Opinion Magazine
Number of visits: 9696884
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હરખ હવે તું હિન્દુસ્તાન

અાશા બૂચ|Opinion - Opinion|28 June 2014

હાશ ! છેવટ ભારતની જનતાએ ચોખ્ખી બહુમતીથી એક પક્ષને પોતાના દેશનો વહીવટ કરવાને માટે વરમાળા પહેરાવી દીધી. હવે નિરાંત. સરકાર માઈ બાપનું ભલું થાજો. હવે એઈને સહુને રોટલો, મીઠું માત્ર નહીં પણ માથે ઘી અને ગોળનો દડબું અને ડુંગળી પણ ખાવા મળશે. વળી, બધાયને એયને મજાનું રહેવાને ઘર અને હરવા ફરવાને એક એક વાહન પણ મળી જાશે પછી શેની ચિંતા ? કહું છું, હરખ હવે તું હિન્દુસ્તાન. જો કે અત્યાર સુધીમાં કેટલીક હકીકતો વાંચવામાં અને સંભાળવામાં આવી છે એનું સ્મરણ થતાં આ હરખને ગ્રહણ લાગ્યા વિના નથી રહેતું.

ભારત દેશમાં અંદાજે લગભગ 23 જેટલા કરોડાધિપતિઓ છે જેનો આનંદ થવો જોઈએ જેને આ હકીકત સામે મૂકી જુઓ : દેશની 25%થી પણ વધુ જનસંખ્યા ગરીબીની રેખા નીચે જીવે છે એટલે કે તમારા જ ચાર બાળકોમાંથી એક ભૂખ્યું, નાગું, ઘર વિનાનું, શિક્ષણ અને તબીબી સારવાર વિનાનું રઝળે છે. આઝાદીના સાડા છ દાયકા વીત્યા છતાં નિરક્ષરતા અને નબળું સ્વાસ્થ્ય એ મોટો પડકાર છે જેનાથી પેલા કરોડાધિપતિઓનાં સુંવાળા જીવનના તેઓ ભાગીદાર નથી બની શકતા.

વાઈબ્રન્ટ ગુજરાતના મોડેલનો ઉપયોગ હવે સમગ્ર દેશના વિકાસ માટે કરવાના આયોજનો થવા લાગ્યાં છે. પરિણામે વિદેશી કંપનીઓ લાખો-કરોડો ડોલર ખર્ચીને ભારતમાં ઉદ્યોગ-ધંધાઓ ચલાવશે અને આપણે માલેતુજાર થવાની ઝંખનામાં એ કંપનીઓમાં રોજી મેળવતા થઇ જઈશું. તો હવે આ હકીકત તપાસીએ : વિકાસ માટેની આ દિશા પકડવાને કારણે દેશી ઉદ્યોગ-ધંધાઓ પડી ભાંગશે અને કારીગરો તથા વેપારીઓ વિદેશી માલિકીના કારખાનાંઓ અને બહુ રાષ્ટ્રીય વેપારી કંપનીઓમાં વાણોતર તરીકે જિંદગી પૂરી કરશે જેમાં તેમના કાર્ય કૌશલ અને કુનેહનો ઉપયોગ ક્યાંથી થાય ? ગ્રામ્ય વિસ્તારના અને નાનાં શહેરના લોકોના રોજગારની તકો લૂંટી લઈને તેમને ‘અમે રોજગારીની નવી તકો આપીશું’ એમ કહીને શહેર ભણી જવા લલચાવે પણ છેવટ એ લોકોની તનતોડ મહેનતને કારણે ભારતના કેટલાક મેનેજર અને વિદેશી કંપનીઓના ડાયરેક્ટરના ખિસ્સાં દેશના કારીગરોના પગાર કરતાં સેંકડો ગણા પગારથી ભરાય તેનું શું ?

ભારતના ફેશન ડિઝાઈનરોનાં તૈયાર થયેલ કપડાં વિદેશમાં ખપે છે. દર વર્ષે કરોડો ડોલરની કિંમતનું કાપડ નિકાસ થાય છે. ગુચી, લુઈ વીટોં, શનેલ અને જ્યોર્જિયો આર્માની જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ  ધરાવતા સ્ટોર્સની શાખાઓ ભારતમાં ખુલવા માંડી છે. હવે આ સિદ્ધિને સામે પલ્લે એક બીજી સત્ય હકીકત મુકીને તપાસીએ : કરોડો ડોલરનું કાપડ નિકાસ થાય છે તો ભારતના જ લાખો લોકો ચીંથરેહાલ કાં ફરે ? અત્યંત મોંઘા દાટ સ્ટોર્સમાંથી ખરીદી કરનારા લાખોપતિ કોની ક્માઈનું ખાય છે ?

ગુજરાત આધુનિક ઉદ્યોગ-ધંધાઓ જેવા કે પેટ્રોલ, સિમેન્ટ હીરા વગેરેના વધતા જતા પ્રસાર માટે માત્ર દેશમાં જ નહીં બલકે પૂરા વિશ્વમાં સુવિખ્યાત બને છે. આ ઉપલબ્ધિની સામે બીજી એક સચ્ચાઈ જોઈએ : હવે ગુજરાતે મોહન (ભગવાન શ્રી કૃષ્ણ) અને મોહન (મો.ક. ગાંધી) બનાવવાનું બંધ કરીને આતંકવાદીઓ બનાવવાનું શરુ કર્યું છે તેનું શું ?  

બેંગ્લોર આઈ.ટી. અને કોલ સેન્ટર માટે જગ વિખ્યાત બન્યું છે તો એ સફળતાની સામે એક હકીકત જાણી લઈએ : કર્ણાટકના 27 જિલ્લાઓના રહેવાસીઓ એચ.આઈ.વી. એઈડ્સથી પીડાય છે. એક અંદાજ મુજબ હાલ પાંચથી દસ લાખ લોકો તેના શિકાર બન્યા છે. જો આ ભયાનક રોગ રોકવાનું કામ યુદ્ધના ધોરણે નહીં લેવામાં આવે તો આંકડો વીસથી પચીસ લાખ સુધી પહોંચી જવાની વકી છે.

હવે કેટલીક માનવ બુદ્ધિ અને સમજ શક્તિની વક્રતાઓ પણ જોઈએ. ભારતમાં અણુ શક્તિની સાથે અણુશસ્ત્રોના ઉત્પાદનમાં ઉત્તરોત્તર વધારો થાય છે. એક અણુ શસ્ત્રના વોર હેડનું  ‘સ્માઈલિંગ બુદ્ધ’ એવું નામાભિધાન કર્યું. અહિંસાના પરમ ઉપાસકનું નામ હિંસાના ચરમ વિનાશક શસ્ત્ર સાથે કેવી રીતે જોડી શકાય ? એવી જ રીતે યુ.એન.નું શાંતિદળ કે જે સશસ્ત્ર સેનાનું જ બનેલ હોય છે એ કહેવાતા શાન્તિ દળમાં ભારતનું પ્રદાન બીજા નંબરનું છે; આશરે 10,000 સૈનિકોનું. શાબ્બાશ ભારત દેશના સુકાનીઓ ! કદાચ તમે વિસરી ગયા હશો કે આ ભૂમિએ ગૌતમ બુદ્ધ, મહાવીર અને ગાંધી જેવા અહિંસાના પ્રબોધકો વિશ્વને ચરણે ધર્યા છે. મુંબઈ વાણિજ્ય, વેપાર, ક્રિકેટ અને હિન્દી ફિલ્મ માટે જગ વિખ્યાત બન્યું છે. સાથે સાથે દુનિયાનું પાંચમાં નંબરનું ગીચ વસ્તી ધરાવનાર શહેર છે અને ગંદકી તથા લાંચ રૂશ્વતનું પણ થાણું છે. ઇ.સ. 2005માં ભારતમાં લગભગ 13000 નવા લખપતિ થયા હોવાનું નોંધાયું જેમાંના મોટા ભાગના મુંબઈવાસી છે અને છતાં ધારાવી જેવી વિશ્વની સહુથી મોટી ઝુંપડપટ્ટી પણ ત્યાંની જ ઉપજ છે.

ભારતના 1.25 અબજ નાગરિકો એ વાતનો જરૂર હરખ કરી શકે કે અંબાણી જેવા ઉદ્યોગપતિઓ, લીકર અને એરલાઈનના માલિકો, તાતા ઇન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસીસ જેવી આઈ.ટી. કંપનીઓ, સાનિયા મિર્ઝા જેવા રમતવીરો, મીરા નાયર જેવા ફિલ્મ  નિર્માતાઓ, નામાંકિત હાર્ટ સર્જનો, સુનીલ મિત્તલ જેવા ટેલીકોમના રાજા જેવાઓના નામ પશ્ચિમી ઉદ્યોગ અને વેપારી જગતને થથરાવે છે. અરે એટલે જ તો બ્રિટન અને અમેરિકા આપણા દેશના માનવ અધિકાર ક્ષેત્રે અતિ શરમજનક ઇતિહાસ સામે આંખ આડા કાન કરીને પણ વેપારી કરારો કરવા સદા તત્પર રહે છે અને હસતું મોઢું રાખીને હસ્તધૂનન કરે છે. અફસોસ માત્ર એટલો જ છે કે આદિવાસીઓ, સ્ત્રીઓ, બાળકો, લઘુમતી કોમ અને ગ્રામવાસીઓ આ વિકાસ યાત્રાનું પુણ્ય મળે તેની રાહ છેલ્લા છ દાયકાથી જુએ છે એમની ધીરજ ખૂટી લાગે છે.

આ નવી સરકારને માથે ઉપર ગણાવી તે બધી સિદ્ધિઓનો હરખ તમામ નાગરિકોને થાય એવો વહીવટ આપવાની જવાબદારી આવી પડી છે. છે કોઈની પાસે જાદુઈ છડી ?

e.mail : 71abuch@gmail.com

Loading

નવતર મૂડીવાદ અને સહભાગી વચ્ચેનો ભેદ

સનત મહેતા|Opinion - Opinion|26 June 2014

– નવતર મૂડીવાદ અને સહભાગી વચ્ચેનો ભેદ

– વોરન બફેટ; ત્રેસઠ કંપનીઓનું અજબ ઢબે સંચાલન કરે છે, પ૦ વરસથી ત્રણ બેડરૂમના મકાનમાં રહે છે

ઉદારીકરણ અને નવતર મૂડીવાદના વ્યાપક ફેલાવા પછી ખાસ કરીને એશિયાઈ રાષ્ટ્રોમાં 'ક્રોની કેપિટાલિઝમ’ (સહભાગી મૂડીવાદ) શબ્દ અને પ્રથા બહુ વ્યાપક બન્યા છે. એના વિવિધ અર્થઘટન જોવા મળે છે. ઘણાને મૂડીવાદ, નવતર મૂડીવાદ અને સહભાગી વચ્ચેનો ભેદ સમજાતો નથી. વિકાસના મુખ્ય ક્ષેત્રો જેવા કે, માળખાકીય સગવડો, વીજ ઉત્પાદન, રાષ્ટૃીય ઘોરીમાર્ગ, ખનીજ આધારિત મોટા ઉદ્યોગો તેમ જ પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોમાં ખાનગીક્ષેત્રના પ્રવેશ પછી ઔદ્યોગિક વિકાસ અને સુવિધા માટે સરકાર પર આધાર રાખવો પડે છે.

પરિણામે સત્તા પરના રાજકીય નેતાઓને ઉદ્યોગના અવિધિસરના ભાગીદાર બની જવાની તક મળે છે. જમીન, ખનીજ, પાણી જેવી જરૂરિયાતો આવા સહભાગી કે ભાગીદારી મૂડીવાદને આસાનીથી મળે છે અને ધીમે ધીમે આવા મૂડીવાદીઓ પોતાને લાભ થાય એવા નીતિ વિષયક નિર્ણયો કરાવી કરોડ કે અબજપતિ બની જાય છે. પરિણામ એ આવે છે કે સીધી લીટી પર ચાલનારા કુશળ ઉદ્યોગોને પણ હરીફાઈમાં ટકવું મુશ્કેલ બને છે. આવા મૂડીવાદને ક્રોની અથવા સહભાગી મૂડીવાદ કહેવાય છે.

ભ્રષ્ટાચાર ફેલાવવામાં આ મુખ્ય ભાગ ભજવે છે. બીજી તરફ આવા હવામાનમાં પોતાની શકિત અને બુદ્ધિથી વિશ્વકક્ષાના ઉદ્યોગપતિ કે અબજોપતિ બનનારા પણ થોડા સાહસિકો છે. આમાં આજે વિશ્વમાં સૌથી મોટું નામ અમેરિકાના વોરન બફેટનું છે. વોરન બફેટ આજે વિશ્વના બીજા નંબરના સૌથી શ્રીમંત વ્યક્તિ છે. એણે પોતાની જાત કમાણીમાંથી ૩,૧૦૦ કરોડ ડોલર એટલે ડોલરના ભાવ રૂ.૬૦ ગણીએ તો ૧,૮૬,૦૦૦ કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. વોરને અગિયાર વરસની ઉંમરે જિન્દગીનો પહેલો શેર ખરીદ્યો હતો.

તો ય બફેટને લાગ્યું કે એણે આવી શરૂઆત મોડી આરંભી. અખબારના ફેરિયાની કામગીરી કરતાં કરતાં કરેલી બચતમાંથી ૧૪ વરસની ઉંમરે વોરને એક નાનું ખેતર ખરીદ્યું; કારણ, વોરન જાણતા હતા કે નાની બચતમાંથી મોટા કામ શક્ય બને છે. આ વાતને વરસો વીતી ગયાં પણ વોરન આજે પણ અમેરિકાના ઓમાહા નામના નાના શહેરમાં એ જ ત્રણ બેડરૂમના મકાનમાં રહે છે. જે એણે પ૦ વરસ પહેલાં એના લગ્ન થયા ત્યારે ખરીદ્યું હતું. વોરનને એની જરૂરિયાતો આ મકાન પૂરી પાડે છે.

એ કહે છે કે તમારી ખરેખર જરૂર હોય એટલું ખરીદો. એટલું જ નહીં વોરન બફેટ આજે પણ પોતાની ગાડી પોતે જ ચલાવે છે. ન એમની પાસે ડ્રાઇવર છે ન સિક્યુરીટીના માણસો. વોરન પાસે વિશ્વનું સૌથી મોટું જેટ વિમાન છે. પણ એ કદી ખાનગી જેટ વિમાનમાં મુસાફરી કરતા નથી. વોરન માને છે. પોતાની જરૂરિયાત કરકસરપૂર્વક મેળવી લેવી જોઇએ. વોરન બફેટની કંપની 'બર્કશાયર હાથવે’ ત્રેસઠ જેટલી કંપનીઓની માલિકી ધરાવે છે. વોરન પોતાની કંપનીઓના મુખ્ય સંચાલકોને દર વરસે માત્ર એક જ પત્ર લખે છે અને એ પત્રમાં વરસના લક્ષ્યાંક નક્કી કરી આપે છે.

એ એમની સાથે ન બેઠકો યોજે છે, ન નિયમિતપણે એમને સાથે ચર્ચા યોજે છે. એ માને છે કે યોગ્ય વ્યક્તિઓને યોગ્ય કામ સોંપવું એ જ મુખ્ય સાચો માર્ગ છે. પોતાની ત્રેસઠ કંપનીઓના મુખ્ય સંચાલકો માટે વોરને બે નિયમ અમલ માટે નક્કી કર્યા છે. નિયમ નંબર : (૧) તમારા શેરધારકોનાં નાણાં ગુમાવશો નહીં. (૨) ઉપરનો પહેલો નિયમ કદી ભૂલવો નહીં. તમારા લક્ષ્યાંકો નક્કી કરો અને પછી સંચાલકો એના પર ધ્યાન કેન્દ્રિ‌ત કરો અને એની કાળજી રાખો. વોરન ઉચ્ચ કક્ષાનાં ટોળાં સાથે હળતા મળતા નથી.

એના ઘેર પહોંચ્યા પછી નવરાશ વેળાએ એ પોતાના માટે 'પોપ ર્કોન’ બનાવે છે અને ટીવી જુએ છે. તેઓ ન મોબાઇલ રાખે છે, ન એના ટેબલ પર કોમ્પ્યુટર હોય છે. પાંચ-છ વરસ પહેલાં, વિશ્વની સૌથી શ્રીમંત વ્યક્તિ બિલગેટ્સ પહેલીવાર વોરનને મળ્યા. બિલગેટને પોતાની અને વોરન વચ્ચે બહુ મેળ નહોતો ખાતો એટલે એણે અડધા કલાકની મુલાકાત માંગી : પણ બિલગેટ્સ વોરનથી એટલા પ્રભાવિત થયા કે અડધા કલાકની બેઠક ૧૦ કલાક ચાલી અને બિલગેટ્સ વોરનના અનુયાયી બની ગયા.

વોરન યુવકોને સલાહ આપે છે કે, ક્રેડિટ કાર્ડથી (બેંક લોનથી) દૂર રહો : તમારા પોતાનામાં જ રોકાણ કરો અને યાદ રાખો કે – નાણાં માનવીને પેદા નથી કરતાં પણ માનવીએ જ નાણાં પેદા કર્યા છે. શક્ય તેટલું સાદગીભર્યું જીવન જીવો. બીજા કહે એમ કરવાને બદલે એને ધ્યાનથી સાંભળો અને એમાંથી તમને સારું લાગે તેટલું સ્વીકારો. બજારની બ્રાન્ડવાળાં કપડાં પાછળ ન દોડો, પણ તમને જેવા સગવડભર્યું લાગે એ પહેરો. બિનજરૂરી ચીજો પાછળ નાણાં ન વેડફો, જેની ખરે જ જરૂરિયાત હોય તેમાં નાણાં ખર્ચો.

બીજા લોકોને તમારું જીવન નક્કી ન કરવા દો. જેની પાસે જીવનની બધી શ્રેષ્ઠ બાબતો હોય એ જ સૌથી વધુ સુખી હોય એવું હોતું નથી. ટૂંકમાં ક્રોની મૂડીવાદીઓ, કે અબજોપતિઓ કે મેનેજમેન્ટ ગુરુ કહેવરાવતા તજ્જ્ઞો કરતાં વોરન બફેટ અત્યંત સાદું જીવન જીવે છે. એની કંપનીઓનું સંચાલન એ સાવ અલગ રીતે કરે છે. બજારના શેરધારકોના નાણાંની પોતાના નાણાં જેટલી જ કાળજી લે છે. મોબાઇલ, ખાનગી જેટ વિમાન કે મોટા મહાલયોમાં રહેવા કરતાં પોતાના મકાનમાં વરસોથી રહે છે.

વિશ્વના શ્રીમંતોમાં વોરન બફેટ બીજા નંબરના સ્થાને પહોંચ્યા છતાં દાનમાં પાછળ પડતા નથી. દર વરસે વિશ્વના નામી અબજોપતિઓની બેઠક યોજી જાહેર કાર્યમાં દાન એકઠા કરે છે. અમેરિકા વૈશ્વિકમંદી સપડાયું ત્યારે પોતે સામે ચાલીને શ્રીમંતો પર વધુ કર નાંખવાની તરફેણ કરી હતી. વોરન બફેટના જીવનમંત્રને સમજીએ તો ક્રોની – એટલે સામાન્ય માનવી મૂડીવાદ વચ્ચેના પલભરમાં સાચા ખોટાનો ભેદ પામી શકે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 26 જૂન 2014

Loading

સવારનો એલાર્મ

ગુણવંત વૈદ્ય|Opinion - Short Stories|26 June 2014

સવારના પહોરમાં લાઉડ સ્પીકર પર શંખનાદની સાથે 'મનકામેશ્વર મહાદેવકી જય'ના પ્રચંડ જયઘોષ સાથે જ ઢોલ, ઝાલર તેમ જ ઘંટનાદની સંગાથે શક્તિનગર સોસાયટીના મંદિરમાં મહાદેવજીની આરતી શિવભક્તોએ સુંદર સ્વરમાં શરૂ કરી :  'ઓમ જય હરિહરા ….'

….. અને એ મંગલ ધ્વનિએ જ હું પણ જાગ્યો. એકી ઊંઘે મારી સવાર પડી હતી. વિમાનની દશ કલાકની મુસાફરી બાદ માતૃભૂમિમાં મારી પ્રથમ રાત એકંદરે આરામદાયક રહી હતી.  રાત્રે ભરાતી સામાન્ય શ્વાનસભામાં થતો શોરબકોર અને દલીલબાજી પણ મારી ઊંઘમાં વિક્ષેપ ન જ પાડી શક્યા. 

આરતીના સૂરમાં દંતધાવનસહિતના મારા તમામ પ્રાત: કર્મો પતાવી મેં મસાલાવાળી ચાનો છેલ્લો ઘૂંટ જ્યાં ભર્યો, ત્યાં જ 'નમ: પાર્વતિ પતયે  હર હર મહાદેવ'ના જ્યકારાથી મારી ચા ભેગી શિવાલયમાં આરતી પણ પૂરી થઈ. 

લાઉડ સ્પીકર બંધ થયું.  મંદિરમાંથી પ્રસાદ લઈ શિવભકતો કદાચ પોતાના વાહનોમાં બેસી ધંધા રોજગારે જવા નીકળતા હોવાનું મને લાગ્યું. વાહનોનો શોર વધ્યો. તમામ રસ્તાઓ જાગી ઊઠ્યા.

મારે માટે દિવસની સુંદર શરૂઆત થઈ. 

બીજે દિવસે સહુથી પહેલાં સ્નાનાદિથી પરવારી પ્રાત: આરતીમાં ભાગ લેવાના ઉમળકે હું વહેલો વહેલો મંદિરે ગયો. 

એક બે ઘરોમાંથી કુકરની વ્હીસલ સંભળાઈ. મંદિર આગળ કોઈ ખાસ ચહલપહલ દેખાઈ નહીં. હું કદાચ ઉત્સાહમાં આરતીના સમય પહેલાં જ મંદિરે પહોંચી  ગયો  હતો. બે ત્રણ  કૂતરાઓ ચોગાનમાં રાતપાળીનો ઉજાગરો ઓછો કરતા હતા. પગથિયાં આગળ પગરખાં ઉતારી હું મંદિરમાં દાખલ થયો કે તરત જ ગર્ભદ્વારમાંથી બાવાજીએ ડોકું કાઢી મને અવલોક્યો. મેં હાથ જોડી નમસ્કાર કર્યા. મારા મંદિર પ્રવેશે એમને આશ્ચર્ય જ થયું હોય એવો ભાવ મને એમના ચહેરે ડોકાયો. દર્શન કરી હું મંદિરની પાળી ઉપર બીજા ભક્તોના આવવાની પ્રતિક્ષામાં બેઠો. એક છોકરો સાઈકલ પર આવ્યો ને  થોડા ઘરોમાં ચાલુ સાઈકલે જ છાપાંના ઘા કરી પલકવારમાં પલાયન થઈ ગયો.  સામેના ઘરની અગાશીમાં ઊભા રહીને એક ગંજીધારી ભાઈ બ્રશ કરતા હતા. નીચે એક બહેન એમના ઘરનું પ્રાંગણ સાફ કરવામાં વ્યસ્ત હતાં. બાજુના ઘરમાંથી કુકરની એક ધમાકેદાર વ્હીસલ સંભળાઈ. એના અવાજથી જાગી ગયેલું એક કૂતરું મંદિરનાં પગથિયાં ચડી સામેની પાળી ઉપર ફરીથી લંબાયું. 

'સૂરજ માથે આવી ગયો, બેટા, હવે તો ઊઠ,' સફાઈકામ પતાવી ઘરમાં  જતાં પેલી બહેને એના છોકરાને ઊઠાડવા હ્યુમન એલાર્મ વગાડતી હોય એમ કહ્યું. બ્રશનું કામ પતાવી પેલા ભાઈએ સ્વચ્છ જગામાં  ઉપરથી કોગળા કરીને સ્વચ્છ મોમાંથી 'જય ભોળાનાથ'  કહી  શંકર  ભગવાનને બાલ્કનીમાંથી હાથ જોડયા. પછી  ઘાંટો કાઢ્યો, 'એ … ચા, નાસ્તો, છાપું લઈ આવજે ….'.

નીચે બબડાટ સાથે રસોડે વાસણો ખખડયાં હોય એમ લાગ્યું.  મંદિરમાં ભક્તજનોની ગેરહાજરી મને મૂંઝવતી હતી. મેં મંદિરનાં ચોગાન અને પગથિયાં તરફ નજર દોડાવી. તે ક્ષણે જ બાવાજી હાથમાં દીવો લઇ ગર્ભદ્વારમાંથી બહાર આવ્યા. પાળી ઉપર કૂતરાને  સુતેલું જોઈ 'હટ … હટ ….' કહી એમણે ખદેડ્યું. પછી તેઓ મારી  તરફ ફર્યા. 

'આરતીમાં રોકાશો ને?' એમણે મને પૂછ્યું. મેં ડોકું હલાવી હા પાડી. 

'ઠીક' કહી અંદર જઈ એમણે એક સ્વીચ દબાવી. તેની સાથે જ લાઉડ સ્પીકર પર શંખનાદની સાથે 'મનકામેશ્વર મહાદેવકી જય'ના પ્રચંડ જયઘોષ સાથે જ ઢોલ, ઝાલર તેમ જ ઘંટનાદની સંગાથે શક્તિનગર સોસાયટીના મંદિરમાં મહાદેવજીની આરતી સુંદર સ્વરમાં શરૂ થઈ : 'ઓમ જય હરિહરા ….'.

હું એકદમ ચમક્યો, સટાક કરતો ઊભો થયો ….. ચોગાનમાં સૂતેલા કૂતરાઓ ય આળસ મરડી બેઠા થયા. હું ભક્તોને શોધતો રહ્યો અને આરતી શરૂ પણ થઈ ચૂકી હતી !!!!

હું સૂર તાલમાં સંગત કરતો હતો અને બાવાજી આરતી કરતા હતા …. 'ઓમ જય હરિહરા ….' 

ત્યાં હાજર હતા હું, બાવાજી અને ભોલેનાથ.  

આરતી પૂરી થતાં જ બાવાજીએ સ્વીચ બંધ કરી. ઝાઝ, પખાજ, ઢોલ, ભક્તોના અવાજ ….. બધું ગયું …

પ્રસાદ લઈ ભારે હૈયે પગરખાં પહેરી ઘર તરફ વળતાં મેં જોયું તો  શક્તિનગરમાંથી કામધંધે જ્નારાઓનાં વાહનોથી સોસાયટીનો રસ્તો ધમધમી ઉઠ્યો હતો. 

બાવાજીની આંખ સાથે મારી આંખો મળી. 

પછી તો બે માસનાં મારાં રોકાણ દરમ્યાન એ મંદિરે જવાનો મારો રોજનો નિયમ બની ગયો અને બાવાજી સાથે મારો ઘરોબો થતાં સોસાયટીનું સમાજદર્શન પણ મને એમના થકી ઘણું થયું. 

બાળકો નિશાળે અને પતિદેવો ધંધે જાય એટલે જમીને સોસાયટીની ગૃહિણીઓ મંદિરના બાંકડે ટાઢે પહોરના ગપ્પે ચડતી.  રાત્રે સોસાયટીનો પુરુષવર્ગ હથેળીએ અંગૂઠો ઘસવાની સાથે સાથે મુખેથી ધુમ્ર વર્તુળો કાઢતાં દેશ અને દુનિયાની અઢળક અસ્ખલિત ખામીક્થાઓ શ્રોતાઓને પીરસતો. તે વખતે ગૃહિણીઓ સીરિયલમાં મન પરોવતી.  મોડી રાતે પુરુષસભા પૂરી થતાં મંદિરના ચોગાન અને સોસાયટીની સંપૂર્ણ જવાબદારી સુરક્ષાકર્મી શ્વાનસમાજ સંભાળી લેતો. આમ મંદિરનો ચોક સતત ૨૪ કલાકની પાળીમાં કાર્યરત રહેતો. … અને ત્યાં થતી તમામ ગતિવિધિના મનકામેશ્વરદાદા સાક્ષી …..

દર્શનાર્થી પાસે સમયના અભાવને કારણે મંદિરની આરતી યાંત્રિક બનાવી દેવાઈ હતી ….. મોહરું ચડાવાયું હતું. 

હા, ઘંટારવ સાંભળીને સોસાયટીના ન ઊઠેલા બધા લોકો જાગી જતા. 

દોઢ કરોડનું એલાર્મ કલોક સમું એ ….. મંદિર ……

મૂલ્યાંકન ….. ? 

e.mail : gunvantvaidya@outlook.com

Loading

...102030...3,9863,9873,9883,989...4,0004,0104,020...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved