશ્કેલ, બધાં બૂથોની મતગણના કરી એક સમયબદ્ધ રીતે પૂરું કરવાનું કાર્ય ચૂંટણીપંચ પાર પાડે છે. જે વાત હાંસલ કરવામાં ભારત જેટલું કૌશલ્ય અમેરિકન ચૂંટણીતંત્ર દાખવી શકયું નથી. ધીમે ધીમે ચૂંટણીનાં પરિણામોને કાયદાકીય પડકાર કરવાના પ્રસંગો પણ ઘટી રહ્યા છે. આમ છતાં ચૂંટણી નજીક આવતી જાય તેમ, પક્ષપલટાના પ્રસંગો નિવારવાનું તો બાજુએ રહ્યું પણ હકીકતમાં વધી રહ્યું છે. ૧૯પ૨ની પ્રથમ ચૂંટણીથી લગભગ બે કાયદા બધું સમુસૂતરું ચાલ્યું. પણ અચાનક હરિયાણાથી જથ્થાબંધ આયારામ ગયારામની પ્રવૃત્તિ શરૂ થઈ હતી. આયારામ ગયારામના જાતજાતનાં સ્વરૂપ જોવાં મળ્યાં. જેટલાં સ્વરૂપો તેટલા જ એકબીજા પક્ષો પરના દોષારોપણના કિસ્સાઓ વધવા લાગ્યા.

આખરે રાજીવ ગાંધી એન્ટિ ડિફેકશન કાનૂન-પક્ષપલટા વિરુદ્ધ કાનૂન લાવ્યા તો ઘડીભર લાગ્યું કે પક્ષપલટાનું અનષ્ટિ બંધ થઈ જશે. પણ પછી તો એ કાનૂન નીચે અપાયેલી વિધાનસભાની સ્પીકરની સત્તા આડકતરી રીતે કબજે કરવાનું શરૂ થયું. હવે તો આ સંકટ ડેપ્યૂટી સ્પીકર સુધી પહોંચતું જોઈ સત્તા પરના પક્ષોએ નાયબ સ્પીકરપદ વિરોધપક્ષને આપવાની એક સારી પ્રથા પર પણ કાતર ફેરવી છે અને હવે વરસો સુધી નાયબ સ્પીકરપદની જગા ખાલી રાખવા સુધી વાત પહોંચી છે. આવી જ રીતે ગુનાઈત વ્યક્તિઓને ઉમેદવારીમાંથી બાકાત કરવાની વાત તો બાજુએ રહી ગઈ પણ સ્વેચ્છાએ આવી મર્યાદા રાજકીયપક્ષો પાળે એ તો હવે આકાશકુસુમવત બની ગયું છે.

છેલ્લે બહુ પ્રયાસો થયા; સિવિલ સોસાયટીઓએ પ્રબળ લોકમત ઊભો કર્યો ત્યારે સુપ્રીમ કોર્ટ, ધારાસભ્ય અને સંસદ સભ્યોના અદાલતમાં ચાલતાં કેસો એક વરસમાં પૂરા કરવા એવો અભિપ્રાય માત્ર આપી શકી છે. નહીંતર સેશન્સ કોર્ટમાં સજા થયા છતાં હાઇકોર્ટમાં કરાયેલ અપીલના બહાને અને હાઈકોર્ટમાં સજા થઈ હોય તો સુપ્રીમકોર્ટના અપીલના ચુકાદા આવતાં સુધી બેશરમભરી રીતે ચૂંટણી લડાયે જાય છે.
પક્ષપલટાની બાબતમાં અગર તો ગુનાઈત વ્યક્તિઓને ગેરલાયક કરવાની બાબતમાં ભારતે હજુ અનેક કોઠા પાર પાડવાના છે. હા, પક્ષપલટાની બાબતમાં સ્વરાજ પછીની પ્રણાલિકાનો એક ઉત્કૃષ્ટ નમૂનો યાદ કરીએ તો લાગે કે, એક ઉચ્ચ પ્રણાલિકાથી ગબડીને કેટલી હદે આપણે નીચે પહોંચી ગયા છીએ.

પ્રારંભની ચૂંટણીઓમાં સમાજવાદી નેતા આચાર્ય નરેન્દ્ર દેવ ઉત્તરપ્રદેશમાંથી ચૂંટાયા હતા. ચૂંટાયા ત્યારે કોંગ્રેસી તરીકે ચૂંટાયા હતા. ત્યાર પછી ભારતની રાજનીતિમાં કોંગ્રેસ સમાજવાદી પક્ષ અને સમાજવાદી પક્ષ રચાયો. આચાર્ય નરેન્દ્ર દેવે આમ થતા પદનું રાજીનામું આપ્યું. ઘણાએ કહ્યું કે એ પક્ષપલટો ન કહેવાય પણ આચાર્ય નરેન્દ્ર દેવ ન માન્યા. એ અયોધ્યામાંથી ચૂંટાયેલા. પછી પેટાચૂંટણી થઈ. સરદાર વલ્લભભાઈએ રાજકારણની સોગઠી મારી આચાર્ય નરેન્દ્ર દેવને હરાવવા એમની સામે કોંગ્રેસ તરફથી બાબા રાઘવદાસને ઊભા રાખ્યા: સમાજવાદી એટલે નાસ્તિક એવો પ્રચાર થયો અને આચાર્ય નરેન્દ્ર દેવ પરાજિત થયા. પણ નરેન્દ્ર દેવએ પક્ષપલટા સામે ઘણી ઉચ્ચ ભૂમિકા લીધી અને હારનો જરા સરખો ય પસ્તાવો ન કર્યો. પણ આ દિવસો ગયા.

હવે તો ભલામણ અને આગ્રહથી એક પક્ષની ટિકિટ મેળવી બીજી પળે બીજા પક્ષમાં પલટો કરવામાં કોઈનું રૂંવાડું ભાગ્યે જ ફરકે છે. હવે ચૂંટણી ફોર્મ ભરાતાં સુધી રોજ આવા ખબર જોવા-સાંભળવા મળશે.
હું, પક્ષના ટોચના નેતા તરીકે ભ્રષ્ટાચાર સામે પ્રવચનો અને પડકારો કરું. એક તરફ ભ્રષ્ટાચાર સામે ચોકીદાર બની રહેવાનું વચન આપું અને બીજી બાજુ જેલના સળિયા પાછળ ગયેલા સંસદસભ્યોને આરામથી પક્ષમાં સંઘરું કે નીચલી કોર્ટમાં ગુનેગાર ગણાયેલ મંત્રીને અપીલને બહાને પોતાના પ્રધાનમંડળને રક્ષિત રાખું ગુનાઈત પ્રવૃત્તિ બચવા – બચાવવાની કેવી છે આ નિષ્ઠા આ ચાલ્યા જ નહીં પણ હવે તો વધ્યા કરે છે. એક રાજ્ય ઉપર વરસો સુધી શાસન કરનાર રાજકીય પક્ષ કેન્દ્રના બહુ ગવાયેલા ગોટાળામાં સીધા સંડોવાયેલા બે આગેવાનોને ૨૦૧૪ની સંસદની ચૂંટણીમાં ઉમેદવાર ઘોષિત કરી એમને નિર્દોષ ગણાવે.

વરસો સુધી એના તરફથી ચૂંટાવા છતાં એ પક્ષ એક ટિકિટ ન આપે તો એના કટ્ટરવિરોધી પક્ષમાં સીધો સામેલ થઈ પોતાની રાજકીય કાબેલિયતનો દેશ અને સમાજને પરચો કરાવવાનું તો હવે રોજ બનવાનું હોય એમ લાગે છે. સિદ્ધાંત કે વિચારધારા કેમ જાણે કપડાંની જોડ હોય, ધાર્યું ત્યારે બદલી લેવાના કોણ જવાબદાર રાજકીય પક્ષો? ચૂંટણી કાયદાઓ કે વ્યક્તિની વધતી સત્તા લાલસા? ટૂંકમાં, સામાન્ય ચૂંટણીનું ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં સરળ શાંત મતદાન આપણે આકરા પ્રયાસ પછી સાધી શકયા.

પણ દેશ અને પ્રજા જેને ભાગ્યે જ આ પક્ષાપક્ષીની પૂરી જાણ છે તે પક્ષોની ઉમેદવારીને ગુનાઈત અને ભ્રષ્ટાચારમાંથી બચાવી ન શકયા. ન કાનૂનથી કે ન નૈતિકતાના અગર સિવિલ સોસાયટીના લોકમતથી. ત્યારે ચૂંટણી ઉપરનાં નાણાંનું વર્ચસ્વ નાબૂદ કરવાની વાત જ શું કરવી? ક … દા … ચ કેડર આધારિત રાજકારણથી શકય બને આ પણ શકય લાગતું નથી. કારણ હવે પક્ષો પાર્ટીએ તો સભાસદ ફી કે ફોર્મ વગર પક્ષના સભાસદ નોંધવાને અને ઉમેદવારી નોંધવાને વાજબી અને યોગ્ય માનવા લાગ્યા છે.



સનત મહેતા લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.

http://www.divyabhaskar.co.in/article/ABH-bye-bye-to-criteria-for-seat-ticket-4548482-NOR.html

Loading

મતદારોનું જાહેરનામું

મતદાર|Samantar Gujarat - Samantar|11 March 2014

~~~ મતદારોનું જાહેરનામું ~~~

ભારતની પંદરમી લોકસભાની ચૂંટણી 2009માં થયેલી. તેની પાંચ વરસની મુદત પૂરી થવા આવી છે. નવી લોકસભાની ચૂંટણી હવે થોડા સમયમાં થવાની છે.

હાલની લોકસભાના કાર્યકાળ દરમ્યાન સાંસદોએ ધાંધલધમાલ કરીને તેની કાર્યવાહી અનેક વખત ખોરવી નાખી છે. અધ્યક્ષોને તેની બેઠકો ફરીફરીને મુલતવી રાખવી પડી છે. કશું કામકાજ થઈ શકતું નથી. આ અરાજકતા તેની ચરમ સીમાએ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં પહોંચી, તેની યાદ આપણાં મનમાં તાજી છે. જેનું વર્ણન કરતાં કંપારી છૂટે એવા એ બનાવ વિશે અંગ્રેજી અઠવાડિક ‘આઉટલુક’ના તંત્રી વિનોદ મહેતાએ ‘ટાઇમ્સ ઓફ ઇન્ડીઆ’માં એક લેખ લખ્યો છેઃ ‘સંસદ એ કુસ્તીનો અખાડો નથી’. તેમાં અગાઉની એક લોકસભાના અધ્યક્ષ સોમનાથ ચેટરજી સાથેની પોતાની વાતચીત વિનોદભાઈએ ટાંકી છે.

સંસદના કામકાજમાં સુધારણા માટે તમારાં કાંઈ સૂચન છે? એવા અધ્યક્ષશ્રીના પુછાણના જવાબમાં વિનોદભાઈએ કહેલું કે ધાંધલ કરનાર કોઈ પણ સાંસદ જો સભાગૃહના મધ્ય ભાગમાં પ્રવેશ કરે તો તેની પાસેથી કશો ખુલાસો માગવાની વિધિમાં પડ્યા વિના તત્કાલ તેને આખા સત્ર માટે ‘સસ્પેંડ’ કરી દેવા જોઈએ.

અધ્યક્ષશ્રી હસીને બોલેલા કે સૂચન સારું છે, પણ તેમણે ઉમેર્યું કે લગભગ એવી જ દરખાસ્ત સર્વ પક્ષના સાંસદોની એક બેઠકમાં અગાઉ પોતે રજૂ કરેલી, અને તત્કાલ તે સર્વાનુમતે નામંજૂર કરવામાં આવેલી. વાત એટલેથી અટકેલી.

આ બાબતમાં યાદ કરવા જેવું ‘મતદારોનું જાહેરનામું’ લોકસભાની 1971ની ચૂંટણી વેળા ગુજરાતના કેટલાક આગેવાનોએ બહાર પાડેલું. તેની નીચે સહી કરનારાઓમાં ગુજરાત સર્વોદય મંડળ ઉપરાંત આટલાં નામ હતાં: દિલખુશ દીવાનજી, બબલભાઈ મહેતા, પંડિત સુખલાલજી, હરભાઈ ત્રિવેદી, યશવંત શુક્લ, નગીનદાસ પારેખ, ભોગીલાલ ગાંધી, વિનોદિની નીલકંઠ, ઈશ્વર પેટલીકર, પરમાનંદ કાપડીઆ, ચીમનલાલ ચ. શાહ, મનુભાઈ પંચોળી, મૂળશંકર મો. ભટ્ટ, વસંત પરીખ.

એ જાહેરનામામાં એક ફકરો આ મુજબ હતોઃ

“સંસદના કેટલાક સભ્યોમાં એટલી પણ પાયાની સમજણ નથી કે સભાગૃહની અંદર તેમણે અધ્યક્ષની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. અધ્યક્ષની રજા મળે ત્યારે જ બોલવું, એ કહે કે તરત બોલતાં બંધ થઈ જવું, અને ક્યારેક એ સભાગૃહની બહાર કાઢી મૂકે તો પણ સવિનય જતા રહેવું – આટલી સાદી શિસ્ત પણ ન પાળી શકનાર માણસ સંસદમાં, કે કોઈ પણ નાની લોકશાહી સંસ્થામાં, બેસવા માટે લાયક ન ગણાય. આવા સભ્યોના અસભ્ય વર્તાવને કારણે જગતની સૌથી મોટી આ લોકશાહીની સંસદનું વાતાવરણ મચ્છીબજારથી યે બદતર બનતું નિહાળીને અમે ઊંડી વેદના અનુભવી છે. માટે અમારી માગણી છે કે ચૂંટણીના દરેક ઉમેદવાર અત્યારે જાહેરમાં એવો કોલ આપે કે સંસદમાં ગયા પછી તે અધ્યક્ષની આજ્ઞાનું પાલન કરશે. અલબત્ત, અધ્યક્ષ પણ કદીક ભૂલ કરી શકે છે. પણ તે ભૂલના નિવારણ માટે સંસદની કાર્યવાહીમાં દર્શાવેલાં પગલાં જ ભરી શકાય – ધાંધલ મચાવીને દેશની સર્વોચ્ચ પ્રજા-પ્રતિનિધિસભાનું કામકાજ થંભાવી દઈ શકાય નહિ જ.”

આ ઉપરાંત મતદારો જે બીજી કેટલીક ખાતરીઓની અપેક્ષા ચૂંટણીના ઉમેદવારો પાસેથી રાખી શકે, તેનું એક પત્રક બનાવીને ગુજરાતના બધા ઉમેદવારોને ગુજરાત સર્વોદય મંડળ, લોકશાહી સુરક્ષા સંઘ અને લોકમિલાપ ટ્રસ્ટ તરફથી મોકલવામાં આવેલું. પચીસેક ઉમેદવારોએ એમાં સહી કરેલી અને તેમનાં નામ પ્રસિધ્ધ કરવામાં આવેલાં.

આજે ચારેક દાયકા પછી જે પરિસ્થિતિ ઊભી થઈ છે, તેમાં આ જાતનું જાહેરનામું ફરી બહાર પાડવું ઘણું વધારે જરૂરી બન્યું છે. દુર્ભાગ્યે, આગલું જાહેરનામું બહાર પાડનારા મહાનુભાવોમાંથી કોઈ આજે આપણી વચ્ચે હાજર નથી. પણ નમ્રભાવે એમને અનુસરીને અમે આ નાનું જાહેરનામું મતદારો વતી ચૂંટણીના ઉમેદવારો પાસે મૂકીએ છીએ. તેમાં એક જ મુદ્દા પર અમારે ભાર મૂકવો છે તે સંસદમાં શિસ્તપાલનનો.

લોકસભાની દરેક દિવસની બેઠક પાછળ લોકોના બે કરોડ રૂપિયા ખરચાય છે. હાલની લોકસભાનો 40 ટકા સમય સાંસદોના ત્રાસવાદને કારણે બરબાદ થયો છે. તેની સામે અધ્યક્ષો કડક પગલાં લેતા નથી તેથી ત્રાસવાદ વકરતો ચાલ્યો છે. હવે તેનો સામનો મતદારો જ કરી શકે. તે માટે ગુજરાતમાંથી જેટલા ચૂંટણી-ઉમેદવારો નીકળે તેમની પાસે મતદારો માગણી કરે કે તે નીચેના પ્રતિજ્ઞાપત્ર પર સહી કરીને આપણને મોકલે. એ રીતે સહી કરનારાનાં નામ છાપામાં જાહેર થાય. તેમાંથી મતદારો પોતાની પસંદગીના કોઈ પણ ઉમેદવારને મત આપે. પણ એવી સહી ન કરનાર ઉમેદવાર ચાહે તે પક્ષનો હોય તો પણ તેને મત ન જ આપવાનો પ્રચાર આપણે જોરશોરથી કરીએ.

અલબત્ત, આ રીતે જૂઠી સહી કરીને આપણો મત મેળવનારા ને લોકસભામાં પેસી જનારા કેટલાક સાંસદો નીકળી શકે. તેમને તો હવે પછીની કોઈ જ ચૂંટણીમાં મત ન આપવાની ભલામણ આપણે મતદારોને કરી શકીએ અને અહિંસક, શાંતિમય રીતે તેમની સામે બીજાં શાં પગલાં લઈ શકાય તે વિચારીએ. દરમ્યાન હાલની ચૂંટણીના ઉમેદવારો પાસે નીચેનું પ્રતિજ્ઞાપત્ર રજૂ કરીએઃ

~~~ પ્રતિજ્ઞાપત્ર ~~~

ભારતની સોળમી લોકસભા માટેની 2014ની ચૂંટણીમાં હું ઉમેદવારી નોંધાવવા માગું છું. વિસર્જન થનારી હાલની પંદરમી લોકસભાની અનેક બેઠકો સાંસદોની ધાંધલધમાલને કારણે મોકૂફ રાખવી પડી છે, ને તેને લીધે એવી એકએક બેઠક પાછળ ખરચાયેલા રોજના બે-બે કરોડ રૂપિયા પાણીમાં ગયા છે. આવી અરાજકતા સામે કડક પગલાં લેવાની સત્તા બંધારણે અધ્યક્ષને આપેલી છે, છતાં એવાં પગલાં તેમણે ભાગ્યે જ ભરેલાં છે. સાંસદોના આવા ત્રાસવાદને રોકવા માટે કેટલાક વિચારકોએ બહાર પાડેલ ‘મતદારોનું જાહેરનામું’ની માગણી મુજબ હું આથી પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું કે હું ચૂંટાઈશ તો લોકસભાના અધ્યક્ષ મને જે સૂચના આપે તેનો તરત અમલ કરીશ. જો તેમ ન કરું તો સંસદના માર્શલો મને બહાર કાઢી મૂકે, અને લોકસભાના તે સત્ર દરમ્યાન તેમાં મારા પ્રવેશ પર અધ્યક્ષ પ્રતિબંધ મૂકે તે હું સ્વીકારીશ.

1. મારું નામઃ

2. મતવિસ્તારઃ

3. રહેણાકનું કાયમી સરનામું, ટેલિફોન નંબરઃ
_________________________________________________________

4. અભ્યાસઃ

5. આજ સુધી જે રાજકીય પક્ષોનો સભ્ય હું રહ્યો છું તેનાં નામઃ
___________________________________________

6. હાલની ચૂંટણીમાં હું નીચેના પક્ષના સભ્ય તરીકે / અપક્ષ ઉમેદવાર તરીકે ઊભો છું.
________________________


—————————————-
(સહી)

* * *

ચુનીભાઈ વૈદ્ય
પ્રકાશ ન. શાહ
ઇન્દુકુમાર જાની
ગુણવંત શાહ
નગીનદાસ સંઘવી
ગોવિંદભાઈ રાવલ
સુખદેવ પટેલ
સંજય ભાવે
મહેંદ્ર મેઘાણી

Loading

પુસ્તકો, પ્રેરણા અને પરસેવો

દીપક મહેતા|Opinion - Literature|11 March 2014

ગરવી ગુજરાતી ભાષાનાં ગુણગાન ગાતાં આપણે થાકતાં નથી. આપણી ભાષા, આપણા સાહિત્યના જમા પાસા વિષે તો આપણે ઉત્સાહથી વાત કરીએ છીએ, પણ ક્યારેક ઉધાર પાસા તરફ પણ નજર નાખવી જોઈએ. એમ કરવામાં નાનમ અનુભવવાની જરૂર નથી. પણ આપણે ત્યાં શું હોય તો વધુ સારું એનો આપણને ખ્યાલ આવે, અને ખ્યાલ આવે તો ક્યારેક, કોઈક, એ ખોટ પૂરવાનો પ્રયત્ન કરે એવું પણ બને.

છેલ્લાં થોડાં વર્ષોમાં આપણી ભાષામાં પ્રગટ થતાં પુસ્તકોનું વિષયવૈવિધ્ય ચોક્કસ વધ્યું છે અને હમણાં હમણાં તો અંગ્રેજીનાં બેસ્ટ સેલર પુસ્તકોના અનુવાદ પ્રગટ કરવા પ્રકાશકો પડાપડી કરી રહ્યા છે. પણ અંગ્રેજીની વાત જવા દઈએ. મરાઠી, હિંદી કે બંગાળી જેવી ભાષાઓની સરખામણીમાં પણ આપણી ભાષામાં આત્મકથા અને જીવનકથાનાં પુસ્તકો બહુ ઓછાં પ્રગટ થાય છે. ગુજરાતીને ‘ગાંધીગિરા’ તરીકે આપણે ઓળખાવીએ, પણ નારાયણ દેસાઈએ ચાર ભાગમાં ગાંધીજીનું વિસ્તૃત જીવનચરિત્ર આપ્યું તે પહેલાં આપણી પાસે ગાંધીજીનું કોઈ પ્રમાણભૂત જીવનચરિત્ર નહોતું. એવું જ પ્રમાણભૂત, અભ્યાસમૂલક જીવનચરિત્ર સરદાર પટેલનું યશવંત દોશીએ આપ્યું, પણ તે તરફ બહુ ઓછું ધ્યાન ગયું છે. છેલ્લા થોડા વખતમાં આપણા ઘણા લેખકોની જન્મશતાબ્દી આવી ગઈ – સુન્દરમ, ઉમાશંકર, કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રહ્લાદ પારેખ, પન્નાલાલ પટેલ અને બીજા પણ. શતાબ્દી નિમિત્તેય તેમાંના કોઈનું પ્રમાણભૂત જીવનચરિત્ર આપણને ન મળ્યું. સ્મરણો, લેખો, આસ્વાદોનાં પુસ્તકોથી આપણે સંતોષ માન્યો. મરાઠીમાં તો હિટલર કે સ્ટેિલન કે ચર્ચિલ જેવાની આત્મકથા – જીવનકથાના અનુવાદની પણ ચાર – પાંચ આવૃત્તિ તો જોતજોતામાં થઈ જાય છે. મરાઠીમાં સ્ત્રીઓએ લખેલી આત્મકથા પણ ઘણી જોવા મળે. જ્યારે આપણે ત્યાં?

ગુજરાતીમાં બોલવા – લખવાનું કામ જેમણે સતત કરવાનું હોય તેમને એક ખોટ ઘણીવાર સાલતી હોય છેઃ આપણી પાસે સમૃદ્ધ, વિસ્તૃત, પ્રમાણભૂત કોટેશન બુકનો અભાવ. જે થોડાક પ્રયત્નો થયા છે તે અંગ્રેજી કોટેશન બુકોને આધારે થયા છે એટલે એમાં પરદેશી લેખકોનાં જ અવતરણો મળે. પણ નર્મદ – દલપતથી આજ સુધીના આપણા લેખકોનાં અવતરણો જેમાં લેખકવાર કે વિષયવાર ગોઠવ્યાં હોય એવું એક પણ પુસ્તક આપણી પાસે નથી. એક જમાનામાં કનૈયાલાલ મુનશીનાં કે રમણલાલ દેસાઈનાં લખાણોમાંથી એકઠાં કરેલાં અવતરણોના સંગ્રહો આ લખનારે જોયા – વાપર્યા છે. પણ હવે તો એય મળતા નથી કે બીજા લેખકોના એવા અવતરણસંગ્રહો પણ પ્રગટ થતા નથી.

કવિતાનાં સંપાદનો તો ઢગલાબંધ પ્રગટ થાય છે, પણ એક – એક વિષય કે ભાવને લગતાં કાવ્યો સાથે ગોઠવ્યાં હોય – જેમ કે વર્ષાગીતો, વ્યક્તિવિષયક કાવ્યો, પાણીનાં જુદાં જુદાં રૂપો વિષેનાં કાવ્યો, વૃક્ષો, પુષ્પો, પક્ષીઓ વિશેના કાવ્યોના સંપાદનો. ક્યા છે એવાં સંપાદનો? વર્ષો પહેલાં કીકુભાઈ રતનજી દેસાઈએ ‘નિજાનંદ’ નામના સંચયમાં આ દિશામાં પહેલો પ્રયત્ન કરલો, પણ પછી તેમને અનુસરનારા ખાસ નીકળ્યા નહીં. ગુજરાતી અવતરણો અને કાવ્યોના આવા સંચયો હાથવગા ન હોવાથી બોલનાર – લખનાર કેવળ સ્મૃિતને આધારે બીજાને ટાંકે છે અને તેમાં ઘણીવાર શબ્દો આઘાપાછા થઈ જાય કે બદલાઈ જાય એવું બને છે. પછી ઘણીવાર તો એ ખોટું કોટેશન જ ચલણી બની જાય છે!

ઘણાંને જરા ન ગમે એવી વાત છે, પણ જીવનકથાનું પુસ્તક લખવું કે કોટેશન બુક તૈયાર કરવી એ મહેનતનું કામ છે, ખાખાંખોળા કરવાનું કામ છે, પરસેવો પાડવાનું કામ છે. એમાં માત્ર ‘પ્રેરણા’થી ગાડું ગબડે એમ નથી અને કદાચ આપણા સરેરાશ લેખકમાં મહેનત કરવાની, પરસેવો પાડવાની તત્પરતા ઓછી છે. પણ પુસ્તકો માત્ર પ્રેરણાથી જ ન લખાય. પરસેવો પાડીને પણ લખાય, લખાવાં જ જોઈએ.

સૌજન્ય : દીપક મહેતા સંપાદિત સ્થંભ − ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 09 માર્ચ 2014

Loading

...102030...4,0834,0844,0854,086...4,0904,1004,110...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved