Opinion Magazine
Number of visits: 9871067
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘કર્મશીલ’ સાહિત્યકારો ?

ડંકેશ ઓઝા|Opinion - Literature|1 December 2014

ગુજરાતી સાહિત્યમાં ઘણાં બધાં પારિતોષિકો અપાય છે. કોઈક કાળે ઓછાં પારિતોષિકોની ફરિયાદ રહેતી હોય તો ભલે, પરંતુ હવે એવું નથી, એવું સર્વ કોઈ સ્વીકારશે. સ્થિતિ એટલી બદલાઈ છે કે આજે સાહિત્યમાં ગુણવત્તા ભૂતકાળના પ્રમાણમાં તો ઘટી જ છે અને પારિતોષિકોની સંખ્યા વધતી ગઈ છે. આજે સાહિત્યકારો પોતાનાં પુસ્તકોની સંખ્યાના જોરે મોટા હોવાનો દાવો કરે છે, તો બીજા કેટલાંક ઓછાં પુસ્તકો હોવા છતાં વધુ પારિતોષિકો મેળવ્યાનો દાવો પણ કરી શકે તેવી સ્થિતિ છે. મનમાં સવાલ એ થાય છે કે આવી સ્થિતિ સારી કહેવાય ખરી ?

બીજો વિચાર ‘કર્મશીલતા’નો આવે છે. ઘણા બધા સાહિત્યકારોને કર્મશીલ પણ ગણાવાય છે. ક્યારેક પોતે પણ કર્મશીલ હોવાનું સ્વીકારી લે છે અથવા એવો દાવો કરતા થઈ જાય છે. એક તરફ સમાજમાં કામો વધી પડ્યાં છે અને કામ કરનારા ઓછા છે. જેટલા લોકો લેખન તરફ વળે છે, તેટલા પ્રમાણમાં સામાજિક કાર્ય તરફ સ્વેચ્છાએ વળતા હોય એવું ઝાઝું દેખાતું નથી. કામો જરૂર થાય છે, પરંતુ આપણો દેશ અને સમાજ અને તેના પ્રશ્નો એવા તો સંકુલ અને મસમોટા છે કે ગમે તેટલું ગંજાવર કામ થયું હોય અને થતું હોય તો પણ નાનું દીસે છે. આવી પરિસ્થિતિમાં પત્રકાર કે લેખક પોતાને કર્મશીલ ગણાવે, ત્યારે થોડું વરવું લાગે છે, જેમાં ઝટ સંમત થવાનું મન થતું નથી.

ફિલોસૉફર સાર્ત્રે તો કહેલું કે ‘વિચાર એ પણ કાર્ય છે.’ પણ, પછી પ્રશ્ન એ થવાનો : કયો વિચાર અને કેવો વિચાર ? સાર્ત્રની કક્ષાએથી જે કક્ષાની વાત થઈ હોય, તેનો દલીલ તરીકે આપણી ક્ષુલ્લક વાતમાં કોઈ સહારો લે, ત્યારે મનોમન હસવું આવી જાય છે. સાર્ત્રની કક્ષાનો વિચાર કરનારા, કહીએ તો વિનોબા જેવા, આપણે ત્યાં બીજાઓ છે ખરા ? હોય તો પણ કેટલા ઓછા.

સાહિત્યને સમાજ સાથે નાભિનાળનો સંબંધ હોવાનું સ્વીકારવા છતાં બધા સાહિત્યકારોને સામાજિક નામના ખાનામાં ખતવી શકાય ખરા ? જે અર્થ અને જે સંદર્ભમાં ઈશ્વર પેટલીકર કે પન્નાલાલ કે દિલીપ રાણપુરા કે જૉસેફ મેકવાનને સામાજિક સાહિત્યકાર લેખાવી શકાય તે અર્થમાં બીજાને ગણાવી શકાય ખરા ?

આવા કંઈક વિચારો મનમાં ઘમસાણ યુદ્ધ જમાવી બેઠા હતા જ્યારે વર્ષ ૨૦૧૦નું સચ્ચિદાનંદ સન્માન ચંદ્રકાંત શેઠને, ૨૦૧૧નું રતિલાલ બોરીસાગરને અને ૨૦૧૨નું લાભશંકર પુરોહિતને તા. ૭ જૂન, ૨૦૧૪ના રોજ ચિત્રકૂટધામ, મહુવા ખાતે આદરણીય મોરારિબાપુના હસ્તે ગુજરાતી સાહિત્યના પ્રમુખ ધીરુભાઈ પરીખની હાજરીમાં અપાઈ રહ્યું હતું.

પેટલાદના દંતાલી ખાતે નિવાસ કરતા સ્વામી સચ્ચિદાનંદે સાહિત્ય પરિષદને જ્યારે આ સન્માન માટે જે કંઈ રકમ આપી હશે, ત્યારે સાહિત્ય અને સમાજ વચ્ચેના સંબંધો ગાઢ હોય અને એવું સાહિત્ય લખતા હોય તેવાને તે અપાય એવો જ વિચાર હશેને ? એટલે તો ગુજરાતી સાહિત્ય પરિષદ જેમને આ સન્માન આપે છે, તે બધાને ‘કર્મશીલ’ ગણાવવાનો પુરુષાર્થ કરે છે !

શરૂઆત ૧૯૯૭માં ભોગીલાલ ગાંધીને આ સન્માન આપવાથી થયેલી. પછી તે નિરંજન ભગત(૧૯૯૯)ને પણ અપાયું. ગુણવંત શાહ(૨૦૦૧)ને પણ અપાયું. ધીરુભાઈ પરીખ(૨૦૦૪)ને અપાયું. અત્યાર સુધીમાં કુલ સોળ સાહિત્યકારોને અપાયું. એમાં નથી જૉસેફ મેકવાન, નથી દિલીપ રાણપુરા કે નથી ધ્રુવ ભટ્ટ !

ગુજરાતી સાહિત્ય પરિષદ શતાયુ બની છે, તેનું આપણે ગૌરવ લઈએ તે સારુ છે. પરંતુ જે રીતે આ સન્માન જેમને અપાય છે, તે બાબતે ચર્ચાવિચારણા પણ ન કરીએ તો તે વાજબી નથી. સચ્ચિદાનંદ સન્માન માટેની કોઈ નિર્ણાયક-સમિતિ નથી. સન્માન પ્રતિવર્ષ એક સાહિત્યકારને અપાય છે. પરિષદના ટ્રસ્ટીમંડળના સભ્ય રઘુવીર ચૌધરીએ જાહેર સમારંભમાં એવું કહ્યું કે ટ્રસ્ટીઓ વાતચીત કરીને, પ્રમુખની સંમતિથી આ નિર્ણય લે છે. આને બહુ સંયત રીતે કુલડીમાં ગોળ ભંગાતો હોવાનું કહી શકાય ? સમાજમાં પારદર્શકતાની ઝંખના વધી છે. અગાઉ ચાલ્યું એવું હવે ચાલવાનું કે ચલાવવાનું નથી. લોકશાહી સરકારો માહિતી અધિકાર આર.ટી.આઈ. સુધી પહોંચી ગઈ છે, ત્યારે આપણે નિર્ણાયક-સમિતિઓ પણ ન રચીએ અને તે જાહેર ન કરીએ, તો તે કેટલું યોગ્ય કહેવાય ? સવાલ કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થાનો નથી. સવાલ વિશ્વસનીયતાનો, જવાબદારીનો અને પારદર્શિતાનો છે. આ લઘુતમ અપેક્ષા છે.

સમાજમાં અને સાહિત્યમાં જે કંઈ ચાલી રહ્યું છે, તેને તટસ્થતાથી મૂલવવાનું વલણ સમાજમાં ઓછું થતું જાય છે એ ખરી ચિંતાનો વિષય છે. પછી બધાંને ફાવતું થઈ જતું હોય છે. મૂલ્યનાં ધોરણો જળવાય તે માટેની કડક પરીક્ષા અને આલોચના ન થાય તે કેમ ચાલે ? આપણે ત્યાં વિચારપત્રો છે પણ તેમાં પૂર્વગ્રહ અને વ્યક્તિલક્ષી વિચારણાઓ પ્રવેશી જાય છે, જે ચર્ચાના સ્તરને દોદળું અને નકામું બનાવી મૂકે છે. સાહિત્યનાં સામયિકો પણ ડઝનબંધી છે. તેમને કદાચ આવા વિષયોમાં પદાર્પણ કરવા જેવું પણ લાગતું નથી. જે કંઈ સર્જન થયું તે છપાવવામાં અને આવી મળે તે છાપવામાં બધા રત છે … ઑલ ઇઝ વેલની આલબેલ પોકારી શકાય તેમ તો નથી જ નથી.

મિત્રો, થોડી વધુ ગંભીરતાથી ન વિચારીએ ?

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2014, પૃ. 15-16

Loading

ગુજરાતી કવિતા

નરોત્તમ પલાણ|Opinion - Literature|1 December 2014

આજકાલ ગુજરાતી કવિતાના રંગઢંગ જોવા જેવા છે. ‘કવિતા’, ‘કવિલોક’ અને હમણાં-હમણાં આપણા યુવા કવિમિત્ર અંકિત ત્રિવેદીના તંત્રીપણા હેઠળ ‘શબ્દાલય’ જેવાં ત્રણ-ત્રણ સ્વતંત્ર સામયિકો માત્ર કવિતા-સામગ્રી લઈને જ પ્રગટ થાય છે. કેવું લાગે છે આ બધામાંથી પસાર થતાં ? ગામડાની ગાય-બળદ પ્રધાન ખેતીનો જેને અનુભવ હશે તે જાણતા હશે કે બળદને ક્યારેક છેરણું થઈ જતું હોય છે. હાલતાં-ચાલતાં આડું-અવળું એનું છેરણું સતત ચાલુ જ રહે ! રસ્તો, રાહદારી અને ખેડૂત બધા એનાથી દુઃખી-દુઃખી થઈ જાય ! આજકાલ કવિતાની હાલત પણ કંઈક આવી છે. અમારા જેવા સુપર સિનિયર કવિતા-ચાહકો, જે-તે સામયિકનો નવો અંક વાંચીને ફોનટૉક કરે, ચર્ચા ચાલે કે આનું કારણ શું ? નિદાન એવું થાય કે ‘અનુભવ’ હોય, તો ઝાડો બંધાયને ? અંકિત જેવા ઉત્સાહી જુવાનિયાઓ નવાં-નવાં પાત્રો લઈને ફર્યા કરે, પણ કંઈક ‘આકાર’ હોય, તો કારી ફાવેને ? અરે, શેરડીના સાંઠાની જેમ જેના દરેક કટકે કાફિયા હોય એવી ગઝલ જેવી ગઝલ પણ આકારવિહીન ? એમાં ય (કદાચ શ્રી-શ્રી-શ્રી ની અસરથી) આપણી કવયિત્રીઓ તો ગુરુમહિમાની ગઝલો પણ ગાવા લાગી છે !

‘કવિતા’નો ૨૮૩મો અંક ‘દીપોત્સવી-પર્વની દીપમાળા’ લઈને આવ્યો છે. અગાઉ જેને કવિતાનો ‘શયદા ઍવૉર્ડ’ મળી ચૂક્યો છે, તે મુંબઈના ચર્મરોગ-નિષ્ણાત ડૉ. હેમેન શાહને ૨૦૧૩નો કવિશ્રી હરીન્દ્ર દવે ઍવૉર્ડ મળે છે. ડૉ. હેમેનને ધન્યવાદ અને હા, ‘ગુજરાતી કવિતામાં વૈદ્યો અને ડૉક્ટરોનો ફાળો’ આવો વિષય પીએચ.ડી. માટે વિચારી શકાય.

આ વખતે માત્ર કવયિત્રીઓની રચનાઓથી જ દિવાળી અંક બન્યો છે. ‘લેખાં-જોખાં’ સાથે ‘હું’ ને માફકસર (લક્ષ્મી ડોબરિયા) કંડારવામાં આ કવયિત્રીઓ પ્રમાણમાં સભાન જણાય છે, પરંતુ અંકની આગળ-પાછળનું કવિતા સંદર્ભેનું ગદ્ય ચિંતાનો વિષય લાગે છે. ‘કવિતા લખે તે કવિ, એમાં સ્ત્રીપુરુષના ભેદ ન હોય.’ આવું કહ્યા પછી તુરત ‘પુરુષ કવિની કવિતા અને સ્ત્રી-કવિની કવિતા માણવા માટે જુદી માનસિકતા અને જુદી સંવેદના હોવી જરૂરી છે. – કવિતાને અપેક્ષિત ઋજુતા, કોમળતા, મુલાયમતા અને મખમલી અનુભૂતિઓ સ્ત્રી કવિ પાસેથી જ મળી શકે અથવા સહજતાથી કે સારી રીતે આવી શકે !’ (રમેશ પુરોહિત) વગેરે વિધાનોમાં ‘કવિતા’, ‘સમજ’ કે ‘ગદ્ય’ કંઈ સચવાતાં લાગતાં નથી. ‘સૌંદર્યની પાર રસળતું સૌંદર્ય’ એટલે શું ? આ જાતના ‘કવિતાઈ ગદ્ય’ પાછળ તર્કસંગત કોઈ વિચારશ્રેણી હોતી નથી, તેમ જ અહીં વિશેષ દુઃખદ તો એ છે કે હજુ આજે પણ આપણે કવયિત્રીઓને ‘મુગ્ધ’ માનીએ છીએ !

ખેર, અમારી પેઢીને તો નિરંજન ભગત જેને ‘ગુજરાતીમાં ગ્રીક’ કહે છે તે બ.ક.ઠા. યાદ આવી જાય ! તેમણે સુન્દરમ્‌ની ‘વત્સલનાં નયનો’ને ગુજરાતી ભાષાની સૌથી સુંદર, નાજુક, ઋજુ કોમળ રચના ગણાવેલ છે. ‘આપણી કવિતા સમૃદ્ધિ’ના ઉત્તરાર્ધમાં આ આપણી કવિતા‘સમૃદ્ધિ છે, કવિ સમૃદ્ધિ નથી. એમાં કોઈ કવિને પ્રસન્ન કરવાનો કે કોઈ કવિને અપ્રસન્ન કરવાનો ઇરાદો હોઈ ન શકે.’ (ચંદ્રકાન્ત ટોપીવાળા) ‘કવિતા’ના આ અંકમાં કવયિત્રીઓને પ્રસન્ન કરવાનો ઇરાદો જણાય છે.

સંદીપ ભાટિયાએ તૈયાર કરેલું ‘કવિતા’નું મુખપૃષ્ઠ અને સુપ્રસિદ્ધ ચિત્રકાર રવિ વર્મા ઉપર કેતન મહેતાએ તૈયાર કરેલ ફિલ્મ ‘રંગ રસિયા’ જોતાં એમ લાગે છે કે ‘કવિલોક’ અને ‘શબ્દાલય’માં રહેતી ‘કવિતા’એ ઘર બદલ્યું છે કે શું ? સંદીપે રાધાકૃષ્ણની ઝૂલતી ધાતુમૂર્તિના બંને છેડામાં ‘મને રાણી તરીકે માન આપતો વર હું પસંદ કરતી નથી, જે મને ‘સ્ત્રી’ તરીકે ચાહતો ન હોય’ એવું ભર્યું-ભર્યું વાક્ય મૂકીને કવિતા રચી છે.

– પોરબંદર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2014, પૃ. 15

Loading

સચરાચરને કાજ

પંચમ શુક્લ|Poetry|29 November 2014

સચરાચરને કાજ                • પંચમ શુક્લ

ઊભી રહીને પાળિયે, આંસુડા નવ સાર,
ના ભોંયે, ના નીંદરે, હું આખે સંસાર.
હું છું વાયુ હાથિયો, હજાર હાથે વાઉં;
ને પાસો હીરા તણો, રજકણથી ધોવાઉં.
સૂરજનું હું થોભિયું, કણસલે લહેરાઉં;
ને શ્રાવણનું સરવડું, નીતર્યાં પહેલાં ન્હાઉં.
કો પરભાતી ટાઢકે, ઝબકી જાગી જાય;
મલીર વીંટ્યા થાનલાં કલરવથી ઉભરાય;
નભમાં ખગ જે ઘૂમતાં (તે) ઉદરમાં અમળાય;
તો નિશ્ચે તું જાણજે નથી ગયો હું ક્યાંય!
માથું ફોડી પાળિયે, આરડજે નવ રાજ,
ના માંહે, ના નીંદરે, (છું) સચરાચરને કાજ.

16/8/2012

Inspired by …

Mary Elizabeth Frye (1932)

Do not stand at my grave and weep,
I am not there; I do not sleep.
I am a thousand winds that blow,
I am the diamond glints on snow,
I am the sun on ripened grain,
I am the gentle autumn rain.
When you awaken in the morning’s hush
I am the swift uplifting rush
Of quiet birds in circling flight.
I am the soft star-shine at night.
Do not stand at my grave and cry,
I am not there; I did not die.

Loading

...102030...3,9433,9443,9453,946...3,9503,9603,970...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved