1.
મઘમઘતી
સોડમ, ને ભીતરી
અહં ગંધાય.
2.
સાતપગલી
નાતો, તૂટે નૈ કાંઈ
ઊંધા પગલે.
3.
ટૂંકે ત્રાજવે
માપ કાઢે, બિમાર
કૂપમંડૂક.
4.
શોધ છોડી દે.
તું જ થૈ દેખાડ ભૈ
મનુવંશજ.
5.
મેહુલો ન્હાય
મરજાદ મુકીને
ખુલ્લે તડકે.
6.
હેમંતી પ્હોરે
કૂણે તડકે, આયુ
ઈચ્છે ઝાકળ.
7.
અંગ મરોડી
રૂપકડી કુંપળ
અવતરી જો !
8.
મોતી ચમકે
ઝાકળી પાથરણે
કુણા તડકે.
9.
ગૂંગળાય છે
શ્વાસ લેવા, સાગરી
પેટાળે કણ.
10.
શીશી રમાડે
પકડાપકડીનો
વિદેશી દાવ.
11.
ઊનો તડકો
ભડભડ સળગે
સુક્કી સડકો.
૧૬-૦૯-૨૦૧૪
e.mail :gunvantvaidya@outlook.com
![]()


ક્યારે લખવા માંડ્યું, તે યાદ કરું છું ત્યારે યાદ આવે છે કે ચોથી-પાંચમી ચોપડી ભણતો હોઈશ ત્યારે, પરશુરામે પિતાની આજ્ઞાથી માતા રેણુકાનો વધ કર્યો, અને પિતા પ્રસન્ન થયા ત્યારે એણે માતાને જીવતાં કરવાનું અને માતા પોતાનો અલ્પદોષ પણ ભૂલી જાય તેવું માગ્યું, એ કથા સાંભળીને મેં પહેલું નાનકડું નાટક આરંભ્યું – આરંભ્યું જ, બે-ત્રણ પ્રવેશો લખાયા, અને પછી બાળકની જેમ બીજી રમતોમાં મન ચાલ્યું ગયું. પુરાણો, રામાયણ, મહાભારત હું નાનપણથી સાંભળતો અને વાંચતો હતો. પણ આ કથાએ જે કેમ મને સર્જન કરવા પ્રેર્યો તે આજે વિચાર કરું છું ત્યારે થાય છે કે પરશુરામે બાપનું પણ માન્યું, અને માતાને પણ ન્યાય કર્યો, અને તે પણ શુદ્ધ સ્વરૂપે. આ બેવડા રસે મને ધક્કો માર્યો હશે. બેવડો – આજ્ઞાપાનનો રસ અને આજ્ઞાઉત્થાપનનો, અણધાર્યો, નવીન માતૃપ્રેમરસ, અને તે પણ એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી કરનાર પરશુરામમાં ! પરશુ તો ત્યાં નિરર્થક થઈ, રામ જ રહ્યા.
મારો જીવ તો ઇતિહાસનો. સાહિત્યમાં ઇતિહાસ અને ઇતિહાસમાં સાહિત્ય ભાળું. કવિ ઠાકુરને પ્રતાપે રાષ્ટ્રની બિનશરતી ભક્તિ નાડીમાં નહિ, બાપુને પ્રતાપે વિદ્વેષ કોઈ પ્રત્યે નહિ. આ ભૂમિકાએ આંતર-બાહ્ય જગત જોવાની આદત. અંગ્રેજોને ‘ટળો’ તેમ તો કહ્યું, પણ હિટલર – નાઝીવાદ તો પહેલાં જ ટળવો જોઈએ. જાપાનનો ટોજો તો હારવો જ જોઈએ, ભલે સુભાષબાબુ તેની સાથે હોય, અંગ્રેજો સાથે લડાઈ, છતાં અંગ્રેજો જ જીતે. હિટલર હારે તેવી ઇતિહાસ પ્રેરિત આકાંક્ષા અને કેવા અંગ્રેજો ‘અમે દરિયામાં લડશું, દરિયા કાંઠે લડશું – શેરીઓમાં, ઘરોમાં લડશું. પણ નમતું તો નહિ આપીએ.’ આવી વીરવાણી ! જગતમાં સ્વતંત્રતાના નામનો સોપો પડી ગયો હતો. હિટલરની ડાકણો જેવી ટૅકોનાં ધાડાંનાં ધાડાં ફ્રાન્સ – ઉત્તર આફ્રિકા – યુગોસ્લાવિયા – ગ્રીસ – ક્રીટમાં ફરી વળ્યાં છે, તે વખતે વિષ્ણુના ચાપ જેવો આ ટંકાર, ચિત્તમાં તુમુલ સંગ્રામ જાગે, અંગ્રેજો તો જાય, પણ તેઓ જીતે, આમાંથી પ્રગટ્યું ‘દીપનિર્વાણ’. નિર્વાણ એટલે ઓલવાઈ જવું, વાસના-અહ્મનું મહાવિલીનીકરણ – તે બૌદ્ધધર્મનું ચરમ બળ. પણ તેની કલ્પના એવી કે જેની મશાલ ઓલવાય છે તે એક વિશાળ વર્તુળમાં ઊભો છે, ઓલવાતાં પહેલાં તે પોતાની મશાલથી બાજુની મશાલ ચેતવતો જાય છે, માલવ ગણ હારીને માધ્યમિકામાં નવું ગણરાજ્ય જમાવે; હારેલું ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, અમેરિકા, રશિયાની મશાલ ચેતવતું જાય છે. ગણરાજ્યોનો સામ્રાજ્ય સામેનો સંગ્રામ. ગણ એટલે સમૂહ, એમાં થોડા જ શૂરવીરો નથી – બધા જ શૂરવીરો. અને રસિકતા વિનાની શૂરવીરતા એટલે બર્બરતા. ગણોમાં આનંદોત્સવો હતા જ, તેમ જ જયસ્વાલ વગેરે ઇતિહાસકારોએ સમાજ-ઉત્સવો નોંધીને કહ્યું જ છે.
(૧૯૧૪ના ઓક્ટોબરની પંદરમી તારીખે જન્મેલા મનુભાઈ પંચોળી ‘દર્શક એટલે આપણા એક મોટા ગજાના સર્જક, મૌલિક ચિંતક, સંનિષ્ઠ શિક્ષક, અને જાહેર જીવનના સદા જાગૃત રખેવાળ. દર્શકની દીપનિર્વાણ નવલકથાને ઉમાશંકર જોશીએ ગોવર્ધનરામની નવલકથા પછીની એક અગ્રગણ્ય નવલકથા તરીકે ઓળખાવી છે. આજથી બે-અઢી હજાર વર્ષ પહેલાંના ભારતને પાર્શ્વભૂમિ તરીકે રાખીને લેખકે સુચરિતા, સુદત્ત, અને આનંદ વચ્ચેનો પ્રણયત્રિકોણ અહીં આલેખ્યો છે. આ નવલકથાના મુખ્ય સ્ત્રીપાત્ર સુચરિતાની વાત તેની જ એકોક્તિ રૂપે સાંભળીએ, દર્શકની જન્મ શતાબ્દી નિમિત્તે)