Opinion Magazine
Number of visits: 9696691
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલા તરવાડી

ગિજુભાઈ બધેકા|Opinion - Short Stories|14 April 2014

બહુ વખત પહેલાની વાત છે, એક ગામમા તરવાડી રહેતો હતો. એનું નામ હતું દલો. દલાની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું, “તરવાડી ઓ તરવાડી.” તો દલો સામે પૂછે, “શું કહો છો ભટ્ટાણી?” ભટ્ટાણી કહે “રીંગણા ખાવાનું બહુ મન થયું છે. તમે આજે રીંગણાં લેતાં આવશો?” દલો કહે “ઠીક, તમે રાંધવાની તૈયારી કરો હું હમણાં લાવ્યો.”

પછી તરવાડી હાથમાં લાકડી લઈને ઠક ઠક કરતા રીંગણા લેવા ચાલ્યા. ચાલતા ચાલતા નદી પાસે એક વાડી આવી અને એ પણ રીંગણાંની વાડી. દલા તો ગયા વાડીમાં અને ચારે તરફ જોયું તો વાડીમાં કોઈ નહીં. હવે દલો તો વિચારમાં પડ્યો, કે ભટ્ટાણીને તો રીંગણાં ખાવા છે અને અહીં તો કોઈ છે નહીં, શું કરું?

આમ, શું કરું? શું કરું? વિચારતા, દલાને થયું કે વાડીનો ધણી નથી પણ વાડી તો છે ને! દલો તો રાજી થતો થતો વાડી પાસે ગયો અને વાડીને બોલાવે, “વાડી રે ભાઈ વાડી.” વાડી ક્યાંથી બોલે? વાડીને જીવ હોય તો બોલે ને! એટલે જવાબ ન મળતા, દલો પોતે જ વાડી વતી બોલ્યો, “શું કહો છો, દલા તરવાડી?” તો દલો સામે પૂછે, “રીંગણાં લઉં બે-ચાર?” વાડી પછી ક્યાંથી બોલે? એટલે દલો પાછો પોતે જ વાડી વતી બોલ્યો, “અરે ભાઈ લ્યોને દસ-બાર!”

આમ દલા તરવાડીએ રીંગણાં લીધાં અને ઘરે પાછા આવીને ભટ્ટાણીને હાથમાં આપ્યાં. ભટ્ટાણી તો ખુશ થઇ ગઈ. પછી ભટ્ટાણીએ સરસ મઝાનો ઓળો બનાવ્યો, અને બંને જણાએ ખૂબ મઝાથી ખાધો. હવે ભટ્ટાણીને તો રીંગણાંનો ચટકો લાગ્યો, એટલે રોજ રોજ તરવાડી પાસે રીંગણાંની માંગણી કરવા લાગી. દલાને ય શું વાંધો હોય. એને પણ મફતનાં રીંગણાં ખાવાની મઝા પડી ગઈ. એ તો રોજેરોજ નદી પાસેની વાડીએ જાય. વાડીનો ધણી નથી એ જુએ એટલે વાડીમાં જઈને વાડીને પૂછે, “વાડી રે ભાઈ વાડી.” વાડી તો બોલે જ નહીં. એટલે જવાબ ના મળતા, દલો પોતે જ વાડી વતી બોલે, “શું કહો છો દલા તરવાડી?” અને પાછો દલો સામે પૂછે, “રીંગણાં લઉં બે-ચાર?” વળી વાડી ન બોલે એટલે દલો જ પાછો વાડી વતી બોલે, “અરે ભાઈ લ્યોને દસ-બાર!” આમ ને આમ એ રીંગણાંની ચોરી કરવા લાગ્યો.

આ બાજુ વાડીના ધણીને વાડીમાંનાં રીંગણાં ઓછાં થવાનો ખ્યાલ આવી ગયો. અને થયું કે નક્કી કોઈ મારી વાડીમાંથી રીંગણાંની ચોરી કરે છે, મારે એને પકડવો જ પડશે. બીજે દિવસે એ વાડીના ઝાડ પાછળ સંતાઈને ચોરની રાહ જોતો બેઠો. ત્યાં તો દલો પોતાની લાકડી સાથે ઠક ઠક કરતો આવ્યો. હવે દલાને તો ખબર નહીં કે વાડીનો ધણી વશરામ ઝાડ પાછળ સંતાયો છે. એટલે એણે તો રાબેતા મુજબ વાડીને બોલાવી, “વાડી રે ભાઈ વાડી.” વાડી પછી ન બોલી ને દલો પોતે જ વાડી વતી બોલ્યો, “શું કહો છો દલા તરવાડી?” અને પાછું દલાએ સામે પૂછ્યું, “રીંગણાં લઉં બે-ચાર?” વળી પોતે જ બોલ્યો કે, “અરે ભાઈ લ્યોને દસ-બાર!” અને દલો તો ફાંટ ભરીને રીંગણાં લઈને લાકડીને ટેકે ઊભો થઈને ચાલ્યો, ત્યાં તો ઝાડ પાછળથી નીકળીને વશરામે દલાને ગુસ્સાથી ધૂંઆપૂંઆ થઈને બૂમ પાડી, “ઊભા રહો ડોસા, કોને પૂછીને આ રીંગણાં લઈ જાઓ છો?” દલો કહે, “કોને એટલે? આ વાડીને પૂછીને લઈ જાઉં છું.” ધણી કહે “પણ વાડી થોડી બોલી શકે!” તો સામે દલો કહે “વાડી નથી બોલતી એટલે હું બોલ્યો.”

વશરામ તો બહુ ગુસ્સે થયો અને દલાને બાવડેથી ઝાલીને કૂવા પાસે લઈ ગયો. દલાને કેડે દોરડું બાંધ્યું અને તેને કૂવામાં નાખ્યો. અને પછી વશરામ બોલ્યો, “કૂવા રે ભાઈ કૂવા!” હવે વાડી ના બોલી શકે એમ કૂવો પણ ક્યાં બોલી શકવાનો. એટલે કૂવાની જગ્યાએ વશરામ પોતે જ બોલ્યો, “શું કહો છો વશરામ ભુવા?” પાછા વશરામ પૂછે, “ડૂબકી ખવડાવું બે-ચાર?” વળી પોતે જ કૂવા વતી બોલ્યા, “અરે ભાઈ ખવડાવોને દસ-બાર!” ભુવાએ તો દલાને બરાબર ડૂબકીઓ ખવડાવી, દલાના તો નાકમાં ને કાનમાં એમ બધ્ધે પાણી ભરાઈ ગયું. દલો તો કરગરવા લાગ્યો, “ભાઈસાહેબ ભાઈસાહેબ, મને છોડી દો. મને માફ કરો. હવેથી હું ક્યારે ય ચોરી નહીં કરું, આ વખતે મને જવા દો.”

દલાએ ખૂબ આજીજી કરી ત્યારે વશરામે એને જવા દીધો. પણ આ પછી દલા તરવાડી તો ચોરી કરવાની ખો ભૂલી ગયા અને ભટ્ટાણી રીંગણાંની માંગણી કરવાનું ભૂલી ગયાં.

ઑડિયો : http://tahuko.com/?p=13770

સૌજન્ય: "બાલઘર" : http://networkedblogs.com/GrP5M

Loading

લોકશાહી દેશના પક્ષોમાં સામંતશાહી

નગીનદાસ સંઘવી|Samantar Gujarat - Samantar|14 April 2014


વ્યક્તિપૂજક સમાજ : લોકશાહીના સિદ્ધાંતોની વાતો થાય છે, પણ જનતા આજે પણ સિદ્ધાંતો કરતાં આગેવાનોને અનુસરે છે



''લોકશાહી લોકોનું, લોકો માટેનું, લોકો દ્વારા ચાલતું રાજ’’ તેવી અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકને દોઢસો વરસ અગાઉ આપેલી વ્યાખ્યા આજે પૂરેપૂરી બદલાઈ ચૂકી છે. આધુનિક લોકશાહી રાજકીય પક્ષોનાં હિ‌ત માટે ચાલતું રાજ બની ગઈ છે. લોકશાહીના અનેક પ્રકારો છે પણ બધી લોકશાહીઓમાં રાજકીય પક્ષો સત્તાના કેન્દ્રસ્થાને ગોઠવાઈ ગયા છે. લોકશાહી વ્યવસ્થાનો પૂરો લાભ ઉઠાવતા રાજકીય પક્ષોનાં આગેવાનો પોતાના માટે લોકશાહીનાં ધારાધોરણ પાળવા તૈયાર હોતાં નથી અને પક્ષોનાં બંધારણો તો માત્ર કાગળિયા ઘોડા બની ગયા છે.

આપણા દેશમાં આજે ૧૬૧૬ પક્ષો ચૂંટણીપંચનાં ચોપડે ચડેલા છે. તેમાંથી છ પક્ષો રાષ્ટ્રીય ગણાય છે, ૪૭ પક્ષોને પ્રાદેશિક પક્ષોનો દરજ્જો અપાયો છે અને ૧પ૬૩ પક્ષોની તો માત્ર નોંધણી જ કરવામાં આવી છે. સામ્યવાદી પક્ષ, માકર્સવાદી પક્ષ, બહુજન સમાજ પક્ષ અને શરદ પવારનો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ પોતપોતાના વિસ્તારમાં જ મહત્ત્વ ધરાવે છે. બંગાળ – કેરળ સિવાય સામ્યવાદીઓ કે માર્કસવાદીઓનું કશું ઊપજતું નથી. ઉત્તરપ્રદેશ કે બિહારની બહાર બહુજન સમાજ પક્ષને એકાદ બે બેઠક માંડ મળે છે. તેથી વાસ્તવિક ધોરણે તો ભારતમાં કોંગ્રેસ અને ભાજપ આ બે પક્ષો જ રાષ્ટ્રીય પક્ષો છે. કોંગ્રેસમાં એક જમાનામાં લોકશાહી ધોરણે કામ ચાલતું અને આઝાદીની લડતમાં ભાગ લેનાર મહારથી નેતાઓ હતા. ત્યાં સુધી બધા નિર્ણયો લોકશાહીઢબે ચર્ચાઓ કરીને લેવામાં આવતા.

મોટાં દિગ્ગજ નેતાઓએ પણ લોકશાહી ફેંસલા કબૂલ રાખવા પડતા. ૧૯૩૯માં સુભાષ બોઝ કોંગ્રેસનાં પ્રમુખ ચૂંટાયા તે ગાંધીજીની ઇચ્છા વિરુદ્ધ થયું. પણ પરિણામ ગાંધીજીએ પણ સ્વીકારી લીધું. પણ ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા પડયા પછી બદલાયું અને ઇન્દિરા ગાંધીએ એકહથ્થુ વહીવટ ચલાવ્યો. કોંગ્રેસમાં લોકશાહીતંત્રનો દેખાવ ચાલુ રહ્યો પણ રાજવંશી રીતે કામ ચાલ્યું. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી બધી રીતે વધારે લાયક અને અનુભવી પ્રણવ મુખરજીને બાજુએ ફગાવીને તદ્દન બિન અનુભવી રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા અને ચાર પાંચ વરસમાં કોંગ્રેસ પક્ષે પછડાટ ખાધી. રાજીવ ગાંધીની હત્યા (૧૯૯૧) પછી કુટુંબમાં કોઈ ન હોવાથી નરસિંહરાવ વડાપ્રધાન બન્યા, (૧૯૯૧-૯૬)પણ ૧૯૯પમાં સીતારામ કેસરીને ખસેડીને સોનિયા ગાંધી પ્રમુખ બન્યાં તે વીસ વરસથી પ્રમુખપદ ભોગવે છે.

ભાજપમાં રાજવંશ નથી, પણ મુઠ્ઠીભર આગેવાનો પોતાની ટોળી જમાવીને ભાજપને દોરવણી આપે છે. જનસંઘની સ્થાપનાથી માંડીને ૧૯૬૮ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિનિધિ દીનદયાલ ઉપાધ્યાય જનસંઘના મહામંત્રી તરીકે સર્વેસર્વા બની રહ્યા. જનસંઘના પ્રમુખો વરસે – બે વરસે બદલાય પણ મહામંત્રી તો ઉપાધ્યાય જ અને ખરી સત્તા તેમના હાથમાં. ૧૯૮૦માં ભાજપની સ્થાપના થઈ ત્યારે અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની ત્રિપુટીએ પગ જમાવ્યો અને આજે નરેન્દ્ર મોદીનો પડયો બોલ ઝીલવામાં આવે છે. આવી વ્યક્તિની પણ સામે અવાજ ઉઠાવનાર લાલકૃષ્ણ અડવાણીને ઠેકાણાં સર બેસાડી દેવામાં આવ્યા છે.

ભાજપમાં રાજવંશ નથી પણ મુઠ્ઠીભર આગેવાનોનું વર્ચસ્વ છે. આવા વર્ચસ્વને અંગ્રેજી ભાષામાં OLIGARCHY(ઓલીગાર્કી) કહેવાય છે. ગુજરાતી ભાષામાં તેનો કોઈ પર્યાય જડતો નથી.
પ્રાદેશિક પક્ષોમાં તો સ્થિતિ વધારે ખરાબ છે. ૪૭ પ્રાદેશિક પક્ષો વિવિધ પ્રકારના છે અને વિવિધ કારણોસર સ્થપાયા છે. બહુજન સમાજ પક્ષમાં માયાવતી, સમાજવાદી પક્ષના મુલાયમસિંહ યાદવ, રાષ્ટ્રીય જનતા દળના લાલુપ્રસાદ યાદવ, તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનરજી, અન્નાદ્રમુકમાં જયલલિતા, રાષ્ટ્રીય કોંગ્રેસમાં શરદ પવાર જે ધારે તે કરે છે અને કરી શકે છે, કારણ કે મોટા ભાગે આ પ્રાદેશિક પક્ષો તેમણે સ્થાપ્યા છે અને તેમના કારણે જ ટકી રહ્યાં છે.

પંજાબમાં અકાળીદળ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ તો તામિલનાડુમાં દ્રમુક અલગ પ્રકારના પ્રાદેશિક પક્ષો છે. આ પક્ષોની સ્થાપના લાંબા વખત અગાઉ સામાજિક કારણોસર થઈ. પણ આ પક્ષોએ રાજકારણમાં ઝુકાવ્યા પછી આગેવાનોએ સત્તા જમાવી. ઉડીશામાં બીજુ જનતા પક્ષ પણ અલગ પ્રકારનો રાજવંશ છે. જનતા દળના ટુકડા પડયા પછી ઉડીશામાં બીજુ પટનાયક જેવા પ્રચંડ આગેવાન સિવાય બીજું કોઈ હતું જ નહીં. આંધ્રમાં એન.ટી. રામારાવે સ્થાપેલા તેલુગુદેશમ પક્ષમાં તેમના કુટુંબને ખસેડીને રામારાવના જમાઈ ચંદ્રાબાબુ નાયડુએ લગામ પકડી લીધી છે.આવું આપણા દેશમાં જલદીથી થાય છે અને વધારે પ્રમાણમાં થાય છે, કારણ કે આપણા સમાજમાં લોકશાહીની પરંપરા નથી અને આપણો સમાજ વ્યક્તિપૂજક સમાજ છે. લોકશાહીના સિદ્ધાંતોની વાતો થાય છે પણ આમ જનતા હજુ આજે પણ સિદ્ધાંતો કરતાં આગેવાનોને અનુસરે છે. આવું માત્ર રાજકારણમાં જ થાય છે તેમ નથી. સિનેમાના એક્ટરો, ખેલાડીઓ, શ્રીમંત કુટુંબના-નબીરાઓ માટે આપણા સમાજમાં જે અહોભાવ છે તે દુનિયામાં બીજે કશે દેખાતો નથી.

નગીનદાસ સંઘવી લેખક વરીષ્ઠ રાજકીય સમીક્ષક છે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, Apr 14, 2014

Loading

આ ક્ષેત્રના એ જીનિયસ જ

દીપક મહેતા|Opinion - Literature|14 April 2014

ડાયરી

“અદુલી, ટું આંય સું કરે ચ!” આ શબ્દો સાંભળ્યા છે દાયકાઓ પહેલાં, તે વખતના ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ કેન્દ્ર પરથી. ત્યારે ગુજરાતમાં એક પણ રેડિયો સ્ટેશન નહોતું, એટલે મુંબઈ સ્ટેશનના કાર્યક્રમો ગુજરાતમાં, અરે, ઠેઠ કરાચી સુધી લોકો રોજ સાંભળતા. તેમાં આ શબ્દો જેમાં અચૂક બોલાતા તે કાર્યક્રમ એટલે ‘બુદ્ધિ ધાનશાક મંડળ.’ અદુલી એટલે અદી મર્ઝબાન. અને આ શબ્દો બોલતાં તે કાર્યક્રમમાં તેમનાં પત્ની જરબાનુ જે હતાં વાસ્તવિક જીવનમાં અદીનાં પત્ની સિલ્લા મર્ઝબાન. અદી મર્ઝબાન એટલે નખશિખ પરફોર્મન્સનો માણસ. ૧૯૧૪ના એપ્રિલની ૧૭મી તારીખે તેમનો જન્મ. એટલે કે આ સત્તરમીએ તેમના જન્મને સો વર્ષ પૂરાં થશે. પારસીઓ જુદાં જુદાં કામોમાં પહેલ કરવાનું જાણે, પણ પોતે કરેલાં કામોનું ડિમ ડિમ કેમ વગાડવું તે ન જાણે. અને બિન-પારસી ગુજરાતીઓ તો પારસીઓનાં કામનાં ગાણાં ગાય જ શાના? જો અદી મર્ઝબાન મરાઠી કે બંગાળીભાષી હોત તો એ પ્રજાએ આખું વર્ષ તેમની જન્મ શતાબ્દી ઉજવી હોત.

અદીનો પહેલો પ્રેમ સ્ટેજ. અનેક અંગ્રેજી અને પારસી ગુજરાતી નાટકો પોતે લખ્યાં, તેનું દિગ્દર્શન કર્યું, તેમાં અભિનય કર્યો. પારસી સમાજના પ્રશ્નો તેમાં ચર્ચાતા, પણ ચર્ચા લાગે તેવી રીતે નહિ. અંગ્રેજી મિશ્રિત પારસી બોલીનો ભરપટ્ટે ઉપયોગ, અને એવું જ ભરપટ્ટે હોય હાસ્ય. એક જમાનામાં અદીનાં આ નાટકો જોવા બિન-પારસીઓ પણ મોટી સંખ્યામાં જતા અને નાટકોને ભરપૂર માણતા. ગુજરાતી રંગભૂમિનો પાયો જ પારસીઓએ નાખ્યો અને કેટલાક દાયકા સુધી એ ક્ષેત્રે અગ્રણી રહ્યા. પણ અદીએ આવીને પારસી નાટકની કાયાપલટ કરી નાખી. અદી પહેલાંનાં પારસી નાટકો પાંચ-સાત કલાક ચાલે, અનેક દૃશ્યો હોય, ઘણાંબધાં ગીતો ગવાય, ચીતરેલા પડદા પડે ને ઉપડે. અદીનો ખેલ અઢી-ત્રણ કલાકનો. ગીતો નહિ. દૃશ્યોની સંખ્યા મર્યાદિત. મોટે ભાગે એક જ સેટ પર ભજવાય. ટૂંકમાં અદીએ પારસી નાટકને મોડર્ન બનાવ્યું. બોલચાલની ભાષા પર ગજબનું પ્રભુત્વ. જન્મ, લગ્ન અને મૃત્યુની વાત કહેતા નાટકનું નામ ‘ધસિયો, ફસિયો, ખસિયો’ રાખવાનું એ વગર એમને સૂઝ્યું હશે?

પણ અદી એટલે માત્ર પારસી નાટકો જ નહિ. કનૈયાલાલ મુનશીમાં માણસને પારખવાની અને તેને યોગ્ય સ્થાને બેસાડવાની ગજબની સૂઝ હતી. એટલે તેમણે અદીને ભારતીય વિદ્યા ભવનના કલા કેન્દ્ર સાથે જોડ્યા. તેના બેનર નીચે અદીએ ‘શુદ્ધ ગુજરાતી’માં પણ અનેક નાટકો સફળતાપૂર્વક રજૂ કર્યાં. અદીનું પહેલું નોંધપાત્ર પારસી નાટક ‘પિરોજા ભવન’ પણ ૧૯૫૪મા કલાકેન્દ્રના બેનર નીચે ભજવાયેલું, એટલું જ નહિ, પચ્ચીસ શો સુધી થિયેટર પર ‘હાઉસ ફૂલ’નું પાટિયું લટકતું હતું. આજે આ વાત મોટી ન લાગે, પણ એ વખતે અવેતન રંગભૂમિ પર કોઈ નાટકના દસ શો થાય તો ‘ભયો ભયો’ થઈ જતું.  તેવી જ રીતે પછીથી અંગ્રેજી રંગભૂમિ પર કાઠું કાઢનારા ઘણા એકટર-ડિરેક્ટર અદીનાં અંગ્રેજી નાટકોમાં કામ કરતાં કરતાં ઘડાયા.

૧૯૪૦ના દાયકાની શરૂઆતમાં રેડિયોની જે પહોંચ હતી અને જે ગ્લેમર હતી તે આજના ટીવીને પણ ટપી જાય એવી હતી. ચંદ્રવદન મહેતા ‘રેડિયો ગઠરિયા’માં અદીએ રેડિયો પરથી છ હજાર કરતાં વધુ કાર્યક્રમો રજૂ કર્યા હોવાનું કહે છે. શરૂઆતનાં વર્ષોમાં રેકોર્ડીંગ તો હતું નહિ એટલે એ કાર્યક્રમો ક્યાંથી સચવાયા હોય? પણ ચંદ્રવદનભાઈ લખે છે કે આમાંના એકેએક કાર્યક્રમની સ્ક્રિપ્ટ પ્રેસમાં કમ્પોઝ કરાવી, છપાવીને અદીએ ફાઈલ બંધ સાચવી રાખેલી. અદીને ઘરના છાપાની અને તેના પ્રેસની સગવડ હતી એટલે તેઓ સહેલાઈથી આમ કરી શક્યા હોય. અદીના અવસાન પછી એ ફાઈલોનો ઢગલો અને બીજું પણ ઘણું બધું મુંબઈના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસને સોપાયું અને ત્યાં સચવાયું છે. પણ છ હજાર કાર્યક્રમોમાંથી સો કાર્યક્રમની સ્ક્રિપ્ટ પણ છપાવવાનું અદીના આ જન્મશતાબ્દી વર્ષમાં પણ કોઈને ક્યાંથી સૂઝે?

પછી ૧૯૭૨ના ઓક્ટોબરની બીજી તારીખથી દેશમાં આવ્યું ટીવી. અને પહેલા જ દિવસથી અદી ટીવીના કાર્યક્રમો સાથે સંકળાયા. ત્યારે આજ જેવી ચેનલોની ભરમાર નહિ. સરકારી દૂરદર્શનની પહેલાં તો એક જ ચેનલ. એ પણ રોજના છ-આઠ કલાક જ ચાલે. મુંબઈ કેન્દ્ર પરથી ગુજરાતીમાં નિયમિત રીતે કાર્યક્રમો થાય. તેમાં સૌથી વધુ લોકો સુધી કોઈ કાર્યક્રમ પહોંચી શક્યો હોય તો તે અદીનો ‘આવો મારી સાથે.’ રેડિયોના સ્પોકન વર્ડનો માણસ ટીવી પર પણ છવાઈ ગયો.

લોકોની નાડ અદી બરાબર પારખી શકતા. હસતાં-હસાવતાં સારી અને સાચી વાત તેઓ સિફતથી કહી શકતા. બુદ્ધિ ધાનશાક મંડળ કાર્યક્રમની લોકપ્રિયતા તેનો પુરાવો. અદી, સિલ્લા, અને ગોવિંદજીના પાત્રમાં ચંદ્રવદન મહેતા જે ધમાલ કરતા! આજે કેટલીક વાર ટીવીની સિરિયલમાં એકાદ પાત્રને મારી નાખ્યા પછી થોડા એપિસોડ પછી પાછું જીવતું કરવું પડે છે. એવું જ આ ગોવિંદજીના પાત્ર અંગે પણ થયેલું. ચન્દ્રવનદનભાઈ તો રેડિયો પર નોકરી કરે. એમની બદલી અમદાવાદ સ્ટેશને થઈ. એટલે ગોવિંદજીના પાત્રને મારી નાખવું પડ્યું. પણ એ પછી શ્રોતાઓએ હજારો પત્રો લખી જે કકળાટ મચાવ્યો છે! સરકારી તંત્ર ઝૂક્યું. દર હપ્તે આ કાર્યક્રમમાં ગોવિંદજીનું પાત્ર ભજવવા સીસી અમદાવાદથી મુંબઈ આવશે એમ ઠરાવાયું. અને એટલે ગોવિંદજીના પાત્રને અદીએ ફરી સજીવન કર્યું. પણ, બુદ્ધિ ધાનશાક મંડળ એ તે વળી કેવું નામ? એ જમાનામાં બીબીસી રેડિયો પરથી ‘બ્રેઈન ટ્રસ્ટ’ના નામે થતા પ્રોગ્રામો ભારે લોકપ્રિય. ગુજરાતી અને મરાઠી વિભાગના પ્રોડ્યુસરોને પોતપોતાની ભાષામાં એવો કાર્યક્રમ કરવાની સૂચના ‘ઉપરથી’ આવી. સીસીએ નામ સૂચવ્યું ‘બુદ્ધિવર્ધક મંડળ’ અને એ કામ સોપ્યું અદીને. ત્યારે તો હા ભણીને અદી ચાલ્યા ગયા, પણ કલાક પછી પાછા આવી કહે કે ‘બોસ, તમારા ટાઈટલની પેરેડી કરીએ તો? સીસી કહે, તો ‘બુદ્ધિધ્વંસક મંડળ’ રાખો. પણ અદી કહે કે અમારા પારસી પોરિયાઓને એવું બોલતા જ નહિ આવડે. પછી કહે કે આવતી કાલે હું સ્ક્રિપ્ટ લખીને લઇ આવું, પછી એ વાંચી-વિચારી ટાઈટલ નક્કી કરશું. બીજે દિવસે સ્ક્રિપ્ટની સાથે ટાઈટલ પણ લઈ આવ્યા – ‘બુદ્ધિ ધાનશાક મંડળ.’ કહે, આ ધાનશાક પારસીઓની એક બહુ જ પોપ્યુલર ડિશ છે. બસ, તે દિવસથી બાર વર્ષ સુધી અદીના આ ધાનશાકનો સ્વાદ રેડિયોના શ્રોતાઓને કાને વળગી ગયો.

અદી પરફોર્મન્સના માણસ એ વાત સો ટકા સાચી, પણ વ્યવસાયે તો એ હતા પત્રકાર. બાવીસ વરસની ઉંમરે મુંબઈના “જામે જમશેદ” અખબારના અને “ગપસપ”નામના હાસ્યના સામયિકના તંત્રી બન્યા અને પૂરાં પચાસ વર્ષ તંત્રીની ખુરસી પર બેઠા. પણ માનશો? એ ખુરસી પર બેસીને નવરાશની પળોમાં અદી હાથમાં સોયા અને દોરા લઈ ભરત-ગૂંથણ કરતા. કોઈ પૂછે તો જવાબ આપતા : ‘બધ્ધું સિખવાનું.’ પણ ગુજરાતી પત્રકારત્વના આદિપુરુષ ફરદુનજી મર્ઝબાનના તેઓ છેલ્લા વારસ હતા એ વાત બહુ ઓછી ધ્યાન પર આવી છે.

પહેલ વહેલા ગુજરાતી અખબાર “મુંબઈ સમાચાર”ના સ્થાપક ફરદુનજીસાહેબનો જન્મ ૧૭૮૭માં, સુરતમાં. તેમની પાંચમી પેઢીએ થયેલા અદી મર્ઝબાનનું અવસાન થયું ૧૯૮૭ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે. આ પૂરાં ૨૦૦ વર્ષ સુધી મર્ઝબાન કુટુંબનો કોઈ ને કોઈ નબીરો ગુજરાતી પત્રકારત્વ સાથે જોડાયેલો રહ્યો. ૧૮૫૧ના નવેમ્બરની ૧૫મી તારીખથી દાદાભાઈ નવરોજીએ “રાસ્તગોફતાર” નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. ફરદુનજીના બે પુત્રો બહેરામજી અને મહેરવાનજી આ “રાસ્ત-ગોફ્તાર”ના જોડિયા માલિકો હતા. ૧૮૨૨માં શરૂ થયેલા “મુંબઈ સમાચાર” પછી દસ વર્ષે, ૧૮૩૨માં શરૂ થયેલું “જામે જમશેદ” વર્ષો સુધી ‘સમાચાર’નું કટ્ટર વિરોધી રહ્યું હતું. પણ ૧૮૮૭માં જહાંગીર એન્ડ સરાફ નામની કંપનીએ ‘જામે’ ખરીદી લીધું. આ કંપનીના બે માલિકોમાંના એક હતા જહાંગીરજી, ફરદુનજીના પૌત્ર. થોડા વખત પછી કાવસજી સરાફ ધંધા માટે ચીન જઈ વસ્યા એટલે જહાંગીરજી ‘જામે’ના એકમાત્ર માલિક બન્યા. ૧૯૦૨માં તેમના દીકરા ફિરોઝશાહ ઉર્ફે ‘પીજામ’ ‘જામે’ના તંત્રી બન્યા. કુલ ૩૫ વર્ષ સુધી તેઓ ‘જામે’ સાથે સંકળાયેલા રહ્યા. તેઓ મોટા ગજાના પત્રકાર ઉપરાંત અચ્છા નાટકકાર પણ હતા. ફરદુનજીના પાંચમી પેઢીના વારસ અદી તે આ કુટુંબના છેલ્લા તંત્રી. એક જ કુટુંબની પાંચ પેઢીના સભ્યો પત્રકારત્વ સાથે સતત સંકળાયેલા રહ્યા હોય તેવા દાખલા આખી દુનિયામાં પણ ઓછા જ જોવા મળશે.

અદીનું એક ખૂબ લોકપ્રિય થયેલું નાટક હતું ‘મોટા દિલનાં મોટા બાવા’. નાટકોનાં રિહર્લ્સર દરમ્યાન નટ-નટીઓને એક વાક્ય પોતે મોટા દિલના મોટા બાવા એવા અદીને મોંએથી ઘણી વાર સાંભળવા મળતું: “શું ભૂલી જવાનું, તે યાદ રાખવાનું.” પણ અદી બાવા, તમને ભૂલી જવાનું અમે ક્યારેય યાદ નહિ રાખી શકીએ, કારણ તમને ભૂલી જવા એટલે ગુજરાતી રંગભૂમિના એક સોનેરી પ્રકરણને ભૂલી જવું.

•••

“પત્રકાર અને નાટ્યકાર પિતા પીરોજશાહ જહાંગીર મર્ઝબાન(પીજામ)નો પુત્ર પિતાને પગલે ચાલ્યો. એણે એક કદમ આગે ભર્યું. પીરોજશાહ સફળ પત્રકાર ભેગા સારા નાટ્યલેખક. અદી નાટ્યલેખક ભેગા અતિ કુશળ દિગ્દર્શક. પિતા જેટલા એ પ્રભાવશાળી પત્રકાર નહિ. એનો ‘બીજો પ્રેમ’ પત્રકારત્વ નહિ, પણ રંગભૂમિ. એટલે “જામે જમશેદ”ના વિશાળ કાર્યાલયમાં પચાસ વર્ષ બેસીને પણ એણે વિશેષ લક્ષ નાટકને આપ્યું – તખ્તાનું નાટક, આકાશવાણી પરનું નાટક, ટેલીવિઝન પરનું નાટક. એમના કાર્યાલયમાં, એમનાં આગલાં વર્ષોમાં, એમને મળવાનું થતું. મોટું ટેબલ, એ પર અનેક પુસ્તકો પડેલાં, નવાં અને જૂનાં, મોટે ભાગે અંગ્રેજી. પુસ્તકોમાંથી માથું ઊંચકી સામે જોઈ એની લાક્ષણિક અદાથી હસે, આવકારે. એક વેળા એમ જ એમને મળવા જતાં અજબનું દૃશ્ય જોવા મળેલું. કાર્યાલયમાં કંઈ કેટલાં ય પક્ષીનાં પીંજરાં, અને એમાં જાત જાતનાં પક્ષીઓ. એના અવાજનો એ અભ્યાસ કરતા હતા. કોઈ નાટકમાં, તખ્તાના કે આકાશવાણીના નાટકમાં, ઉપયોગમાં લેવા. એમનું વાંચન વિશાળ, ખાસ કરીને અંગ્રેજી સાહિત્યનું અને તેમાં ય નાટ્ય સાહિત્યનું. લગભગ અર્ધી સદી સુધી રંગભૂમિને ક્ષેત્રે યાદગાર અર્પણ કરીને અદી મર્ઝબાને આપણી વચ્ચેથી વિદાય લીધી. એટલી વાત સ્પષ્ટ છે કે આપણી રંગભૂમિના ઇતિહાસમાં અદી મર્ઝબાન માટે એક વિશિષ્ટ પ્રકરણ રહેશે જ. પિરોજા ભવન, મંચેરજી કોણના, ગુસ્તાદજી ઘોડે ચડ્યા, મોટા દિલના મોટા બાવા, કાતરિયું ગેપ, છૂપો રુસ્તમ, સગન કે વઘન જેવી એમની કૃતિઓ જોનારા અદીને સંભારતા રહેશે.”

− ડો. રતન રૂસ્તમજી માર્શલ

(‘ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ, રંગભૂમિને ક્ષેત્રે પારસીઓનું પ્રદાન’માંથી સંકલિત કરેલા અંશો)

•••

વર્બેટિમ

આ ક્ષેત્રના એ જીનિયસ જ

"અદી મર્ઝબાન – મૌલિક કલાકાર, માતાની ગળથૂથીમાં જ શીખીને આવેલા – અંગ્રેજી, ગુજરાતી નાટક લખનાર, રજૂઆત, કોઈ પણ માધ્યમ હાથ ધરવા જીવ જોડીને અભ્યાસ કરનાર. એને ઈશ્વરદત્ત સમજણ. ટૂંક સમયમાં એ પારંગત થઇ ગયા. એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ભણીપરવારી પારસી જુવાનિયાઓની ટોળી ઊભી કરી. પારસી બાનુઓ નાટકમાં ભાગ લે તે એ કોમ ઓગણીસ સો વીસથી ત્રીસમાં કબૂલ ન રાખે, વાંધો લે. અદી મર્ઝબાને પાંચ-દસ પારસી જુવાનોના હાથ પકડ્યા, દરેકમાં વિવિધ પ્રકારની અભિનયની ખાસિયતો. આમ, એમની ભાષા રંગીલી, રસીલી, મીઠી, ચબરાક, નવા નવા શબ્દોવાળી. બે-પાંચ સુંદર અવાજવાળી, અભિનયમાં છબીલી છટપટાટ સંવાદ કરનારી છોકરીઓ પણ પકડી અને એ ટોળાએ પહેલાં તો નાટકોની હરીફાઈના ઘાટમાં પ્રવૃત્તિ નિયોજી કામ શરૂ કર્યું. એમાં મને જજ તરીકે લઈ ગયેલા. ત્યારે ‘માયની માયા’ નામે એક નાનકડું, સુંદર નાટક રજૂ કર્યું. હાસ્ય, કોમેડી, ફારસ, ટુચકા જેવાં નાટકો રજૂ કરનાર અદીએ એ નાટિકામાં ભારોભાર કરુણ રસ ભર્યો અને પહેલું ઇનામ જીત્યા.

"હું આકાશવાણી દફતરમાં ગોઠવાયો કે તરત એ મને રેડિયો પર નાટક કરવા સૂચના લઈને આવ્યા. ત્યારે અમારી બધા દફ્તરદારોની મિટિંગ ચાલતી હતી, અને એમનું કાર્ડ આવતાં હું બહાર મળવા ગયો. તો કહે કે મારે પ્રોગ્રામ કરવો છે. બે મિનિટની વાતચીત. ‘ઠીક અદીભાઈ, તમે એક પંદર મિનિટનો, ‘ટાંકણીની અણી’ પર નાનો સ્કેચ લખી લાવો. તરત ભજવવા માટે ગોઠવણ કરીશું.’ આટલી જ વાત. અને બીજે દિવસે સવારના લખાણ મારા ટેબલ પર. ચૌદ-પંદર મિનિટની હસાહસ બાદ તે દિવસથી ૧૯૮૫ સુધી – એટલે કે ૧૯૪૦થી ૧૯૮૫, અદી મર્ઝબાને સંગીત, નાટક, રૂપકો, પેરેડીઝ, વાર્તાલાપ, ઇન્ટરવ્યૂઝની જે ચકાચકી બોલાવી તે ગણવા બેસીએ તો ભારે, નહિ મનાય એવડો આંકડો થાય. આ ક્ષેત્રના એ જીનિયસ જ."

− ચંદ્રવદન મહેતા

(‘રેડિયો ગઠરિયાં’માંથી સંકલિત કરેલા અંશો)    

•••

ફ્લેશબેક

અદી એટલે અનાદિ, અનંત આનંદ

(અદી મર્ઝબાનને યુનેસ્કોની ફેલોશીપ મળી હતી, ભારત સરકાર તરફથી પદ્મશ્રીનું બહુમાન મળ્યું હતું, દિલ્હીની સંગીત નાટક અકાદેમીનો એવોર્ડ મળ્યો હતો. પણ ગુજરાતી રંગભૂમિ વતી તેમનું સન્માન કરવામાં આવ્યું તેનું તેમને મન અદકેરું મહત્ત્વ હતું. ૧૯૭૮ના ઓક્ટોબર મહિનામાં ગુજરાતી રંગભૂમિએ સવા સો વર્ષ પૂરા કર્યાં એ અવસરની ઉજવણી ધામધૂમથી મુંબઈમાં થઈ હતી. ૧૯૭૯ના જાન્યુઆરીની ૧૯મીથી ૨૩મી તારીખ સુધી મુંબઈમાં એક અનોખો નાટ્ય મહોત્સવ ઉજવાયો હતો. તેમાં પહેલે દિવસે રંગભૂમિના ક્ષેત્રે યાદગાર પ્રદાન કરનાર સાત વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. એ સાતમાંના એક હતા અદી મર્ઝબાન. તેમને અપાયેલા સન્માન પત્રનું પઠન જયંતિ પટેલે કર્યું હતું. તેમાંના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે.)

"અદી મર્ઝબાનનું નામ કાને પડે એટલે એક એવી આકૃતિ આંખ આગળ આવે જેની સૌ પહેલી અને ઠેઠ સુધી સ્થિર રહેતી અસર નિરવધિ આનંદની જ હોય. અદી એટલે અનાદિ, અનંત, આનંદ. પ્રચાર-પ્રસારનું એક પણ માધ્યમ અદી મર્ઝબાનની મોહિનીમાંથી મુક્ત રહી શક્યું નથી. પછી એ છાપું હોય, તખ્તો હોય, રેડિયો હોય કે ટી.વી. હોય. ૧૯૫૩માં મળેલી યુનેસ્કોની શિષ્યવૃત્તિ અને ભારતની સંગીત નાટક અકાદેમી દ્વારા થયેલું સન્માન, અદીની અખૂટ શક્તિની સાબિતી રૂપ છે. નાટકની રજૂઆતની સફાઈ અને સમસ્ત નિર્માણનો ચળકાટ, એ અદીની રંગમંચને અપાયેલી, કદી ન ભૂલાય એવી, એક અજોડ ભેટ છે. પારસી રંગમંચ ઉપર બૈરાં ઉતરે જ નહિ એવો એક અણલખ્યો બાધ સાહસપૂર્વક અને હિંમતથી તોડવા માટે, રંગમંચ ઉપર હાસ્યનાં મોજાં ફેલાવી, સરળ વાક્ ચાતુરીથી એને રસ તરબોળ બનાવી કૈંક દુખિયાં રડતાંને હસતાં કરવા માટે, અને આ સૌ કરતાંય તો ‘લાફ, એન્ડ ધ વર્લ્ડ લાફ્સ વિથ યુ’નો હંમેશ સાક્ષાત્કાર કરાવવા માટે આ મોટા દિલના મોટા બાવા – અદી મર્ઝબાનને સૌની સો સો સલામ !"  

(સૌજન્ય : દીપકભાઈ મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’ કટાર, “ગુજરાતમિત્ર”, 13 અૅપ્રિલ 2014)

e.mail : deepakbmehta@gmail.co

Loading

...102030...4,0184,0194,0204,021...4,0304,0404,050...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved